ખરી પડે છે પીંછું – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]

[1] એકાંતના છાપરા નીચે ગોષ્ઠિ

દરરોજ બપોરે બાળકો શાળાએ જાય, ઘરમાં શાંતિ છવાય અને હું અંદરના ઓરડામાં અખબાર અથવા સામાયિક લઈ આડી પડી વાંચતી હોઉં અથવા કદીક લખતી હોઉં, ત્યારે થોડીવાર રહીને હીંચકાની ઉપર નળિયાવાળાં છાપરાં નીચે આડા પાઈપ ઉપર બેઠેલા એક કાબરયુગ્મનો કલબલાટ અચૂક સંભળાય. આમ તો હું વાચન-લેખન કે નિદ્રામાં તન્મય હોઉં પરંતુ કલબલાટ એમનો સ્થાયીભાવ હોય તેથી ખાસ્સીવાર પછીયે તેઓ મારું ધ્યાન ખેંચે જ. કાબરો કદી મૂંગી ન રહે. ચણ ચણતી વેળા તેઓ ઘેરા, ગાઢા, તીણા કે કવચિત કર્કશ કંઠે કલશોર કરતી હોય, તેના કરતાં આ સમયે અને સ્થળે કાબરયુગ્મનો અવાજ મીઠો, મૃદુ હોય. બંને સાથે ઊડીને આવે અને સાથે જ ઊડી જાય. આમ તો બધી જ કાબર સરખી લાગે પરંતુ આ રીતે તેમનું સાથે બેસવું એમને સાવ અલગ પાડે.

બધી જ ઋતુમાં એમને હીંચકાના છાપરા નીચેની આ જગ્યા ગમતી લાગે છે. ઉનાળાની ગરમીમાં છાપરાં નીચે તેમને છાંયડો લાગતો હશે. ચોમાસામાં એકાએક વરસાદ પડે ત્યારે ઊડીને તેઓ અર્ધી પલળેલી પાંખે અહીં બેસી જાય. શિયાળાની બપોરનો તેમનો વાસ પણ અહીં જ. પરંતુ કોઈ ન હોય તો જ તેઓ અહીં બેસે, અને તેય બપોરે એકથી ત્રણના ગાળામાં જ. કોઈવાર આસપાસ શાંતિ હોય તો ત્રણના ચાર પણ થઈ જાય. પહેલા તો ક્યાંય સુધી મારું એમની તરફ ધ્યાન નહિ, કદીક બારીનો પરદો ખસેડી એમની ગોષ્ઠિ જોવા-સાંભળવા જાઉં કે તરત તેઓ ગભરાઈને ઊડી જાય. હવે તો એમનેય મારા મૌન સહવાસની ટેવ પડી ગઈ હોય એમ ઠેઠ એમની નિકટ જાઉં તો જ ઊડે, બપોર પછીની ચહલપહલ શરૂ થાય પછી તેઓ ઊડી જાય, ત્યારથી માંડીને ઠેઠ બીજી બપોર સુધી તો હું એમને સાવ ભૂલી જ જાઉં ! પણ તેઓ તો જેવાં આવે કે તરત કવીં કવીં કરતાં મને એમની અંતરંગ કેલિમાં સામેલ કરે જ.

ન તો મેં એમને કબૂતરોની જેમ ચાંચમાં ચાંચ પરોવી બેઠેલાં જોયાં છે, ન તો તેઓ સારસ-બેલડી કે ચક્રવાતયુગલની યાદ અપાવે છે. પરંતુ એમના આ સાવ નગણ્ય, ધ્યાન આપવા જેવાંય ન લેખાતાં સહઅસ્તિત્વમાં મને નર અને માદાના સહજસરળ સાયુજ્યનો કલરવ સંભળાય છે. આ કાબરયુગ્મ કંઈ હીંચકા ઉપર નથી બેસતું. એમને એની આવશ્યકતાયે નથી. કેમકે એમની ચાર પાંખોમાં સ્વયં હિલ્લોળ પીંછાસ્વરૂપે ઊગ્યો છે. તેઓ જ્યારે કોઈની હાજરી વર્તાતા કવૉ કવૉ કવીં કવીં કરતાં શ્વેત-શ્યામ પાંખ ફફડાવતાં ઊડી જાય છે ત્યારે પાછળ હિલ્લોળના પ્રણય ભીનાં વર્તુળ રચતાં જાય છે.

