મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ડૉ.વીજળીવાળાસાહેબના જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘સમયને સથવારે’ માંથી સાભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સાંજના સાડા પાંચ થયા હશે. નિશાળેથી આવી મેં દફતર ઘરમાં મૂક્યું. પછી હાથ-પગ ધોયા. મને નવાઈ એ વાતની લાગતી હતી કે કાયમ આ સમયે રાંધવામાં પડેલાં મારાં બા આજે ઝૂંપડીના ઓટલે ચૂપચાપ બેઠાં હતાં. મારો યુનિફોર્મ બરાબર ગોઠવી ઘરમાં પહેરવાનાં કપડાં પહેરીને હું બા પાસે જઈને બેઠો.
‘કેમ બા શું થયું ?’ મેં પૂછ્યું.
‘ભાઈ !’ બા બે મિનિટ માટે અટક્યાં. પછી બોલ્યાં, ‘આજે રાંધવા માટે લોટ કે ચોખા કંઈ પણ નથી !’
‘બીજું કંઈ નથી બા ?’ મેં પૂછ્યું.
‘ના ભાઈ, કંઈ નથી !’ બાએ જવાબ આપ્યો.
‘હવે શું કરશું બા ? આજે ખાવાનું નહીં મળે ?’ મારે નહોતું પૂછવું તોપણ પુછાઈ ગયું.
‘ઉપરવાળો જાણે !’ બાએ અમારા દુ:ખ જેવડો નિસાસો મૂક્યો.

1975ના વરસના કપરા કાળના એ દિવસો હતા. અમારા ઘરને પણ ગરીબાઈ બરાબર આંટો લઈ ગઈ હતી. એક સાંધો અને તેર તૂટે તેવી ઘરની પરિસ્થિતિ હતી. રેશનિંગમાંથી મળતી રાહત સામગ્રી તો હાથીને એકાદ પૂળો ઘાસ મળ્યું હોય તેવી લાગતી. ઘરનાં દસ જણાં ઉપરાંત અગિયારમા સભ્ય તરીકે અછત અમારી સાથે અમારા દસ બાય દસનાં કાચી માટીના મકાનમાં રહેતી. જિંથરી ગામ અને અમરગઢ ટી.બી. હૉસ્પિટલના આયા ક્વાર્ટર્સની વચ્ચેના વગડામાં અમારું કાચી માટીનું ઘર હતું. પતરાનું છાપરું હોવાથી મોટા ભાગે અમે બધા ફળિયામાં જ રહેવાનું પસંદ કરતા. એ વિસ્તારમાં કદાચ અમારું ઘર જ એવું હતું કે ધોમધખતા ઉનાળામાં પણ ઘર કરતા ફળિયામાં વધારે ઠંડક લાગતી. એ વખતે હું નવમું ધોરણ ભણતો.

અછત અને અભાવ માણસને સમયની પહેલાં જ સમજણો બનાવી દેતાં હોય છે. નાની ઉંમરથી અમે બધાં ભાઈબહેન પણ ઘરના વડીલોના હાવભાવ પરથી જ એમનાં મન વાંચતા અને પરિસ્થિતિને પામતાં શીખી ગયેલાં. અમારે જે તે સાંજે હસતાં સૂવાનું છે કે રડતાં એ પણ સમજી જતાં. જોકે ઉપરવાળાએ ક્યારેય અમને ભૂખ્યા સૂવડાવ્યા નથી, ક્યારેય નહીં. તેમ છતાં આજે બાને ઉદાસ બેઠેલાં જોઈને મને ધ્રાસ્કો પડ્યો હતો. નિશાળેથી છૂટીને આવતા દીકરા-દીકરીઓને માટે કાયમ હોંશે હોંશે રોટલા ટીપીને તૈયાર રાખનાર બા આજે કેમ કરીને કંઈ પણ રાંધ્યા વિના બેઠાં રહી શક્યાં હશે ? ‘આજે કંઈ નથી રાંધ્યું’ એવા શબ્દો ઉચ્ચારતાં એને કેટલી મહેનત પડી હશે એની આજે પણ હું કલ્પના નથી કરી શકતો.

