જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિ – પ્રા. ડૉ. દિનુભાઈ ચુડાસમા

[ મહુવા ખાતે અસ્મિતાપર્વમાં તા. 28મીની સાંજે સમાચાર મળ્યા કે જાણીતા નવલકથાકાર શ્રી જોસેફ મેકવાન સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યા; પરંતુ ત્યાં ઈન્ટરનેટની સુવિધા ન હોવાથી આ સમાચાર રીડગુજરાતી સુધી પહોંચાડી ન શકાયા. આથી, તેમને ‘ફૂલછાબ’ અખબારના આ વિશેષ લેખ દ્વારા અંજલિ આપવાનું ઉચિત લાગ્યું. તેઓ 75 વર્ષના હતા. કિડની ફેલ્યોરને કારણે તેમને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે 28મીના સાંજે પોણા પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ‘આંગળિયાત’ જેવી સુપ્રસિદ્ધ નવલકથા સહિત તેમણે અનેક ઉત્તમ કૃતિઓ ગુજરાતી સાહિત્યને આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2008’ના નિર્ણાયક તરીકે પણ સેવા આપી હતી. ફોન પર તેઓ આ પ્રવૃત્તિ માટે શુભેચ્છાઓ પાઠવતા સતત એમ જણાવતા કે આ વાર્તાઓ ગ્રંથસ્થ થવી જોઈએ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુપ્રાર્થના. – તંત્રી, રીડગુજરાતી.]

ગુજરાતી દલિત સાહિત્યના બળુકા સર્જક અને દલિત સાહિત્યના દાદા જોસેફ મેકવાનનું નિધન તા. 28-માર્ચ-2010ના રોજ થયું. તા. 9-ઓક્ટો-1936માં જન્મ. આ સમયગાળામાં એક ઘટના તરીકે જીવેલા. સર્જકની તરીકે ‘આંગળિયાત’ નવલકથા અને ‘વ્યથાનાં વીતક’, ‘વહાલનાં વલખા’ રેખાચિત્રોના અને નવલિકાઓના સર્જન થકી ગુજરાત, ભારત અને વિદેશમાં કરોડો ભાવકો ધરાવતા જોસેફ મેકવાન વાસ્તવિક જીવનના લેખક હતા. એમના માટે જીવનમંત્ર હતો : ‘અમે કળા પ્રમાણી છે, પરંતુ જીવતરનો ધોખો દઈને નહીં.’

‘જન્મભૂમિ પ્રવાસી’માં એમની ‘ભવાટવિ’ લેખમાળા દ્વારા જોસેફ મેકવાને એમની ભવાટવિના અનેક રસોનું પાન ભાવકોને કરાવેલું. આ જીવનરસ સાથે સર્જક અભિન્ન રીતે એકરૂપ થયેલા હતા. પરિણામે જીવાતા જીવનમાંથી જે વિષ-અમૃત એમને લાધ્યું એ એમણે ઈમાનદારીથી એમના વાચકોને આપ્યું હતું. પરંતુ જોસેફ મેકવાનને તો એમની ભવાટવિએ આપેલું વરદાન હતું. કરુણરસ અને એમના હૃદયમાંથી અહર્નિશ ટપકતી કરુણા એમના જીવનયાત્રાના સદા સંગાથી બની રહેલા. માત્ર છ વર્ષની ઉંમરે માતા ગુમાવનાર જોસેફ મેકવાનને ‘મા’ની અધૂરપ જીવનભર રહી. એમણે કહેલું : ‘હું નમાયો છું. હતી ત્યારે મારે ત્રણ ત્રણ મા હતી. ચારથી માંડી ચૌદ વર્ષની અવસ્થા સુધી અલપઝલપ એમણે મારી જિંદગીમાં રંગ પૂર્યા : મમતાના, માનવતાના અને માતૃત્વના (!) અને અભરખા ઊંચી જાય એવા આઘાત સર્જી એ ચાલી ગઈ, પાછળ મુકતી ગઈ મા નામના પદારથની એક એવી અદમ્ય ભૂખ જે અભિશાપ બની મારી જિંદગીને આજેય પીડી રહી છે.’