દર વખત આ જ બંને કાબર હશે એ તો હું ન જ ઓળખી શકું. પરંતુ તેમની ક્રીડા તેમને યુગલ માનવા જ પ્રેરે. આ યુગ્મને જોઈ મને કોણ જાણે હૃદયમાં ઝીણો, મીઠો, આનંદ પણ થાય. આ કાબરયુગ્મને પ્રણયીઓની માફક ધીમા અવાજે પ્રણયગોષ્ઠિ કરતાં નથી ફાવતું. સામાન્યપણે મનુષ્યો પ્રેમની વાત ધીમા અવાજે-સામેનું પાત્ર સુણે એવા સાદે જ કરે. પણ, આ કાબરયુગ્મ તો બરાબર કોઈ પરિણિત દંપતી જેવું જ મને લાગે છે. એમાં પ્રણયગોષ્ઠિ ઉપરાંત સંસાર-વ્યવહારની આડીતેડી વાતો, મીઠી-કડવી ફરિયાદ, રકઝક, નોંકઝોંક, આનંદ-ઉલ્લાસ અને મૌન બધું જ સમાઈ જાય છે. આ કાબરોની ગોષ્ઠિનું ઝાઝું કે સભાનપણે નિરીક્ષણ આંખ-કાન દ્વારા મેં કર્યું નથી. પરંતુ એમના કલશોરનો કાકુ ઘડીઘડી પલટાતો હોય એનું ધ્યાન જાય જ છે. ઘડીકમાં નર કાબર (જો કે એય હું ઓળખતી નથી) તેના અવાજને બને એટલો કોમળ, ઝીણો બનાવવાના પ્રયાસ સહ માદા કાબર પ્રતિ પ્રણયભાવ વ્યક્ત કરતો લાગે છે. સામે માદા પણ એવાં જ મૃદુ કંઠે એનો પડઘો પાડે છે. ત્યાર બાદ મારું ધ્યાન વાંચવામાં હોય અને કેટલીક ક્ષણો પછી એમનો કલરવ કલશોરમાં કે કદીક કોલાહલની સીમાએ પણ પહોંચી જાય. વાતચીત કરતાં પતિ-પત્ની વચ્ચે જાણે જીભાજોડી થઈ ગયા જેવું લાગે. ફરી થોડીવાર શાંતિ પથરાય જાય. બંને ઊડી ગયા હોય એમ મને લાગે, ત્યાં જ ફરી કવીં કવીંનો આર્જવભર્યો સાદ સંભળાય, એમ લાગે કે નર માદાને કે માદા નરને મનાવે છે.

વાસ્તવમાં, આ બધી તો મારી, મનગમતી, મધુર કલ્પના છે અને એ કલ્પના મારા ચિત્તમાં તેમના લાંબા સમયના સાંનિધ્ય પછી સહજપણે ઉદ્દભવી છે. તેમની આ ગોષ્ઠિમાં મને પૃથ્વી પરના પ્રત્યેક નર-માદાની ગોષ્ઠિનો જાણે પડઘો સંભળાય છે. તેઓ જે કલબલાટ કરે છે એમાં મને વિશ્વના સકળ પ્રણયીજનોના પ્રણયતરંગો વર્તાય છે. મારા હીંચકાના છાપરા નીચેથી ઊડીને ઊંચી દીવાલની બીજી તરફના ગગનમાં તેઓ આઘે-આઘે ઊડી જાય છે, પછી હું તેમને જોઈ શકતી નથી. કેવળ મારી કલ્પનાની પાંખ થકી તેમની સાથે હોઉં છું. કાબરયુગ્મ ફરી વિશાળ નભની ભૂખરી હવાઓ વચ્ચે, સોનેરી કિરણોના ઝૂલે ઝૂલતાં-ઝૂલતાં, વાદળોની આરપાર, પાંખમાં પાંખ મેળવી ઊડતાં-ઊડતાં ફરી કોઈ એકાંત સ્થળ શોધી લઈ બેસતા હશે. ફરી કોઈ ઝાડની ઘટાટોપ ડાળી, કોઈ બારીનું છજું, કોઈ અગાસીની પાળી, કોઈ રળિયામણો ઝરૂખો એમને મળી આવતો હશે. ફરી આમ જ નિતાંત રમ્ય, કલબલ કલશોર કિંચિંત કોલાહલસભર ગુફતેગૂ કરતા હશે. આ વિચારતા મને કેવળ અને કેવળ તેમની મીઠી ઈર્ષ્યા આવે છે. તેઓ જે રીતે સાથે આવે છે, સાથે બેસે છે, સાથે ગોષ્ઠિ કરે છે તે કરતાં તો તેઓ ગોષ્ઠિ માટે જે એકાંતની, જ્યાં કોઈ ન હોય તેવાં એકાંત સ્થળોની અવિરત શોધ કરતાં રહે છે તેની મને ઈર્ષ્યા આવે છે.

