મુંબઈના ડબાવાળાઓની કથા અને વ્યથા – મનહર ડી. શાહ

[‘નવનીત સમર્પણ’ એપ્રિલ-2010માંથી સાભાર.]

– બે લાખ મુંબઈગરાઓને માત્ર ત્રણ કલાકમાં જ લંચ-ટિફિન પહોંચાડતા પાંચ હજાર ડબાવાળાઓ.
– કાર્યક્ષેત્ર લગભગ 60 કિલોમીટર
– 60 લાખ ફેરામાં માત્ર એકાદ ભૂલ થાય છે.
– વાર્ષિક 72 કરોડ રૂપિયા ટર્નઓવર.

મુંબઈના ડબાવાળાઓ આપણા દેશની એક અજાયબી છે. માત્ર ત્રણ કલાકમાં જ તેઓ બે લાખ મુંબઈગરાઓને સમયસર ભોજન-ટિફિન પહોંચાડી દે છે, આમાં ભાગ્યે જ ભૂલ થાય છે. આપણા દેશમાં તેઓ વર્ષો સુધી ઉપેક્ષિત હતા પરંતુ જગવિખ્યાત ‘ટાઈમ’ સાપ્તાહિકે આ અર્ધશિક્ષિત પાંચ હજાર ડબાવાળાઓના કષ્ટમય જીવન વિશે સ્ટોરી પ્રગટ કરીને વિશ્વને તેમના જીવન વિશે જાણ કરી. એ પછી બી.બી.સી.એ પણ તેમના પર ફિલ્મ બનાવીને પ્રસાર કર્યો. એ જોઈને બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ ભાવુક બની ગયા. તેઓ એક જ વાક્ય બોલ્યા, ‘It is amazing.’

પ્રિન્સ ચાર્લ્સની ભારત મુલાકાત દરમિયાન તેમણે મુંબઈના અન્નદાતા આ અબુધ ડબાવાળાઓને મળવાનું નક્કી કર્યું, સતત સંઘર્ષ કરતા આ મુંબઈના ડબાવાળા વિશે લોકોનું કુતૂહલ વધી ગયું. 4 નવેમ્બર, 2003ના રોજ પ્રિન્સ ચાર્લ્સ મુંબઈ આવ્યા અને ચર્ચગેટ સ્ટેશન પર જ્યાં ડબાઓનું અંતિમ સોર્ટિંગ થાય છે ત્યાં તેમની મુલાકાત રાખવામાં આવી. બરાબર સવાઅગિયાર વાગ્યે પ્રિન્સ ચર્ચગેટ આવી પહોંચ્યા. ચારેબાજુ ખૂબ ભીડ હતી. તેમણે ડબાવાળાઓને અનેક પ્રશ્નો પૂછ્યા. તેમને નવાઈ લાગતી હતી કે આટલું મોટું વજન તેઓ કઈ રીતે ઉપાડી શકે છે. તેમણે પૂછ્યું કે ‘તમે 75 કિલોનું બાસ્કેટ માથા પર ઉપાડો છો તો મસ્તકને ત્રાસ નથી થતો ?’ પ્રિન્સને સમજાવવામાં આવ્યું કે મુંબઈની ટ્રેન મોડી પડે, મુશળધાર વરસાદ પડે, પણ ગ્રાહકને સમયસર લંચ-ડબો પહોંચવો જોઈએ તે ડબાવાળાઓનો જીવનમંત્ર છે, ઉદ્દેશ છે. તેઓ ગળગળા થઈને બોલ્યા, ‘આવું અઘરું કામ, થોડી આવક છતાં, આવી શ્રેષ્ઠ સેવા આપનાર તમારું સંગઠન અદ્દભુત છે. તમારા માટે હું શું કરી શકું ?’ શિષ્ટાચાર છોડીને દરેક ડબાવાળાને તેઓ નિખાલસ રીતે મળ્યા પણ ખરા. આ વાત અહીં પૂરી થતી નથી. ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી તેઓ આ નિર્દોષ ડબાવાળાઓને ભૂલ્યા નહોતા. પોતાના વિશેષ લેટરહેડ પર તેમણે એક પત્ર પાઠવ્યો તેમાં લખ્યું હતું, ‘આપે જે મારું ભાવભર્યું સ્વાગત કર્યું તે મારા જીવનની યાદગાર પળ બની ગઈ છે. આપે આપેલ વૂલન શાલ અને ડબાવાળાની હેટ મેં સાચવીને રાખ્યાં છે.’

