મિસરીનો ઝૂલો – શ્રદ્ધા ત્રિવેદી

[ બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

ગામને પાદર એક નાનું મજાનું આંબાવાડિયું. લોકોએ એનું નામ પાડેલું નંદનવન. આ નંદનવનમાં ચકલીની ચીં…ચીં….ચી….ને કબૂતરનું ઘૂ…ઘૂ…ઘૂ…. કોયલનું કૂહુક અને મોરનું ટેંહુક સંભળાયા કરે. ત્યાં લીલાં મરચાં ખાઈ લીલાં થયેલા પોપટો પણ ખરા ને આમતેમ દોડતી ખિસકોલીઓ પણ ખરી. ખિસકોલીઓ તો બધાં ઝાડ પર પહોંચે. તો ગામનાં ગાય, ગધેડું ને કૂતરું પણ લટાર મારવા આવે. ક્યારેક સસલાભાઈ પણ આવે ને વાંદરાઓની તો વાત જ ના થાય ! ક્યારેક આખું ટોળું નંદનવનમાં કૂદાકૂદ કરે તો ક્યારેક આસપાસનાં ગામમાં ! આસપાસનાં ગામનાં લોકો રજાને દહાડે આવે, ખાય-પીએ, રમે-નાચે-કૂદે-ગાય ને મજા કરે ને સાંજ પડ્યે જાય. જે દહાડે લોકો કે છોકરા-છોકરીઓ આવે તે દહાડે આ બધાંને મજા ! તેમનેય જાતભાતનું ખાવાનું મળે.

આ નંદનવનમાં એક ચકલીનું કુટુંબ રહે. બાજુના ઝાડ પર બીજી ચકલી રહે. એક ચકલીને બે બચ્ચાં. ચકીએ તેમના નામ પાડેલાં માખણ ને મિસરી. બાજુમાં રહેતી ચકલીને એક બચ્ચું. તે બહુ કોમળ ! મિસરીએ જ તેનું નામ પાડ્યું : ‘પાંખડી.’ એક વાર તેમને ત્યાં મહેમાન આવેલા. તેમણે પૂછ્યું, ‘તમે બચ્ચાંનાં નામ પાડ્યાં છે ? આપણે ક્યાં માણસો છીએ કે નામ પાડવાનાં હોય ?’ ત્યારે આ ચકીમમ્મીએ કહ્યું : ‘સાંભળો. વાત એમ બનેલી કે એક વાર એક નિશાળની ટૂર આવેલી. તેમાં એક મિસરી કરીને છોકરી હતી. તે બહુ ભલી હતી. તેણે આ બચ્ચાંને સરસ રીતે રમાડેલાં. મિસરી તે દહાડે ડબ્બો ભરીને સુખડી લાવેલી. તે બધાંને આપતી. તેણે તો લાલિયા કૂતરાને આપેલી ને આપણી ખિલી ખિસકોલીનેય આપેલી. મારાં આ બચ્ચાંને તો નાની નાની કટકી કરીને ખવડાવતી. મને એ છોકરી ખૂબ ગમી ગઈ. એ મિસરીએ મારા આ નાનકા ચકાને જોઈ કહ્યું : ‘આ કેવું માખણ જેવું લીસું લીસું છે !’ મને આ બધું બહુ ગમ્યું. ને મેં આમનાં નામ પાડી દીધાં : માખણ ને મિસરી.’

આ નંદનવનમાં પોપટભાઈની નિશાળ પણ ખરી. પોપટભાઈની નિશાળમાં જેને ભણવું હોય તે ભણે. પાંખડીને ભણવાનું બહુ મન થાય. પણ નિશાળ દૂર હતી. ને તે હજી બહુ નાની હતી. મિસરી તો તેનાથી ખાસ્સી મોટી. માખણ-મિસરી બેઉ નિશાળે જાય. માખણ તો ઝટપટ ઊઠે, ફટાફટ તૈયાર થાય ને પટપટ કરતોકને પહોંચી જાય નિશાળે. જ્યારે મિસરીને જરા વાર લાગે. તે લાગે જ ને ! તે તો માને કામમાં મદદ કરવા રોકાય. ક્યારેક બાજુવાળાં ચકીમાસીને કામ હોય તો પાંખડીને રમાડેય ખરી ને એમ સાચવે. તે મોડી જાય પણ પોપટભાઈ કોઈને કશું પૂછે નહીં ને કશું કહે પણ નહીં….. પણ એ ભારે જબરા ! કોણ શું કરે છે તેની તેમને બધી ખબર હોય !

