ચકલી દુર્લભ કેમ બની ? – પ્રીતિ દવે

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે પ્રીતિબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. તેઓ નિયમિતરૂપે ‘ફૂલછાબ’ અખબારમાં ‘પારસમણિ’ નામની કૉલમ લખે છે. તેમનો આ લેખ તેમાં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આપ તેમનો આ સરનામે preetidietcare@gmail.com અથવા આ નંબર પર +91 9426267453 સંપર્ક કરી શકો છો.]

20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે-‘ચીં…ચીં..’. ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે !
માનવામાં નથી આવતું? જરા વિચારો, આજથી 5-6 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? જી ના. નથી મળતી. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતી ચકલીઓનો અવાજ દરેકે-દરેક લોકોના કાન સુધી પહોંચતો કરવા માટે ‘નેચર ફોરેવર’ સોસાયટી નામની સંસ્થા મેદાને પડી છે. ‘ચકલી’ બચાવ અભિયાન’ ને લોકો સુધી પહોંચતું કરવા આ સંસ્થા દ્વારા 20 માર્ચ 2010 ના ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉજવાઈ ગયો. અને આ વર્ષ 2010 માટે ‘હેલ્પ હાઉસ સ્પેરો’ની થીમ પસંદ કરાઈ. નેચર ફોરેવરની સાથે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઈકોસીસ ફાઉંડેશન (ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK) જેવી સંસ્થાઓ અને સંગઠનો સહયોગી છે.

ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી સામાન્ય-વિપુલ રીતે જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. પ્રાણીઓમાં કૂતરાની જેમ જ પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદા માટે સાથ નિભાવ્યો છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તી થી દૂર રહેવું- જીવવું તેમના માટે શક્ય જ નથી. માંડ 10-20 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા પરનાં લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીનાં મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે. ખૂબ ગીચ જંગલો, રેગીસ્તાન અને વર્ષનો મોટો ભાગ બરફથી છવાયેલા રહેતા પ્રદેશોને બાદ કરતાં જ્યાં પણ મનુષ્યો વસ્યાં છે ત્યાં ચકીબેન પણ જઈને વસ્યાં છે. તો પછી અચાનક એવું તે શું થઈ ગયું કે ચકલાંઓની સંખ્યા એકાએક ખતરનાક રીતે ઘટવા માંડી ? માનવવસ્તીની ખૂબ નજીક રહેવાંની અને તેમનાં પર વધુ આધારીત રહેતી ચકલીઓનાં વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે એક જ છે – મનુષ્ય ! ચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આપણે પોતે જ છીએ !

આજે આપણે જે મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યાં છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળાં કરી નાખ્યાં છે. આની વરવી અસરો ફક્ત આપણને જ નહીં આપણી સાથે જોડાયેલાં પશુ, પક્ષી અને કુદરતનાં અન્ય તત્વો પર પણ પડી રહી છે. ચકલીની બાબતમાં પણ આવું જ થયું છે. હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, બિલાડાં જેવાં રાની પશુઓની વધેલી સંખ્યા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર – આ બધાં જ મસ મોટાં જોખમો નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવું દુષ્કર બનાવી રહ્યાં છે. બીજાં પક્ષીઓની જેમ ચકલાં વૃક્ષો પર માળા ન બાંધતાં માનવ વસાહતની આસપાસ ની જગ્યામાં જ માળા બાંધે છે. આથી જ ચકલાંઓનું અંગ્રેજી નામ ‘હાઉસ સ્પેરો’ – ‘ઘર ચકલી’ છે. માળો બાંધવા માટે તે મકાનો અને દીવાલનાં બાકોરાં, કૂવાની દિવાલો, ઘરની અંદરની અભેરાઈઓ, નળીયાં કે છાપરાં નીચેનાં પોલાણો, ટ્યુબલાઈટની પટ્ટીઓ, લેમ્પ-શેડ, ફોટોફ્રેમની પાછળની જગ્યાઓ વધુ પસંદ કરે છે. ચકલાંનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સાવરણીની સળીઓ, દોરાં વગેરેનો બનેલો હોય છે. આમ તો ચકલાનાં ખોરાકમાં અનાજનાં દાણાં, ઘાસનાં બીજ, વૃક્ષોનાં ટેટાં જેવાં ફળો, ઈયળ, કીટકો, ફૂદાં ઉપરાંત આપણો રોજ-બરોજનો લગભગ બધો જ ખોરાક તે એંઠવાડમાંથી મેળવીને ખાઈ લે છે. પરંતુ, જ્યારે બચ્ચાં નાનાં હોય છે ત્યારે તે મુખ્યત્વે કીટકો, ઈયળ, ફૂદાં જેવો ખોરાક ખવડાવે છે. બચ્ચાં મોટાં થઈને જાતે ખાતાં શીખે ત્યારે તે બધા પ્રકારનો ખોરાક લેતાં થઈ જાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