જગપ્રસિદ્ધ બિઝનેસ સામાયિક ‘ફાર્બ્સ ગ્લોબલ’એ મુંબઈના ડબાવાળાઓને ‘સિક્સ સિગ્મા પ્લસ’ સર્ટિફિકેટ આપીને તેમનું સન્માન કર્યું. તેમાં લખેલું કે ‘1998માં ટાઈમ મેનેજમેન્ટ, ઉત્કૃષ્ટ ભૂલ વિનાની કાર્યપદ્ધતિ માટે ડબાવાળાઓને 99.9 માર્ક આપીને ‘સિક્સ સિગ્મા’ માનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.’ સી.કે. પ્રહલાદ મેનેજમેન્ટ ગુરુ છે. વિશ્વમાં તેમને ભાષણો આપવા, આમંત્રણ આપી બોલાવવામાં આવે છે, તેઓ કહે છે, ‘મુંબઈના ડબાવાળાઓની સંપૂર્ણ માહિતી મેં મેળવી છે, તેમણે મને અચંબિત કર્યો છે. મારાં ભાષણમાં તેમનો ઉલ્લેખ હું અવારનવાર કરું છું.’ મુંબઈના આ અભણ, અર્ધશિક્ષિત ડબાવાળા પોતાનો આ વ્યવસાય ઈમાનદારીથી કરે છે. ગ્રાહકોને દેવ માને છે. તેમને સમયસર લંચ-ટિફિન મળે તેને પોતાના જીવનનું ધ્યેય માને છે. આ બધા અકોલા, રાજગુરનગર, આંબેગાંવ, જુન્નર, મુળથી તથા માલવા વગેરે જગ્યાએથી કામ કરવા આવે છે. ભયંકર ભીડમાં લોકલ ટ્રેનમાં ટિફિન લઈ જવાં આસાન કામ નથી. તેમણે સવારના ત્રણ કલાકની એક એક મિનિટનો હિસાબ કરવો પડે છે. રેલવેના ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાનું હોય છે. તેમણે ટાઈમ મેનેજમેન્ટનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે !

લગભગ 110 વર્ષ પહેલાં આ કામનો પ્રારંભ થયેલો. 1956માં રજિસ્ટ્રેશન થયેલું. એ સમયે કડક કાનૂન હતા. શિસ્ત હતી. ‘કામ એ જ દેવપૂજા’ એ સૂત્ર હતું. શરૂમાં ફૂટપાથ પર રહેતા અને સાર્વજનિક નળ કે કૂવા પર જઈને સ્નાન કરીને કામે લાગી જતા હતા. એ પછી ગ્રાન્ટ રોડ, દાદર, ખેતવાડી વગેરેની ચાલમાં રહેવા લાગ્યા. એ સમયે મિલ-કામદારોની હડતાળ, રેલવે-હડતાળ, રાષ્ટ્રીયકૃત બેન્કોના સમયમાં ફેરફાર વગેરે કારણને લીધે કામ ઘટવા લાગ્યું. 1980માં તરુણો આવ્યા તે ભણેલા હતા. તેમને ગ્રાહકની પરવા નહોતી. કામની શિસ્ત ભૂલ્યા, દારૂ પીવા લાગ્યા, યુનિયનની વાતો કરવા લાગ્યા. પરિણામે ડબા ઘટતા ગયા…. મહાદ હૌજી બચ્ચે, ધોંડિલા મેદગે અને રઘુનાથ મેદગેએ તેમના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. 1990માં રઘુનાથ મેદગે તેમના અધ્યક્ષ બન્યા અને તેમણે કડકાઈથી કામ લઈ નવી શિસ્તનું પાલન કરાવ્યું. માલિક અને નોકરનો સંબંધ હતો તેને રદ કરીને દરેકને સમાન અધિકાર આપ્યો. અત્યારે દરેક ડબાવાળો ‘નૂતન મુંબઈ ટિફિનબોક્સ સપ્લાયર્સ ચેરિટી ટ્રસ્ટ’નો ભાગીદાર છે. આ કામ માટે તેને માંસ, મચ્છી, દારૂ પીવાની મનાઈ છે. તેમનો ગણવેશ-પાયજામા, શર્ટ અને ગાંધીટોપી નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રખ્યાત દાણચોર હાજી મસ્તાને તેમના કામની પ્રશંસા કરી અને તેમના સંગઠનને પોતાનું નામ રાખવાનો પ્રસ્તાવ રાખેલો, જે નામંજૂર કરવામાં આવેલો.