એક વાર મિસરી નિશાળે જતી હતી. રસ્તામાં ખિલી ખિસકોલી ઊભી ઊભી રડે. મિસરીને નવાઈ લાગી. કાયમ દોડનારી ખિસકોલી રડે કેમ ? એ તો ગઈ ખિલીબહેન પાસે ને પૂછે : ‘ખિલીબહેન ! રોજ તો કરો ખિલખિલ ને આજ કેમ આમ ઊં…..ઊં…..?’ ખિલી કહે : ‘મિસરી ! હું દોડતી હતી ને તે મારે પગે કાચ વાગ્યો. કાલે પેલાં છોકરાંઓ આવેલાં ને ! તે તેમનું કંઈક તૂટ્યું હશે. તે બધે કાચ કાચ થઈ ગયો હશે ! સાફ તો કરે છે જ કોણ ? જો ને….. આ ચારે બાજુ કેટલો કચરો છે ? ….જો પણે ખાવાનું પડ્યું છે. તે હું એ ખાવા ગઈ…. ને ત્યાં જ…..’ ને પાછી રડવા માંડી. મિસરી કહે : ‘તમે રડો ના. તમે અહીં જ બેસજો હોં ! હું હમણાં મારી માને બોલાવી લાવું છું. તે કંઈક ઈલમ કરશે ને તમને મટી જશે.’ ને મિસરી તો પાછી ગઈ ઘેર. માને બધી વાત કરી. મા કોઈક દવા ને પાટો ને બધું લઈ આવી. ખિલીના પગમાં ભરાયેલો કાચ કાઢ્યો, પાટો બાંધ્યો. ખિલી ખિલ ખિલ હસી ઊઠી. બોલી : ‘ઓ.કે.’ ચકીમમ્મી તો બેઉ સામું જોયા જ કરે. મિસરી કહે : ‘મા ! અહીં બધાં આવે છે ને તે આવું બોલે છે.

પછી મિસરી ગઈ નિશાળે, તેની મા ગઈ ઘેર ને ખિલીબાઈ દોડતાં દોડતાં ચઢી ગયાં ઝાડ પર ! મિસરી તે દિવસે ઘણી મોડી નિશાળે પહોંચી. પોપટજી દરવાજા પાસે જ હતા. તેમણે મિસરીને જોઈ પણ તે કશું ના બોલ્યા. ઉપરથી કહે : ‘મિસરી ! જા, બધાં સંગીતખુરશી રમે છે. તુંય રમ.’ મિસરી તો સીધી પહોંચી ત્યાં. જોયું તો ચકલી ને પોપટ, કબૂતર ને કોયલ – એમ બધાં ત્યાં હતાં. માખણ પણ ખરો. તેય જોડાઈ ગઈ. માખણની આગળ એક કબૂતરનું બચ્ચું હતું. એક વાનરભાઈ ઘંટડી વગાડતા હતા. થોડી થોડી વારે ઘંટડી બંધ થાય કે બધાં ફટાફટ ખાલી ખુરશી પર બેસી જાય. માખણ હંમેશાં પેલા કબૂતરના બચ્ચાને હડસેલીને બેસી જાય. બે-ત્રણ વાર તો બચ્ચાને બીજી ખુરશી પર બેસવા મળ્યું; પણ મિસરીને આ ન ગમ્યું. તે પેલા બચ્ચા પાસે ગઈ ને તેની અને માખણની વચ્ચે જઈ ઊભી રહી. ઘંટડી વાગી એટલે બધાં દોડવા માંડ્યાં. જ્યાં ઘંટડી વાગતી બંધ થઈ કે માખણ ધક્કો મારી ખુરશીમાં બેસવા ગયો. પણ મિસરી ત્યાં ઊભી જ રહી. કબૂતરના બચ્ચાને બેસાડ્યું. માખણ તો તેના પર એટલો ચિડાયો ને બોલ્યો : ‘સાલું મિસરું ! ડાહ્યલું ! જા, હવે રમજે તું ને તારું આ કબૂતરું !’ – ને ત્યાંથી જતો રહ્યો. હજી એક ખુરશી ખાલી હતી. મિસરીએ તે જોઈ એટલે દોડીને બેસી ગઈ. એમ કરતાં કરતાં ચાર જ જણ રહ્યા. છેલ્લે સુધી મિસરીએ પેલા નાનકડા કબૂતરને બેસવા દીધું ને પોતે ધીમે ધીમે જ દોડી. એમાં પછી એ બચ્ચાનો બીજો નંબર આવ્યો. કબૂતરના આનંદનો પાર ના રહ્યો. માખણ તો મિસરી પર એવો ગુસ્સે ભરાયો કે તેની પાસે આવી કહે : ‘લે ! મને રહેવા દીધો હોત તો હું પહેલો આવત. આ તો ના મને આવવા દીધો કે ના તું જીતી.’ તોય મિસરી કશું ના બોલી. તે ખુશ હતી.

