અમીઝરણાં – સં. રમેશ સંઘવી

[‘અમીઝરણાં’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો : ‘મહારાજ ! હું આપનો મસિયાઈ ભાઈ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઈ છે જે મુશ્કેલીથી થોડું કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં આપ કંઈ મદદ કરો તો સારું.’ રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી. સભાજનોને આશ્ચર્ય થયું. ‘આ દરિદ્ર આપનો માસિયાઈ ભાઈ કેવી રીતે ?’ રાજ કહે : ‘તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે, બુદ્ધિ તેની પત્ની હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી આ બંને બહેનો એટલે અમે મસિયાઈ ભાઈ છીએ. મારે આવા ગરીબ-અશક્તનાં કામો કરવાં જ જોઈએ.’

[2] મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થયું. ગાંધીજીએ જાતે જ ધ્રુજતે હાથે સ્નાન કરાવ્યું. થોડા અસ્વસ્થ અને વિહવળ જણાતા ગાંધીજી ટટ્ટાર બેઠા અને સાવ ધીમા સ્વરે ગીતાપાઠમાં જોડાયા. થોડા મહિના પછી સુશીલાબહેને ગાંધીજીને પૂછ્યું : ‘બાપુ, મહાદેવભાઈ ગયા તે ક્ષણે આપ થોડા વિહવળ થઈ ગયા હતા ને ?’ ગાંધીજી કહે : ‘એમ શા ઉપરથી કહે છે ?’ સુશીલાબહેન કહે : ‘આપ તે વખતે તેમની તરફ જોઈ રહ્યા હતા અને ‘મહાદેવ ઉઠો મહાદેવ’ એમ પોકારી રહ્યા હતાને એટલે !’ ગાંધીજી કહે : ‘એમાં મારી વિહવળતા નહીં પણ શ્રદ્ધા હતી. મને એમ હતું કે જો મહાદેવ એકવાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એને કહીશ કે ઊભા થઈ જાઓ. આખી જિંદગી એણે મારી આજ્ઞા ઉથાપી નહોતી. એ શબ્દો જો એમના કાને પડ્યા હોત તો મને શ્રદ્ધા હતી કે એ મોતનોય સામનો કરી ઊભા થાત.’ મહાદેવભાઈના જીવનની આવી એક ઘટના છે. એક રાત્રે મહાદેવભાઈ ઊંઘમાંથી ઊભા થઈ ગયા. બાજુમાં સૂતેલા તોતારામજીએ પૂછ્યું : ‘કેમ અત્યારે ઊભા થયા.’ તો કહે : ‘મને સપનામાં એમ લાગ્યું કે બાપુ બોલાવે છે. એટલે ઊભા થઈ જવાયું હશે.’

[3] માતૃભાષામાં જ કેમ શિક્ષણ, એનો મારો જવાબ કંઈક આવો છે. (ક) બાળકોનું લાલન-પાલન જે ભાષામાં થાય છે, તે જ ભાષા તે સરળતાથી શીખે છે, સમજે છે અને એમાં જ સહજતાથી તે પોતાને અભિવ્યક્ત કરે છે. (બ) ભાષા આપણને ઘર, સમાજ, દેશ અને કાળ સાથે જોડે છે. જેમને માતૃભાષામાં શિક્ષણ નથી મળતું તેઓ ઘર, સમાજ, દેશ અને કાળથી અપરિચિત અને અણજાણ રહે છે. (ક) માતૃભાષામાં મળેલા સંસ્કારોના પાયા પર વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. માતૃભાષામાં શિક્ષણ નહીં મેળવનારાઓ પોતાના મૂળને જ શોધી શકતા નથી અને દેશમાં વિદેશી બની જાય છે. (ડ) ભાષા માત્ર પરસ્પર સંવાદનું સાધન છે, એમ વિચારવું એ સાચું નથી. વાસ્તવમાં ભાષા આપણા વિચારોને સંસ્કાર આપે છે. એટલા માટે કોઈપણ દેશની ભાષા એની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. માતૃભાષા બાળકોને સંસ્કૃતિનું શિક્ષણ પણ આપે છે અને સંસ્કૃતિનું રક્ષણ પણ કરે છે. – ધીરુભાઈ મહેતા