થોડી વાર કંઈ પણ બોલ્યા વિના હું બાની બાજુમાં બેઠો રહ્યો. મારા બાપુજી તો રાતના અગિયાર પહેલાં ઘરે આવે એવી કોઈ જ શક્યતા નહોતી. મારા હૃદયમાં શારડી અને પેટમાં ભૂખની ભૂતાવળ ફરતી હતી. હજુ તો સાંજના સાડા પાંચ જ થયા હતા. આવામાં રાતના અગિયાર વગાડવા શી રીતે ? ત્યાં સુધીનો સમય કઈ રીતે પસાર કરવો ? શું કરવું ?
‘બા, ફલાણા દુકાનદારને ત્યાં જઈ હું ઉધાર બાજરો લેતો આવું ?’ મેં પૂછ્યું.
‘ચાર વાગ્યે હું ગઈ હતી.’ બાએ જવાબ આપ્યો, ‘દુકાનદારે ના પાડી. કીધું કે પહેલાં જૂના બાકી ચૂકવી દો. પછી જ કાંઈ પણ મળશે.’ બાએ નીચું જોઈને જ વાક્ય પૂરું કર્યું.
‘જૂના છાપાની પસ્તી પડી હોય તો વેચતો આવું ?’ મેં ફરીથી પૂછ્યું.
‘તારા બાપુ એ લઈને જ શિહોર ગયા છે. રાતે મોડા પાછા આવશે.’ બાના આ જવાબથી ફરી પાછો એ જ સવાલ સામે આવીને ઊભો રહી ગયો કે ‘આવામાં રાતના અગિયાર વગાડવા શી રીતે ?’ આ દરમિયાન મારાથી નાનાં-મોટાં ભાઈબહેન નિશાળેથી આવી દફતર મૂકીને રમવા જતાં રહ્યાં હતાં. એ બધાં પણ ચૂલો સળગ્યો નથી એટલે ઘરમાં કંઈ જ નહીં હોય એ વગર કીધે જ સમજી ગયાં હતાં. હું અને બા થોડી વાર એમ જ બેઠાં રહ્યાં. મારા પેટમાં બિલાડાં બોલતાં હતાં. એ ઉંમર એવી હતી કે ઘડીવાર પણ ભૂખ્યા ન રહી શકાય. મેં ફરી એક વાર ઊભા થઈને પાણી પીધું.

‘અરે એમાં આટલા નિમાણા કેમ થઈ ગયા છો ? ઈ હજાર હાથવાળો કાંઈ ભૂખ્યાં થોડાં જ સૂવડાવશે ?’ મારાં દાદીમા અડાયા (સૂકાં છાણાં)નો સૂંડલો ફળિયામાં મૂકતાં બોલી ઊઠ્યાં, ‘ઘરમાં દાણા નથી એમાં આમ ઢીલા થોડા પડી જવાય ? કાંઈક મારગ નીકળી જ જાશે.’ એટલું કહી એમણે અડાયાને એની જગ્યાએ ગોઠવવાનું શરૂ કર્યું. જોકે કદાચ એ દિવસે કાંઈ મારગ ન પણ નીકળે એવી એમને પણ ખબર હોય એવું મને લાગતું હતું. મારા દાદીમા ખૂબ જ આશાવાદી હતા. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ એમના અભણ છતાં ખૂબ જ ગણેલા વ્યક્તિત્વનું સર્વોચ્ચ પાસું હતું. મને એ કાયમ કહેતા કે ઉપરવાળાને હંમેશા એમ પ્રાર્થના કરવી કે ભૂખ્યા ઉઠાડજે, ભૂખ્યા સૂવડાવતો નહીં. એ દિવસે પણ એમનો એવો અભિગમ અમને હિંમત આપતો હતો. અમારા ઘરમાં ઘરેણાને નામે બાના નાકમાં રહેલ એક દાણો (ચૂંક) માત્ર હતી. વારે વારે બાનો હાથ એના પર જતો હતો. કદાચ એ વેચીને અનાજ લાવવાનો એનો વિચાર તો નહીં હોય ને ? મને થયું. કદાચ એમ પણ હોય, કઈ મા પોતાના જણ્યાને ભૂખ્યાં સૂતાં જોઈ શકે ? અર્ધોએક કલાક એમ જ વિચારવામાં પસાર થઈ ગયો. ઉનાળાના એ દિવસો હતાં. આમેય એ દિવસો ખૂબ લાંબા હોય. આવી કોઈ તકલીફ હોય ત્યારે તો જાણે સમય અટકી જ જતો હોય છે. સુખની ક્ષણોમાં અશ્વગતિએ ભાગતો સમય તકલીફ અને દુ:ખની વેળાએ શા માટે મંથરગતિએ ચાલતો લાગતો હશે ? એ રહસ્ય ન હોવા છતાં નથી સમજાતું.

