દ્વિદલ – સંકલિત

[1] કબૂતર કેવી રીતે શાંતિનું પ્રતિક બન્યું ? – અજ્ઞાત

બહુ લાંબા સમય પહેલા બે રાજાઓ હતા. જેઓ પૂર્વ ભાગમાં પોતાનાં રાજ્યોમાં રહેતા હતા. તેઓને એકબીજા પ્રત્યે નફરત હતી. વર્ષોનો સમય જતાં તેઓ વધુ ને વધુ ક્રોધિત થવા લાગ્યા અને સતત એકબીજાને ધમકીઓ આપતા હતા. આખરે તેમાંના એક રાજાએ જાહેરાત કરી કે, ‘હું યુદ્ધ કરવાનો છું ! બધા લોકો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ !’

હવે બીજા રાજાએ 15 વર્ષથી કોઈ યુદ્ધ કર્યું ન હતું તેથી તે લગભગ ભૂલી ગયો હતો કે તેના હથિયારો અને યુદ્ધનાં વસ્ત્રો ક્યાં મુકાયેલા છે. યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલા રાજાએ તેની માતાને કહ્યું : ‘મારા માથાનો રક્ષણટોપો (શિસ્ત્રાષણ) લઈને આવો.’ તેમની માતા તે લેવા ગયાં પરંતુ તરત જ ખાલી હાથે પાછા ફર્યાં. રાજાએ ફરિયાદ કરી : ‘તમે કેમ મારો રક્ષણટોપો ન લાવ્યા ?’
માતાએ જવાબ આપ્યો : ‘હું તેને ઉપાડી શકી નહીં. તે બહુ ભારે હતો.’ રાજાને આશ્ચર્ય થયું અને પોતે જઈને રક્ષણટોપો લઈ આવવાનું નક્કી કર્યું, પરંતુ તેની માતાએ તેની આગળ ઊભા રહી તેનો રસ્તો રોકી દીધો અને વિનંતી કરી કે, ‘કૃપા કરી રક્ષણટોપાને હાથ લગાડશો નહીં.’
રાજાએ કહ્યું, ‘પરંતુ માતા, હું એક રાજા છું. રાજા રક્ષણટોપા વગર કેવી રીતે યુદ્ધ માટે જઈ શકે ?’

તેથી તેની માતાએ રહસ્ય બતાવતાં કહ્યું કે, ‘એક કબૂતરે ટોપાની અંદર માળો બાંધેલો છે અને માળાની અંદર ત્રણ નાનાં નાનાં કબૂતરનાં બચ્ચાં બહુ સલામત અને સુરક્ષિત રીતે પડી રહ્યા છે. તેમને કાઢશો નહીં, મહેરબાની કરી તેમને હાથ લગાડશો નહીં. બધાં પક્ષીઓમાં કબૂતર સૌથી વધુ શાંતિપ્રિય છે. તેઓ કોઈને નુકશાન પહોંચાડતાં નથી. દરરોજ કબૂતરનાં બચ્ચાંઓની માતા માળો છોડીને જાય છે અને તેમના માટે ખોરાક લઈને આવે છે. તે પોતાનાં બચ્ચાઓને સુરક્ષિત રાખવા માટે સખત પ્રયત્નો કરે છે. હું તેમના ઘરનો નાશ કરવાની હિંમત કઈ રીતે કરી શકું ? જો હું તમારા રક્ષણટોપાને હાથ લગાડું તો કબૂતરની માતા ગભરાઈને ઊડી જશે અને તો માસુમ બચ્ચાંઓનાં આંસુ અને હાય આપણા દેશ માટે કમનસીબી અને આફત લાવી શકે. પુત્ર, આ વખતે યુદ્ધ માટે ટોપા વગર જ જાઓ.’

