- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

દષ્ટિ એવી સૃષ્ટિ – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.]

આપણાં ધર્મશાસ્ત્રોએ ‘બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા’ કહ્યું છે, પરંતુ સામાન્ય માનવીઓ માટે તો આ જગત જ સત્ય રહે છે. અશાશ્વત અને દુ:ખના ધામરૂપ સંસારમાંથી જ એને તો આનંદ અને રસ પ્રાપ્ત કરવાના હોય છે. દુ:ખના સાગરમાંથી એને સુખનાં મૌક્તિક વીણવાના હોય છે. દુ:ખ અને ચિંતાના વાતાવરણને એણે પ્રેમ અને સ્વાર્પણથી મધુર અને મિષ્ટ બનાવવાનું હોય છે. ઠેરઠેર વેરાયેલા કાંટાથી પગમાં લોહી નીકળે તે પહેલાં સાચવીને એને દૂર ફેંકી જીવનયાત્રા કરવાની હોય છે. જીવનમાર્ગના ખાડા-ટેકરા અને સીધાં ચઢાણો હસતાં હસતાં કિલ્લોલતા માનવીએ પસાર કરવાનાં હોય છે.

ચિત્રકારને રંગ અને રેખાની દુનિયામાં, સંગીતકારને સૂર અને તાલની સૃષ્ટિમાં અને સાહિત્યકારને એના સર્જનમાં આનંદ અને ખુશી મળે છે, પણ સામાન્ય માનવીએ તો દુ:ખ અને મુશ્કેલીઓ વચ્ચેથી સુખને પ્રાપ્ત કરવાનું હોય છે, પણ ઘણી વખત આપણી દષ્ટિ પર એવા પડળ આવી જાય છે કે આપણી વસ્તુમાં કે પરિસ્થિતિમાં રહેલા અંતર્ગત સુખને જોઈ શકતાં જ નથી. નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ છીએ. અધીરા અને આકળા બની જીવનની મધુરતા ખોઈ બેસીએ છીએ. ઘણી વખત સાચા દુ:ખ કરતાં દુ:ખની કલ્પના જ વધુ દુ:ખદ બની જાય છે ! અમુક દુ:ખ આવશે તો, દીકરાના પરીક્ષામાં માર્કસ ઓછા આવશે તો ? ઑફિસમાંથી બદલી થશે તો ? બસ, આવા જાત-જાતના વિચારો કરી કરીને દુ:ખી થયા કરીએ છીએ.

કેટલાક માણસો જીવનમાં ખૂબ જ અપેક્ષાઓ રાખતાં હોય છે. જગત અને જીવનમાંથી વધારેમાં વધારે તેમને ખેંચવું હોય છે. એમનું ભિક્ષાપાત્ર ક્યારે પણ ભરાતું નથી. ખાલી ને ખાલી જ રહે છે ! થોડું ન મળતાં તેઓ એટલા વ્યગ્ર બની જાય છે કે જે એમને મળ્યું છે, ઈશ્વરે આપ્યું છે તે તેઓ જોઈ શકતાં નથી – તેનો હસીખુશીથી ઉપભોગ કરી શકતા નથી. જે ‘નથી’ તેથી ઝંખનામાં અને લાયમાં જે ‘છે’ તેને વિસરી જાય છે. જીવન તરફથી એમની દષ્ટિ એટલી વિકૃત બની ગઈ હોય છે કે જ્યાં ત્યાં એમને બધું ખરાબ-ખોટું અને ઓછું જ લાગે છે.

