એક નંબરનાં કકળાટિયાં કમુબા – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

કમળાબાને હું પહેલવહેલો મળ્યો મંદિરના પગથિયે ! આ પહેલાં ક્યારેય મેં એમને જોયાં નહોતાં. હા, એમનો સાદ સાંભળ્યો હતો, એટલું જ. માત્ર સાદ જ નહિ, એમના વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. એટલે એમનો શાબ્દિક પરિચય તો મળી જ ગયેલો. એ શાબ્દિક પરિચય એમનાં આડોશીપાડોશીઓ દ્વારા મળેલો. એ બધાંના બાયનોક્યુલર વડે જોઈએ તો…..

કમળાબા એટલે એક નંબરની કચકચિયણ બાઈ. આમ પાછું ધરમનું પૂછડું. દરરોજ સવારે અને સાંજે નાનકડી થેલીમાં માળા લઈને નીકળી પડે મંદિર તરફ. મંદિરના એક ખૂણે ભલેને ડોશી માળા ફેરવતી બેઠી હોય, પણ એની નજર ચારેબાજુ ચકળવકળ ફરકતી જ હોય. કોણ કોની જોડે દર્શન આવ્યું છે, કઈ સાડી પહેરી છે, પૂજારીની ચમચાગીરી કરી કોણકોણ પ્રસાદના મુઠ્ઠા ભરી જાય છે, દાનની પેટીમાં પડેલા જે સિક્કાઓએ રણકાર કર્યો તે ચલણી હતો કે ઘસાયેલો – આ બધાનું ડોશી ધ્યાન રાખે… એને ગામ આખાની પંચાત. સૌને બોલાવી બોલાવીને, એના મોંમાં આંગળાં નાખી એના ઘરની વાતો કઢાવે…. આમ તો સામે મળે એને ‘જે શ્રીકૃષ્ણ’ કહે, પણ એની પીઠ પાછળ મણમણની સંભળાવે…. બાપ રે ! શાકભાજી લેતી વખતે શાકવાળા જોડે જે વડછડ કરે એ સાંભળ્યું હોય તો…..

કમળાબાને ઓળખતાં સૌનો આ મત હતો.
કમળાબાને સંતાનમાં માત્ર એક જ પુત્ર. જુવાન છોકરો જતીન નાની વયમાં પણ સારું કમાય છે. એને બે નાનકડાં સંતાનો છે. સરસ મજાનાં ગોરાં, હસમુખાં અને રમતિયાળ. જતીનની પત્ની અનુરાધા પણ એક સરસ, સુંદર, સુશીલ ગૃહિણી છે. કમળાબાનું શબ્દચિત્ર હવે અનુરાધાના જ મુખે……

‘બાને કઈ વાતનો અભાવો છે કે નાની નાની બાબતોમાં બસ, ટોકટોક કર્યે જ રાખે છે…. રોટલી પર જરાક વધુ ઘી ચોપડાઈ ગયું હોય તો પૂરા એક કલાક સુધી એમની પારાયણ ચાલે…. ઘાટીને જો વધુ ખાવાનું અપાઈ ગયું તો આવી જ બને…. કપડાં પલાળવામાં વધુ સાબુ નંખાઈ ગયો હોય તોય ન ચલાવી લે…. ઘરમાં ને ઘરમાં જો સારી સાડી પહેરી હોય તોય સાંભળવું પડે. આ તો ‘એ’ મને સમજાવી પટાવી લે છે એટલે આ બધું સાંભળી લઉં છું, પણ જો કોઈ બીજી માથાની મળી હોત તો…….’ એવું નહોતું કે જતીનને એનાં બાના સ્વભાવની જાણ નહોતી. એ આટલું બધું કમાય છે છતાં પણ બાને ક્યાં વાંકું પડે છે એ જ એને સમજાતું નહોતું. એટલે ક્યારેક એ બાજુના ફલેટવાળા વડીલોને મોઢે બોલી પણ જતો કે : ‘બાને કઈ વાતનું દુ:ખ છે એ જ સમજાતું નથી. ઈશ્વરકૃપાએ કમાણી પણ સારી છે, ઘરમાં પૈસાની છૂટ છે, ઘરઘાટી છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, વિડિયો બધુંયે છે, છતાં બાને ટકટક વિના ચાલતું જ નથી….. આ તો સારું છે કે અનુરાધા આ બધું સંભાળી લે છે, નહીંતર ઘરમાં મહાભારત જ રચાઈ જાય…..’ અને જતીનનાં બે નાનકડાં બાળકો તો ‘દાદી’ના નામથી જ ધ્રૂજી ઊઠતાં : ‘દાદી ? બાપ રે !’ આ બે જ શબ્દોમાં એમનું ચિત્ર ઊપસી આવતું.

