વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે

[‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને નવા નવા પ્રદેશોની ભાળ કાઢી. આને લીધે દુનિયા આખીના જીવનમાં અનેકાનેક પરિવર્તન આવ્યાં. પરંતુ એ બધી ખોજ પૃથ્વી પરની જ હતી. આજે હવે માણસ પૃથ્વીને અતિક્રમી જવા તત્પર બન્યો છે. પાંચસો વરસ પહેલાં જે જિજ્ઞાસા પૃથ્વીની ખોજ કરવા માટેની હતી, એ જ આજે પૃથ્વીની બહારની અન્ય પૃથ્વીઓ સુધી આગળ વધી ગઈ છે. માણસ હવે અન્ય ગ્રહો સાથે સંપર્ક સાધવા મથી રહ્યો છે. આ ભારે મોટી પ્રગતિ છે. આ અભિનવ વિજ્ઞાનયુગ શરૂ થઈ ગયો છે. તેને આપણે ‘અપાર્થિવ વિજ્ઞાનયુગ’ પણ કહી શકીએ.

આ અભિનવ વિજ્ઞાનયુગનાં મુખ્ય બે લક્ષણ નોંધપાત્ર છે. એક તો આજે વિરાટમાં પ્રવેશવાનું વલણ છે, અને બીજું સૂક્ષ્મમાં પ્રવેશવાનું. એક બાજુ માણસ આ વિરાટ સૃષ્ટિનો તાગ લેવા મથી રહ્યો છે, તો બીજી બાજુ સૂક્ષ્મ અણુની શક્તિનું આકલન કરવા મથે છે. વિરાટ અને અણુ બેઉનો તાગ લેવાનું વલણ આ અભિનય વિજ્ઞાનયુગનું છે. આવો આ વિજ્ઞાનયુગ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની આ પ્રગતિ રોકાવી ન જોઈએ, તેને મોકળું મેદાન મળવું જોઈએ. પરંતુ આની સાથોસાથ વિજ્ઞાનની આ પ્રગતિ માનવજાત માટે સર્વ રીતે સર્વથા કલ્યાણકારી બની રહે, તેનુંયે ચિંતન થવું જોઈએ.

આ બાબતમાં વિચારતાં એમ જણાય છે કે વિજ્ઞાન અહિંસા સાથે જોડાઈ જાય, એ આજે અત્યંત જરૂરી જ નહીં, અનિવાર્ય બની ગયું છે. આજે માણસ સૂક્ષ્મ અણુમાં પ્રવેશી રહ્યો છે. આ અણુથી જ આખી સૃષ્ટિ બની છે. આ અણુઓ એકમેક સાથે જોડાતાં સૃષ્ટિ નિર્માણ થાય છે, અને આ જ અણુ વિખેરાઈ જતાં પ્રલય થાય છે, સૃષ્ટિનો નાશ થાય છે. અણુમાં પુષ્કળ શક્તિ ભરી છે. એ શક્તિનો સ્ફોટ થતાં સૃષ્ટિનો લય થઈ શકે છે. આવી રીતે આ અણુશક્તિ સૃષ્ટિ-ઉત્પાદક પણ છે અને સૃષ્ટિ-સંહારક પણ છે. આવી આ અણુશક્તિ વિજ્ઞાનને કારણે આજે માણસના હાથમાં આવી ગઈ છે. વિજ્ઞાને તો આવી એક અદ્દભુત શક્તિ આપણને ઉપલબ્ધ કરાવી દીધી, પણ હવે તેનાથી માનવજાતનો વિકાસ સાધવો કે વિનાશ કરવો, તે આપણા હાથની વાત છે. વિજ્ઞાનની શક્તિ માણસની સેવા પણ કરી શકે છે અને માણસનો સંહાર પણ કરી શકે છે. અગ્નિની શોધ થઈ, તો તેનાથી રસોઈ પણ બનાવી શકાય છે અને તેનાથી આગ પણ લગાડી શકાય છે. અગ્નિનો ઉપયોગ ઘરને ફૂંકી નાખવામાં કરવો કે ચૂલો સળગાવવામાં કરવો, તે વિશે વિજ્ઞાન કાંઈ નથી કહેતું. તે આપણી અક્કલ ઉપર નિર્ભર છે. અને આજે આવી અક્કલ વાપરવાની તાતી જરૂર છે. આવી અક્કલ આપણને કહી રહી છે કે વિજ્ઞાનને તત્કાલ અહિંસા સાથે જોડી દેવું જોઈએ, નહીં તો ભારે મોટો અનર્થ થશે. આજે હવે જો વિજ્ઞાન સાથે હિંસા જોડાઈ જશે, તો દુનિયા આખી બરબાદ થઈ જશે.

