કેળવણીની કેડીએ – ડૉ. અશોક પટેલ

[ વ્યવસ્થિત બાળઉછેર માટે માતા-પિતા, શિક્ષક વગેરે એ ખાસ વાંચવા જેવું પુસ્તક છે ‘કેળવણીની કેડીએ’. પ્રસ્તુત છે તેમાંના બે સુંદર લેખો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સ્ટાફરૂમમાં શિક્ષકોનું પ્રતિબિંબ દેખાય છે…

શાળા-કૉલેજ તેના વિવિધ પાસાં કે કોઈ એક ચોક્કસ પાસાંથી શોભતી હોય છે, જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળા, ચિત્રખંડ, પ્રાર્થનાખંડ, મેદાન, આચાર્યની ઑફિસ વગેરે. ક્યારેક સાંભળવા મળે છે કે, પેલી શાળા-કૉલેજનું પુસ્તકાલય ખૂબ જ સમૃદ્ધ છે. તો વળી પ્રાર્થના કાર્યક્રમ જોવો હોય તો પેલી શાળામાં જાવ. પેલી શાળા મેદાનનો ભરપૂર ઉપયોગ કરે છે વગેરે. અહીં બીજું પણ એક પાસું ઉમેરવા જેવું છે અને તે છે – સ્ટાફરૂમ, શાળાના શૈક્ષણિક વાતાવરણમાં સ્ટાફરૂમની ભૂમિકા મહત્વની છે. શાળા-કૉલેજની નીતિ, રીતિની ચર્ચાઓ સ્ટાફરૂમમાં થતી હોય છે અને ક્યારેક ઘડાય છે પણ ત્યાં જ. આમ છતાં જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફરૂમનું વાતાવરણ જોઈને આઘાત પણ લાગ્યો છે.

બી.એડ. કૉલેજના અધ્યાપકને નાતે ઘણી સંસ્થાઓમાં જવાનું થાય છે, ત્યારે અચૂક સ્ટાફરૂમમાં જઈને થોડો સમય પસાર કરું છું, ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે આ સંસ્થા કેવી છે અને તેનું ભવિષ્ય કેટલું ઊજળું છે. ક્યારેક તો સાંભળવા મળે છે કે, આ સંસ્થા ખૂબ જ જૂની સંસ્થા છે. પહેલા તો અહીં પ્રવેશ મેળવવો વાલી માટે ખૂબ જ અઘરું કામ હતું. એકપણ વર્ગમાં વધારાના એકપણ વિદ્યાર્થીને બેસવાની જગ્યા ન મળે. પણ આજે સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ખૂબ જ નબળા વિદ્યાર્થીઓ આવે છે. અહીં પ્રશ્ન પૂછવાનું મન થાય કે આવું કેમ બન્યું ? આ માટે, એક કરતાં વધુ પરિબળો હશે, પણ તેમાં એક પરિબળ ચોક્કસ પણ હશે અને તે છે – જે તે શાળાનો સ્ટાફ. સ્ટાફની કામ કરવાની નિષ્ઠા, ધગશ, નીતિ, રીતિ વગેરે પર સ્ટાફરૂમના વાતાવરણની ખૂબ જ મોટી અસર થાય છે. નવા આવેલા કર્મચારીને સ્ટાફરૂમ ઊંચે ચઢાવી શકે છે અને નીચે પણ ફેંકી શકે છે.

