- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

દીકરી – ભાણદેવ

[ સત્ય ઘટના : ‘અખંડ આનંદ’ જૂન-2009માંથી સાભાર. ]

રાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી.
‘હરિ ઑમ’
‘હેલો !’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે !
સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ ! હરિ ઓમ !….. સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ? ભાણદેવજી સાથે વાત થઈ શકશે ?’
‘હું ભાણદેવ બોલું છું.’
‘ઓ હો હો ! નમસ્તે ! નમસ્તે ! આપને મારા કોટિ કોટિ નમસ્કાર !’
‘કોટિ નમસ્કાર કૃષ્ણને ! આપણે માટે તો ‘હરિ ઓમ’ જ બરાબર છે.’

‘ધન્ય હો ! ધન્ય હો ! સ્વામીજી ! હું….થી….. બોલું છું. મેં આપનું પુસ્તક ‘ગંગાસતીનું અધ્યાત્મ દર્શન’ વાંચ્યું છે, હૃદયમાં વસી ગયું છે. ભાણદેવજી ! મહારાજ ! એક વાર હું આપનાં દર્શન કરવા ઈચ્છું છું. મારે આપના આશ્રમે આવવું છે. આપ મને રજા આપો.’
‘અરે ! મારા ભાઈ ! દર્શન તો ભગવાનનાં કરાય. માનવીનાં વળી દર્શન શું ? પણ તમે આવો. આપણે મળશું.’
‘હાજી ! હાજી ! આપણા વેણ માથે ચડાવું છું. હું આપના આશ્રમે જરૂર આવીશ. આપને ક્યારે મળવું અનુકૂળ પડે ?’
‘મળવાનો સમય સાંજે 4.00 થી 6.00.’
‘ભલે બાપુ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી !’

ચારેક દિવસ પછી રાત્રે ફરીથી ફોન આવ્યો.
‘હરિ ઓમ.’
‘હું……થી….. બોલું છું. મેં આપને ચાર દિવસ પહેલાં ફોન કર્યો હતો. હું સરકારી નોકરી કરું છું. મને રવિવારે આવવું અનુકૂળ પડે. આવતી કાલે રવિવાર છે. આપ રજા આપો તો આવતી કાલે સાંજે ચાર વાગ્યે આપના આશ્રમે અમે આવીએ.
‘ભલે, આવો.’
‘ભલે, બાપુ ! નમસ્કાર !’
‘હરિ ઓમ.’
બીજે દિવસે સાંજે તેઓ પોતાના બે મિત્રો સાથે આશ્રમે આવી પહોંચ્યા. અમે આશ્રમના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે જ બેઠા. અન્યોન્ય કુશળ સમાચાર પૂછ્યા. પહેલાં તો તેમણે આશ્રમનાં ઘેઘૂર લીલાં વૃક્ષો જોઈને આનંદ વ્યક્ત કર્યો, પ્રસન્નતા વ્યક્ત કરી. પછી મૂળ વાતનો આરંભ કરતાં તેઓ બોલ્યા : ‘બાપુ ! પહેલાં તો મારે મારા જીવનની દાસ્તાન કહેવી છે. કહીને હળવા થવું છે. આપ મારી જીવનકથની સાંભળવાની કૃપા કરો. પછી સત્સંગ કરશું.’
‘અરે જીવનની કથા એ જ સૌથી મોટો સત્સંગ છે. જીવનને બાજુમાં મૂકીને સત્સંગ આપણે નથી કરવો; આપણે તો જીવનનો સત્સંગ કરવો છે. તમે જરા પણ સંકોચ વિના જીવનકથની કહો. એ જ સત્સંગ છે.’
‘વાહ બાપુ ! ધન્ય બાપુ ! આપે મને હળવો કરી દીધો. હવે સંકોચ વિના મારી દાસ્તાન કહી શકીશ.’

