તુમ ખુશ, હમ ખુશ – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

‘બોલિયે સા’બ, કહાં કા ટિકિટ….? કરોલબાગ…? અચ્છા જી…લાઈએ ચાલીસ પૈસા… ઓર સા’બ, આપ ? પહાડગંજ…. લીજિયે… નહીં સા’બ, મેરે પાસ ચેન્જ નહીં હૈ…. પહેલે ટિકિટ તો લે લીજિયે, પહાડગંજ તક તો ચેન્જ મિલ જાયગા…. સલામ, ગુપ્તાસા’બ…. આજ બહુત તક બૈઠે….? બજટ કી તૈયારી મેં પડે હોંગે…. અગલી ટ્રિપ મેં આપ કો નહીં દેખા…. લાઈયે પૈસે… સમાલિયે ટિકટ. આપ બહનજી, કહાં જાએગી…? બેંગાલ માર્કેટ ? નહીં જી… યે બસ કન્નટ પ્લેસ સે ટર્ન મારકાર મદ્રાસ હોટલ કી ઓર જાયેગી…. આપ ઐસા હી કીજિયે, રિવોલી ઉતર જાઈએ…. સિર્ફ દો મિનિટ કા રાસ્તા હૈ… લીજિયે ટિકટ. ક્યા, છોટેબાબુ….કૈસી ચલ રહી હૈ પઢાઈ…? લાઈએ પાસ, પંચ કર દૂં…. ઈસ બાર ઈમ્તહાન મેં ફર્સ્ટ કલાસ આના ચાહિયે, વર્ના બસ મેં બૈઢને ન દૂંગા, સમઝે…. ?

નવી દિલ્હીના નોર્થ એવન્યુ સેક્રેટરિયેટ પાસેથી સાંજના સમયે ઊપડતી ટીડીએસની બસમાં એક કંડકટરને મેં ટિકિટ ફાડતા ફાડતા સૌની સાથે હસી-ખુશીથી વાત કરતાં જોયો ત્યારથી મનમાં નક્કી કરી લીધું કે જો સાંજના બસ પકડવી તો કંટકટરની જ ! એટલે, સેક્રેરિયેટમાંથી છૂટીને સાંજના આ બસની લાઈનમાં ઊભો રહેવા લાગ્યો. ચોથે દિવસે એ કંડકટરે મને પકડ્યો. એક સાંજે મારી સીટ પાસે આવી બોલ્યો, ‘….કન્નટ પ્લેસ જાઓગે ન, બાબુજી….? લીજિયે યે ટિકટ… સેક્રેટરીયેટ મેં નઈ નઈ ભરતી મેં નંબર લગ ગયા ક્યા….? ખૂબ અચ્છા…. બહોત તરક્કી કરો ઔર આગે બઢો….. કૌન સે ડિપાર્ટમેન્ટ મેં હો….. ? ઈન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ મેં….? અરે વાહ ! આપ જરૂર એક દિન ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ બનોગે…..’ હસમુખા કંડકટર મહાવીરપ્રસાદની આ મારી પહેલી ઓળખાણ. મેં જોયું કે એ નિયત સમયે મુસાફરી કરતાં સૌ પેસેન્જરોને ઓળખતો હતો. સેક્રેટરિયેટથી પહાડગંજ અને પહાડગંજથી સેક્રેટરિયેટની એની ટ્રિપ દરમિયાન એણે ક્યારેય ગુસ્સો વ્યક્ત કર્યો હોય, કોઈના પર ખિજાયો હોય એવું મને યાદ નથી. એક વખત ઑફિસેથી છૂટીને કરોલબાગ કોઈને મળવા જતો હતો ત્યાં બિરલા મંદિરના બસસ્ટોપ પાસે બસ ઊભી રહી ત્યારે એક પેસેન્જરને એની સીટ પર જ બેઠો રહેલો જોઈને પૂછ્યું : ‘ક્યોં શર્માસાહબ આજ મંદિર મેં દર્શન નહીં કરના હૈ ? આજ મંગલવાર હૈ…..’ અને તુરત શર્માસાહેબ ઊતરી ગયા. પેસેન્જરનાં દર્શનવારની ચીવટ લેતો, કદાચ, આ પહેલો જ કંડકટર હતો !