રાજાએ તેની માની વાત પર ધ્યાન આપ્યું અને નિર્ણય કર્યો કે તેમની સાથે વધુ દલીલ કરી શકશે નહીં અને તેમણે નક્કી કર્યું કે તે યુદ્ધ માટે ખુલ્લા માથે ટોપા વગર જશે. એક રાજા તેના રક્ષણટોપા વગર યુદ્ધમાં ? બીજો રાજા આ જોઈને આશ્ચર્યચકિત થયો અને તેણે પૂછ્યું : ‘તમારો રક્ષણટોપો ક્યાં ? તમે કેમ ટોપો પહેરેલો નથી ? તમે તમારા ટોપા વગર કઈ રીતે યુદ્ધ કરી શકશો ?’ રાજાએ જવાબ આપતાં કહ્યું : ‘એક કબૂતરે તેનાં ત્રણ બચ્ચાંઓ માટે મારા ટોપામાં માળો બાંધ્યો છે. મારી માતા મને કબૂતરના માળાને નુકશાન પહોંચાડવા કે તેનો નાશ કરવા દેવા માગતી ન હતી, તેથી હું યુદ્ધ માટે ટોપા વગર આવ્યો છું.’ આ સાંભળીને બીજા રાજાને વિશ્વાસ ન થયો. તેથી તેણે આ વાત ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવા પોતાના સલાહકારને મોકલ્યો. થોડીવાર બાદ સલાહકાર પાછો ફર્યો અને કહ્યું : ‘હા, આ વાત સાચી છે. ખરેખર રક્ષણટોપામાં કબૂતરનાં નાનાં બચ્ચાં છે.’

સામેના યુદ્ધમાન રાજા આશ્ચર્યચકિત થયા અને થોડીક ક્ષણો રોકાયા બાદ તેણે રક્ષણટોપા વગરના રાજા સાથે મિત્રતા માટે હાથ આગળ ધર્યો. તેણે કહ્યું : ‘ચાલો, આપણે બન્ને મળીને શાંતિ લાવીએ. આપણે હંમેશ માટે શાંતિ લાવીએ. તમારી માતા ઈચ્છતી હતી કે તમે કબૂતરનાં નાનાં બચ્ચાંઓ અને તેમની માતાના માળાને નુકશાન ન કરો તો આપણે કેવી રીતે અન્ય લોકોનાં ઘરોનો નાશ કરી શકીએ ?’ બંને રાજાઓએ મળીને સંમતિ સાધી લખી આપ્યું કે તેઓ હંમેશા માટે શાંતિ રાખશે અને જાળવશે. તે દિવસથી કબૂતર – ‘શાંતિના પ્રતીક’ તરીકે જાણીતું થયું છે. (‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] સમયના એંધાણ – શંભુભાઈ યોગી

ઘડિયાળ અને મોબાઈલનો શોખ વધતો જાય છે. સમયની કિંમત સમજાય છે. વખત કિંમતી છે. મોબાઈલ ફોન પણ સમય દર્શાવે છે. સામાન્ય લાગતા માણસને હાથે પણ ઘડિયાળ જોઈ નવાઈ લાગતી નથી. તેને સમયસર કામે જવાનું છે અને કામેથી છૂટવા માટે પણ ઘડિયાળમાં જોતા રહેવું પડે છે. મારા બાલ્યકાળ સમયે ઘડિયાળ ભાગ્યે જ કોઈને ત્યાં હતી. દીવાલ ઘડિયાળ લોલકથી ચાલે અને ટકટક કર્યા કરે. તે જોવાનું નાનપણમાં ગમતું હતું. ગામમાં કોઈને ત્યાં આવું ઘડિયાળ હશે પણ અમારા વાસમાં તો ક્યાંથી હોય ? શાળામાં લોલક ઘડિયાળ જોવા મળતું. સને 1920 પછીના સમયની આ વાતો છે.