દરેક મનુષ્ય પોતાના ઘરનું ભોજન ખાવા ઈચ્છે છે. રોજ હોટલમાં ખાઈને માંદા પડવા માગતા નથી. આવા પ્રકારની સુવિધા બીજા કોઈ દેશમાં ઉપલબ્ધ નથી. સમયસર લંચ-ટિફિન પહોંચાડવાની સફળતા પૂરા સમૂહ પર આધાર રાખે છે. સમયસર ગ્રાહકને ટિફિન પહોંચે એ પર તેમની કાર્યકુશળતા આંકવામાં આવે છે. કોઈ ડબાવાળો ગેરહાજર કે બીમાર હોય તો તરત જ બદલીનો માણસ તેનું સ્થાન લઈ લે છે. તેમનું સૌથી મોટું કર્તવ્ય છે કે કોઈ પણ ગ્રાહક ડબા વિનાનો ન રહે, તેને સમયસર ટિફિન પહોંચે તે કામ ત્રણ કલાકમાં પૂરું કરવાનું રહે છે. અંતિમ ગ્રાહકને લંચ ડબો મળે તે પહેલાં ચાર ડબાવાળાઓ પાસેથી પસાર થઈ ચૂક્યો હોય છે.

ડબાઓનું વર્ગીકરણ કઈ રીતે થાય છે ?
આપણે વિલે પાર્લાનું ઉદાહરણ લઈએ. તેના પૂર્વ, પશ્ચિમ ભાગમાં અગિયાર લેનો નક્કી કરવામાં આવે છે. દરેક લેન પર એક માણસ હોય છે, અને દરેક પર એક મુકાદમ સુપરવિઝન કરે છે. તે લેનવાળો ત્યાંના ડબા એકઠા કરી સ્ટેશન પર આવે છે. આમ લગભગ 1200 ડબાઓ એકઠા થઈ જાય છે. દરેકેદરેક ડબાઓનું ફટાફટ સોર્ટિંગ થાય છે. એક નંબરનો ડબાવાળો ચર્ચગેટના 30 ડબા લઈને ટ્રેનમાં ચડે છે. આમ બીજા ડબાવાળા પણ નક્કી કરેલી ગાડીમાં રવાના થાય છે. એક નંબરનો ડબાવાળો ચર્ચગેટ સ્ટેશને ડબાઓ લઈ ઊતરે છે. આ દરમિયાન ઠેકઠેકાણેથી હજારો ડબાઓ આવી પહોંચે છે, તેનું વર્ગીકરણ થાય છે. એક નંબરનો ડબાવાળો પોતાના એરિયાના ડબા સાઈકલ પર લઈને ચાલી નીકળે છે. ત્રણ નંબરનો ડબાવાળો સચિવાલય 30 ડબા લઈને નીકળી પડે છે. સવારે નવ વાગ્યે ઉપાડેલું લંચ-ટિફિન સાઈકલ, ટ્રેન, સાઈકલ અને હાથગાડીમાં પ્રવાસ કરી છેવટે ગ્રાહક સુધી પહોંચે છે. દરેક ડબા પર સાંકેતિકા નિશાન રહે છે. સો વર્ષના ઈતિહાસમાં ડબા ઓળખવાની પદ્ધતિમાં પરિવર્તન થતું આવ્યું છે. હવે અંગ્રેજી શબ્દનો ઉપયોગ થાય છે. તે પરથી કયો ડબો ક્યાં પહોંચાડવાનો છે તેની ખબર પડે છે. E હનુમાન રોડ, VLP વિલે પાર્લા, 3 ચર્ચગેટ સ્ટેશન, નરીમાન પોઈન્ટ, 9E12 ચર્ચગેટ, 9 નંબરનો ડબાવાળો ઉપાડશે, E એટલે એક્સપ્રેસ ટાવર, 12 એટલે 12મે માળે. ચર્ચગેટ માટે 1 થી 10 નંબર રાખ્યા છે. 3 એટલે નરીમાન પોઈન્ટ. એક ડબો GH એટલે ઘાટકોપરથી આવે છે. તેને કોડનંબર આપેલો હોય છે. તે તે રસ્તા પરનો ડબાવાળો ઉપાડશે. 13 નંબર ગ્રાન્ટ રોડ જવાનો છે. એ ઘાટકોપરથી દાદર આવશે અને દાદર વેસ્ટર્ન રેલવેના પ્લેટફોર્મ પર જશે અને ગ્રાન્ટ રોડ પહોંચશે. અહીં હજારો ડબાઓનું સોર્ટિંગ થશે. ડબો P પંચરત્ન બિલ્ડિંગમાં જશે. ગ્રાન્ટ રોડનો 2 નંબરનો ડબાવાળો 9મા માળે ગ્રાહકને ડબો પહોંચાડશે. આ જટિલ કામ છે. પરંતુ તાલીમ પામેલો ડબાવાળો ભૂલ કરતો નથી, જે સમય ગ્રાહકને આપ્યો છે તે તેને પાળવાનો હોય છે. 75 કિલોનું વજન લઈ 62 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. બેત્રણ વાર ગાડીઓ બદલવી પડે આમ છતાં એક ગ્રાહકનો ડબો બીજાને જાય એવું ભાગ્યે જ બને છે. 60 લાખના ફેરામાં એકાદ વાર ભૂલ થાય છે.