એ વખતે હું દિલ્હીમાં અશોક રોડ પર રહેતો હતો. અભ્યાસકાળનો એ સમય. કેન્દ્ર સરકારના એક મંત્રી આબિદઅલીસાહેબની કોઠીના (કોઠી એટલે બંગલો) આઉટહાઉસમાં રહેતો. બંગલાના પાછલા ભાગમાં આવેલા આઉટહાઉસની બરાબર પાછળ એક મોટી વસાહત. કાચાં-પાકાં ઝૂપડાં, કોટડીઓ બાંધીને સમાજનો એક નીચલો વર્ગ અહીં રહેતો. ધોબી, દૂધવાળા, ફેક્ટરીમાં કામ કરનારા કે રસ્તાની ફૂટપાથ પર બેસી ધંધો કરનારાઓનું જીવન અહીં ધબકતું હતું. બંગલાની પાછલી દીવાલના આ આઉટહાઉસની લગોલગ એક નાનકડી ખડકી હતી, જેને સદાય તાળું મારેલું રહેતું. એ તાળાની ચાવી મારી પાસે. સવારે જ્યારે દૂધ લેવાનું હોય કે ધોબીને કપડાં લેવા-આપવાનાં હોય ત્યારે આ ખડકીનું તાળું ખૂલતું. અહીં રહેવા આવ્યો ત્યારે મારે ઘરકામ માટે એક માણસની જરૂર પડી. જોકે કામ તો ખાસ હતું નહિ. ચાનાં વાસણો સાફ કરવાનાં, ઘરમાં પહેરવાનાં કપડાં ધોવાનાં ને ઘરની સાફસૂફી કરવાની. સવારનું અડધા કલાકનું જ કામ.

મેં દૂધવાળાને વાત કરી. બીજે દિવસે દૂધવાળો આઠેક વરસની એક છોકરીને લઈને આવ્યો અને ભલામણ કરતો કહેતો ગયો. પાંચસો રૂપિયા પગાર આપજો. ક્યારેક ટિફિન લાવવાનું હશે તો એ પણ લાવી આપશે. છોકરીનું નામ મંજુલા. બપોરની શાળામાં એ ભણતી. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં (આજનું પાંચમું ધોરણ). બે ત્રણ મહિના પછી મંજુલાએ પગાર તો લીધો, પણ એડવાન્સમાં બસો રૂપિયા પગાર પેટે માગ્યા. મેં કહ્યું, ‘એડવાન્સ આપવાની ના નથી, પણ તારા બાપને મોકલ. એ હા પાડે તો આપું.’
રાત્રે દસેક વાગે વરન્ડામાં આરામખુરશી નાખી વાંચતો બેઠો હતો ત્યાં ખડકીનું બારણું ખખડ્યું. બારણું ખોલીને જોયું તો સામે મહાવીરપ્રસાદ- બસ કંડકટર.
‘અરે આપ ?’
‘અરે આપ ?’
અમે આમનેસામને બોલી ગયા અને પછી ખડખડાટ હસી પડ્યા.
‘આઈયે, બૈઠિયે’ કહી મેં ઘરમાંથી ખુરશી લાવી એને બેસાડ્યો.
‘આજકલ બસ મેં દિખાઈ નહીં દેતે. ક્યા, કોઈ દૂસરે ડિપાર્ટમેન્ટ મેં ટ્રાન્સફર હો ગઈ ?’ એ બોલ્યો.
‘નહીં જી. અસલ મેં મૈં સર્વિસ નહીં કરતા હું. મૂઝે તો રિસર્ચ કે લિયે સ્કોલરશિપ મિલી હૈ, ઈસીલિયે પઢતા હૂં…..’
‘આપ મેરી બસ મેં સેક્રેટરિયેટ સે બૈઠકે કન્નટ પ્લેસ તક જાતે થે….’
‘ઓહો ! યહ બાત હૈ ?’ મારાથી બોલી જવાયું. મેં એને હિન્દુસ્તાની જવાબમાં કહ્યું : ‘વાત એમ છે કે આ મિનિસ્ટરસાહેબની કોઠી છે. વચ્ચે મિનિસ્ટરસાહેબના પી.એ.ને લાંબી માંદગી આવી પડી એટલે બપોરે ઈન્સ્ટિટ્યૂટમાંથી છૂટીને સેક્રેટરિયેટમાં જતો અને એનું નાનું-મોટું કામ પતાવી આપતો. સાંજે ફાઈલો ઘેર લાવવાની હોય અને એના પર સૂચનાઓ આપવાની હોય તો એ મને બોલાવીને આપી શકે એટલા માટે મને આ કામ સોંપેલું. પણ હવે તો એના પી.એ. પાછા આવી ગયા છે….. બોલો, મારું શું કામ પડ્યું ?’