આમ તો એ મારા જ બિલ્ડીંગમાં રહેતાં, પણ કમળાબાને ક્યારેય જોયેલાં નહિ ! હું સવારે નોકરી પર નીકળી જાઉં ને સાંજે પાછો ફરું એ દરમિયાન મને ક્યારેય એમનો ભેટો થયો નહોતો. અને ખરેખર જ્યારે એમની સન્મુખ થયો ત્યારે હું તો એમને ઓળખી ન શક્યો, પણ એ જ મને ઓળખી ગયાં. એ સાંજે ઓફિસથી વહેલો પાછો ફર્યો ત્યારે મનમાં થયું કે ચાલ ને, મંદિર જતો જાઉં, એટલે મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કરી, પગથિયાં ઊતરવા જાઉં ત્યાં એક થાંભલી પાસે માળા કરતાં બેઠેલાં એક માજીએ બૂમ પાડી :
‘એ….એ…..શીસ…..’
હું ધ્વનિની દિશામાં કાન માંડવા જાઉં ત્યાં હાથ ઊંચો કરીને એમણે મને બોલાવ્યો. હું એમની પાસે જઈને બેઠો એટલે માજીએ કહ્યું :
‘તું ઠાકરસાહેબને ત્યાં પેઈંગગેસ્ટ તરીકે રહે છે ને !’
‘હા.’
‘કેટલા વખતથી આવ્યો છે ?’
‘ચાર મહિના થયા.’
‘શું નામ ?’
‘ગિરીશ.’
‘જાતે કેવા ?’
હું ચૂપ રહ્યો. કોઈ પણ જાતની ઓળખાણ વિના પૂછાતા આવા નિરર્થક પ્રશ્નનો ઉત્તર પણ શો હોય ?
‘નોકરી કરે છે ?’
‘હા.’
‘ક્યાં ?’
‘ઓલ ઈન્ડિયા રેડિયોમાં.’
‘તે રેડિયોમાં તું બોલે છે ?’
‘હા. ક્યારેક ક્યારેક.’
‘કેટલો પગાર મળે છે ?’
આખરે મારાથી બોલાઈ ગયું : ‘તમને ઓળખ્યાં નહિ, મા.’
‘લે, મને ન ઓળખી ? હું જતીનની મા કમળા. મારા છોકરા જતીનને તો ઓળખે છે ને ? ગિરધર નિવાસવાળા.’
‘હા, હા. ઓળખું ને ! ચાર વખત મળ્યો છું…..’
‘તે તને પેઈંગગેસ્ટમાં રાખવાના એ ઠાકર તારી પાસે શું લે છે ?’
‘આમ તો ઠાકરસાહેબ અને એમના પત્ની એકલાં જ રહે છે. ઘરમાં મારા જેવાની વસ્તી મળે એ ખાતર જ…’
‘પણ તોયે તું કઈ આપતો હોઈશ ને ?’
‘મને તો એ છોકરાની જેમ રાખે છે એ બંને વડીલો. ત્યાં જ રહું છું, જમું છું…..’
‘તે રહેવા-જમવાના કેટલા આપે છે ?’
આ ડોશી મારી છાલ છોડે એમ નહોતી, એટલે મભમ રહીને એક આંકડો કહી દીધો.
‘એનાં બંને છોકરાં-વહુ ત્યાં અમેરિકામાં છે તે એના કાગળ આવે છે ખરાં ?’
‘હા.’
‘પૈસા મોકલાવે છે ?’

પ્રશ્નોત્તરી વધુ લંબાય તે પહેલાં જ આ ડોશીનું જે શબ્દચિત્ર મને મળી ગયું હતું એને ખ્યાલમાં રાખી ઉડાઉ જવાબ આપી હું રવાના થયો. મનમાં તો એવું થઈ ગયું કે પારકી પંચાતનો રસાસ્વાદ લેતી આ સ્ત્રીને મારે ક્યારેય ન મળવું. જો એ ક્યાંક મિસ્ટર અને મિસિસ ઠાકરને મારે માટે ઊંધુંચત્તું ભરાવે અને એ બંને આ ઘરમાંથી રવાના કરી દે તો ? આવડા મોટા મુંબઈમાં માંડ એક સરસ ઘર મળ્યું છે ! માયાળુ મુરબ્બીઓ મળી ગયાં છે અને મારી તમામ સુખસગવડો એ બંને સાચવી લે છે. મુંબઈમાં માંડ ઠરીઠામ થયા હોઈએ ત્યાં કમળાબાની જીભ જો આ ઘરમાં ફરી વળે તો ? એટલે કમળાબાથી જેટલા છેટા, એટલા જ સારા. બિલ્ડિંગમાં એ બીજા માળે રહેતાં હતાં અને હું પહેલા માળે. આટલી દૂરાઈ મારે માટે બસ હતી.

