ફૂલદાની – સંકલિત

[1] મોટું કોણ ? – કુમુદભાઈ બક્ષી

‘હે પરમકૃપાળુ પરમાત્મા, અમને એવી સરળતા આપ કે અમે જીવનના નિર્દોષ, સાત્વિક આનંદો સૌ સાથે માણી શકીએ, ફૂલોને, પ્રાણીઓને, વૃક્ષોને, પુસ્તકોને ચાહવાનો આનંદ, બીજાને સુખી કરવાનો આનંદ.’ કુન્દનિકા કાપડિયાની આ પ્રાર્થના અમે સાક્ષાત વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધમાં નિહાળી.

રાત્રીના આઠ વાગ્યા હતા. દીવાનખંડમાં દૈનિક ચર્ચા ચર્ચાતી હતી. અચાનક એક વહોરા સજ્જન પ્રવેશ્યા ! પ્રશ્ન કર્યો : ‘સર, મને ઓળખ્યો ?’ વૃદ્ધ શિક્ષકે વિનયપૂર્વક ના પાડી, આગંતુકે ખુલાસો કર્યો, ’27 વર્ષો પૂર્વે હું આપના ઘરે ટ્યૂશન આવતો હતો. ફી ચૂકવવાની મૂંઝવણે ટ્યૂશન આવવાનું બંધ કર્યું. સાહેબ, તે વેળા આપ મારે ત્યાં પધાર્યા અને સૂચના આપી હતી કે ફી જ્યારે મળે ત્યારે, જે મળે તે આપજે, પણ તું મારે ત્યાં કાલથી ગણિત શીખવા આવ. તમારા અભય વચને હું અભ્યાસ પૂર્ણ કરી શક્યો. અમારા ધર્મગુરુ વડા મુલ્લાસાહેબનો આદેશ છે કે કરજ કરવું પડે તો ભવિષ્યમાં ચૂકવ્યા વિના રહેશો નહિ. આજે હવે વ્યાપારમાં કમાઉં છું અને પુરાણું કરજ ચૂકવવા ઘર શોધતો શોધતો, તમને શોધતો આવ્યો છું.’

શિક્ષકની આંખ અને હૃદય બંને ભીનાં થયાં. વિદ્યાર્થીના પૈસા, પ્રેમ કે સમજ, મોટું શું ? આખરે વિદ્યાર્થીના આગ્રહને વશ કવરને માત્ર હાથ અડકાવી એ જ કવર આવેલા સજ્જનને તેનાં બાળકો માટે પરત કર્યું. સાથે સંદેશો પાઠવ્યો, ‘તમારા દીકરા, દીકરીને કહેજો કે આ દાદાજી તરફથી ભેટ છે.’ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને હું એકીટશે જોઈ રહ્યો. ધન્ય છે ધર્મગુરુને કે જેમણે આવા નેકીના સંસ્કારનું સિંચન કર્યું અને વર્ષો બાદ શિક્ષકના ઋણને વેપારી ચૂકતે કરવા આવ્યા. સાથે જ રૂપિયા પરત કરનાર શિક્ષક કેમ ભુલાય ? સુરતને વિજ્ઞાન મેળામાં રૉશન કરનાર 88 વર્ષના શિક્ષક બ.ઉ. દીક્ષિતજીને વંદન. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[2] આ વિશ્વ આવું કઠોર-વિકેડ જ છે – ડૉ. પ્રદીપ પંડ્યા

