વાદળોની સફરે – અરુણા પરમાર

[રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે અરુણાબેનનો (ઈસરો – Indian Space Research Organization , અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aruna@sac.isro.gov.in સંપર્ક કરી શકો છો.]

નાનપણમાં ભણવામાં આવેલ કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચુ શિખર છે. ત્યારથી જ મનમાં ઈચ્છા ઊગેલી કે એકવાર એવરેસ્ટ સાથે રૂબરૂ મુલાકાત જરૂરથી કરવી. સમય જતાં આ ઈચ્છાનું મહેચ્છામાં રૂપાંતર થઈ ગયું. હૃદયના એક ખૂણામાં તેણે મજબુત સ્થાન જમાવી દીધું. અંતે જિંદગીનો એક દીર્ઘ સમયખંડ પસાર કર્યા બાદ હમણાં થોડા સમય પહેલાં મારી આ મહેચ્છા ફળીભૂત થઈ. આ પ્રવાસ નક્કી થયો ત્યારથી હું જાણે સાતમા આસમાનમાં વિહરી રહી હતી. મુલાકાત લેવાના સ્થળોની યાદીમાં એવરેસ્ટ સિવાય અન્ય ઘણાં લોભામણાં સ્થાનો પણ સામેલ હતાં, પરંતુ હું તો માત્ર ‘એવરેસ્ટ’ નામથી જ અત્યંત રોમાંચિત હતી. સફરની શરૂઆત થતાંની સાથે જ એ રોમાંચમાં અનેકગણો વધારો થઈ ગયો. ગિરિરાજના આ ઉત્તંગ સામ્રાજ્યમાં પરિભ્રમણ કરતાં મને વાદળો વચ્ચે ફરવાનો એક અનોખો લ્હાવો પ્રાપ્ત થયો.

ભારતવર્ષના ઉત્તર-પૂર્વી રાજ્યોના સીમાડા પર કુદરત દ્વારા અંકારાયેલી આ સીમારેખા એટલે માઈલોના માઈલો સુધી પથરાયેલી ગિરીરાજ હિમાલયની પર્વતશ્રુંખલા. આ પર્વતાધિરાજની સન્મુખ થવામાં મને એક બીજો ફાયદો એ થયો કે ગુજરાતથી માંડીને દિલ્હી, આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના અનેક પ્રદેશો જોવાનો અનેરો લ્હાવો આ સફરમાં મળ્યો. અતિ દુર્ગમ વિસ્તારોમાં ખેડેલો આ પ્રવાસ મારા જીવનનું એક અણમોલ સંભારણું બની રહ્યો. દિલ્હીથી ગૌહત્તી વચ્ચેની સફર શરૂ થવાની સાથે જ હિમાલયની ગિરીમાળાએ પોતાના દર્શન આપવાનું શરૂ કરી દીધું હતું. દૂર દૂર ફેલાયેલા હિમાલયને નજદીકથી નિરખવાનો થનગનાટ મારા ઘટઘટમાં વ્યાપી રહ્યો હતો. ઉપર આકાશ અને નીચે પર્વતો અને એની પણ નીચે આકાશ !! વિસ્ફારીત આંખો અને ઉપકૃત હૃદય કુદરતના આ કરિશ્માને જોતાં ધરાતાં જ નહોતા જાણે !

જો કે અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે કુદરતે પોતે બનાવેલ આ રમણીય પ્રદેશ કે જેને ભારતનો હિસ્સો ગણવામાં આવે છે તે તિબેટ, નેપાળ અને ભુતાનના ખોળામાં પથરાયેલો છે. મારા ખાસ નિરીક્ષણમાં એ બાબત પણ ઊભરી આવી કે અહીંની પ્રજા ચીનથી પ્રભાવિત છે. મોટેભાગે અહીં નેપાળી બોલી બોલાય છે અને ચીનની વસ્તુઓ વપરાય છે. લોકો અલ્પશિક્ષિત છે, ગરીબ છે, પ્રામાણિક છે, નિખાલસ છે, છળકપટથી વેગળા છે, કામઢા છે અને અતિ નમ્ર અને વિવેકી છે. શારીરિક લંબાઈમાં નીચી અહીંની પ્રજા મહેમાન નવાજીમાં ખૂબ ઊંચી છે. શરાબ ખુલ્લેઆમ વેચાય પણ શરાબ પીધેલાં કે પીને છાકટા બનેલાં લોકો તમને ક્યાંય જોવા ન મળે. અહીંની સ્ત્રીઓ અને બાળકો એકદમ ભોળાં અને રૂપાળાં છે. મને એક વાત જોઈને ખૂબ મજા આવી કે અહીં જાણે સ્ત્રીઓનું રાજ ચાલે છે ! પ્રાદેશિક અને પ્રાચીન વસ્તુઓની દુકાનોમાં વેપારી તરીકે ઘણાખરા અંશે સ્ત્રીઓ જોવા મળે છે. દાર્જીલિંગમાં અમને જ્યાં ઉતારો અપાયો હતો તે હોટલ ‘ક્રિસ્ટલ પેલેસ’માં પણ રિતિકા, સિમરન અને રીના નામની ત્રણ યુવતીઓ શિસ્તબદ્ધ રીતે બધું આયોજન ચલાવતી હતી. વહેલી સવારે જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓને આત્મવિશ્વાસ અને હિંમતપૂર્વક કૉફી કે ચા વેચતી, સરસ રીતે તૈયાર થયેલી, નખશીખ ખૂબસુરત સ્ત્રીઓને જોઈને આપણને ખરેખર માન ઊપજે કે કોઈ કામ કરવામાં આ લોકોને નાનમ નથી. નાના બાળકોને ખભા પર બાંધીને, રસ્તા બનાવવાના કામમાં જોતરાયેલી કે ચાના બગીચાઓમાં પાંદડા વીણતી સ્ત્રીઓ આ પ્રદેશનો જાણે ‘ટ્રેડમાર્ક’ લાગે. અરે, ઠેરઠેર પથરાયેલી શરાબની દુકાનોમાં પણ વિક્રેતા તરીકે સ્ત્રીઓ જોવા મળે ત્યારે આપણી આંખો આશ્ચર્યથી પહોળી જ થઈ જાય !

