રઘુનાથ – ભેજેન્દ્ર પટેલ

[જેમની આપણે ‘હું તો લગ્ન કરવાની જ નથી’ વાર્તા માણી હતી તેમના જ અન્ય એક પુસ્તક ‘અમાનત’માંથી આ વાર્તા સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી ભેજેન્દ્રભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26464947 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સોમાને ઘેર રઘુનાથ બેઠો હતો. બપોરનો એક વાગ્યો હશે. ટપાલીએ સોમા રતનના નામની બૂમ મારી. સોમાની મા અંદરથી બહાર આવી. ટપાલીએ અંગૂઠાનું નિશાન કરાવી મનીઑર્ડરના પાંચસો રૂ. આપ્યા. સોમાની મા હરખાઈ ઊઠી.
‘બા સોમાભાઈ શહેરમાં સારું કમાય છે ?’ રઘુ.
‘નઈ તારે, અવારનવાર પૈસા મોકલે છે. તેના હારૂ જ અમે રોટલા ભેગા થઈએ છીએ, નહીંતર આ ઉંમરે અમે શું કરવાનાં ?’ માએ કહ્યું. રઘુ એકાદ મહિનાથી બેકાર હતો. ખેતીની મજુરી બંધ હતી. થોડું ઘણું કડિયાકામ આવડતું, પણ તેમાંય કામ મળતું નહોતું. થોડી ઘણી બચત કરેલી તે બાપાની માંદગીમાં ખર્ચાઈ ગઈ.
‘હેં બા શહેરમાં કમાવાનું મળે ખરું ?’ રઘુ.
‘મળતું જ હશેને, તારે જવું હોય તો સોમાનું ઠેકાણું લેતો જજે.’

ઘરે જઈ રઘુએ બધાને જેમ તેમ વાત સમજાવી, રાજી કરીને શહેર જવા તૈયાર થયો. જવાના દિવસે તેની બાએ બસો રૂ. ખર્ચાના આપ્યા અને આશીર્વાદ આપ્યા. રઘુ શહેરમાં એસ.ટી સ્ટેન્ડે ઊતર્યો અને સોમાનું ઠેકાણું પૂછતો પૂછતો તેના ઝૂંપડે પહોંચી ગયો. સોમો કામે ગયેલો. તેની દીકરી રાધાએ તેને ઓળખ્યો અને આવકાર આપતાં બોલી : ‘ઓહોહો રઘુ તું આટલો મોટો થઈ ગયો ?’
‘ના, ભઈ ના, હું તો તારા જેટલો જ નાનો છું.’ રઘુ બોલ્યો. રઘુ અને રાધા બચપણમાં સાથે રમેલાં. એ વાતનેય વર્ષો થઈ ગયાં. આજે રાઘા જુવાન થઈ ગઈ હતી. રાધાએ પાણી આપીને પૂછ્યું : ‘ચા પીશ ?’ ચા આપીને તેની પાસે બેસીને રાધાએ તેના બા, બાપુજીની ખબર પૂછી. ગામમાં બધા કેમ છે ? પેલી નર્મદા શું કરે છે ? અને પેલી કમળી ડોશી ? રઘુ જવાબ આપતો જાય અને રાધા સામે જોતો જાય.