આજે ચકલાં માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ચકલાંઓને સલામત રહેઠાણ આપવાં પૂઠાં, થર્મોકોલ, પ્લાસ્ટીક, લાકડાં કે માટલાંના બનેલાં બોક્સ કે જે ‘નેસ્ટ હાઉસ’ તરીકે ઓળખાય છે તે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારનાં ‘નેસ્ટ હાઉસ’ ચકલાં ઉપરાંત બીજા અનેક પંખીઓ માટે સરસ મજાનાં ઘરની ગરજ સારે છે. આપણે વાત કરી તેમ ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !

હજુ થોડાં વર્ષો પહેલાં આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાંઓની બનેલી કુદરતી વાડ કરવામાં આવતી હતી. ચકલાં માટે આ કુદરતી વાડ ખુબ જ આશીર્વાદ રૂપ છે. કુદરતી વાડમાંથી ચકલાંને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહે છે. ઉપરાંત આવી વાડ અને ઝાડી ચકલાંને આરામ કરવાની, રાતવાસો કરવાની અને દુશ્મનોથી બચવા-છુપાવાની આદર્શ જગ્યા છે. આજકાલ આપણે કુદરતી વાડને બદલે ઈંટની દીવાલ કે લોખંડના તારની વાડ બનાવીએ છીએ. જે પંખીઓ માટે ન તો આશ્રય પુરો પાડે છે ન તો ખોરાક. આથી જ ચકલાંનાં બચ્ચાં મોટાં થાય ત્યારે યોગ્ય આશ્રયના અભાવે કાગડાં, સમડી, બિલાડાં જેવાં શિકારી પશુ-પક્ષીઓની ઝપટે ચઢી જાવાની શક્યતા ઘણી વધુ રહે છે. એક અંદાજ મુજબ ચકલાંનાં બચ્ચાંમાંથી માંડ 25% જેટલાં બચ્ચાં જ પુખ્ત બને છે. બાકીનાં 75% તો મોટાં થતાં પહેલાં જ મૃત્યુ પામે છે અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાંનો મૃત્યુ દર ઘણો ઊંચો હોવાનું મનાય છે. જ્યાં સુધી આપણને આધુનિકતા અને વૈશ્વિકરણની હવા સ્પર્શી નહોતી ત્યાં સુધી આપણે કુદરતની ઘણી નજીક જીવતાં હતાં. સવાર પડે ને પંખીને ચણ નાખવા ચબૂતરે જવું ત્યારે એટલું સાહજીક હતું જેટલું આજે ‘મોર્નીંગ વોક’ છે ! પરંતુ દિવસે-દિવસે આપણે સ્વકેન્દ્રી બનતાં જઈએ છીએ. મોટા શહેરોમાંથી તો ચબૂતરાં જ અદ્રશ્ય થઈ ગયાં છે ! વેકેશનમાં ગામડે જાઈએ ત્યારે બાળકોને ખાસ ચબૂતરાં શું છે તે દેખાડવામાં આવતાં હોય તેવી પરિસ્થિતિમાં બાળકોનો પણ પેઢીઓથી ચાલી આવતો પંખીઓ સાથેનો વિશેષ નાતો જ તૂટી ગયો છે.

શહેરની ગીચ વસ્તીમાં ચકલાં જેવાં પક્ષીઓ માટે ચણવાનાં દાણાં અને સલામત જગ્યાની પણ તંગી વર્તાઈ રહી છે. અરે ! પંખીઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટી જ સમૂળગી બદલાય ગઈ છે. પહેલાં હોંશથી આપણે ગાતાં કે ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’ ચકલાં માળાં બનાવે તો તેનું જતન થતું; માળો ફેંકી દેવાથી પાપ લાગશે તેમ મનાતું. જ્યારે હવે તો ‘ચકલાં આવશે અને ઘર બગાડશે’ એવું માની આપણે કહેવાતાં ચોખલીયાં અને એજ્યુકેટેડ લોકો ચકલાંઓને બેરહેમીથી ઉડાડી મૂકીએ છીએ ! અરે, સદીઓથી જે ચકલાં આપણી સાથે જ આપણાં જ ઘરમાં રહ્યાં છે તે હવે એકાએક જાય તો જાય પણ ક્યાં ? ‘ઈન્ટીરીયર ડેકોરેશન’નાં બણગાં ફૂંકનારા આપણે લોકો ઘર અને હૃદય બંનેનાં ઈન્ટીરીયરમાં આપણાં સદાના સાથી એવાં ચકલાંને સ્થાન નથી આપી શકતાં એ કેટલું વિચિત્ર ગણાય ?! ઘરની આધુનિક ડીઝાઈનમાં પણ ક્યાંય પ્રકૃતિ અને પંખીને ગોઠવાવાની જગ્યા જ નથી મળતી ત્યારે ખૂબ સરસ ઘર બનાવી આપતાં આર્કીટેક પણ જાણે સાચુકલાં ‘ઈકો ફ્રેંડલી’ ઘરનો વિચાર જ ભૂલી ગયાં હોય એવું લાગે છે !

