ભાષાના સંગે, આનંદના રંગે – કલ્પના દેસાઈ

[રીડગુજરાતીને આ વિનોદી લેખ મોકલવા માટે શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

[1] ચાલો ગુજરાતી ભાસાની ખબર કાઢવા !

‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને ?’
‘કેમ વળી અચાનક જ ગુજરાતી ભાષાને શું થઈ ગયું ?’
‘તમને નથી ખબર ? ગુજરાતી ભાસા તો મરવા પડી છે. એકદમ સિરિયસ છે.’
‘એમ ? મને કેમ ખબર ના પડી ? તમે મને આટલા દિવસ કહ્યું કેમ નહીં ? હવે જ્યારે મરવાની અણી પર આવી ગઈ ત્યારે એની ખબર કાઢવાનું સૂઝ્યું ? ને હવે આપણે જઈએ તો કેટલું ખરાબ દેખાશે ?’
‘ના, ના, એવું કંઈ નથી. બધાંને પણ હમણાં જ, મોડા મોડા જ સમાચાર મળ્યા છે. રોજ રોજ બધાં એની ખબર કાઢવા ટોળે વળી વળીને જઈ રહ્યાં છે, તો મે’કુ, આપણે પણ જઈ આવીએ.’

‘કઈ હોસ્પિટલમાં છે ?’
‘લગભગ સરકારી હોસ્પિટલમાં જ છે.’
‘મરવાની અણી પર આવી ગઈ એટલે મને લાગે છે કે આઈ.સી.યુમાં જ હશે.’
‘ના, ના. કોઈ કે’તું’તું કે એને તો જનરલ વોર્ડમાં જ રાખી છે. બધાં મળવા જઈ સકે ને ?’
‘પણ જનરલ વોર્ડમાં તો એની સારવાર કેવીક થાય ?’
‘તે એને ક્યાં વધારે સારવારની જરૂર પણ છે ? એને તો બધાં એને જોવા જાય ને મળવા જાય તેમાં જ બધું મળી જાય છે. ડોક્ટરોનું તો કે’વું છે કે આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં એ પાછી બેઠી પણ થઈ જસે. નવાઈની વાત કે’વાય ને ? હોસ્પિટલમાં તો વધારે લોકોને મળવાની ડૉક્ટર કાયમ ના પાડતા હોય. પેસન્ટ વધારે માંદા પડી જાય. પણ આ તો ઊલટી ગંગા જણાય છે. જેમ ખબર કાઢવાવાળા વધારે તેમ પેસન્ટની તબિયત વહેલી સારી થાય !’

‘ખબર કાઢવા જઈએ છીએ તો કંઈ ફળ કે એવું કંઈ લઈ જવું પડશે ને ?’
‘અરે ના ના ! એને એવી બધી કોઈ જરૂર નથી. બૌ સાદી છે. મળવા જઈસું તેમાં જ બૌ ખુસ થઈ જસે, જોજો ને !’
‘તમે તો એને બૌ સારી રીતે ઓળખતાં હો એમ વાત કરો છો !’
‘તો…..! ઓળખું કેમ નહીં ? મારા ગામની જ છે. બૌ નાની હતી ત્યારથી એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ અને મળતાવડી. બધામાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી.’
‘એનાં કોઈ સગાંવહાલાં નથી ?’
‘છે ને…. અરે…. એનાં કાકા-મામા-માસીની દીકરીઓ જ કેટલી બધી છે ને એને જોતાં જ ઓળખી જનારાઓ કેટલાય પડ્યાં છે. એમ તો એનો વટ ભારે છે, માનપાન પણ બૌ મળે પણ ખબર નહીં અચાનક સું થઈ ગ્યું તે હોસ્પિટલમાં દાખલ કરવી પડી ને વાત ફેલાઈ ગઈ કે એ મરવા પડી. મને ચિંતા થઈ તે એની ખબર કાઢવા જવાનું નક્કી કર્યું. તમને પણ એના માટે લાગણી છે તે મને ખબર એટલે મે’કુ પૂછી જોઉં આવતા હો તો….’