સાંજે સોમો આવી પહોંચ્યો ત્યારે રઘુ તેના પગે પડ્યો. સોમો તેને વહાલથી ભેટ્યો અને કહ્યું : ‘તું ક્યારે આવ્યો
? બધા હેમખેમ તો છે ને ?’
‘ગામમાં કંઈ કામ મળતું નહોતું. થયું શહેરમાં કંઈ કામ મળે અને બે પૈસા રળું તે આશાએ તમારી પાસે આવ્યો છું.’ રઘુએ કહ્યું. મોડેથી રઘુ-સોમો રોટલા-મરચાં-ડુંગળી ખાવા બેઠા.
‘તું અહીં શું કામ કરીશ ? લારીએ રહેવું છે ? ભાડાની લારી મળી રહેશે પણ તને અહીંના રસ્તાની ખબર નથી તેથી કોઈ જોડીદાર સાથે જવું પડશે.’ સોમાએ કહ્યું.
‘તમે કહેશો તે કામ કરીશ, ગમે તે કામ હશે તો પણ.’ રઘુએ કહ્યું. બે ત્રણ દિવસમાં સોમાએ કામ શોધી કાઢ્યું. રાત્રે સુઈ રહેવા માટે એક ખાટલો પણ લાવી દીધો. થોડા દિવસમાં રઘુને કામ ફાવી ગયું. ખાસ તો થોડા રૂપિયા મળતા થયા તેથી ખુશ હતો.

એક દિવસ ફેરો ખાસ્સો ભારે અને દૂરનો હતો. જોડીદાર આવ્યો નહોતો. તેણે સોમાને કહ્યું, ‘આજે રાધાને મારી હારે લારીએ મોકલો તો ?’
‘તું જાય છે ?’ સોમાએ રાધાને કહ્યું.
રાધા તૈયાર થઈ ગઈ. બન્ને જણા લારી તાણતાં જાયને વાતુ કરતાં જાય. રાધા રઘુ કરતાંય સ્ફૂર્તિથી લારી ખેંચતી હતી. ઘડીકમાં ઓઢણી સરખી કરતી જાય ને રઘુની સામે જોતી જાય. ફેરા પતાવીને પાછા આવતાં લીમડાના ઝાડ નીચે ભાથું કાઢીને ખાવા બેઠાં.
‘રાધા, તારું રૂપ જોઈને થાય છે કે તું શહેર લોક જેવાં કપડાં પહેરે તો શેઠાણી બની જાય.’
‘મારે કાંઈ શેઠાણી નથી બનવું. શેઠાણી થઈ જાઉં તો જીવ ટૂંકો થઈ જાય. હું છું તે બરાબર છું.’
‘સોમાએ તારું ક્યાંય નક્કી કર્યું છે ?’ રઘુએ બીડી કાઢીને સળગાવતાં ધીમેથી પૂછ્યું.
‘ના, રે. નજરમાં હજુ કોઈ આવતું નથી.’ રાધા બોલી.
‘જેના નસીબમાં તું હોઈશ તેણે ઘણા પુણ કર્યા હશે.’

તે દિવસે રાત્રે સોમાએ રાધાને એકાંતમાં વાત પૂછી, ‘રઘુ છોકરો સારો છે, નહીં ? તારી વાત કરું ?’
રાધા શરમાઈ ગઈ, ‘બાપા, તમને ગમે તે ખરું.’
બીજે દિવસે રાધા વહેલી ઊઠી હતી. જમીન ઉપર પગ અડતા જ નહોતા. રઘુ આવ્યો ત્યારે તેને ચા આપવા આવી. એ સમયે રઘુને તેના મોં ઉપર સૂરજની લાલી દેખાઈ. રાધાનો જીવડો કૂદાકૂદ કરતો હતો. ચાનો પ્યાલો મૂકીને રાધા રઘુનો ગાલ ખેંચીને અંદર જતી રહી. રઘુને કંઈ સમજાયું નહીં. શંકા થઈ કે સોમાએ તેનું ક્યાંય નક્કી તો નહીં કર્યું હોય !