ચકલાંમાં નર અને માદા વચ્ચે જે વાતચીત થાય છે તે ધીમા ચીં….ચીં… અવાજ વડે જ થાય છે. સંવવનઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ જોડલું એકબીજાંને ઓળખી કાઢે છે. પરંતુ આજનાં ઘરોમાં તો જોર-શોરથી વાગતાં ઘોંઘાટીયાં સંગીતમાં બિચારાં ચકલાંનું ચીં..ચીં.. ક્યાંય દબાઈ જાય છે અને ચકલાં વચ્ચેની વાતચીતની આખી પદ્ધતિ ખોરવાઈ જાય છે; જેની ખૂબ ખરાબ અસર તેમના પ્રજનન પર પણ પડે છે. ઉપરાંત મોબાઈલનાં માઈક્રોવેવ તરંગો પણ ચકલાં માટે ખૂબ ત્રાસદાયક નીવડે છે. આ પણ એક વજનદાર કારણ છે જેને લીધે મોટાં શહેરોમાંથી ચકલાં અદ્રશ્ય થઈ રહ્યાં છે. જીવન સંગ્રામમાં ઝઝુમતાં ચકલાંને બચાવવાનો કદાચ આ છેલ્લી તક આપણી પાસે છે. આ તક ઝડપી લઈએ, ચકલાંને બચાવવાં આટલું જરુર કરીએ.:-

[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉપર વધુ માહીતી માટે અને આપ જો પંખી બચાવની કોઈ પ્રવૃત્તિ કરતા હો કે કરવા ઈચ્છતા હો તો આપની આસપાસ ચાલતી ‘નેચર ક્લબ’ કે પર્યાવરણપ્રેમી સંગઠનોનો સંપર્ક કરો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્યની સુવાસ – સંકલિત
જોઉં છું – હેમન્ત દેસાઈ Next »   

39 પ્રતિભાવો : ચકલી દુર્લભ કેમ બની ? – પ્રીતિ દવે

 1. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

 2. Deepak Solanki says:

  પ્રિતિબેન,
  આપનો લેખ હ્દયને પિગળાવી નાખે તેવો છે.. ખરેખર આપણે માણસો ઘણા પશુ પક્ષી ઓને નાશ કરીનાખ્યા છે અથવા તો તેને નાશ થવાને આરે મુકી દીધી છે. આપે ચકલીની વાત કરી, પરંતુ હું અમદાવાદમાં રહું છું. અહીં તો કાગડા, કાબર, ખીસકોલી જેવા અનેક પશુ પક્ષીઓ બહુ નહીવત જોવા મળે છે. મને પણ યાદ છે કે આજ થી 5-7 વર્ષ પહેલા એસ.ટી. ડેપો માં જાવ તો કબુતર, કાબર અને કાગડાઓના શોરથી બસસ્ટેન્ડ ગુંજતા હતા જ્યારે અત્યારે કાબરને તો શોધવી પણ મુશ્કેલ થઇ રહી છે. આપે ખૂબ જ ગંભીર વિષય ઉપર પ્રકાશ ફેક્યો છે… ખૂબ ખૂબ અભિનંદન… આપના પ્રત્યુતરની આશા સાથે… (દીપક સોલંકી) email: solanki_deepak@rediffmail.com

 3. તમે સાવ સાચા બાલક પહેલુ પક્ષી ચકલી ને ઓળખે

 4. Mukesh Pandya says:

  ચકલીને બચાવવા માટે ‘વર્લ્ડ સ્પેરો ડૅ’ નહીં પણ ‘વર્લ્ડ સ્પેરો વીક’ ઉજવવું જોઇએ.

 5. ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’….આવું જ એક ગીત આપણે સ્લેટમાં લખતાં ત્યારે ગાતાં….”ચકી ચકી પાણી પી બે પૈસાનો બરફ લાવ”…હવે એ ચકલી અને સ્લેટ બન્ને લુપ્ત થઇ ગયા છે.

  આપની વાત સાવ સાચી છે …થોડા વર્ષોથી ચકલી ની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે….હવે જો ચકલી જોવા મળે તો અચાનક ડાયનરોર જોવા મળ્યો હોય તેવું લાગે છે. અને જવાબદાર આપણે સાવ બે-જવાબદાર માણસો જ છીએ.