તેમણે તેમની આ ગોષ્ઠિ માટે મારા હીંચકા ઉપરની ટચૂકડી જગ્યા પસંદ કરી એ મારે માટે નરવા આનંદની વાત છે. મારો આનંદ તેમના કલરવમાં ભળી મળી યે જાય છે. પણ, એ સાથે જ યાદ આવે છે કે જે હીંચકા ઉપર આખ્ખી બપોર તેમની ગોષ્ઠિ ચાલતી રહી છે તે જ હીંચકે અમે બંને રોજ રાતે અચૂક બેસીએ છીએ. અમે પણ લાંબો સમય આકાશના ચંદ્ર કે તારા કે વાદળને જોતાં જોતાં વાતચીત કરતા રહીએ છીએ. પરંતુ કાબરયુગ્મની ગોષ્ઠિની વારંવાર પલટાતી તરાહને બદલે અમારી વાતચીતની સપાટી મહદઅંશે સ્થિર જ રહે છે. કાબરની માફક અમેય અમારા કે અમારી આસપાસના સંસારની વાતો કરીએ છીએ. પરંતુ ફરક માત્ર એકાંતની ખોજ કાજે સાથે ઊડી જવાનો રહે છે. કાબરયુગ્મ કોઈ આવે કે ફડફડ કરતું હીંચકે એમનો પ્રણયહિલ્લોળ ઝૂલતો મેલી નવા-તાજગીસભર એકાંતને શોધવા ઊડી જાય છે, એવું ઉડ્ડયન કે એની કલ્પનાયે અમને થતી નથી. અમને એકાંત અને શાંતિ તો ગમે છે પણ એ માટે આકાશે ઊડી જવાનું સૂઝતું કે સ્ફૂરતું નથી. તેઓ તેમની ગોષ્ઠિ ઉપર એકાંતનું છાપરું અચૂક ઓઢી લે છે અને તેમના ગયા પછી દરેક નીરવ રાત્રિએ છાપરાના નળિયેથી તેમના મધુર કલરવના નેવાં ટપ-ટપ કરતાં અમારાં પર ટપક્યાં કરે છે. જે મારી મીઠી ઈર્ષ્યાને કેમે કરી ઓગાળતાં નથી.
.

[2] ભૂરા આકાશ નીચે

ક્યારેક વહેલી પરોઢે આંખ ઊઘડી જાય છે. બારીની બહાર બધું એકદમ ભૂરુંછમ હોય છે. આકાશનો એકદમ સ્વચ્છ ભૂરો ટુકડો આંખમાં સમાઈ જાય છે. ભૂરાશ હવાના સર્વે કણ-કણમાં ઓગળી ગઈ હોય છે. મને આ ભૂરાશ અત્યંત પારદર્શક, પવિત્ર અને રૂ કરતાં પણ હળવી અનુભવાય છે. થોડી વાર આંખો બીડી એ ભૂરાશ અંદર ઉતારતી રહું છું. વહેલી સવારનું ઘેન પણ જાણે મને વાદળના ઝૂલે ઝુલાવે છે. ક્ષણ-બે ક્ષણ હું ઊંઘી જવા જેવી સ્થિતિમાં હોઉં છું. પક્ષીઓનો કલરવ ઘેરો બન્યો હોય છે. અલબત્ત, હવે એમાં માણસનો કલશોર, પાણીની મોટરની ઘરઘરાટી ભળી જઈને વિસંગત ચિત્ર દર્શાવતી હોય છે. બાકી જે ક્ષણે ભૂરાશની હળવી ટપલીથી મારી આંખ ઊઘડી એની પહેલા જ ચારે દિશાઓ કાગડા, ચકલી, હોલા, કાબરના કલબલાટથી ગૂંજી ઊઠી હોય છે. ઘણુંખરું રોજ ત્યારે પણ આઘે મોરના ટહુકા સંભળાય છે. મોરને મેં સવારે ચાર વાગ્યા પહેલાં ટહુકતો સાંભળ્યો છે. કાગડા પણ જલદી કા-કા કરવા લાગી જાય છે. ચકલી, કાબર વગેરે તે પછી ચીંચીકાર-કલબલ કરે છે. પણ, મારી મૂળ વાત વહેલી પરોઢે વ્યાપ્ત ભૂરાશની હતી. ત્યારે એ ભૂરાશ ટીપેટીપે ટપકીને વૃક્ષોનાં પર્ણો, વાદળો, પક્ષીઓના અનંત કલબલાટમાં પ્રસરી ગઈ હોય છે. તેમાંયે જો વરસાદ પડી ચૂક્યો હોય તો બધું વધારે શાંત, સ્વચ્છ અને હમણાં જ નાહીને નીકળ્યું હોય એવું લાગે છે. વૃક્ષો અને છાપરાંઓ અને પક્ષીઓ કે ફૂલોનાં ઝૂમખાં બધું વરસાદમાં નહાઈને ઊભું છે કે ભૂરાશમાં તે ખબર નથી પડતી.

