એકત્વની આરાધના – સં. રજની દવે

[ રીડગુજરાતીના વાચકો ‘હરિશ્ચંદ્ર’નામથી પરિચિત છે. ‘હરિશ્ચંદ્ર’ એ કાન્તાબહેન અને હરવિલાસબહેનનું વિનોબાએ પાડેલું સંયુક્ત નામ છે. કોલેજકાળની સખીઓ કેવી રીતે આજીવન એક બનીને રહી તેની આ વાત છે. થોડાક વર્ષો પહેલાં કાન્તાબહેન ગુજરી ગયા અને હમણાં એપ્રિલ માસની 2જી તારીખે હરવિલાસબહેન પણ દેવલોક પામ્યાં. ‘ભૂમિપુત્ર’ સામાયિકનું છેલ્લું પાનું હરિશ્ચંદ્રબહેનોએ સર કર્યું હતું. જેમના સુધી ‘ભૂમિપુત્ર’ પહોંચતું હોય તેઓ અંદરના બીજા લેખો વાંચે કે નહિ, પરંતુ હરિશ્ચંદ્રની વાર્તા તો વાંચે જ વાંચે. 80 થી 82 લીટી એટલે કે 700/750 શબ્દોમાં તેઓ એ ભારતભરની અનેક વાર્તાઓમાંથી અનુવાદ કે રૂપાંતર કરીને અસંખ્ય વાર્તાઓ તેમણે ગુજરાતી સાહિત્યને આપી છે. સામાન્ય વાચકોથી લઈને મનુભાઈ પંચોળી, ગુલાબદાસ બ્રોકર, ઉશનસ, ઉમાશંકર જોશી જેવા ગણમાન્ય સાહિત્યકારોએ પણ આ વાર્તાઓને ઊલટભેર વધાવી છે. એન્લાર્જ્ડ હાર્ટ અને શ્વાસની અત્યંત તકલીફને કારણે હરવિલાસબહેન દસ દિવસ હોસ્પિટલમાં રહ્યા અને બીજી એપ્રિલે અમદાવાદની હૉસ્પિટલમાં જ રાતે સવા દસ વાગ્યે એમણે દેહ છોડ્યો. ઈશ્વર તેમના આત્માને આધ્યાત્મિક ગતિ આપે તેવી પ્રભુપ્રાર્થના. તાજેતરના ‘ભૂમિપુત્ર’માં તેમને શ્રદ્ધાંજલિ રૂપે અપાયેલો લેખ અહીં પ્રસ્તુત છે. – તંત્રી, રીડગુજરાતી ]

કર્વે યુનિવર્સિટીની સવારની કૉલેજ. 1951ની સાલ. વર્ગ છૂટ્યો. કાન્તાબહેન ઝટઝટ નિશાળે પહોંચવાની ઉતાવળમાં હતાં. ત્યાં લૉબીમાં પાછળથી કોઈએ એમને બોલાવ્યાં – ‘કાન્તાબહેન !’ વર્ગ શરૂ થયે હજી ઝાઝા દિવસ થયા નહોતા. એટલે પરસ્પરની ઝાઝી ઓળખાણ નહીં. પરંતુ નખશીખ શ્વેત-ધવલ ખાદી અને સફેદ સૅન્ડલમાં સજ્જ કાન્તાબહેનને નામથી પેલાં બહેન ઓળખતાં થઈ ગયાં હતાં.