પણ કોણ જાણે મારે કમળાબાના ઘર જોડે પનારો પડવાનો હશે તે એક રવિવારે જતીનભાઈ એમનાં બંને બાળકોને લઈને મારે ત્યાં આવી પહોંચ્યા. મિસિસ ઠાકરે બનાવી આપેલી સરસ મજાની રવિવારની સવારની ચાની ચુસકીઓમાં સમયને આળસુ બનાવી રહ્યો હતો એવે વખતે જતીનભાઈ મારા રૂમમાં પ્રવેશ્યા. ઔપચારિક વાતો પૂરી કરી એમણે કહ્યું : ‘મારે આ બંને બાળકોને રેડિયો-સ્ટેશન બતાવવું છે. શક્ય બનશે ?’ જતીનભાઈ આમ મારાથી છ-સાત વરસ મોટા, પણ માનમર્યાદા સાચવીને વાત કરતા હતા.
‘ચોક્કસ. બોલો, ક્યારે ફાવશે ?’
‘આમ તો ધંધાને કારણે મને રવિવાર સિવાય સમય ન મળે, પણ મારાં મિસિસ અનુરાધા બંને બાળકોને લઈને તમે કહો તો દિવસે….. એટલે કે તમારા અનુકૂળ દિવસે……’
‘અરે, આજે જ અનુકૂળ બનાવીએ.’ મેં ઉત્સાહમાં આવીને કહ્યું, ‘સાંજે સાડા છએ બિરલામાં એક નાટકનો પ્રિવ્યુ-શો છે. હું મિસ્ટર અને મિસિસ ઠાકર જવાનાં છીએ. આપણે પાંચ વાગ્યે રેડિયો સ્ટેશન પર પહોંચી જઈએ. એ પછી જો તમને સમય હોય તો તમે પણ સહકુટુંબ નાટકમાં આવો….’ અને એ રીતે જતીનભાઈ જોડે, એમના કુટુંબ જોડે પરિચય કેળવાયો અને લંબાયો. ધીમે ધીમે એમનાં કુટુંબીજનોને પણ હું ઓળખતો થયો.

એ કુટુંબીજનોમાં એક હતા એમનાં મામા રંગીલદાસ. રંગીલદાસમામા સુરત રહે, પણ વારંવાર એમને મુંબઈ આવવાનું થાય. આવે ત્યારે બહેનને ત્યાં બે-ચાર દિવસ રહી પણ પડે. રંગીલદાસમામા ખરેખર નામ પ્રમાણે જ ગુણો ધરાવતા. સુરતમાં તો બધા એમને ‘રંગીલા રાજ્જા’ કહીને જ બોલાવતા. જ્યારે એમનાં પત્ની દેવલોક પામ્યાં ત્યારે મુંબઈ આવેલા મામાનો ખરખરો કરવા જતીનના કેટલાક પડોશીઓ ગયા ત્યારે મામા હસીને બોલ્યા : ‘અરે, એનો શોક કરવાનો ન હોય. સારું થયું કે એ મારા પહેલાં ગઈ. મારા પછી ગઈ હોત તો કોણ જાણે એને આ દુનિયાનાં કેટકેટલાં દુ:ખ સહન કરવા પડ્યાં હોત ? આ તો હું બેઠો હતો ત્યારે જ ગઈ. લીલી વાડી જોઈને ગઈ છે. મારે ત્રણ-ત્રણ છોકરા છે, પણ બધાં સાથે જ રહે છે ને ધમધોકાર ધંધો કરે છે. ત્રણેય વહુની સેવાચાકરી પામીને ગઈ છે ને ! આથી બીજું સુખ આપણે જોઈએ પણ શું ? એનો તે શોક કરવાનો હોય ?’

મામા એમની બહેન કમળાને કહેતા પણ ખરા-વાસણ હોય તો ખખડે પણ ખરાં ! પણ આપણે એને ખખડાવવાને બદલે ગાતાં ન કરી મૂકીએ ? આ ભાઈ રેડિયોમાં છે એટલે એમને ખબર હશે કે વાસણમાં થોડું થોડું પાણી નાખીએ ને પછી ટકોરા મારીએ તો જલતરંગ જેવા સૂરો નીકળે. બસ, એ સૂરો કાઢવાનું કામ આપણું, ઘરમાં વડીલોની બીજી ઉપયોગિતાયે શી ?’