પણ આ ભૂરાશ છવાવાની ક્ષણે ક્યારેક જ આંખ ઊઘડે છે. ઘણું કરીને સહેજ વહેલી અથવા સહેજ મોડી આંખ ઊઘડે છે. જો આંખ વહેલી ઊઘડે તો બહુ ઝાંખું અજવાળું છવાયેલું લાગે છે. હજી, જાગવાને વાર છે એમ કરી સૂઈ જઈએ તો પાછું જરીક મોડું થઈ ગયું હોય છે. આછા અંધારામાંથી ભૂરું અજવાળું અને એમાંથી બોલકું અજવાળું ફેલાઈ ગયું હોય છે. પેલા શાંત, સ્થિર, સરોવર જળ-શા સ્વચ્છ ભૂરાશભર્યા અજવાળાને બદલે એ અજવાળાથી આંખ અંજાઈ જાય છે.

રોજ સવારે દાદર ચઢી ટાંકીમાં પાણી પડે છે કે કેમ તે જોવા ઉપર જાઉં છું. દાદરાની અધવચ્ચે જ ધવલોજ્જ્વલ સ્મિત કરતાં મધુમાલતીના ઝૂમખાં પાળેલા ગલૂડિયાંની પેઠે મને વીંટળાઈ વળે છે. ઉપર ચઢી પાણી જોઈને હું પાછી વળું છું. ઘડી બે ઘડી ઊભી પણ રહી જાઉં છું. પૂર્વમાં સૂર્ય ક્યારેક ઊગી ચૂક્યો હોય છે. તો કદીક, ઊગવાની તૈયારીમાં હોય છે. એ જગ્યાએ પીળા ઉજાસની ફૂટુંફૂટું ટશરો દેખાય છે. જો કે આ બધું નિરાંતજીવે, ઝાઝીવાર જોવાનું હોતું નથી. નીચે વૉશિંગ મશીનનું ઘમ ઘમ અને મોટરોની કર્કશ ઘરઘરાટી કે દૂધવાળાનું ઉતાવળ કરાવતું હોર્ન મારી રાહ જોતું હોય છે. આમ છતાં, પેલી ભૂરાશમાં નહાઈ ચૂકેલા ગાંડા બાવળના દૂર દૂર સુધીના વૃક્ષોની વનરાજિ તથા વીજળીના તાર પર બેઠેલી કાબર કે આમતેમ લપાઈ સંતાઈ જતી દેવચકલીઓ કે ચકચક કરી મૂકતી ચકલીઓ પણ મારી પળ-બે પળની નજરની પ્રતીક્ષા કરતાં હોય છે. ક્યારેક હું એમની પ્રતીક્ષા વીસરી જઈ દાદર ઊતરી જાઉં છું. તો ક્યારેક કઠેરા ઝાલી ઊગુંઊગું થતો સૂર્ય, ભૂરાશને ઓગાળી પ્રગટેલું અજવાળું, શાંત-મૌન ઊભેલાં વૃક્ષ બધું ચારે દિશાએથી નજર ભરીને જોઈ લઉં છું.