‘આપને બુલાયા સો આ ગયા.’
‘મૈંને આપ કો બુલાયા થા…..?’ મારી સમજણમાં ન આવ્યું.
‘બચ્ચીને બોલા કે સા’બ બુલાતે હૈં. મંજુ મેરી બચ્ચી હૈ…. આપ કે યહાં કામ કરતી હૈ… મુઝે અભી પતા ચલા કિ યે આપ કા ઘર હૈ…..’
અમે સાથે મળીને ચા બનાવી.
ચા બનાવતાં બનાવતાં એણે મને મંજુલાની અને એના કુટુંબની વાત કરી. સંતાનમાં એને એકમાત્ર પુત્રી તે આ મંજુ-મંજુલા. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી આ છોકરી સવાર-સાંજ ઘરની રસોઈ કરે, કપડાંવાસણ ધુએ, મારા ઘરનું કામ કરે અને રાત્રે ફાનસને અજવાળે લેસન કરે. મહાવીરપ્રસાદની પત્નીને ટી.બી. હતો. સદાય ખાટલો ભોગવતી પત્નીની મહાવીરપ્રસાદ અને એની આ પુત્રી સેવા કરતાં. સરકારી ઈસ્પિતાલમાં વારંવાર તપાસ અર્થે લઈ જવાની, દવાદારૂ કરાવવામાં અને રાત્રે છોકરીને ભણાવવામાં જ મહાવીરપ્રસાદનો સમય ચાલ્યો જતો.
‘પુત્ર ?’ મારાથી બોલી જવાયું.
‘હતો. સોળ-સત્તર વરસનો. મામાને મળવા ગાઝિયાબાદ જતો હતો ત્યાં ટ્રેનમાંથી પડી ગયો અને તુરત જ મરણ પામ્યો.’
‘સોરી, મહાવીરપ્રસાદજી. ક્યારે બન્યું આ ?’
‘ત્રણેક વરસ પહેલાં…… હશે ઈશ્વરે, જેટલું અમારી સાથે એનું ઋણાબંધન રાખ્યું હશે તે એણે પૂરું કર્યું.’ એણે ચાનો કપ ટિપોય પર મૂકી ખમીસની બાંયથી આંખ લૂછી લીધી અને પછી તુરત જ મોં પર હાસ્ય લાવતાં બોલ્યો : ‘કિતને સાલ આપ કી પઢાઈ ચલેગી ?’
‘તીન-ચાર સાલ તક તો યહાં રહના પડેગા.’
‘બહુત અચ્છા. દિલ્હી બઢિયા શહર હૈ. હર મુલક કે હર જાતિ કે લોગ યહાં રહતે હૈં. અલગ અલગ ધરમ, નિજી ત્યૌહાર, રિવાજ, ઉત્સવ-સચમુચ, રાષ્ટ્રીય એકતા યહાં દિખાઈ દેતી હૈ. અપને પડોસ મેં સાઉથ-ઈન્ડિયન યા પંજાબી રહતે હૈ તો મિલજુલકર ત્યૌહાર મનાતે હૈ…. દિલ્હી હમારા દિલ હૈ……’
‘હા, વાત સાચી હતી. નહિતર ક્યાં હું અને ક્યાં મહાવીરપ્રસાદ ? અત્યારે સામસામે બેસીને ચા પીતા હતા જ ને !
‘…..ગુજરાત કૈસા હૈ, સા’બ ?’
‘બસ, દિલ્હી કી તરહ.’ મેં હસતાં હસતાં કહ્યું, ‘આઓ કભી.’
‘આના હૈં, વહાં જો દ્વારિકાધીશ કા મંદિર હૈ, સોમનાથ મહાદેવ હૈ, અંબાજી કા ભી બડા મંદિર હૈ….. એક બાર યાત્રા જરૂર કરની હૈ. બીવી કી ઈચ્છા થી કિ એક બાર ભદ્રકાલીમાતાજી કા દર્શન કરે…..’ લખનવી મિજાજમાં એણે પત્નીની ઈચ્છા વ્યક્ત કરી.
‘તો આઈએ ન. હમારે ઘર પે રહના…..’
‘શુક્રિયા, બહોત બહોત શુક્રિયા. લેકિન અપની ઘરવાલી ભાગ્યવાન હૈ. ખુદ ભદ્રકાલીમાતા સ્વયં ઉસ કો દર્શન દેંગી……’ એણે હસતાં હસતાં કહ્યું. મને એની વાત ન સમજાઈ. એણે કહ્યું, ‘અબ તો યાત્રા શાયદ ન બન પાયેગી. ટી.બી. કે લાસ્ટ સ્ટેજ મૈં હૈ. તીન-ચાર-છ મહિને મેં સ્વયં માતાજી…. અચ્છા, એક બાત બતાઈયે. યે જો આપ પઢતે હૈં…….’ કહી એણે પત્નીની વાત બદલાવી નાખી. મહાવીરપ્રસાદ મને એના દુ:ખમાં સહભાગી બનાવવા નહોતો ઈચ્છતો. વાત બદલાવી એણે એના પેસેન્જરોની ગમ્મતભરી વાતો આરંભી.