જીવાનુભૂત સત્યને રણકાર કરતું સાહિત્ય આપનાર જોસેફ મેકવાન સંવેદનશીલ માણસ અને સૌજન્યશીલ પ્રકૃતિ અને વિરલ વ્યક્તિત્વના માલિક હતા, તેમનામાં જીવન તરફની પ્રામાણિકતા ભારોભાર પડેલી હતી, દલિત સમાજ તરફની પ્રતિબદ્ધતા અને માનવો પ્રત્યેની આસ્થા જીવનપર્યન્ત ટકી રહેલા એ એમના માનવતાવાદી દષ્ટિકોણનું ફળ હતું. પણ આ સુફળની પડછે એમના જીવતરના સંઘર્ષો રહેલા હતા. જીવતરના અનેક નાટારંગોમાં રંગાયેલા, જીવનની પાઠશાળામાં ટીપાયેલા-ટોંચાયેલા, માણસ હોવાની યંત્રણામાં સતત રહેંસાયેલા જોસેફભાઈને સંજોગો સામે ખૂબ ઝઝુમવું પડેલું. જીવતર ખાલીપાને એમણે પોષી સ્વીકાર કરેલો અને આ અધુરપે એમને સમસંવેદી બનાવેલા. અહર્નિશ એમણે જીવન સાધના અને શબ્દની આરાધના કરેલી. જગતના શ્રેષ્ઠ સાહિત્ય સર્જકોને એમણે વાંચેલા, પચાવેલા અને ભીતરના તેજ પણ ઓછા નહોતા માટે સર્જકતાની પળપાકી ત્યારે એમની લેખિનીમાંથી ઉત્તમ કલાકૃતિઓ અવતરિત થયેલી. જેમણે સાહિત્યના ભાવકોને રળિયાત કરેલા સાથે કલા જગતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોનો પણ આવકાર મળેલો.

જોસેફ મેકવાનની ‘પન્નાભાભી’ નવલિકાને પોંખતા મુર્ધન્ય સર્જક દર્શકે કહેલું : ‘મનુષ્યની અકથ્ય લાચારી અદ્દભુત અને અનન્યપણે ચિત્રિત થઈ છે.’ ‘પન્નાભાભી’ કદાચ ગુજરાતીની શ્રેષ્ઠવાર્તાઓમાંની એક ગણાશે. ગુજરાતી ભાષાનું કોઈપણ પાઠ્યપુસ્તક એના વિના અધૂરું ગણાશે અને એને બળે જોસેફ તરશે.’ સર્જકના રેખાચિત્રના ગ્રંથ ‘વ્યથાનાં વીતક’ને આવકારતા માટીનાં મનેખ શ્રી દિલીપ રાણપુરાએ કહેલું : ‘આ માત્ર કોરી કથાઓ નથી, જીવતા ધબકતાં માણસોએ માણસને જીવવા માટે રચી આપેલી કેટલીક ઋચાઓ છે.’ આ ઋચાઓનું સર્જન સર્જકના વેદનના નિંભાડામાં થયું હતું. દુ:ખી, પીડિત, શોષિત લોકો તરફનો એમનો અનુરાગ એમને પ્રતિબદ્ધ સર્જક સાબિત કરે છે. સર્જકના શબ્દો હૃદયમાં ઉતારીએ : ‘યાતના તાવે છે. દર્દ પીડે છે, કષ્ટ ઘડે છે પણ દુ:ખ માણસને માંજે છે. જીવન પ્રત્યે ભરોસો હોય તો એ અંતર ઊટકી કાઢે છે. અજવાળાયેલા અંતરના જીવન નીરખણમાંથી જ નવનીત નીતરે છે. મારા હૈયામાં આવી ગાંઠ વાળવા દુ:ખે મહત ભાગ ભજવ્યો છે.’

આ પીડાઓમાંથી સર્જક ગુજરાતી સાહિત્યમાં એક અણસ્પર્શી સૃષ્ટિ લઈ આવેલા. આ સૃષ્ટિ ગુજરાતી સાહિત્ય માટે સાવ નવી નિરાળી હતી. એ હતી શોષિત સમાજની અધુરપોમાં જીવતા જીવંત માનવોની યથાર્થતા. આ યથાર્થતાને નિરૂપણ કરવામાં જોસેફભાઈ અગ્રેસર રહેલા અને જીવાતા જીવનને આકાર આપતા સાહિત્યનું નવનીત આપેલું. શ્રી દર્શકે જોસેફદાની અનોખી સૃષ્ટિને આવકાર આપતા કહ્યું હતું : ‘જોસેફ મેકવાન ગુજરાતી સાહિત્યમાં એક નવી સૃષ્ટિ લઈને આવે છે અને એ છે શોષિત સમાજની વલોવાતી સૃષ્ટિના દર્દ-દાસ્તાન. આવો દર્દ-દાસ્તાનનો પ્રવેશ અગાઉ ગુજરાતીમાં થયો નથી. આવો એટલે આવા સાહિત્યિક સામર્થ્યવાળો.’ જોસેફ મેકવાનની જીવંત પાત્રસૃષ્ટિ અને સત્યકથાઓ વિશેનો શ્રી ભગવતી કુમાર શર્માનો અભિપ્રાય છે : ‘શ્રી જોસેફનું આ કંઈ કલ્પનોત્ય સાહિત્ય નથી કારણ કે તે લગભગ પૂર્ણત: સાચા પાત્રો અને સત્ય ઘટનાઓમાંથી ઉદ્દભવેલું છે. સાચા પાત્રો અને સત્ય ઘટનાઓને આ રીતે આપણા સાહિત્યમાં પ્રકાશિત કરવાનો આવો મોટા ગજાનો પુરુષાર્થ મેઘાણી પછી સંભવત: જોસેફભાઈએ કર્યો છે.’