 6. યોગ્ય સમયે યોગ્ય લેખ પોસ્ટ કરવા બદલ મૃગેશભાઈ અને પ્રીતિ બહેન નો આભાર
  ચકલા ને બચાવવાના પાંચ મુદ્દા અદભૂત છે પરંતુ એક પ્રશ્ન છે
  જે “વજનદાર કારણ-મોબાઈલ ના EMR” આપે રજુ કર્યું છે તેનું શું ?
  શું મોબાઈલ નો વપરાશ ઘટાડી શકાય ?
  જો હા તોજ ચકલા ને બચાવી શકાય …
  બાકી બધું થીગડા મારવા જેવું છે

  • preeti dave says:

   કોઈ પણ પ્રજાતિ ના લુપ્ત થવા પાછળ એક કર્તાં વધુ પરીબળો કારણભૂત હોય છે. ચક્લાં ના નાશ પાછળ મોબાઈલ તરંગો સીવાયના કારણો પણ એટલાં જ જવાબદાર છે. જો આપણે બીજા પરીબળો ચકલાં ને સાનુકુળ બનાવી શકીએ તો પણ ખૂબ મોટું કામ થઈ શકે. પણ આપણે આપણાં બનતાં પ્રયત્નો તો કરવાં જ રહ્યાં.
   કુદરતે દરેક જીવ ને જીજીવિષા આપેલી જ છે. જ્યાં પ્રયત્નો માં આપણાં હાથ ટુંકા પડશે ત્યાં કુદરત અને જીજીવિષા પણ આ નાનકડાં પંખીને કોઈક રસ્તો જરુર ગોતી આપશે ! 🙂

   • જગત દવે says:

    પ્રીતીબેનઃ

    કાગડા માટે કાંઈ કરી શકાય? તેની વસ્તી પણ ભય-જનક હદે ઘટી ગઈ છે. બધા જ પક્ષીઓ ગમે છે પણ ‘ચતુર’ કાગડાનું પણ વિશેષ સ્થાન છે.

    બીજા પક્ષીઓ તો સ્વભાવે શરમાળ અને બિકણ છે….પણ કબુતર, ચકલી, કાબર અને કાગડો આ ચારેય પક્ષીઓ એ માનવ વસ્તી સાથે સરસ તાદામ્ય કેળવી લીધેલું અને અચાનક જ તેઓની વસ્તી ઓછી થવા લાગી છે.

    • Jay Patel says:

     કાગડા માટે પણ ઘર માં માળો બાંધી શકાય.

     • જગત દવે says:

      શ્રીજયભાઈઃ

      આપની જાણ ખાતર…..કબુતર અને ચકલી સિવાયનાં પક્ષીઓ ધરમાં માળો નથી બનાવતા. કદાચ ક્યાંક કોઈ અપવાદ હોય શકે પણ મેં એવું જોયું કે સાંભળ્યું નથી કે કાગડાએ ઘરમાં માળો બનાવ્યો હોય.

     • preeti dave says:

      @ જગતભાઈ- ચોક્કસ કરી શકાય. અહીં દરેક બાબતો વિસ્તૃત રીતે ચર્ચવી હોય તો આપ મારા ઈ-મેલ પર સંપર્ક કરી શકો છો.
      @ જય ભાઈ- દરેક પક્ષી ની માળો બાંધવાની, ખોરાક મેળવવાની અને બચ્ચાં ઉછેરવાંની આગવી પધ્ધતિ હોય છે. અને આમાંથી કોઈ એક માં પણ વિક્ષેપ પડે એટલે જે-તે પક્ષીનું અસ્તિસ્ત્વ જોખમાય જાય. કોઈ પણ પક્ષી ને બચાવવા માટે પહેલાં તે પક્ષી આ બધી આદતો વિશે પ્રાથમિક માહિતી મેળવી લેવી જોઈએ..
      મારા ખ્યાલ પ્રમાણે કાગડાઓને માટે ઘરમાં માળો બાંધી ના શકાય 🙂 હા, તેમને ઘર નજીક જરુર વસાવી શકાય.

 7. હ્રદયસ્પર્શી લેખ.

 8. can you please tell me , which weather is compatible for sparrow birth?

  Kindly answer me.