આનું કારણ છે. અગાઉના જમાનાની હિંસા જુદી હતી. ભીમ અને જરાસન્ધ વચ્ચે કુશ્તી થઈ. જે મરવાનો હતો, તે મરી ગયો; જે બચવાનો હતો, તે બચી ગયો. દુનિયાની વધારે હાનિ ન થઈ. ત્યાર પછી બૉમ્બ આવ્યા તેનાથીયે તે જ્યાં પડ્યા ત્યાં નુકશાન થયું, સંહાર થયો, છતાં પરિણામ તેટલા પૂરતું સીમિત રહ્યું. પરંતુ આજે અણુ શસ્ત્રાસ્ત્રો હાથમાં આવ્યા છે, તેનાથી દુનિયા આખીનો સંહાર થઈ શકે છે, માણસ અને તેનું વિજ્ઞાન બધું જ ખતમ થઈ જશે. માટે આ જે ભયાનક શસ્ત્રાસ્ત્રો આજે માણસના હાથમાં આવ્યા છે, તેમણે અહિંસાને અનિવાર્ય બનાવી દીધી છે. વિજ્ઞાન અને જો અહિંસા જોડાઈ જાય, તો માનવજાતનું જીવન મંગલમય બની શકે તેમ છે, પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરી શકે તેમ છે. તેને બદલે જો હજી હિંસા કાયમ રહી, તો વિજ્ઞાન માણસના સર્વનાશનું કારણ બની જશે. સારાંશ કે, વિજ્ઞાનનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ, તેના પર બધું નિર્ભર છે. વિજ્ઞાનનો ઉપયોગ આપણે લોકોમાં એકતા વધારવામાં કરીએ છીએ કે લોકોમાં ફૂટ પાડવામાં અને મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તા કેન્દ્રિત કરવામાં કરીએ છીએ, એ પાયાની વાત છે. આપણે જો વિજ્ઞાનને અહિંસા, પ્રેમ ને માનવતાની દિશામાં લઈ જઈશું, તો વિજ્ઞાન માનવજાતનું અભૂતપૂર્વ કલ્યાણ કરી આપશે; અને નહીં તો વિજ્ઞાન ભસ્માસુરની જેમ આપણને સહુને ભસ્મ કરી નાખશે.

દુનિયામાં આજે એક સાવ વિપરીત વિચારસરણી પણ ચાલી રહી છે. તે કહે છે કે આ શસ્ત્રાસ્ત્રો વધારતા જ જાવ અને બંને બાજુએ તે વધશે એટલે તેમાંથી ‘બૅલેન્સ ઑફ પાવર’ – શક્તિની સમતુલા ઊભી થશે અને તેને લીધે દુનિયામાં શાંતિ કાયમ રહેશે. પરંતુ આ એક બહુ ખતરનાક વિચારસરણી છે. શાંતિ માટેનો આવો અશાંત ઉપાય ઝાઝા દિવસ ચાલવાનો નથી. તે છોડવો જ પડશે. તેને બદલે આપણે માણસની બુદ્ધિને ઢંઢોળવી પડશે અને તેને સમજાવવું પડશે કે આખરે હિંસક શસ્ત્રાસ્ત્રોના પરિત્યાગમાં જ માનવતા અને માનવસમાજનો વિકાસ છે. મને શ્રદ્ધા છે કે આજે આ વસ્તુ માણસના ગળે ઉતારવી અઘરી નથી. અગાઉ ધર્મગ્રંથો વાંચીને જે કામ નહીં થઈ શક્યું, અનેક ધર્મોપદેશકોનાં વ્યાખ્યાન સાંભળીને જે કામ નહીં થઈ શક્યું, તે હવે વિજ્ઞાનયુગ કરી શકશે. વિજ્ઞાન માણસની બુદ્ધિને એટલી વ્યાપક બનાવશે. આમ, વિજ્ઞાન સાથે આજે અહિંસા જોડાવી જોઈએ. એટલે કે માણસ પોતાના પ્રશ્નો શાંતિ ને પ્રેમથી ઉકેલતો થાય, માણસ પરસ્પર પ્રેમ ને સહયોગથી એકબીજા સાથે જીવતાં શીખે, લેવા જ લેવા કરતાં દેવામાંયે સુખ છે એમ અનુભવે. અને સાથે જ શસ્ત્ર ઉપરનો વિશ્વાસ તેનો દૂર થવો જોઈએ.