હમણાં જ એક શાળાના સ્ટાફરૂમમાં માત્ર દશ જ મિનિટ બેસવાનું થયું. કેટલીક ચર્ચાઓ સાંભળી, ખરેખર તે ન સંભળાવી જોઈએ. સ્ટાફરૂમની ચર્ચાનો મુખ્ય વિષય હતો પૈસાનું રોકાણ શેરબજાર કે જમીનમાં રોકવા અંગેનો. બીજા ખૂણામાં બેઠેલા મિત્રોની ચર્ચા હતી કોઈ ચોક્કસ લગ્નપ્રસંગ અંગેની. આવી ચર્ચાઓ માટે આ યોગ્ય સ્થાન નથી. જુદાજુદા સમયે જુદી-જુદી શાળામાં સ્ટાફરૂમની ચર્ચાનું વિષયવસ્તુ જુદું-જુદું સાંભળવા મળે જ. પણ દુ:ખદ બાબત એ છે કે સ્ટાફરૂમમાં સાંભળવા મળતી ચર્ચાનું વિષયવસ્તુ વિશેષત: શિક્ષણ સિવાયનું હોય છે. આવી શાળામાં એકાદ બે મિત્ર એવા પણ હોય છે કે જેને આવી બાબતોમાં રસ હોતો નથી, પણ બિચારા તેઓ અટકાવી પણ શકતા નથી. જેથી તેઓ સ્ટાફરૂમમાં બેસવા કરતાં બહાર બેસવાનું પસંદ કરે છે. કેટલીક શાળામાં સ્ટાફરૂમનું બારણું બંધ જોયું. પૂછતાં જવાબ મળ્યો કે, અવાજ બહાર આવે નહીં માટે. બાજુમાં જ વિદ્યાર્થીઓનો વર્ગ છે. એનો અર્થ એ થયો કે સ્ટાફરૂમમાં વધુ પડતો અવાજ કે ઘોંઘાટ થાય છે. તો વર્ગખંડમાં અવાજ કરતા વિદ્યાર્થીઓને ધમકાવનાર આ શિક્ષકોને કોણ ધમકાવશે ? શું તેમને વિદ્યાર્થીની જેમ સ્ટાફરૂમ બહાર ઊભા રાખી શકાય ? અંગૂઠા પકડાવી શકાય ? પાટલી પર ઊભા કરાય ? કોઈ વિષયવસ્તુ બે-ત્રણ વાર લખવા આપી શકાય ? તેમના વાલીને શાળામાં બોલાવી ફરિયાદ કરી શકાય…..?

સ્ટાફરૂમ એ તો શાળા અને વર્ગખંડની નીતિ અને રીતિ ઘડનારું અગત્યનું પરિબળ છે. ત્યાં થતી ચર્ચાઓ હકારાત્મક અને શૈક્ષણિક હોવી જોઈએ. સ્ટાફરૂમ એ તો સ્ટાફનો અરીસો છે, જ્યાંથી સ્ટાફનું પ્રતિબિંબ દેખાય છે. સ્ટાફરૂમમાં થતી ચર્ચાઓ શિક્ષણ, વાલી, વિદ્યાર્થી, દેશ, રાજ્ય કે સમાજ જેવા વિષયને લઈને હોવી જોઈએ. સ્ટાફરૂમ એવો હોવો જોઈએ કે જ્યાં શિક્ષક માત્ર ફ્રેશ જ નહીં, રિફ્રેશ પણ થવો જોઈએ. વિદ્યાર્થી અને વાલી હસતાં આવે અને હસતાં જાય. જ્યાં ઘાંટાઘાટોને કોઈ જ સ્થાન ન હોય. કેટલાક શિક્ષકો સ્ટાફરૂમમાં વાંચવાનું પસંદ કરતા હોય છે, પણ તેમને વાંચવા માટેનું વાતાવરણ મળતું નથી. અમદાવાદની એક પ્રતિષ્ઠિત શાળાની મુલાકાતે આવેલ શિક્ષણ અધિકારીએ સ્ટાફરૂમમાં શિક્ષકોને દૈનિકપત્રો અને સામાયિકો વાંચતા જોયા. તેમણે સૂચન કર્યું કે, દૈનિકપત્રો અને સામાયિકો પુસ્તકાલયમાં જ રાખો, શિક્ષકો ત્યાં જઈને વાંચશે.