  • Deepak Solanki says:

   SUMMER

  • preeti dave says:

   આમ તો ચકલી આખુ વર્ષ માળો બાંધે અને ઈંડા મૂકે. પણ ચોમાસામાં બચ્ચાં નાં મુખ્ય ભોજન એવા જિવાત, ફૂદાં, ઈયળો તેને પુષ્કળ મળે. એટલે આ ઋતુ ચકલાં સહિતનાં ઘણાં પક્ષીઓનાં બચ્ચાં આપવાની ગમતી ઋતુ છે. મારી ઘરે નેસ્ટ બોક્ષ માં અત્યારે ચકલાં દંપતિ માળો બાંધી રહ્યાં છે. અને હવે ફાઈનલ ફીનીશીંગ ચાલે છે ! 🙂

 9. Mahesh says:

  ‘નેસ્ટ હાઉસ’ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન આપવા તથા પર્યાવરણપ્રેમી સંગઠનો વિગતો આપવા વિનંતી છે..

  • preeti dave says:

   આપે નેસ્ટ હાઉસ બનાવવામાં રસ લીધો એટલે જાણે મારો આ લેખ લખવાનો ઉદ્દેશ્ય સફળ થયો !.વિવિધ પક્ષીઓને લુપ્ત થતાં બચાવવાં અને રહેઠાણ પૂરું પાડવા નેસ્ટ હાઉસ એક ઉત્તમ અને સરલ ઉપાય છે. અનુકુળતાએ આ અંગેની માહિતિ ચોક્કસ આપીશ.

 10. It is in the bye laws of new buildings that we are getting such new houses — i do not know how our laws and bye laws are made by so called learned but lacking the future imagination persons?
  in fact there should be compulsory for house designer to keep a place for birds nest and a small dog house
  in that sense i see here in us that most houses are having dog house and bird house –children are takng active
  interest in feeding them –my daughters one year old son is so interestingly watches birds –gives them some food grains also — so sees nature with his own eyes —-

 11. Mahendra says:

  ખુબ સરસ, આભાર

 12. nilam doshi says:

  સમયોચિત માહિતી… ખૂબ જરૂરી…

  આવતી કાલની પેઢીઓ ચકા ચકીની વાર્તાથી અને તેમને ઓળખવાથી વંચિત જ રહેશે કે શું ?

 13. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  માનનીય પ્રિતીબેન ,

  ખુબજ સુંદર લેખ. એક મહ્ત્વનો વિષય તમે ચર્ચા માટે મુક્યો જે ખરેખર વિચાર માંગી લે છે. મારો પોતાનો અનુભવ કહુ તો જ્યારે અમે અમેરિકા આવ્યા ત્યારે અહી સામાન્ય રીતે કુતરા, બિલાડી રસ્તા પર જોવા ના મળે. મારી પત્નીને ભારતમા ત્યા કુતરા, ગાય ને રોટલી આપવાની આદત ખરી. અહીયા એ નિયમ છુટતો ગયો એટલે દુઃખ થતુ. એક દિવસ ગેલેરીમા બહાર બે-ત્રણ ચકલી આવી તો મારી પત્નીએ ૨-૩ રોટલી ના ટુકડા કરી એક વાસણમા બહાર મુક્યા. તો ચકલીઓ તે ખાવા લાગી. થોડીવારમા તો ૧૦-૧૫ ચકલીઓ થઈ ગઈ. એતો એટલી બધી ખુશ થઈ ગઈ કે રોજ હવે આમ રોટલી ભાત મુકશે ખાવા માટે. છેલ્લા ૩ વર્ષથી આ નિયમ ચાલુજ છે. રોજની ૧૫-૨૦ ચકલીઓ અલગ અલગ સમયે આવે છે. ઘણી વખત ખિસકોલી પણ આવે છે. ખાર જ્યારે ખુબ બર્ફ્-વર્ષા થાય છે ત્યારે આ ચકલીઓને બહાર ખાવાનુ મળવાનુ મુશ્કેલ થઈ જાય છે ત્યારે અહી એમને ખાવા મળે છે.
  આટલા વખતમા કયારેય કાગડા જોયા નથી. પણ ગયા વર્ષે શ્રાદ્ધપક્ષ સમયે અચાનક ઘણા બધા કાગડા જોવા મળ્યા ત્યારે આશ્ર્ચર્ય થયુ. પછી થયુ કે આમતો કાગડા પુર્વજ થયા એટેલે તો આપણએ કાગ-વાસ નાખીએ છીએ. તો કદાચ એમા કોઈ અમારા પણ પુર્વજ હોય. એ વખતે ઘરની બહાર હતો એટલે ત્યા એક સ્ટોર માથી ૨-૩ ડોનટ ખરીદી ને બધા કાગડાને ખવડાવ્યુ હતુ.

  તમે આપેલા સુચન માથી જરુર થી પ્રયત્ન કરી જોઈશ અમલ કરવા માટે. તમારો આભાર.

  – ચેતન ટાટારીયા

 14. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબ સરસ લેખ………

  ચાલો ચકા– ચકી ની સંખ્યા વધૅ તૅવા પ્રયતનો કરીએ……….