અચાનક મારાં બા ઊભાં થયાં. હાથમાં ખાલી તપેલી લઈ બહાર જતા બોલ્યા, ‘તું તારું લેસન કરી નાખ. હું પડોશીને ત્યાં જતી આવું. જો આજનો દિ ચાલે તેટલો લોટ કોઈ આપે તો કાલે તો પાછો વાળી દેશું.’ એટલું કહી એ ગયાં. ઘરના ફળિયામાં પડેલા કાથીના ખાટલા પર બેસી મેં લેસન કરવાનું શરૂ કર્યું. મારાં દાદીમા ફળિયું વાળતાં હતાં. કાચી માટીનું પતરાના છાપરાવાળું અમારું ઘર ભલે ખખડધજ લાગતું પરંતુ અમારું વિશાળ ફળિયું હંમેશા ચોખ્ખું-ચણાક અને જોતાં જ ગમી જાય તેવું રહેતું. મારા દાદીમા સિત્તેર વરસની ઉંમરે પણ ફળિયું બરાબર વાળી-ચોળીને ચોખ્ખું રાખતાં. એ હંમેશાં કહેતા કે, ‘ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખાં જ હોવા જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠરવાનું મન થાય !’

વીસેક મિનિટ પછી મારાં બા પાછાં આવ્યાં. હાથમાં આડી પકડેલી તપેલી એ ખાલી જ છે એવી દૂરથી જ ચાડી ખાતી હતી. ઉપરવાળાએ એ દિવસ સુધી તો ક્યારેય ભૂખ્યા સૂવડાવ્યા નહોતા પરંતુ એ રાત માટે હવે મને શંકા લાગવા માંડી હતી. તપેલી મૂકી બા દાદીમાને ફળિયું સાફ કરાવવામાં મદદ કરવા માંડ્યાં. લેસન પૂરું કરી હું ઘરમાં ગયો. અમારી નોટબૂક્સ તેમજ ચોપડા રાખવા માટે અમે ઘરની માટીની દીવાલમાં લાકડાનું એક ખોખું આડું બેસાડેલું. બે ફૂટ બાય બે ફૂટના એ ખોખામાં અમારી ઘણી વસ્તુઓ સમાઈ જતી. એ દિવસે ભૂખને ભુલાવવાના શક્ય તેટલા બધા જ પ્રયત્નો મારે કરવાના હતા. એટલે કંઈક કામ કરી સમય પસાર કરવા માટે મેં એ ખોખું સાફ કરવાનું નક્કી કર્યું. ચોપડા, નોટબૂક્સ તેમજ અન્ય કાગળિયાં કાઢીને હું નીચે મૂકતો ગયો. પોણું ખોખું ખાલી થઈ ગયું. અચાનક જ ખોખામાં સાવ પાછળ પડેલી નાનકડી એવી પતરાની એક ડાબલી મારી નજરે ચડી. મેં એ ઉપાડી તો એનો ખડખડ અવાજ એની અંદર પૈસા હોવાની ચાડી ખાતો હતો. ખાનું ખાલી કરવાનું ને ગોઠવવાનું બાજુ પર મૂકી મેં એ ડાબલી ખોલીને નીચે ઠાલવી. એમાં દસ પૈસા તેમજ પાંચ પૈસાના સિક્કા હતા !