નીચે ઊતરી ખંડમાં પ્રવેશું છું ત્યારે તો પેલી રહી સહી ઝાંખી ભૂરાશ ઉપર જ રહી ગઈ હોય છે. પછી સવારનો તડકો અથવા કાળાં-ધોળાં વાદળોની રમ્ય લીલા ગતિ કરતી રહે છે. હું નીચે રહી રહી પેલી ભૂરાશના દીર્ઘ પટને વીસરી જાઉં છું. બીજા દિવસની સવાર સુધી અથવા બીજા કેટલાયે દિવસોની સવારો સુધી વીસરી જાઉં છું. તે છતાં અંદરથી મને કદીકદી ખ્યાલ આવે છે કે મારે ક્યાંક સ્થિર થવું છે. શાંત થવું છે. કલાકો સુધી ચિત્તને પેલી મૌન ભૂરાશથી ભરી દેવું છે. પણ, એમ બનતું નથી. મારું મન અને શરીર જાત-જાતના ગમતાં-ન ગમતા, આંતરિક બાહ્ય કોલાહલથી ખળભળ્યા કરે છે. મારે કંઈક કોઈ વિષય પર લાંબે સુધી વિચારવું હોય અથવા એમ જ બેસી રહેવું હોય કે ખૂબ ઊંડા ઊતરીને લખવું કે અનુભવવું હોય, કોઈ કવિતાની ઝીણી પગલી સાંભળવા કાન માંડવા હોય એ બધું જ નથી થઈ શકતું. હું મૂંઝાઉં છું. મારું મન જાણે કોઈ હમણાં જ સખળ ડખળ પગ વીંઝી નદીમાં થોડા ડગલાં ચાલીને ગયું હોય એમ ડહોળાયેલા જળવાળું થઈ જાય છે. હું ઈચ્છું છું કે આ ડહોળાયેલાં જળ શાંત બને. બધી માટી એના એકએક કણ નીચે બેસે અને જળ સ્થિર, સ્વચ્છ અને શાંત બને. જેથી એમાં હું ડોકિયું કરી મારું અને સમગ્ર સૃષ્ટિનું પ્રતિબિંબ જોઈ શકું. એ સ્વચ્છ નીરની નીચે અદ્દભુત રીતે ગોઠવાયેલા પથ્થરો રેતીનાં ઝીણાં-ઝીણાં કણો પણ જોઈ શકું. અથવા પેલું ખૂબ વહેલી પરોઢનું પળ બે પળનું ભૂરું આકાશ પ્રતિબિંબિત થતું જોઈ શકું. ભરબપોરે કે રાતનાં કાળા અંધકારમાં પણ મારી અંદરથી ચુપચાપ ટપ-ટપ ટપકતી ભૂરાશને પી શકું અથવા તો એને બહાર છલકાવી વહેવા દઉં.

પરંતુ રોજ લગભગ સહેજ વહેલું કે મોડું થઈ જાય છે. હું કશુંક વીસરી કે ચૂકી જવાની અનુભૂતિથીયે બેખબર રહું છું. છતાંયે એ બેખબરીમાં ડહોળા પાણીમાં બંને હાથ વડે બધું સ્થિર કરવાના પ્રયત્નોમાં અનંતની પેલી પારની પેલી કૌમાર્યસભર, શિશુના પ્રથમ સ્મિત જેવી મોગરાની હમણાં જ ઊઘડેલી કળી જેવી ભૂરાશની પ્રતીક્ષા કરતી રહું છું. અને આખી રાત પેલા ડહોળા જળને સ્થિર કરવામાં જ હાથો હલાવી હું એને વધુ ને વધુ ડહોળ્યા કરું છું. એની સભાનતા મને રહેતી નથી. કદીક થાકીને મારા હાથ ઊંઘી જાય તો ખૂબ વહેલી પરોઢે પેલી ભૂરાશ ઊગવાની ક્ષણે હું સંપૂર્ણ, રોમેરોમથી જાગી જાઉં છું. પણ કદીક જ અને પછી ભૂરાશની એ ચાદર ઓઢી અંદર પડતાં ટપ-ટપ ટીપાનાં ધ્વનિને સાંભળતી ક્ષણ બે ક્ષણ ઝોલે ચઢી જાઉં છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેઘબિંદુ – સંકલિત
બાળકોને બગાડનારાં માતાપિતા – ગુણવંત શાહ Next »   

9 પ્રતિભાવો : ખરી પડે છે પીંછું – રીના મહેતા

 1. જગત દવે says:

  રોજ-બરોજનાં જીવનમાંથી પણ ચિંતન-આનંદ અને કુદરતનું સાનિધ્ય માણી લેતાં લેખિકાએ તેમનો કુદરત પ્રેમ અને તેની સાથેની તેમની એકાત્મતાનું સુંદર વર્ણન કર્યુ છે.