મને મારા જ જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. સખત શરદી થઈ હતી. તાવ પણ આવતો હતો. હું અમારા ડૉક્ટર પાસે દવા લેવા ગઈ હતી. ડૉક્ટર સાથે અમારા કુટુંબને વર્ષોનો સંબંધ હતો. થોડી વાતો કર્યા પછી મેં એમને કહ્યું : ‘ઘણા લાંબા વખતથી શરદી-સાયનસ-ટ્રબલ અને વચમાં વચમાં સખત માથાનો દુ:ખાવો. આને લીધે કામકાજ પણ બરાબર થઈ શકતું નથી. હું તો આને લીધે એટલી કંટાળી ગઈ છું ડૉક્ટર ! ભગવાને મને તંદુરસ્તી જ નથી આપી.’ ડૉક્ટર મને સાંભળી રહ્યા, પછી હસીને કહ્યું, ‘બહેન, આટલી બીમારીમાં તે કંઈ ગભરાઈ જવાનું હોય ! આમાં તે કઈ મોટી વાત છે ? તું મારી સાથે હૉસ્પિટલમાં આવે તો તને કેટલાય દર્દીઓ બતાવું કે જેમને તારા કરતાં ઘણો ભયંકર રોગ હોય. ભગવાનનો પાડ માન કે આટલી તંદુરસ્તી આપી છે. માંદગીનો વિચાર છોડી આનંદમાં રહે એટલે બધું ઠીક થઈ જશે, સમજી ?’ કેટલી સુંદર સલાહ હતી ! મને તરત જ મારી ભૂલ સમજાઈ. જીવનમાં ઘણી બાબતોમાં આપણી આવી જ દષ્ટિ હોય છે ને ? આપણું સુખ આપણને સાવ ઓછું લાગે છે અને બીજાનું સુખ પહાડ જેટલું મોટું લાગે છે અને દુ:ખ ? આપણું નાનું દુ:ખ પણ ખૂબ મોટું લાગે છે અને આપણે એની ફરિયાદ કર્યા કરીએ છીએ. કવિ રાજેન્દ્ર શાહે આપણા આ મનોભાવને કેટલી સુંદર રીતે વ્યક્ત કર્યો છે !

‘ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર,
નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર !’

દુ:ખ તો જીવન સાથે સંકળાયેલું જ છે. કવિ જયંત પાઠકે એમના એક કાવ્યમાં લખ્યું છે :

‘મટે ક્યાંથી દુ:ખ, મારી સાથે જે રચાયાં !
સહુને મળેલ એક એકથી સવાયાં…..?’

સામા માણસનો મહેલ જોઈ આપણી ઝૂંપડી તોડી પાડી દુ:ખી થવા કરતાં આપણી નાનકડી ઝૂંપડીને વધુ સુવ્યવસ્થિત અને કલાત્મક કરવામાં એટલી શક્તિ વાપરીએ તો અંતમાં ફાયદો આપણને જ થવાનો. ઈર્ષ્યાનો એ સ્વભાવ છે કે માનવીના અંતરના આનંદને બાળીને ખાખ કરી નાખે, જ્યારે સંતોષ એ જીવનનું રસાયણ છે. સુખનું સાધન છે અને આનંદનો સહોદર છે, માટે જ કહ્યું છે કે સંતોષ વગર સુખ નથી. સંતોષની સાથે જોઈએ સહિષ્ણુતા. મને તો લાગે છે કે જગતનાં ઘણાં અનિષ્ટોનું કારણ અસહિષ્ણુતા જ છે. માનવજાતનો સૌથી વધારે કોઈએ પણ ભોગ લીધો હોય તો કદાચ માનવીની બીજા પ્રત્યેની અસહિષ્ણુતા જ હશે. કોઈ સામાજિક પ્રસંગ હોય, એમાં જો આપણા ધાર્યા પ્રમાણે ત્યાં આપણું સ્વાગત ન થાય અથવા તો આપણે કુટુંબમાં કે કોઈ મિત્રને કોઈ કામ કરવાનું કહીએ અને એ જો ન કરી શકે તો આપણને તરત જ ઓછું આવી જાય છે ! અતુલભાઈને નાની નાની બાબતોમાં એમની પત્ની સાથે, એમનાં સંતાનો સાથે અને સગાંસ્નેહીઓ સાથે વાંકુ પડતાં વાર નથી લાગતી. બીજી બધી રીતે સુખી હોવા છતાં દુ:ખી થયા કરે અને સામાને પણ દુ:ખી કરતા રહે. આવાં તો અનેક દષ્ટાંતો આપણને આપણા જીવનમાંથી તેમજ અન્યના જીવનમાંથી મળી આવશે. જ્યાં ખરેખર દુ:ખ નહિ પણ માની લીધેલું દુ:ખ જ હોય ! આની સરખામણીમાં સુખ ખૂબ જ અલ્પ હોય – કાલે ખાવા મળશે – તેની પણ ચિંતા હોય, છતાં પણ સંતોષ અને વિશ્વાસથી જિંદગી જીવતી કેટલીક વ્યક્તિઓ હોય છે…..