એ પછી તો પરીક્ષા આવતાં મંજુલાએ મારું કામ છોડી દીધું એટલે મહાવીરપ્રસાદનો સંપર્ક તૂટી ગયો. હવે મિનિસ્ટરસાહેબનો જ નોકર મારા ઘરનું કામ કરી લેતો. કોઈ કામસર મારે બહુ જ વહેલાં ઈન્સ્ટિટ્યૂટ પહોંચવાનું હતું એટલે એક વખત વહેલી સવારની બસ પકડી. સ્ટેન્ડ પર આવીને બસ ઊભી રહી કે અંદરથી કંડકટરનો અવાજ સંભળાયો.
‘સુપ્રભાત….. આઈ….એ…. અંદર ચલે આઈ એ…. બહુત જગા હૈ….. આઈ એ, બહેનજી, આઈ એ, ભાઈસા’બ, અંદર આતે રહિયે… દૂસરોં કો આને દેં તો કૃપા હોગી…..’
એ જ હસમુખો મહાવીરપ્રસાદ.
મને જોઈને બોલ્યો : ‘અરે વાહ, કિતની છોટી હૈ યહ દુનિયા ? પહેચાનવાલે મિલ હી જાતે હૈ….. અચ્છા, તો અભી આપ નિઝામુદ્દીન પઢને જાતે હો ?…..’ બધાંની ટિકિટ કાપી આપી એ સહેજ નવરો થયો કે મેં એના ખબરઅંતર પૂછતાં કહ્યું :
‘અબ કૈસી હૈ હમારી ભાભીસા’બ ?’
‘અરે, ક્યા બાત કરું, ભાઈસા’બ ? એક દિન સ્વયં વિષ્ણુ ભગવાન ઘર પે આ ગયે. લેકે ગયે ઉસ કો સ્વર્ગ મેં…. બડી લંબી સૈર કા ટિકટ કરવા લિયા….. અબ મજા હોગી સ્વર્ગ મેં…… અરે, અરે, ઈસ મેં આપ ક્યોં ઉદાસ હો ગયે ?….. એક બાત બતાઉં, બાબુજી ? નિઝામુદ્દીન કે મકબરે કે સામને એક હલવાઈ કી દુકાન હૈ. વહાં ગાજર કા હલવા અચ્છા બનતા હૈ…….બસ, એક પ્લેટ ખા લીજિયે. દિલ ખુશ હો જાયગા. હોટલવાલે કો અપના નામ દેના, ઔર સલામ ભી કહના………’

હસતાં-રમતાં ટિકિટ ફાડતો, સૌનાં ખબરઅંતર પૂછતો, ટૂંકી મુસાફરીને આનંદમય બનાવી દેતો મહાવીરપ્રસાદ કદાચ અત્યારે વૃદ્ધ થઈ, મંજુલાનાં છોકરાઓને રમાડતો હશે કે પછી એણે પોતે પણ લાંબી સફરની ટિકિટ કઢાવી લીધી હશે…..?
ના, મહાવીરપ્રસાદને એમ ભૂલી શકાય નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા
જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિ – પ્રા. ડૉ. દિનુભાઈ ચુડાસમા Next »   

18 પ્રતિભાવો : તુમ ખુશ, હમ ખુશ – ગિરીશ ગણાત્રા

 1. hardik says:

  ખરેખર “હલચલ” મચાવી દે તેવૉ લેખ છે. સામાયિક નું નામ યથાર્થ કર્યું લેખે.
  આવા લેખ એક ચિત્ર અને ચોઈસ મુકે છે, કે શું સ્વીકારવું. સાથે એ પણ સાબિત કરે છે કે “ભગવાન” એ ફિનૉમીના નથિ પરંતુ હકિકત છે અને અહિં જ છે..આભાર

 2. Sonia says:

  બાપ રે…આટ આટલા દુઃખ વચ્ચે મહાવીરપ્રસાદ હસતો રહે છે. સલામ મારવી જોઇએ આવા માણસો ને….ખરેખર!

