- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ

[ ડૉ. પ્રવીણભાઈની કલમે આપણે અગાઉ ‘વિસલખાડીના સંસ્મરણો’ માણ્યા હતા. આજે તાજેતરમાં તેમણે કરેલ દુબઈ પ્રવાસને માણીએ. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

‘દુબઈ’ એક એવું નામ છે કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દુનિયાનાં ફરવાલાયક સ્થળોમાં દુબઈનું નામ અગ્રસ્થાને છે. વળી હમણાં જ થોડાક મહિનાઓ પહેલાં, દુબઈમાં દુનિયાનું સૌથી ઊંચું મકાન ‘બુર્જ ખલીફા’ બન્યું છે, એથી તો દુબઈ ખૂબ જ જાણીતું થયું છે. કુઆલાલામપુરના પેટ્રોનાસ ટાવર, શિકાગોનો સીયર્સ ટાવર કે ચીનના તાઈપેઈ બિલ્ડિંગ કરતાં પણ ‘બુર્જ ખલીફા’ વધુ ઊંચું છે. તેની ઉંચાઈ 828 મીટર અને માળની સંખ્યા છે 164. વળી આ મકાનના બાંધકામ વખતે એવી વ્યવસ્થા રાખી છે કે ભવિષ્યમાં દુનિયામાં બીજે ક્યાંય જો કોઈ આનાથી ઊંચું મકાન બાંધે તો દુબઈના આ મકાન પર થોડા વધુ માળ ચણીને ફરીથી તેને દુનિયાના ઊંચામાં ઊંચા બિલ્ડીંગનું બિરુદ અપાવી શકાય. આ બધું જાણ્યા પછી અમારી દુબઈ ફરવા જવાની ઈચ્છા પ્રબળ બની ગઈ. તેથી અમે કુટુંબના છ જણાએ દુબઈ જવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. દુબઈમાં રહેવા માટે હોટલો ઘણી મોંઘી છે, એટલે ટૂર ઑપરેટર દ્વારા જ જવાનું વધુ અનુકૂળ રહે. આવા એક પેકેજમાં અમે બુકીંગ કરાવી લીધું.

હવે થોડો દુબઈનો પરિચય મેળવી લઈએ. અમદાવાદથી દુબઈનું અંતર આશરે 2500 કિલોમીટર છે. અમદાવાદની પશ્ચિમે, અરબી સમુદ્ર પછી રણપ્રદેશમાં આવેલા આરબ દેશોમાં, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) નામનો એક દેશ છે. આ દેશનાં સાત રાજ્યોમાંનું એક દુબઈ છે. અબુધાબી, શારજાહ વિગેરે અન્ય રાજ્યો છે. દુબઈ શહેરનો વિસ્તાર આશરે 80 ચોરસ કિલોમીટર છે જે અમદાવાદની સરખામણીમાં થોડો નાનો કહેવાય. દુબઈની વસ્તી આશરે 20 લાખની છે જેમાં મૂળ અરબી લોકો તો માત્ર 20 ટકા જ છે, બાકીના 50 ટકા ભારતીયો અને 30 ટકા અન્ય પ્રજા છે ! રણપ્રદેશ હોવાથી અહીં વરસાદ તો ખાલી કહેવા પૂરતો જ પડે છે. અહીં નદી, નાળાં, કૂવા કે તળાવ છે જ નહિ. હા, બાજુમાં દરિયો ખરો. એથી જ પીવાનું પાણી પણ દરિયાના ખારા પાણીમાંથી મોટા પ્લાન્ટો દ્વારા શુદ્ધ કરીને મેળવાય છે. ખજૂરી સિવાય અહીં કોઈ ખેતીની પેદાશ નથી. એટલે શાક, અનાજ, કઠોળ, મસાલા – એમ બધી જ વસ્તુ બીજા દેશોમાંથી આયાત થાય છે. દૂધ માટે ગાયોનાં મોટાં ફાર્મ ઊભા કર્યાં છે અને ગાયો ઓસ્ટ્રેલિયાથી લાવીને વસાવી છે.