અમે બધાં ભાઈ-બહેન નિશાળની બપોરની રિસેસમાં ખાવા માટે ઘરેથી બનાવેલ બાજરાનો રોટલો અને દાળ-શાક કે કાંદા એવું જ લઈને જતાં. પરંતુ ક્યારેક સમયસર રંધાયું ન હોય તો બા કે બાપુજી બધાને રિસેસમાં વાપરવા માટે પાંચ કે દસ પૈસા આપતા. એના ચણા લઈ અમે રિસેસ પસાર કરતાં. પરંતુ હું ઘણી બધી વાર આ પૈસા વાપરતો નહીં અને આ ડબ્બીમાં ભેગા કરતો. મારો ઈરાદો પાંચ રૂપિયાવાળો કંપાસ લેવાનો હતો. મારી જોડે ભણતા અન્ય વિદ્યાર્થીઓ પાસે એવો કંપાસ જોઈને મને પણ એ લેવાની ખૂબ જ ઈચ્છા હતી. ઘરમાંથી એટલા બધા પૈસા (પાંચ રૂપિયા) કંપાસ માટે કાઢવા શક્ય નહોતું એટલે છેલ્લા થોડાક મહિનાથી હું નાસ્તાના પૈસા બચાવતો હતો. પાછલા ઘણા દિવસથી અમને બાપુજીએ વાપરવાના પૈસા આપ્યા જ નહોતા એટલે આ ડબ્બી ભુલાઈ ગઈ હતી અને આજે આમ સાવ જ અચાનક હાથમાં આવી ગઈ હતી. ભામાશાનો સાદ સાંભળીને રાણા પ્રતાપને જેવો આનંદ થયો હશે કંઈક એવો જ આનંદ મને એ ડબ્બીનો ખખડાટ સાંભળીને થયો હતો. મેં જમીન પર પડેલા પૈસા ગણ્યા તો પૂરા ચાર રૂપિયા અને નેવું પૈસા થયા. નવા સરસ કંપાસની કિંમતમાં ફક્ત દસ પૈસા જ ઓછા રહેતા હતા.

હું ખુશીથી ઊછળી પડ્યો. પૈસા ઝડપથી હાથમાં ભેગા કરીને બહાર ગયો. બા તેમજ દાદીમાને વાત કરી. પછી કરિયાણાની દુકાન તરફ દોટ કાઢી. એ વખતે સાતઆઠ રૂપિયાનો વીસ કિલો બાજરો મળતો. અર્ધો મણ બાજરો થેલીમાં લઈ મેં જ્યારે અમારા ઝાંપામાં વિજેતાની અદાથી પ્રવેશ કર્યો ત્યારે બા અને દાદીમા સૂપડું તૈયાર રાખીને બેઠાં હતાં. બાજરો દળાવવા મોકલતાં પહેલાં સમો કરવા સૂપડામાં નાખતાં મારાં બાની સામે મારા દાદીમા એવી રીતે જોઈ રહ્યાં હતાં કે જાણે કહેતાં ન હોય કે, ‘ઈ હજાર હાથવાળો કાંઈ ભૂખ્યા થોડા સૂવડાવે ? હું નહોતી કહેતી કે કાંઈક મારગ નીકળશે જ, નીકળ્યો ને ?’

[કુલ પાનાં : 86. કિંમત રૂ. : 60.00 પુસ્તક પ્રાપ્તિ સ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેળવણીની કેડીએ – ડૉ. અશોક પટેલ
વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે Next »   

49 પ્રતિભાવો : મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. RAXA PATEL says:

  ડૉ.વીજળીવાળાસાહેબ ના લેખો ખુબજ સુન્દર સરળ અને હ્રદયસ્પર્શી હોય છે. આપના આ લેખે તો ખરેખર મને ખુબજ ભાવ વિભોર કરી દીધી. સમસ્યા જ માણસા ને ઘડે છે અને એટલા માટેજ આપના લેખો આટલા ભાવવાહી અને હ્રદયસ્પર્શી બની શકે.આ લેખ ખુબ ખુબ સુન્દર છે જેણે મારી આખો ને ભીજવી દીધી.આપના આવા સુન્દર લેખ ના સકલન માટે હુ મ્રુગેશભાઈ નો આભાર માનુ છુ.
  રક્ષા પટેલ્,
  કેનેડા.

 2. ગરીબી નુ વર્ણાન વાચવુ જેટલુ સરલ હોય તેટલુ અનુભવવુ મુશકેલ

 3. ખુબ જ સાચી વાત. આમારે ગુજરાતીમાં એક પાઠ આવતો હતો…શિર્ષક તો અત્યારે યાદ નથી પણ એમાંનું એક વાક્ય યાદ છે….’દાંત આપવા વાળે ચાવણું પણ આપશે’.

  ‘સમયને સથવારે’ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે… એમાંય મને સૌથી ગમતી ‘બારમા ધોરણની પરિક્ષા’.