‘ના….ના…. ચાલો… હું પણ આવું જ છું. ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી તો મને પણ તમારા જેટલી જ છે પણ શું થાય છે કે આજકાલ બધે ફરવામાં અને બૌ લોકોને મળવા-મૂકવામાં મારાથી એને જરા સાઈડ પર મૂકાઈ ગઈ’તી. વચ્ચે વચ્ચે ઘણી વાર યાદ આવતી ત્યારે થતું કે, એ કેમ હશે ? મજામાં હશે ને ? એકલી તો નહીં પડી ગઈ હોય ને ? થોડી વાર ચિંતા થતી પણ વળી કામમાં ભૂલાઈ જતી. આ તો સારું થયું તમે મળી ગયાં તો. એ બહાને એને મળી લઈશ. બૌ વખતે મને જોઈને એને પણ આનંદ થશે.’
‘તમારાં બાળકોને પણ સાથે લઈ લો ને. એ બહાને એમને ફરવાનું મળશે ને માતૃભાષાને મળવાથી કેટલો આનંદ મળે તે પણ જોવા મળશે. ગુજરાતી તો બાળકોને જોઈને ખુસ-ખુસ થઈ જસે. મારાં બાળકોને પણ સંગાથ મળસે. ચાલો….’
‘અરે ! તમે કે’તાં હો તો વારાફરતી ઘરનાં બધાંને ગુજરાતીને મળવા મોકલી આપીશ. પણ એ તો કહો, ક્યા ડોક્ટરની સારવાર ચાલે છે ? કોઈ સારા ડોક્ટરને બતાવ્યું છે કે પછી જનરલ વોર્ડ ને સરકારી હોસ્પિટલ એટલે ન મરતી હોય તોય મરી જાય એવું તો નથી ને ?’
‘ના.. ભઈ ના ! મેં તમને પે’લાં જ કહ્યું કે ભલેને સરકારીમાં રહે કે જનરલમાં – એને તો લોકોનો પ્રેમ જોઈએ છે. લોકો એને યાદ રાખે, ભૂલી ન જાય એટલું જ એ ઈચ્છે છે, બીજું કંઈ નહીં.’

હોસ્પિટલ તરફ જતાં રસ્તે જોયું તો હોસ્પિટલની આજુબાજુના દરેક રસ્તા પર લાંબી લાંબી લાઈનો લાગેલી, હોસ્પિટલનું કમ્પાઉન્ડ ગુજરાતીની ખબર કાઢવા જનારાઓથી ખીચોખીચ ભરેલું ને શહેરમાં જ્યાં ને ત્યાં ગુજરાતીની તબિયતની, ગુજરાતીમાં જ વાત ને ચર્ચા ને બોલબાલા ! બધાંના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે ઊભરી આવી હતી. આટલો પ્રેમ ને આદર મેળવનારી ગુજરાતી ભાષા ભલા કઈ રીતે મરી શકે ? સો વર્ષ પછીની વાત પછી.

[2] મને સાકર આપો જી….

એટલું હારું સે કે બાર ગાઉએ બોલી બદલાય સે નકર આપણું હું થાત ? મું તો આઝકાલ ડિકસનરીમાં સબ્દો હોધવામાં મંડી પડી સું. કાંઈ ભૂલસૂક થાય તો લેવીદેવી હોં….! એક બેન પાંહેથી બે-સાર સબ્દો હું હાંભરી ગઈ તે દિ’થી આ બોલીનો સાર પામવાની મથામણમાં સું.

(1) જે ચકલી છે તે સકલી છે ને સકલી બારી પર સરકતી સરકતી ઝાય સે

(2) જે ચાદર છે તે સાદર છે ને સાદર પાથરવાની હોય સે ! સાદર કોઈને બોલાવાય નંઈ !

(3) સુખડીનાં સકતાં હોય પણ જે ખાઈ સકતાં હોય તે ઝ ખાય.

(4) જે ચરણ છે તે સરણ છે ને સરણ સાંપવાનાં હોય.

(5) ચરખો છે તે સરખો છે પણ સરખો સલાવતાં ના આવડે તો હું કામનું ?

(6) પૈસા કે દેવું કે ઋણ ચૂકવવાનું હોય ને આમાં તો સૂકવવાનું લખ્યું સે !

(7) ચીરો મૂકવાનું કે’ તો સીરો મૂકાય !

(8) ગેસની ચાકી બંધ કરવાનું કે’તો સાકી યાદ આવે !

(9) ચીકુ જોઈને સીકુ બોલે !

(10) આ લોકો ઢોર ચરાવવા નહીં સરાવવા જાય…!

(11) દાદર પર, ટ્રેનમાં કે બસમાં ચડે નહીં….. સડે… !

(12) જ્યાં ચિતાર આપવાનો હોય ત્યાં સિતાર આપી દે.

(13) મેંડલ નામે પક્ષી છે પણ એમાંય એમને સેંડલ દેખાય !

