ઘંટી – જોસેફ મેકવાન

[જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિરૂપે સમર્પિત.]

અલાર્મ વાગે છે ને ઉમાકાંત ઊઠે છે. બ્રશ પર પેસ્ટ લગાવતાં એને બાપુજીના શબ્દો અચૂક યાદ આવે છે, ‘પાકા બાવળનું દાતણ બહુ સારું ભાઈ ! પેઢાં મજબૂત બને.’ કોલબેલ વાગે છે ને શીલા બારણાની આંખે નજર કસીને એ ઉઘાડે છે. પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી રઈલી બાજરીનો ગરમગરમ રોટલો પાલવ નીચેથી કાઢે છે. શીલા એ લઈ લે છે ને દૂધના ગ્લાસ સાથે સસરાજીના ઓરડામાં જઈ ઊભી રહે છે. બાપુજીને સવારે ગરમ રોટલો આખો નાસ્તામાં લેવાની ગામડિયા આદત છે. શીલાને રોટલો ઘડતાં નથી આવડતું. રઈલીને સાધી છે ને એ રોટલો ઘડીને આપી જાય છે.

‘દીકરા વહુ રોટલો ઘડે છે પોતા કાજે’ એવો બાપનો ભ્રમ સંતોષાતો જાય છે ને દીકરો મર્માળુ મલકે છે, દાઢી પર સુંવાળું બ્રશ ફેરવતો-ફેરવતો !
‘આટલું વૈતરું કરવું પડે આપણે. ફલેટ પામ્યાં છીએ એમના પ્રતાપે. હજીય ફિક્સમાં સારી એવી મૂડી છે. જરાક જ વાંકું-વટકું પડશે તો ક્યાંય દાન કરી દેશે; ડોસો મહાખેપાની છે. ને તને મળેલા દાગીના તો હજી અર્ધા જ છે. લૉકરમાં મૂકેલા કેટલા છે એ તો હુંય નથી જાણતો.’
‘પણ આ તો રોજની કડાકૂટ, આંતરેદહાડે બાજરી દળાવવી પડે છે. બે દા’ડાનો લોટ ડોસા તરત વરતી કાઢે છે. આવી લપ ક્યાં સુધી ? ને એમના ખોચા મને સમજાતા નથી. દરરોજ કોઈક સુધારો તો રોટલામાં સૂચવે જ છે ! પરમ દા’ડે રઈલીને આ બાજુ ઊભી રાખીને એમના બોલ સંભળાવ્યા : “મને ખરચૈલો રોટલો, ઉપર પોપડી પાપડ જેવી ઊઠી હોય, અને નીચેનું પડ બરાબર સિઝાયું હોય, તળિયે રાતાં ચકામાં પડ્યાં હોય, એ બહુ ગમે. તમારી સાસુના હાથનો રોટલો જો તમે એકાદ વારેય ખાધો હોત, તો આ ઘઉંની ઘેલછા ભૂલી જાત.” – મને આ બાજરી પુરાણ નથી ગમતું.’
‘રઈલીને ગમ્યું ને ?’
‘હા, એ મૂઈ હૈયાહેતથી આ રોટલા પાછળ પડી છે. કહે છે, અસ્સ્લ છાણાના શેકે ચડાવું છું. જોજોને હવે કશી કે’ત નહીં રહે ! આજે બાપુ રોટલાનાં વખાણ કરતા’તા ત્યારે એ હરખની મારી લાલ-લાલ થઈ ગયેલી. મને કહે : “બુન ! તમે જ શીખી લ્યો ન… ઘૈડિયાંનો આતમરામ રીઝે તો ભવ તરી જાય ! એક દા’ડો ડોસા જો ભેદ પામી ગયા તો મારે મોં બતાવવા વારો નહીં રહે.”
‘કેમ ? કેમ ? એવું તે પાછું શું છે ?’
‘મને કહે : વહુ બેટા ! રોટલો તો તમે સારો શીખ્યાં. ઘેર ગામડે સરસ મઝાની નાની ઘંટી પડી રહી છે. અહીં લાવીએ તો આ તમારે ચક્કીનો આટો ખાવો મટે. એમાં બહુ મીઠાશ હોય ને તંદુરસ્તી સારી રહે. ભાખરી, ભૈડકું ને થુલીય એના વડે બહુ સારી થાય. તમારાં સાસુ પંચાવન વરસે દેવ થયાં પણ કદી ઊંહકારો નથી ભર્યો. મહેનતે દેહ કેળવાય.’