  સૌને જાગ્રત કરવા આભાર………..

  વૈશાલી ટાટારીયા

 15. Ashish Dave, Sunnyvale, California says:

  ચકલી/ચકલા શેષ થવાના વિષય ઉપર ઘણુ વાચવામા આવ્યુ છે, પરંતુ આપે જે અને જેટલી વિગતો આપી છે તે કબિલે તારીફ છે. અમારા ઘરે જાત જાતના પક્ષી આવે છે. તેમના માટે જ મારા પપ્પા મમ્મી સ્ટ્રોબેરી, ટમેટા વગેરે અવાર નવાર વાવે છે.

  Ashish Dave

 16. જગત દવે says:

  હાલ હું ગલ્ફમાં રહું છું……મને કુદરત તરફ પહેલેથી જ લગાવ રહ્યો છે. અહીં બહુમાળી બિલ્ડીંગમાં…….૯-૧૦ માં માળે…..૨૦૦૭માં ખુબ ચકલીઓ આવતી પણ હવે તેનું પ્રમાણ પણ ઓછું થયું છે……કાબર, હોલા પણ ખરાં….પણ હવે તે ઓછા થતાં જતાં હોય તેવું લાગે છે.

  વડોદરા જાઊં તો જાણે દર વર્ષે પક્ષીઓ નું પ્રમાણમાં ભયજનક રીતે ઘટતુ જતું હોય તેમ લાગે છે……ને મારા હદયમાં ફાળ પડે છે.

  નાનપણ સૌરાષ્ટ્રમાં ગયું….૬ઠ્ઠા ધોરણમાં હતાં ત્યારે મિત્રો સાથે લગભગ ૬૦૦૦ સાયબેરીયન ક્રેઈન ને અગાસી પર બેસીને આમ જ રમતાં રમતાં ગણેલાં તે યાદ છે…….ધરની અગાસીમાં ૬-૮ મોર ઢેલ આવતાં……કાગડા, પોપટ,કબુતર, કાબર, હોલાઓ તો એટલાં કે વડિલોને બપોરની ઊંઘ ન કરવા દે…..(અમે તો હોમ વર્ક કરતાં હોય અથવા મિત્રો જોડે કોઈ ઝાડ નીચે મંડળી જમાવી હોય) બપોરે ધરની ઓસરીમાં છાયો પડે એટલે આશરો શોધતાં આવે. મીટર બોક્ષ અને બારીનાં છજ્જાઓ તેમની મનગમતી જ્ગ્યા. ધરનાં મેઈન રુમમાં અજવાળીયાનો ગોખલો પડતો……૨૦ વર્ષમાં તે કેટલી ચક્લીઓ નું જન્મ સ્થાન બન્યો હશે તે તો ખબર નથી પણ….અમારા માટે તે ઊત્સવ અને બંનેનાં મા-બાપ માટે (કેમ ચકલીઓનાં બચ્ચાનાં પણ મા-બાપ નહિ???) સિરદર્દનું કારણ બની જતું તે બરોબર યાદ છે. જેનાં ધરે ચકલીનાં બચ્ચાં જન્મ્યાં હોય તે મિત્રનું સ્થાન અમારી મિત્ર-મંડળીમાં VIP જેવું થઈ જતું અને તેનું ધર ચકલીઓ ની ચી….ચી…. અને અમારા શોરો-ગુલથી ભરાઈ જતું…….ઉનાળાનાં વેકેશનમાં અગાસી પર મિત્રો સાથે અગાસી પર સુવાનું અને સવારે……. કબુતર અને કાગડાં અમારી સોડ તાણેલી કાયા પર બેફિક્રી થી ફરવાં લાગે…..તેમનાં પગનાં નખ ચાદરની આરપાર વાગે ત્યારે ચીડાઈને ઊઠવાનું…..ઘણીવાર કાગડાઓ તો બહું પરેશાન કરે અને વ્હેલી સવારે કાં….કાં….કરી ને અમારી વેકેશનની મીઠીં નિંદરમાં ખલેલ પહોચાડે ત્યારે ચાદર લઈને તેની પાછળ દોડતાં અને તે દોડા દોડમાં અમારી ઊંધ ઊડી જતી….અને અમે તે માટે કાગડાંઓ ને કોસતા. હોલાંઓ નાં ધૂ…ધૂ…ઘૂ…ની તાલમાં તો ઘણી વાર બપોરની ઊંધ પણ માણી છે. ત્યારે હોલાંઓ જાણે અમારા માટે જ હાલરડું ગાતાં હોય તેમ લાગતું……… કાબરને વિવિધ પક્ષીઓનાં ચાળા પાડતાં સાંભળી છે…..અને જ્યારે તે ૨ કે ૪ નાં ગ્રુપમાં હોય ત્યારે તેનો શોર પણ…..અને ત્યારે અમને અમારા ક્લાસ ટીચર છોકરીઓ ને ‘કાબરો’ શું કામ કહેતાં તે સમજાય જતું. નદી કિનારો નજીક હતો……..નદીનાં પટમાં દૂરથી આવતો ટીટોડીનો અવાજ આજે પણ કાનમાં ગુંજે છે. નદીનાં છીછરાં પાણીમાં બેઠેલી ભેંસો સાથે બગલાંઓ ની દોસ્તી પણ યાદ છે.