(14) કોઈની ચંપી કરવાની હોય ત્યાં એ લોકો સંપીને રે’ !

(15) ‘ચૂપ રે’ બોલે તો ‘સૂપ લે’ જ સંભળાય ને ?

(16) સત્તુ કે સત્તો બોલે તો આપણા દિમાગમાં સત્તા વિસારો આવે ?

(17) સરમબિંદુ સાંભળીને આપણે તો બિંદુને જ શોધીએ ને ? એમાં હાની સરમ ?

(18) ને ખેતરમાં ચાસ પડે તો આપણે સાસુને જોવા દોડીએ કે નંઈ ?

(19) ચકલી એમ તો સરરર…. કરતાં ઊડી જાય પણ કપડું ફાટવાનો અવાજ પણ સરરર….! સાંભળવાનું સારું લાગે..બીજું કંઈ નહીં !

(20) ચગુ છે પણ જ્યાં ને ત્યાં સગુ દેખાય !

(21) કશેકથી ચરુ મળી જાય તો સરુ…. સરુ… ને બોલાવવા દોડે ને સરુ તો હાથામાં સૂડો લઈને બેઠી હોય !

(22) કેરીનું સીક બોલતાં બોલતાં તો સીક થઈ જાય એવું લાગે. ચંપત છે તે પાછો સંપત છે ! ડાયાબિટિસવાળાને સક્કર આવે સે ! ચોપગું જાનવર અચાનક જ સોપગું થઈ જાય ! ને ચોધાર આંસુએ રડનારની સોધાર થઈ જાય ! જે ચાલ છે તે સાલ છે ને ચાલી છે તે સાલી છે ને ચાલો કહે ત્યારે ખિજાવું નહીં. ચોર આવે ત્યારે સોર કહે ને ચોરી કરે ત્યારે સોરી બોલે !

આ બધી વાતનો તો અંત જ નથી પણ આ બધી પંસાત કરવામાં મારો ઘાટી સૂપસાપ સરકી ગ્યો તે મેં બાઝૂવાળાને ઝઈને કઈ ઝોયું, ‘મને સાકર આપો જી….’ ને એમણે વાટકીમાં સાકર લાવી દીધી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળસાહિત્યકાર જીવરામ જોષી – ટીના દોશી
એકત્વની આરાધના – સં. રજની દવે Next »   

18 પ્રતિભાવો : ભાષાના સંગે, આનંદના રંગે – કલ્પના દેસાઈ

 1. ભાષાન ખબર કાઠવાની વેધક વાત ખુબજ સુંદર રીતે રજુ કરી છે.

 2. જગત દવે says:

  સરસ કટાક્ષ. ભાષાનાં શુધ્ધ ઊચ્ચારણ માટે વ્યક્તિગત ચિવટ જરુરી છે. દરેક ભાષાનું આવું જ છે.

  ગુજરાતી ભાષા તેનાં શુધ્ધ સ્વરુપે બહોળા પ્રમાણમાં બોલાતી હોય તેવું શહેર છે ભાવનગર. એક સમયમાં એવું કહેવાતું કે જો શુધ્ધ ગુજરાતી સાંભળવાની ઈચ્છા થાય તો ભાવનગરનાં દિવાનપરા રોડ પર લટાર મારી આવો.

  • Jagruti Vaghela USA says:

   માનનિય શ્રી જગતભાઈ,
   હા, સાચેજ ભાવનગર શહેરમા કઠિયાવાડી લહેકામા બોલાતી શુધ્ધ ગુજરાતી ભાષા સાંભળવાની મજા આવે તેવી છે.
   મૂળ ભાવનગરની વતની છુ એટ્લે જ્યારે વેકેશનમા ભાવનગર જતા ત્યારે આ ભાષા સાંભળવા મળતી. ખૂબજ મીઠી ભાષા અને માણસો પણ એવાજ આત્મિયતા વાળા.

   • જગત દવે says:

    જાગૃતિબેન,

    મારું પણ વતન ભાવનગર છે…..રાજકીય પ્રયત્નોથી પ્રજાને સંસ્કારી બનાવી શકાય છે તે રાજવાડી સમયમાં ભાવનગરનાં રાજવીઓ એ પૂરવાર કરી આપ્યું હતું. કદાચ ભૂમિનો કે પાણીનો પણ પ્રતાપ હોઈ શકે. ત્યાર પછીતો ઘણી અશુધ્ધિઓ ભળી છે પણ એ બધા વચ્ચે અનેક સેવાભાવી અને કર્મશીલ સંસ્થાઓ અને તેનાં સંચાલકો દ્રારા સંસ્કાર પ્રવૃતિઓનો અખંડ દિવડો નાના વર્તૂળમાં આજે પણ જલતો રાખ્યો છે.