એમની આવી સર્જન સાધનાના ફળ સ્વરૂપ જે કૃતિઓ ગુજરાતી ગિરાને મળી છે એ કલાકૃતિઓને સાહિત્ય ક્ષેત્રના અનેક ઈનામો પ્રાપ્ત થયેલા છે. ‘આંગળિયાત’ નવલકથાના સર્જક જોસેફ મેકવાનની આ કૃતિ ઉત્તમ કલાકૃતિ તરીકે પોંખાઈ છે. ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ તરીકે અનેક સર્જકો અને વિવેચકોએ એને નવાજી છે. આ નવલકથાને અનેક પારિતોષિકોથી વિભૂષિત કરવામાં આવી છે. 1988માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઈનામ, 1989માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી-દિલ્હીનું સર્વશ્રેષ્ઠ કૃતિ માટે પારિતોષિક મળેલું. ‘આંગળિયાત’નો અનુવાદ અંગ્રેજીમાં ‘Step Child’ નામે ડો. રીટા કોઠારીએ કરેલ છે જેને ઑક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ‘આંગળિયાત’ કૃતિને ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોએ કૃતિમાં રહેલા સાહિત્યિક ગુણોને લીધે પ્રશંસાના પુષ્પોથી આવકારી હતી. વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશીએ ‘આંગળિયાત’ને ‘ગુજરાતી કથા સાહિત્ય પ્રવાહમાં એક વિશિષ્ટ રચના’ કહી સર્જક જોસેફ મેકવાન પાસે વિશ્વ સાહિત્યની ઉત્તમ કથા કૃતિ ‘લે મિઝરબલ’ કક્ષાની નવલકથાની અપેક્ષા રાખેલ હતી. કવિ શ્રી હરીન્દ્ર દવેએ આ નવલકથા વિશે અભિપ્રાય આપતા કહેલું : ‘આ નવલકથા આપણી વણખેડાયેલી ભોમને ફલક બનાવે છે એ માટે જ નહીં, એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમી છે. એનાં પાત્રો મારી અનુભવસૃષ્ટિનો ભાગ બની ગયા છે.’

સર્જક તરીકે સતત વિકસતા રહેલા જોસેફદાએ સાહિત્ય સર્જનને એક પવિત્ર કર્મ તરીકે સ્વીકારેલું. તેઓ માનવ સંવેદનાના વાહક રહ્યાં હતાં. પરિણામે તેમની કૃતિઓને અસંખ્ય ભાવકો મળેલા. ગુજરાતી સાહિત્યમાં જોસેફ મેકવાન સમસંવેદી સર્જક અને કલ્યાણકારી માનવ હતા. એમના મહાપ્રસ્થાનથી ગુજરાતી ભાષા સાહિત્યનો એક સૂર્ય અસ્ત થયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તુમ ખુશ, હમ ખુશ – ગિરીશ ગણાત્રા
ભાળવણી – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’ Next »   

12 પ્રતિભાવો : જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિ – પ્રા. ડૉ. દિનુભાઈ ચુડાસમા

 1. Chintan says:

  પ્રભુ આ દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે. એમના લેખ વાંચવા તે એક અનોખો લાહવો છે.

 2. સૂર્ય અસ્ત થયો છે પણ એ ગુજરાતી સાહિત્યના આકાશને હંમેશાં આજવાળતું રહેશે.

  ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

 3. “દુ:ખ માણસને માંજે છે”
  કેવા અદભૂત શબ્દો !!!
  જોસેફદા ને છેલ્લી સલામ

 4. જિજ્ઞેશ શનિશ્વરા says:

  પ્રભુ તેમના આત્માને પરમ શાન્તિ અર્પે તેવી પ્રાર્થના સહ.

 5. Dipti says:

  લેખ વાંચીને મોંઘેરા સર્જકને સાદર શ્રદ્ધાજલિ રુપે બે શીઘ્ર હાઈકુ મનમાં સ્ફુર્યા તે—-

  સર્જક થયા
  અમર , શબ્દદેહે
  આપણી વચ્ચે.