ચાવીથી ચાલતું ઘડિયાળ બંધ પડે તો સમય કેવી રીતે મેળવવો તે સવાલ નહોતો. મણુંદ રેલવે સ્ટેશન હતું. ટ્રેન બરાબર દસ વાગે આવે જ. તે જોઈને ઘડિયાળ મેળવી લેવાનું. ટ્રેન મોડી પડવાનું યાદ આવતું નથી. સ્ટેશનેથી ટપાલ આવતી. શાળામાં જ પોસ્ટ ઑફિસ હતી. ટપાલ આવે ત્યારે સાડા દસ થઈ જ ગયા હોય. ઘડિયાળ મેળવવાનું આમ ચાલ્યા કરતું. રવિવારે પણ પોસ્ટ ચાલુ રહેતી. પોસ્ટ, પોલીસ, રેલવેને રવિવાર કે કોઈ રજા હતી નહીં. સમય માપવા માટે જુદી જુદી રીતો હતી. સૂર્ય, ચંદ્ર, તારાઓ સમયમાપક યંત્રો હતા.

ગામડામાં ભજનિકો ભજન આખી રાત ગાય ખરા, પણ સમી સાંજ, સાંજ, મધરાત, પરોઢિયું જાણીને જે તે રાગના આલાપ છેડતા. તેઓ ચંદ્રની સુદવદની ગતિ ઉપરથી, તારાઓ જોઈને કેટલા વાગ્યા છે તે કહી શકતા. પરોઢિયાનો ગજર થાય ત્યારે કોઈક પંખીનો અવાજ આવે, અધરાત હોય ત્યારે શિયાળની લાળી સંભળાય. કૂકડાની વાત તો જાણીતી છે. સૂર્ય કેટલે આવ્યો, તડકાનું માપ પણ સમય જણાવતા. કોક મંદિરના ઘંટારવ પણ સમય બતાવતા હતા. પરોઢિયે ઘેર-ઘેર ઘંટીના અવાજ મીઠી નીંદરમાં માણતા હતા. વલોણાં પણ સમય સૂચવી જતાં. આમ અમે કેટલા વાગ્યા છે તે સમજતા, પણ શાળામાં ગયા પછી ઘડિયાળ જોવાનું સમજાવેલું તેથી સરળતા જરૂર થઈ.

ચોમાસું હોય, વાદળાં હોય ત્યારે સમય જાણવાનું અઘરું થઈ પડતું. એક પ્રસંગ યાદ આવે છે. સવારની છની ટ્રેનમાં જવાનું હતું. ઘોર અંધકાર હતો. મોડા પડીએ તો ટ્રેન ચૂકી જવાય તેની ચિંતા હતી. કેટલા વાગ્યા છે તે જાણવાનું સાધન નહોતું. હું જાગી ગયો. કહ્યું કે સમય થઈ ગયો છે, તૈયારી કરો. તે ખેડૂતે કહ્યું કે વાર છે. સૂઈ રહો. સમય થશે ત્યારે જગાડીશ. તેમને ત્યાં ભેંસ હતી. બેઠી હતી. તેણે ઊભી થઈને પોદળો કર્યો. મને કહ્યું કે જાગો, સમય થઈ ગયો. પશુઓ ઉપરથી પણ કેટલીક જાણકારી મળતી. ગામડાના ધૂળિયા રસ્તે ચાલતા જતા હતા. એક ભરવાડ ઘેટાં ચારી રહ્યો હતો. તેણે કહ્યું કે ઝડપથી દોડીને પેલા ઝાડ નીચે પહોંચી જાવ. જોરદાર ઝાપટું આવી રહ્યું છે. આકાશ સ્વચ્છ હતું. અચાનક વાવાઝોડું આવ્યું. વાદળ આવ્યાં અને બરાબર વરસ્યાં. ભરવાડને શી રીતે જાણ થઈ ? ભરવાડે અમને સમજાવ્યું કે આ ઘેટાનું ટોળું પેલી વાડમાં મોઢું ઘાલતાં હતાં તેથી સમજાયું. ચીબરી, કોયલ, શિયાળ, કૂકડો સમય માપવાનું સાધન હતાં. તારિયું ઊગે, કેટલે આવ્યું તેના ઉપરથી ગ્રામીણ નારીઓ જાગીને કામ આટોપતી.

