ગુલાબનો ગજરો – સંકલિત

[1] ‘થ્રી ઈડિયટ્સ’ની ઘરઘંટી – મુકેશ ઠક્કર

ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં આમિરખાને ‘સ્માર્ટ કમ ઈનોવેટિવ’ વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું છે, જે હંમેશાં કંઈક સર્જનાત્મક વસ્તુઓ બનાવે છે. આમિરખાન ફિલ્મમાં ‘સ્કૂટર પાવર્ડ ઘરઘંટી’ની ડિઝાઈન તૈયાર કરે છે. સ્ક્રીન પર ભલે આમિરખાન ચમક્યો, પણ એ સ્કૂટર પાવર્ડ ઘરઘંટી તૈયાર કરવા માટે જલગાંવ જિલ્લાના 49 વર્ષના જહાંગીર પેઈન્ટરનું કરામતી ભેજું કામ કરી ગયું છે. મજાની વાત તો એ છે કે જહાંગીર પેઈન્ટરે આ સ્કૂટર પાવર્ડ ઘરઘંટીની પેટન્ટ પણ મેળવી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વીજકાપને લીધે ઉનાળામાં જહાંગીરની પત્ની બૂમો પાડતી કે હવે વીજળી નથી તો લોટ કેમ કરીને દળાવવો ? જહાંગીરના પિતા પેઈન્ટર હતા. જહાંગીરે ભણવાનું વહેલું છોડી દીધું હતું અને સૌપ્રથમ એક વર્કશોપમાં નોકરી સ્વીકારી હતી. વર્કશોપમાં પણ તેણે લોડ શેડીંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં જહાંગીરે ઈલેક્ટ્રિક કોમ્પ્રેસર ખરીદ્યું. આ કોમ્પ્રેસર સ્કૂટરના એન્જિનની ઊર્જા પર કામ કરતું હતું. તેણે કોમ્પ્રેસર ઉપરાંત, પાણીનો પંપ, ટેબલ ફેન, ટ્યૂબલાઈટ જેવા ઉપકરણો પણ સ્કૂટર પર ચલાવ્યા. જેમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જહાંગીરે તેના નવતર ઉત્પાદનોની અમદાવાદ સ્થિત ‘નેશનલ ઈનોવેટિવ ફાઉન્ડેશન’માંથી પેટન્ટ મેળવી લીધી છે. ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ની ટીમ જહાંગીરની ‘સ્કૂટર કમ આટા ચક્કી’ વિશે જાણવા માંગતી હતી, જેથી જહાંગીર તેના સ્કૂટરને લઈને મુંબઈ આવ્યો. ત્યારબાદ ‘થ્રી ઈડિયટ્સ’ની ટીમ એ સ્કૂટરને લઈને લડાખ ગઈ હતી. ફિલ્મમાં જહાંગીરના સ્કૂટરને પીળા રંગે રંગવામાં આવ્યું હતું અને ગ્રાઈન્ડરને કાળો રંગ કરવામાં આવ્યો હતો. (‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.)

[2] એ દીકરીઓને સલામ – રાજેન્દ્ર બી. કર્ણિક

તા.13-14 ઑક્ટોબર-2009ના દિવસો હતા. અમારી સંસ્થા તરફથી અમે લોકસહકારને આધારે ધરમપુર પાસેના કપરાડા તાલુકાના બુરવલ, થાણવેરી, તેરીચીખલી, વાડી જંગલ, તીસ્કરી જંગલ અને માલુંગી જેવા અત્યંત આંતરિયાળ ગામોની શાળાઓનાં ભૂલકાંઓને મીઠાઈ-ફરસાણ આપવા ગયા હતા. આ ગામોમાં પહોંચવા કોઈ જાહેર પરિવહનની સગવડ નથી. શાળાઓમાં કે ગામોમાં કોઈ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. શાળઓમાં શિક્ષકો કરતાં શિક્ષિકાઓ વધુ કામ કરે છે. બધા હાલ ફકત રૂ. 2500ના પગારમાં જ કામ કરે છે. અહીંના આદિવાસી બાળકોની ભાષા શિક્ષકોને આવડતી નથી અને શિક્ષકોની ગુજરાતી એ ભૂલકાંઓ સારી રીતે સમજી શકતાં નથી. છતાં, આ બધી શિક્ષિકાઓનાં મોઢાં પરની પ્રફુલ્લિતતા, બાળકોને ભણાવવાનો અને ગણાવવાનો તેમનો પ્રયત્ન અને તદ્દન જંગલના વિસ્તારમાં એકલા રહેવાની તૈયારી દાખવી ભવિષ્યના સમાજને બેઠો કરવાની તેમની મહેનત દાદ માંગી લે છે. આ બધી શિક્ષિકાઓ અને અલબત્ત થોડા શિક્ષકો જે મારા દીકરા-દીકરી કરતાં પણ ખૂબ નાનાં છે, છતાં આ બધાને સલામ કરવાનું મન થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીંનાં બાળકો અને વૃદ્ધોને જ્યારે અમે મીઠાઈમાં મોહનથાળ આપ્યો ત્યારે તેમાંના કોઈકે તો અમને એમ પણ પૂછ્યું કે, ‘આને બાફવાનું કે શેકવાનું ?!!’ (‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.)

