બાળસાહિત્યકાર જીવરામ જોષી – ટીના દોશી

[‘શબ્દસૃષ્ટિ’ જુલાઈ-2004માંથી સાભાર.]

એમના જીવનમાં કેટકેટલા ઉતારચડાવ આવ્યા : દસબાર વર્ષની ઉંમરે ભણવા માટે સૌરાષ્ટ્રથી અમદાવાદ આવ્યા, બૌદ્ધ સાહિત્યના વિદ્વાન ધર્માનંદ કૌસંબીના જીવનથી પ્રેરાઈને વિદ્યાભ્યાસ માટે કાશી ગયા, કાશીમાં સત્યાગ્રહી બન્યા, આઝાદીની ચળવળમાં સક્રિય થયા, રાજકીય ક્રાંતિકારી બન્યા, અંગ્રેજ પોલીસને હાથતાળી આપીને કાશીથી બિહાર અને બિહારથી ગુજરાત આવ્યા. ગુજરાતમાં ભાગ્યચક્ર પલટાયું. મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકોમકો અને અડુકિયો દડુકિયો જેવાં લોકપ્રિય પાત્રોનું સર્જન કરીને મોટા ગજાના બાળસાહિત્યકાર બની ગયા….

હા, અહીં જીવરામ જોષીની વાત થઈ રહી છે. ક્રાંતિકારીમાંથી બાળસાહિત્યકાર બનેલા જીવરામ જોષી નવ્વાણું વર્ષની ઉંમરે ગુજરી ગયા. બાળસાહિત્યના ક્ષેત્રમાં એમણે જે ખેડાણ કર્યું છે એની કોઈ કિંમત આંકી શકાય એમ નથી. બાળસાહિત્યમાં એમનું પ્રદાન-યોગદાન અમૂલ્ય છે. વિદેશોમાં સર્જાયેલા હેરી પોટર અને ટારઝન જેવા બાળસાહિત્યનાં પાત્રો દુનિયાભરમાં લોકપ્રિય છે, પરંતુ જીવરામ જોષીનાં પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ સવેળા પ્રકાશિત થયો હોત તો આજે દુનિયા આખીનાં બાળકોની જીભે અડુકિયો દડુકિયો અને મિયાં ફુસકીનાં નામ રમતાં હોત !

બાળકોના લાડીલા લેખક જીવરામ જોષીને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. મુંબઈથી પ્રસિદ્ધ થતા એક્સપ્રેસ જૂથના ગુજરાતી દૈનિક ‘સમકાલીન’ની ‘ગૂર્જર ગૌરવ’ શ્રેણી માટે જીવરામ જોષીની મુલાકાત એમના મીઠાખળી, છ રસ્તા સ્થિત નિવાસસ્થાનમાં લીધી હતી. એ વખતે બાણું-તાણું વર્ષની ઉંમરે પણ જીવરામ જોષી સાડા ચાર કલાક જેટલી લાંબી ચાલેલી મુલાકાત દરમિયાન એકદમ અડીખમ, ટટ્ટાર બેઠા રહ્યા હતા એ આજે પણ યાદ છે. એકવડિયો છતાં મજબૂત બાંધો, આંખે કાળી ફ્રેમનાં ચશ્માં, હોઠ પર સ્મિત, અવાજમાં બુલંદી અને તીવ્ર સ્મરણશક્તિ…. જીવરામ જોષીએ સ્મૃતિનો પટારો ખોલી નાખ્યો. જન્મથી માંડીને જીવનના વિવિધ વળાંકો અને બાળસાહિત્યના સર્જન વિશે વિગતવાર વાત કરી હતી.