કાન્તાબહેને પાછળ જોયું. અરે, આ તો એ જ બહેન, જેમની સાથે વાત કરવાની એમનેય સહજ ઈચ્છા થઈ આવી હતી. અન્ય બહેનો કરતાં એ કાંઈક જુદાં તરી આવતાં હતાં. ખાદી તો ખરી જ, તે ઉપરાંત સૌમ્ય, શાંત વ્યક્તિત્વ અને નામ તદ્દન અવનવું, એટલે તુરત મોઢે ચઢી ગયેલું. ‘હા, કેમ ? તમે હરવિલાસબહેન ને !’ – કાન્તાબહેન અને હરવિલાસબહેનનો આ સૌથી પહેલો પરિચય હતો. બંનેને તેથી ઘણી ખુશી થઈ, મળ્યાનો અપાર આનંદ થયો. વાતચીતથી જાણ્યું કે કાન્તાબહેન લેમિંગ્ટન રોડ ઉપર ભગિની સમાજની નોકરી-ધંધો કરતી, ઘરબાર વિનાની વ્યાવસાયિક બહેનોની હૉસ્ટેલમાં રહે અને હરવિલાસબહેનનું ઘર ત્યાંથી માત્ર પાંચ મિનિટના અંતરે. બંને કર્વે યુનિવર્સિટીની સવારની કૉલેજમાં ભણે તથા દિવસે બંને હાઈસ્કૂલમાં ભણાવે.

આ પ્રથમ પરિચયનો અંકુર ફૂટ્યો અને પછી તે બહુ ઝડપથી પાંગરતો ગયો. રહેવાનું સાવ નજીક એટલે બંને લગભગ રોજ રાતે અચૂક મળતાં. સાથે મળે, સાથે વાંચે, પરસ્પરની માહિતી મેળવે, પરસ્પરનો વધુ પરિચય કેળવે. સાવ સહજ જ બંને વચ્ચે અકારણ પ્રેમ પાંગરતો ગયો. બંને હળતાં ગયાં, મળતાં ગયાં, એકમેક સાથે ભળતાં ગયાં. પરસ્પર સ્નેહ દાખવતાં ગયાં. આ દિવસોની મધુર સ્મૃતિઓને સંકોરતાં કાન્તાબહેન ક્યારેક યાદ કરતાં : ‘સ્નેહની ગાંઠ પાકી થતી ગઈ. કારણ કશું નહીં. અમે એકમેકને ગમતાં, ખૂબ ગમતાં. સ્નેહની એ વાતો તો હંમેશ જેવી જ કાલી ઘેલી. કશુંક આપવા માટે રાખી મૂક્યું હોય, કશુંક કહેવા માટે યાદ રાખ્યું હોય. ક્યારે આવે ને ક્યારે આપીએ, ક્યારે સાથે માણીએ !’ બે વ્યક્તિત્વનો આવો એક પવિત્ર સંગમ થયો. એ બેઉ વ્યક્તિત્વો ખાસ્સાં ભિન્ન હતાં, છતાં બંનેમાં અનેરું એકત્વ હતું અને જાણે બંને વ્યક્તિત્વો એકરૂપ બનવા જ સર્જાયેલાં હતાં. બંનેનો ઉછેર, બંનેની પરિસ્થિતિ, બંનેનાં ઘરનું વાતાવરણ, બધું જ તદ્દન ભિન્ન અને છતાં બંને પોતપોતાના સંસ્કારોનું સુમેળભર્યું સંયોજન કરી તેમાંથી એક નવું અદ્વૈત સાધવા મથવાનાં હતાં.