જ્યારે નવો ઉમેદવાર ડબાવાળો બને છે ત્યારે તેને થોડો સમય તાલીમ આપવામાં આવે છે. મુંબઈના રસ્તા પર કેમ ચાલવું ? ગાડી કેમ પકડવી ? ગ્રાહકો સાથે નમ્રતાપૂર્વક કેમ બોલવું ? આ ટ્રેનિંગ મુંબઈના રસ્તાઓ અને દોડતી ટ્રેનમાં પ્રેક્ટિકલ તથા થિયરીરૂપે શીખવવામાં આવે છે. 70/75 કિલોનું વજનનું બોક્સ માથા પર ચડાવીને ટ્રેનમાં ચડઊતર કરવાની હોય છે. મુશળધાર વરસાદ હોય છતાં આ કામ અટકતું નથી. આ ડબાવાળાઓ ભણેલા નથી છતાં સમગ્ર મુંબઈનો નકશો તેમના મગજમાં યાદ રાખે છે. યાદદાસ્તની જોરે ઠરાવેલું કામ સમયસર પાર પાડે છે. કોઈ પણ ટેક્નિકની મદદ વિના પોતાનું કામ તેઓ પૂર્ણ કરે છે. દર વર્ષે લગભગ 72 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે.

દરેક ડબાવાળાએ પોતાનું ઓળખપત્ર પોતાની પાસે રાખવાનું હોય છે. તેમની નાનીમોટી સમસ્યાઓનો નિકાલ મુકાદમ હલ કરે છે. જો તે સોલ્વ ન થાય તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પાસે મેટર જાય છે. આ ટ્રસ્ટની 13 સભ્યોની એક પરિષદ છે, જેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહાસચિવ અને નવ ડાયરેક્ટર સામેલ છે. તેમની નીચે મુકાદમ કામ કરે છે, જે 5000 સભ્યો પર નજર રાખે છે. સભ્યોની સમસ્યાઓનો હલ કરવાની જવાબદારી ચેરમેન પર છે. હાલના ચેરમેન રઘુનાથ મેદગે તે સારી રીતે પૂરી પાડે છે. મહાસચિવ ટ્રસ્ટના રોજિંદા કામની દેખરેખ રાખે છે. ડાયરેક્ટર ફેંસલા લેવા, ટ્રસ્ટનાં બાકી કામો સારી રીતે ચલાવવા અધ્યક્ષને સહાય કરે છે. એક મુકાદમ 30 ડબાવાળાઓનો નેતા છે. દરેક મુકાદમ દરેક લેનમાંથી ડબાઓ એકઠા કરી વર્ગીકરણ કરે છે. જૂના ગ્રાહકોને સંતોષ આપી નવા ગ્રાહકોને શોધવાની પણ તેની જવાબદારી રહે છે. આપસના ઝઘડા હલ કરવા માટે પોતાની એક કોર્ટ છે. મહિનામાં બે વાર કોર્ટ ભરાય છે. આરોપીને જ્ઞાનેશ્વર માઉલી અને તુકારામ મહારાજાની તસવીર આગળ ઊભો કરવામાં આવે છે. પરિણામે ખોટું બોલવાની તેની હિંમત રહેતી નથી. દાદરની ઓફિસમાં કોર્ટ ભરાય છે. કામના સમયે દારૂ પીધો હોય તો 500 રૂપિયા દંડ થાય છે. કારણ ગમે તે હોય માથા પર ટોપી ન હોય તો રૂ. 25 દંડ થાય છે. ડબાવાળાઓએ આપસમાં મારામારી કરી હોય કે વગર પૂછ્યે ગેરહાજર રહ્યો હોય તો 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. ભૂલ કરી હોય તો માફી મળતી નથી. શિક્ષા થાય છે. આમ શિસ્તનું સખતાઈથી પાલન કરવાથી ભાગ્યે જ કોઈ નિયમ તોડે છે.

ક્યારેક કોઈ ભિખારી કે ચોર લંચ-ટિફિન ચોરીને ઉપાડી લે છે ત્યારે ગ્રાહકની ક્ષમા માગવામાં આવે છે અને પોતાના ખર્ચે નવું ટિફિન ખરીદીને આપવામાં આવે છે. ગ્રાહકોને સમયસર ડબાઓ પહોંચાડ્યા પછી ડબાવાળો પોતાના ખિસ્સામાંથી એક ડબો કાઢે છે, તેમાં રોટીભાજી કે ભાખરી, ચટણી, કાંદા હોય છે એ ખાઈને ફરી વાર બે વાગ્યે ડબા એકઠા કરીને તેમના ઘરે પહોંચાડવાનો વળતો પ્રવાસ શરૂ કરે છે.