તે દિવસે સાંજે પોપટજીએ જીતેલાઓને ઈનામ આપ્યાં. કબૂતરના બચ્ચાને સરસ મજાનું રમકડું મળ્યું. તે રાજી થતું થતું મિસરી પાસે આવ્યું ને કહે : ‘થેંક્યુ મિસરી, થેંક્યું ! આ રમકડું આપણે બેઉ રમીશું હોં ! તું ના હોત તો હું ના જીતત.’ મિસરી કહે : ‘ઓ.કે. તું ખુશ તો હુંય ખુશ !’ દૂર ઊભો ઊભો માખણ આંખો કાઢ્યા કરે. પણ મિસરી હસ્યા કરે. ત્રણેય જીતેલાંઓને ઈનામ અપાઈ ગયા પછી પોપટજી કહે : ‘આ ત્રણ તો આજની હરીફાઈનાં ઈનામો હતાં પણ એક ઈનામ મારા તરફથી ખાસ આપવામાં આવે છે. ને તે મળે છે મિસરીને.’ બધાંને નવાઈ લાગી. માખણને તો ખાસ ! મિસરી તો નિશાળમાં મોડી આવે છે. એને તો નથી આવડતાં પૂરાં આંક કે નથી આવડતા કોઈ વિષયો ! ને મને તો બધું કડકડાટ આવડે છે. ઈનામ મળે તો મને મળે, એને કેમ ? – ત્યાં તો પોપટજી કહે : ‘તમને થતું હશે કે મિસરીને ઈનામ કેમ મળ્યું ? તે તો ક્યારેક મોડી પણ આવે છે. વળી તેને આંક કે ઈતિહાસ, કશુંય કડકડાટ આવડતું નથી. પણ કોણ શું કરે છે તેની મને બધી ખબર છે. મિસરી બીજાની ખુશીમાં પોતાની ખુશી જુએ છે ને બીજાને મદદ કરે છે. બીજાનાં દુ:ખ સમજી શકે છે. તેમનાં દુ:ખ દૂર કરવા તેનાથી થાય તેટલું કરે છે.

આંક થોડા ઓછા આવડે તો ચાલે પણ બીજાને પ્રેમ આપવો, બીજાના દુ:ખને ઓછું કરવા પ્રયત્ન કરવો, બીજાના દુ:ખને ઓછું કરવા પ્રયત્ન કરવો, બીજાના સુખમાં પોતાનું સુખ જોવું – એ મોટી વાત છે. મિસરી પોતાના ભોગે બીજાને મદદ કરે છે. એ જ સાચું ભણતર છે. માટે આજનું ખાસ ઈનામ તેને મળે છે. ને એ ઈનામ છે સરસ મજાનો ફૂલપાંદડાંનો ઝૂલો. લે મિસરી !’ મિસરી તો ઠેકડા મારતીકને ગઈ ને ઝૂલો લઈ લીધો. પોપટજી પૂછે : ‘આ ઝૂલામાં કોણ ઝૂલશે ?’ મિસરી કહે : ‘મારી મા ! મારા બાપુ ! મારો ભાઈ ! ખિલીબાઈ ! પાંખડીને….ને… બધાં. જેને ઝૂલવું હોય તે.’ પોપટજી ખુશ થયા. બધાંએ ખૂબ તાલીઓ પાડી. પોપટજી કહે : ‘જુઓ ! મિસરીએ કેવું કહ્યું ? બધાં ઝૂલશે. માખણ તું સમજ્યો ?’ માખણ ચૂપચાપ આવ્યો મિસરી પાસે ને મિસરીને વળગીને રડી પડ્યો. પછી માખણ-મિસરી બેઉ બેઠાં ને ચકા-ચકીએ તેમને ઝૂલાવ્યાં. પાંખડીએ ગાયું :

‘ઝૂલે રે બહેની ઝૂલે, ફૂલોના ઝૂલે ઝૂલે !
ઝૂલે રે ભઈલો ઝૂલે, પાંદડાંના ઝૂલે ઝૂલે !
માખણ-મિસરી ઝૂલે, સૌના હૈયે ઝૂલે !
કેવાં રે બેઉ ઝૂલે, માખણ-મિસરી ઝૂલે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા
ગુલાબનો ગજરો – સંકલિત Next »   

7 પ્રતિભાવો : મિસરીનો ઝૂલો – શ્રદ્ધા ત્રિવેદી

 1. સુંદર બાળવાર્તા.

 2. pragnesh says:

  સુંદર બાળવાર્તા.

 3. Sunita Thakar (UK) says:

  સરસ. પંચતંત્ર ની વાર્તા જેવી બોધદાયક વાર્તા.

 4. dhara shukla says:

  nice story.i will definitely share this with my 5 yrs.little daughter.

  dhara

 5. yogesh says:

  Nice story, i will tell the same story to my kids tonight for sure. My children love stories and i have to tell them one story every night so i got my quota for tonight.:-)
  thankyou
  yogesh

 6. Dipak Rana says:

  સરસ મજા આવિ વારાવાની
  nice story.i will definitely share this with my 5 yrs.little daughter
  સુંદર બાળવાર્તા.
  Nice story, i will tell the same story to my kids tonight for sure. My children love stories and i have to tell them one story every night so i got my quota for tonight.:-)
  thankyou

 7. Harubhai Karia says:

  બહુ સરસ બલ્વર્ત ચ્હે. હર્દિક અભિનન્દન – હરુભૈ કરિઅ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.