તેમના સૂચના પાછળનો હેતુ હતો. શિક્ષક સ્ટાફરૂમમાં પોતાના વિષયને લગતા સંદર્ભ સાહિત્યનું વાંચન કરે અને અન્ય વાંચન ભલેને પુસ્તકાલયમાં જઈને કરે. પરિણામ એ આવ્યું કે શિક્ષકો વધારાનું વાંચન કરતા પણ બંધ થઈ ગયા. આમ પણ સ્ટાફરૂમમાં અન્ય વિષયોની ચર્ચા અટકાવવી હોય તો શિક્ષકોને રસ પડે તેવા વાંચન સાહિત્યને પ્રવેશ કરવા દો. આપોઆપ ટોળટપ્પાં-ગપ્પા કે ફાલતું વાતો ઓછી થઈ જશે. શિક્ષકોને વાંચવામાં વધુ રસ પડે પછી સાહિત્યમાં ફેરફાર કરીને વધુ ઉપયોગી સાહિત્ય મૂકી શકાય. શિક્ષકને પ્રથમ વાંચતો કરો, પછી તેને યોગ્ય વાંચન તરફ વાળો. આમ થવાથી વર્ગખંડમાં થતી ચર્ચાના વિષયવસ્તુમાં હકારાત્મક ફેરફાર જોવા મળશે. સ્ટાફરૂમમાં થતી ચર્ચાથી શિક્ષક ઘણું ઘણું શીખે છે અને શિખવાડે છે. શિક્ષક જેટલું વાંચીને શીખે છે તેના કરતાં સાંભળીને વધુ શીખે છે. જેથી સ્ટાફરૂમમાં ચર્ચા બંધ નથી કરવી, પણ તેના વિષયવસ્તુમાં ફેરફાર કરવાની જરૂર છે. સ્ટાફરૂમ એ શિક્ષકનું બીજું ઘર ગણી શકાય. કારણ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં શિક્ષક તેના ઘર પછી સૌથી વધુ સમય અહીં ગાળે છે. ઘરમાં થતી ચર્ચાઓ માટે જેટલો આદર રાખવામાં આવે છે, તેટલો જ આદર સ્ટાફરૂમમાં થતી ચર્ચા માટે હોવો જોઈએ. ઘરને સુંદર અને સ્વચ્છ રાખવા જેટલો પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી અડધો પ્રયત્ન સ્ટાફરૂપી બીજા ઘર માટે કરવામાં આવે તો પણ ઘણું ઘણું કહેવાય. સ્ટાફરૂમમાં આવતો પંખાનો અવાજ પણ શિક્ષકના શૈક્ષણિકકાર્ય પર અસર કરી શકે છે એ બાબત આચાર્ય અને સંચાલકે પણ સમજવી જોઈએ. ટૂંકમાં સ્ટાફરૂમ એક એવી જગ્યા છે કે જેની અસર શાળા-કૉલેજના શૈક્ષણિક અને ભાવાવરણ પર થાય છે.

[2] બાળકોને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો

દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય તો તે પ્રગતિની નિશાની નથી, પણ માનવ મૂલ્યોની અધોગતિની નિશાની છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જેની નોંધ સમાજમાં દરેક માધ્યમો લઈ રહ્યાં છે. સમાચારપત્રો હોય કે ટેલિવિઝન પર વડીલોની દુર્દશા વિશે વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. આમ છતાં એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે, આ વડીલોએ એવા તે કેવા સંસ્કાર પોતાનાં બાળકોને આપ્યા કે જેથી કરીને તેમનાં બાળકો તેમને જ સ્વીકારવા તૈયાર નથી. હા….. ક્યાંક એવું પણ બની બેઠું હશે કે વડીલોને અન્યાયનો ભોગ બનવું પડ્યું હશે. આમછતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આજના આ બીઝીયુગમાં વાલી ખૂબ જ બીઝી બની ગયો છે. આ બાબતને તે ખૂબ જ ઈઝી લે છે. પણ તેના પરિણામો એટલાં ઈઝી નહીં હોય. વાલીને પોતાના બાળકોના ઉછેર માટે કે કાળજી લેવા માટે પૂરતો સમય નથી. આવા પરિવારોની સંખ્યા વધતી જાય છે. આવાં પરિવારોને ગરીબ પરિવાર ગણવામાં કોઈને વાંધો ન હોઈ શકે. એક પરિવાર આર્થિક કારણોસર ગરીબ ગણાય છે, તો બીજો પરિવાર સંસ્કાર-મૂલ્યોમાં ગરીબ છે. વાત તો ગરીબાઈની જ છે ને ! આવી ગરીબાઈને કારણે ઘોડિયાઘર અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ઘોડિયાઘરમાં ખરેખર ઘર જેવું વાતાવરણ હોય છે ? વૃદ્ધાશ્રમમાં આશ્રમ જેવું વાતાવરણ માણવા મળે છે ?