જતીનને થયું કે આ ઘરની સમસ્યા પણ મામા પાસે મૂકવી જોઈએ. એટલે એણે લાગ જોઈ, એકાંતમાં, બાના સ્વભાવની વાત કરી અને એમના આળા મનનો ઉપાય બતાવવા કહ્યું. રંગીલમામા ફક્ક કરતાં હસીને બોલ્યા : ‘ભાણા, તારી સમસ્યા કંઈ મોટી નથી. કમુને તો હું નાનપણથી જ ઓળખું. એ મારા કરતાં બે વરસ મોટી. નાનપણથી જ એને કોઈ ને કોઈ વાતમાં વાંધા-વચકા કાઢવાની ટેવ. તે કાઢવા દેવી. બહુ બહુ તો શું કરે ? ઘર ગજવે. નાનપણમાં પણ એ એમ જ કરતી. તારે એનું મનમાં ન લેવું….’
‘પણ મામા, અનુરાધા અને છોકરાંઓ ત્રાસી ગયાં છે. પાડોશીઓ પણ બાને માનની નજરથી જોતાં નથી. એમના પંચાતિયા સ્વભાવથી સૌ વાજ આવી ગયાં છે. સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં એવો કોઈ ઉપાય બતાવો ને ?’
‘એમ ? રસ્તો જોઈએ છે ને તારે ! તો એક કામ કર. આ મામાને તારે ઘેર થોડા દિવસ આવીને રહેવાનું નોતરું દે. એ ભરાડીને પછી હું પહોંચી વળીશ.’

ને મામા એક દહાડો ભાણાની મહેમાનગતિ માણવા આવી પહોંચ્યા. એમણે એક અઠવાડિયા સુધી બહેનના ઘરનો તાલ જોયો. દરેક વાતમાં, ઝીણી ઝીણી બાબતોમાં, કમળાને ઘોંચપરોણો કરતી જોઈ, એમણે એક દિવસ હળવેકથી બહેનને કહ્યું :
‘કમુ, તું ઘરમાં મૂંગી મરતી હો તો ?’
‘કેમ ? ઘર મારું છે. મારા ઘરમાં મારે શું કામ મૂંગા મરવું જોઈએ ?’
રંગીલદાસમામા ખડખડાટ હસી પડ્યા.
‘કેમ ’લ્યા, હસે છે કેમ ?’
‘હસું નહિ તો કરું શું ? તું માને છે કે ઘર તારું છે. પણ ખરી રીતે તો ઘર આવનારી વહુનું કહેવાય. આ તો સારું છે કે તને આવી સુશીલ અને શાણી વહુ મળી છે તે તારું બધું સંભાળી લે છે. બીજી હોય તો ફટ દઈને છોકરાંઓ લઈ પિયરની વાટ પકડી લે….’
‘તો છો થાય હેડતી. અહીં ક્યાં એના વિના કોઈ સુકાઈ જવાનું છે ?’
‘એમ તું માને છે…. આ મારો જ દાખલો લે. તારી ભાભી ગયા પછી છોકરાઓ જો મને છૂટો પાડી દે તો મારી શું હાલત થાય ?’
‘શું થાય ? તારી પાસે લખલૂટ પૈસો છે. તારે કોની પરવા છે ?’
‘પરવા બધાની છે. માત્ર પૈસો જ બધું સુખ નથી આપી દેતો. એમાંયે, આ ઘડપણમાં તો નહીં જ. ઘડપણમાં આપણે કુટુંબની હૂંફથી વીંટળાઈને બેઠાં હોઈએ તો અંતર ભર્યું ભર્યું લાગે. જરાયે એકલવાયું ન લાગે…. માન કે કાલે ઊઠીને અનુરાધા જતીનને છૂટો થવા સમજાવે ને જતીન જુદો રહેવા ચાલી જાય તો ? તારું ધ્યાન રાખવા એ અહીં કોઈ કામવાળી બાને મૂકીને, બીજો ફલેટ લઈ ત્યાં રહેવા ચાલ્યો જાય, પછી આ ઘરમાં તારો એકેય દહાડો નીકળશે ? કામવાળી તારું રાંધી દે, સાફસૂફી કરે ને રાતે અહીં સૂતી પણ રહે. પછી શું ? આવશે અહીં કોઈ તારી ખબર કાઢવા ? કોઈ મહેમાન પણ અહીં નહીં ડોકાય. બધા જશે ત્યાં જતીનને ઘેર.. માટે ઠંડો મિજાજ રાખ. જતીન આટઆટલું કમાય છે તે આનંદથી ભોગવ અને બીજાને ભોગવવા દે.’