70 થી 75 કિલોનું બાસ્કેટ માથા પર ઊંચકીને ખૂબ તેજ ગતિથી દોડવું પડે છે. ક્યારેક ઉતાવળમાં ડબાવાળાને લાગી જાય છે છતાં પરવા કર્યા વિના તે ડબો સમયસર ગ્રાહકને પહોંચાડી દે છે અને સાંજે પરત આવ્યા પછી પોતાના પાટાપિંડી કરે છે. અહીં એક એક મિનિટનો હિસાબ રાખવો પડે છે. કેટલીયે વાર જલદી રેલવે પાટા ક્રોસ કરતાં અકસ્માત સર્જાય છે, તે ઘાયલ થઈ જાય છે, અપંગ પણ થઈ જાય કે જીવલેણ પણ પુરવાર થાય છે. આવા પ્રસંગે બદલીનો ડબાવાળો તેનું કામ સંભાળી લે છે. બીજો ડબાવાળો એને હોસ્પિટલમાં લઈ જાય છે. અવસાન થાય તો સંગઠન તેમના પરિવારની સંભાળ લે છે. ડબાવાળાઓનાં એકસો દસ વર્ષના ઈતિહાસમાં કદાપિ કોઈ હડતાળ પર ગયું નથી. આ ડબાવાળા અભણ, અનાડી અને અર્ધશિક્ષિત જરૂર છે, પરંતુ તે સારી રીતે જાણે છે કે કામ બંધ થશે તો ભૂખે મરવું પડશે. ગ્રાહક જ તેમના માટે દેવતા છે. અહીં કોઈ ટેકનોલોજી નથી, ફ્યુએલ નથી, કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી કે નથી કોઈ ઝઘડા. અત્યારે લંચ-ટિફિન પહોંચાડવા માટે તેમને માસિક રૂપિયા 300/350 ગ્રાહક તરફથી મળે છે. દર દસમી તારીખે પૈસા એકઠા કરવામાં આવે છે. પ્રત્યેક લેનનું ગ્રુપ એકઠા કરે છે. રેલવે-પાસ, લગેજ-ડબા-પાસ, સાઈકલ દુરસ્ત, બાસ્કેટ બદલાવવું વગેરે ખર્ચ બાદ કરીને દરેકને ભાગે 5000 થી 6000 રૂપિયા મળે છે.

મુંબઈના ડબાવાળાઓના સંઘર્ષમય જીવનને પ્રિન્સ ચાર્લ્સ ભૂલ્યા નહોતા. જ્યારે તેમનાં લગ્ન કેમિલા પાર્કર સાથે નક્કી થયાં ત્યારે તેમાં હાજર રહેવા દુનિયાના 750 વી.આઈ.પી.ઓને આમંત્રણ આપવામાં આવેલું. તેમાં બે ડબાવાળાઓને બોલાવવામાં આવેલા. એર ઈન્ડિયાએ તેમને ટિકિટ ફ્રી આપી અને તાજ હોટલે તેમની મફત રહેવાની વ્યવસ્થા કરી આપેલી આટલું જ નહીં, સ્વાગત સમારોહમાં પ્રિન્સ તેમની પત્ની સાથે મળેલા અને તેમણે મોકલેલી ભેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરેલી. એ પછી મુંબઈમાં અનરાધાર વરસાદ પડેલો ત્યારે ડબાવાળાઓના ક્ષેમકુશળ પૂછતો પત્ર પણ લખ્યો હતો. ઈટાલીના ‘તૂરીન’માં જૈવિક આહાર પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયેલું તેમાં રઘુનાથ મેદગે અને ગંગારામ તળેકરને આમંત્રણ આપવામાં આવેલું. દરેક તે જાણવા ઉત્સુક હતા કે બે લાખ મુંબઈગરાઓને માત્ર ત્રણ કલાકમાં જ તેઓ ઘરનું ભોજન કઈ રીતે પહોંચાડે છે ? મુંબઈના આ ડબાવાળાઓને કેટલાંક માનસન્માન મળ્યાં છે. ‘ગિનેસ બુક ઓફ રેકોર્ડસ’માં તેમના વિશે માહિતી આપવામાં આવી છે. ‘બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ’ માટે વિશ્વમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. રિપ્લેજ ‘બિલીવ ઓર નોટ’માં તેમની નોંધ લેવાઈ છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીએ પત્રકારત્વના અભ્યાસમાં તેમનો વિષય રાખ્યો છે. 1990માં અમેરિકાની ‘મોટોરોલા’ કંપનીએ ‘સિક્સ સિગ્મા’ પદ્ધતિ વિકસિત કરી. કંપનીનું ઉત્પાદન વધે, ગ્રાહકોને સંતોષ મળે એ એનો ઉદ્દેશ છે. આ યાદીમાં પોતાનું નામ આવે તે માટે દુનિયાની કંપનીઓ ખૂબ મહેનત કરે છે પરંતુ અહીં તો દુનિયાની જેમને કંઈ ખબર નથી એવા અબુધ મુંબઈના અન્નદાતા આ ડબાવાળાઓને સામે ચાલીને સન્માન આપવામાં આવ્યું છે. તેમના પર કોઈ પી.એચ.ડી પણ કરે છે. એક વાર વિશ્વના બિઝનેસ ટાયકૂન ‘વર્જિન એટલાંટિક એરવેઝ’ના ચેરમેન રિચર્ડ બ્રેન્સન મુંબઈ આવીને તેમની ઑફિસમાં જાય છે અને તેમની સાથે શર્ટ, પાયજામો અને ટોપી પહેરીને પ્રવાસ પણ કરે છે.