અન્ય એક ઊડીને આંખે વળગે અને આપણને વિચલિત કરી નાખે એવી એક દયનીય પરિસ્થિતિ એ છે કે અહીં માલસામાનનું વહન વાહનોની જગ્યાએ માણસો કરે છે. મોટા મોટા કબાટો, ફ્રીજ, પતરાં, શાકભાજીના થેલાં પોતાની પીઠ પર લાદીને લઈ જતાં સ્ત્રી-પુરુષોનાં દશ્યો અહીં રસ્તા પર અનેક જગ્યાએ જોવા મળે. મોટા શહેરોના રોડ પર પોતાનું આધિપત્ય જમાવતાં દ્વિચક્રી વાહનોનું અહીં નામોનિશાન જોવા ન મળે. પૂરપાટ દોડતી વિધવિધ કારો કે લકઝરી બસોનાં દર્શન ભાગ્યે જ ક્યાંક થવા પામે. સાઈકલો તો હોય જ ક્યાંથી ? પ્રવાસીઓ અને કામદારો માટે સંખ્યાબંધ જીપો દોડે. એ સિવાય અન્ય કોઈ વાહનનું ગજું જ નહિ કે આ પથરાળ પ્રદેશમાં હંકારી શકાય. જ્યાં જુઓ ત્યાં બધાં પગપાળાં જ જતાં જોવા મળે. સમયની કોઈ ફિકર કે ચિંતા રાખ્યા વગર લોકો નિર્ભયતાથી વિચરે. સમયની કોઈ પરવા કરતું હોય તો તે એક માત્ર સૂર્યનારાયણ. આ પ્રદેશમાં સૂરજદાદા વહેલા વહેલા ઊઠી જાય અને બપોર સુધીમાં તો થાકીને લોથપોથ થઈને ઘરભેગા થઈ જાય !! વરસાદને ય જ્યારે પણ વરસવાની ઈચ્છા થાય, ચોમાસાની રાહ જોવા ન રહે. એટલે પ્રવાસીઓએ અહીં છત્રી કે રેઈનકોટ ફરજિયાત રાખવા પડે. હિમાલયનો આ પ્રદેશ કહેવાય પરંતુ ક્યાંય કોઈ સાધુ-સંત નજરે ના પડે. બૌદ્ધધર્મનું અહીં ભારે પ્રભુત્વ છે તેથી લામાઓ, લામાઓ માટેની શૈક્ષણિક સંસ્થાઓ અને બૌદ્ધ ધર્મસ્થાનો અહીં મોટા પ્રમાણમાં જોવા મળે. ખ્રિસ્તી મિશનરીઓનું શૈક્ષણિક ક્ષેત્રે અહીં મહત્વનું પ્રદાન છે. પહાડો પર ખ્રિસ્તી સ્થાપત્ય સમી સરસ સ્કૂલો સિવાય અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ ચોક્કસ વર્તાય. વિદ્યાર્થીઓ પણ અહીં પગપાળા જ ટેકરીઓ ચડીને સ્કૂલે જતાં દેખાય. આ પ્રદેશમાં એક ખાસ બાબત જણાઈ આવી કે ક્યાંક ક્યાંક યાક સિવાય કોઈપણ પશુપક્ષીઓનું અસ્તિત્વ નહિવત છે.

પર્વતીય પ્રદેશ હોવાથી આખા આ પ્રદેશમાં કોઈ પણ પ્રકારની ખેતી થવા ન પામે. દાળમાં અડદની દાળનો જ વપરાશ થાય. શાકભાજીમાં કોબીજ અને ફલાવર પ્રધાન શાકભાજી ગણાય. તેથી હરરોજ હોટલમાં અમને સવારે કોબીજ-બટાટા અને સાંજે બટાટા-કોબીજનું શાક આરોગવા મળે ! આંતરે દિવસે વળી ફલાવર પણ થાળીમાં ક્યાંક જોવા મળી જાય. દેશના મોટા શહેરોની જેમ અહીં પાણીની ક્યારેય અછત ન વર્તાય. પહાડો પરથી અવિરતપણે ફૂટતાં રહેતાં અસંખ્ય ધોધ એ જ અહીં વપરાશના પાણીનો મુખ્ય સ્ત્રોત. ધોધ સાથે સીધી જ જોડાયેલી પાણીની એક લાઈન સમગ્ર શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરે. કુદરતી રીતે જ મિનરલ આ પાણીનો સ્વાદ એકદમ મીઠો લાગે. આ પ્રદેશની એક વિશિષ્ટ વાનગી એટલે ‘મોમો.’ મોમોમાં પણ કેટલીયે વિવિધતા જોવા મળે. વેજ અને નોનવેજ. વેજ મોમોમાંય વળી તળેલો અને તળ્યા વિનાનો મોમો. કોબીજમાંથી બનાવેલી આ વાનગી ચટાકેદાર લાગે. એક બંગાળી મિત્રના સુચનથી આ વાનગી અંગે મને માહિતી હતી. તેથી મારા સાથી પ્રવાસીમિત્રોને પણ મેં અહીંના સમગ્ર રોકાણ દરમ્યાન મોમો ખાતા કરી દીધાં. મોમો તમને ક્યાંય પણ મળી શકે. માર્ગો પરનાં નાનાં ઢાબાઓ પર કે મોટાં રેસ્ટોરન્ટોમાં પણ. મોટાં રેસ્ટોરન્ટો દાર્જીલિંગમાં જ જોવા મળ્યાં. ઢાબાઓ કરતાં રેસ્ટોરન્ટ પર મળતાં મોમોના સ્વાદમાં તફાવત જરૂર વરતાઈ આવે.