[3] લાભ-શુભ – આચાર્ય વિજયરત્નસુંદરસૂરિજી

ઘરના દરવાજા પર કે ઘરની દીવાલ પર લખાયેલ ‘લાભ-શુભ’નો અર્થ હું એમ સમજતો હતો કે જીવનમાં લાભ થતો રહે એ જ શુભ છે; પરંતુ આટલાં વરસો પછી આજે મને ખ્યાલ આવ્યો છે કે જીવનમાં જે પણ લાભ થતો રહે એનો શુભમાં ઉપયોગ કરતા રહેવું એ જ અર્થ છે ‘લાભ-શુભ’નો ! હા. ક્યાંક ‘શુભ-લાભ’ લખાતું હોય તો એનો અર્થ પણ આ જ છે કે આ જીવનમાં જે પણ શુભ થતું હોય એ જ લાભ છે.

[4] મહાત્માજી ભરજુવાનીમાં – બબલભાઈ મહેતા

મહાત્મા ગાંધીજી ભરજુવાનીમાં છે. તે ધમધમ નથી ચાલતા. તેમની રગરગમાં તાજુ નવું લોહી નથી ફરતું. તેમની આંખે ઝાંખપ છે; તેમની ચામડી લબડી ગઈ છે. તેમની વાણીમાં બુલંદપણું નથી, અને છતાં એ નવજવાન છે; કેમ કે તે અવિશ્રાન્ત કામ કરે છે. થાક જેવી વાત સ્વીકારતા જ નથી. તેમનું કામ ખૂટતું જ નથી. નવું કામકાજ એ જ તેમનો વિરામ છે. તેમનું માથું અને હાથ સદા કંઈ ને કંઈ કરવામાં જ પડ્યાં હોય છે. તેમના પગ નિશ્ચલ પડે છે. તેમની આંખે આર્ષદષ્ટિ છે. તેમના લોહીમાં દેશની ધગશ છે. તેમની ચામડી દુનિયાના દુ:ખે કરમાયેલી છે. તેમના અવાજમાં સત્ય અને સ્પષ્ટતાનું બળ છે. ખરેખર મહાત્મા ગાંધીજી ભરજુવાનીમાં છે. આપણા જુવાનો ગાંધીજી જેવા જુવાન જોઈએ. (શ્રી બબલભાઈ મહેતાની રોજનીશીમાંથી, ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)

[5] ગજબનો વિચાર ! – દાદા ધર્માધિકારી

એક વાર હું અલ્હાબાદ સ્ટેશને રાત્રે બાર વાગે ઊતર્યો. મારે પાંચ માઈલ દૂર જવાનું હતું. રીક્ષામાં બેઠો. રસ્તે કોઈ ચકલુંય ફરકતું નહોતું. માણસના મનમાં જ્યારે બીક હોય છે ત્યારે કાં તો ગીત ગણગણવા માંડે છે, કાં વાત કરવા લાગી જાય છે. મેં પણ રીક્ષાવાળા સાથે વાતચીત શરૂ કરી. પણ એ મારો વા’લો ઝાઝું બોલે નહિ. એક એક શબ્દમાં ઉત્તર આપીને વાત પતાવે. આખરે મેં એને પૂછ્યું કે, ‘ભાઈ, હું આટલા વખતથી તને સવાલો પૂછી રહ્યો છું, પણ તું કાંઈ જવાબ નથી આપતો, તે શી વાત છે ? કંઈ વિચારમાં છે કે શું ?’ ત્યારે તે બોલ્યો, ‘બાબુજી, હું એમ વિચારી રહ્યો છું કે એવો વખત ક્યારે આવશે જ્યારે હું રીક્ષામાં બેઠો હોઈશ અને તમે રીક્ષા ચલાવતા હશો ?’ (‘સમજણના સૂર’ પુસ્તકમાંથી સાભાર.)

