મજેદાર બાળવાર્તાઓ – પ્રણવ કારિયા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

[1] અક્કલમંદ અમથાલાલ

રામપુર ગામમાં અમથાલાલને સૌ ઓળખે; કેમકે અમથાલાલમાં બુદ્ધિ ઓછી હતી એટલે તેને ‘અક્કલમંદ’ કહીને બોલાવતા. અમથો નાનો હતો ત્યારે ભણ્યો-ગણ્યો નહિ એટલે નોકરી-ધંધો મળે નહિ ! ગામમાં મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવે. અમથો પચ્ચીસ વર્ષનો થયો એટલે ઈશ્વરકૃપાથી ‘લાલી’ને પરણી ગયો ! અમથાની વહુ લાલી ભારે શાણી. ઘર વાળીચોળીને સાફસૂફ રાખે, વહેલી સવારે નાહી-ધોઈ, પૂજા-પાઠ કરે. તેણે અમથાની મજૂરીમાંથી થોડા પૈસા બચાવીને, બે ગધેડાં ખરીદીને અમથાને લઈ આપ્યાં, એટલે અમથાનું મજૂરીકામ સરળ થઈ ગયું !

અમથો ગામના વેપારીનો માલ ગધેડાં પર નાખીને શહેરમાં લઈ જાય અને શહેરમાંથી માલ-સામાન રામપુર લઈ આવે ! મજૂરીના જે રૂપિયા મળે તે ઘેર આવી તેની વહુ લાલીના હાથમાં આપી દે ! અમથાની વહુ કરકસર અને જાતમહેનત કરી ઘર ચલાવે અને અમથાનો સંસાર સુખમાં ચાલવા લાગ્યો. પણ સુખ પછી દુ:ખ આવે એ જીવનનો ક્રમ છે.

એક દિવસ સવારે અમથાના વાડામાંથી બેઉ ગધેડા ક્યાં પલાયન થઈ ગયાં તે જ સમજાયું નહિ ! અમથો રડમસ જેવો થઈ ગયો. અમથાની વહુ લાલીએ આશ્વાસન આપ્યું, એટલું જ નહિ, પોતાની રોજબરોજની આવકમાંથી ચારસો રૂપિયા આપતાં કહ્યું : ‘આ લ્યો રૂ. 400 પૂરા ! આજે શુક્રવાર છે. સો રૂપિયામાં એક ગધેડો મળશે. સારા જોઈને ચાર ગધેડાં ખરીદીને લઈ આવો ! આમ માથે હાથ મૂકી ચિંતા કર્યેથી દી વળે ? હિંમતે મર્દા, તો મદદે ખુદા !’ લાલીએ રોટલા-શાકનું ભાતું બાંધી આપ્યું અને અમથો ઊપડ્યો શહેરમાં, ગધેડાં ખરીદ કરવા ! ગુજરી બજારમાં અમથાને ગામના માસ્તર મોહનલાલ મળી ગયા; જેમની સાથે રહી, અમથાએ ચારસો રૂપિયામાં ચારને બદલે પાંચ ગધેડાં ખરીદ કર્યાં. તેના આનંદનો પાર રહ્યો નહીં ! એક ગધેડા પર અમથો સવાર થઈ ગયો અને બીજા ચાર ગધેડાં પર વેપારીનો સર-સામાન મૂકી ગામમાં આવ્યો અને ઘેર જઈને તેણે ગધેડાં ગણ્યાં તો તેને પાંચને બદલે ચાર જ ગધેડાં ગણવામાં આવ્યાં !

અમથો રડવા જેવો થઈ ગયો; દુ:ખમાં ડૂબી ગયો ! તેના શોકનો પાર રહ્યો નહિ. તેણે ફળિયામાં આવતાં જ, ગધેડાં પર બેઠાંબેઠાં બૂમ પાડી, તેની વહુને કહ્યું : ‘ઓ લાલી ! તને શું વાત કરું ? મેં ચારસો રૂપિયામાં મોહન માસ્તરની મદદથી પાંચ ગધેડાં ખરીદી કર્યાં અને તું જ આ ગધેડાં ગણી જો ! આ તો ‘ચાર’ જ ગધેડાં છે !’ અમથો એક ગધેડા પર બેઠો હતો અને તેની વહુ ફળિયામાં આવી. અમથાનો કાન પકડીને કહ્યું : ‘અરે ! તમને તો ચાર જ ગધેડાં દેખાય છે અને મને ગણવાનું કહો છો; પણ મને અહીં પાંચને બદલે છ ગધેડાં દેખાય છે !’ અમથો ગધેડા પરથી નીચે ઊતર્યો એટલે તેની વહુએ પાંચ ગધેડાં તેની સામે જ ગણી બતાવ્યાં અને અમથો આનંદમાં આવી ગયો ! પણ આજ દિન સુધી અમથાને સમજાયું નહિ કે તેની વહુને છ ગધેડાં કેવી રીતે દેખાયાં ?