ધીરે ધીરે બંનેનો પરિચય ગાઢ બનતો ગયો. બંનેના જીવ એકમેકમાં પરોવાતા ગયા. એમ કરતાં કરતાં બંને એક સાથે મનસૂબાઓ રચતાં થયાં, સાથે જીવનના નકશા દોરતાં થયાં. અને નક્કી થઈ ગયું, બસ, જીવનભર સાથે રહીશું, સાથે કામ કરીશું, સાથે માણીશું, સાથે જીવીશું, મરીશું ત્યાં સુધી સાથે ને સાથે. આની સાથોસાથ બંને વિનોબાજીની અહિંસક ક્રાંતિનો મંત્ર ઝીલતાં થયાં. પરિણામે બંનેનાં હૈયાં સાથે સાથે સમાજસેવાના મનોરથો ઘડતાં થયાં. અને એમ બંનેએ નોકરી છોડી, ઘર છોડી, મુંબઈ છોડી વિનોબાના આંદોલનમાં સાથે જ ઝંપલાવ્યું. બસ, ત્યારથી બંનેની જીવનયાત્રા સહિયારી જીવનયાત્રા બની ગઈ. હવે જુદા જુદા રહેવાનું અને જુદા જુદા કામ કરવાનું રહ્યું નહોતું. હવે સાથે જ જીવવાનું અને સાથે જ કામ કરવાનું હતું. બંને એકબીજાનાં પૂરક બનતાં ગયાં. સાથે કામ કરતાં-કરતાં બંનેની આત્મૈક્યની આરાધના પણ ચાલતી રહી.

1959માં વિનોબાજીએ બહેનો માટે પવનારમાં બ્રહ્મવિદ્યા-મંદિરની સ્થાપના કરી. ત્યારે આ બેમાંથી એકને તેમાં જોડાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પરંતુ બીજાને એવી ઈચ્છા નહોતી. આ વિશે ઠીકઠીક મંથન ચાલ્યું. એક ત્યાં જાય અને બીજી ન જાય, એવો તો કોઈ સવાલ જ નહોતો. જાય તો બંને જાય, નહીં તો એકેય ન જાય. બંનેના એકત્વના ભોગે તો ત્યાં જવાની તૈયારી નહોતી જ. છેવટે બંનેનો નિર્ણય થઈ ગયો કે આપણે બ્રહ્મવિદ્યામંદિરમાં નથી જોડાતાં. સામાજિક કામ કરતાં-કરતાં આધ્યાત્મિક સાધના પણ કરતાં રહીશું. આમ, બંનેનું એકત્વ આ કસોટીને પાર કરી ગયું. બ્રહ્મવિદ્યામંદિરમાં જોડાવા કરતાંયે બંનેએ પોતાના સાથે રહેવાનું વધુ મહત્વનું માન્યું. બંનેના પરસ્પરના સમર્પણભાવનું, બંનેની એકાત્મતાનું તેમજ બેઉ વ્યક્તિત્વના થયેલા પવિત્ર સંગમનું આ દ્યોતક હતું.