અબુધાબી તથા અન્ય રાજ્યોમાં પુષ્કળ ખનીજ તેલ નીકળે છે. તેલને લીધે સમૃદ્ધિ ખૂબ વધી છે. UAE માં આપણા જેવી લોકશાહી નથી. ત્યાં બધાં રાજ્યોમાં રાજાશાહી છે. ચૂંટણીઓ થતી નથી. દુબઈનો હાલનો રાજા શેખ મહોમ્મદ છે. રાજાની આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે – અમીરાત એરલાઈન્સ, મકાનોનાં ભાડાં અને ટૂરિસ્ટો. તમારે દુબઈમાં કોઈ ધંધો કરવો હોય કે કંપની ઊભી કરવી હોય તો રાજાની સરકાર સાથે કરાર કરવાના અને અમુક ટકા આવક સરકારને આપી દેવાની. આ સિવાય અન્ય કોઈ ટેક્સ નહિ, ઈન્કમટેક્સ નહિ, રોડ ટેક્સ નહિ, પાણી કે શિક્ષણ વેરો નહિ, કોઈ કનડગત નહિ, લાંચરુશવત કે ભ્રષ્ટાચાર નહિ, રાજા ખુશ અને પ્રજા પણ ખુશ ! હા, ગુનો કરો તો સજા ખૂબ કડક. આજીજી કરીને ગુનામાંથી છટકી ન શકાય. અહીં પોલીસખાતામાં એક શબ્દ ખૂબ પ્રચલિત છે, ‘माफी मुश्किल’ દુબઈમાં બાંધકામનો ધંધો તો તેજીમાં છે જ. આ ઉપરાંત સરકારે ઘણા નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. એટલે બીજા દેશોમાંથી લોકો કમાવા માટે દુબઈ તરફ દોડે છે. આવક તો સારી થાય છે, પણ વતનની યાદ કોને ન સતાવે ?

અહીં અરબી ભાષા ખરી, પરંતુ આરબો ય હિન્દી ભાષા શીખી ગયા છે, એટલે ભાષાની મુશ્કેલી પડતી નથી. અહીં ગુજરાતી જમવાનું પણ મળી રહે છે. અહીંના રાજા પાસે પૈસા ખૂબ છે એટલે છેલ્લાં પંદર વર્ષમાં લગભગ નવુ દુબઈ બાંધ્યું છે. જૂનું મકાન અહીં ક્યાંયે જોવા નહિ મળે. રસ્તાઓ પણ ખૂબ સરસ અને પહોળા. પાણીના રેલાની જેમ ગાડીઓ દોડે. સ્કૂટર કે બાઈકનું ચલણ છે જ નહિ. ગંદકીનું નામનિશાન નહિ એટલે શહેર સોહામણું લાગે. પણ ઉનાળામાં ગરમી સખત પડે. એપ્રિલ-મેમાં તો પારો 55 સે. સુધી પહોંચી જાય. આથી સીટીબસ માટેનાં બસસ્ટેન્ડ પણ કાચથી બંધ કરીને એ.સી. બનાવેલાં છે. દુબઈનું નાણું ‘દિરહામ’ છે. એક દિરહામ એટલે આશરે 12.50 રૂપિયા. રૂપિયાને દિરહામમાં કે ડૉલરમાં ફેરવવાનું અહીં ખૂબ આસાન છે. દુબઈમાં પેટ્રોલ, પાણી કરતાંય સસ્તુ છે. પાણી એક લિટરની બોટલના 2 દિરહામ જ્યારે એક લિટર પેટ્રોલ દોઢ દિરહામમાં મળે !

હવે કરીએ પ્રવાસની વાત ! અમદાવાદથી ઉપડેલા ‘અમીરાત એરલાઈન્સ’ના વિમાને અમને ત્રણ કલાકમાં તો દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારી દીધા. અમીરાતના વિમાનની એરહોસ્ટેસના યુનિફોર્મમાં માથા પર ખાસ પ્રકારનો સાફો હોય છે જેની તરફ નજર ગયા વિના રહે નહીં. દુબઈનું એરપોર્ટ ઘણું વિશાળ છે. દુનિયાનાં સારાં એરપોર્ટની કક્ષાનું ગણી શકાય. દુબઈમાં અમારું બુકિંગ હોટલ ‘ડોલ્ફીન’માં હતું. ત્યાં અમને લેવા આવેલા ભાઈ ગાડીમાં અમને હોટલે દોરી ગયા. ટૂર ઓપરેટરે એક મોમેન્ટો આપી અમારું સ્વાગત કર્યું.