કમળાબા વિચારમાં તો પડી ગયાં.
એને વિચારતી જોઈ, લાગ જોઈને રંગીલદાસે સોગઠી મારી દીધી, ‘જો બેન, તેં આ ઘરમાં લાંબો વખત રાજ ચલાવ્યું. મારા બનેવી ગયા પછી આ ઘરમાં બધું તારું જ ચાલ્યું છે એટલે તને વાતવાતમાં કંઈ ને કંઈ ટીકા કરવાની ટેવ પડી ગઈ છે. પણ હવે તું ઘરના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લે. જૂની પેઢીએ નવી પેઢીને તૈયાર કરવાની હોય એ એની રીતે. આપણે તો ખર્યું પાન. જેટલા દિવસ મળ્યા એટલા માણી લેવાના. જે ઘરમાં આપણું માન ન હોય એ ઘરમાં આપણે પરાયા લાગીએ. એ ઘર આપણાથી દૂર ને દૂર જતું રહે. યાદ રાખજે, માન માગવાથી નહીં મળે. અંતરથી જે આપે તે સાચું….. આ તારી ભાભી ગયા પછી હું એ જ રીતે જીવું છું…. આટલા દિવસથી તારે ત્યાં રહું છું, પણ એકેય દિવસ એવો ગયો છે કે સુરતથી ફોન ન આવ્યો હોય ? દરરોજ રાત્રે ફોનની ઘંટડી ખખડે છે ને કોઈ ને કોઈ વહુ-દીકરા કહે જ છે ને કે પાછા ક્યારે આવો છો ? જલદી આવો, છોકરાઓ તમારા વિના હિજરાય છે. ટ્રેનમાં ટિકિટ ન મળતી હોય તો લેવા માટે કાર મોકલીએ….. બેન, કોઈને આપણી ગેરહાજરી વર્તાય એ જ આપણું સુખ. હું તો બે-ચાર દિવસમાં જઈશ, પણ તને આટલું કહેતો જાઉં છું કે જતીન-અનુ તારાં ઓશિયાળાં નથી, તું એમની ઓશિયાળી છે. આટલામાં બધું સમજી જજે.’

રંગીલદાસમામા શિખામણની જે શીશી સૂંઘાડતા ગયા એનાથી કમળાબા પર સારી એવી અસર થઈ. હવે ધીરે ધીરે ઘરમાંથી એમણે રોકટોક ઓછી કરવા માંડી. અનુરાધાની કે છોકરાઓની જેને એ હરકત ગણતાં હતાં, એની સામે આંખ આડા કાન કરી દીધા. છોકરાઓનું અને વહુનું માન સાચવતાં ગયાં. કુટુંબમાં કરવાના વ્યવહારોની બાબતોમાં હવે એ અનુરાધાની સલાહ લેવા લાગ્યાં.

બે-એક વર્ષ પછી રંગીલદાસની તબિયત બગડી અને બહેન ભાઈને ઘેર રહેવા સુરત ગઈ કે બીજી રાત્રે જ અનુરાધાનો ફોન આવ્યો.
‘બા, કેમ છે મામાને ?’
‘સારું છે, હવે ડોકટરે આરામ લેવાનું કહ્યું છે એટલે આરામ કરે છે.’
‘મામાને જો સારું હોય તો…. તો… આવી જાઓ તમે પાછાં.’
‘કેમ ? હજુ ગઈ કાલે તો અહીં આવી.’
‘મામાની સંભાળ લેવા ત્યાં ઘણાંબધાં છે.’
‘તે છે ને ! ભઈની પથારી પાસેથી કોઈ ખસતુંજ નથી. ને, છોકરાઓ પણ રાતે એની પડખે જ સૂતા રહે છે.’
‘તો પછી પાછાં આવી જાઓ.’
‘પણ કેમ ?’
‘પપ્પુ-પિંકીને તમારા વિના ગમતું નથી. તમારા વિના ઘર સૂનું સૂનું લાગે છે….’ કમળાબાને એ દિવસે સમજાયું કે ઘર ખરેખર કોનું છે ! ભલે ઘર જતીન-અનુરાધાનું હોય, પણ જ્યાં સ્નેહની સુવાસ પથરાવો કે પારકાંનાં ઘર પણ પોતાનાં થઈ જાય છે. પાંચમા દિવસે તો જતીન-અનુરાધાનો ફોન આવ્યો કે બા, કાલે અમે સૌ મામાની ખબર પૂછવા સુરત આવીએ છીએ ને વળતાં કારામાં તમને લેતાં જઈશું. તમે તૈયાર રહેજો. કમળાબાએ ફોન મૂકીને હળવેકથી રંગીલદાસને કહ્યું :
‘તો ભઈ, કાલે મુંબઈ જઉં ? ત્યાં કોઈને મારા વિના સોરવતું નથી.’
‘જા બેન, જા.’ રંગીલદાસે હસતાં હસતાં કહ્યું, ‘તને જાકારો દેવાનો પણ આનંદ છે.’

