સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે

[‘વિચારવલોણું’ માર્ચ-2010માંથી સાભાર.]

મને યાદ આવે છે, મારું બાળપણ. હું જમવા બેસતો, ત્યારે મારી મા મને પૂછતી, ‘તુલસીને પાણી પાયું ?’ જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મા મને ખાવા નહોતી આપતી. બાળપણથી જ આ કેવા સારા સંસ્કાર મને મા તરફથી મળ્યા ! ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં. ખાધા પહેલાં તુલસીના છોડને પાણી પાવું, ગાય ને કૂતરા માટે કાંઈક અલગ રાખવું, એ ભારતીય સંસ્કૃતિનો વિચાર છે. તેમાં મૂળ વાત એ છે કે માણસ એકલો નથી, આ વૃક્ષ-વનસ્પતિ છે, પશુ-પંખી છે, એ બધાંનોય આપણે જે ખાઈએ-પીએ છીએ, તેમાં કાંઈક ને કાંઈક હિસ્સો છે, એવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં રૂઢ થયેલી છે. આપણને આ જે મહાન વારસો મળ્યો છે, તેને કાયમ રાખવાની અને વધારતા રહેવાની જવાબદારી આપણા ઉપર છે.

‘ઈશાવાસ્યં ઈદં સર્વમ….’ – ઈશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર ભારતીય દર્શનના સાર રૂપ છે. તેમાં ભારતીય સંસ્કૃતિનો નિચોડ આવી જાય છે. આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે, માણસે ત્યાગવૃત્તિથી જીવન જીવવાનું છે, બીજાની ભોગવૃત્તિની ઈર્ષ્યા કરવાની નથી – આવો ત્રિવિધ સંદેશ આ એક જ મંત્રમાં આપી દેવાયો છે. આપણા સમાજશાસ્ત્રનો આ પાયો છે. માણસે પોતાના ભોગને યોગમય કરવાનો છે. આપણે જો ભોગ પાછળ પડીશું, તો આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ જઈશું અને માર ખાઈશું.

આખીયે સચરાચર સૃષ્ટિ ઈશ્વરથી ભરી છે, કોઈ ચીજ તેના વિના ખાલી નથી. આટલું સમજીને આપણે બધું એને અર્પણ કરવું જોઈએ અને જે કાંઈ એની પાસેથી મળે, તે પ્રસાદ માનીને ગ્રહણ કરવું જોઈએ. મારું કાંઈ નથી, બધું ઈશ્વરનું છે, એવી ભાવના રાખવી જોઈએ. સૃષ્ટિ તરફ જોવાની અને માનવ-જીવન તરફ જોવાની એક સ્વસ્થ નરવી દષ્ટિ તેમાં જોવા મળે છે. આવી નીતરી નરવી જીવનદષ્ટિની દુનિયાને આજે તાતી જરૂર છે. આ દેશમાં આપણે લોકો નદીઓને માતા માનીએ છીએ. આપણી કન્યાઓનાં નામ પણ ગંગા, જમના, ગોદાવરી વગેરે નદીઓનાં નામ પરથી રાખીએ છીએ. આપણે ત્યાં પાણી પ્રત્યે એટલી વિલક્ષણ શ્રદ્ધા છે કે જ્યાં-જ્યાં નદીઓ છે, ત્યાં આપણે તીર્થક્ષેત્ર ઊભાં કરી દીધાં છે. વૈદિક ઋષિ નદીને કહે છે, ‘હે દેવી ! દૂધ જેવાં પવિત્ર, પાવન, મધુર જળ લાવનારી તું ધેનુ જેવી છે. જેમ ગાય વાછરડાંને છોડીને જંગલમાં નથી રહી શકતી, તેમ તમે નદીઓ પણ પર્વતોમાં નથી રહી શકતી. તમે તરસ્યાં બાળકોને મળવા એકદમ દોડી આવો છો.’