[6] પરમપિતા – ઈસુ ખ્રિસ્ત

અમે શું ખાઈશું, શું પીશું એમ તમારા જીવનની ચિંતા ન કરશો. આકાશમાંના પંખીઓ જુઓ. તેઓ નથી વાવતાં, નથી લણતાં કે નથી કોઠારમાં ભેગું કરતાં, છતાં પરમપિતા તેમને ખાવાનું આપે છે. જે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જવાનું છે એવા વગડાના ઘાસને પણ ઈશ્વર આટલું સજાવે છે તો તમને એથીયે રૂડી રીતે સજાવશે, એમાં શંકા શી ? માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે. કારણ, જે માગે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટી માગે તો પથ્થર આપે ? તમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છો, તો પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શી ? પણ ધ્યાન રાખો. તમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ તરફ જતો માર્ગ પહોળો છે, તેનો દરવાજો મોટો છે અને ત્યાં જનારા ઘણા છે; પરંતુ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે, તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનારા ઓછા છે. (‘ઝરૂખે દીવા’ પુસ્તકમાંથી સાભાર.)

[7] વિશ્વભુવન – રવીન્દ્રનાથ ટાગોર

વિશ્વભુવન કેટલું વિશાળ છે અને તેની તુલનાએ એક માણસ કેટલો તુચ્છ છે એવો જો ખ્યાલ કરીએ તો મોઢામાંથી શબ્દ જ ન નીકળે. બધા માણસોમાં હું ક્ષુદ્ર છું, મારાં સુખદુ:ખની કશી વિસાત નથી. સૂર્યમંડળમાં એ માણસ એક મૂઠી રેતીના જેવો તદ્દન સામાન્ય છે, અને આખા નક્ષત્રલોકમાં એ સૂર્યમંડળનું સ્થાન એટલું અલ્પ છે કે આંકડા વડે તેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. એ બધા અગણિત અપરિચિત લોકલોકાંતરના વાસીઓ આ ક્ષણે જ એ વિશ્વેશ્વરના મહારાજ્યમાં પોતાની અકલ્પ્ય જીવનયાત્રા ચલાવી રહ્યા છે. એવા એવા જ્યોતિષ્કલોક અનંત આકાશના ઊંડાણમાં ડૂબી ગયેલા છે કે જેમનો પ્રકાશ યુગોના યુગો થયાં અવિશ્રામ પ્રવાસ કર્યાં છતાં આજે પણ આપણા દૂરબીનના દર્શનના ક્ષેત્રમાં આવી પહોંચ્યો નથી. એ બધા અજ્ઞાત અદશ્ય લોક પણ તે જ પરમપુરુષની પરમ શક્તિ ઉપર પ્રત્યેક ક્ષણે આધાર રાખી રહેલા છે. પણ આપણને તેની કશી જ ખબર નથી. (‘પ્રવચન શાંતિનિકેતન’માંથી સાભાર.)

[8] ન કોઈ પરાયું, ન પારકું – સં. હરિશ્ચંદ્ર

વિનોબાના કુટુંબમાં એક આંધળા કાકા પણ રહેતા. મા એમની બરાબર દેખભાળ રાખતાં અને બધી સગવડ સાચવતાં. છોકરાંવને તો એમ જ કે એ આપણા સગા કાકા જ છે પણ જ્યારે કાકા મરી ગયા ત્યારે ઘરમાં કોઈએ સૂતક ન કાઢ્યું. તેથી વિનોબાએ માને પૂછ્યું કે આમ કેમ ? ત્યારે ઘટસ્ફોટ થયો. માએ કહ્યું : ‘વિન્યા, તે આપણા સગા ન હતા. એ બહુ મુસીબતમાં હતા અને તેમની આગળ-પાછળ એમની દેખભાળ કરનારું કોઈ હતું નહીં, એટલે આપણે એમને આપણી સાથે રાખ્યા હતા.’ ત્યારે વિનોબાને ખબર પડી કે તે સગા કાકા નહોતા ! ઘરમાં બધાંનો એમની સાથેનો વહેવાર એવો કે તે પરાયા છે એમ લાગતું જ નહીં. આવા સંસ્કારોની ઘેરી છાપ વિનોબા ઉપર છે. આજે આખા ગામને એક પરિવાર માનવાનું જ્યારે તેઓ લોકોને કહે છે, ત્યારે તેની પાછળ બાળપણના આવા ઘડતરનો ફાળો છે. (‘જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિસરીનો ઝૂલો – શ્રદ્ધા ત્રિવેદી
નિદ્રા – જ્યોતિ થાનકી Next »   

17 પ્રતિભાવો : ગુલાબનો ગજરો – સંકલિત

 1. સુંદર સંકલન. લાભ-શુભ વાળી વાત વધુ ગમી

 2. Dinesh says:

  બહુ જ સરસ સંકલન..

 3. jagruti says:

  excellent collection…………………..