એ પછી તો એકાદ વર્ષમાં મેં મુંબઈમાં મારું ઘર લઈ લીધું, અને મિસ્ટર અને મિસિસ ઠાકરનું ઘર છોડ્યું. પણ જ્યાં સુધી એ બિલ્ડિંગમાં રહ્યો ત્યાં સુધી મને ખબર નહોતી પડી કે ખરેખર હું કોનો પેઈંગ-ગેસ્ટ હતો ? મિસ્ટર એન્ડ મિસિસ ઠાકરનો કે કમળાબાનો ? મારા નવા ફલેટમાં મેં કમળાબાના હાથે કુંભ મૂકાવ્યો ત્યારે કમળાબાએ મને આશીર્વાદ આપ્યા : ‘ભઈલા, મારા જેવું જ સુખ મેળવજે આ ઘરમાં.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બી….પ્રેક્ટિકલ, મમ્મા – નયના ભરતકુમાર શાહ
શાળામાં પહેલો દિવસ – દુષ્યન્ત પંડ્યા Next »   

20 પ્રતિભાવો : એક નંબરનાં કકળાટિયાં કમુબા – ગિરીશ ગણાત્રા

 1. જગત દવે says:

  બધાં ‘કમળાબા’ ને ‘રંગીલમામા’ નથી મળતાં પછી……તેવા ‘કમળાબા’ ઓ ઘરડાં-ઘર ગજવે છે અને ‘આજ-કાલના’ છોકરાં-છોકરીઓ ને વગોવે છે.

  લોકો ઘણીવાર ખોટી જગ્યાએ સહાનુભુતિ દેખાડતા હોય છે…..બધાં જ ધરડાંઓ નિર્દોષ નથી હોતાં.

  રંગીલમામા ની સલાહ આપણે દરેકે જીવનમાં ઊતારવા જેવી.

  ગીરીશભાઈ ની વાર્તાઓ નાં પાત્રો હંમેશા રસ-પ્રદ હોય છે.

 2. Sonia says:

  ગિરીશ ભાઈ ની વાર્તા બહુ સુંદર હોય છે. બધા ને રંગીલદાસ જેવા વડીલ મામા હોય….

 3. trupti says:

  મારા મમ્મી ના મકાન મા આવાજ એક કમળાબા રહેતા હતા, પણ અફસોસ તમને સમજાવવા માટે રંગિલમામા જેવા ભાઈ નહતા અને માટે તેમનો અંત વાર્તા ના કમળાબા જેવો નથી.
  મકાન ના કમળાબા જેમનુ નામ ઈંદિરા બહેન દોશી, તેમનો કડપ એ અવો કે વહુ તો શું દિકરીઓ પણ કાંપે. વહુ ને તો બિચારી ને એવી બાપડી ની જેમ રાખે કે વહુ સાસુ ને પુછ્યા વગર માથુ પણ ન ધોઈ શકે. મકાન મા પણ બધા પર બહુ ધાક જમાવે. છોકરો પણ તેમના જેવોજ, દરેક સોસાયટી ની મિટીંગ મા મારામારી પણ ઉતરી આવે. તેઓ બીજા મજલે રહે અને અમે સાતમા. દિવાળી મા ધર ધોવુ હોય તો તેમને જણાવ્યા વગર ધોવાય નહીં. કાળો કેર વરસાવે. છોકરા ના છોકરાઓને પુછીએ કે તેમના દાદી નુ શું નામ તો જવાબ મળે- ઈદિંરા ગાંધી- પ્રાઈમ મિનિસટર. થોડા વરસ તો વહુ પણ તાબામા રહી કારણ જતીન જેવો ઠાવકો વર નહીં એ પણ ગુંડો. સમય જતા વહુએ વર ને તાબા મા કર્યો અને જોકે ઘર ડોસી ના નામે હતુ છતા તેને ધરમાથી કાઢિ મુકી. છોકરી ઓ મળી ને એક નાનુ એવુ ઘર તેમેને લઈ આપ્યુ અને માથે છાપરુ આણ્યુ. જો તેમને જોહુકમી થી નહીંને પ્રેમથી કામ લીધુ હોત તો? આજે ધરડે ધડપણ તેમને એક્લા રહેવાનો વારો ન આવ્યુ હોત.