અને એક દિવસ ડોસા ઘરની થાળા સોતી ઘંટી લઈ આવ્યા.
રઈલીનો તો હરખ ના માય. હોંશેહોંશે એ દળવા માંડી. ડોસો કહે : ‘હાં…..આ….આમ જ દળાય, તમે શીખી લ્યો વહુ બેટા ! સવારે નયણે કોઠે બશેર દાણા દળીએ તો અંગેઅંગમાં એની અસર પહોંચે. કોઠો ફેરો રહે. આ શક્તિની દવાનાં બાટલાં પછી તમને જોવાંય નહીં ગમે. ઉમો પેટ હતો ત્યારે છેલ્લા દિન સુધી એની માએ આ ઘંટી નહોતી છોડી. ખાટલાના શીરો ને લાપસી એણે આ ઘંટીનાં જ ખાધેલાં !’ શીલા તો શિલા જ બની ગઈ. આખુંય આકાશ તૂટી પડ્યું હતું એના પર !

સાંજે ડોસા મંદિરે ગયેલા ને ભાઈસાહેબ આવ્યા. ધણિયાણી ફૂંગરાયેલી. હવે શીલાની જીભ વછૂટી, ‘હાથલારીમાં મુકાવીને લાવ્યા. અસ્સલ પાલિતાણાનો પથરો છે. ત્રીજી પેઢી થઈ, પણ નથી એના પથ્થરને આંચ આવી; નથી થાળાને !’ આખું ઘંટીપુરાણ સમજાવ્યું. ડોસાએ ઘંટી ગોઠવાવીને મજૂરીના દસ ને લટકાના પાંચ આપીને મને કહે : ‘જુઓ તો, હવે ઘર જેવું લાગે છે ને ? મને ઘરમાં ઘંટી વના હૂનું લાગતું’તું. હવે અંતર ને આંખ બેય ઠરશે.’ રઈલીએ ઘઉંનું ભૈડકું દળ્યું. એની સાંજે લાપસી કરવાની કહીને દેરે ગયા છે ! ને કાલથી રઈલી મને દળતાં શીખવશે !’
‘એટલે ?’
‘જોતા નથી ! આ એમના ઓરડાની બરાબર નજર પડે એમ ઘંટી ગોઠવાવી. રોજ સવારે વહેલા ઊઠી મારે દળવા બેસવાનું !’
‘ડોસાએ ખુદ કહ્યું છે ?’
‘હા’, રઈલીને કહે, ‘કાલથી સવારે જરાક વહેલી આવજે. બે દા’ડામાં તો શીલા રોટલાની પેઠ્ય દળવાનુંય શીખી જશે. એમના હાથ બહુ પાવરધા છે !’ મારાથી એ નહીં બને, આ કહી દીધું !’
‘તો શું કરીશું ? તું શીખી જા. થોડુંક વેઠી લે. ફલેટ-ફિક્સ એમના નામે છે. ઘરેણાં લૉકરમાં છે. એની ચાવીય એમની કને છે. એ હવે કેટલું ખેંચવાના ?’
‘હજુ તો નરવા-નકુર છે, એક દાંત નથી હાલ્યો. દરરોજ દાતણ ચાવે છે; ચણા-વટાણાનો નાસ્તો કરે છે !’
‘તું તારા હાથે દળેલા લોટથી એમનું પેટ ઠાર, જે હશે એ તને જ પચશે.’
‘ના, મારાથી ઘંટીએ તો નહીં જ બેસાય. રઈલીની મૂઈની જીભ છુટ્ટી. કાલે સોસાયટીમાં વાત પહોંચી જાય તો મારે મોં બતાવવા વારો ના રહે. તમે સામે મોઢે કહી દ્યો કે શીલા દળવા નહીં બેસે.’