બંને બહેનો ચંબલની પદયાત્રામાં વિનોબાજીની સાથે રહ્યાં. ત્યારે વિનોબાજીએ એમનો બધો જીવનવૃતાંત જાણ્યો અને તેમાં ઘણો રસ લીધો. આ દરમ્યાનની બહેનોની ડાયરીમાં – ‘આજે ફરી અમારાં નામ પૂછ્યાં, અને નામ ઉપર થોડી વાતો કરી…. ફરી આજે અમારાં નામની ચર્ચા ઉપાડી. તેના અર્થ બતાવ્યા. નામ લાંબાં છે, એમ પણ કહ્યું…. ફરી એક વાર સાંજનો વખત હતો. સંધ્યા સુંદર ખીલેલી. મુકામની અગાશી ઉપર બાબા બેઠેલા. ગપસપ ચાલી રહી હતી. બાબાએ અમને પાસે બોલાવ્યાં. ફરી અમારાં નામ પૂછ્યાં. જ્યારે અમે કહ્યું, કાન્તા અને હરવિલાસ, ત્યારે તેઓ કાન્તા તરફ જોઈને બોલ્યા, તારું નામ કાન્તા ન હોઈ શકે. અને વાસ્તવમાં હતું એમ જ. જ્યારે એમને કહ્યું કે, મૂળ નામ તો ચંદ્રકાન્તા છે, પણ સંક્ષેપમાં કાન્તા જ પ્રચલિત થઈ ગયું છે, ત્યારે એ બોલ્યા, હવે બરાબર ! અમને ખબર ન પડી કે બાબાએ શી રીતે જાણ્યું કે કાન્તા ખરું નામ નથી !’ આ નામ પૂછતા રહેવા અંગેનું રહસ્ય છૂટા પડ્યાં ત્યાં સુધી કાયમનું કાયમ રહ્યું. ત્યાર બાદ ગુજરાત આવીને બહેનોએ પત્ર લખ્યો હશે. એ પત્રનો જવાબ તુરત જ આવ્યો. નામ વારંવાર પૂછતા રહેવાનું રહસ્ય આ પત્રથી ખૂલ્યું. બે દેહ પણ એક જીવ રૂપે વિચરી રહેલ આ ભગિનીદ્વયનું નામ પણ એક જ હોવું જોઈએ, એવી વિનોબાજીની ભાવના હતી. તત્કાળ ન સૂઝ્યું, તે પત્ર લખતી વખતે પ્રગટ થયું. બંનેના સહિયારા વ્યક્તિત્વને એક નામ મળ્યું. પત્રમાં સંબોધન હતું – ‘ચિં. હરિશ્ચંદ્ર’ પત્રમાં લખ્યું હતું : ‘તમે બંને મળી એક માણસ, એમ સમજી આ નામ બનાવ્યું. બંનેનાં નામોનો પૂર્વ વિભાગ આમાં આવી જાય છે. મારી સાથેના સહવાસનો તમને લાભ થયો, એ તો અપેક્ષિત જ હતું પણ હરિશ્ચંદ્રનો નિશ્ચય મને બહુ જ ગમ્યો; અને તેનો મને પણ લાભ થયો. બંનેના એકત્વ-નિશ્ચયમાં બ્રહ્મવિદ્યા છુપાયેલી છે.’ ફરી એક પત્રમાં : ‘બ્રહ્મવિદ્યાનો અર્થ છે, તમારું ને મારું દિલ એક હોય અને તમારા સહુને માટે મારા મનમાં એટલો જ પ્યાર હોય, જેટલો પ્યાર મને મારા માટે છે. મારામાં અને બીજાઓમાં કોઈ ભેદ નથી, તેનો જેને અહેસાસ થયો, તેને બ્રહ્મવિદ્યાનો સ્વાદ ચાખવા મળ્યો.’

કાંઈક પૂર્વજન્મના ઋણાનુબંધને કારણે 1951માં સ્વયંભૂ આરંભાયેલી આ બંને બહેનોની એકત્વ-સાધનાને, થઈ ચૂકેલા એકત્વ-નિશ્ચયને ‘હરિશ્ચંદ્ર’ નામ દ્વારા લાગેલી આ એક દિવ્ય મહોર હતી તથા ‘બંનેના એકત્વ-નિશ્ચયમાં બ્રહ્મવિદ્યા છુપાયેલી છે.’ એ એક બ્રહ્મવિદના પવિત્ર આશીર્વાદ હતા. પછી તો બંનેની એકત્વની આરાધના વધુ ઊંડાણમાં પ્રવેશી. પણ તેવામાં જ બીજી એક બહુ મોટી કસોટી આવી પડી. કાન્તાબહેન અમુક આધ્યાત્મિક અનુભૂતિઓમાંથી પસાર થયાં. એમ મનાતું આવ્યું છે કે આધ્યાત્મિક સાધનાના મારગે તો એકલાએ જ જવું પડે. પરંતુ વિનોબાજી નવો ચીલો પાડી રહ્યા હતા. તેઓ સામૂહિક સાધનાની વાત બહુ ઘૂંટ્યા કરતા હતા. એમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે વ્યક્તિગત સમાધિથી મને સમાધાન નથી, આપણે સામૂહિક સમાધિ માટે મથવાનું છે. બંને બહેનોના એકત્વ માટે આ એક ઘણો ગંભીર નિર્ણાયક તબક્કો હતો. વિનોબાજીએ જેમ રામને હૃદયમાં રાખીને હાથથી કામ કરતા રહેવાની શીખ આપી, તેમ આ કામ પણ બંનેએ સાથે મળીને જ કરવાનું છે એ વાત ઘૂંટી. એમણે કહ્યું : ‘જિસ રામજી કો કાન્તાને ભાવાવસ્થા મેં દેખા ઔર જિસ કો અબ સારી સૃષ્ટિ મેં ઔર પ્રાણીમાત્ર મેં દેખના હૈ, ઉસકો વિશેષ રૂપમેં તુમ દોનોં એક-દૂસરો મેં દેખો. તુમ્હારે લિયે વહ ‘રામ’ ઔર ઉસકે લિયે તુમ ‘રામ’ યહ અભ્યાસ કરો….. મુઝે યહ લગા હૈ કિ તુમ દોનોં કો મિલ કર એકરસ ચિંતન કરના ચાહિયે. દોનોં કી વૃત્તિયાં અલગ અલગ ક્યોં હો ? યહ એક અચ્છી સાધના હોગી. ઉસ દષ્ટિ સે સોચો. અભી તક ઈસ પ્રકાર કી સાધના દુનિયા મેં કમ હી હુઈ હૈ.’