સાંજે રઘુ ખાટલામાં સૂતો સૂતો વિચારે ચઢ્યો. રાધા જો મારી ઘરવાળી હોત તો ! એટલામાં જોરથી ધડાકો સંભળાયો, જાણે બોમ્બ ફૂટ્યો. તુરત જ બેન્ડવાજાના અવાજો આવવા માંડ્યા, દારૂખાનું ફૂટવા માંડ્યું. લગ્નનો વરઘોડો આવતો દેખાયો. રઘુ ઊઠીને વરઘોડો જોતો ઊભો રહ્યો. લોકો નાચતા હતા, ગાતા હતા અને બૈરાંઓ ઓહોહો, રઘુ ફાટી આંખે જોઈ રહ્યો. તેમના ગળા-હાથમાં કેટલા બધા ઝગઝગાટ થતા દાગીના ! જો રાધા આવું પહેરે તો તેમના જેવી જ શેઠાણી લાગે. બીજે દિવસે સોમાએ રઘુ સાથે રાધા વિશે વાત કરી. રઘુ તો જાણે આભમાં ઊડ્યો. હે ભગવાન ! મારાં નસીબ ઊઘડી ગયાં. સોમાએ રઘુ માટે એક ખોલી પણ નક્કી કરી હતી તે બતાવી. આવતા ઊનાળામાં ગામમાં જઈને લગ્ન લેવાનું નક્કી થયું.

હવે તો રાધા અને રઘુએ સાથે જ લારીએ જવા માંડ્યું. પણ ત્યાં તો થોડાક દિવસમાં લારીવાળાઓ હડતાલ ઉપર ઊતરી ગયા. માલિકો સાથે મજૂરી બાબતમાં વાંધો પડ્યો હતો. રઘુ બીજું કંઈ કામ મળે તે માટે આસપાસ આંટો મારવા લાગ્યો. એવામાં દૂર એક બંગલો બન્યો હતો, તેની કમ્પાઉન્ડ વૉલનું કામ શરૂ થતું હતું. મુખ્ય કડીઓ આવ્યો નહોતો. રઘુ ત્યાં ઊભો રહીને જોતો હતો. તેવામાં કંત્રાટીની નજર તેના ઉપર પડી.
‘શું જુએ છે ? કામ આવડે છે ?’
‘થોડું ઘણું કડિયાકામ આવડે છે.’
‘લે આ દીવાલ ચણી બતાવ.’
કંત્રાટી તેનું કામ જોઈને ખુશ થયો અને મજુરી નક્કી કરી. થોડાક દિવસમાં દીવાલનું કામ પૂરું થયું. સારું પ્લાસ્ટર તેને આવડતું નહોતું. રઘુને મજુરી મળી તેમાંથી પાંચસો રૂપિયાનો મનીઑર્ડર તેના ઘેર કર્યો. બીજા હજારેક રૂપિયા બચ્યા હતા તે તેણે ખોલીમાં જઈને પેટીમાં બીજા પૈસાની ભેગા મૂક્યા. રઘુ રાત્રે આ ખોલીમાં સૂઈ રહેતો. સવારે સોમાને ત્યાં જમતો પણ સાંજે ખોલીમાં તેણે રોટલા બનાવવાનું શરૂ કર્યું હતું. રાધા સાંજે ખોલી ઉપર આવીને થોડું ઘણું કામ કરી જતી. રઘુને તો હજુ મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે ક્યારે ખૂબ પૈસા ભેગા કરુંને રાધાને હારૂ રૂપાની હોડકી અને મંગલસૂત્ર ખરીદીને આપું. બસ ભગવાન, આટલું ધ્યાન રાખજે.

એક દિવસ પાનના ગલ્લે રઘુ બીડી લેવા ઊભો હતો. ત્યાં તેને શંભુ મળ્યો. કોઈક બંગલામાં ઘરઘાટી તરીકે કામ કરતો નોકર શંભુ તેને અવારનવાર મળતો. તેની સાથે તેની દોસ્તી થઈ હતી. શંભુ જે બંગલામાં કામ કરતો તે બંગલામાં એક માજી અને તેમનો દીકરો તથા વહુ રહેતા હતા. બંગલો વિશાળ હતો. નવી જ મોટર આવી હતી. શંભુ પાંચેક વરસથી કામ કરતો હતો. તેના ઉપર બધાને ઘણો જ વિશ્વાસ હતો. ઘણીવાર તેને ઘર સોંપીને બધા બહાર જતા આવતા. એકવાર શંભુના મનમાં શેતાન પેઠો. વિચાર કર્યો કે આ નોકરી આખી જિંદગી કરીશ તોય મારી પાસે શું બચશે ? આ શેઠ-શેઠાણી પાસે કેટલા બધા પૈસા ને દાગીના છે. તેઓ ક્યા કબાટમાં બધું મૂકે છે તથા ચાવીઓ ક્યાં મૂકે છે તેની બધી ખબર હતી. જો એકવાર હાથ માર્યો હોય તો જિંદગી સુધરી જાય. પણ તેની હિંમત ચાલતી નહોતી.