આજના વાલીને પોતાના બાળક માટે પૂરતો સમય છે ? વાલી પોતે ઑફિસ, મિત્રો, સામાજિક કારણો પાછળ એટલો સમય ફાળવે છે કે તેને પોતાના બાળક સાથે બેસીને વાત કરવાનો સમય પણ રહેતો નથી. મિત્રો પાછળ બે કલાક ફાળવતા વ્યક્તિને પોતાના સંતાન પાછળ બે મિનિટ ફાળવવાનો સમય નથી. કેટલાંક કુટુંબમાં તો બાળક તેના પિતાને રવિવારે જ જુએ છે. પપ્પા રાત્રે દશ વાગે ઘેર આવે ત્યારે બાળક સૂઈ ગયો હોય અને પપ્પા સવારે આરામથી આઠ વાગ્યે ઊઠે ત્યારે બાળક શાળાએ જવા નીકળી ગયું હોય. આ કથની ગ્રામ્ય વિસ્તારમાં નહીં પણ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. માટે જ તો વૃદ્ધાશ્રમો બાંધવાની જરૂર ગામડામાં નથી પડી, તેની જરૂરિયાત શહેરમાં જ ઊભી થઈ છે. ગામડામાં કોઈ એક કુટુંબની ડોશી એકલી હશે તોપણ પડોશીઓના સહકારથી-હૂંફથી શાંતિમય ભગવાનનું નામ દેતાં દેતાં જીવન પૂર્ણ કરે છે. શહેરમાં કેટલાંક કુટુંબ તો પડોશીના નામ કે અટકથી પણ અજાણ હોય છે.

ખૂબ જ બીઝી રહેતાં મમ્મી-પપ્પા પોતાના બાળકના સારા ઉછેર માટે ઘોડિયાઘરની વ્યવસ્થા કરે છે અથવા તો ઘેર જ બાઈ માણસને રોકી લે છે. આમ કરવામાં પોતાની બાળક પ્રત્યેની ફરજ પૂરી થઈ ગઈ હોય તેમ માને છે. અહીં બાળક ઉંમરમાં મોટું થાય છે પણ તેનું દિલ નાનું થતું જાય છે. એવાં ઘણાં બાળકો હશે કે જે તેની મમ્મી કરતાં આયાને વધારે પસંદ કરતાં હશે ! આયા સાથે જ સૂઈ જાય કે આયા ખવડાવે તો જ ખાય ! બાળક માટે ભૌતિક સુખ સગવડતા આપવી તે ખરાબ બાબત નથી. પણ ભૌતિક સુખ સગવડતાના ભાર નીચે અન્ય બાબતો દબાઈ જાય છે તેની સામે વિરોધ છે. બાળકના પાછળ પૈસાના રોકાણની સાથે સાથે પ્રેમનું પણ રોકાણ કરવું પડશે. બાળકને કદાપિ પૈસાથી નહીં જીતી શકાય, બાળકને જીતવા માટે પ્રેમની જરૂર પડશે. ઘણાં વાલી બજારમાં જાય ત્યારે બાળક માટે વિવિધ પ્રકારના રમકડાં કે અન્ય વસ્તુઓ લાવશે. પણ એ જ વાલી બાળકને સાથે રાખીને બજારમાં જવાનો સમય નહીં ફાળવી શકે. અહીં વાલીના મતે વસ્તુ આવી ગઈ એટલે બાળક ખુશ થઈ જશે. ખરેખર તો આવા વાલી બાળકના માનસને જાણતાં જ નથી. બાળકને પૂછશો કે તારે શું લેવું છે ? તો કદાચ બેચાર વસ્તુના નામ જણાવી દેશે. આ વસ્તુઓ બાળક બે-ચાર દિવસ રમીને ફેંકી પણ દેશે. તેનો વસ્તુઓ પાછળનો આનંદ બેચાર દિવસથી વધુ ટકતો નથી. જો બાળકને કાયમી આનંદમાં રાખવો હોય તો તેને વસ્તુ નહીં, પણ વ્હાલ આપો. આનંદિત બાળકનો જ શારીરિક, માનસિક, સાંસ્કારિક વિકાસ થશે. આ વિકાસ જ વૃદ્ધાશ્રમોને રોકશે. આજે સૌ વાલી વાવે છે લીમડાં અને અપેક્ષા રાખે છે કેરી અને દ્રાક્ષની. તો તે અપેક્ષા ક્યાંથી પૂરી થાય ?