 4. Kamakshi says:

  પરિસ્થિતિ અને સમસ્યાઓ માણસ નુ જિવન ઘડતર કરે છે. ખૂબ જ ભાવાત્મક લેખ.

 5. હ્રદયસ્પર્શી લેખ

 6. જગત દવે says:

  આવી ધનઘોર ગરીબીનાં વાદળોમાં જે વીજળી પેદા થાય તે પછી “ડૉ. આઈ. કે. વીજળીવાળા” નાં નામે જ ઓળખાય ને…!!!!!!

  લેખનાં સંદેશ પ્રમાણે…….ઈશ્વર પર શ્ર્ધ્ધા જરુર રાખો પણ તે પણ શ્રમ-યજ્ઞ કરનારને જ ચાવણું આપે છે તે ન ભુલાવું જૉઈએ. આજે એ ભુખનાં દિવસો ભારતની મોટી આબાદીથી દૂર થયાં છે તેની પાછળ ‘હરિતક્રાંતિ’ કરનાર વૈજ્ઞાનિકો અને ખેડુતોનો શ્રમ-યજ્ઞ કારણભુત છે.

  લેખમાં બચત-વૃતિ નો પણ સરસ સંદેશ છુપાયેલો છે.

 7. maitri vayeda says:

  આંખ મા પાણી આવી જાય એવો હ્રદયસ્પશી લેખ… હકારાત્મક અભિગમ અને ભગવાન મા અતૂટ શ્રધ્ધા આ બે ગુણો જીવન મા બહુ અગત્ય ના છે…

 8. sonali says:

  oo This is my fav book 🙂
  All the articles from this book are very very touchy…

 9. Chintan says:

  ખુબજ હકારાત્મક લેખ. જીવનની વિસમ પરિસ્થિતિમા જે વ્યક્તિ ઇશ્વર પર અડગ શ્રધ્ધા રાખી, મન મક્કમ કરી ને કર્મ કરે છે તે હંમેશા સફળ થાય છે. ડોક્ટર સાહેબના લેખ રીડગુજરાતી પર અગાઉ વાંચેલા છે. ખુબજ પ્રેરણાત્મક લખાણ હોય છે.
  ખુબ આભાર.

 10. Ramesh Shah says:

  આતિ ઉત્તમ અને સરળ લેખ આંખ ના ખુણા ભિંજાઈ ગયા….!

 11. khushali says:

  ખુબ જ સરસ લેખ .જીવન મા ગમે તે પરિસ્થિતિ મા પણ નિરાશ ન થવુ જોઇએ.!!!!!!

 12. ANKIL says:

  આવી ધનઘોર ગરીબીનાં વાદળોમાં જે વીજળી પેદા થાય તે પછી “ડૉ. આઈ. કે. વીજળીવાળા” નાં નામે જ ઓળખાય ને…!!!!!! પ્રિય લેખક્.તુમ જિયો હજરો સાલ સાલ કે દિન હો પચસ હજર

 13. hiral says:

  heart touching. thoda ma ghanu. experience in life is knowledge.
  best wishes to Dr. Vijaliwala and his family..

 14. આદરણિય ડૉ. વીજળીવાળા સાહેબ
  આપના દરેક લેખ મન ની સાથે આંખોને ભીંજવી જાય તેવા છે. અનુભવીને જ્યારે લખવામાં આવે ત્યારે તે ઉંડાણ ખરેખર દિલને સ્પર્ષી જાય.
  આપની ઘણી વાતો આપના સ્વમુખે સાંભળી છે. આપની વાતોં આપનો પરિચય છે. આપના સરળ વ્યક્તિત્વનો પડછાયો આપના લેખન માં હમેશા વર્તાય છે. વ્યક્તિ જે પરિસ્થિતિ માંથી પસાર થાય્ ,અને અનુભવ લે છે ,તેના આધારે તે જીવનને મૂલવે છે .રીડગુજરાતી પરના આપના દરેક લેખ ઉત્ત્મ હોય છે. આપને મારી શુભકામના. આપના નવા પુસ્તકની રાહ જોઉ છુ.
  કીર્તિદા

 15. All though from first impression we feel that only unhappiness is shown —but i can see also the love of all members to each one —the rich people have seperate bed room for each member but like poor people do not share their feelings —on the contrary they fight how to get more and more part of wealth for them —in Bombay a brother shot down her own sister for flat possession –both of them were unmarried and parents had died —

 16. DIVYA J. PADH says:

  I LIKED EACH AND EVERY ARTICALS OF DR. VIJALIVALA. IF I AM NOT FORGOTTEN DR. VIJALIVALA WAS IN MAHUVA IN YEARS OF 1986 OR SO. AT THAT TIME I WAS STUDYING IN MAHUVA. VERY TOUCHY ARTICAL.
  THANKS.