એક દિવસ વિચાર કરીને રઘુ જોડે ચા પીવાનું ગોઠવ્યું. ચા પીતાં પીતાં તેણે રઘુનાં વખાણ કર્યા પછી કહ્યું : ‘રઘુ મારે તારું એક કામ પડ્યું છે, તું સાથ આપે તો થાય.’ પછી બધી વાત વિગતે કરી, ‘તારે તો ફક્ત બહાર ઊભા રહીને ચોકી કરવાની. કોઈ આવી ચડે તો તારે મારા નામની બૂમ મારવાની. જો તું આટલું કરે તો તને ગળામાં પહેરવાનો સોનાનો એક દોરો તને આપીશ તે વેચીને તું રાધા હારુ રૂપાની હોડકી ને મંગલસૂત્ર ખરીદી લેજે.’ રઘુને થયું મારે ક્યાં ચોરી કરવાની છે ? મારે તો ફક્ત ચોકી જ કરવાની છે ને ! તેને રાધાનું ગળું યાદ આવ્યું. પેલા દિવસ વરઘોડામાં જોયેલા શેઠાણીઓના ગળામાં શોભતા દાગીના દેખાયા. તે કબૂલ થયો. ધાર્યું હતું તે પ્રમાણે બધું કામ પાર પડ્યું. શંભુએ તેણે કહ્યા મુજબ દોરો આપ્યો ને તે પોટલું લઈને ઘર વાસીને ભાગી ગયો.

બીજે દિવસે રાધા જ્યારે રઘુની ખોલી ઉપર આવી ત્યારે તેણે રાધાને બાથમાં લીધી અને પછી તેને ચકિત કરવા સોનાનો દોરો કાઢીને બતાવ્યો. રાધા તો અવાક થઈ ગઈ.
‘ક્યાંથી લાવ્યો ?’
રઘુએ માંડીને બધી વાત કરી. ત્યાં તો રાધા વિફરી, ‘ફટ રે ભૂંડા, તેં ચોરીની વસ્તુ લીધી ? તને લાજ ના આવી ? આવા પાપમાં પડ્યો ? મારે એની ક્યાં જરૂર છે ? તું જાણે છે કે મને આવું પહેરવું ગમતું નથી અને તેય ચોરીની વસ્તુ ?’ પછી તેણે ધીમેથી રઘુને કહ્યું : ‘તને ખબર છે કે મારા બાપાની જોડે બેસવા આવતા લોકો કેવી વાતો કરે છે ? શહેરના એ ઊજળા લોકો પણ ઊજળી ચોરી કરતા હોય છે. બેંકોના પૈસા ચોરે છે. સરકારનો વેરો ચોરે છે. પેલું શું કહે છે ? હા, જકાત ચોરે છે. મોટા મોટા નેતાઓ ખૂબ ચોરે છે. આપણે જેની લારી તાણીએ છીએ ત્યાંય સરકારી માણસો આવ્યાં હતાં અને ખૂબ બધો માલ જપ્ત કર્યો હતો. જો, આપણે તો ગામના માણહ કહેવાઈએ. ગામની આબરૂ ધૂળધાણી કરવી છે તારે ? આ તો બધું ઝેર કે’વાય. શહેરના લોકો ભલે પીએ અને ભોગવે. આપણને એ ના પોહાય. તું અબઘડી જઈને આ દોરો પાછો આપી આવ.’ રઘુ સમજી ગયો.