આજે કેટલા વાલી પોતાના બાળકની સાથે બેસીને વ્હાલ કરે છે. અરે ! આજના પપ્પા કે ડેડીને તો અન્યની હાજરીમાં પોતાનું બાળક તેડતાં પણ શરમ આવે છે. અને મમ્મી તો બિચારી થાકી જાય છે. તેનામાં પોતાના બાળકને તેડવાની તાકાત જ નથી ! જે વાલી આજે પોતાના બાળકને તેડવામાં શરમ અનુભવે છે કે સમય નથી ફાળવી શકતાં તેમના બાળકો મોટા થયા પછી આવા વાલીને ઘરમાં ન રાખવામાં ક્યાંથી શરમ અનુભવે. તેમને પણ પોતાના વડીલો પાછળ સમય આપવાનો સમય નથી હોતો. જો તમે આજે તમારા બાળક પાછળ સમય નહીં આપો તો તેઓ પણ ભવિષ્યમાં તમારી પાછળ સમય નથી જ આપવાના. તમને વ્હાલ કરવાનો સમય નથી, તો તેઓને હૂંફ આપવાનો સમય નહીં જ હોય. માટે જ સૌ મા-બાપે સમજી લેવાની જરૂર છે કે વસ્તુ આપવાથી જ અસ્તુ સમજવાની જરૂર નથી. તેની પાસે બેસીને પ્રેમથી વાતચીત કરો. આજે એવાં કેટલાં મા-બાપ હશે કે જે પોતાના બાળકને વાર્તા સંભળાવે છે, ગીતો ગવડાવે છે, ઉખાણાં પૂછે છે, પરીની વાતો કરીને કલ્પનાના ઘોડા પર બેસાડીને સવારી કરાવે છે ? આજનો બાપ પરીક્ષાનું પરિણામ પૂછે છે, પણ પરિણામ વધારવા માટે તે જાતે કેટલો સમય બાળક સાથે બેસે છે ? સારા મિત્રોની અપેક્ષા રાખે છે, પણ બાળકના મિત્રો સાથે બેસીને સારી બે વાતો કરતો નથી. બાળકના તન અને મન બંનેનો તંદુરસ્ત વિકાસ કરવો એ દરેક માબાપની પ્રાયોરિટી હોવી જોઈએ. નહીં તો આજે બાળકના ભોગે પૈસા કમાતા વાલીને ભવિષ્યમાં એ જ પૈસા ખર્ચવા છતાં બાળકનો ભેટો નહીં જ કરાવે. આજે બાળકોની અપેક્ષા સંતોષશો તો જ તેઓ ભવિષ્યમાં તમારી અપેક્ષા સંતોષશે. સંયુક્ત કુટુંબમાં ન રહેતાં મા-બાપોએ ખાસ ચેતી જવાની જરૂર છે. બાળકને વસ્તુથી નહીં જીતી શકો, વ્હાલથી જીતવાનો પ્રયત્ન કરો.