‘મને બાળકો અત્યંત પ્રિય છે. મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે. એટલે જ મેં બાળસાહિત્યના ક્ષેત્રમાં ખેડાણ કરવાનું નક્કી કર્યું…..’ જીવરામ જોષીએ આ નિર્ણય અમલમાં મૂક્યો અને બાળવાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એમણે પાંચસો કરતાં વધુ પુસ્તકો લખ્યાં. ગુજરાતી બાળસાહિત્યને અજબગજબનાં પાત્રોની ભેટ આપી. એમાં છકોમકો, છેલછબો, ગપ્પીદાસ, માનસેન સાહસી, અડુકિયો દડુકિયો અને મિયાં ફુસકી તો અત્યંત લોકપ્રિય થયાં.

જીવરામ જોષીએ મિયાં ફુસકીનું પાત્ર કેવી રીતે સર્જ્યું એ વિશે એમના શબ્દો ટાંક્યા છે : ‘હું કાશીમાં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફુસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશાં હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફુસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.’ મિયાં ફુસકીનું મુસ્લિમ પાત્ર ઘડ્યા પછી કોમી એકતાની ભાવનાથી પ્રેરાઈને જીવરામ જોષીએ તભા ભટ્ટના હિંદુ પાત્રનું આલેખન કર્યું. કાશીમાં જોયેલા બ્રાહ્મણોના આધારે તભા ભટ્ટનું પાત્રાલેખન કર્યું. માથે પાઘડી અને ખભે ખેસ ધારણ કરતાં દુંદાળા ભટ્ટ મિયાં ફુસકીના મિત્ર બન્યા. દૂબળા મિયાં અને જાડિયા ભટ્ટજીની ભાઈબંધી કોમી એકતાનો સંદેશ આપે છે. વાર્તાની વાર્તા ને સંદેશનો સંદેશ…. જીવરામ જોષીને કાશીમાં જોયેલાં પાત્રોના આધારે મિયાં ફુસકી લખવાની પ્રેરણા મળી જ્યારે ટ્રેનમાં ઊંચા માણસને જોઈને એ લાંબા છકા અને ટૂંકા મકાનાં પાત્રો ઘડવા પ્રેરાયા. મામાના ઘેર જવા થનગનતા અડુકિયો દડુકિયો તો એમના મનગમતાં પાત્રો હતાં. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે….. આ બાળગીત તો આજે પણ લોકપ્રિય છે !

જીવરામ જોષી બાળસાહિત્યકાર તરીકે લોકપ્રિય થયા, પરંતુ એમની જીવનકથા અત્યંત સંઘર્ષમય છે. સૌરાષ્ટ્ર સ્થિત જસદણથી ચાર ગાઉ દૂર આવેલા ગરણી ગામમાં 6 જુલાઈ, 1905ના રોજ જીવરામ જોષીનો જન્મ થયો. માતા સંતોકબહેન ઘર સંભાળતાં. પિતા ભવાનીશંકર કથાકીર્તન કરવા ઉપરાંત જ્યોતિષ જોતા. ઝાઝું ભણેલા નહોતા, પરંતુ શિક્ષણનું મહત્વ જાણતા હતા. મોટા દુર્લભજી અને નાના જીવરામને પાનોસરા ગામની શાળામાં ભણવા બેસાડ્યા. જીવરામ ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે ભવાનીશંકરનું ઓચિંતુ મૃત્યું થયું. જોષી પરિવાર બેસહારા બની ગયો. જીવરામે ભણવાનું છોડવું પડ્યું. બે ટંકના ભોજન માટે ગરણી અને પાનોસરામાં લોટ માગવાનું શરૂ કર્યું. ગાડું ગબડતું રહ્યું. દરમિયાન ગામના એક બ્રાહ્મણ દુર્લભજીને અમદાવાદની હોટલમાં નોકરી અપાવવા લઈ ગયા. જીવરામે પણ ભણવા માટે અમદાવાદ જવાનો વિચાર કર્યો. એ વખતમાં જસદણથી બોટાદ થઈને ટ્રેન અમદાવાદ જતી હતી. સંતોકબહેન પાસેથી અઢી રૂપિયા લઈને જીવરામ અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયો. દુર્લભજીને મળ્યો. દુર્લભજીમાં તો બે માણસ પૂરું કરવાની ત્રેવડ નહોતી, પણ એ જેમની સાથે રહેતા હતા એ હરિશંકર જોષી વહારે ધાયા. જીવરામને ત્રણ દરવાજે આવેલી બળવંતરાય ઠાકોરની પ્રોપ્રાયટરી શાળામાં દાખલ કરી દીધો. બે ટંકના ભોજન માટે જાણીતા સાહિત્યકાર રામનારાયણ પાઠકના ઘેર રસોયા તરીકેની નોકરી શરૂ કરી. જીવરામ જોષીની રહેવા, ભણવાની અને જમવાની સગવડ થઈ ગઈ.