આટલી ભૂમિકા પછી તેમણે પોતાની જીવનકથની કહેવાનો પ્રારંભ કર્યો.
‘હું સરકારી નોકરી કરું છું. હું એક નંબરનો લાંચિયો અધિકારી હતો. હું બેફામ દારૂ પીતો. દારૂ વિના કોઈ દિવસ ખાલી ન જાય. સાંજના ચાર વાગે અને મને દારૂની તલપ ચડે. તલપ એટલે કેવી ? રહેવાય નહીં તેવી. જેમ રોજ સાંજ પડે, તેમ મારે રોજ દારૂ જોઈએ જ. તમે માનશો બાપુ ? હું હનુમાનચાલીસાનો પાઠ દારૂ પીને કરતો. માંસાહાર પણ ખૂબ કરતો. દારૂ પીવો, માંસ ખાવું એટલે ધન પણ જોઈએ. એટલે લાંચ પણ ખૂબ લીધી છે. દારૂ-માંસ-લાંચ – આ ત્રણમાં મારું જીવન રગદોળાઈ ગયું. ઘર આખું દુ:ખી દુ:ખી થઈ ગયું. મને પણ વચ્ચે વચ્ચે મનમાં થતું – આ ખોટું થાય છે, પણ તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાતો નહીં. પણ ઉપરવાળો કૃપાળુ છે. એક ધડાકે હું આ ત્રણેય બદીઓથી સાવ મુક્ત થઈ ગયો. હું તો સુખી થયો, પણ આખું કુટુંબ રાજી રાજી થઈ ગયું.’

મેં તેમની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતાં કહ્યું : ‘પણ આ બધું બન્યું કેવી રીતે ? તમે આમાંથી મુક્ત થયા કેવી રીતે ?’
‘હા બાપુ ! એ જ તો કહું છું. એ જ તો મારે કહેવું છે !’ આટલું બોલી તેઓ થંભી ગયા. થોડી વાર અટકીને તેમણે બોલવાનો પ્રારંભ કર્યો, પણ મુખમાંથી શબ્દો નીકળે ત્યાર પહેલાં તો આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. ગળે ડૂમો ભરાઈ ગયો. આંસુને ખાળવાનો અને ડૂમાને નિવારવાનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ તેમ ન બની શક્યું. ચોધાર આંસુ વહેવા લાગ્યાં અને પછી તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જાણે બંધ છૂટી ગયા. આંસુ વહી ગયાં. ધ્રુસકાં શાંત થઈ ગયાં અને પોતે પણ શાંત થઈ ગયાં. આંસુ લૂછીને, થોડું પાણી પીને તેમણે પ્રારંભ કર્યો : ‘અષાઢ માસના શુકલ પક્ષની ત્રયોદશીથી કૃષ્ણપક્ષની દ્વિતિયા સુધી કન્યાઓ જયાપાર્વતીનું વ્રત કરે છે. તદનુસાર મારી દીકરીએ પણ વ્રતનો પ્રારંભ કર્યો. દીકરી સોળ વર્ષની છે. આપણે સૌ જાણીએ છીએ કે કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. કહેવાય છે કે ભગવતી પાર્વતીજીએ પતિરૂપે શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું. દીકરી વ્રત કરે છે. અમે સૌ તેના વ્રતમાં સહાયભૂત થઈએ. મને મારી દીકરી પર ખૂબ હેત. પિતાને દીકરી પર હેત જ હોય ને !

વ્રતના આ દિવસો દરમિયાન એક વાર મારી આ દીકરી, એની મા, મારો દીકરો અને મારી બીજી નાની દીકરી સૌ બેઠાં હતાં. મેં મારી દીકરીને પૂછ્યું : ‘બેટા ! તમે સૌ દીકરીઓ આ જયાપાર્વતીનું વ્રત શા માટે કરો છો – એની તને ખબર છે ?’ દીકરી પહેલાં તો શાંત રહી, જાણે અંતરમાં કંઈક શોધતી હોય તેમ શાંત રહી. અને પછી જાણે શોધીને બહાર લાવી હોય તેમ બોલી, ‘પપ્પા ! સૌને ખબર છે, તેમ મને પણ ખબર છે કે અમે સૌ કન્યાઓ સારો પતિ મેળવવા માટે વ્રત કરીએ છીએ. પણ એ તો બહુ દૂરની વાત છે. મારા મનમાં એવો કોઈ ભાવ નથી.
‘તો બેટા ! તારા મનમાં શો ભાવ છે ?’
દીકરી ગંભીર બની ગઈ. તેનો લાલ ચહેરો વધુ લાલ બની ગયો. આંખો સ્થિર અને પહોળી બની ગઈ. તે ગંભીર ભાવે અને જોશભેર બોલી :
‘પપ્પા, એ ભાવને તમે સમજી શકશો ? એ ભાવને તમે ઝીરવી શકશો ?’
મને લાગ્યું કે દીકરી કોઈક વિશેષ મહત્વપૂર્ણ વાત કહેવા માગે છે. અમે સૌ ગંભીર અને આતુર બની ગયાં. વાતાવરણ કાંઈક ગંભીર અને ઉત્તેજનાપૂર્ણ બની ગયું. હું કાંઈક ખાસિયાણો પડી ગયો. પણ આખરે મેં કહ્યું : ‘હા, દીકરી ! તારા ભાવને હું જરૂર સમજીશ. દીકરીના ભાવને બાપ ન સમજે તો બીજું કોણ સમજે ?’