 17. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબ જ સુંદર લેખ. ડો.વીજળીવાળા ની લેખન શૈલી ખુબજ આગવી અને સરળ છે. એક આત્મીયતા અનુભવવા મળે છે. જે બચતની વાત સમજાવી તે ખુબજ ઉપયોગી છે. માણસની આજ સારી હોય પણ તેની કાલ માટે તેણે બચત કરવીજ જોઈએ જેથી કરીને કોઈને સામે હાથ લાંબો ના કરવો પડે કે કોઈના ઓશિયાળા થઈને ના રહેવુ પડે.

  ડો.વીજળીવાળાએ જે વાત આ લેખમા કરી છે તેવી પરિસ્તિથી અમારા ઘરની હતી. માર દાદાને કેંસર હતુ અને ખુબજ નાની વયે તેમનુ મૃત્યુ થયુ હતુ. એ વખતે મારા ફઈ ફક્ત ૬ મહિનાના હતા. મારા દાદી ની ઉપર ૩ દિકરા અને ૧ દિકરી અને દાદાની બા એમ ૬ જણાના ભરણ-પોષણની જવાબદારી આવી પદી. ડો.વીજળીવાળાએ વર્ણવ્યા એવા ઘણા પ્રસંગ મારા દાદીએ જોયા અને અનુભવ્યા છે. પણ એમણે કદી પણ હાર ન માની. માર દાદાના બા પણ હંમેશા કહેતા કે જેણે પેટ આપ્યુ છે તે કોળીયો પણ આપશે. મારા દાદીએ લોકોના ઘરના પાણી ભર્યા તો લોકોના મણ-મણના બાજરા/ઘઊં પણ દળ્યા છે અને મરચા અને મસાલા પણ ખાંડ્યા છે. મારા દાદી એ સાડી પણ થીગડા મારી ને જ પહેરી છે. હુ કોલેજ મા હતો ત્યા સુધી તે સાડી થીગડા વાળીજ પહેરતા. હુ એમને કહેતો કે બા હવે તો સારુ છે અને સારી સાડીઓ પણ છે તો પછી કેમ આ થીગડા વાળી સાડી પહેરો છો? તો કહે કે વર્ષો સુધી આવાજ કપડા પહેર્યા છે એટલે હવે આ આદત જતી નથી પણ પછી અમે બહુ કહેતા એટલે પછી સારી સાડી પહેરવા કાઢતા.આ કહેવાનો ભાવાર્થ એટલોજ કે જે કરકસર વાળુ જીવન એ જીવ્યા એ આદત હજી પણ છે.
  આજે એમની ઉંમર લગભગ ૮૫-૮૭ વર્ષની થઈ પણ જ્યારે પણ એ મારા દાદા માટે અને એમના એ મુશ્કેલીવાળા અને કપરા દિવસો વિષે કહે છે તો આંખમાથી પાણી નીકળી જાય છે. એમનુ એ જીવન અમારે માટે પ્રેરણા સમાન છે. એમની એ હિંમત અને સાહસ અને પ્રેમને મારા શત શત વંદન.

  – ચેતન ટાટારીયા

  • hiral says:

   Your story is also heart touching. Yes, I agree, aged people have many experience to share and their life it self teaches us many lessons. You are lucky that your grand mother is still there. I am always missing my grand mother. Her life and her positive nature it self was/is enough for us to inherit all such good values in our day to day life.

   • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    તમારો ખુબ ખુબ આભાર. મે મારા દાદાને જોયા નથી. આજે પણ હુ એમને ખુબ જ “miss” કરુ છુ. દાદા-દાદીનો પ્રેમ અનોખોજ હોય છે.