આ પ્રદેશની એક ખૂબ જ અગત્યની અને દેશના અન્ય શહેરોએ પણ અનુસરવા જેવી બાબત એટલે પ્લાસ્ટિકના ઉપયોગ પરનો સદંતર પ્રતિબંધ. અહીંની સઘળી દુકાનોમાં આ પ્રકારનું લખાણ વાંચવા મળે. પ્લાસ્ટિક પરના પ્રતિબંધને કારણે અમદાવાદ કે અન્ય મોટાં શહેરોના માર્ગોની સ્થિતિ વિરુદ્ધ અહીંના રસ્તાઓ ચોખ્ખાંચણાક લાગે. બીજી એક ખાસ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ તે અહીંની અલ્પશિક્ષિત પ્રજાની પર્યાવરણ અંગેની જાગરૂકતા. ક્યારેક બંને તરફ કાળમીંઢ પર્વતો તો ક્યારેક હારબંધ ઊંચા વૃક્ષો વચ્ચે વહી રહેલાં માર્ગો પર ઠેરઠેર મોટાં બેનર્સ પરનું ધ્યાનાકર્ષક લખાણ એટલે – ‘Please help us to keep our environment and our culture.’ ‘અમારી સંસ્કૃતિ તથા અમારા પર્યાવરણને જાળવી રાખવામાં અમને મદદ કરો’. કહેવાતા વિકાસના પગલાં હજી અહીં પહોંચ્યા નથી. કદાચ એટલે જ આ સભ્ય સંસ્કૃતિ જળવાઈ રહી છે અને તેની પ્રજામાં તેનું જતન કરવાની સંવેદનશીલતા બચવા પામી છે. આ બધું જોતાં, ઘણાં વર્ષો પૂર્વે મેં એક પુસ્તક વાંચ્યું હતું તે સ્મૃતિપટલ પર આવી ગયું. જંગલના છેવાડે વસેલી આદિવાસીની એક પ્રજાતિ પર આ પુસ્તક લખાયેલ. એકવાર સુસંસ્કૃત અને સભ્ય સમાજનો માનવ ત્યાં જઈ ચડ્યો અને તે પ્રજાતિના જીવનમાં ધરમૂળથી ફેરફાર દ્વારા વિકાસ કરવાના સૂચનો કરે છે. ત્યારે એ કબીલાના મુખી આ સભ્ય માનવને જણાવે છે કે અમે જેમ છીએ તેમ અમને રહેવા દો. દુનિયાને અમારા અસ્તિત્વ અંગે કશું જણાવશો નહિ. અમે હવે આટલા જ બચવા પામ્યા છીએ. મને પણ કંઈક આવી જ લાગણી થઈ કે આ પ્રજા સુધી વિકાસનો વાયરો પહોંચવા ન પામે અને તેઓની નિખાલસતા, નિર્દોષતા અને સંસ્કૃતિ બચી જવા પામે.

એવરેસ્ટ સુધી પહોંચવું એ થોડી દુષ્કર વાત છે તે બાબતનો પુરાવો બાગડોગરાથી ગેંગટોક સુધીના માર્ગમાં જ મળી ગયો. આ એક અતિશય કઠીનયાત્રા છે. પર્વતીય સીધા ચઢાણો તથા ખીણના ઊંડા ઢોળાવો – સાંકડી કેડી સમા પથરાળ રસ્તાઓ પર અમારું વાહન જે રીતે હંકારાઈ રહ્યું હતું કે અમને પળેપળે ઘર યાદ આવી રહ્યું હતું. માનસિક સ્થિરતાને સખત અને સતત જાળવી રાખીને અહીંના વાહનચાલકો જે રીતે વાહન હંકારે છે તે ખરેખર એક દાદ માગી લેતી બાબત છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મારા સમગ્ર પ્રવાસ દરમ્યાન, મને અહીંના વાહનચાલકો પ્રત્યે અનેકગણો આદર ઉપજ્યો. આ પ્રજાની આજીવિકા પ્રવાસીઓ પર નિર્ભર છે. પ્રવાસીઓને અહીં પ્રભુનો દરજ્જો આપવામાં આવે છે. એટલે વાહનચાલકો તેમનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. સાંકડા માર્ગો, ભયંકર વળાંકો, ચોતરફ પથરાયેલા મસમોટા પથ્થરો વચ્ચેથી સાવધાની અને સલામતીપૂર્વક પોતાનું વાહન હંકારવું, સામેના વાહન માટે ચૂપચાપ જગ્યા કરી આપવી અને પ્રવાસીઓને સમયસર નિર્ધારિત સ્થળોએ પહોંચાડવા – આ એક ખૂબ જ આવડતની સાથે સાથે સંવેદનશીલતા માગી લેતી કળા છે. ક્યાંય કોઈ અકસ્માત નહિ, કોઈ તકરાર નહિ. છે તો માત્ર ને માત્ર સમજદારી અને ધૈર્ય. ખૂબ જ ઓછું ભણેલા આ લોકો ઘણું ગણતર ધરાવે છે. પ્રવાસીઓ પ્રત્યે પૂરો આદર, ખપ પૂરતી વાતચીત, કોઈપણ જાતના લોભથી જોજનો દૂર – આ વાહનચાલકોની વિશિષ્ટ વિશેષતાઓ છે. સફર દરમ્યાનનો પોતાનો ખાવાપીવાનો ખર્ચ પોતે જ ઊઠાવવાની તેમની પોતીકી રીતભાત પર હું તો આફરીન પોકારી ગઈ.