નોબલ પ્રાઈઝ. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને નોબલ પ્રાઈઝ મળ્યું. મોટા ભાગના લોકો માને છે કે તેઓને મળવું જોઈતું ન હતું. તેમનું યોગદાન માનવજાત માટે હજી સુધી કંઈ નથી. એક બીજી વ્યક્તિનું નામ પણ નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ થયું હતું. કોણ હતી આ વ્યક્તિ ? તેમનું નામ છે ઈર્ના સેન્ડલર. 98 વર્ષની ઉંમરે હમણાં તેનું મૃત્યુ થયું. બીજા વિશ્વયુદ્ધ વખતે વોર્સોનાઘેટો વિસ્તારમાં તેને પ્લમ્બિંગ અને સફાઈ કરવાનું કામ મળ્યું હતું. તેણે તે કામ જાણી જોઈને લીધું હતું. તેનો ઉદ્દેશ તો જુદો હતો. તેને જર્મનીની યહૂદીઓ માટેની યોજનાની ખબર હતી. તે દરરોજ તેનું કામ કરવાનાં સાધનોની પેટી લઈ જતી અને પાછી આવે ત્યારે તેમાં એક નાના શિશુને મૂકીને લઈ આવતી. કોઈ વખત મોટું બાળક હોય તો મોટી પેટી લઈ જતી. તે તેની સાથે એક ભસતો કૂતરો પણ લઈ જતી. જ્યારે નાઝી સૈનિકો તેને અંદર જવા દે કે તે બહાર આવે ત્યારે કૂતરાને ભસવાની તાલીમ આપી હતી, જેથી જ્યારે તે બહાર આવે અને બાળક રડે તો કૂતરાના ભસવાના અવાજમાં તે ઢંકાઈ જાય. આ સમય દરમિયાન તેણે 2500 શિશુ અને બાળકોને બચાવ્યાં.

છેવટે તે પકડાઈ અને નાઝીઓએ તેના હાથ-પગ તોડી નાખ્યા અને સખત માર માર્યો. ઈર્ના જે બાળકોને આવી રીતે બહાર લાવી હતી તેનાં નામ નોંધી રાખ્યાં હતાં. એક કાચની બોટલમાં તે નામ લખ્યાં હતાં અને તેના બગીચાના એક ઝાડ નીચે દાટ્યાં હતાં. વિશ્વયુદ્ધ પૂરું થયું. તેણે તે બાળકોનાં માતાપિતા જેઓ બચી ગયાં હતાં તેઓને શોધવાના પ્રયત્નો કર્યા અને કેટલાંયને પાછાં આપ્યાં. તેનું નામ નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ થયું, તેને આપવામાં આવ્યું નહોતું અને કોને મળ્યું ? અલગોરને – ગ્લોબલ વૉર્મિંગના એક સ્લાઈડ શૉ માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ! આ વિશ્વ આવું કઠોર-વિકેડ જ છે. પ્રાઈઝ હમેશાં જેને મળવું જોઈએ તેને મળતું નથી. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

[3] તોફાની અને ટીખળી સૂર્ય – સંસ્કૃતિરાણી દેસાઈ

તોફાની અને ટીખળી છોકરાની માફક
સવારથી નાહ્યા કરે છે સૂર્ય
આકાશના બાથટબમાં
સાબુના ફીણથી ભરી દે છે આખાય બાથટબને
ને પછી બાથટબની બહાર પણ ફીણ ઊભરાતું જાય
તોય નાહવાનું બંધ નથી કરતો.
કેટલીય વાર ‘બસ હવે બહું થયું’ કહેવા છતાં
નાહ્યા જ કરે છે સાંજ સુધી.
પછી તો એનું બોચું પકડી
શિક્ષા તરીકે પૂરી દે છે એને અંધારી કોટડીમાં
તોય પાછો સવારે બેસી જાય છે નહાવા
આકાશના બાથટબમાં
ફીણ ફીણ કરી દે છે ચારેય બાજુ.
હવે એને અંધારી કોટડીમાં પૂરવો જ ન જોઈએ.
છો નાહ્યા કરે ચોવીસ કલાક.
પછી ભયંકર શરદી થશે એટલે પોતે જ સમજી જશે.
શું એને આમ ચોવીસ કલાક નહાવા દઈ
એક વાર ભયંકર શરદી થવા દેવી જોઈએ ?