 3. હચમચાવી એ તેવી વાત….આપણે તો નાની અમથી વાત ને લઇને દુઃખી થઇ જઇએ છીએ ને કોઇની પણ આગળ રોદણા રડવાનું શરુ કરી દઇએ છીએ…..ત્યારે આવા માણસોને સલામ કરવાનું મન થાય.

 4. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા. ગીરીશભાઈની દરેક વાર્તા હંમેશા જીંદગી પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનું શીખવતી હોય છે. દરેક વાર્તામાં જાતે અમલમાં મુકવા જેવો સંદેશો હોય છે.

 5. Keyur says:

  Great..!! This is possible only in India in reality also… Keep posting such articles..!!

 6. Sonali says:

  🙂 3 idiots na rancho ni yad avi gayi
  very nice article 🙂

 7. કુણાલ says:

  fighter એટલે હંમેશા જ લડતો મારતો વ્યક્તિ નહિ પણ મહાવિરપ્રસાદ જેવા વ્યક્તિઓ કે જેમના જીવન પ્રત્યેના આવા અભિગમની સામે કોઇ દુઃખ કોઇ મુસિબત કે એનો મલાજો .. કાંઈ ટકી જ ન શકે … હથિયાર હેઠા મૂકી દે !!

  આવા ભડવીરો વિશે વાંચીને જિંદગી જીવવાનું એક નવુ જોમ મળી જતું હોય છે …

 8. Vaishali Maheshwari says:

  Very nice story.

  There are such kind of people in this world who have all happiness, but still they do not stop complaining about life and miseries, while there are some people who do not have real happiness, but still they believe in living and enjoying life without any miseries and complaints. Mahavirprasad is one of those people who used to share his happiness with everyone. Even at job (as a conductor) he used to talk to all the passengers so well. This showed his positive attitude.

  The title ‘તુમ ખુશ, હમ ખુશ’ is also exactly suitable to this story!
  Thank you so much for this wonderful story Mr. Girish Ganatra.

 9. Rupa says:

  real very nice story, hatts off to people who suffer a lot but even then manage to fight with all the odds and keep smiling,

 10. સાવ નાના ગણાતા માણસ માં પણ એવી જીન્દાદીલી
  મહાવીરપ્રસાદ ને વાંચી ગીતા નો શ્લોક યાદ આવી ગયો
  “स्तितप्रग्न्यस्त का भाषा… ”
  અર્થાત, જે સ્તિત્પ્રગ્ન્ય છે તેને શું સુખ અને શું દુખ

 11. Vipul Panchal says:

  Really very awesome story.

 12. hema says:

  nice story.
  mahavirprasad is very sporty person.
  we should be like him.

 13. Rajendra Namjoshi,Surat says:

  સહજતાને જ જીવનમંત્ર બનાવનારા મહાવીરપ્રસાદ જેવા પાત્રો પાસેથી પ્રેરણા લેવા જેવી છે.જોકે સહજતા સાધવી મુશ્કેલ બાબત છે.
  – રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 14. BJ says:

  Absolutely amazing that MahavirPrasad is ! He is a ‘True Hero’. Who knows how to live life smiling against all odds ! Bravo !

 15. Chintal says:

  આવી રીતે જીવવુ ખુબ જ મુસ્કેલ છે……………
  Anyway Very very nice story…………….

 16. Ashok Jani says:

  સત્યઘટ્નાત્મક પ્રસંગોને વાર્તારૂપે વણી લેવાની હ્થોટી સ્વ. ગિરીશભાઇની કલમને વરેલી હતી, આ વાંચી મારી એક ટુંકી વાર્તાના ટપાલીનું પાત્ર યાદ આવી ગયું, ખૂબજ હ્રદય્સ્પર્શી વાર્તા……!!!!!!

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  કોઇ વાર બસ કન્ડકટર તો કોઈ વાર રિક્ષાવાળો… દરેક વાર્તામા ગિરીશભાઈએ સમાજના નાના નાના પાત્રો લઈ ખુબ સુદર હ્કારાત્મક એક સ્વાશે વાચવી પડે તેવી રચનાઓ કરી છે.

  Ashish Dave

 18. Ashok Shah says:

  મે પહેલી વખત ગુજરતી મા વર્તા વાચી. સરસ વર્તા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.