બંને બહેનોના એકત્વ માટે આ એક ગંભીર કસોટીનો ગાળો હતો. એક બાજુ ઈશ્વર સાથેના એકત્વ માટે પંડને ઓગાળી નાખવાની સાધના અને બીજી બાજુ એ જ ઈશ્વરને માનવ-સંબંધમાંના આત્મૈક્યમાં આરાધવાની સાધના. આવી સાધનામાં માનવ-સંબંધને ગૌણ માનીને ચાલવાની એક પરિપાટી અધ્યાત્મના માર્ગમાં ચાલી આવી છે. સામાન્ય રીતે એમ રટ્યા કરાય છે કે, ‘એકલા આવ્યા અને એકલા જવાનું છે….’ ધર્મ, અર્થ, કામ માટે ભલે સાથે ચાલીએ, પણ મોક્ષના માર્ગે તો એકલા જ ચાલવું પડશે.’ પરંતુ આની સામે સમૂહ સાધના, સમૂહ ચિત્ત, સામૂહિક સમાધિની વાત એ વિનોબાજીની માનવજાતને એક અણમોલ દેણ છે. અને આધ્યાત્મિક સાધનાના વિચારમાં એમનું એક મૌલિક પ્રદાન છે. વિનોબાજી કહે છે, સહિયારી સાધના કરો, એકચિત્ત બનો, આત્મૈક્ય સાધો !