શસ્ત્રની બાબતમાં માણસનો નિરંતર વિકાસ થતો રહ્યો છે. પ્રાચીન કાળમાં રાજ્ય-વ્યવસ્થા હતી નહીં અને લોકો શસ્ત્ર હાથમાં લઈને જ નિર્ણય કરતા. શસ્ત્ર દ્વારા જે નિર્ણય થતો, તેને જ ધર્મનો નિર્ણય માનવામાં આવતો. પછી જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસને થયું કે આ કંઈ ઠીક નથી. તેમ છતાં શસ્ત્ર વિના દુર્જનોથી રક્ષણ કેવી રીતે થાય ? એટલા વાસ્તે શાસનસંસ્થા જેવી સંસ્થા બનાવીને શસ્ત્રો એના હાથમાં સોંપી દેવાયાં. માણસે નક્કી કર્યું કે બધાંના હાથમાં શસ્ત્રો રહે તે ઠીક નહીં, શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર માત્ર શાસનસંસ્થાને જ રહે. માણસના વિકાસક્રમમાં આ એક આગળનું પગલું હતું. અને આજ સુધી આવું જ ચાલ્યું આવ્યું છે. જ્યારે સમાજ હજીયે આગળ વધશે, ત્યારે તે એવા નિર્ણય પર આવશે કે શસ્ત્રશક્તિનો અધિકાર શાસનસંસ્થાને પણ ન રહે. તે વખતે માણસનો શસ્ત્ર પરથી વિશ્વાસ સાવ ઊઠી જશે. ત્યારે પછી શસ્ત્ર માત્ર ભગવાનના હાથમાં રહેશે. ત્યારે સમાજમાં એવી શ્રદ્ધા પ્રવર્તશે કે દંડશક્તિ માણસના નહીં, ઈશ્વરના જ હાથમાં છે અને એ જ બધાંને ન્યાય આપશે. સમાજનો વિકાસ જ્યારે આનાથીયે આગળ થશે, ત્યારે તે દંડશક્તિ ઈશ્વરના હાથમાંયે નહીં રહે. ઈશ્વર કરુણાવાન છે, ક્ષમાવાન છે, અને ક્ષમા-કરુણાથી જે રક્ષણ થઈ શકે છે, તે દંડથી નથી થઈ શકતું. માણસ જ્યારે આ નિર્ણય પર પહોંચશે, ત્યારે તેનો ઘણો વિકાસ થયો હશે.

પરંતુ ત્યારે પછી ઈશ્વરના હાથમાં પણ શસ્ત્રો નહીં રહે. આજે તો બધા જ ભગવાન શસ્ત્રધારી છે. ગદાચક્રધારી અને ધનુષબાણધારી ભગવાનની કલ્પના જ આપણી સામે છે. પરંતુ નિ:શસ્ત્ર ભગવાનની કલ્પના પણ થયેલી છે. એને તેને જોવા હોય, તો પંઢરપુરના વિઠોબાનાં દર્શન કરો. ત્યારે ખબર પડશે કે એ પરમ વિકસિત યુગના ભગવાન કેવા હશે. એ શસ્ત્રધારી નથી. કમર ઉપર હાથ મૂકીને આપણને કહે છે કે, ‘સજ્જનો, ડરો નહીં. આ ભવનદી ભયાનક જણાતી હોય, પણ તે ઊંડી નથી. તેમાં ફકત કમરભર પાણી છે. તેમાં ડરવાની કોઈ વાત નથી.’ આવો વિશ્વાસ આ યુગના ભગવાન આપણને બંધાવશે. ખેર, એટલું નક્કી કે જ્યારે શસ્ત્રાસ્ત્રો બિલકુલ નાબૂદ થઈ જશે, ત્યારે જ પરિપૂર્ણ માનવતાનો ઉદય થશે. વિજ્ઞાનયુગ માણસને આ તરફ દોરી જશે.