[કુલ પાન : 170. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર
મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

11 પ્રતિભાવો : કેળવણીની કેડીએ – ડૉ. અશોક પટેલ

 1. aniruddhsinh gohil says:

  વાહ, મૃગેશભાઇ ખૂબ જ સુંદર લેખ. આજે જ્યારે ઠેરઠેર શિક્ષણમાં સડો પેસી ગયો છે ત્યારે આ સડાનું એક મહત્વનું એક કારણ આ સ્ટફરુમો છે. સ્ટાફરુમોમાં હું તો ઘણાં સમયથી સાડી અને ફેશન ટીપ્સો સાંભળું છું. કાં તો શેરબજારની વાતો. હમણાં છઠા પગાર પંચની ચર્ચાઓ ચાલે છે. કોઇ શિક્ષકોને શિક્ષણ કે પુસ્તકો વિશે વાતો કરતા સાંભળવા એ સપનું બની ગયું છે. શિક્ષકો લાયબ્રેરીમાં તો ડોકાતા જ નથી. અશોકભાઇ તમે વાસ્તવિક વાતો કરી છે. આભાર.

 2. જગત દવે says:

  [1] સ્ટાફરૂમમાં શિક્ષકોનું પ્રતિબિંબ દેખાય છે…….

  અને હવે એ જ પ્રતિબિંબ બાળકોમાં પણ દેખાય છે.

  [2] બાળકોને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો

  નહીતો એ જ બાળકો જ્યારે તમને વ્હાલની બદલે વસ્તુથી જીતશે ત્યારે તમને વસમુ લાગશે.

 3. Sonali says:

  ખુબ સુન્દર લેખ્
  જેવો વ્યવ્હાર તમે તમારા મા-બાપ સાથે કરશો એ જ તમને તમારા સન્તાનો પાસેથી પાછુ મળવા નુ છે …

 4. Rajendra Namjoshi,Surat says:

  લેખકે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજાવ્યો છે ઍ રીતે જ ઘોડિયાઘરથી વૃધ્ધાશ્રમ સુધીની સંસ્ક્રુતિની વાત કરી છે જે દરેકે વિચારવા જેવી છે.બંને લેખ સરસ અને અસરકારક.
  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 5. gita darji says:

  સ્ટાફરુમમાં વાચન ન કરતા અલગ પુસ્તકાલય હોવું જોઈઍ જેથિ સ્ટાફરુમમા કોઇ ભેગુ જ ન થાય
  લેખ અસરકારક તથા શિક્ષકો માટૅ વિચારવા લાયક.

 6. Jagruti Vaghela USA says:

  બંને લેખ ખૂબ જ સરસ અને વાસ્તવિક

 7. raxa patel says:

  ડો. અશોકભાઈ નો આ લેખ સુન્દર છે. આપ એક b. ed. કોલેજ ના અધ્યાપક તરીકે સમાજ ને સારા શિક્ષકો આપી શકો એમ છો. હુ આપના આ લેખ સાથે સહમત છુ કે આજના ટેલિવિઝન યુગ માં વાચંન પ્રત્યે ની વ્રત્તિ ઓછી થતી જાય છે.અને એ સમગ્ર સમાજ માટે શરમ જનક ઘટના છે. મુ. ભગવતીભાઈ પારેખ કહે છે કે ‘જે ઘરમાં સમાચાર પત્ર પણ ન વચાતું હોઇ એવા ઘરમા દિકરી ન આપવી.’ પરંતુ સમાજ સમાજ ના ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાડો છે એવા શિક્ષકો જ આવા હોઈ તો ફળદ્રુપ સમાજ ની આશા કેવી રીતે રાખી શકાય. પરન્તુ મે એવા પણ અધ્યાપકો જોયા છે જેમની વિદ્વત્તા અને વાચંન વ્રુતિ એ આખા સ્ટાફ નુ વાતાવરણ પણ બદલી નાખ્યું છે. જરુર છે વાચંન વ્રુતિ ની ભૂખ ઉપડે એવા લેખોની, સાહિત્યગોષ્ઠીઓની અને સારા શિક્ષકોની અને તોજ આપણે સમાજ માથી ઘોડિયાઘર કે વ્રધ્ધાશ્રમ જેવી બદી ને નિવારી શકાશે.
  રક્ષા પટેલ
  કેનેડા

