દીકરો ! – ઝવેરચંદ મેઘાણી

[‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી સાભાર.]

‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે; અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : ‘આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !’ થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે. ‘…..ને આ ઊનની ડળી.’ એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે. ‘આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હો !’

ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે, ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે : ‘કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું ક્યારથી પેઠું, ભાઈ ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?’
‘ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.’
‘હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના. એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.’

બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : ‘ઈ કોણ મુછાળો ચાંદાં કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા !’
‘આપા દેવાત વાંક !’ આદમીએ થડક્યા વિના જવાબ દીધો : ‘ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુખ્ખ થાવું જોવે – હરખાવું નો જોવે.’
‘આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !’
‘તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.’
‘લે ત્યારે, લાખા વાળા !’ એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું : ‘લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર….’
‘હાં….હાં…..હાં…. ગજબ કરો મા, બા !’ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : ‘આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.’
‘ના, ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે !’ એમ કહીને લાખો વાળો તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : ‘કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.’ એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.

એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે કે, ‘આપા, આજની રાત તો નહિ જાવા દઈએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે ?’ લાખો વાળો કચવાતે મને રોકાયો.

આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરી કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાના ફળીમાં જઈને હાકલા કરવા મંડ્યો : ‘કાઠી ! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો’તો !’ ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : ‘આપા દેવાત ! કાઠી ઘરે હોત તો તે શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.’

ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો :

ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે,
………
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે,
……….
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે.
શીદને રોવો છો દાદા, શું છે અમને કે’જો રે,
………..
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે !
………….
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આતમરામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે !’ પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો.
ઓરડામાંથી મા કહે છે કે, ‘બેટા હીરબાઈ, આંહીં આવતી રહે.’
પણ હીરબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી : ‘માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.’ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે, ‘ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.’

ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યાં ! ‘હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ….. પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જોઉં તો ખરો.’
દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું : ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો : ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દષ્ટિ એવી સૃષ્ટિ – જયવતી કાજી
રઘુનાથ – ભેજેન્દ્ર પટેલ Next »   

21 પ્રતિભાવો : દીકરો ! – ઝવેરચંદ મેઘાણી

 1. hardik says:

  આ તૉ પાઠ – ૨, ગુજરાતી ટેક્ષ્ટબુક ધૉ – ૯

  • rutvi says:

   હા સાચી વાત ,
   પણ એક વાત નોટીસ કરી હાર્દિક ભાઇ ?

   હીરબાઇ જ્યારે યુધ્ધે જાય છે ત્યારે તેને સવાલ પૂછે છે કે યુધ્ધ મા જો બધા તેને ઓળખી જશે કે તે છોકરી છે તો ? તેના લક્ષણ ને કેવી રીતે છુપાવવા તે વાત અહીથી કાપી નાખવામા આવી છે , ત્યાર પછી તે દેવાત ની સામે યુધ્ધે જાય છે ..

   • kumar says:

    મારા ખ્યાલ થી હાર્દિકભાઈ એ કહ્યુ તેમ “ગુજરાતી ટેક્ષ્ટબુક ધૉ – ૯” પ્રમાણે એકદમ બરાબર છે.

   • રિધ્ધિ ગજ્જર says:

    તે યુદ્ધમાં લડવા જતી નથી પરંતુ છુપાઇને તમનો વધ કરે છે.

  • રિધ્ધિ ગજ્જર says:

   આ પાઠ તો ધો.8 (ગુજરાતી મિડિયમ) નો 8મો પાઠ પણ છે.

 2. કુણાલ says:

  આજે મહિલા આરક્ષણના મુદ્દા પર પોતાનુ ગુજરાન ચલાવવા વાળાઓને આ વાર્તા વંચાવીએ તો !!

 3. અરે વાહ ઘણું સરસ

  જૂની – નીશાળ ની યાદો તાજી થઇ ગઇ.

  આભાર .

 4. Chintan says:

  ખુબ સુંદર..સ્કૂલમાં ભણતા હતા તે બધા ગુજરાતી ગદ્ય યાદ આવી ગયા 🙂

 5. કલ્પેશ says:

  હીરબાઇને હિંમત બતાડવા આરક્ષણની જરુર છે?

 6. જિજ્ઞેશ શનિશ્વરા says:

  સોરાષ્ટ્રની રસધારનો મારા જીવનનો એક કિસ્સો મારે રજુ કરવાની તમન્ના છે. અભિપ્રાય થોડો લાંબો થઈ જશે. પણ હું મારી જાતને રોકી શકતો નથી.