બાળકનો જન્મ થાય ત્યારે તેની નોંધ થતી નહીં. તારીખ, વાર યાદ ના રહે પણ બપોર, પરોઢિયું, સમીસાંજ, અરધી રાત, ઘંટી દળવા ટાણે, ગોરજ સમયે, ગાયો આવવાના સમયે, જવાના સમયે, ભડભાંખળે એમ યાદ રહેતું. મોટી ઉંમર થાય ત્યારે અટકળિયા ઉંમર-જન્મતારીખ લખાતી. માને પૂછીએ તો તારીખ તો ના જ મળે, તે પણ બનાવને યાદ રાખે. જેમ કે તે દિવસે હિમ પડ્યો હતો. પેલા ભાઈની પત્ની કૂવામાં પડીને મરી ગઈ હતી. અમુકના ઘેર અમુક પ્રસંગ હતો…વગેરે. તેના ઉપરથી તારીખ સમજી લેવાની. અમારો વાસ નિશાળ પાસે જ હતો. તેથી સમય જાણવાનું સરળ હતું. નિશાળનો ઘંટ વાગે, રિસેસ પડે, શાળા છૂટે તેના ઉપરથી સમય જાણી શકતા હતા. સેકંડ, મિનિટની પરવા નહોતી. નાસ્તાનો સમય, બપોરનું ભોજન, સાંજના રોંઢા ટાણું, રાત્રે વાળું અગત્યનાં હતાં.

સમય કિંમતી છે. તે વેડફાય નહીં તેની ચીવટ રાખવી રહી. કૅલેન્ડરનું પાનું તોડાય છે અને જિંદગીનું પાનું પણ તૂટે છે. સમય કોઈની રાહ જોતો નથી. બાળપણમાંથી વૃદ્ધ ક્યારે થઈ ગયા તે સમજતાં પહેલાં સમય સરકી જાય છે, પછી ઘડપણ કોણે મોકલ્યું તેમ કહેવાનું થાય છે. સમય આપણા હાથમાંથી સરકી રહ્યો છે. સવાર પડે છે અને મા કહેતી હોય છે, બેટા જાગો, નળિયાં સોનાંના થયાં, જાગો. શ્રી વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે જાગો, ઊઠો, ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહો. સદકાર્યો માટે તત્પર રહો, કહેવાય છે કે….

‘સમય, સમય બલવાન હૈ,
નહીં મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લુટિયો,
યેહી ધનુષ યેહી બાણ’

સમય વર્તે સાવધાન.
(‘અખંડ આનંદ’ સામાયિક સપ્ટેમ્બર-09માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાળવણી – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’
સંપત્તિનું પ્રદર્શન – હર્ષદ પોપટલાલ પટેલ Next »   

4 પ્રતિભાવો : દ્વિદલ – સંકલિત

 1. Ketan Shah says:

  No doubt TIME is MONEY. BUT TIME IS NOT EVERYTHING.

 2. Rajni Gohil says:

  People say ” Time is Money.”
  You can have more money but you can not have more time.
  Time is God.

  Time devices change with time.

  Nice informative articles

 3. પોસ્ટ, પોલીસ, રેલવેને રવિવાર કે કોઈ રજા હતી નહીં.

  સમય માપવા માટે જુદી જુદી રીતો હતી. સૂર્ય, ચંદ્ર, તારાઓ સમયમાપક યંત્રો હતા.

 4. Vaishali Maheshwari says:

  Informative stories.

  Good to know in the first story about why the pigeons are considered as a symbol of peace and in the second story how did people come to know about the timings during olden days.

  Thanks to both the authors for these good stories…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.