મને વિશ્વાસ છે કે વિજ્ઞાન આપણા જ પક્ષમાં છે. આજે ભલે વિજ્ઞાન એવા લોકોના હાથમાં જતું રહ્યું હોય કે જેમને હિંસામાં વિશ્વાસ છે. પણ તે લાંબુ ટકવાનું નથી. વિજ્ઞાન જો હિંસાના આશરે રહ્યું તો માનવજાત ઉપર ભારે મોટું સંકટ આવી પડવાનું છે. આ વાત માણસ વહેલો મોડો સમજશે જ. અને તેથી માણસ વિજ્ઞાનને અહિંસા સાથે જોડશે. આજે મોટા મોટા વિજ્ઞાનીઓ આ તરફ વળી રહ્યા છે. અને ખરું જોવા જઈએ તો દુનિયામાં અહિંસાની વૃત્તિ જેટલી આજે જણાય છે તેટલી ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી. પ્રાચીન કાળથી આજ સુધીના ઈતિહાસ ઉપર નજર નાખીએ છીએ તો જણાય છે કે આજનો સામાન્ય માણસ પણ હિંસા-અહિંસાની વાત કરતો થઈ ગયો છે. જીવનના બધા પ્રશ્નો અહિંસાથી ઊકલી શકે કે નહીં, તેની ચર્ચા આજે થઈ રહી છે. આ પહેલાં આવી ચર્ચા ક્યારેય નહોતી થઈ. અગાઉના લોકો એમ માનીને જ ચાલતા કે હિંસાનું જીવનમાં કાંઈ ને કાંઈ સ્થાન છે જ, હિંસા વિના ચાલે જ નહીં. પરંતુ આજે માણસની સામે એવી આશા ઊભી થઈ છે કે હિંસાને આપણે માણસના જીવનમાંથી કાઢી નાખી શકીએ.

હિંદુસ્તાને ગાંધીજીના નેતૃત્વ હેઠળ અહિંસાના માર્ગે આઝાદી મેળવવાનો જે પ્રયોગ કરી બતાવ્યો તેને લીધે માણસને એક આશાનું કિરણ મળ્યું છે. ભલે તે પ્રયોગ હજી અધકચરો હોય, તેમ છતાં તેને લીધે દુનિયામાં ‘સામૂહિક અહિંસા’ના વિચારનો આવિર્ભાવ થયો તથા આપણી આઝાદી પછી પણ સામાજિક ને રાજકીય ક્ષેત્રે સામૂહિક અહિંસાના નાના-મોટા પ્રયોગો દુનિયાભરમાં થતા રહ્યા છે. આ વસ્તુ અહિંસા પ્રત્યેના માનવજાતના વધી રહેલા વલણની સૂચક છે. વિજ્ઞાન સાથે અહિંસા પ્રત્યેનું આ વલણ જોડાઈ જશે, તો મનુષ્યનું જીવન ઉન્નત, વ્યાપક ને વિશાળ બનતું જશે તથા જે સ્વર્ગની કથાઓ આપણે પુરાણોમાં વાંચતા હતા, તે સ્વર્ગ આ પૃથ્વી ઉપર ઊતરશે.

મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે વિજ્ઞાન અહિંસા સાથે જોડાઈ જઈને આવું પરિણામ જરૂર લાવશે, એક નવા યુગ તરફ માનવજાતને દોરી જશે. આજે આપણે જે સંઘર્ષકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, તે તો આવી રહેલા એક કલ્યાણકારી યુગ માટેની પ્રસવ-વેદના છે. દરેક માતા જાણે છે કે પ્રસવ-વેદનામાંથી પસાર થયા વિના ક્યારેય નવજન્મ થતો નથી.

[કુલ પાન : 142. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજમાતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
ગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ Next »   

12 પ્રતિભાવો : વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે

 1. જગત દવે says:

  વિનોબાજીને નમન.

  આનું નામ કહેવાય સમતોલ વિચારો….!!!! આજે કહેવાતા આધ્યાત્મ ગુરૂઓ વિજ્ઞાન નો ઉપયોગ અને ઉપભોગ કરીને શિષ્યો વધારે છે પણ વિજ્ઞાન નો આદર નથી કરી શકતાં. તેમની સલાહો અને તેમનાં પ્રવચનો /લખાણોમાં આધ્યાત્મ ઓછું અને વિજ્ઞાન ને ધિક્કાર કે વિજ્ઞાન થી દૂર રહેવાની વાતો વધારે હોય છે કા. કે. તેમનું આધ્યાત્મ વિજ્ઞાનીક નથી હોતું.