  જગતભાઈ એ કહ્યુ એ પ્રમાણે બધોજ વાંક જુવાનીયા ઓ નો નથી હોતો. ધરડાઓ એ પણ સમજવુ જોઈ એ કે તમને તો તેમની જિંદગી જીવી લીધી હવે તેમના બાળકો નો વારો છે અને કદાચ તેમને તેમના મોટાઓ નો ત્રાસ વેઠ્યો હોય કે વેઠવો પડયો હોય તો એમ વિચારવુ જોઈ એ કે અમને જે અમારી જિંદગી મા ન મળ્યુ કે ન કરવા મળ્યુ તે અમારા છોકરાઓ કરે કે મેળવે. જો તેમનો અભિગમ બદલાસે તો સમાજ મા જરુર થી બદલાવ આવસે.

 4. Ashok Jani says:

  ગિરીશભાઇની સરસ વાર્તા, જે હંમેશ માફક સત્યઘટનાત્કમક છે. ઘરડાંઓએ વાંચવા જેવી હરકિસન જોશી લિખિત એક પુસ્તિકા ‘ ઘડપણ હળવું ફુલ’ આ સંદર્ભે દરેક વયસ્કે વાંચવી જોઇએ……

  • જગત દવે says:

   અશોકભાઈઃ

   ‘ઘડપણ હળવું ફુલ’ પુસ્તિકાનું પ્રાપ્તિ-સ્થાન જણાવશો. વાંચે ગુજરાત 🙂

   જય ગુજરાત.

   • Ashok Jani says:

    જગતભાઇ,

    ‘ઘડપણ હળવું ફુલ’ પુસ્તિકા જામનગર, વંડા ફળી -૧ સ્થિત શ્રી હરકિસન્ ભાઇ જોશી નિઃશુલ્ક વ્હેંચતા, મારી પાસે છે, મ્રુગેશભાઇ ને વિનંતિ કરી રીડ્-ગુજરાતી પર મુકાવવા પ્રયાસ કરીશ. તમે તેમનો સંપર્ક પણ કરી શકો…….

 5. Harish S. Joshi says:

  ભાયિ ગિરિશ ગનાત્રા ને ” ગોરસ ” અમે ઓરખિયે. એમ્નો આ લેખ પન વાન્ચ્યો, ગમ્યો.મધ્યમ પરિસ્થિતિ મા
  રહેતા એવા ગના ઘર્નિ આ વાત ચ્હે.પન બહુજ ઉન્દાન મા જશુ તો લાગ્શે કે મનોવિઘ્યાન નિ દ્રુશ્તિ એ એવા
  પાત્રો ને જિવન મા મહત્વ નથિ અપાયુ હોવાથિ તેવો આવા થયિ જાયે ચ્હે.તેમ્ને પ્રેમ અને મહત્વ આપ્વા માઆવે તો
  ધિરે ધિરે પરિસ્થ્તિ સુધરિ શકે ચ્હે.પચ્હિ કોઇ રન્ગેીલા મામા જેવા માધ્યમ મલિ જાયે તો પુચ્હ્વુજ શુ ?
  જિવન મા “ધિરજ ના ફલ મિથા ” વહુ જો સુ-શિક્શિત અને સન્સ્કારિ પરિવાર થિ આવિ હોય અને સમજ્દારિ થિ
  કામ લે તો પરિસ્થિતિ ને થાલે પદ્તા વાર ના લાગે.

  ગિરિશ્ભાયિ હમેન્શા સામાજિક પ્રશ્નો પર આધારિત વાતો લખે ચ્હે જે સોઉને ગમિ જાયે ચ્હે.પ્રસન્શ્નિય હોયે ચ્હે.આભાર્.

 6. Ashok Jani says:

  જગતભાઇ,

  ‘ઘડપણ હળવું ફુલ’ પુસ્તિકા જામનગર, વંડા ફળી સ્થિત શ્રી હરકિસન્ ભાઇ જોશી નિઃશુલ્ક વ્હેંચતા, મારી પાસે છે, મ્રુગેશભાઇ ને વિનંતિ કરી રીડ્-ગુજરાતી પર મુકાવવા પ્રયાસ કરીશ. તમે તેમનો સંપર્ક કરી શકો…….

  હરીશભાઇ જોશીને વિનંતિ કે ગુજરાતી કી-બોર્ડ ની મદદ લઇ કેવી રીતે વાપરવું તે સમજી પ્રતિભાવ આપે તો બીજા વાચકો તેમને બરાબર સમજી શકે.