[4] નાની લેખિકા, મોટી શરૂઆત – પ્રિયદર્શની

કહેવાય છે કે જીવનમાં સફળ થવા માટે રોજબરોજ બનતી ઘટનાઓમાંથી બોધપાઠ મેળવીને આગળ વધવું જોઈએ. અમદાવાદની 16 વર્ષીય વિદ્યાર્થીની અનુપ્રિયા જૈને આ કહેવત સાચી કરી બતાવી છે. અનુપ્રિયાએ રોજિંદા અનુભવો પર આધારિત પુસ્તક ‘ધી વે યુ લુક….’ લખ્યું છે. દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધોરણ-10માં ભણતી અનુપ્રિયાનું પ્રથમ પુસ્તક દિલ્હીની એક પ્રકાશક કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને વાર્તાનું સ્વરૂપ આપીને અનુપ્રિયાએ જુદી જુદી 23 વાર્તાઓ લખી છે. જાણીતી લેખિકા સુધા મૂર્તિનાં પુસ્તકોથી પ્રેરિત થઈને અનુપ્રિયાએ આ પુસ્તક લખ્યું છે. અનુપ્રિયા કહે છે, ‘હું જ્યારે ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારથી મને નિયમિત રોજનીશી લખવાની ટેવ હતી. સુધા મૂર્તિનાં પુસ્તકો વાંચ્યા પછી મેં મારી પોતાની જૂની ડાયરીઓ ફરીથી વાંચી અને તેમાંના પ્રેરણાદાયક લાગતા 23 પ્રસંગો પસંદ કરીને પુસ્તકનું સ્વરૂપ આપ્યું.’ અનુપ્રિયાએ ઈન્ટરનેટની મદદથી પ્રકાશકની શોધ કરી. આ અંગે વાત કરતાં તે કહે છે, પુસ્તકની સિનોપ્સિસ તૈયાર કરીને મેં જુદા જુદા 10 થી 15 પ્રકાશકોને મોકલી હતી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પ્રકાશકોને મારી વાર્તાઓ એટલી બધી ગમશે કે તેઓ સામે ચાલીને મારું પુસ્તક છાપશે.’ અનુપ્રિયા કહે છે, ‘મોટા ભાગના વડીલો એવું માનતાં હોય છે કે, આજકાલનાં બાળકોમાં જરાય ગંભીરતા નથી. બાળકોને તો બસ મોજ-મસ્તી અને ધમાલ કરવામાં જ મજા આવે છે, પણ ખરેખર એવું હોતું નથી.’ અનુપ્રિયામાંથી પ્રેરણા લઈને કોઈ બાળક ગુજરાતીમાં પણ લખવાની શરૂઆત કરે તો કેટલું સારું ! (‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.)

[5] પુસ્તકોનું વાચન – મુનિ દવે

આપણે પુસ્તકો શા માટે વાંચીએ છીએ ? એકલતાથી બચવા માટે ? લેખકનો, એની ભાષા, શૈલીનો પરિચય પામવા ? નવા વિચારો, મૂલ્યો, સિદ્ધાંતો, જીવન વ્યવહારો ઓળખવા, સમજવા ? આપણા વિચારો; ખાસ તો આગ્રહો, માન્યતાઓને પુષ્ટી મળે એ માટે ? કે અભ્યાસક્રમમાં હોવાથી પરીક્ષા પાસ કરવા ? કહેવાય છે કે પુસ્તકો માત્ર માહિતી આપે છે. એનું જ્ઞાનમાં અને પછી એમાંથી ડહાપણમાં રૂપાંતર કરવા વ્યક્તિએ જાતે મથવું પડે છે.

પુસ્તક વાચન આપણામાંના કેટલાક લોકો માટે માહિતી વધારાથી વધુ નથી. જેમ કે ક્યાંક વાંચ્યું કે ‘અન્યના દોષો જોવા માટે દૂરબીન વાપરવું, પોતાના દોષ જોવા માઈક્રોસ્કોપ’ કે ‘સંવાદ એટલે આપણામાંથી વહેતો અર્થનો પ્રવાહ.’ વાક્ય સરસ લાગ્યું. પેન્સિલથી અન્ડરલાઈન કરી, એવું વિચારીને કે ક્યાંક કામ આવશે, કોઈ લેખમાં, ચર્ચામાં, પ્રવચનમાં એનો ઉપયોગ થઈ શકશે – આ થયું ‘માહિતીમાં વધારો’. ઉત્તમ પુસ્તકો મારી પાસે છે, મેં વાંચ્યા છે, હું સમજ્યો છું એવું કહેવાથી, લખવાથી સારું લાગે છે. હું ‘વિદ્વાન’ લાગું છું. લોકો મને આદરથી જુવે છે – આ થયો પુસ્તકનો ‘સૌંદર્ય પ્રસાધન’ (કોસ્મેટીક) તરીકેનો ઉપયોગ. એણે મારી ભાષા ચોક્કસ સમૃદ્ધ કરી પણ જે વાક્યની નીચે લીટી કરી તેણે મારી માન્યતા, આગ્રહ, સંસ્કાર, સંબંધો વિષેની સમજણને જરીકેય સ્પર્શ કર્યો ? આ વાક્યનું મારા જીવન સાથે અનુસંધાન ક્યાં, એ વિષે પોતાનામાં વિચારવલોણું અનાયાસ શરૂ થયું ? જો હા, તો માહિતીનું જ્ઞાનમાં રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થઈ કહેવાય. અને આ પ્રક્રિયાના ભાગ રૂપે જીવનમાં નવી રીતે વિચારવાની, જૂના આગ્રહો-માન્યતાઓ તોડવાની કે એમાં ફેરફાર કરવાની, માનવી સાથેના કે માનવેતર સંબંધોમાં પરિવર્તનની સજાગપણે શરૂઆત થઈ, તો માનવું કે ડહાપણની દાઢ ઊગવી શરૂ થઈ.