  એકવાર હું બપોરની શિફ્ટમાં નોકરી જવા માટે સ્ટાફ-બસની રાહ જોતો ઉભો હતો. ત્યાં એક પસ્તીવાળો તેની લારી લઇને ઝાડ નીચે આવીને ઉભો. તેની લારીમાં પુસ્તકો જોઇને કાંઇ સરસ મળી જવાની લાલચમાં હું તેની પાસે ગયો. થોડાં પુસ્તકો ઉથલપાથલ કરતાં તેમાંથી મને ‘સોરાષ્ટ્રની રસધાર’નાં ભાગ ૩ તથા ૫ મળી આવ્યાં. ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકને પસ્તીમાં તો ન જ જવા દેવાય તેમ વિચારીને મેં તે ખરીદી લેવા માટે કિંમત પુછી. લારીવાળાએ જોયા વગર મને કહ્યું કે છાપેલી કિંમત કરતાં અડધી થશે. મેં જ્યારે અંદર જોયું ત્યારે એક ૧૯૫૮ની પ્રિન્ટ હતી, તેની કિંમત ત્રણ રુપિયા હતી અને બીજી ૧૯૮૦ની પ્રિન્ટ હતી તેની કિંમત પાંચ રુપિયા હતી. મેં તેને હ્સતાંહ્સતાં કહ્યું કે મારે તેને બે ચોપડીનાં ચાર રુપિયા આપવાનાં થતા હતા, તો તે કહે કે એટલામાં તો ન પોસાય. તેણે મારી પાસેથી એકનાં દસ એમ કુલ વીસ રુપિયા લીધાં. જો કે મારી તૈયારી એકનાં પચાસની પણ હતી. (સારું થયું કે તેને ખબર નહોતી.)

  ઝવેરચંદ મેઘાણીને શતશત પ્રણામ.

 7. Abul Meghani says:

  sorry but I just got this new iPad and i have hard time using Gujarati keyboard. Dikro is one of my most favorite stories written by Dadaji

  • giravansinh rathod says:

   આપના દાદાની તો શું વાત કરુ ? what a great man he was ! you are lucky to be born in meghani family .ગોપાલભાઈ અને મહેન્દ્ ભાઈએ પણ ગુજરાતી સાહિત્ય માટે શું નથી કર્યુ ?
   પાલિતાણા આવો તો મારા ઘરે ચોક્કસ પધારજો
   ગિરવાનસિંહ રાઠોડ (પાલિતાણા)

 8. રિધ્ધિ ગજ્જર says:

  I am studing in std.8. We have this story in a lesson of gujarati. I like this story.

 9. રિધ્ધિ ગજ્જર says:

  હુઁ ધોરણ ૮ માઁ અભ્યાસ કરુઁ છું. અમારે ગુજરાતી વિષયમાં આ પાઠ આવે છે. મને અમારો પાઠ અહીં જોઇ ખૂબ ખુશી થઇ.

 10. Raj Bathani says:

  મારા ભાઈઓ ઝવેરચંદ મેઘાણી તો ગુજરાત નિ ગરિમા કેવાય બાપ!!!!!!૧૧

 11. શામદાર હૈદરશા says:

  ઝવેરચંદ મેઘાણીના વાર્તા સરસ લાગી.

 12. giravansinh rathod says:

  મેઘાણી સાહેબનું કાવ્ય ‘ચારણ કન્યા’ read gujarati પર છે ? ન હોય તો મુકવા વિનંતી. એક માત્ર ૧૪ વર્ષની દિકરીએ સિંહને ભગાડ્યો તે નજરે જોઇને મેઘાણીભાઈએ કાવ્ય લખ્યુ છે.
  ગિરવાનસિંહ રાઠોડ ( પાલિતાણા)

 13. Ekta says:

  TOO TOUCHING ., WE ARE TWO SISTERS ONLY AND MY FATHER ALWAYS SAYS YOU ARE MY SON , SO LIKE MY STORY

 14. Jignesh says:

  “કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.”
  ભાઈ!ભાઈ! ધન્ય છે જોગમાયા હીરબાઈ ને…

 15. Chetan says:

  Very nice story….. Zaverchand na sahitya mathi zarto veer ras to bhai bhalbhala ni naso ma lodhi ne ukaltu kari de evo che ho…. Aa story nanapan ma gujrati vishay ma bhanva ma aavti hati tyare pan etli j gami hati…
  Aane kevay kalam…. varaso na vahana vahi jay toy eni asar no muke….. Vah…..

 16. અંકુર જાગાણી says:

  બીજી ચર્ચાઓ કરવાને બદલે માત્ર એક જ વાત કહીશ કે “કાઠી તો સહુ સરખા.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.