દીકરીને જાણે સત ચડ્યું. તેની આંખોમાંથી તેજનાં કિરણો ફેલાવા લાગ્યાં અને જાણે તેની નાભિમાંથી વાણી નીકળી : ‘તો સાંભળી લો, પપ્પા ! હું સારો પતિ મેળવવા માટે નહિ, પરંતુ સારો પિતા મેળવવા માટે આ જયા-પાર્વતીનું વ્રત કરું છું. હું જગદંબા ભવાની પાસે કાકલૂદી કરીને રોજ રોજ માંગું છું – મને સારો પિતા આપ. મારા પિતા દારૂમાંથી મુક્ત થાય, મારા પિતા માંસાહારમાંથી મુક્ત થાય, મારા પિતા લાંચની બદીમાંથી મુક્ત થાય. જોગમાયા ! જો મારું વ્રત સાચું હોય, જો તું મારા વ્રતથી પ્રસન્ન હો તો મા ! મને એટલું આપ – મારા પિતા પવિત્ર જીવન પામે અને તેમના થકી અમારા આખા પરિવારમાં પવિત્રતા અને પ્રસન્નતા છલકાઈ ઊઠે.’ દીકરીની આંખોમાંથી શ્રાવણભાદરવો વહેવા માંડ્યો. અમે સૌ સ્તબ્ધ બની ગયાં. આ દીકરીના હૃદયમાંથી જાણે જગદંબા ભવાની જ બોલતાં હોય તેમ અમને લાગ્યું. દીકરીના સાવ સાચુકલાં આંસુ અને તેના આંસુભીના શબ્દોએ મારા હૃદયને ભેદી નાખ્યું. મેં ચોધાર આંસુએ રડતાં રડતાં દીકરીને વચન આપ્યું, ‘બેટા ! મારી દીકરી ! મારી મા ! તારું જયા-પાર્વતીનું વ્રત ફળ્યું છે. હું તને જગદંબાની સાક્ષીએ વચન આપું છું – આજથી દારૂ, માંસ અને લાંચ મારે હરામ છે. તું તો અમારા કુળની દેવી છે ! હવેથી આ જન્મે કદી દારૂ પીશ નહિ. માંસાહાર કરીશ નહિ અને લાંચ સ્વીકારીશ નહિ.’

દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં મને ભેટી પડી. આખું કુટુંબ ધ્રુસકે ચડ્યું. કોણ કોને છાનું રાખે ? આખરે તેની મા શાંત થઈ ગઈ. તેણે અમને સૌને શાંત કર્યા, છાનાં રાખ્યાં. આ અમારા કુટુંબનું છેલ્લું સમૂહ રુદન હતું. હવે કુટુંબમાં પવિત્રતા છે. સાત્વિકતા છે અને તેથી ભરપૂર પ્રસન્નતા છે. પોતાના જીવનની આ કથની તેમણે કહી. આટલું કહેતાં કહેતાં તેમની આંખોમાં ફરી આંસુ છલકાયાં. હવે બોલવાનો વારો મારો હતો. મેં કહ્યું : ‘આ તમારી દીકરીએ માતાનું કામ કર્યું છે. ગાંધીજી જ્યારે ભણવા માટે ઈંગલેન્ડ ગયા ત્યારે તેમની માતા પૂતળીબાઈએ તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી કે માંસ નહિ ખાઉં, દારૂ નહિ પીઉં અને ચારિત્ર્ય જાળવીશ. આ તમારી દીકરીએ માતા પૂતળીબાઈનું કાર્ય કર્યું છે. હવે આ પ્રતિજ્ઞાઓ પાળજો. તમે ભાગ્યવાન છો કે તમને આવી દીકરી મળી છે. ભગવાન સૌ ગૃહસ્થોને આવી દીકરીઓ આપે !’