એ દિવસોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. જીવરામ જોષી સરઘસોમાં ભાગ લેતા અને નવરાશની પળોમાં વાંચન કરતા. એક વાર રા.વિ. પાઠકે અનુવાદ કરેલું બૌદ્ધ સાહિત્યના વિદ્વાન ધર્માનંદ કૌસંબીનું જીવનચરિત્ર વાંચ્યું. વાત વાતમાં પાઠકસાહેબે કહ્યું : ‘ભણવા માટે ચાલીને કાશી ગયેલા કૌસંબીની જેમ તું પણ વિદ્વાન બની શકે……’ જીવરામના મનમાં આ શબ્દો ઘર કરી ગયા. એક દિવસ પોટલું બાંધીને અમદાવાદથી કાશી જવા નીકળી પડ્યા. રસ્તામાં ખાવાપીવાની તકલીફ ન પડે એ માટે સાધુબાવાઓની જમાતમાં ભળી જતા અને સદાવ્રતોમાં ભોજન કરતા. આખરે એક દિવસ કાશી પહોંચી ગયા. કાશી વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે પસાર કરેલા દિવસો વિશે જીવરામ જોષીના શબ્દો : ‘મેં તો ભણવાની સાથે જ ભોજનનો પ્રબંધ પણ કરી લીધો. એ માટે હું પણ બીજા વિદ્યાર્થીઓની જેમ માધુકરીના નિયમોનું પાલન કરતો. હું ઝોળીમાં થાળી, કટોરો લઈને ત્રણથી ચાર ગુજરાતી ઘરોમાં ભિક્ષાર્થે જતો. ‘ભવતિ ભિક્ષાંદેહિ’ની બૂમો પાડતો. પછી ભિક્ષામાં જે મળે તે પ્રેમથી જમી લેતો. કાશીમાં ભણવાની સાથે જ જીવરામ જોષી યોગવિદ્યા પણ શીખતા. એમાં ત્રાટકના પ્રયોગો કરતા. જીવરામ જોષીના ત્રાટકવિદ્યાના પ્રયોગો એમના જ શબ્દોમાં મૂક્યા છે : ‘પહેલાં તો મેં હાથના અંગૂઠા અને અંતરીક્ષમાં કાલ્પનિક બિંદુ પર ત્રાટકનો પ્રયોગ કર્યો. એમાં સફળ થયા પછી દીવાની જ્યોત પર ત્રાટક કર્યું. એકધારા પોણા કલાક સુધી જ્યોત પર ત્રાટક કરવાની સિદ્ધિ મેળવી લીધી. ત્યાર પછી મેં સૂર્ય પર ત્રાટક કરવાનું નક્કી કર્યું……’

જીવરામ જોષીએ કેટલાક દિવસો સુધી ખરેખર સૂર્ય પર ત્રાટક કર્યું. પણ એક દિવસ સૂર્યત્રાટક દરમિયાન એમની આંખોની રોશની ચાલી ગઈ. દેખાતું બંધ થઈ ગયું. એ વખતે બાળજીવરામ સાથે લાગણીના બંધને બંધાયેલાં એક બહેને આંખમાં આંજવાની દવા આપી. જીવરામને કાચી કેરી ભાવતી એટલે એ બહેન કેરીના કટકા નાખીને ખીચડી બનાવી દેતા. ત્રણ દિવસ પછી એકાએક ચમત્કાર થયો. કેરીવાળી ખીચડી ખાઈને સૂઈ ગયેલા જીવરામ જોષી ઊઠ્યા ત્યારે આંખોની રોશની પાછી આવી ગઈ હતી. આ ચમત્કાર કઈ રીતે થયો એનો જવાબ એમને ક્યારેય જડ્યો નહીં.