નદી ઈશ્વરની વહેતી કરુણા છે અને ઈશ્વરની કરુણા સહુને સમાન રૂપે ઉપલબ્ધ છે. નદીઓ માટે આપણા દેશમાં અત્યંત પ્રેમ અને આદર રહ્યો છે. પાણીમાં અખંડ પ્રવાહ, પરોપકાર, કરુણા, ઉદારતા, શીતલતા આદિ ઘણા ગુણ જોવા મળે છે. ગમે તેવો સંતપ્ત માણસ ઠંડા જળમાં સ્નાન કરતાં જ શાંતિ પામે છે, પ્રસન્નતા પામે છે. સંસ્કૃતિમાં ‘પ્રસન્ન’ શબ્દ નિર્મળના અર્થમાં વાપરવામાં આવે છે. સ્વચ્છ પાણીને ‘પ્રસન્ન જલમ’ કહે છે. આપણા શાસ્ત્રકારોએ જળાશયોની પવિત્રતા બાબત ઘણા નિયમો બનાવ્યા હતા. પરંતુ આજે આમાંના એકેયનો અમલ નથી થઈ રહ્યો. આ એક ધર્મકાર્ય મનાવું જોઈએ. સૂર્ય, નદીઓ, વિશાળ સાગર એ બધી પરમેશ્વરની જ વિભૂતિઓ છે. અને એ પવન ! ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, કાંઈ ખબર નથી. જાણે ભગવાનનો દૂત જ છે ! હિંદુસ્તાનમાં કેટલાય વાયુ સ્થિર હિમાલય પરથી આવે છે. કેટલાક ગંભીર સાગર પરથી. આ પવિત્ર વાયુ આપણા હૃદયને સ્પર્શે છે, આપણને જાગૃત કરે છે, આપણા કાનોમાં ગૂંજે છે. પરમેશ્વરનો પ્રેમભર્યો સંદેશ આ વાયુ સાથે હરઘડી આવી રહ્યો છે. ઋગવેદમાં આપણા દેશની સીમા સિંધુથી પરાવત સુધીની માની છે. સિંધુ એટલે દક્ષિણ મહાસાગર અને પરાવત એટલે હિમાલયના પર્વતો. એક હિમાલય તરફથી અને બીજો સિંધુ તરફથી. એમ બે વાયુ આ ભારતભૂમિ પર વહે છે.

આવું જ નીલવર્ણ આકાશ છે. આકાશનો નીલ વર્ણ અવિરોધવૃત્તિનો સૂચક છે. આ નીલ વર્ણ આંખોને શાંતિ આપે છે. આકાશની આ શાંત વૃત્તિને કારણે આકાશને શૂન્ય નામ પણ આપવામાં આવ્યું છે. એમ પણ કહ્યું છે ને કે રામનું રૂપ નભ સમાન છે. આ જ આકાશમાં જ્યારે મેઘનું આગમન થાય છે, ત્યારે મેઘના દર્શનથી હૃદય ભરાઈ જાય છે. નિસર્ગની આ બધી વિવિધ ઘટનાઓ પ્રત્યે માણસ શી રીતે ઉદાસીન રહી શકે ? આપણે ત્યાં વેદકાળથી સંધ્યા-ઉપાસના ચાલી આવી છે. ખાસ કરીને સૂર્ય સાથે તેનો સંબંધ જોડાયેલો છે. આપણી અને સૂર્યની વચ્ચે એક નાતો છે. ઉપનિષદમાં એક વાક્ય આવે છે કે સૂર્યનાં કિરણો નાડીઓના માર્ગે હૃદયમાં પહોંચે છે. સૂર્ય અને હૃદય વચ્ચે એક રાજમાર્ગ બનેલો છે, અને તે દ્વારા અહીંથી ત્યાં આવ-જા થઈ શકે છે. જેમ સૂર્ય-કિરણો હૃદય સુધી પહોંચી શકે છે, તેમ હૃદય પણ સૂર્ય સુધી પહોંચી શકે છે. આનો અનુભવ મને તો થાય જ છે. મને ન કેવળ સૂર્ય બાબત આવો અનુભવ થાય છે, બલ્કે તારિકાઓ બાબતમાંયે આવો જ અનુભવ આવે છે. રાતે આકાશ-દર્શન કરતી વખતે એવો અનુભવ થાય છે કે તારિકાઓ અને આપણી વચ્ચેય કોઈ રસ્તો બનેલો છે. આવો જ નાતો માણસનો વૃક્ષો સાથે પણ છે. જ્યાં સુધી વૃક્ષોનો સંબંધ છે, મારું માનવું છે કે કેટલાંક વૃક્ષોમાં ચેતના સુપ્ત છે અને કેટલાંક વૃક્ષો સમાધિસ્થ હોય છે. ક્યું વૃક્ષ સમાધિસ્થ છે, તે જાણવું મુશ્કેલ છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઈ, તે એ સમાધિસ્થ વૃક્ષનું પરિણામ હતું, એમ મારું માનવું છે. જો કે આ તો કલ્પનાની બાબત છે. પરંતુ વૃક્ષ પણ ઉપાસનાનું સાધન તો છે જ.