[4] આધ્યાત્મિકતા વૃદ્ધો માટે નથી પરંતુ યુવાનો માટે છે. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે ભગવદગીતા દ્વારા અધ્યાત્મનો પાંચજન્ય ફૂંક્યો ત્યારે એ વૃદ્ધ ન હતા, યુવાન હતા. તેઓ ભારતની ઉત્તમોત્તમ યુવાનીના રથના સારથિ હતા. પ્રિયતમાની ગોદમાં પુત્ર રાહુલને સુતેલો છોડી સાંસ્કૃતિક ક્રાંતિના પથ પર ચાલી નીકળેલા સિદ્ધાર્થ યુવાન હતા, વૃદ્ધ નહીં. અદ્વૈતના ચિંતક અને શોધક શંકરાચાર્યે જ્યારે દિગ્વિજય યાત્રા શરૂ કરી ત્યારે તેઓ વૃદ્ધ નહીં, યુવાન હતા. અમેરિકામાં શિકાગોની સર્વધર્મપરિષદના મંચ ઉપરથી વિવેકાનંદે સાર્વભૌમ ધર્મની ઘોષણા કરી ત્યારે તેઓ યુવાન હતા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદના દાવાનળમાં અધ્યાત્મના શસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે ગાંધીજી યુવાન હતા, વૃદ્ધ નહીં. અધ્યાત્મ, ધર્મ ઘડપણની પ્રવૃત્તિ નથી. યુવાનીની હરણફાળ છે. – જયપ્રકાશ નારાયણ.

[5] રશિયન લેખક ગોર્કી અમેરિકા ગયા. ગાઈડે અમેરિકામાં વિવિધ મનોરંજનનાં સ્થળો તથા સાધનો ગોર્કીને બતાવ્યાં. અમેરિકાની વિદાય લેતી વખતે તેમને પૂછવામાં આવ્યું કે : ‘અમારા દેશનાં આ બધાં સ્થળો તથા આનંદ પ્રમોદનાં સાધનો તમે જોયાં પછી તમારો એ વિશે શો અભિપ્રાય છે ?’ આ પ્રશ્ન સાંભળતા જ ગોર્કીની આંખમાં આંસુ આવ્યાં. તેમણે કહ્યું : ‘જે દેશની પ્રજાને મનોરંજન માટે આટલાં બધાં સ્થળો તથા સાધનોની જરૂર પડતી હશે તે દેશની પ્રજા હકીકતમાં કેટલી દુ:ખી હશે !’

[6] એક મુસાફર ખૂબ લાંબા પ્રવાસે જવા નીકળ્યો. પોતાની મંજિલનું નામ એણે કિસ્મત આપ્યું અને સાથે લીધેલા ઘોડાનું નામ એણે જરૂરિયાત રાખ્યું. જરૂરિયાતના ઘોડા પર થોડેક સુધી સફર કર્યા પછી એને થયું કે ઘોડાની પીઠ પર બેસીને પ્રવાસ કરવાને બદલે ઘોડાની પાછળ નાનકડી એક ગાડી જોડી દીધી હોય તો જરા સગવડ રહે. મુસાફરે ઈચ્છા નામની ગાડી જોડી દીધી. આ ગાડીને બે પૈડાં હતાં. એકનું નામ આનંદ અને બીજાનું નામ દર્દ. આનંદનું પૈડું જેટલી વાર ફરતું એટલી જ વાર દર્દનું પૈડું ફરતું. પ્રવાસ લાંબો હતો. મુસાફરને થયું કે ગાડીને નાનું મજાનું છાપરું હોય તો કેવું સારું ! જરૂરિયાતના ઘોડાએ હવે વૈભવના છાપરાને ખેંચવાનો બોજ પણ લેવો પડ્યો. તેથી ઘોડાની ગતિ ઘટી. આગળ જતાં રસ્તો કાદવ કીચડવાળો આવ્યો. ગાડી એમાં ફસાઈ ગઈ. એને થયું કે હું જો કેવળ ઘોડા પર બેઠો હોત તો ઘોડો કેવો તો દોડીને આગળ લઈ જાત. સવારે ઉઠીને છાપરું ફાડી નાખ્યું. ગાડીને છૂટી કરી અને ઘોડા પર બેસીને મંજિલ કાપવા લાગ્યો. એને ખબર હતી કે ગાડીમાંનું આનંદનું પૈડું હવે તેની સાથે નથી. એને એનો વાંધો નહોતો કારણ કે દર્દનું પૈડું પણ હવે છૂટું થઈ ગયું હતું !