આ પ્રકારના અનુભવો વચ્ચે એકાદ વર્ષ પસાર થયું ત્યારે બનેલી એક ઘટનાના પગલે જીવરામ સત્યાગ્રહી બની ગયા. બન્યું એવું કે 1903ની સાલમાં કાશી વિદ્યાપીઠની મુલાકાત લઈને ગયા પછી મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવા માટે દાંડીકૂચનો આરંભ કર્યો. ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી એ જ દિવસે કાશીમાં જીવરામ જોષીએ નમકનો સત્યાગ્રહ કર્યો. કાશીના કોટવાળી વિસ્તારમાં આવેલા હરિશ્ચંદ્ર ચોકમાં નમક બનાવવાની જાહેરાત કરી. દસ માણસોની ટુકડી સાથે ચોકમાં પહોંચી ગયા. સગડીમાં ભઠ્ઠાં સળગાવ્યાં અને ત્રણેક કડાયામાં નમક ધોયેલું પાણી ઉકળવા મૂક્યું. જોતજોતામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો. જીવરામ જોષીના જમણા હાથનું હાડકું ભાંગી ગયું. મસ્તક પર લાઠીનો પ્રહાર થવાથી એ બેહોશ થઈ ગયા. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ ઘટનાને પગલે જીવરામ જોષી ક્રાંતિકારી તરીકે ઓળખાવા લાગ્યા. અંગ્રેજ પોલીસ એમની શોધમાં લાગી ગઈ. જીવરામ જોષી પોલીસની આંખમાં ધૂળ નાખીને કાશીથી બિહાર અને બિહારથી ગુજરાત આવ્યા. ગુજરાતમાં આવીને એમની કાયાપલટ થઈ ગઈ. ક્રાંતિકારી મટીને બાળસાહિત્યકાર બની ગયા. અમર બાળપાત્રો સર્જ્યાં.

આજે જીવરામ જોષી આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ મિયાં ફુસકી અને અડુકિયો દડુકિયો જેવા પાત્રોના સ્વરૂપે એ હંમેશાં જીવંત રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારામાં જીવતું મારું ઘર – મનસુખ સલ્લા
ભાષાના સંગે, આનંદના રંગે – કલ્પના દેસાઈ Next »   

13 પ્રતિભાવો : બાળસાહિત્યકાર જીવરામ જોષી – ટીના દોશી

 1. જગત દવે says:

  તેમના બાળ સાહિત્ય થકી જ અમારું બાળપણ સમૃધ્ધ બન્યું છે. આજે તેમની જીવની વાંચી ઘણો જ આનંદ થયો અને તેમનાં વ્યક્તિત્વનાં અનેક અજાણ્યા પહેલુંઓ વિષે જાણવા મળ્યું.

  આજનાં બદલાયેલા પરિવેષ અને સમયને લીધે બાળકો કદાચ તેમનાં રચેલાં પાત્રો સાથે જોડાવ મહેસુસ ન કરી શકે પણ જે તે સમયમાં તેમની વાર્તાઓ એ બાળકોનાં ઘડતરમાં ઘણો મોટો ફાળો આપેલો.