  વિવિધ પક્ષીઓ સાથે જોડાયેલી….આવી અનેક યાદોં છે…….પક્ષીઓનાં પીછાં જેવી સુવાંળી……અને તેનાં કલરવ જેવી જ…..મધુર.

  એને ફરી યાદ કરાવવામાં નિમિત બનવા માટે પ્રીતીબેન દવે અને મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર.

  ઈ-મેઈલઃ ja_bha@yahoo.co.in

  • preeti dave says:

   આપનો પ્રતિભાવ વાઁચતા જાણ કોમ્પ્યુટર પર બેઠાઁ-બેઠાઁ બર્ડ વોચિંગ કરતાં હોય એવું લાગ્યું ! સાથે દુખ પણ થયું કે આપણે પ્રકૃતિ સાથે કેટલી કૃરતાથી વર્ત્યા છીએ કે આ બધું હવે ફક્ત સંભારણા રુપે રહી જાય એવો વખત આવ્યો છે!! હજુ સમય છે, જો જાગીશું તો આ ખજાનો બચાવી શકીશું..

  • preeti dave says:

   આપને વાઁચતા વાઁચતા જાણે કોમ્પ્યુટર પર બર્ડ વોચીંગ કરતા હોય તેવું લાગ્યું ! 🙂
   સાથે દુ:ખ પણ થયું કે ક્યાંક આબધું ફક્ત સંભારણા જ ના બની જાય… હજુ સમય છે, જાગીશું તો પ્રક્રુતિ ને જરુર બચાવી શકીશું..

 17. આ ઉમરે પણ મને પ્રાણિઓ ઉપર એવોને એવો જ લગાવ છે જે મને નાનપણ મા હતો..નસિબ પણ સારા કે લગ્ન પછિ પતિ દેવ પણ મારા સ્વભાવ ને અનુકુળ મલ્યા અને સંતાનો પણ એટલા જ લાગણિ વાળા થયા કે પ્રાણિઓ ઉપર નો લગાવ એવોને એવો જ અકબંધ રહ્યો.ઘર મા કુતરા હોય કે બિલાડા … કોયલ કે કાગડા કે પછિ ચકલા બધા ને સરખા જ ગમે …એટલે તેના સુખ સગવડ માટે બધુ જ થાય.

 18. ભાઈ શ્રિ જગત દવે નુ લખાણ વાંચિ યાદ આવ્યુ કે એક બે દિવસ નુ ચકલિ નુ બચુ અચાનક માળા માંથિ પડિ ગયુ ,સાવ જ ટેટા જેવુ હવે જિવાડવુ કૈ રિતે? મારિ ઉમર પણ નાનિ એટ્લે ઝાઝિ સુઝ પડે નહિ….મન ખુબખુબ મુંઝાઈ પણ ક્ંઈ થાય નહિ.તે વખતે મારો ભત્રિજો નાનો જેને હુંરમાડતિ હતિ ….મારા હાથ મા ચુ ચુ બોલતુ રમકડુ……જેવો ચુ ચુ નો અવાજ થયો કે તરત જ બચાએ ચુ ચુ કરવા લાગ્યુ અને તરત જ મે એનિ ચાંચ મા રાંધેલા ભાત ના દાણા મુકિ દિધા ….પછિ તો તમે માન્સો નહિ બચુ રાત્રે ના વધે એટલુ દિવસે વધવા લાગ્યુ ને મોટુ થતા હાથ માથિ ઉડિયે ગયુ…..જોકે તે દિવસે એના વિરહ મા ખુબ જ રડિ …હજુ યે યાદ છે

 19. અનિવાર્ય કારણોસર આજે ઘણા સમયે રીડ ગુજરાતીમાં ડોકિયું કર્યું, અને “ચકીબાય રે ચકીબાય”નો લેખ શાહસાહેબ અને પ્રીતિબેનના સહયોગ થી વાંચવા મલ્યો. કેટલીક નવિન વાતો જાણવા મલી.
  આભાર.
  વ્રજ દવે

 20. Ashok Jani says:

  ખુબ જ રસપ્રદ અને માહિતીસભર લેખ, ઘરમાં ચકલી ના માળા માટે જુના બોક્સ વાપરવાનુ વિચાર્યું છે. ભાઇ જગત દવે નુ લખાણ્ પણ હ્રદયસ્પર્શી લાગ્યુ.