[7] કોઈપણ પદાર્થ પ્રત્યે આસક્તિ બંધાતાં ભય અને ચિંતા પેદા થાય છે અને સ્વસ્થતા હરી લે છે. મનના ચંચળ સ્વભાવનું મૂળ કારણ આ મમત્વ છે અને એને લીધે જ મન અસ્થિર થાય છે અને આત્માભિમુખ થતું નથી. માટે તમારી પાસે જે જે વસ્તુઓ છે તેમાંથી આસક્તિ ઉઠાવી લો. વસ્તુના માલિક બનો, પણ વસ્તુને તમારા માલિક ન બનવા દો. કોઈ ભેટ આપે તો સ્મરણમાં રાખવું કે ભગવાન જ એ વસ્તુ આપે છે અને પ્રસંગ આવ્યે જેટલા હર્ષથી એ ભેટ સ્વીકારી હોય એટલા જ હર્ષથી એ અન્યને ભેટ આપી દેવા તૈયાર રહેવું જોઈએ. જેણે પ્રથમ આપી હતી તે જ પાછી લે છે એ ભૂલવું નહીં. પ્રત્યેક લાભ અગર હાનિ આ દષ્ટિથી જ સ્વીકારવા જોઈએ. ભગવાન જ આપે છે અને ભગવાન જ લઈ લે છે. – સ્વામી રામદાસ

[8] જે દિવસે તમને દેખાઈ જશે કે આ જીવન તો ગયું. તેને પકડશો તો પણ બચાવી નહીં શકો. કોઈ બચાવી શક્યું નથી. બચાવવાની કોશિશ અસંભવ છે. જે થોડો સમય મળ્યો છે-ક્ષણભંગુર, તેમાં જાગવાની કોશિશ કરો. બુદ્ધની આખી જીવન પ્રક્રિયાને એક શબ્દમાં આપણે આપી શકીએ છીએ તે ‘અપ્રમાદ’ – જાગીને જીવવું. તેનો શો અર્થ થાય ? અત્યારે તમે રસ્તા પર ચાલી રહ્યા છો. બુદ્ધને પૂછશો તો કહેશે કે આ ચાલવું એક બેહોશી છે. રસ્તા પર દુકાનો દેખાય છે, પાસેથી નીકળતા લોકો દેખાય છે, પરંતુ એક ચીજ તમને નથી દેખાતી એ છે તમે ‘સ્વયં.’ આ જ તો જીવનની સ્થિતિ છે. તેમાં જાગવાનું છે. જાગીને તમે કહેશો કે બેહોશી અને નિદ્રામાં કોઈ અંતર લાગતું નથી. બંનેમાં એક વાત સમાન છે કે તમારો તમને કોઈ પત્તો લાગતો નથી. ભીતર અંધકાર છે. આને બુદ્ધ ‘પ્રમાદ’ કહે છે. જ્યારે પોતાને સ્વયંનો જ પત્તો ન લાગે ! આ તે કોઈ જિંદગી છે ? અને જે પોતાને ન પહેચાની શક્યો તે બીજું શું પહેચાની શકશે ? અપ્રમાદ અમૃતનો પથ છે અને પ્રમાદ મૃત્યુનો. – ઓશો.

[9] આપણે ભીતરનું જીવન જીવવાને બદલે એક બાહ્ય ઔપચારિક કે વૈચારિકતામાં જીવન વીતાવીએ છીએ. એટલે બીજાનો સંગ, બીજાનો આધાર સતત શોધ્યા કરીએ છીએ. આપણી પોતાની જાત સમક્ષ આપણે ક્યારેય સ્થિરતાથી જોતા નથી કે જોડાતા નથી. એટલે દિવસ-રાત બીજાની કંપની-મિત્રતા-સંગની ટેવ પડી જાય છે. આવી ટેવ પડવાથી આંતરિક શિક્ષણ કે ઊંડી વિચારશીલતા આવતાં નથી. અને અનેક સ્તરે આપણી શક્તિનો વ્યય થાય છે. આપણે પછી જે કાંઈ સાંભળીએ કે સમજીએ તે પચતું નથી. ભીતરમાં ઠરતું નથી. સતત બીજાના વિચારોથી દોરવાઈ જવાની આદતને કારણે જાણે અજાણે આપણામાં વૈચારિક પ્રદુષણ ઊભું થાય છે. આ આપણી અજ્ઞાનતા છે. બીજાનો આધાર લેવો અને બીજાની ઈચ્છાને મને-કમને વશ થવું. આમ થવાથી, આપણી પોતાની મૌલિક સમજ કદી આવતી નથી. બીજાની હુંફ મળ્યાનો ભ્રમ થાય છે. એ ક્ષણિક હૂંફ છે. તેથી એકલા પડી જઈએ છીએ. જાતથી જુદા રહીને હૂંફ આવતી નથી એ નિરપેક્ષ સત્યને સમજી શક્તા નથી. એકવાર જો સમજાય કે આપણે સતત ગતિશીલ છીએ અને ગતિશીલ રહીએ તો આપણામાં સ્વયંશક્તિ, મુક્તિ અને શિક્ષણનો આરંભ થાય છે. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સતત જોવું, સાંભળવું અને શીખવું – આ વાત સમજાય તો ક્યારેય એકલતા નહીં લાગે. – વાલજીભાઈ