  વિદેશી પ્રજા આપણી ઊત્તમ રચનાઓ ને જોઈએ તેવો આવકાર નથી આપી શકતી (તે પછી ફિલ્મ, સાહિત્ય, સંગીત કોઈપણ ક્ષેત્ર હોય) અને આપે છે તો પણ તેમાં તેમનો અહમ સંતોષાતો હોય તેવો ભાવ ડોકાયા કરતો હોય છે. જેમ આપણી પ્રજા હેરી પોટર પાછળ ઘેલી થઈ છે તેમ વિદેશી પ્રજા ‘હનુમાન’ ઘેલી નથી થતી. જો કે થોડા ઘણાં અંશે આપણે પણ જવાબદાર છીએ. આપણે આપણાં સર્જકોની પહેલાં ઈર્ષ્યા અને પછી ઊપેક્ષા કરીએ છીએ. વિદેશમાં જીવરામ જોષી કક્ષાનાં સર્જકોનાં જન્મ સ્થળ, ઘર, પહેરવેશ વિ. ને એટલું સરસ રીતે જાળવે છે કે તે એક મ્યુઝીયમ કે પર્યટન સ્થળમાં બદલાઈ જાય.

  ‘માધુકરી’ (કેવું સરસ નામ!) એ ઘણાં ગરીબ છતાં હોનહાર એવા અભ્યાસુઓ ને આશરો અને બળ આપ્યું હતું. સ્કોલરશીપ પધ્ધતિનું તે શત પ્રતિશત ભારતીય એવું મોડેલ હતું. શ્રીમૃગેશભાઈ ને વિનંતી કરીશ કે ‘માધુકરી’ વિષે શ્રીકાકા કાલેલકરનો લેખ જે ‘અરધી સદીની વાંચન યાત્રા’નાં પહેલા ભાગમાં પ્રસિધ્ધ કરાયો છે તેને અહિં પ્રકાશિત કરે.

 2. અશોક જાની 'આનંદ' says:

  ‘ઝગમગ’ અને ‘બાલસંદેશ’ જેવા બાળ સામયિકોમાં મિયાં ફુસકી, છેલ-છબો, છકો-મકો, વિ. વાંચી આપણી એક પેઢી મોટી થઇ, તે વખતે બાળ મનોરંજન સાથે આપણી જ ધરતી ના આ પાત્રોએ સંસ્કાર સિંચન પણ કર્યું ‘ટૉમ એન્ડ જેરી’ કે મિકી માઉસ ને ત્યારે કોઇ ન ઓળખતું, મને યાદ છે દર બુધવારે નવો અંક વાંચવા અમે ભાઇઓમાં પડાપડી થતી, સૌથી પહેલાં અમે એમને જ વાંચતા.
  શ્રી જીવરામ જોશીની અંતરંગ વાતો અહિં વાંચી આનંદ થયો.

 3. dhiraj says:

  સૌને હસાવતા લેખક ની જીંદગી કેવી કરુણ પ્રસંગો થી ભરચક છે તે ખબર પડી

 4. Dipti says:

  જીવરામ જોશી વિશે આટ્લું વિગતવાર પહેલી વાર વાંચ્યું. એમના અમર પાત્રો તો ખૂબ જ માણ્યા હતા. જોશીજીની એકાદ તસવીર મૂકી હોત તો સારુ થાત .ગુજરાતીમાં મિયાં ફુસકી ફિલ્મ છે તે ઘણી મજા કરાવે એવી છે.
  અહીં દાંડીકૂચ માટે ૧૯૦૩ છે તે કદાચ ટાઈપીંગ ભૂલ હોઈ શકે,૧૯૩૦ દાંડીકૂચનુંવર્ષ હતું ને?

  • અશોક જાની 'આનંદ' says:

   એ ટાઇપીંગની જ ભૂલ છે, ૧૯૩૦ જ હોય્, આમે ય ૧૯૦૫માં જન્મેલા જીવરામ જોશી ૧૯૦૩માં કોઇ સત્યાગ્રહ્અમાં ભાગ ક્યાંથી લેવાના ??!!!!!