હોટેલમાં થોડો આરામ કરી, તાજામાજા થઈ, સૌપ્રથમ અમે દુબઈ મ્યુઝીયમ જોવા ગયા. તે નજીક હોવાથી અમે ચાલતા ગયા. દુબઈની બજારો આપણા મુંબઈ જેવી લાગે પણ અહીં સ્વચ્છતા અને વ્યવસ્થિતતા ખૂબ જ જોવા મળે. મ્યુઝિયમમાં જૂનાપુરાણા દુબઈનું જીવન, બજારો, મકાનો, ધંધા વગેરેનાં પૂર્ણ કદનાં મોડલ મૂકેલાં છે. આ બધું જોઈને પુરાણા દુબઈની તાસીર મનમાં ઉપસવા લાગી. સાંજે ‘ધાઉ ક્રૂઝ’ની સહેલગાહે નીકળ્યા. દુબઈમાં શહેરની વચ્ચેથી પસાર થતી અને દરિયા સાથે જોડાતી એક કૃત્રિમ ખાડી બનાવવામાં આવી છે. આ ખાડીમાં ધાઉ ક્રૂઝ નામની બે માળની બોટની સફર ખૂબ જ રોમાંચક છે. અંધારુ થયા પછી, ખાડીની બંને બાજુ રોશનીમાં ઝળાંહળાં થતા દુબઈનું દર્શન ખૂબ જ મનોહર લાગે છે. જાણે કે સ્વર્ગીય દુનિયામાં આવી ગયા હોઈએ એવું લાગે ! રાત્રિભોજન પણ બોટમાં જ રાખવામાં આવ્યું હતું. બોટમાં બે કલાક જેટલું ફરીને અમે હોટલ પર પહોંચ્યા.

બીજે દિવસે દુબઈ-દર્શન એટલે કે ‘સીટી ટુર’ હતી. ડ્રાઈવર સાજીદ ગાડી સાથે સમયસર આવી ગયો. તે ચાલુ ગાડીએ જોવાલાયક સ્થળોનું વર્ણન કરતો જતો. તેને હિન્દી સરસ આવડતું હતું. સ્વભાવનો પણ ઘણો જ સાલસ હતો. દુબઈના બે ભાગ છે; એક ‘બરદુબઈ’ અને બીજું ખાડીની સામે આવેલું ‘ડેરાદુબઈ’ આ બંનેને જોડતો રસ્તો, ખાડીની નીચે બનાવેલી ટનલમાંથી પસાર થાય છે. ત્યાં ખ્યાલ પણ ન આવે કે આપણે ખાડીની નીચે છીએ ! ડેરાદુબઈમાં ‘ગોલ્ડ સુક’ના નામે જાણીતું સોનાનાં ઘરેણાનું ખૂબ મોટું બજાર છે. દુનિયાભરના પ્રવાસીઓને અહીંથી ઘરેણાં ખરીદવાનું મન થઈ જાય છે, ભારતીયોને તો ખાસ ! ‘જુમેરા રોડ’ એ દુબઈનો ખૂબ જાણીતો રોડ છે. ત્યાં આગળનો દરિયાકિનારો ‘જુમેરા બીચ’ તરીકે ઓળખાય છે. અહીં દરિયાનું પાણી એટલું સ્વચ્છ અને ક્રીસ્ટલ જેવું છે કે તળિયું એકદમ સ્પષ્ટ દેખાય. એમ થાય કે અહીં દરિયામાં બેસીને નાહ્યા જ કરીએ…. આ બીચ આગળ ‘બુર્જ અલ અરબ’ નામની શઢ આકારની હોટલ આવેલી છે. આ હોટલ દુબઈની શાન છે. 30 માળની આ હોટલમાં નાસ્તો કરવાનો ભાવ જ 350 દિરહામ (આશરે 4300 રૂ.) છે ! ત્યાં રાત્રે રહેવાના ભાવની તો વાત જ શું કરવી ! અહીં છેક ઉપર હેલિપેડ બાંધેલું છે. આગળ જતાં ‘જુમેરા પામ આઈલેન્ડ’ અને હોટલ એટલાન્ટીસ છે. પામ આઈલેન્ડ એ સમુદ્ર પર કૃત્રિમ રીતે બનાવેલ રસ્તા અને મકાનોનો ટાપુ છે. હેલિકોપ્ટરમાંથી જોઈએ તો આખો આકાર ખજૂરીના ઝાડ અને તેની ડાળખીઓ જેવો લાગે. હોટલ એટલાન્ટિસમાંનું એક્વેરિયમ (માછલીઘર) અદ્દભુત છે. જાણે કે આપણે દરિયામાં ઉતરીને બાજુમાંના સમુદ્રને જોતા હોઈએ એવો ભાસ થાય. રાજા મહોમ્મદનો મહેલ તો ભવ્યાતિભવ્ય હોય જ. અમે તેને બહારથી નિહાળ્યો. દુબઈમાં મેટ્રો ટ્રેન અને મોનો રેલ છે, તે ક્યાંક ક્યાંક દેખા દઈ દે છે.