એક પળ વિચારમાં પડેલો ઉમાકાન્ત એકદમ ઊછળ્યો :
‘બસ એ જ, એ જ બરાબર.’
‘શું ?’
‘રઈલી આમ તારા જ ડિલે-દાઢે છે. એને તારાં બ્લાઉઝ-સાડી પહેરાવ. વાળ જરાક તારા જેવા કરાવ. બે દા’ડા તું જ એની સાથે શીખવા બેસ. એકાદ દા’ડો તું જ દળ ને પછી તારા વેશે રઈલીને વહેલી સવારે બેસાડ. મારા બાપા તારા મોઢાની ખરાખરી કરવા આવે એટલા ખંધા નથી. તારો બેડો પાર. રઈલી એકાદ સાડીને ભોગે રીઝી જશે.’ કોલબેલ વાગ્યો ને વાત અટકી. ડોસા મંદિરેથી પાછા આવી ગયા હતા. ઘરની ઘંટીના ફાડાની ઈલાયચી-દ્રાક્ષ મિશ્રિત લાપસી સાંજે રંધાઈ. ડોસાએ ઊલટભેર ઝાપટી.

વહુ હવે દળતાં શીખી ગઈ હતી. વહેલી પરોઢે મૂઠીએ-મૂઠીએ ઘંટીના ગાળામાં ઓરાતું અને જમણે હાથે ઘમ્મરડાં લેતી ઘંટીનો લય. ડોસાના આતમરામને સ્વર્ગ બે વેંત જ છેટું લાગતું. ઉનિંદી એમની આંખો ભળભાંખળાનું ઉજેત પીતી બે પળ નમી જતી ને ગામડાનું ઘર, દળણું દળતી ઉમાકાન્તની મા એમની કીકીએ તરવરી ઊઠતી. પોતેય કદી-કદી એની સામે બેસી ખીલો પકડતા એ સ્મરણ તો મઘમઘતું બની રહેતું. એ યાદની વિહૃળતાએ જ એ એકવાર ઊઠ્યા. સીધા પહોંચ્યા ઘંટીએ : ‘વહુ બેટા. ઉમાની માને હું દળાવવા લાગતો. લાવો તમનેય લગરીક ખેંચાવવા લાગું. ના હોં, તો તમે ઊઠી જાઓ. આટલું હું જ દળી નાખું. નવેનવું એટલે તમને ફાવતુંય નહીં હોય !’

એમનો હાથ ખીલે પહોંચે એ પહેલાં તો રઈલી થીજી ગઈ. ફડાક દેતાં ઊભા થતા બોલ્યા, ‘મારી મા કરું રઈલી ! જો હરફ હરખો આ વાતે તેં કાઢ્યો છે તો. હાંજે મને મંદિરે મલજે. બોલ્ય, રોટલાય તું જ ઘડછ ને ?’ હકારમાં રઈલાની આંખો ઢળી ગઈ. ઉમાકાંતનો શયનકક્ષ હજી બંધ હતો. તે સાંજે ડોસા મંદિરેથી મોડા આવ્યા. એકટાણું છે કહી વાળુ કરવાય ના બેઠા. સવારે નવેક વાગ્યે એ તૈયાર થઈ બહાર નીકળ્યા. છોભીલી પડી ગયેલી શીલાના માથે હાથ મેલી બોલ્યા :
‘તમે જ દળો એ હારુ ઘંટી ન’તી આણી દીકરા ! ઉમાની માનું હેત એની હાથે હચવાય છે. મારે તો તમારી ઊલટ જોવી’તી !’ ને એ ચાલી નીકળ્યા. ઉમાકાન્તને હૈયેય એ ઊલટ નહોતી કે એમનો હાથ ઝાલી જતાં રોકે. કશુંક બહુ અજુગતું બની ગયાના ડરે શીલાની કંપારી હજી કલેજે કણસતી હતી.