 5. I still remember my childhood –eagerly await for weekly zagmag –and books to be brought from school friends —
  and it was much refreshing like tv of now and radio of yesterday–there were no sports –so this reading wa only
  entertainment –to picture in a year in talkies was a bonus after examination —
  now time has changed —so much for children –my 11/2 year old grand son is seeing cartoon network –playing toys
  and dresses 4 times in a day –we had no toys –make of our own from waste –to hear and see radio was like a dream –and no snacks –direct food –no tea or milk –and were keeping seperate dress for school —
  yet I was happy with contentment and never thought that one day I will go to usa –those were most happy days
  though there less comforts and lot of labour –but were free birds –real enjoyment of life !!!!!!!!!!!!!

 6. જિજ્ઞેશ શનિશ્વરા says:

  જીવરામ જોષી જો વિદેશમાં થઈ ગયા હોત તો??? કરોડો બાળકોમાં લોકપ્રિય અને કરોડપતિ હોત.
  આપણી પ્રજા માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી. “હેરી પોટર”, “સિન્ડેરેલા”, એલિસ ઇન વન્ડરલેન્ડ વગેરે વાર્તાઓ જેટલી ભારતમાં વંચાય છે, તેટલી આપણી વાર્તાઓ વિદેશમાં તો ઠીક પણ ભારતમાં પણ વંચાતી નથી. સૌથી વધુ વાંક વાલીઓનો નથી?

  બાળકોને જેટલી ખિસ્સાખર્ચી આપે છે, તેના અડધા પૈસા પણ જો અલગ રાખે તો મહિનાના અંતે બાળકો માટે પુસ્તક વસાવી શકે. વેકેશનમાં ટીવી ગેઈમ્સ, વિડીયો ગેઈમ્સમાં પૈસા ખર્ચાય છે. પણ પુસ્તકો માટે ખોટો ખર્ચો કોણ કરે?

  જોષીજી ખરેખર મહાન બાળસાહિત્યકાર હતા.

 7. જિજ્ઞેશ શનિશ્વરા says:

  ટીનાજીનો આભાર માનવાનો ભુલી ગયો.

 8. જય પટેલ says:

  ગુર્જર બાળકોને પેટ પકડીને હસાવનાર મિંયા ફૂસકીના સર્જકનું જીવન સંઘર્ષમય હતું જાણી દુઃખ થયું.

  મિંયા ફૂસકી ૦૦૭ ચિત્રપટે ધૂમ મચાવેલી. શનિવારે આવતી ફૂલવાડીમાં તેમના કાર્ટૂન ગમતાં.
  શ્રી જીવરામ જોષીના અંતરંગમાં ડોકિયું કરાવવા બદલ લેખિકાશ્રીનો આભાર.

  શ્રી જીવરામ જોષીને ભાવભરી શ્રધ્ધાંજલિ.

 9. Ashish Dave, Sunnyvale, California says:

  Thanks for sharing such an insight of Shri Joshiji. Mia Fuski was also my favorite childhood character.

  Ashish Dave

 10. Nikita says:

  જિવરામ જોષીના કેટલાક પુસ્તકો ખરેખર અલભ્ય થઈ ગયા છે – ખાસ કરીને માનસેન સાહસીના પુસ્તકો – કોઇને મળે તો જાણીતા ગુજરાતી પ્રકાશકો તે છાપવા તૈયાર છે – તેમ જ તેમના પ્રપૌત્ર નામ – હિમાંશું પ્રેમ પણ આ પુસ્તકો શોધી રહ્યા છે – ખરેખર એક મોટી સેવા થશે અને સાહિત્યના ચાહકોની દુઆ મળશે – તમારી પાસે હોય તો શોધી કાડૉ અને વાટ ના જુવો.

 11. Harubhai Karia says:

  The biography of Shri Jivram Joshi is excellent.
  In Kachhi language there is a proverb the ” No pains no gains” Accodingly Shri Jivrambhai took lot of pains and thrrough his extraordinary vision he wrote very very good books and it will beimmorable for thousands of years.
  Many congratulations for giving the biography of Jivarambhai. Harubhai Karia.
  21st April.2010.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.