    ભાવનગરી ભાષા કાઠીયાવાડી ખરી પણ તેનાં ઊચ્ચારણો શુધ્ધ છે.

    • Jagruti Vaghela USA says:

     શ્રી જગતભાઈ,

     આપનુ વતન પણ ભાવનગર છે તે જાણી આન્ંદ થયો. તમારી વાત સાચી છે કે ભાવનગરના રજવાડી રાજવીઓના વખતમા પ્રજાના મૂળમા સિંચાયેલા સંસ્કારોને લીધે જ હજી આજે પણ સેવભાવીઅને કર્મશીલ સંસ્થાઓ અને તેના સંચાલકો દ્વારા સંસ્કાર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મહારાજા તખ્તસિંહજી, અને ભાવનગર સ્ટેટ ના છેલ્લા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે મદ્રાસ સ્ટેટ ના સૌપ્રથમ ગવર્નર બન્યા હતા તેમની વિષે મારા પિતાજી પાસેથી જાણેલુ. હું ભાવનગરમાં બહુ રહી નથી પણ જ્યારે ભારત જાઊ ત્યારે ત્યાં અચૂક જાઊ છું.
     ખરેખર, ભાવનગર એક સાહિત્ય નગરી સાથે સંસ્કાર નગરી પણ છે.

     • વિરાજ says:

      થોડા વખત થી રીડ ગુજરાતી વાચું છું પણ પ્રતિભાવ આજે જ લખું છું. મારું વતન પણ ભાવનગર હો ભાઈ. શું લખું ભાવનગર વિષે? મારું પોતીકું, મારા શ્વાસ માંરહેલું મારું ભાવનગર જ્યાં થી સદેહે તો ખુબ દૂર, પરંતુ રોજ મને સાંભરે એવું ભાવનગર.

      અભાર,
      વિરાજ

 3. ભાવનગર સાહિત્ય નગરી ખરી કારણકે ઝવેરચંદ મેઘાણી ના સુપુત્ર મહેન્દ્ર મેઘાણી અને ગોપાલ મેઘાણી દ્વારા સંચાલિત “લોકમિલાપ” અને “પ્રસાર” જાણે મઢુલી ખોલીને બેઠા છે ભાવનગર હું દોઢ વર્ષ રહ્યો છું પણ આમ ભાવનગરી શુદ્ધ ગુજરાતી નથી બોલતા “કાઠીયાવાડી” બોલે છે પણ હા , દર બુધવારે શિશુમંદિરમાં યોજાતી બુધસભા માં ત્યાના સ્થાનિક સાહિત્યકારો (જેમ કે , શ્રીતખ્તસિંહ પરમાર, શ્રીદિલેર બાબુ, શ્રીવિનોદ જોશી, શ્રી અજય પાઠક , શ્રી દાન વાધેલા વગેરે) શુદ્ધ ગુજરાતી માં વાત કરે છે તે માણ્યું છે

 4. અશોક જાની 'આનંદ' says:

  અત્યારે તો ગુજરાતી બોલાતી રહે, વંચાતી રહે એ જ જરૂરી છે, શુદ્ધોચ્ચાણ એક સમસ્યા ખરી પણ ગુજરાતી જીવતી હશે તો એ બધું ય થશે. ગુજરાતીના શુદ્ધ ઉચ્ચાર માટે નાગરી ન્યાત ઉલ્લેખનીય કહેવાય્….

  સામાન્યપણે સાહિત્યકારો એક્ઠાં થયાં હોય ત્યાં શુદ્ધ ગુજરાતી બોલાતું જ હોય છે.

 5. suresh says:

  ખડ્ખડા હાસ્ય્……………
  સુર્તિ ને તપિજાય તેવિ………..

 6. sujata says:

  મારા ગામની જ છે. બૌ નાની હતી ત્યારથી એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ અને મળતાવડી. બધામાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી……

  હા વ હા ચી વા ત્!……..

 7. Jigna Bhavsar says:

  કલ્પનાબેન, ખુબ ખુબ આભાર.

 8. જય પટેલ says:

  ગુજરાતી ભાષા ICUમાં નથી પણ સામાન્ય વૉર્ડમાં છે જાણી આનંદ થયો….હજુ વાત આપણા હાથમાં છે..!!