  મને વિજ્ઞાન અને આધ્યાત્મ હંમેશા પુરક લાગ્યા છે. મને આઈનસ્ટાઈન અને ઋષિ કણાદમાં કોઈ ફર્ક નથી દેખાતો. (‘કણ’ એટલે કે અણુની શોધ ઋષિ કણાદ એ કરેલી અને તેને કારણે તેઓ ‘કણાદ’ કહેવાયા) ભારતમાં વૈદિક કાળમાં ઋષિઓ વૈજ્ઞાનીક પણ હતાં અને તેઓ આધ્યાત્મનાં પણ જ્ઞાતા હતાં. સસાયણ-વિજ્ઞાન, ધાતુ-વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન, ભૌમિતિક-વિજ્ઞાનનાં જ્ઞાતાઓને સમાજ ઋષિનું બિરૂદ આપતો અને તેનાં અનુયાયી થવા અથવા કહો કે વિદ્યાર્થી થવા લાઈનો લાગતી. આપણાં શ્રીઅબ્દુલ કલામમાં અને શ્રીનારલીકરજીમાં મને એ પ્રાચીન ઋષિઓ નાં દર્શન થાય છે. આજે ભારતમાંથી આધ્યાત્મ અદ્રશ્ય થતું જાય છે ભગવો રંગ હવે દેશ-દુનિયામાં મજાકનું કારણ બનતો જાય છે ત્યારે તેનો સમગ્ર શ્રેય ઢોંગી ગુરૂઓ/બાબાઓને વધારે જાય છે.

  ભારતને ફરી એક જાગૃતિ-કાળ ની આવશ્યકતા છે……નવી પેઢી આ કામ ઉપાડી કે તેવું હું ઈચ્છું છું.

  વિનોબાજીનો આશાવાદ અને શ્રદ્ધા મને વિશ્વાસનું બળ આપે છે કે એ નવો યુગ જરુર આવશે અને મારા દેશને તારશે અને માનવજાતને દોરવણી આપશે. શ્રીવિનોબાજીનાં શબ્દો સાથે વિરમુ……….

  “પ્રસવ-વેદનામાંથી પસાર થયા વિના ક્યારેય નવજન્મ થતો નથી”.

  મૃગેશભાઈ વધુ એક ઊત્તમ લેખની પસંદગી બદલ અભિનંદન.

  ઈ-મેઈલઃ ja_bha@yahoo.co.in

 2. Chintan says:

  સંત વિનોબાજીનો ખુબ સમજવા જેવો અને આજના વર્તમાન સમયમા અનુસરવા જેવો લેખ. ખુબ સચોટ અને સરળતા ભર્યુ લખાણ વાંચીને ખુબ આનંદ થયો.
  આભાર મૃગેશભાઈ.

 3. hiral says:

  In old time. Old people used to plant mango tree. they knew if they will not eat mango, but their grand children will eat mango. whatever we do, we need to have wisdom about it’s consequences.

  right now, problems like population, global warming etc we are facing. now if current generation need to do many things to save planet.
  1) use natural resourses properly like water.
  2) don’t use plastic bags.
  etc.

  Purpose of such article is to bring awareness about science and spirituality in society. and who ever read this, have to implement the actions to save planet from that point itself.

 4. Jagruti Vaghela USA says:

  વિજ્ઞાન અને ટેક્નોલોજી મા આગળ વધી રહેલા વર્તમાન યુગમા ખૂબજ ઉપયોગી થાય એવો લેખ. આજના બ્ંને લેખો સરસ.

 5. Dipti says:

  વિનોબાના વિચારો ખૂબ જ દૂરંદેશી છે. દરેક નવા લેખ પછી એમ થાય છે કે આ સાંપ્રત સમય માટે પણ એટલું જ લાગુ પડે છે. આવા વિચારો અને લખાણો વધુ પ્રસાર પામે તો જ આ સ્વપ્ન સાકાર થાય . મિડિયાને આવા પ્રસારમાં રસ પડે , વળી, દેશના ખૂણેખાંચરે ખંત અને સાહસથી સિધ્ધિ હાંસલ કરનારાની વાતો વધુ પ્રદર્શિત થાય તો હકારાત્મક વાતાવરણ બનતું જાય.