દસ કલાકની ફરજ અદા કરીને ડબાવાળાઓ પાછા ફરે છે ત્યારે થાકીને લોથપોથ થઈ જાય છે, પરંતુ પોતાના ગ્રાહકને સંતોષ આપ્યાનો તેને આનંદ થાય છે. રેલવે પોલીસ અને મ્યુનિસિપાલિટી સાથે અવારનવાર અથડામણ પણ થતી રહે છે. અધ્યક્ષ રઘુનાથ મેદગે તરત જ મદદે આવે છે. સંઘર્ષમય અને કઠણ જીવન જીવતા ડબાવાળાઓ ઝૂંપડીઓમાં, ચાલમાં અથવા સમૂહમાં રહે છે. ડબાવાળાઓના ઘરના સભ્યો પણ કામ કરીને પૂરક આવક કરી લે છે. પ્રત્યેક ડબાવાળાનું એક સ્વપ્ન રહે છે, મુંબઈમાં કમાઈને પોતાના ગામમાં એક નાનકડું ઘર બાંધવું. મુંબઈમાં અનેક કષ્ટો સહન કરનારો ડબાવાળો જ્યારે પોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના ઘરમાં શાનથી રહે છે.

તમે પણ લંચ-ટિફિન મંગાવતા હો તો ક્યારેક આ ભોળા ડબાવાળાઓના જીવનમાં ડોકિયું કરજો, તેમના ખબરઅંતર પૂછીને ચા-નાસ્તો આપજો, શક્ય હોય તો તેમનાં બાળકોને ભણાવવા મદદ કરશો તો તેમનું જીવન સરળ બની રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘંટી – જોસેફ મેકવાન
વાંચવું એ પણ કળા છે ! – પ્રકાશ મહેતા Next »   

16 પ્રતિભાવો : મુંબઈના ડબાવાળાઓની કથા અને વ્યથા – મનહર ડી. શાહ

 1. જિજ્ઞેશ શનિશ્વરા says:

  ડબાવાળા વિશે આ પહેલો લેખ નથી વાંચ્યો. પણ એમના વિશે વાંચીએ તેટલું ઓછું..

  કોણ કહે છે કે સારું મેનેજમેન્ટ કરવા માટે M.B.A. કરવું ફરજિયાત છે. આપણાં દેશમાં ઘણા અભણ વ્યક્તિઓએ સારા મેનેજમેન્ટનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
  ડબાવાળાઓનાં મેનેજમેન્ટનાં ક્લાસ તો IIMમાં પણ શિખવાડવામાં આવે છે.

  અતિશય સુંદર લેખ.
  તેમનું કામ પ્રત્યેનું સમર્પણ, તેમની પ્રામાણિકતા, તેમનાં નિયમો (ને માંસ, મચ્છી, દારૂ પીવાની મનાઈ છે. તેમનો ગણવેશ-પાયજામા, શર્ટ અને ગાંધીટોપી નક્કી કરવામાં આવ્યો છે.) વગેરે અદભુત છે.

  દરેક ડબાવાળા તથા તેમની વાતને ભારતભરના લોકો પાસે પહોંચાડવાનું કામ કરનાર દરેક વ્યક્તિને લાખલાખ સલામ.

 2. trupti says:

  ડબ્બાવાળા ને દરોજ પ્રવાસકરતા નજરો નજર જોયા છે, જયારે નાના હતા ને લોકલ ટ્રેન મા પ્રવાસ કરતી વખતે તેમને ડબ્બા માથા પર ઉઠાવી ને જતા જોતા ત્યારે કાયમ અચરજ થતુ કે તેઓ આટલુ મુસ્કેલ કામ કેવી રીતે કરતા હસે? પણ જેમ મોટા થયા ને તેમના વિશે વાંચતા થયા ત્યારે તેમની કદર સમજાઈ. પોલીટિકલ પ્રોબલેમ અને અનઅવોયડેબલ સરકમસંટીસ સિવાય કોઈ પણ ઓફિસ મા કામકરવા વાળી વ્યક્તી ભુખી રહી હોય એવુ યાદ નથી. એક વાર યાડ છે કે તેઓ ડબ્બો પહોંચાડવામા અસમર્થ રહ્યા હતા, જ્યારે બાલઠાકરે ના પત્ની મિનાતાઈ નુ અવસાન થયુ હતુ ને શિવસેના એ તોફાન કર્યુ હતુ.તે વખતે મારી ઓફિસ શિવસેના ના ગઠસમા પ્રભદેવી વિસ્તારમા હતી ને શિવસેના ના તોફાન ને લીધે ડબ્બાવાળા ઘરાકો ને ડબ્બા પહોંચાડી શ્ક્યા ન હતા.
  આટલો વિસતૃત લેખ આપવા બદલ લેખક અને તંત્રી સાહેબનો ખુબ આભાર

 3. જગત દવે says:

  ડબ્બા-વાળાઓ નું સમગ્ર તંત્ર સામાન્ય અને અર્ધ શિક્ષિત અને મહેનતકશ ભારતીયમાં રહેલી સંચાલન વ્યવસ્થાનું ઊત્તમ ઊદાહરણ છે. આધુનિક કંપનીઓ દરેક સમસ્યાઓનાં ઊકેલ માટે બહારનાં દેશોની સંચાલન વ્યવસ્થાનાં મોડેલને બેઠ્ઠા અપનાવી લે છે અને અનેકવાર પસ્તાય પણ છે.

  તેનાં કરતાં સ્વતંત્ર અને સંપૂર્ણરૂપે ભારતીય હોય તેવી વ્યવસ્થા વિકસીત ન કરી શકાય? ???? વિદેશી સંચાલન વ્યવસ્થાનાં ચિંતન નો વિરોધ નથી પણ દરેક સમસ્યાઓનાં ઊકેલ માટે તે તરફ જ મીટ માંડ્યા કરવી યોગ્ય નથી. વિદેશોની સંચાલન વ્યવસ્થામાં માનવ શક્તિનાં ઓછામાં ઓછા ઉપયોગને પ્રાધાન્યતા અપાઈ છે કારણકે તે દેશોમાં માનવ વસ્તી ઓછી હતી અથવા છે. ભારતમાં માનવશક્તિ વિપુલ પ્રમાણમાં છે અને પણ તેનાં યોગ્ય આયોજનનાં અભાવે ગુનાખોરી, આતંકવાદ,ગરીબી, ગંદકી, ભુખમરી જેવાં અનેક પ્રશ્નો ઉભા થતાં જાય છે અને વધુને વધુ ભયાનક થતાં જાય છે.

  આ મુંબઈની ભીડ અને ભાગ-દોડ વચ્ચે આવું સરસ અને ખામી રહીત વ્હેંચણીનું વ્યવસ્થા તંત્ર ચલાવવા બદલ ડબ્બા-વાળા ને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે. પણ અભિનંદન આપી ને અટકી ન જતાં આપણે તેમની પાસેથી શિખવા જેવું અને અપનાવવા જેવું ઘણું છે.

 4. સરસ લેખ છે. જેમને વધુ રસ હોય તે યુ-ટ્યુબ પર જોઇ શકે છે. આઠ-દસ વિડીઓ ક્લિપ છે. લિંક આ રહી;
  http://www.youtube.com/watch?v=sxW9sUnodM8

 5. Kiri Hemal says:

  ખુબ જ સુનદર લેખ!!!!!!!!!!!!

  ખરેખર જે રિતે ડબાવાળા સમયસર મુમ્બઈગરા ને ટીફિન પોચાડી દે છે તે દાદ માગી લે એવુ છે

  લાખ લાખ સલામ આ ડબાવાળા ને!!!!!!!!!!!!!!!

 6. Chetan Tataria says:

  ખુબજ સુંદર લેખ. જે પ્રામણિકતા અને ખંતથી એ લોકો કામ કરે છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. મુંબઈના ડબાવાળાઓને ૯૯.૯ માર્ક આપીને ‘સિક્સ સિગ્મા પ્લસ’ સર્ટિફિકેટ આપીને તેમનું સન્માન કર્યું તે એક “achievement” છે. આજે પણ મોટી કંપનીમા જ્યા ‘સિક્સ સિગ્મા’ ની ટ્રેનીંગ અપાય છે ત્યા મુંબઈના ડબાવાળાની કાર્યપધ્ધતિને કેસ સ્ટડી તરીકે “reference” માટે વપરાય છે.