આમ, સૃષ્ટિ સાથે આપણો ગાઢ નાતો છે. આપણે એક વિશ્વ વ્યાપક શક્તિની ગોદમાં છીએ, એવી અનુભૂતિ આપણને થવી જોઈએ. માની ગોદમાં બાળક કેવું નિશ્ચિત હોય છે ! એ વખતે જાણે એ દુનિયાનો બાદશાહ હોય છે. તમે અને હું પણ એવી જ રીતે વિશ્વંભર સૃષ્ટિ માતાની ગોદમાં પ્રેમ, વિશ્વાસ ને જ્ઞાનપૂર્વક જીવવાનો અભ્યાસ કરીએ. જે શક્તિના આધારે મારું આ આખું જીવન ચાલી રહ્યું છે, તે શક્તિનો મારે વધુ ને વધુ પરિચય કરી લેવો જોઈએ. તે શક્તિની મને ઉત્તરોત્તર દઢ પ્રતીતિ થવી જોઈએ. જેમ જેમ મને તે શક્તિનો અનુભવ થતો જશે, તેમ તેમ મારો વિકાસ થતો જશે.

પંડિત જવાહરલાલ નહેરુનું એક વાક્ય મને યાદ રહી ગયું છે. એકવાર વાતચીતમાં તેમણે મને કહ્યું, અંગ્રેજીમાં બોલ્યા – ‘નેશન્સ ડિકે, વ્હેન ધે લુઝ કોન્ટેક્ટ વિથ નેચર !’ એટલે કે કુદરત સાથેનો સ્પર્શ નથી રહેતો, ત્યારે રાષ્ટ્ર ક્ષીણ થાય છે, તેનો ક્ષય થાય છે. એટલા વાસ્તે આપણો કુદરત સાથે, પ્રકૃતિ સાથે, ખેતી વગેરે સાથે સંબંધ હોવો અત્યંત આવશ્યક છે. માટે પ્રકૃતિનું સાંનિધ્ય છોડીને હું કાંઈપણ કરવા તૈયાર નથી – જનસેવા કે વેદાધ્યયન પણ નહીં. પ્રકૃતિને છોડીને બીજું કાંઈપણ સ્વીકારવાની મારી તૈયારી નથી. ક્યાંય પણ ખુલ્લી હવામાં જાઉં છું, પહાડ-નદી-આસમાન તરફ જોઉં છું, તો મારા અંતર્ગત ભાવ ખૂલી જાય છે. ત્યારે આપણું દિલ ખુલ્લું હોય, તો ભગવદભાવ, સદભાવ સહેજે દિલમાં પ્રવેશી શકે છે. એકનાથનું ભજન છે, ‘સાકર દિસે પર ગોડી ન દિસે’ – સાકર દેખાય છે, પણ તેની મીઠાશ નથી દેખાતી. મીઠાશ તો ચાખવાથી જ સમજમાં આવે છે. એકનાથ સમજાવે છે કે પરમેશ્વર મીઠાશ છે, અને આ સૃષ્ટિ, આ બધા લોકો છે, સાકર. આપણી આંખોને સાકર (સૃષ્ટિ) દેખાય છે, પણ મીઠાશ (ઈશ્વર) દેખાતી નથી. પરંતુ સાકર વિના અવ્યક્ત મીઠાશને માણસ ન તો ચાખી શકે છે, ન તેની કલ્પનાયે કરી શકે છે.

એટલા વાસ્તે તો મીઠાશે સાકરનું રૂપ લીધું છે. જીભથી સાકરનો સ્પર્શ ન કરીએ અને છતાં મીઠાશ ચાખીએ, તે સંભવ નથી. ઈશ્વરના આકલનના પણ આ જ હાલ છે. ઈશ્વર જ્યારે કોઈ ને કોઈ દશ્ય સ્વરૂપમાં આવે છે, ત્યારે જ તેનું આકલન કે ગ્રહણ થઈ શકે છે. આપણી સામે આ જે સમસ્ત સચરાચર સૃષ્ટિ છે અને માનવ-સમાજ છે, તે બધું જ કાંઈ પરમેશ્વરનું રૂપ છે. આ સૃષ્ટિ, આ વિશ્વ જ ઈશ્વરનું પ્રત્યક્ષ બાહ્ય પ્રગટ રૂપ છે. ઈશ્વર અંદર છે. માટે ‘આંખ ન મૂંદૌ, કાન ન રૂંધૌ’. બીજું કોઈ સામે ઊભું હોત, તો આંખ બંધ કરવી પડત, પરંતુ આંખો બંધ કરવાની જરૂર નથી, સાક્ષાત પરમાત્મા જ સામે ઊભા છે, બીજું કોઈ નહીં. નહીં તો પરમાત્માને જોવા માટે કેટલું કષ્ટ પડે છે ! પલાંઠી વાળો, ટટ્ટાર બેસો, આસન લગાવો, આંખો બંધ કરો……. આમાં કેટલી બધી તકલીફ ઉઠાવવી પડે છે ! પણ કબીર કહે છે, ‘તનિક કષ્ટ નહીં ધારૌં, ખૂલે નૈન પહચાનૌં, હંસિ હંસિ સુંદર રૂપ નિહારૌં !’

આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે. એ પરમેશ્વરનું પ્રગટ સ્વરૂપ છે. માણસનો આ સૃષ્ટિ સાથે એકાત્મતાનો ઘનિષ્ઠ નાતો છે. માણસ સૃષ્ટિનો જ એક ભાગ છે અને સ્રષ્ટાનો એક અંશ છે. સૃષ્ટિ દ્વારા માણસના દેહનું ધારણ-પોષણ થાય છે અને સૃષ્ટિ દ્વારા જ તેના હૃદયને પણ પોષણ મળે છે. સૃષ્ટિ એ માણસ માટે અન્નનો ભંડાર છે અને બોધનો ખજાનો છે. માણસ સૃષ્ટિમાંથી સીધો બોધ ગ્રહણ કરી શકે છે અને આજ સુધી એ એમ કરતો આવ્યો છે. સૃષ્ટિના સાંનિધ્યથી ચિત્તની શુદ્ધિ થઈ શકે છે. માટે આપણે સમગ્રતામાં સમસ્ત વિશ્વને ઈશ્વરના રૂપમાં જોવું અને તેમાં તન્મય થઈ જવું. સૃષ્ટિ સાથે માણસનો આવો આત્મીય નાતો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ
પતંગિયાને પાંખ ફૂટી છે…… – ધ્રુવ ભટ્ટ Next »   

5 પ્રતિભાવો : સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે

 1. Jignesh Dekhtawala says:

  વિનોબા ભાવેના લખાણ હમેશા જ્ઞાનથી ભરેલા હોય છે અને એકદમ સરળ શૈલીમા લખાયા હોય છે. આભાર મ્રુગેશભાઈ…

 2. કુણાલ says:

  સુંદર લેખ …. ૪ દિવસો પહેલા પ્રકાશિત મુચુકુન્દની કથા – શ્રીમદ ભાગવત મહાપુરાણ ને ઘણાં અંશે પૂરક લેખ ….

  બંને લેખોને ધ્યાનથી વંચાય તો આખી વાતનો સાર સમજાય … પણ મૂળ વાતને ભૂલીને માત્ર ચર્ચાઓમાં જ પડાય તો સાચે જ હ્રદય ઉપર મનની મલિનતાનો વિજય થયો ગણાય …

 3. સુંદર લેખ
  એક વાત નોધવા જેવી છે
  “જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મા મને ખાવા નહોતી આપતી”
  જેની માતા બાળક ને સંસ્કારી બનાવવા જાગૃત હોય તેના પેટે વિનોબા જેવા સપુત પાકે છે

 4. sunil shah (YOG SIR ) says:

  very nice articles.i like so much

 5. જગત દવે says:

  નદી-પર્વત-વૃક્ષો પ્રત્યેની વૈદિક દ્રષ્ટી અને અત્યારની દ્રષ્ટીમાં જમીન -આસમાનનું અંતર છે. લોકો પ્રકૃતિની નજીક આવે અને તેમનાં અહમને ઓગાળે તેવો જે હેતુ હતો. તે જ આપણી અંધ-શ્રધ્ધામાં માર્યો ગયો છે.

  આપણો ધર્મ ફક્ત સ્થૂળાચારો તરફ આગળ વધ્યો છે….. આજે ગંગા દુનિયાની સૌથી વધુ પ્રદુશિત (અપવિત્ર?) નદી ગણાય છે અને ડુંગરાઓ-પર્વતો પર ‘ધાર્મિક’ કચરાઓનાં ઢ્ગલાઓ થયાં છે. હવે લોકોને નદીમાં માત્ર પોતાના ‘પાપ’ ધોવા છે અને પર્વતોમાં ‘છુપાવવા’ છે. પણ હવે લોકોનાં આ ‘પાપો’ નદીઓ અને પર્વતો પણ સાચવી શકે તેમ નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.