વર્ષો પહેલાં અમારે ઘેર છૂટક કામ કરવા આવતી કમુ મને આ લખતી વખતે યાદ આવે છે. આખો દિવસ કામ કરવું અને જેમ તેમ પોતાના પરિવારનું પેટ ભરવું. આરામ-નિરાંત-સગવડનું એના જીવનમાં નામનિશાન પણ નહોતું છતાં એ ભાગ્યે જ ફરિયાદ કરતી. એના મોં પર સંતોષની મધુર લહેર હંમેશ વિલસતી હોય. પોષ મહિનો હતો. ઠંડીના દિવસો. એમાં પણ સવારે તો સખત ઠંડી હોય. કમુ કામ માટે આવી. એણે એની સાડીનો છેડો મોં અને ગળાની આસપાસ વીંટી દીધો હતો છતાં એનું શરીર થોડુંક ધ્રૂજતું હતું.
‘કમુ, પહેલાં ચા પી લે. આજે ઠંડી બહુ છે.’ મેં એને માટે સવારની ચા બનાવી રાખી હતી એમ કહી હું મારા કામે લાગી ગઈ. નાહીને તૈયાર થવા માટે મેં મારું કબાટ ખોલ્યું. આખું કબાટ વિવિધ વસ્ત્રોથી ભરેલું હતું. કપડામાં મારી નજર એક સ્વેટર તરફ ગઈ. સ્વેટર જૂનું હતું. એ લઈને હું કમુ પાસે ગઈ. એ વાસણ સાફ કરી રહી હતી.
‘લે કમુ, આ સ્વેટર પહેરી લે.’ એણે સ્વેટર હાથમાં લીધું.
‘કેટલું સરસ છે, બહેન ! તમે મને આ સ્વેટર આપો છો ને ? એક વાત કહું ? બહેન, તમે માઠું નહિ લગાડતાં પણ પેલી મણી છે ને ? રસ્તા પર ઝાડુ વાળે છે…. એ બચારી પાસે તો કશું નથી. મારી પાસે તો એક-બે જાડા કપડાં અને એક શાલ પણ છે. હા, થોડીક ફાટેલી અને કાણાવાળી છે પણ બિચારી મણી ! બે નાનાં છોકરાં છે અને તેનો વર પણ સાવ નાપાક છે. એને આ સ્વેટર આપીએ તો…..’

હું એને સાંભળી જ રહી. એને હું આશ્ચર્યથી જોઈ રહી. એના શ્યામ પણ ઘાટીલા મોં પર સંતોષની આભા હતી. એ નિરક્ષર રંક સ્ત્રીના હૃદયની વિશાળતા અને સંવેદનશીલતાને હું મનોમન વંદી રહી. એણે એનાથી વધુ દુ:ખી અને અભાવગ્રસ્તનો પહેલા વિચાર કર્યો. જીવન પ્રત્યેનો એનો કેટલો શુભ અને સુંદર અભિગમ હતો. ફેર છે માત્ર જીવન પ્રત્યેની દષ્ટિમાં-મનોભાવમાં. મળ્યું તેને માણવાનો પ્રયત્ન કરવાની દષ્ટિ કેળવાતાં જીવનનું શતદલ કમળ કોઈ અનેરી શોભાથી આપણી સમક્ષ છતું થાય છે. આકાશમાં દોડતી રમતિયાળ વાદળીઓમાં, સમુદ્રના ઉલ્લાસભર્યા તરંગોમાં, ચંદ્રની શીતળ ચાંદનીમાં, જીવનમાં સર્વત્ર પરમાત્માની કોઈ અનુપમ લીલા જ આપણને દેખાય છે. ‘નિખિલના રંગો જોઈ નૈના ઘેલાં થાય.’ એવું છે. જીવનની કર્કશતા, કલેશમયતા અને કુરૂપતા એક જવનિકાની માફક હઠી જાય છે. માનવજીવનની અમૂલ્ય રસલહાણ માણવાની આપણામાં શક્તિ પ્રગટે છે. જીવનમાં પ્રસન્નતાની એક મધુમયી લહર આપણને સ્પંદિત કરી દે છે.

આપણો અભિગમ-આપણો દષ્ટિકોણ જ થોડો બદલવાનો છે. આપણા વિચારોને કેવો ‘યુ’ ટર્ન આપીશું ? આપણા વિચારોમાં સતત ‘આ નથી’ અને ‘તે નથી’ રાખવાને બદલે એમાં જો થોડોક પ્રેમ, સૌંદર્ય, કરુણા અને સંતોષના રંગો પૂરતાં જઈશું તો આપણું જીવન પણ એ જ રંગે રંગાતું જશે.