 8. કલ્પેશ ડી.સોની says:

  શિક્ષણનાં ક્ષેત્રમાં રુચિ હોય એવા માણસોને બદલે રુપિયામાં રસ હોય એવા માણસો આવી જાય પછી શું થઈ શકે?
  ઝડપી જમાનાની અસર તળે આવેલા આધુનિક મા-બાપો પાસે આ રીતે વિચારવાનો સમય કે દૃષ્ટિ જ નથી.
  શિક્ષણ તેમજ પરિવાર બંને ક્ષેત્રો આમૂલ ક્રાંતિ માગે છે. કોણ કરશે, કેવી રીતે થશે એ પણ ખબર નથી.

 9. Ashish Dave, Sunnyvale, Califronia says:

  મારા ઘડતરમાં મારા શિક્ષકોનો ફાળો ઘણો હતો. એક એકથી ચઢિયાતા શિક્ષકો હતા.. નોહતા કોઈ ટુયુશનો કે કોચીગ કલાસીસ… અત્યારે જે સાંભળુ છુ તે જો હકીકત હોય તો ખરેખર આવતી પેઢિ પાસેથી શુ અપેક્ષા રાખવી?

  Ashish Dave

 10. it is beautiful article. I congratulate the author for excellent presentation. We are lucky to have you with us to guide.

  Michhami Dukkadam to all readgujarati staff and readers for any thing by my comments have hurt – man-vachan-kaya this hurt any one – knowingly or unknowlingly then please I bow with folded hands and ask for apology from all of you. Please kindly forgive me.

  I am thankful to have good things to read -all articles are top. You can read and read again. till end of last breath you have to learn. Once you develop curiosity and if you want -this is the best read Gujarati .com.

  NARENDRA SHAH-PRATIBHA SHAH-NILESH SHAH-DOLLY SHAH-ADIT-ANOUSHKA nA MICHHAMI DUKKADAM.

  • DR.ASHOK BHAI HAS WRITTEN AN EXCELLENT ARTICLE – i CONGRATULATE HIM AND ALSO REQUEST HIM TO WRITE ONE MORE ARTICLE – nOW A DAYS CHILDRENS SEND SMS – MICHHAMI DUKKADAM ETC -THERE IS COMMUNICATION GAP – THEN NATURALLY YOUR ELDERLY RELATIVES WHO GETS -LOOK AT THIS SIN-‘
   HE WANTSTO KNOW WHETHER YOU ARE STAYING SEPARATE OR TOGETHER- THOUGH THEY STAY WITH PARENTS WHO HAVE PLANNED BEST FOR THEM -ONCE THE SON GETS MARRIED -THE DAUGHTER -IN-LAW TAKES GOOD CARE OF MOTHER-IN-LAW AND SON ALSO TAKES SOME CARE. SOMEONE HAS COME DIFFERENT FAMILY -STILL ALL OUR SYSTEM-STANDARD OF LIVING SHE ACCEPTS- WHATEVER IT IS THEY ARE HAPPY – NOW WHEN YOUR SON SENDS SMS YO YOUR BROTHERS,UNCLES AND ALL RELATIVES -IT IS INCLUDING ONLY FOR EX:AMPLE SON- HIS WIFE, TWO SONS OF THEIRS. THEY WERE KNOWN TO THEM BY THEIR PARENTS – IT NOT LOOK NICE SINCE THEY HAVE MASTERY IN SMS OR ANYTHING-THANKS TO THEIR PARENTS-THEY FORGET THEM.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.