  આપણાં આસપાસનાં વાતાવરણની અસરથી આપણી અંદર સતત બદલાવ થતો રહે છે. એ ધડતર સુક્ષ્મ અને અદ્રશ્ય હોય છે પણ તેની અસર મહેસુસ કરી શકાય તેવી હોય છે….ફક્ત એટલી સંવેદનશીલતા જોઈએ .

  યોગ્ય શબ્દોનું ચયન પણ લેખને સૌંદર્ય બક્ષે છે. લેખિકાની આવી ફુરસત અને કુદરત પ્રેમ હંમેશા જળવાઈ રહે તેવી પ્રભુ-પ્રાર્થના.

 2. ખુબ સરસ લેખ
  અને ખાસ તો સુગંધીદાર લેખ
  સાવ સામાન્ય કહી શકાય તેવા રોજીંદા જીવન પ્રસંગો માંથી પણ સૌન્દર્ય શોધવું વિરલ હોય છે
  બંને લેખ માં અસામાન્ય કહી શકાય તેવું કશુજ નથી આવી તો કેટલીયે ભૂરી સવાર જોઈ છે અને કેટલાય કબર ગાન સાંભળ્યા છે પણ લેખિકા ની જોવાની રીત માં સુંદરતા છે તેથી તેમને બધું સુંદર દેખાય છે
  તથાગત બુદ્ધ (એક ભગવા વસ્ત્ર ધારી સંત) યાદ આવી ગયા તેમને દુર્ગંધ મારતા ગધેડા ના મૃત દેહ માં પણ તેના સફેદ સુંદર દાંત દેખાયા
  પ્રભૂ દરેક ને લેખ અને જીવન માંથી સુંદરતા શોધતા અને માણતા શીખવે તેજ પ્રાર્થના

 3. Chintan says:

  પ્રકૃતિનાં સાંનિધ્યને ખુબ સુંદર રીતે રજૂ કર્યુ છે. તન મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયુ. વસંતના મિજાજમાં પ્રકૃતિને માણવાની મજાજ કંઇક અલગ હોય છે.

 4. Nature is very much around us –we are part of it –but for that eyes of gratitude to nature is required—-now it has gone in tv channels –discovery or animal planet –i am a fan of moon and everyday see from where moon will come and talk with me –in rainy season i notice different colour and size of clouds –each day go to see lawn of our garden -and when snow fall takes care of that and some shrubs planted there –i also talk to snow cubes –all are of different size and shape –and when comes in hand like cotton flowers i feel god has sent them to show love to human kind –and do not shout like that so much snow fall? –so much rain? –what a nature???–
  i have not to go to mountains or big rivers –mother nature is with me all the time—–

 5. ભાવના શુક્લ says:

  રોજીંદી ઘટમાળ માથી સાહિત્યભાવે લેખિકાનુ અવલોકન ખરેખર દાદ માગી લે તેવુ છે. નિરાંતની પળોમા જો કાબરયુગ્મના સંવાદની સાથે પણ તાદામ્ય સાધી શકાય એ જીવન રસમય બનાવવાની કળા દરેકને સાધ્ય નથી હોતી. જરુર છે માત્ર દ્ર્ષ્ટી અને અવલોકનને જરાક યુ-ટર્ન આપવાની….. બાકી તો નિરાંતના સમયમા પડોશીના ઘરમા કાચના વાસણ ખખડે ત્યારે “તેના ઘરે કોણ મેમાન આવ્યા હશે!!” તેની ચિંતામા બીપી વધારતા વિદ્વાનો-વિદુષીઓ ની વિદ્વતાને આ યુ-ટર્નની સમજ કેમ પાડવી જાણે!!

 6. Dhaval says:

  ખરેખર ખુબ જ સરસ.

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  મને પણ સવારનુ ૪-૬ની વચ્ચેનુ આકાશ જોવુ બહુ ગમે છે. તમારુ જીણવટ ભરેલુ અવલોકન વાંચવાની મજા પડી.

  Ashish Dave

 8. Sandhya Bhatt says:

  દરેક ક્ષણને સભર બનાવતી રીનાબેનની સંવેદના અને તેને સહજ જ રજૂ કરવાની શક્તિ તેમના વ્યક્તિત્વની દેણ…આથી જ તેમની ભાષા સુગંધનો અનુભવ કરાવે …..રીનાબેન, ઘણું ઘણું લખતા રહો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.