જ્યારે અજ્ઞાન હોય ત્યારે દુ:ખ અને જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે ! એ જ તો વેદોનો સાર છે !
.

[2] કલુ કાચબાની કરામત

એક ગાઢ જંગલમાં વનુ વાંદરો અને કલુ કાચબો રહેતા હતા. વર્ષાઋતુની સાંજે બંને જંગલમાં ફરવા નીકળ્યા. રસ્તામાં તેમણે કેળાનાં ઝાડ જોયાં. વનુ વાંદરાએ એક કેળનું ઝાડ લાવી ઘર પાસે રોપ્યું અને કલુ કાચબાએ પણ ઊંડો ખાડો ખોદી કેળનું ઝાડ પોતાના ઘર પાસે રોપી દીધું ! થોડા દિવસમાં જ વનુ વાંદરાએ રોપેલું કેળનું ઝાડ સૂકાઈ ગયું અને કલુ કાચબાએ રોપેલ કેળનું ઝાડ ફૂલીફાલી ગયું અને કલુ કાચબાનાં કેળના ઝાડ પર કેળાની લૂમ પણ આવી ગઈ !

વનુ વાંદરો જંગલમાં ફરતાં ફરતાં કલુ કાચબાને ઘેર પહોંચી ગયો અને તેનું કેળનું ઝાડ સૂકાઈ ગયાની વાત કલુ કાચબાને કરી. કલુ કાચબાએ ખૂબ આશ્વાસન આપ્યું અને પોતાનું કેળનું ઝાડ વનુ વાંદરાને બતાવ્યું. તેના ઝાડ પર પાકા કેળાની લૂમ જોઈને વનુ વાંદરાના મોઢામાં પાણી આવ્યું. વનુ વાંદરાએ કલુ કાચબાને કહ્યું : ‘ઓ મિત્ર કલુ કાચબા ! મને તમારા કેળના ઝાડ પર ચડવાની રજા આપો તો મીઠાં મધૂરાં અને પાકાં કેળાં લઈ આવું; તમારી રજા છે ?!’
‘જરૂર મિત્ર વનુભાઈ !’ તમે કેળના ઊંચા ઝાડ પર ચડી જાઓ. આથી વનુ વાંદરો પળવારમાં જ કેળના ઝાડ પર ચડી ગયો. વનુ વાંદરાએ એક પાકેલું કેળું તોડી, તેની છાલ ઉતારી તુરત જ મોઢામાં હડપ કરી ગયો. વનુ બીજું કેળું તોડીને એમ જ ખાઈ ગયો ! થોડી વારમાં તો વનુ વાંદરો પાકાં મીઠાંમધ કેળાંની અડધી લૂમ ખાઈ ગયો ! વનુ વાંદરો ભારે લુચ્ચો અને અભિમાની હતો.
વનુ વાંદરાને ઝડપથી કેળાં આરોગતો જોઈને કલુ કાચબાએ બૂમ પાડીને કહ્યું : ‘ઓ વનુભાઈ ! મને પણ બે-ચાર કેળાં નહિ ખવડાવો ?’ આ સાંભળી વનુ વાંદરો ખંધું હસ્યો અને બે-ત્રણ કેળાની છાલ કલુ કાચબાના માથા પર ફેંકી !