  મારુ ટિફીન પણ તેઓ લઈ જતા હતા જ્યારે હુ મુંબઈ ઓફિસમા કામ કરતો હતો. મારા ઘરેથી એ લોકો વહેલી સવારે ટીફીન લઈ જતા જ્યારે હુ તો હજી ઓફિસ માટે હજી નીકળ્યો પણ ના હોઉ. ઓફીસ મા પણ સમયસર જમી લેવુ પડે કારણકે એમનો ટાઈમ થાય એટલે ટિફીન લેવા આવી જાય. જે કુશળતાથી સવારના ટીફીન સમયસર લઈ જાય અને સમયસર પહોચતા કરે એટલીજ કુશળતાથી ઓફિસથી ટિફીન લઈ સાંજે ઘરે પહોચાડી પણ જાય.

  આભાર આ લેખ અહી મુકવા માટે અને એમના વિષે આટલી રસપ્રદ માહીતી આપવા માટે.

  • Tarun Patel says:

   Chetan,

   I had heard about it and always thinks about it that y people does not take their lunch with them…Specially you said they pick up your lunch before you leave to office….Please explain it.

   Thanks,

 7. Chintan says:

  ગુણવત્તા અને સમયપાલનમાં આ સંગઠનનો જોટો જડવો મુશ્કેલ છે. મુંબઈ જેવા શહેરમાં આટલુ સુવ્યવસ્થિત તંત્ર ચલાવુ તે પ્રશંસાને પાત્ર છે. મુંબઈના ડબાવાળા સંગઠનને સો સો સલામ.

 8. M.D.Gandhi, U.S.A. says:

  ડબ્બાવાળાઓની કામ કરવાની રીત જોઈનેજ કુરીઅરનો ધંધો ઉભો થયો હશે એવું લાગે છે. મુંબઈમાં રહેલો છું એટલે ડબ્બાવાળાઓનો અનુભવ તો છે પણ માહિતી કોઈ નહોતી જે માત્ર તમારા આ લેખ દ્વારા જ જાણવા મળી. બહુ મહેનત, શોધખોળ અને અભ્યાસ કરીને લખાયેલો લેખ વાંચવાથી ઘણું બધું જાણવા અને માણવા મલ્યું. સરસ લેખ લખવા માટે અભિનંદન..

 9. Sakhi says:

  Very nice artical

 10. કલ્પેશ says:

  ડબ્બાવાળા બહુ સ્કુલ/કોલેજ ગયા નહી હોય અને એમના કામ કરવાની રીત પર મેનેજ્મેન્ટ સંસ્થા રિસર્ચ કરે છે અને “સર્ટિફિકેટ” આપે છે. ધીરુભાઇ અને બીલ ગેટ્સને ડોકટરેટની પદવી મળે છે.

  ભણેલો માણસ ડિગ્રી પાછળ ભાગે છે અને ઓછુ ભણેલો (અને ન ભણેલો) કામ સારુ કરતા જાણે છે.
  ભણેલો માણસ ડબ્બા લેવાનુ કામ પોતાના લાયકનુ નથી સમજતો અને પેલો બધુ પોતે કરી શકે છે.

  દુનિયા ઉંધી છે કે લોકો?

 11. Jigar says:

  knew about this service but never tried to look into it..amazing article…we should be proud being an indian..
  one of the many things we have which wasn’t recognized earlier…good job…99.999% accuracy!!! hats off…

 12. જય પટેલ says:

  મુંબઈના ડબ્બાવાળાઓની કથા અને વ્યથા નિરૂપતો માહિતી સભર લેખ.

  દુનિયા આખીએ ડબ્બાવાળાઓની પ્રસંશા કરી તેમના કાર્યને બિરદાવ્યું પણ
  ભારત વર્ષમાં રાજ્ય સરકાર…રેલ્વે…કે પછી ભારત સરકારને તેમના કર્મયોગની નોંધ
  લેવાની સુધ નથી.

  ડબ્બાવાળાઓના રેલ્વે પાસ…લગેજ-ડબા પાસ માફ કરી ના શકાય ? અથવા રાહત દરે
  કંઈક ઘટતું કરી શકાય. મુંબઈના અરબોપતિ રેલ્વે પાસની જવાબદારી ના લઈ શકે ?

  કર્મયોગીઓના કર્મને બિરદાવવામાં આપણે શું ઉણા ઉતર્યા છીએ ?

 13. ૧૯૮૯ થિ ૧૯૯૬ સુધિ મે મુબઇ મો દ્બ્બાવાલા નિ સ્રગ્વ્દ ભઓગ્વિ ચે

 14. aniket telang says:

  આખી દુનિયા એ ડબ્બાવાળાઓની પ્રસંશા કરી તેમના કામ ને બિરદાવ્યું પણ
  ભારત માં રાજ્ય સરકાર…રેલ્વે…કે પછી ભારત સરકારએ તેમનિ નોન્ધ લિધિ નથી.

  ખુબ જ સુંદર લેખ , હજ્જ્જારો ડબ્બાવાળાઓ ને લાખો સલામ . – અનિકેત તેલંગ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.