એ નોકરીએ જવા કરતો’તો ને હાંફતી-હાંફતી રઈલી આવી, ‘બાપા, આ કાગળિયું આલતા જ્યા છે !’
‘બહુ દા’ડાથી દીકરી બોલાવ્યા કરતી’તી ! હું જાઉં છું. આ માટી મલકમાં જ પડે એવી અબળખા હતી, પણ એ મારે કર્મે ન મંડાયું. કહે છે, વિદેશમાં ઘરડાંનાં ઘર સારાં હોય છે. લખ્યો હશે તો એ લહાવો લઈશ. અહીં કંધોતર બેટો બેઠો હોય ને બાપ ઘરડાંના ઘરમાં જાય, એમાં તારી જવાની નહીં, મારો ઘૈડાપો લાજત. બાપના રોટલા ભારે પડતા સાંભળ્યા’તા ! કળજગ માણસના મનમાં હોય છે. બાકી રઈલીના હૃદયમાં આજેય સતયુગ જીવતો-જાગતો છે. તારી માના છેલ્લા સંભારણાં સમી ઘંટી રઈલીને આપું છું. એના ઝૂંપડે એ સારી શોભશે. 25,000 એના નામે કરતો જાઉં છું, બહુ મમતાથી એણે મારા રોટલા ઘડ્યા છે. બાકીના અનાથાશ્રમને. ફલેટ તારે નામે કર્યો છે. લોકરની ચાવી ભગવાનના ફોટા નીચે લટકાવી છે. બેંકમાં હસ્તાક્ષર કર્યા છે. ઘરેણાં લઈને શીલા સુખી થાય.’

કોણ જાણે કેમ પણ શીલાના ગળે ડૂમો ભરાયો. એ ડોસાના ઓરડામાં દોડી. ઉપર ભગવાન કૃષ્ણ લીલા કરતા હતા. નીચે લોકરની ચાવી લટકતી હતી ને એનીય નીચેની ટીપોય ઉપર ભગવાનને ચડાવ્યો હોય એમ રઈલીનો રોટલો ખાનારની રાહ જોતો હતો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ
મુંબઈના ડબાવાળાઓની કથા અને વ્યથા – મનહર ડી. શાહ Next »   

10 પ્રતિભાવો : ઘંટી – જોસેફ મેકવાન

 1. sima shah says:

  ખરેખર ખૂબ જ હ્રદયસ્પર્શી કથા………..
  આભાર….
  સીમા

 2. Akash says:

  લગનિ સભર વાર્તાનો અન્ત.. શ્રિ જોસેફ મેક્વાન સાહેબ નિ પહેલિ વાર્તા વાન્ચિ.. ખુબ જ સુન્દર વાર્તા..
  ભગવાન મેક્વાન સાહેબ નિ આત્મા ને શાન્તિ અર્પે..

 3. મેક્વાન સાહેબ નો આતમરામ સ્વર્ગ નુ સુખ ભોગવે..

 4. Ashok Jani says:

  આધુનિક પરિવેશ વાળી જૉસેફદાદાની ઓછી વાર્તા વાંચવા મળે છે, પણ એ જે લખે તે હ્રદય સોંસરવુ ઉતરી જાય તેવું હોય એ.

  ખૂબ જ સરસ

 5. Ami Patel says:

  Did not get it very much. How can you expect your dauther in law to use Ghanti every morning..??! YOu have to be practicle not emotional.