 4. કલ્પેશ ડી.સોની says:

  થ્રી ઈડિયટ્સની ઘણી વાતો ગમી.
  સફળતા પાછળ ભાગો નહિ, કાબેલિયત કેળવો. સફળતા તમને શોધતી આવશે.
  જેમાં રસ છે એ ક્ષેત્ર પસંદ કરો, કાબેલિયત અને સફળતા અચૂક મળશે.
  નોકરી મળે યા ન મળે, હું ખોટું નહિ બોલું, મારો નિખાલસ અભિગમ નહિ બદલું.
  જીવનસાથી મૂલ્યવાન વસ્તુઓથી શણગારશે નહિ તો ચાલશે, પ્રેમથી આપણને ભરપૂર કરે તેવો હોવો જોઈએ.
  પુસ્તકીયા જ્ઞાન કરતા સમજણ અગત્યની છે.
  ‘કેવી રીતે ભણાવવું’ એ કળા છે.
  હરિફાઈ-સ્પર્ધામાં પોતાને અવ્વલ સાબિત કરવા કરતાં માણસ-પશુ-પક્ષી-વનસ્પતિસૃષ્ટિ માટે દિલમાં કંઈ કરી છૂટવાની ભાવના માણસને મૂઠી-ઊંચેરો સાબિત કરે છે.
  છેલ્લે, ભગવાન આવા માણસને પહેલે નંબરે પાસ કરે છે અને દુનિયા આખી એને અનુસરે છે. રેસમાં આગળ નીકળવા મથે છે એ ઊંધે માથે પટકાય છે, હાસ્યાસ્પદ બનીને રહી જાય છે.

 5. Vipul Panchal says:

  સુંદર સંકલન….ગજબનો વિચાર વાળી વાત વધુ ગમી.

 6. Chintan says:

  ખુબ સરસ સંકલન મૃગેશભાઈ.

 7. “ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?” આ શિર્ષક સાથે મારા બ્લોગ વાર્તાલાપ પર મેઁ લેખ મુકેલ છે. જેમાં જહાંગીર ઉપરાંત રમ્યા જોઝ અને મોહમ્મદ ઈદરીશ વિશે પણ માહિતી છે. રસ ધરાવતા ભાવકોને મુલાકાત લેવા વિનંતિ છે. મારા બ્લોગની જાહેરાત કરવાનો આશય નથી પણ ભારતના ખૂણે ખૂણે ચમકતા આવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાનો વિનમ્ર પ્રયાસ છે. વાર્તાલાપ લિઁક http://bhajman-vartalap.blogspot.com/2010/01/3-3.html
  (મૃગેશભાઇ, લિઁક મુકવાની પરવાનગી ન હોય તો અવશ્ય કાઢી નાખશો.)

 8. Harubhai Karia says:

  થિસ ઇસ અ વેર્ય વેર્ય ગોૂદ સ્તોર્ય્
  બેસ્યો ન્ગ્રતુલયતિઓન્સ્

 9. All articles are excellent — –so the quality of this site is as pious as Shrimad Bhagvat Mahapuran ——-

 10. RUPAL says:

  ખુબ જ સરસ લેખ્

 11. Ami Patel says:

  very nice. refreshing.

 12. ખુબ સરસ. ગુલાબનો ગજરો …નામ પ્રમાણે જ મહેંક મળી.

 13. Dipti says:

  દરેક ગુલાબ અનેરી સુગંધથી પુલકિત કરી દે એવું છે.

  આ પ્રત્યેક સંકલન વાંચ્યા પછી મહાન અને પ્રખ્યાત વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે અને મને વિચાર આવે છે કે આપણે ખરેખર જીવનમાં શું કર્યું?

 14. Dr.Ekta.U.S.A. says:

  સુંદર સંક્લન છે.

 15. Mital Parmar says:

  ખુબ સરસ….

 16. Rajni Gohil says:

  ગુલાબનો ગજરો એ ખૂબજ સરસ સંકલન છે. બધા જ પ્રસંગો સરસ બોધપાઠ આપી જાય છે.

  રીક્ષાવાળાનું હકારાત્મક વલણ ગમ્યું.
  એક રીક્ષાવાળો ગ્રાહકને પુછે છેઃ તમારે First Class, Second Class કે Third Class માં મારી સાથે આવવું છે?
  ગ્રાહક નવાઇ પામી પૂછે છે એક રીક્ષામાં આવા ત્રણ Class ક્યાંથી આવે?
  રીક્ષાવાળો સમજાવે છે. First Class માં હું રીક્ષા સંભાળીને ખાડા-ટેકરાની બાજુમાંથી લઇ જઇશ. તમને આંચકા નહીં લાગે. અને Second Class માં રીક્ષા ખડખડ કરતી ખાટેકરા પરથી Bump થતી જશે.
  ગ્રાહક અધીરાઇથી પૂછે છે ; અને Third Class માં?
  રીક્ષા વાળો જવાબ આપે છે. હું તમારી જગ્યાએ બેસીશ અને તમારે રીક્ષા ચલાવવાની.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.