 6. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબજ સુંદર લેખ. વિષય કેટલો સરસ છે – વિજ્ઞાન – અધ્યાત્મ. લેખ વાંચ્યો ત્યારે પ્રથમ પ્રશ્ન એજ મનમા ઉદભવ્યો કે આ લેખ ક્યારે લખ્યો હશે પૂ.વિનોબા ભાવેજી એ. આટલા દુરંદેશી વિચાર-દ્રષ્ટિથી લખેલ લેખ આજે પણ એટલોજ ઉપયુક્ત છે. વિનોબાજીએ જે અહિંસાની વાત કરી એ પણ ખુબ જ સાચી છે. પહેલાના વખતમા હિંસા અને યુદ્ધ તો આમ વાત હતી અને એને ધર્મના નામે જોડી દેવામા પણ આવતા. પણ ગાંધીજીએ જે અહિંસાનો માર્ગ બતાવ્યો અને એ માર્ગથી ભારતને આઝાદી પણ અપાવી એ એક ઐતિહાસિક સિધ્ધિ હતી માનવ સમુદાય માટે.

  આટલા સરસ વિચારો બદલ વિનોબાજીને શત શત વંદન.

  એક વિચાર મનમા આવે છે કે આટલા સુંદર વિચારો ફક્ત થોડા લોકો સુધીજ પહોચી શકે છે પુસ્તકો દ્રારા. ટેલીવિઝનમા જો પ્રપંચ અને કપટથી ભરેલી સિરિયલ કરતા આવા સુંદર વિચારો ધરાવતા પુસ્તક પર આધારીત કાર્યક્રમ/ચર્ચા બતાવે કે જેનાથી આજનો યુવા વર્ગ કઈક સારુ શીખે અને સમજે અને જીવનમા તેનુ આચરણ કરે એજ આપણી એમને ખરી શ્રધ્ધાંજલિ.

  – ચેતન ટાટારીયા
  (A country should be defended not by arms, but by ethical behavior.” – Quote by Vinoba Bhave)

 7. જય પટેલ says:

  વિનોબાએ વિઠોબાનાં દર્શન કરાવ્યાં. વિનોબાના અહિંસાના વિચારો સાથે સંમત થવું શક્ય નથી.

  શસ્ત્રો…યુધ્ધ માનવજાતના અસ્તિત્વથી પૃથ્વી પર સમાંતરે ચાલતાં આવ્યાં છે.
  શાંતિનો સમય યુધ્ધની તૈયારીનો છે તેવું પ્રશિક્ષણ રાજકારણીઓ પ્રજાને આપતા.
  એકવીસમી સદીમાં યુધ્ધનો પ્રકાર માત્ર બદલાયો છે અને તે છે છ્ન્ન યુધ્ધ
  જે આતંકવાદના નામે ઓળખાય છે. એકવીસમી સદીના છન્ન યુધ્ધને પરાજિત કરવા પશ્ચિમના દેશોએ
  કમર કસી છે અને ટ્રિલીયન્સ ઑફ ડોલર્સનું છન્ન યુધ્ધ ક્યાં અટકશે કોઈને ખબર નથી.
  છન્ન યુધ્ધનો ભોગ ભારત વર્ષોથી બનેલ છે. આપણી વિચાર ધારામાં જ ખામી છે.
  આપણી લડાઈ તો ઘર આંગણાની છે. દુશ્મનની બૉડમાં જઈને પ્રહાર કરવા માટે સક્ષમ નેતાગીરી જોઈએ.

  આજે ભારતમાં નકસલવાદીઓનું છન્ન યુધ્ધ બેરોકટોક ચાલે છે…જાણે કે સરકારનું કોઈ અસ્તિત્વ જ નથી.
  ક્ષણ ક્ષણ મહાભારત હંમેશા ચાલતું જ હોય છે તે શાંતિ યજ્ઞ કે ડાહ્યી ડાહ્યી વાતોથી ના ટળે.

  છન્ન યુધ્ધ પર વિજય મેળવવા ભ્રમર ઉંચી કરવી જ રહી.
  ગીતામાં કૃષ્ણ કહે છે……શસ્ત્રધારીઓમાં હું રામ છું.