સિક્કિમની રાજધાની ગેંગટોક શહેર એક બેહદ ખૂબસુરત શહેર છે. અહીંથી ઠંડા પવનોની પણ શરૂઆત થઈ જાય છે. ખુશનુમા વાતાવરણવાળા દિલ્હી અને ગૌહાત્તી શહેરોમાંથી પસાર થયા બાદ અહીંની શીતલહેરોએ અમને ધ્રુજાવી દીધાં. પહાડો પર અલગ અલગ જગ્યાઓએ જે રીતે બાંધકામ થયેલું હતું તે ખરેખર કાબિલેદાદ હતું. અહીં, આટલે ઊંચે, આવા પથરાળ રસ્તાઓ પરથી, વાહનવ્યવહારની કોઈ વિશેષ સુવિધાઓ વિના બાંધકામ સામગ્રી કેવી રીતે પહોંચી હશે એ વાતનું કોઈને પણ આશ્ચર્ય જન્મ્યા વગર રહી ન શકે. મોટા ભાગના રહેઠાણો અહીં હોટલોમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. કારણ કે અગાઉ જણાવ્યું તેમ અહીંની પ્રજાની આજીવિકા પ્રવાસન ઉદ્યોગ પર નભે છે. અહીં લગભગ બાર હજારથી પણ વધારે ફૂટ ઊંચાઈ પર અમને બરફના મોટા મોટા ફોરાંઓની વર્ષા દરમ્યાન થીજી ગયેલું શાંગુ તળાવ જોવા મળ્યું. અને એથીય વધારે ઊંચાઈ પર સિપાઈ હરભજનની યાદમાં બંધાયેલ બાબામંદિરની મુલાકાત લેવાનું નસીબ સાંપડ્યું.

ગેંગટોકની જેમ જ સિક્કિમ રાજ્યનું પેલિંગ શહેર પણ કુદરતી સુંદરતાનું વરદાન મેળવેલ શહેર છે. ઢગલાબંધ ધોધની વચાળે વસેલા આ શહેરનું મુખ્ય આકર્ષણ એટલે કાંચનજંઘા ધોધ. માઈલો દૂરથી તેના પડઘાનો ઘંટરાવ સમો અવાજ સાંભળવા મળે છે. નજીક જતાં જ ખુશીઓનો જાણે ખજાનો સાંપડે છે. આ ધોધની એકદમ નજીક જઈને તેના ખૂબ ઊંચેથી પછડાતા પાણીની વાછટથી ભીંજાવાનો આનંદ અનેરો અને અવિસ્મરણીય છે. દૂર દૂર આવેલા એવરેસ્ટ, કાંચનજંઘા અને નંદાદેવી પણ અહીંને હોટલોમાંથી દશ્યમાન થાય છે. આ શહેર વચ્ચેથી વહી જતી રિમ્બી નદીના અનુપમ, અપ્રતીમ માર્ગને વર્ણવવા માટે શબ્દો શોધ્યા ન જડે. રિમ્બી નદીના વહેણ દરમ્યાન ઉદ્દભવતા રમણીય ધોધ અને નદીના તટ પર આવેલા ખૂબસુરત બગીચાઓ નદીની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. આ શહેરમાં બૌદ્ધ ધર્મના મઠો જોઈને મન ચોક્કસપણે ભાવુક થવા પામે. તિબેટમાંથી સ્થાનાંતરણ વખતે પોતાની સાથે લાવેલ બૌદ્ધધર્મની અનેક પ્રાચીન ચીજોનું આ ધર્મસ્થાનોમાં સુંદર રીતે જતન થયું છે અને એવી રીતે તેઓ તેમની પોતીકી ઓળખ જાળવી રાખવામાં સફળ થયા છે. કોઈ ધર્મસ્થાનમાં પૂજાપાઠની સાથે સાથે તે ધર્મ અંગેની ઐતિહાસિક યાદો પણ જોઈ શકાય તે બાબત જોઈને બૌદ્ધધર્મ પ્રત્યે આદરની લાગણી ઉપજી.