ઈશ્વર-સ્મરણમાં તથા ઈશ્વરની અનુભૂતિમાં તન્મય ને તલ્લીન થઈ ગયેલાં તેમ જ એવે વખતે બીજું બધું જ આકરું થઈ પડે એવી અવસ્થામાં રહેલાં કાન્તાબહેને વિનોબાજીની વાતને છેવટે માથે ચઢાવી. વિનોબાજીને એમણે લખ્યું : ‘અમારી મૈત્રીને પૂરાં 10 વરસ થયાં. ઈશ્વરે અમને સ્નેહગાંઠ વડે એટલાં મજબૂત રીતે બાંધી દીધાં છે કે એ સ્નેહગાંઠ અમારે છોડવી હોય તો પણ તે અમારાથી છૂટી શકે નહીં. દસ વરસના સહજીવને સહજ રીતે જ અમને એકબીજામાં ઓતપ્રોત કરી દીધાં છે. સામાન્ય રીતે સહજીવનમાં વ્યક્તિની અલગ અલગ વૃત્તિઓ, મહત્વાકાંક્ષાઓ, આદર્શો આડે આવતાં હોય છે. પરંતુ એ વ્યક્તિઓ પરસ્પરની વૃત્તિઓને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, પરસ્પર સમર્પણભાવ રાખે તો ટકરામણ ઓછી થાય છે અને સરળતાથી જીવન વહ્યું જતું હોય છે. અમારા બંનેના પરસ્પરને અનુકૂળ થવાના પ્રયત્નોએ જ અમારી મૈત્રીને ટકાવી છે. તેમાં અકસ્માત જે કાંઈ બન્યું, તેનાથી વિશેષ પરિસ્થિતિ ઊભી થઈ, તે તો તમે જાણો જ છો. અમારે એ માર્ગે એક સાથે જ જવું છે. પરંતુ ઈશ્વરપ્રાપ્તિ માટેની મારી વ્યાકુળતા એ દિવસોમાં એટલી બધી તીવ્ર બની કે જેથી હું હરવિલાસ કરતાં થોડી અલગ પડી ગઈ. સાધના માટેની મારી દિશા બદલાઈ. પરંતુ ઈશ્વરે જ મને એવા માર્ગદર્શક આપ્યા કે જેણે મને પાછી અસલ રસ્તા પર લાવી મૂકી. તમારા પત્રો દ્વારા મળતું માર્ગદર્શન મને ખૂબ ઉપયોગી નીવડ્યું છે. ભક્તિમાર્ગ અને કર્મમાર્ગનો સમન્વય સાધી એકવૃત્તિ અને એકરસ ચિંતનની દિશામાં જવાનો જ અમારો પ્રયત્ન રહેશે. અમારો પુરુષાર્થ, તમારા આશીર્વાદ અને ઈશ્વરકૃપા અમને એ માર્ગે આગળ વધારશે, એવી અતૂટ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ છે.’

આમ, એકત્વની એમની આરાધના અખંડ ચાલતી રહી. બેઉનું જીવનક્ષેત્ર એક બની ગયું. બંનેની સાધના સહિયારી બની ગઈ. એકમેક પર પોતાની જાત કરતાંયે વિશેષ પ્રેમ રાખનારી અનુપમ જુગલજોડી રૂપે જ લોકો એમને ઓળખતા થયા. બે દેહ, એક જીવ જાણે ! બંનેનાં વ્યક્તિત્વોની પોતપોતાની આગવી આભા-છટા એકબીજામાં રસાઈ જઈને બંનેનું સહિયારું એકત્વભર્યું વ્યક્તિત્વ ઉપસાવી રહી. બંને બહેનોના આવા એકત્વનું સુભગ દર્શન મંગલમય અને હૃદયને પુલકિત કરનારું બની રહેતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાષાના સંગે, આનંદના રંગે – કલ્પના દેસાઈ
આંખ મીંચીને આપી દઉં…. – જયવતી કાજી Next »   

4 પ્રતિભાવો : એકત્વની આરાધના – સં. રજની દવે

 1. ખુબ જ સુંદર વાત. મિત્રતા કે સખ્યભાવ હોય તો જીંદગીના ભલભલા અઘરા દિવસો આસાનીથી પાર પડી જાય.

 2. dhiraj says:

  અદભૂત ન સમજી શકાય તેવી અલગ પણ સુંદર આધ્યાત્મિક સાધના
  શું આવું ઐક્ય શક્ય છે ? મુસ્કિલ તો ખરુજ

 3. jatin maru says:

  ઉત્તમ્ . આમ પન આપના શાસ્ત્રો પન એમ જ કહે ચ્હે કે આત્મા જ પરમાત્મા ચ્હે. તો સખિ ના આત્મ્ મા પરમાત્મા નુ દર્શન કરવાનેી વાત બહુ જ ગમિ ગઈ. સરસ.

 4. ભાવના શુક્લ says:

  અદભુત ઐક્ય અને અદ્વૈત સાઘના… હરિશ્ચન્દ્ર બહનો વિશે આજે વિસ્તાર પુર્વક જાણવા મળ્યુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.