  • shailesh jani says:

   અશોકભાઈ “ઘદપન હલવુ ફુલ” મને કેવિ રિતે મલે ?? મર્રો ભાનેજ જામનગર મા ચ્હે તેને કહિશ ત્યાથિ મેલવિ ને મને મોકલિ દેશે.

   આભાર

   શૈલેશ જાનિ
   ભાવનગર
   ૯૮૨૪૯૨૬૯૯૬

 7. જય પટેલ says:

  હંમેશાની જેમ કંઈક જીવનમાં કંઈક બોધ આપતી હળવી પણ ગંભીર ચિંતન કરાવતી વાર્તા.

  ગુજરાતી સમાજમાં કમુબા જેવા પાત્રોની હકુમત ટીવીના આગમન બાદ ઢીલી પડી છે
  છતાં કચકચવાળો સ્વભાવ ના સુધરતાં ઘરડાં ઘરનું આગમન થયું.
  ઘરડાં ઘરમાં ઉચ્ચ મધ્ય વર્ગનાં લોકો રહે છે તે આપણા સમાજની તાસીર છે.

  વાર્તાનું સુંદર વાક્ય….
  કોઈને આપણી ગેરહાજરી વર્તાય એ જ આપણું સુખ.
  જ્યાં સ્નેહની સુવાસ પથરાય કે પારકાં ઘર પણ પોતાનાં થઈ જાય છે.

  સુંદર પ્રસ્તુતિ.
  આભાર.

 8. Kamakshi says:

  પણ દુખ ની વાત તો એ છે કે “કમળા’ બા તો બહુ હોય છે પણ ર્ંગીલ મામા તો ઘણા જ ઓછા હોય છે.

 9. Vaishali says:

  fully agree with Kamakshi.

 10. જિજ્ઞેશ શનિશ્વરા says:

  યાદ રાખજે, માન માગવાથી નહીં મળે. અંતરથી જે આપે તે સાચું…..

  આ વાક્ય સનાતન સત્ય છે. જગત્ભાઈએ સાચું લખ્યું છે, બધા ઘરડાં નિર્દોષ નથી હોતા.

 11. hema says:

  Excellent story.
  Everybody of the society should read this story & understand the values of life.
  i have to write in English because i don’t know how to write in Gujarati with the keyboard.Please help me.

 12. LAJJA says:

  girish bhai bahu j saras varta chhe. pan hu maro dakhlo aapu toh.. mara sasu bahu j sara chhe… aajna jamana ma aava sasu kyay na male… mane bahuj prem thi rakhe.. badhu j chalave.. pan sathe ek bijo motto gun e ke .. badhu kaam e jate j kare.. rasoi pan…. have mari munjvan e thai pade ke mare rasoi karvi hoy toh pan na kari shaku… kai jaate prayog karvo hoy toh pan na kari shaku.karan ke sasara ne khava no bahu shokh pan sasu ni rasoi ma pan bhulo kadhya rakhe…ne jo hu banau ne mari bhulo kadhe toh sasu ne na game… bolo kevi taklif.. emna guno thi hu mushkeli anubhavu chhu… aa pan kevi gajab ni vaat chhe nai….

 13. ભાવના શુક્લ says:

  “કોઈને આપણી ગેરહાજરી વર્તાય એ જ આપણું સુખ”

  એક ઉત્તમ વાત!!

 14. someshwara says:

  TRUE STORY – I know one such ‘kamalaba’ who has two sons (with grand sons and great grand sons) who are ‘crorepatis’ but due to her nature, she is living in Gharda ghar.

 15. Mittal says:

  realy nice story ,nd this is true of life ,alway our nature is making a silent power

 16. shailesh jani says:

  ભલે કમલા બા ગમ્મે તેવા હતા, પન કમલા બા વગર નુ ઘર ઈ ઘર નો કેવાય. આજે ફરિ સમ્યુકત કુતુમ્બ નિ કિમ્મત સમ્જાય ચ્હે. બન્ને માનસ નોકરિ કરિ ઘર ચલાવે ત્યારે ઘર મા એક વદિલ હોય તો બાલકો મોતા થૈ જાય ને મ બાપ ને ખબરેય નો પદે.
  યત્ર વ્રુધ્દહસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા……………………

 17. ravi macwan says:

  v.interesting & meaningful story..One thing we must always remember that we should not become Justice of our parents.becoz,They had taken tremindious pain in our fostering.It’s now our turn to love them, to protect them at their old age
  Any behavioural problem or family problem ought to be solved th communication…It wil help to maintain peace and harmony in the house, as nicely shown in the story..my heartly thanx to the writter.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.