વિશ્વના સૌથી સુંદર ગિરિમથકોમાંનું એક એટલે પશ્ચિમ બંગાળનું ખૂબસુરત શહેર દાર્જીલિંગ. સિક્કિમની સરહદ પાર કરો એટલે એક નાનકડું પ્રવેશદ્વાર મોટા અક્ષરો સાથે તમારા વધામણાં લે – ‘ગોરખાલેન્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે.’ કુદરતી સૌંદર્યથી ભરપુર આ શહેરના અત્યંત ખરાબ રસ્તાઓ જોઈને કોઈ પણ કહી શકે કે સામ્યવાદી પ.બંગાળનો વિકાસ અઘકચરો છે. દાર્જીલિંગ ખૂબ જ ઊંચે પર્વતોની ચોટી પર વસેલું શહેર છે. અહીંના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થઈને ઉપર જવાની અને એવી જ રીતે નીચે ઉતરવાની ખૂબ મજા આવે. આખાયે આ શહેરમાં પ્રજાએ ઠેર ઠેર ગોરખાલેન્ડની માગણી કરતાં સૂચનો લગાડી દીધેલાં છે. દુકાનોના પાટિયા પર પણ ગોરખાલેન્ડ લખેલું જ વંચાય. અલગ ગોરખાલેન્ડની માગણી કરતી આ ચળવળમાં સામેલ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો પ્રવાસીઓની તલાશી લેવાનું પણ ન ચૂકે. સામાન્ય પ્રજામાં પણ પોતાનો અલગ પ્રદેશ લેવાની કટ્ટરતા અહીં જોવા મળી. દાર્જીલિંગનું મુખ્ય આકર્ષણ એટલે ટાઈગર હિલ. વહેલી સવારે પ્રવાસીઓ ત્યાં પહોંચીને પૃથ્વી પર અવતરણ કરનાર સૂર્યનારાયણના પ્રથમ કિરણનું સ્વાગત કરવા જગ્યા રોકી લે છે. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ કુદરતના આ અજાયબ નજારાના સાક્ષી બનવાનું સૌભાગ્ય અહીં પ્રાપ્ત કરે છે. સૂર્યોદયની સાથે જ કુદરતની અન્ય એક અજાયબી પણ અહીં જોવા મળે છે. સૂર્યની બરાબર સામે પર્વત શિરોમણિ એવરેસ્ટ, નંદાદેવી અને કાંચનજંઘાના સ્પષ્ટ દર્શન થવા પામે. ઉન્નત મસ્તકે ઊભેલા આ ત્રણેય મહાશિખરોને નિહાળીને મારાથી ગદગદ થઈ જવાયું. ઘૂંટણિયે પડીને મેં આ પર્વતાધિરાજો પ્રત્યે આદર વ્યકત કર્યો. આ અત્યંત પવિત્ર વાતાવરણમાં ઈશ્વર સમીપ હોય એટલી નિકટતા અનુભવાઈ. આ દેવભૂમિ પર થોડાક કલાકો શ્વાસ લેવાનું નસીબ મને ઉપલબ્ધ કરાવવા બદલ ભગવાનનો મેં પાડ માન્યો. એવરેસ્ટ-કાંચનજંઘા-નંદાદેવી માટે એવું કહેવાય છે કે એવરેસ્ટ સ્વયં શિવ, નંદાદેવી પાર્વતી તથા કાંચનજંઘા ગણેશના સ્વરૂપો છે. અને એટલે જ પર્વતારોહકો હિમાલયના સઘળા શિખરોનું આરોહણ કરે છે, પણ માતા પ્રત્યે આદર દાખવીને ક્યારેય નંદાદેવી પર ડગ માંડતા નથી. કૂદરતના આ સુંદર દશ્યોને અમે સૌએ કાયમ માટે હૃદયસ્થ કરી લીધાં.

દાર્જીલિંગમાં અન્ય એક સરસ સ્થળ એટલે વિશાળ અને અત્યંત મનોરમ્ય વિસ્તારમાં ફેલાયેલું ‘પદ્મજા નાયડુ પ્રાણીસંગ્રહાલય’. અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં જેવા અને જેટલા પ્રાણીઓ છે તેમાંનું અહીં કશું નથી. પરંતુ જે ઊંચાઈ પર આ સ્થળની સ્થાપના કરવામાં આવી છે, તેના ચઢાણ તથા ઢોળાવોવાળા જે રસ્તા છે, અદ્દલ જંગલ જેવું વાતાવરણ જે રીતે ઊભું કરાયું છે એ જોઈને તે અદ્દભુત લાગ્યા વગર ન રહે. આ જ પરિસરમાં પર્વતારોહણનું શિક્ષણ આપતી સંસ્થા પણ છે જ્યાં મહાન પર્વતારોહકોની સ્મૃતિઓને મ્યુઝિયમમાં ખૂબ જ સુંદર રીતે સાચવવામાં આવી છે. થોડાક નજીકના જ અંતરે ગોળમટોળ એકદમ સીધા ચઢાણવાળો ‘તેનસિંગ રૉક’ છે જ્યાં પ્રવાસીઓને પર્વતારોહણ કરવાનો આનંદ લુંટવા દેવામાં આવે છે. માનવમસ્તકના આકારવાળું ‘બતાશિયા લૂપ’ પણ એક સુંદર જોવાલાયક સ્થળ છે જ્યાંથી દૂરબીન વડે પ્રવાસીઓને ચીન-તિબેટની સરહદો બતાવવામાં આવે છે. તિબેટિયન રેફ્યુજી કેન્દ્રની મુલાકાત લઈને મન દુ:ખી થઈ ગયું. ચહેરા પર નરી વેદના લઈને અહીં રહેતા તિબેટથી આવેલ સ્ત્રી-પુરુષો-બાળકોને જોઈને મને પણ ઘર છોડવાની વેદના થઈ આવી. થોડાંક જ દિવસ માટે ઘરથી વિખૂટાં પડવાનું જો મને આટલું દુ:ખ થતું હોય તો વતનથી આટલે દૂર, અન્ય દેશના શરણાર્થીઓ-આશ્રિતો થઈને રહેવામાં આ વિસ્થાપિતોને કેટલી પીડા પહોંચતી હશે ? કોને ખબર તેઓ ક્યારે પોતાના વતન પરત ફરી શકશે ? આ કેન્દ્રના પ્રવેશદ્વારે જ ધર્મગુરુ દલાઈ લામાનું બે હાથ જેટલું મોટું બેનર લટકાવેલ છે, જેમાં લખ્યું છે : ‘થેન્ક યૂ, ઈન્ડિયા !’ સમગ્ર વિશ્વમાં દાર્જીલિંગ અન્ય એક રીતે પ્રખ્યાત છે અને તે તેની ચાને લીધે. દાર્જીલિંગના ચાના બગીચાઓ જોઈને દિલ-દિમાગ પુલકિત થઈ ઊઠ્યાં. ઢોળાવો પર ચાનું વાવેતર એવી રીતે કરવામાં આવે છે કે સમગ્ર વિસ્તાર અત્યંત રમણીય અને સુંદર લાગે છે.