કદાચ આજના આ માહિતીયુગમાં પુસ્તકો ખરીદવા, વાંચવા, એના વિષે બોલવું કે લખવું એ ફેશન થઈ ગઈ છે. ક્યારેક એ સહજપણે જ્ઞાની હોવાનો, જીવનસાધક હોવાનો અહમ પેદા કરે છે. સજાગ વાચકે-સાધકે આનાથી બચવા જેવું છે. કોઈ પણ પુસ્તક ખરા અર્થમાં ‘ગમે’ તો જ એને ‘ગમ્યું’ કહેવું જોઈએ. વાચનની એ ઘડી જ સાચી જે ઘડીએ તમારા ચિત્તમાં, જીવનમાં સૂક્ષ્મ કે સ્થૂળ પરિવર્તન શરૂ થઈ જાય. આવા પરિવર્તન માટે વાચકને શુભેચ્છાઓ. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંડિત જસરાજ – રેખા ખાન
સ્રોતસ્વિની – નલિની કિશોર ત્રિવેદી Next »   

19 પ્રતિભાવો : ફૂલદાની – સંકલિત

 1. Dr.Ekta.U.S.A. says:

  બધાજ લેખો સુંદર છે. પ્રેરણા દાયક.

 2. Sonia says:

  બહુ સુન્દર લેખો.

 3. સુંદર સંચય. ખાસ અનુપ્રિયાને અભિનંદન.

 4. Chintan says:

  ખુબ સુંદર સંકલન.

 5. Moxesh Shah says:

  Well done Ms. Anupriya. Hats off to Smt. Sudha Murtiji for inspiring so many lives.

  The last, i.e. 5th article is an excellent.

 6. Sonali says:

  બધા લેખ સરસ્

 7. નિરવ says:

  આ બધા લેખ જ ReadGujarati ની ઓળખ છે.

 8. Sunita Thakar (UK) says:

  પ્રેરણા દાયક લેખ. વંદન છે તે દરેક વ્યક્તિ ને જેણેપોતાનો સ્વાર્થ ન જોતા માનવ જાત ને માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ છે. આપણે જો આમાનુ થોડુક પણ પ્રદાન કરી શકીએ તો…. અનુપ્રીયા ને અભિનન્દન અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા.

 9. Sunita Thakar (UK) says:

  To read more about Ms Irena Sendler and about the Holocaust plz check the website:
  http://www.auschwitz.dk/Sendler.htm

 10. ઈન્દ્રેશ વદન says:

  From Jay Leno monologue for Obama:

  Well, a new poll out today shows that 22 percent of voters strongly approve of the job President Obama is doing. Forty-three percent strongly disapprove of the job he’s doing. And the other 35 percent are holding off judgment till he actually does something!

 11. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ફૂલદાનીના પાંચે ફૂલ ખુબ જ સુંદર અને આકર્ષિત છે. સરસ સંકલન.
  અનુપ્રિયાને ખુબ ખુબ અભિનંદન.

 12. If the articles like this are published it is readers fortune and all comments will be excellent–ફૂલદાનીના પાંચે ફૂલ
  pretty and attractive –so much good smell –well done —

 13. જગત દવે says:

  [1] મોટું કોણ ? – કુમુદભાઈ બક્ષી

  માનવતા મોટી.