 21. MAHESH DOSHI says:

  dear priti,
  congratulations for writing an excellent article on ‘house sparrow’… i m exteremly happy reading it and u can understand why..! this article is a proof of how compassionate u r.. i have litterally no words to explain my happiness today.. please keep it up..

  -mahesh doshi,
  ex-editor, PHULCHHAB, Rajkot.

 22. માણસ જાતે પર્યાયવરણ સાથે ચેડા શરૂ કર્યા અને એનો ભોગ અબોલ પશુ-પંખીઓ બની રહ્યા છે. અને એક દિવસ જ્યારે એનો પોતાનો વારો આવવાનો છે ત્યારે ઘણું જ મોડું થઈ ચુક્યુ હશે.

 23. rajdeep jhala says:

  good article.
  its necessary to spread awareness.
  you can link this with propagation of native plants.
  government (municipal corporation, gram panchayat, social forestry and
  forest dept) agencies are strongly propagating saptaparni (Alstonia
  scholaris) trees which are not at all useful to ecosystem. they are
  short lived(probably 25 years), not productive and disease susceptible
  too. you can observe diseased leaves on almost all trees.
  and one more thing, sparrow likes to eat tecoma petals. also i have
  seen pecking them insects from the flowers of jasud and boganvel.
  regarding nest box, one thing that should be taken care of is that the
  entrance should be small, otherwise myna enters and kills the chicks.

 24. Yateen Kansara says:

  article is like a searchlight at this juncture.congrats.
  but through our live efforts we have to set up individual target of nest box.
  Yateen Kansara

 25. vaibhav dave says:

  વાહ…! ખરેખર બહુ જ સરસ article છે. it is more like an investigation report. gud keep it up… may god bless u…

 26. ખુબ જ સરસ …… અ મારા પોરબન્દર્ મા પણ વિશ્વ ચકલિ દિવસ ઉજ્વ્યો હતો ,, અને બધા લોકો ને ચક્લિ ના માળા આપ્યા હતા… તમારો લેખ બહુ સરસ લગ્યો …… તમરો ખુબ ખુબ આભાર

 27. Harsh says:

  પ્રિતિબેન,
  આપનો લેખ હ્દયને પિગળાવી નાખે તેવો છે.. ખરેખર આપણે માણસો ઘણા પશુ પક્ષી ઓને નાશ કરીનાખ્યા છે અથવા તો તેને નાશ થવાને આરે મુકી દીધી છે. આપે ચકલીની વાત કરી, પરંતુ હું સુરતમા રહું છું. અહીં તો કાગડા, કાબર, ખીસકોલી જેવા અનેક પશુ પક્ષીઓ બહુ નહીવત જોવા મળે છે.

 28. BABU PATEL says:

  પ્રિતિબેન તમારો ચકલી બચાવવા માટે નો લેખ ખરેખર સરસ છે. હુ શાળામાં ઇકોકલબ ચલાવુ છું તેમ તમારો લેખ મને જરુર પ્રેરણામય રહેશે. સાથે સાથે તમને જણાવુ કે મારા અને મારા ભાઇના પ્રયાસથી અમે આ વર્ષ ૫૦થી ચકલીઓ ઉછેરવામાં સફળ થયા છીએ. અમારા પાકા ધાબાવાળા મકાનમાં માળા માટે અમે બુટ, ચંપલ, વિગેરે ના ખાલી બોક્ષ અમુક અંતરે બાધ્યા હતા જેમાં ચકલીઓ એ માળા બનાવ્યા અત્યારે આખા વાતાવરણમાં અમારા બાળપણના દિવસો જેવી ચીં ચીં ની ધ્વનિ ગુંજે છે તેનો આનંદ છે.

  • preeti dave says:

   ભાવિકા બહેન તથા બાબુ ભાઈ, આપ બંને ને આપના ચકલી ના માળા વિતરણ નાં કામ વિશે જાણીને આનંદ થયો. આપનો આ કામ નો અનુભવ- અવરોધો- સફળતા ની વિગતો અનુકુળતાએ મારા ઈમેલ પર મોકલશો તો આનંદ થશે. અને આ માહિતિ મારા તથા અન્ય પક્ષીપ્રેમીઓ ના ઘણાં ઉપયોગમાં આવશે.

   અને હા, તમારે ત્યાં ચકલાનું ચીં-ચીં સદા ગુંજતું રહે તેવી શુભેચ્છા..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.