 18. Jagruti Vaghela USA says:

  ખૂબ જ હ્ર્દયસ્પર્ષી લેખ. માનનિય ડો. વિજળીવાળા સાહેબના બધા જ લેખો ઉત્તમ હોય છે.

 19. Dipti says:

  જો આપણે પાડોશમાં જ આવા પરિવારને જોતા હોઈએ તો પણ એમના મનોભાવથી જોજનો દૂર હોઈએ છીએ. લેખકે આપણને એ ભાવ -અભાવની લાગણીમાં તરબોળ કરી દીધા.

  આવી પરિસ્થિતિમાં પણ તેઓ ડોક્ટર થયા અને આજે મોટા ભાગના લોકોને બધી માહિતિ એક જ ક્લિક છેટે મળતી હોવા છતાં બધું બહુ અઘરું લાગે છે.!!!!!!

 20. Vipul Panchal says:

  Heart touching story!!!!

 21. જય પટેલ says:

  સંકટ સમયમાં તારણહાર બનતી ” બચત ” ના મુલ્ય પર ભાર મુકતી ટૂંકી દર્શિની.

 22. Ashish Dave, Sunnyvale, Califronia says:

  સમયને સથવારે is a MUST read book. I have it on my night stand and keep reading it every time I have few minutes. It keeps me going…

 23. Bhumika says:

  ખુબજ ભાવાત્મક લેખ.

 24. Rajni Gohil says:

  ધગધગતા તાપમાં પણ ડૉ. વીજળીવાળાના મનમાં વીજળીનો ઝબકારો થયો, પૈસાની ડબ્બી મળી અને એમની ભૂખ ટળી અને આપણને તો પ્રેરણાત્મક “મારગ” મળ્યો. જેમનું જીવન આવી યાતનાઓમાં તપીને સોનાની માફક વધુ ચળકાટ આપનાર બન્યું હોય તેમની પાસેથી જ આવી સોનામાં સુગંધ ભળે તેવી વાર્તાઓ મળેને! આપણે પણ આ વાર્તા પરથી બોધપાઠ લઇ ભગવાન પરનો આપણો વિશ્વાસ વધારી જીવનને સફળ બનાવવાના પ્રયત્નમાં લાગી જઇએ.

  મારી પાસે ડૉ. વીજળીવાળાના સાત પુસ્તકો છે તે હું બીજાને વાંચવા આપી આનંદ અનુભવું છું. ડૉ. વીજળીવાળાને તો જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આપણે બીજાને પણ આવી સુંદર વાર્તાઓ email દ્વારા પણ વાંચવાની તક આપી આપણો આનંદ બેવડાવીએ તે યથા યોગ્ય જ કહેવાશે.

 25. કલ્પેશ ડી.સોની says:

  જબ દંત ન થે તબ દુધ દીયે,
  અબ દંત દીયે તો અન્ન નો દે ?
  બાળક જન્મે ત્યારે માના સ્તનમાં દુધ તૈયાર કરનાર, દાંત આવે ત્યારે ભોજન ન આપે?
  આ માહિતી દાદીની શ્રદ્ધાનો વિષય છે. બહુ ઓછા લોકોમાં કેળવાયેલો જોવા મળે છે. વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે ભલભલાં હિંમત, વિશ્વાસ ગુમાવી દે છે. આવા દાદીને મારી સ્નેહાંજલિ !

 26. જીતેન્દ્ર તન્ના says:

  આતિ ઉત્તમ અને સરળ લેખ. આંખ ના ચારેય ખુણા ભીંજાઈ ગયા….!

 27. urvi says:

  this story gives hope toward life that god is there. when u lost ur all feeling he is gives u new hope and end gives me tears in my eyes, excellent story………….

 28. raj agnihotri says:

  sir,
  you put me in tears,
  You have pass this all hardship,that’s why God has bless you ,because you are always ready to give his exam at that time.

 29. shruti.maru says:

  ખુબ જ સરસ લેખ છે. આજે વાત કોઇ ને કહીયે તો ન માને પણ મારા દાદા-દાદી મને કહે કે એક મહિના ના દુધ નુ બીલ ૩r હતુ. આજે આ વાર્તા વાંચી તો ફરી દાદા-દાદી ની વાત સાર્થક થઇ છે.

  લેખકજી ખુબ ખુબ આભાર આવા સુંદર લેખ માટૅ.