  • જગત દવે says:

   શ્રીજયભાઈઃ

   અહિંસા પણ એક પ્રછન્ન યુધ્ધ જ છે જેમાં લોહી નથી વહેતું……અને અહિંસાત્મક યુધ્ધ માટે પણ વીર હોવું એ તો પહેલી શર્ત છે…….ગાંધીજીની અહિંસા પણ એક વીરની અહિંસા હતી કેમ કે તેમની સાથે દેશની કરોડોની જનતા ફૌજ તરીકે તૈયાર હતી. ગાંધીજીની શર્ત જો ન માનવામાં આવે તો અંગ્રેજોને બીજે જ દિવસે તેનાં અહિંસાત્મક પણ અસરકારક એવાં પ્રત્યાઘાત મળતાં જે તેમનાં માટે રાજકીય અને આર્થિક રીતે ભારે નુકશાનકારક સાબિત થતાં.

   વાટાઘાટમાં પણ એ જ જીતે છે જેનાં ‘બાવડા’ માં બળ હોય. ગાંધીજીનાં બાવડાનું બળ ભારતની પ્રજા હતી.

   છન્ન યુધ્ધની લડાઈનો ચતુરતાં પૂર્વક ઉપયોગ ભારત સાથે કરાઈ રહ્યો છે.

   “દુશ્મનની બૉડમાં જઈને પ્રહાર કરવા માટે સક્ષમ નેતાગીરી જોઈએ”……. સરસ કહ્યું ……આ ‘જીન્સ’ ભારતની જનતામાં પ્રાચીન સમયથી સુષુપ્તાવસ્થામાં છે જે બીજા ચાણક્ય અને ચંદ્રગુપ્તની વાટ જોઈ રહ્યું છે.

   દુશ્મનની બોડમાં જઈને પ્રહાર કરનારો છેલ્લો વીર ચંદ્રગુપ્ત મૌર્ય હતો………. જેણે રોમન રાજા સેલ્યુકસ ને ૩૦૫ BCE માં તેની જ બોડમાં જઈને હરાવ્યો હતો. બસ………ત્યાર પછી ગઝનીઓ, ઘોરીઓ, ઈતુલ્મશો,ખીલજીઓ અને હવે આતંકવાદીઓનાં ધાડાઓ એ જ રસ્તે થી આવ્યા જ કરે છે. ભારતભુમિએ વીરો પેદા કરવાનું ત્યાર પછી જાણે બંધ કરી દીધું છે. હવે આ ભૂમિમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, પ્રાંતોનાં નામે લડાઈઓ કરાવતાં ‘રાક્ષસો’ અને તેનાં અનુયાયી ગુલામો જ પેદા થાય છે અને ‘રાજ’ કરે છે.

 8. કલ્પેશ ડી.સોની says:

  બે છોકરા લડતા હોય એને અટકાવવાનો ઉપાય શું? છોડાવવા જઈશું તો વધુ આક્રમકતાથી લડશે. સામાન્ય મારામારી લાંબો સમય ચાલ્યા કરે. પરંતુ એકના હાથમાં બંદૂક પકડાવી દઈશું તો બંને લડતાં અટકી જશે. કારણ કે પરિણામ તરત આવી જાય. ઉપરાઉપરી બે વિશ્વયુદ્ધ થયા એટલે ભગવાને હાથમાં બંદૂક પકડાવી દીધી ! અણુબોમ્બ ! તોપ-બંદૂકોથી વિશ્વયુદ્ધો ચાલ્યા જ કરવાના ! પરંતુ અણુબોમ્બ શોધાયો એટલે હવે વિશ્વયુદ્ધ શક્ય નથી. બધા દેશો જાણી ગયા કે હવે સીધા ચાલવું પડશે. પાકીસ્તાન જેવો નાનકડો દેશ પણ પાગલપન ના કરે એ માટે અમેરિકાએ એની જોડે સંબંધ રાખવો પડે છે ને! એની વાત સાંભળવી પડે છે ને! વિશ્વને શાંત રાખવાની ભગવાનની આ આગવી રીત છે.

 9. Ashish Dave, Sunnyvale, Califronia says:

  પ્રભુએ પણતો સમીકરણ સાચવ્યુ છે. દેરેક દસ હરણના ટોળા પાછળ એક સિહનુ સર્જન કર્યું છે… આપણે સિહ થવુ છે કે હરણ તે આપણે પોતે નક્કી કરવાનુ છે.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.