  [2] આ વિશ્વ આવું કઠોર-વિકેડ જ છે – ડૉ. પ્રદીપ પંડ્યા

  મોટાભાગનાં એવોર્ડ અને તેનાં સમારંભો એકબીજાનાં ‘ઈગો’ , વેપારી અને રાજકીય હિતો ને સંતોષવાનું સાધન માત્ર બની ગયા છે. તેને માન સાથે ન જોડતાં તમાશા સાથે જોડવા વધારે યોગ્ય છે.

  [3] તોફાની અને ટીખળી સૂર્ય – સંસ્કૃતિરાણી દેસાઈ

  ગૂઢાર્થ ધરાવતી હળવી કવિતા.

  [4] નાની લેખિકા, મોટી શરૂઆત – પ્રિયદર્શની

  મા-બાપ માટે પ્રેરણાત્મક. કોઈ વાંચકનાં બાળકમાં આવી પ્રતિભા હોય તો તેમને વિનંતી કે તે જરુર તેમનાં બાળકો ને પ્રોત્સાહિત કરે.

  [5] પુસ્તકોનું વાચન – મુનિ દવે

  “કોઈ પણ પુસ્તક ખરા અર્થમાં ‘ગમે’ તો જ એને ‘ગમ્યું’ કહેવું જોઈએ. વાચનની એ ઘડી જ સાચી જે ઘડીએ તમારા ચિત્તમાં, જીવનમાં સૂક્ષ્મ કે સ્થૂળ પરિવર્તન શરૂ થઈ જાય”

  રીડ-ગુજરાતીનાં લેખો અને તેનાં પ્રતિભાવો/પ્રતિભાવકો દ્રારા આ વિચારોનું અનુસરણ થાય તેવી શુભેચ્છાઓ.

  ઈ-મેઈલઃ ja_bha@yahoo.co.in

 14. જય પટેલ says:

  સુંદર પ્રેરણાત્મક સંપુટ સંચય.

  મોટું કોણમાં…આગંતુક સજ્જ્ને શિક્ષણને સાચા અર્થમાં કેળવી સ્વંય દિક્ષીત થઈ ઋણ-મુકત થયા.
  શિક્ષણ એટલે સ્વંયને દિક્ષીત કરવાનો યજ્ઞ.
  શિક્ષક સમાજનો પાયો છે.

  પુસ્તકોનું વાંચનમાં સંવાદનો ઉલ્લેખ ગમ્યો.
  સારાં પુસ્તકોના વાંચનના નિષ્કર્ષ રૂપે વિચારો-વલોણાંમાંથી સ્વ સાથે સંવાદની પ્રક્રિયા શરૂ થાય
  અને સ્વ-સંવાદની પ્રક્રિયાની ચરમસીમા એટલે જ સ્વ-ઑળખ.
  સ્વ-ઑળખ સિધ્ધ થતાં જ બાહ્ય પરિબળો આપોઆપ ખરી પડે.

  સારાં પુસ્તકોનું નિયમીત આચમન સ્વસ્થ સમાજની ઓળખ છે.
  આભાર.

 15. Dipti says:

  વિદ્યાદાન એ મહાદાન– સાર્થક કરનારને સલામ.

  ઈર્ના સેન્ડલરની વાત વાંચીને હેરીએટ ટબમેનની યાદ આવી ગઈ. આવી વીર ભારતિય નારીઓની કથાઓનું સંકલન કે પુસ્તક પ્રાપ્ત થાય તો , મૃગેશભાઈ, જરુરથી લાભ આપજો. ખબર નહી, ક્યારે અને ક્યારથી અબળા શબ્દ નારીના સમાનાર્થી તરીકે પ્રચલિત થયો હશે?

  અનુપ્રિયાને ખૂ બ ખૂબ અભિનંદન sweet achievement at sweet sixteen.

  પુસ્તક અને વાંચનનો મહિમા અને સાર્થક્ય ઃ હવે હું વાચક , વાચક થાઉં તો ઘણું.

 16. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thanks for sharing such a beautiful heart touching articles Mrugeshbhai. I really enjoy such articles and share it with my loved ones.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.