 30. TEJAL TITHALIA says:

  વિજળી વાળા સહેબ ના બધા જ લેખો ખુબ હ્ર્દયસ્પર્ષી હોય છે એમની દરેક બુકો વાચવા જેવી હોય છે. જિવન ની એક્દમ સત્ય હકિકત …………………………ઉત્તમ લેખ

 31. umang says:

  midn blowing stry after suc time….lovelly…..jst same as manvi ni bhavai…

 32. pankaj says:

  પન્કજ્

 33. Dhyey joshi says:

  શબ્દો ઓછા પડે! અદ્ભુતઃ

 34. jay says:

  જબરુ લખ્યુ વિજળીવાળા સાહેબ !!!!

 35. Kalpesh Vyas says:

  Really, Dr. I K Vijaliwala Sir , All the articles are tuching to my heart. 1st time i have found writer like you in my life. After every story reading i have to keep 2 mins silence. Really Greate Sir..

  God. Keeps you Headlthy, Welthy forever.

  Warm Regards.

  Kalpesh Vyas (Mumbai)

 36. rashmika says:

  very nice story .its realy heart touching.i like it very very very very much.

 37. nayan panchal says:

  વીજળીવાળા સાહેબનો હંમેશ મુજબનો પ્રેરણાત્મક, હ્રદયસ્પર્શી લેખ.

  તમારા નવા પુસ્તક્ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તો ખૂટતુ કરવા વિનંતી.

  આભાર,
  નયન

 38. Many many thanks to Dr. Vijalivala saheb. Mari aankho ni sathe sathe maru haiyu pan bhinjai gayu. Tamari aa story vanchya pachhi Mane ahinya UAE ma mara mummy-pappa ni bahu yaad aavi gai, temane vethelo sangharsh yaad aavi gayo. Ahinya UAE ma koi hriday-dravak drishya ke aevi koi ghatana ja jove nathi malati, ahinya bash chare baju gandhato vaibhav ja chhe, tema maru man bahu ja gungamal anubhave chhe. Tamari varta vanchya pachhi vatan ni ane mummy-pappa ni yaad taji thai gai ane hriday nicovai gayu. Khub khub aabhar tamaro ane Vinanti ke aavi ja story lakhata raho, jethi kari ne amaro vatan sathe no nato atut rahe.
  Jay Hind.

 39. DEVANSHI says:

  DR, ITS A REALLY TUCHING STORY N I GET A NICE MORAL FRM IT THAT V SHOUD ALWAYZ BELIEVE IN GOD, IN ANY AND EVERY SITUATION. THANK U DR 4 THIS WONDERFUL STORY.

 40. ખરેખર,ડો. વિજળીવાળા પોતાના ભૂતકાળણની વાત આપણી સામે મુકી તે પરથી બોધપાઠ લઇ ભગવાન પરનો આપણો વિશ્વાસ વધારી જીવનને સફળ બનાવવાના પ્રયત્નમાં લાગી જઇએ.

 41. Mahesh says:

  Many many thanks to Dr. Vijalivala sir. Please share some more your experiences.

  Thanks,
  Mahesh Rupapara

 42. viranchibhai says:

  સુદર અને સરસ પુસતક્

 43. Sabirahmed Patel says:

  ખુબ્ જ સરસ …………વાચિ ને ખુબ અનન્દ થયો…………..

 44. pradipsinh says:

  આદરણિય ડૉ. વીજળીવાળા સાહેબ,
  આ૫ના બધા જ લેખો ખુબ હ્ર્દયસ્પર્ષી હોય છે.આપના દરેક પુસ્તક વાચયા ચ્હે

 45. મુસ્તાક બાદી says:

  ખૂબ જ હ્ર્દયસ્પર્શી… જીવનમાં આવી ઘણીબધી ઘટનાઓ હોય છે. મેં પણ આવી ઘણીબધી યાતનાઓ જોયેલી તેમજ અનુભવેલી છે જે બધી ઘટનાઓ મને યાદ આવી ગઇ.

 46. Rohit says:

  તામરો લેખ હરેલા મન ને ફરિ ઉભો ક્રરિ જિતવનો “મારગ્” બાતવે .

  “મારગ નિકદિ જશે ” અદભુત અનુભુતિ વલો સબદ ચ્હે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.