‘આ વનુ વાંદરાને તેની લુચ્ચાઈ અને શરારતનો પાઠ ભણાવવો પડશે !’ કલુ કાચબાએ મનોમન નક્કી કર્યું. કલુ કાચબો ત્યાંથી નીકળીને ગામને પાદર પશા પટેલની વાડીની કાંટાની વાડ ખસેડીને લઈ આવ્યો અને કેળના ઝાડ નીચે કાંટાની જાડી જાજમ બિછાવી દીધી ! વનુ વાંદરો પેટ ભરીને કેળાં ખાઈને કેળના ઝાડની ડાળીને વળગીને ઘસઘસાટ ઊંઘતો હતો ! કાંટાની વાડ કેળના ઝાડ નીચે પાથરીને કલુ કાચબાએ બૂમાબૂમ કરતાં કહ્યું : ‘દોડો…..દોડો….. મોટો મગરમચ્છ આવ્યો છે. મગર આવ્યો રે……!’ મગરનું નામ સાંભળી વનુ વાંદરો સફાળો જાગી ગયો અને કેળ પરથી નીચે ઊતરતાં, બહુ કેળાં ખાધાં હતાં તેથી અને ઊંઘમાં ને ઊંઘમાં કેળ પરથી નીચે ઊતરતા, તેની પકડ છૂટી ગઈ અને ધબાંગ કરતો કેળના થડ પાસે કાંટાની વાડમાં પડ્યો ! વનુ વાંદરાના હાથ પગ અને આખા શરીરમાં કાંટા ઘૂસી ગયા ! મોઢું લોહીથી ખરડાઈ ગયું ! જેમ તેમ કરી કાંટાની વાડમાંથી બહાર નીકળ્યો અને લોહીલુહાણ હાલતમાં ઘેર આવ્યો.

બીજે દિવસે વનુ વાંદરો સવારે ઊઠીને કલુ કાચબાની શોધમાં અને કાંટાની પથારીમાં પછડાયાનું વેર વાળવા નીકળી પડ્યો ! વનુ વાંદરાએ નાળિયેરીના ખેતરમાં નાળિયેરનાં કાચલાંનો ઢગલો પડેલો જોયો. વનુ વાંદરો થાકી ગયો હતો તેથી નાળિયેરના કોચલાં પર જેવો બેઠો કે તેની પૂંછડી કાચલાનાં કાણામાં ભરાઈ ગઈ ! આ નાળિયેરનાં કાચલાનાં ઢગલા નીચે કલુ કાચબો સંતાઈ ગયેલો. તેણે વનુ વાંદરાની પૂંછડી જોરથી ખેંચી કે તુરત જ વનુ વાંદરાએ એકદમ ઊંચો કૂદકો માર્યો અને પાછલા પગથી નાળિયેરની કાચલી ફગાવીને ફેંકી દીધી અને કાચલીના ઢગલાની નીચે તેણે કલુ કાચબાને જોયો !
‘ઓહ, તો આ નાળિયેરનાં કોચલાંના ઢગલા નીચે તમે જ બેઠા હતા કે શું ?!’ વનુ વાંદરો તાડૂક્યો, ‘ઓ કલુભાઈ ! તમને જ સવારથી શોધી રહ્યો છું !’ વનુ વાંદરાએ આગળનાં બે પગ વચ્ચે કલુ કાચબાને પકડ્યો અને કહ્યું : ‘આજે હું તને બરાબર સજા કરવાનો છું !’
‘અરે, તમે મને શું સજા કરવાના છો એ તો પ્રથમ મને કહો !’ કલુ કાચબાએ નિર્ભય થઈને પૂછ્યું.
‘તને આ સળગતા કોલસા પર શેકીને લાલચોળ કરી દઈશ !’ વનુએ ગુસ્સો કરતાં કહ્યું.
‘અરે વનુભાઈ ! લાલ રંગ તો મારો મનગમતો રંગ છે ! મને મજા પડી જશે !’ કલુ કાચબાએ હસતાં હસતાં કહ્યું.
‘તો પછી હું તારા નાના નાના ટુકડા કરી નાખીશ.’ વનુ વાંદરાએ કહ્યું.
‘જો તું મારા ટુકડા કરશે તો મારામાંથી અસંખ્ય કાચબા થઈ જશે અને તુરત તને ઘેરો કરીને ખાઈ જશું !’ કલુ કાચબાએ નિર્ભય થતાં કહ્યું.
‘તો હું તને આ ખળખળ વહેતી નદીમાં ફેંકી દઈશ !’ વનુ વાંદરાએ તાડૂકીને કહી દીધું. આ તો કલુ કાચબાને આ જ જોઈતું હતું અને મૂરખ વનુ વાંદરાએ બતાવ્યું ! કલુ કાચબાએ ઢોંગ કરતાં રડમસ અવાજે કહ્યું : ‘ઓ વનુભાઈ ! તું મને નદીમાં ફેંકીશ તો હું ડૂબી જઈશ. મારા પર દયા કરો.’