વાદળોની આ સફરમાં, આટલે ઊંચે, આટલાં સુંદર સ્થળો ફરીને મને લાગ્યું કે જિંદગી પણ એક પર્વત સમી છે અને તેના સૌથી ઊંચા શિખરે આપણે પહોંચવાનું છે. જો કે આ સફરની જેમ જિંદગીની સફર પણ એટલી જ કઠીન છે. પરંતુ મારે માટે જે બાબતો મહત્વની છે તે એ કે આ જિંદગીની સફરમાં મને શું પાઠ શીખવા મળ્યાં, કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો અને ક્યા લોકોએ મારી આ સફરમાં મને સાથ આપ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિદ્રા – જ્યોતિ થાનકી
ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ Next »   

22 પ્રતિભાવો : વાદળોની સફરે – અરુણા પરમાર

 1. ખુબ જ સુંદર ….. પ્રવાસ વર્ણન વાંચીને ત્યાં જવાની ઇચ્છા થઇ આવી. દાર્જીલિં તો કદી જોયુ નથી પણ ચાની ખેતી મેં કેરાલામાં મુન્નારમાં જોઇ છે…ચાના બગીચા જોવા એક અદભૂત લાહ્વો છે.

 2. Chintan says:

  સુંદર પ્રવાસવર્ણન..ફરવાની ખુબ મજા આવી 🙂
  એકદમ સરળ લખાણ અને સ્થળ નજર સમક્ષ જોતા હોઈએ એવી અનુભૂતી થઈ. ખુબ આભાર અરૂણાબેન.

 3. maitri vayeda says:

  આહા!!! ફરવા ની તો ખૂબ જ મજા આવી ગઈ… ઘેર બેઠા આટલો સુંદર પ્રવાસ કરાવવા બદલ અરુણાબેન અને મ્રુગેશભાઈ નો ઘણો આભાર….

 4. Dipti says:

  આવા સરસ વર્ણન માટે અરુણાબેનનો આભાર. ફક્ત પ્રવાસવર્ણન નહી કરતા લોક્જીવનને વણી લીધું તે ગમ્યું.
  ગુજરાતમાં અમે નાના હતા અને ટીવી ન હતા ત્યારે બધે ચાલતા ચાલતા ઘણીવાર જતા હતા.મોટા થતા ગયા તેમ ટીવી ના જોવાનું હોય તો પણ ખબર નહી ચાલવાનો સમય ના રહ્યો, બસ કે રિક્ષા પકડી જ લેવાય.

 5. raxa patel says:

  અરુનાબેનનો આ લેખ મહિતી સભર છે.’ વાદળો ની સફરે, શીર્ષક વાચી ખુશ થઈ ગઈ.વિચાર્યુ આલ્હાદક પ્રક્રુતિ નુ મનોરમ્ય ચિત્ર જોવા મળશે.દાર્જિલિગ એતો સૌદર્ય ની રાની કહેવાય છે અને એ સૌદર્ય માણવાનો મોકો મને પણ મળ્યો છે તો હુ આપની સાથે વહેચવા માગું છુ.
  દાર્જિલિગ એટ્લે પ્રક્રુતિ નુ સામ્રજ્ય.છુપા છુપી નો ખેલ ખેલતા વાદ્ળો ની સાથે અટ્ખેલિયા કરતી હિમાલય ની ચોટીઓ.કલ કલ કરતા ઝરણાઓ, આકાશ ની સાથે વાતો કરતા અને પોતાના ગૌરવ નુ અભિમાન લેતા ઉચા ચીડો ના વ્રુક્ષો.દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી. વિના વાદ્ય વિના ઢોલ પોતાનાજ તાલ અને લય મા વાગતુ પ્રક્રુતિ નુ ક્યારેય ન સાભંડેલુ મધુર સંગીત.દૂર દૂર સુધી પર્વતોની હારમાળાઓ અને ઉપર પરમતત્વની ઉદારતા નુ પ્રતીક મોહક સૌદર્ય.
  અમે લગભગ ૨૬ યાત્રિઓ હતા. દાર્જિલિગ ના આલ્હાદક સૌદર્ય ને સ્વાસો મા ભરી, રોક ગાર્ડન ની સુદંરતા, રંગ બે રંગી ફૂલો ની મહેક અને ચાના બગીચાઓનુ મનોહર દ્રુશ્ય ને આત્મસાત કરી તથા એ સૌદર્ય પર ચાર ચાન્દ સમાન સુવર્ણમય સુન્દરતા નુ અનુપમ દ્રુશ્ય કાચંન જંગા’ નુ દર્શન અનૂભૂતિ ની ચરમસીમા હતી. આખો એ નિહાળેલા સૌદર્યને હ્રદય માં ભરવાની લાલચ ને હુ રોકી ના શકી અને આત્માનુભૂતિ આસુ ના રુપે વહેવા લાગી.રંગ બે રંગી પ્રક્રુતિક દ્રુશ્ય ને જોતા જોતા અમારી બસે સિક્કિમ તરફ પ્રયાણ કર્યુ.
  યાત્રા ને વર્ષો વીતા ગયા પરંતુ આ લખતી વખતે આજે પણ એજ મહેસૂસ કરુ છુ કે જાણે ફરી એક હુ એ પહાડો ના વાકા ચૂકા ઉબડ ખાબડ રસ્તાઓ પરથી પસાર થઈ રહી. પહાડો ની વચ્ચે થી જતી અમારી બસ ક્યારેક શિખરો ને સ્પર્શ કરતી તો ક્યારેક ગહેરાઈ ને માપતી.ક્યારેક ઉપરથી વહેતા ઝરણાને બતાવતી તો ક્યારેક રસ્તા પરથી વહી જતા ઝરણા ના પાણી સાથે મસ્તી કરતી. તિષ્ઠા નદી ના સૌદર્ય નુ પાન કરતા અમે સિક્કિમ ની ઘાટીઓ મા પ્રવેશ કર્યો.
  ાહી હુ મારો લેખ અધૂરો રાખુ છુ ૧૨૦૦૦ફુટ ઉચાઈ પર આવેલા ‘છાગુ લેક’ નુ હુ વર્ણન કરતી નથી.પરમતત્વ એ આપેલ કુદરતી સૌદર્યનુ તો મૌન સ્વાનુભૂતિજ કરી શકાય એના માટે શબ્દો ઓછા પડે.
  રક્ષા પટેલ(કેનેડા)

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   રક્ષાબહેન,

   હવે તમે પણ એક સુન્દર પ્રવાસ વર્ણન લખી જ નાખો. તમારો લેખ વાંચવો પણ એક લહાવો જ રહેશે…

   Ashish Dave

 6. જગત દવે says:

  ઉત્તમ પ્રવાસ વર્ણન અને ખુબ સરસ અવલોકન શક્તિ બદલ લેખિકા અભિનંદન ને પાત્ર.

  નીચેનાં વર્ણને મારું ધ્યાન આકર્ષિત કર્યુ.

  “હિમાલયનો આ પ્રદેશ કહેવાય પરંતુ ક્યાંય કોઈ સાધુ-સંત નજરે ના પડે. બૌદ્ધધર્મનું અહીં ભારે પ્રભુત્વ છે તેથી લામાઓ, લામાઓ માટેની શૈક્ષણિક સંસ્થાઓ અને બૌદ્ધ ધર્મસ્થાનો અહીં મોટા પ્રમાણમાં જોવા મળે. ખ્રિસ્તી મિશનરીઓનું શૈક્ષણિક ક્ષેત્રે અહીં મહત્વનું પ્રદાન છે. પહાડો પર ખ્રિસ્તી સ્થાપત્ય સમી સરસ સ્કૂલો સિવાય અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ ચોક્કસ વર્તાય”

  માત્ર મોટા શહેરોમાં પાંચ સિતારા મંદિરો, આશ્રમો ઊભા કરતાં, પ્રવચનો આપતાં અને દાન માટે પૈસાદાર લોકોનાં આસપાસ પ્રદક્ષિણા કર્યા કરતાં ભારતીય સંસ્કૃતિનાં રક્ષકો ક્યારેય આ નવી ક્ષિતિજો સુધી પહોંચશે ?

  સમાજનાં ઊથ્થાન અને વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓનું મહત્વ મંદિરો-આશ્રમો કરતાં ક્યાંય અધિક છે તે વાત ભારતીય સમાજ બહોળા અર્થમાં ક્યારે સમજશે?

  • જગતભાઈ માફ કરશો પણ …
   તમને ખંડન કરવા માટે સાધુ સંતો સિવાય કોઈ મળતું નથી ?
   હવે થોડું વધારે થઇ રહ્યું છે …

   • આપનું “ધ્યાન આકર્ષિત” કરવા માટે તે શબ્દોજ મળ્યા ?
    તેનાથી વધારે સુંદર ઘણા શબ્દો લેખિકાએ લખ્યા છે જેમકે
    “સૂર્યની બરાબર સામે પર્વત શિરોમણિ એવરેસ્ટ, નંદાદેવી અને કાંચનજંઘાના સ્પષ્ટ દર્શન થવા પામે. ઉન્નત મસ્તકે ઊભેલા આ ત્રણેય મહાશિખરોને નિહાળીને મારાથી ગદગદ થઈ જવાયું. ઘૂંટણિયે પડીને મેં આ પર્વતાધિરાજો પ્રત્યે આદર વ્યકત કર્યો. આ અત્યંત પવિત્ર વાતાવરણમાં ઈશ્વર સમીપ હોય એટલી નિકટતા અનુભવાઈ. આ દેવભૂમિ પર થોડાક કલાકો શ્વાસ લેવાનું નસીબ મને ઉપલબ્ધ કરાવવા બદલ ભગવાનનો મેં પાડ માન્યો.”