બીજે દિવસે રાધા, રઘુ ને સોમો તે શેઠના ઘેર ગયાં. સોમો તેમના પગે પડ્યો. બધી વાત કરી, ‘રઘુ નવે નવો છે. તેનામાં સમજણ નથી. તેને માફ કરો ને આ તમારી વસ્તુ પાછી લો.’ શેઠ સમજુ હતા. તેમણે દોરો પાછો લીધો ને ઈનામના પૈસા આપવા માંડ્યા, તો રાધાએ ના પાડી, ‘ના, ના, શેઠ. અમે અમારી મહેનતનું જ ખાઈશું.’

[કુલ પાન : 160. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : મનુ પંડિત, જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર. 17, વસંતનગર, મણિનગર, અમદાવાદ-380 008. ફોન : +91 79 25466232.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરો ! – ઝવેરચંદ મેઘાણી
સંવાદ જોડે છે – અવંતિકા ગુણવંત Next »   

18 પ્રતિભાવો : રઘુનાથ – ભેજેન્દ્ર પટેલ

 1. ખુબ જ સુંદર વાર્તા. હરામનું લેવું નહી ને ખાવું નહી એ વાત એક સામાન્ય માણસે સાચવી…..

 2. HEMANT SHAH says:

  સુન્દર વાર્તા . અણહ્ક્ક નુ લેવુ નહી .ગામડા ના માણસો ની દરિયાદિલિ સમજ્વા જેવી

 3. જગત દવે says:

  મે અગાઊ પણ કહ્યું છે…..મોટાભાગે ગરીબની અપ્રમાણિકતા પણ ‘ગરીબ’ જ હોય છે. જયારે આપણાં સહુંની પ્રમાણિકતા ઇન્કમ ટેક્ષ વાળા વધારે જાણે છે.

  અપ્રમાણિકતા જે સમાજમાં સહજ થઈ જાય છે તે સમાજ પતનનાં માર્ગે છે તેમ કહી શકાય અને ભારતમાં ડગલે ને પગલે તેનો અનુભવ થાય છે.

  જો ધરે ઘરે આવી ‘રાધાઓ’ હોય તો???????

 4. કુણાલ says:

  ‘મારે કાંઈ શેઠાણી નથી બનવું. શેઠાણી થઈ જાઉં તો જીવ ટૂંકો થઈ જાય. હું છું તે બરાબર છું.’

  વાહ !! કેટલું ગહન વાક્ય !!

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   કુણાલભાઈ, કદાચ તમને મારી વાત માનવામાં નહી આવે, પણ આ વાક્ય વાંચીને હું બે ક્ષણ વાંચતો અટકી ગયો હતો. ખરેખર માર્મિક વાક્ય !!

 5. hiral says:

  Such stories should be there in primary text books. too good.

 6. Ashok Jani says:

  સુંદર વાર્તા, સચોટ્ કથન્…વાસ્તવિક નીરૂપણ્..this is called simple living high thinking…

 7. Akash says:

  સુન્દર વાર્તા.. સમજવા જેવિ..

 8. kumar says:

  ખરેખર ખુબ સરસ વાત

 9. maullik says:

  આપણે તો ગામના માણહ કહેવાઈએ. ગામની આબરૂ ધૂળધાણી કરવી છે તારે ? આ તો બધું ઝેર કે’વાય. શહેરના લોકો ભલે પીએ અને ભોગવે. આપણને એ ના પોહાય………the most true line for society……..

  ગ્રામ્ય જગત તો ગામડા ના લોકો જ બનાવે ………..fantastic thoughts…..love to be again in village of India….