 6. Neha says:

  મને લાગે છે કે કોઈ પણ સ્ત્રી માટે રોજ સવારે ઉઠી ને ઘન્ટી પર બેસી ને દ્ળવુ શક્ય ન જ બનિ શકે. ગામડા નુ જીવન સાત્વીક અને સારુ હોવ છતા દરેક રીતે અપનાવવુ સરલ ન પણ બની શકે. આ માટે ‘પ્રેક્ટીકલ’ થયી ને વિચારવુ જોયીએ.

 7. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  કથાનુ બીજ ઘંટી છે. બાપુજી ગામડામા પોતાનુ જીવન વિતાવ્યુ અને ઘરડે-ઘડપણ શહેરમા આવી ગયા પુત્ર અને વહુ સાથે રહેવા એમના ફ્લેટમા. બાપુજીને ઘંટી સાથે વિશેષ લગાવ છે કારણકે એમની પત્ની ની યાદ અને પ્રેમ જોડાયેલ છે. બાપુજીને રાખવા અને એમનુ વૈતરુ કરવાનો ઉદેશ્ય કઈ સેવા નહી પણ ફ્લેટ અને દાગીનાની લાલચ છે. અને તે માટે ખોટુ બોલતા અને કરતા પણ અચકાતા નથી પુત્ર અને વહુ. વહુ માટે રોજ સવારના ઉઠી ને ઘંટી પર દળવાનુ શક્ય નથી પણ એ માટે કદાચ બાપુજીને સમજાવી શકી હોત. બાપુજીને સૌથી વધારે દુઃખ એ વાતનુ લાગ્યુ કે વહુ રોટલા પણ પોતે નહી પણ બીજા પાસે ઘડાવી આપતી રહી.

  ગામડાના વૃધ્ધ માણસ બહુજ લાગણીશીલ હોય છે અને એમને અમુક વસ્તુ જે આટલા વરસોથી જે પ્રમાણે ચાલી આવતી હોય તો આજે પણ એ રીતેજ થાય એની આશા રાખતા હોય છે. તેઓ લાગણીશીલ છે એટલેજ કદચ “practical” નહી વિચારી શક્તા હોય.

  જોસેફ મેકવાનની કૃતિઓ બહુજ સુંદર હોય છે. સ્કુલમા હતા ત્યારે એમની ઘણી બધી કૃતિ અભ્યાસક્રમમા ભણી ગયા છીએ. આ લેખ માટે મૃગેશભાઈનો આભાર.

 8. ranjan pandya says:

  ૧૦ વર્ષની ઉંમર હશે— યાદ નથી–૧૯૫૩ નીઆજુ બાજુ–રોજ સવારે ૪ વાગ્યે કડકડતી ઠંડીમાં ઉઠી રોજ ખાવાના રોટલાનો લોટ દ્ળવા માટે ઝોકાં ખાતાં ખાતાં મમ્મીને મદદ કરવા ઘંટીનો ખીલડો ખેંચવા લાગતી અને મમ્મી મધુર સ્વરે પ્રભાતિયાં ગાતાં ————-બધું જ નજર સામે આવી ગયું ———ક્યાંથી લાવું મારા એ બાળપણની યાદોં ને આજે પાછી?????

 9. જય પટેલ says:

  સ્વ.શ્રી જૉસેફ મેકવાનને ભાવભરી શ્રધ્દાંજલિ.

  ગ્રામ્ય-શહેરી જનજીવન વિચારધારા આવરી લેતી બોધપ્રદ વાર્તા.
  ઝુંપડીમાં રહેતી રઈલીના ઉચ્ચ સંસ્કાર બોલ્યા…. બુન ! તમે જ શીખી લ્યો ન…ઘૈડિયાંનો
  આતમરામ રીઝે તો ભવ તરી જાય….!!!!

  લઘુત્તમ શિક્ષણ ઉચ્ચત્તમ વિચાર કે પછી સંસ્કાર માના ધાવણમાંથી ?

 10. kiran says:

  ખુબ સ્રર્ સ્,આવિ સરિ વાર્તાઅઓ મુક્વ બદલ આભાર્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.