    અન્તે કબીરજી ની પંક્તિ સાથે પુરુ કરુ

    बुरा देखन में चला बुरा न मिल्या कोई
    जब अन्दर झांककर देखा तो मुजसे बुरा न कोई

    • જગત દવે says:

     શ્રી ધીરજભાઈ,

     આપનાં પ્રતિભાવનો હું આદર કરું છું.

     આપ બંધ-બેસતી પાઘડી ન ઓઢશો તેવી મારી વિનંતી છે.

     અન્તે હું પણ કબીરજી ની જ પંક્તિ સાથે પુરુ કરું છુ.

     वेद कतेब झूठे ना भाई, झूठे हैं सो समझे नांही।

 7. Sonia says:

  બહુ જ સુંદર લેખ! હુ પણ આટલી જ ભાગ્યશાળી છુ કે અરુણાબેને બતાવેલા દરેક સ્થળો ની સુંદરતા મારા કુટુંબ સાથે માણ્યો છે. જગધિરાજ હિમાલય ની સુંદરતા ના વખાણ કરીએ એટ્લા ઓછા છે!!! મારા પ્રવાસ ના દિવસો ની યાદ આવી ગઇ….A zillion thanks to my dear Papa!!! 🙂
  આવા સુંદર લેખ માટે અરુણાબેન નો ખુબ આભાર.

 8. Nitin says:

  બહુ જ સરસ લેખ. આપણે પણ પ્રવાસ મા સાથે હોઈએ અને દરેક પ્રસઁગ નો સાક્ષાત અનુભવ કરતા હોઈ એ તેવો અહેસા આ લેખ વાઁચતા થયો. સરસ માહિતિ આપવા બદલ બહેન નો ખુબ આભાર.

  નિતિન્
  વડગામ

 9. Kavita says:

  બહુ જ સરસ. મારા પ્રવાસમા જવાના વિચારને આનુમોદન મલ્યુ આ વાચિને. આભાર.

 10. Jagdish Parmar says:

  સુન્દર પ્રવાસ કરાવવા બદલ લેખિકા બેન ને ખુબ અભિનંદન.

 11. Nitin says:

  Dear Mitra,
  vachi Najre najar joya jevo anand thyo,Amaro anand a j tmari safalta che.Bahuj gamyu!!!
  Nitin

 12. Ch@ndr@ says:

  અરે વાહ ખરેખર ખુબજ સુન્દર લેખિકા બહેન ને ખન્યવાદ આપવા ઘટે,,,,
  સરસ પ્રવસ કરાવ્યો….

  ચન્દ્રા

 13. Harish S. Joshi says:

  પ્રિય અરુના બેન્ તમારા પ્રવાસ વર્નન વાન્ચિ ને ” કાકા સહેબ કાલેલ્કર નિ લેખ્નિ અને તેવો પોતે પન યાદ આવિ ગયા.આ માતે તમો ધન્ય્વાદ્-સાધુવાદ ને પાત્ર ચ્હો. જિવન ના સાત દશક પુરા કરિ પુત્ર્-પુત્રવધુ અને પોઉત્ર સાથે સ્પત્નિક ઔસ્ત્રલિઆ નિ રાજ્ધાનિ કેન્બરા મા રહુ ચ્હુ.અહિન ના પન દરિયા કિનારા સોઉન્દ્ર્ય થિ ભરેલા ચ્હે પન આપ્ના ભારત ના જે
  નૈસર્ગિક સુન્દર્તા ના સ્થલો ચ્હે તેનિ તો વાત જ જુદિ ચ્હે.ભારત મા ઘના સ્થાનો જોયા જેનિ યાદ આવિ ગયિ.પત્ન દોક્તર્
  હોવાથિ,ભારત મા શિયાલા મા તેને રજા હોયે તોફર્વા માતે બાલ્કો સાથે નિક્લિ પદ્તા.તમારિ લેખ્નિ,પ્રવાસ વર્નન બહુજ ગમયા.ઐસરો મા કામ કર્તા પ્રવાસ અને તે પન કુદરતિ વાતાવરન મા ફર્વાનો શોખ પ્રશન્સ્નિય ચ્હે.અમ્ને હિમાલય ક્શેત્ર નિ
  યાત્રા કરાવ્વા માતે પુનહ આભાર્.

 14. Sunita Thakar (UK) says:

  અદભૂત વર્ણન. ભગવાન કરે ને મને પણ ક્યારેક ત્યા જવાનો મોકો મળે. એક વાર માન સરોવર જોવાની પણ અદમ્ય ઇચ્છા છે.

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Simply mind blowing depiction…. keep writing such detailed articles Arunabahen. I opened up google images and simultaneously read the article. Enjoyed like anything. I wish someday I can go there. Looking forward to more of your writings…

  Ashish Dave

 16. DEEPAK says:

  ARUNA BEN, I will really appreciate if this article is also published in English, I have also been to interiors of Kullu Manali and also want to share. But cant write Gujrati.
  Regards
  Deepak

 17. manishi jani says:

  અરુણા નો પ્રવાસ્લેખ ! મઝા પડી…! અભિનન્દન…….!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.