 10. કલ્પેશ ડી.સોની says:

  કંત્રાટી એ ‘કોંટ્રાક્ટર’ શબ્દનો અપભ્રંશ થયેલો શબ્દ છે. રુપાની હોડકી શું છે એ ખબર ના પડી. ‘શેઠાણીનો જીવ ટૂંકો હોય’ એ વાક્યના મૂળમાં વર્ગભેદ છે. બધી શેઠાણીઓ એકસરખી નથી હોતી. શહેરનાં માણસોય માણસો છે. કોઈનેય બીબાંમાં જોવાની ટેવ ના પડવી જોઈએ. દરેક વ્યક્તિ યુનિક છે. શહેર તેમજ ગ્રામ્ય જીવનના માનસ સ્વભાવમાં જે તફાવત જોવા મળે છે એ વ્યવસ્થાને લઈને છે. એમાં માણસનો દોષ ઓછો છે. દા.ત. શહેરનો માણસ શેરડીનો એક સાંઠો પચ્ચીસ રુપિયામાં લાવે એટલે ઘરનાં માણસો જ ખાય. જ્યારે શેરડી પકવતો ખેડૂત આખા ગામને એક-એક સાંઠો વહેંચી શકે. એ જ રીતે શહેરનો માણસ જન્મદિવસ ઉજવે ત્યારે પચ્ચીસ માણસને મીઠાઈ ખવડાવે જ્યારે ગામડાંના માણસને મિઠાઈ મળે તો ઘરનાં સભ્યથી પણ છુપાવીને ખાય એવું પણ બને.

  • Deepak Solanki says:

   ખરેખર તો વાર્તાનો હાર્દ સમજવાની જરુર છે. ગામડાના લોકો સારા અને શહેરના લોકો ખરાબ એવો ભાવાર્થ મને તો દેખાતો નથી… હા શહેરના દરેક માણસો ખરાબ નથી હોતા તેમ ગામડાના દરેક માણસ સારા નથી હોતા. શહેર અને ગામડાની પોતપોતાની ખામી અને ખૂબી હોય છે… કોઇપણ વાર્તાનું હાર્દ સમજવુ જરુરી છે… માણસતો હંમેશા સારા જ હોય છે. પણ સંજોગો, સંસ્કાર, આજુબાજુનું વાતાવરણ વગેરે તેને ખરાબ કરતા હોચ છે. હું તો કોઇ પણ માણસને ખરાબ માનતો નથી… ખરાબ માણસની પાસે બેસી બે સારા શબ્દો બોલી તેની દિલની વાતો સાંભળીએ તો તે કેટલો સારો છે તેની ખબર પડે…. ખરાબ બનાવવા માટે કોઇને કોઇ ભૂતકાળ જવાબદાર હોય છે….

 11. વાર્તા સરસ આપી. ગામડાના અગાઉ સરળ અને ભોળા તથા માનવપ્રેમી હતા. હવે સમય બદલાઇ ગયો છે. ઘરે ઘરે ડીશટીવી અને મોબાઇલે વાતાવરણ બદલાવી નાખ્યું છે. છતાં હજુ અપવાદ રુપતો શહેરની માફકજ ખરું. શહેરમાં પણ માનવતાની મહેક જોવા મળે છે.
  આભાર.
  વ્રજ દવે

 12. Ashish Dave, Sunnyvale, Califronia says:

  અણહકનુ ક્યારેય કોઈને પચતુ નથી… સુંન્દર વારતા…

  Ashish Dave

 13. Harish S. Joshi says:

  ઇમાન્દારિ અને વફાદારિ હજિ પન આવા માન્સો મા જોવા મલે ચ્હે.અને નાના માન્સો મા પન ચોરિ કર્વાનિ વ્રુતિ સામાન્ય ચ્હે.
  જેને સારા રહેવુ હોયે તે ગરિબિ મા પન પોતાનુ ઇમાન અને ચારિત્ર્ય સમ્ભાલિ શકે ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.