  મે..કુ, કોઈ કે..તુ..તુ, હેડ લ્યા, ચમનું સે, હોવ…જેવા તળપદી શબ્દોની સામાન્ય બોલી ગુજરાતની ઑળખ છે.
  સામાન્ય બોલીમાં અનાયાસે જોડાઈ ગયેલા શબ્દો જે તે જ્ઞાતિનું પ્રતિબિંબ છે. વાણિયાઓનો વ્યવસાય મૂળ રીતે
  વેપારનો હતો તેથી વાણીની મિઠાસ સહજ હતી…બ્રાહ્મણને કર્મકાંડ…ધાર્મિક ક્રિયાઓ વગેરે સાથે દૈનિક નાતો હતો
  તેનો પડઘો શબ્દોના ઉચ્ચારણમાં પડતો….અને પાટીદાર જ્ઞાતિના મૂળિયાં ખેતી સાથે હતાં અને ખેતી કરાવતા
  પાટીદારોને દૈનિક મજૂરી કરતા બારૈયા…ઠાકોરોની બોલી બોલવી પડતી જેમાં હ્દયની આત્મીયતાનો ઉમળકો
  વ્યકત થતો.

  ખેતી કરાવતા પાટીદારો દૈનિક મજૂરો સાથે જો નાગરી ગુજરાતી બોલે તો શું થાય ?

  ગુજરાતી ભાષાનો ઉપયોગ ઉગતી પેઢી સાથેના વાર્તાલાપમાં દૈનિક કરીશું તો ભાષા સદૈવ અમર રહેશે.

  જય જય ગરવી ગુજરાત.

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   જયભાઈ, ખુબજ સરસ પ્રતિભાવ છે.
   – જય જય ગરવી ગુજરાત

 9. ભાવના શુક્લ says:

  ઘણા સમય બાદ રીડ ગુજરાતીની મુલાકાત લેવાઈ અને તેમ જાણે આ લેખ તો મારા માટે જ મુકેલા હોય તેવુ અદકેરુ લાગ્યુ.. તમામ ચ ને સ તરીકે બોલ્યા વગર અમારે કાઠીયાવાડીઓને કઈ સુટકો સે? (છ ના સ્થાને પણ સ વાપરવાના ઉમળકાતો અમને જ હો!!)

 10. kalpana desai says:

  તમારો આભાર ંમિત્રો,
  ચાલો આ બહાને ભાવનગર ભેગુ થયુ.

 11. જિજ્ઞેશ શનિશ્વરા says:

  ગુજરાતી ભાષાની ખબર કાઢવાની વાત ખુબ સરસ રીતે રજુ કરેલ છે. થોડા સમય માટે શુદ્ધ ઉચ્ચારણોને તડકે મુકીએ તો કેવું!
  ગુજરાતી ભાષા જેટલી વિવિધતા બીજી કોઈ ભાષામાં છે? હું ભાવનગરમાં જનમ્યો, સુરેન્દ્રનગર મારું મોસાળ, સાબરકાંઠા જિલ્લામાં અભ્યાસકાળ વીત્યો, જામનગરમાં કોલેજ કરી, સુરતમાં નોકરી કરી, ભરુચ જિલ્લામાં સાસરું છે. દરેક જગ્યાની એક અલગ ઓળખ છે.
  ઇવન કાઠિયાવાડી પણ દરેક જિલ્લામાં અલગ અલગ બોલાય છે. ગર્વ કરવા જેવી ભાષા છે.

  ગુજરાતીના સૌથી મોટા દુશ્મનો છે, એ વાલીઓ કે જે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મુકે છે. તેનો તો વાંધો નહી પણ, બાળકો ગુજરાતી બોલે તો શરમ અનુભવે છે. પોતાના બાળકોને ગુજરાતી વાંચતા કે લખતા ના આવડે તો ગર્વ અનુભવે છે. તેમાં હિંમતનગર જેવા નાનાં શહેરમાં બાળકોની દશા ધોબીના કુતરા જેવી થાય છે, નથી તેઓ ગુજરાતી શીખી શકતા કે નથી તેઓને બરાબર અંગ્રેજી આવડતું.

  જ્યાં સુધી આપણને ગુજરાતી ભાષા પ્રત્યે ઉપરની વાર્તા જેવો પ્રેમ અને આદર નહી થાય, ત્યાં સુધી બાળકોને કેમ ગુજરાતી ગમશે?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.