[10] નાનક એક ગામમાં ગયા અને ત્યાંના લોકોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. જતી વખતે નાનકદેવે આશીર્વાદ આપ્યો : ‘આ ગામ ઉજ્જડ થઈ જાઓ !’ એ પછી બીજા ગામમાં ગયા. ત્યાંના લોકોએ નાનક અને તેમના શિષ્યોનું બિલકુલ સ્વાગત ન કર્યું અને માન પણ ન આપ્યું. જતાં જતાં નાનકદેવે તે ગામને આશીર્વાદ આપ્યા : ‘આ ગામ આબાદ રહો.’ સાથે જે શિષ્યો ચાલી રહ્યા હતા તેમને આવા આશીર્વાદથી આશ્ચર્ય થયું. તેમણે કહ્યું : ‘પ્રભુ, આપની વાત કંઈ સમજાઈ નહીં. જે ગામે આપનો આદર કર્યો તેને આપે કહ્યું ઉજ્જડ થઈ જાઓ અને જેમણે આપણો તિરસ્કાર કર્યો તેને કહ્યું આબાદ રહો ! આ સમજાયું નહીં.’ નાનક કહે : ‘સજ્જન લોકો ઉજ્જડ થઈ વિખેરાઈ જશે તો જ્યાં જશે ત્યાં સજ્જનતા ફેલાવશે. જ્યારે દુર્જન લોકો ન વિખેરાય તે જ ઠીક કારણ કે નહીંતર જ્યાં જશે ત્યાં અશાંતિ ફેલાવશે એટલે તેઓ ત્યાં જ આબાદ રહે તે બરાબર.’

[કુલ પાન : 216. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-04, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ. ફોન : +91 98985 12121]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉત્તરા ! – દિનકર જોષી
દષ્ટિ એવી સૃષ્ટિ – જયવતી કાજી Next »   

14 પ્રતિભાવો : અમીઝરણાં – સં. રમેશ સંઘવી

 1. સુંદર સંકલન. નં ૬ સૌથી સરસ.

 2. Vipul Panchal says:

  સરસ્ સન્કલન્

 3. HEMANT SHAH says:

  ખરેખર સરસ સન્ક્લન કરેલુ પુસ્તક મે આ પુસ્તક વાચેલ ચ્હે

 4. પોતાના દેશની એબ છુપાવવા માટે ગોર્કીએ ચાલાક જવાબ આપ્યો. તેના દેશપ્રેમને આપણે સલામ કરીએ. બાકી દુખ હોય તો જ મનોરંજન માણી શકાય એ કથન સત્યથી વેગળું છે.

 5. Vaishali Maheshwari says:

  Very good collection.

  Thank you Mr. Ramesh Sanghvi.

 6. રમેશભાઇ અને મૃગેશ બઁનેને અભિનઁદન

 7. Chintal Shah Kanaiya says:

  Nice one………

 8. jakaniya says:

  રમેશભાઇ અને મૃગેશ બઁનેને અભિનઁદન

 9. shruti.maru says:

  ખુબ સુંદર વાત કહી છે.
  જે દિવસે તમને દેખાઈ જશે કે આ જીવન તો ગયું. તેને પકડશો તો પણ બચાવી નહીં શકો. કોઈ બચાવી શક્યું નથી. બચાવવાની કોશિશ અસંભવ છે. જે થોડો સમય મળ્યો છે-ક્ષણભંગુર, તેમાં જાગવાની કોશિશ કરો
  આપણે ભીતરનું જીવન જીવવાને બદલે એક બાહ્ય ઔપચારિક કે વૈચારિકતામાં જીવન વીતાવીએ છીએ. એટલે બીજાનો સંગ, બીજાનો આધાર સતત શોધ્યા કરીએ છીએ. આપણી પોતાની જાત સમક્ષ આપણે ક્યારેય સ્થિરતાથી જોતા નથી કે જોડાતા નથી
  well aa vat joo human being samaje too bija koi path shikhavani nathi.
  thanks alot mr.ramesh and mr.mrugesh

 10. બોધકથાઓ ઉતમ છે. મારી પસંદ ૧-૩-૬-૧૦ છે. બાકી તો અપની અપની સોચ.
  વ્રજ દવે

 11. Ashish Dave, Sunnyvale, Califronia says:

  જાગીને જીવવું… Heighest state of awarness…

  Ashish Dave

 12. જિજ્ઞેશ શનિશ્વરા says:

  બહુ સરસ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.