‘સીટી ટુર’ પૂરી થયા પછી સાંજના ‘બુર્જ ખલીફા’ જોવા ગયા. દુનિયાના ઊંચામાં ઊંચા મકાનની સાવ બાજુમાં ઊભા રહેતાં મનમાં એક જાતનો રોમાંચ થયો. ત્યાં ઉપર જવાની મનાઈ છે, નહીં તો રૂ. 1200ની ટિકિટ લઈનેય ઉપર જરૂર ગયા હોત ! તેની સામે એક તળાવમાં મ્યુઝિકલ ફુવારા ગોઠવવામાં આવ્યા છે. સંગીતના તાલે ફુવારા ડોલે અને ખૂબ ઊંચે ઊડે, પણ પેલા મકાનની ટોચ સુધી પહોંચવાનું તેમનું ગજુ નહિ ! સાંજનો સમય હતો, ખૂબ જ સહેલાણીઓ આવ્યા હતા. એકાદ કલાક અહીં બેસી, બાજુનો દુબઈ મૉલ જોઈ, મનમાં આનંદ ભરીને હોટલ પર પહોંચ્યા.


ત્રીજે દિવસે સવારે મેટ્રો ટ્રેનમાં ‘અમીરાત’ મૉલ જોવા ગયા. આ મૉલમાં એક ‘સ્નો પાર્ક’ બનાવ્યો છે. તેમાં માઈનસ ત્રણ સે. જેટલું તાપમાન જાળવી રાખવામાં આવ્યું છે. તેની સો દિરહામ ટિકિટ છે. જાકીટ અને બૂટ પહેરીને અંદર જાવ એટલે જાણે કે દક્ષિણધ્રુવના બરફ પર ફરતા હોઈએ એવો અનુભવ થાય. અહીં ટાયર કે પ્લાસ્ટીકના પતરા પર બેસી બરફ પર સરકવાની તથા રોપ-વેની મજા કંઈ ઓર જ છે ! બપોર પછીનો પ્રોગ્રામ હતો ‘ડેઝર્ટ સફારી’. ખૂબ જ દિલધડક અનુભવ રહ્યો. દુબઈથી પચીસેક કિલોમીટર દૂર રેતીના રણમાં, ઊંચાનીચા ઢુવા પર, લેન્ડક્રુઝર ગાડી રેતીમાં દોડતી જાય, એકદમ ઢાળ પર ચડે, ઊતરે, ત્રાંસી દોડે અને રેતીના ઢગલાની કિનારી પર દોડે….. કેવી મજા ! એ પછી રણમાં બનાવેલી ઝૂંપડીઓમાં ખજૂરથી સ્વાગત, ચા, કોફી, કોલ્ડડ્રીંક અને ડીનર અને છેલ્લે લટકામાં અરબી લોકોએ યોજેલ મનોરંજક કાર્યક્રમ. જિંદગીની આ ખૂબ જ યાદગાર ક્ષણો રહી. ‘ડેઝર્ટ સફારી’ એ દુબઈનું મોટામાં મોટું આકર્ષણ લાગ્યું. એ પછી અમે દુબઈ મ્યુઝીયમ પાછળ આવેલાં શ્રીનાથજી અને શિવમંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ બજારોમાં ફર્યા અને ખરીદી કરી.

પાંચમા અને છેલ્લા દિવસે, દુબઈથી 150 કિલોમીટર દૂર આવેલ ‘અલ એન’ શહેર જોવા ગયા. ત્યાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝીયમ અને ટેકરીઓ પર આવેલ ગરમ પાણીના ઝરા જોયા. પ્રાણીસંગ્રહાલયમાં ડાયનોસોર પાર્ક ગમ્યો. અમે રસ્તામાં એક વિશેષ બાબત એ નોંધી કે અહીં એક શહેરથી બીજા શહેર જવાના આખા રસ્તા પર લાઈટોની વ્યવસ્થા હતી, જે સામાન્યત: આપણે ત્યાં નથી હોતી. છેવટે અમારો દુબઈ પ્રવાસ પૂર્ણ થયો. રાત્રે વિમાનમાં બેસીને સવારે તો અમદાવાદ પહોંચી ગયા ! દુબઈ એકવાર જોવાલાયક તો ખરું જ, એમ લાગ્યું. ખાસ તો ત્યાંની સ્વચ્છતા, સુઘડતા, મકાનો, ડેઝર્ટ સફારી, સ્નો પાર્ક, બુર્જ ખલીફા, જુમેરા બીચ, પામ આઈલેન્ડ, એકવેરિયમ અને મિલનસાર સ્વભાવના લોકો – આ બધું મગજની મેમરીમાં કંડારાઈ ગયું છે અને હંમેશા યાદ રહેશે.

વિશેષ નોંધ : ‘અલ એન’ શહેર જોવા જવાને બદલે, અબુ ધાબી જોવા જવાનું પસંદ કરી શકાય.