  થોભ સુરજ
  તારે રજા, આ સાંજ
  જોસેફદાની

 6. Akash says:

  પ્રભુ તેમ્નિ આત્મા ને શાન્તિ અર્પે..

 7. જય પટેલ says:

  શ્રી જોસેફ મેકવાનને ભાવભરી શ્રધ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષે તેવી અરજ.

  ચરોતરના ગામડી ગામનું કળા રત્ન એટલે શ્રી જોસેફભાઈ.
  આંગળીયાત જેવી સંવેદનશીલ નવલ વાંચી આંખો અને હૈયું ના પલળે તો જ નવાઈ..!!

  ગુજરાતી સાહિત્યની ચરોતરના પરિપ્રેક્ષ્યમાં આલેખાયેલી બે ક્રાંતિકારી નવલકથાઓ એટલે
  શ્રી ઈશ્વર પેટલીકરની…….લોહીની સગાઈ
  અને
  શ્રી જોસેફ મેકવાનની……આંગળિયાત.
  આભાર.

 8. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Josephbhai will be missed… may God bless his soul in peace.

  Ashish Dave

 9. Manhar Sutaria says:

  શ્રી જોશેફ મેકવાન સાહેબ ને હ્રદયપૂર્વક ની સો સો સલામ, ભાવભરી શ્રધ્ધા અન્જલી. પ્રભુ તેમના આત્મા ને શાન્તી અર્પે. ગુજરાતી સાહીત્ય ને સમ્રુધ્ધ કરવામા તેમનો ફાળો અનોખો છે.

  મનહર સુતરિયા

 10. Ashok Jani says:

  ૧૯૬૭ થી જન્મભૂમિનો વાચક્ રહ્યો છું, અને ધારાવાહિ રૂપે જ આંગળિયાત, ભવાટવિ અને બીજાં શબ્દ ચિત્રો માણ્યા છે, વાસ્તવિક અને એટ્લાં જ હ્રદયદ્રાવક ઘટનાક્રમો હજુ પણ હૈયે કોતરાયેલાં છે. તેમને ક્યારેય રૂબરૂ ન મળી શક્યાનો અફસોસ રહી ગયો… જૉસેફદાદાને અંતરની અંજલિ…

 11. Harish S. Joshi says:

  ચ્હેલ્લ સાત દશક થિ ગુજ્રાત થિ દુર રહ્યા, પન ગુજરાતિ સાહિત્ય વાન્ચન નો મોહ ક્યારેય ચ્હુત્યો નથિ.દોતોર પત્નિ પન સાહિત્ય રસિકા મલિ.ચ્હેલા પાન્ચ વર્શો થિ કેન્બરા-ઓસ્ત્રલિઅ રહિયે ચ્હિયે.વ્જોશેફ મેક્વાન પ્રિય લેખકો માના એક્ તેમ્ના
  દુહ્ખદ નિધન થિ આઘાત નિ અનુભુતિ થૈ ચ્હે.ઇસ્વર તેમ્ના મહાન આત્મા ને શાશ્વત શાન્તિ આપે એજ હ્રુદય થિ પ્રાર્થના.

  વર્શો પુર્વે જ્યારે આનન્દ્(વલ્લભ વિધ્યાનગર ) ગયો હતો ત્યારે તેમ્નિ સાથે ફોન પર થયેલ વાતો આજે પન મગજ મા
  ફરે ચ્હે. તેમ્ના સર્જન મા સમાજ મા દલિત ગનાતા સમાજ નિ વ્યથા તેમ્નિ લેખ્નિ નિ વિશેશ્તા હતિ.તેમ્નિ ક્રુતિઓ મા થિ,
  આન્ગલિયાત્,વ્યથાના વિતક્,વ્હઆલ ના વલ્ખા,પન્ના ભાભિ ઉપ્રાન્ત જ્.પ્ર્ મા લેખ્માલારુપે પ્રકાશિત થતિ “ભવાતવિ ” આ
  બધુ વાન્ચ્વા નો લહાવો મલ્યો ચ્હે. અને આજે ભારત થિ દુર ,જિવન ના સાત દશક પુરા કર્યા પચિ પન ભયિ મેક્વાન્
  નિ ક્રુતિઓનુ પુનહ વાન્ચન કર્વાનુ મન થાયે ચ્હે.ચરોતર ના ચહેતા મેક્વાન નિ આત્મા ને પ્રભુ શાશ્વત શાન્તિ આપે એજ્
  ખરા હ્રુદય થિ પ્રાર્થના.ગુજરાતિ સાહિત્ય નભ નો એક વિરલ તરો ખર્યો ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.