વનુ વાંદરાએ કલુ કાચબાને માથા પર ઊંચકીને નદીમાં ફેંકી દીધો. કલુ કાચબો નદીમાં ઊંડે ઊતરીને તુરત આગળના પગમાં સોનેરી મોટી માછલી પકડી સપાટી પર આવ્યો અને વનુ વાંદરાને સોનેરી માછલી બતાવી ! વનુ વાંદરાએ ક્ષોભ અનુભવતાં કહ્યું : ‘ઓ કલુ મિત્ર, મને આ માછલી આપીશ ?’
કલુ કાચબાએ છણકો અને અપમાન કરતાં કહ્યું : ‘તમારી જાત બહુ આળસુ છે હોં ! તું જ માછલી નદીમાંથી પકડી લાવને !’ આ સાંભળી મૂરખ વનુ વાંદરાએ નદીના પાણીમાં ઝંપલાવ્યું અને ડૂબી ગયો !! અને….કલુ કાચબો વનુ વાંદરાની મૂર્ખાઈ પર આખો દિવસ હસતો રહ્યો.
(ફિલિપાઈન્સની લોકકથા)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોગાત સુંદર – મનસુખવન ગોસ્વામી
મેઘબિંદુ – સંકલિત Next »   

11 પ્રતિભાવો : મજેદાર બાળવાર્તાઓ – પ્રણવ કારિયા

 1. મજા પડી ગઇ….

 2. Ramesh Desai USA says:

  ખુબ સ ર સ આભાર

 3. Munaf Hirkani says:

  સરસ વાર્તા

 4. haresh says:

  moral story is very lovely give so much inspiration in our life

 5. Kiri Hemal says:

  ખુબ જ સરસ વાત કહી, “જ્યારે અજ્ઞાન હોય ત્યારે દુ:ખ અને જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે ! ”

  સમજાય તો આ નાની વાતમા ગૂઢ અધ્યાત્મ છુપાયેલુ છે.

  જ્યારે આપણને ખરુ જ્ઞાન થશે ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થશે અને એ જ ખરુ સુખ છે જીવનમા!!!!!!!!!!!!

  નાની અમથી વાતમા ખુબ જ ગુઢ અરથ છુપયેલો છે.

  આભાર,
  હેમલ

  • Dhiren says:

   બન્ને વર્તઓ ઘનિ સરસ ચ્હે. હુબ ખુબ અભિનન્દન્. ચિત્રો અન્દે વર્તનિ શૈલિ પન દિલ જિતિ લિધુ ચ્હે. ધિરેન્ભૈ

 6. CZPATEL says:

  Hello, please send me or publish the following bhajanin your read gujarati .com
  (૧) પ્રભુ તને પ્રસ્સન તે કેમ થાએ, તારા દિલ નુ કપત નવ જાએ (૨) તારિ ધોલિ ધજા યુ ફર્કે , કે જોઇ મારુ મન હર્ખે….
  thank you very much…..

 7. Harubhai Karia says:

  pLEASE GIVE MORE MAJEDAR BAL-VARTAO WRITTEN BY mR. pRANAV kARIA.

  tWO MONTHS HAVE PASSED BUT YOU HAVE NOT GIVEN MORE MAJEDAR STORIES WRITTEN BY pRANAV kARIA.WITH BEST REGARDS,. rITA cHANDARANA AND ARTI.

 8. This Story is so difficult & fine story
  Thanks, Once upon a time in this story

 9. Dr. Lopa Mehta says:

  Swami Dayanand Saraswati during his talks on ” Atmavit shokam Tarti” has rightly said that when a person gets knowledge of his Atma, all his sorrows disappear !
  accordingly, when Amtharam got the true knowledge abput his donkeys , his despair was gone.
  Thwre is a vry good moral lesson in the story and a bit difficult understand by the children. Dr. Lopa Mehta.

 10. arpit says:

  મને આમ ખુબ મઝા પડિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.