આંખ મીંચીને આપી દઉં…. – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

મારું કપડાંનું કબાટ ખોલીને હું એક પછી એક સાડી જોઈ રહી હતી. ચંદેરી, ઢાકા, સીફૉન, સિલ્ક, ગઢવાલી અને ઓરિસાની હાથવણાટની સાડીઓને હું મુગ્ધતાથી જોઈ રહી… ‘ના, ના, આ સાડી તો ન જ અપાય ! કેટલી હોંશથી મેં બેંગલોરથી ખરીદી હતી અને આ સાડી તો મારી વર્ષગાંઠે અનૂપે ભેટ આપી હતી. આ સીફૉન તો અમેરિકાથી દિવ્યા લાવી હતી…’

આમ, એક પછી એક સાડી જોઉં અને પાછી મૂકી દઉં, ત્યાં અનૂપે આવીને કહ્યું : ‘શું જુએ છે ? બિચારો ધોબી તારી રાહ જોઈને બેઠો છે.’ એને આપવા માટે જ હું સાડીઓ જોતી હતી. એને બે સાડી જોઈએ છે. ક્યારનો મને કહેતો હતો, ‘બહેનજી, લડકી કી શાદી હૈ. મુલક મેં જાઉં તબ જરૂર દો સારી દેના. એક લડકી કે લિયે દૂસરી ઔરત કે લિયે !’
‘આટલી સાડીઓ છે. એમાંથી બે સાડી કાઢીને એને આપી દે. એની દીકરીનાં લગ્ન છે. એમાં આટલો બધો વિચાર શું કરવાનો ?’ અનુપે કહ્યું.
‘એ તો સમસ્યા છે, કઈ સાડી આપું ? નકામી તો કોઈ છે જ નહિ.’ મેં કહ્યું.
‘આપવી જ હોય તો પછી મનથી-દિલથી આપ અને સારી આપ. એમાં આટલો વિચાર કરવાનો જ ન હોય !’ અનૂપની વાત મને સ્પર્શી ગઈ. આપીએ ત્યારે દિલથી આપવાનું. મન ચોરીને નછૂટકે નહિ, પણ પ્રેમથી આપવાનું. કબાટમાંથી મને ગમતી બે સરસ રેશમી સાડીઓ કાઢી ધોબીના હાથમાં મૂકી ત્યારે એ ઘડીભર આશ્ચર્યથી જોઈ રહ્યો.
‘બહેનજી, બહોત શુક્રિયા…. બહોત શુક્રિયા…..’ એના મોં પર આનંદની લહેર છવાઈ ગઈ હતી. આપતી વખતે જ નહિ, પણ લેતી વખતે પણ આવી વિમાસણ આપણે અનુભવીએ છીએ. ઘણી વખત આપણા મનમાં વસવસો રહેતો હોય છે, તે દિવસે લઈ લીધું હોત તો સારું થાત.

આવું તો નાનીમોટી ઘણી બાબતોમાં સૌને બનતું હોય છે. આજથી લગભગ પંદર વર્ષ પહેલાંની વાત. એ વખતે મુંબઈમાં ફલેટની કિંમત આસમાને નહોતી પહોંચી. એક સરસ હાઉસિંગ સોસાયટીનું મકાન બંધાઈ રહ્યું હતું. અમારા મિત્ર રોહિતભાઈ એમનો મોટો ભાઈ બંને સાથે રહેતા હતા. એમની નોકરી એવી હતી જેમાં બદલી થાય. તે વર્ષોમાં ઘર સહેલાઈથી મળી રહેતાં. અનૂપે એમને ખાસ પત્ર લખી ભારપૂર્વક સલાહ આપી, આ સોસાયટીમાં તમે ફલેટ નોંધાવી દો. બધી જ રીતે સારું છે. તમને ભવિષ્યમાં કામ લાગશે. રોહિતભાઈને થયું આટલા પૈસા શા માટે રોકવા ? નિવૃત્તિ થવાને હજી દસ વર્ષની વાર છે. વખત આવે થઈ રહેશે. પછી તો ફલેટના ભાવ મુંબઈમાં વધતા ને વધતા જ ગયા અને એ ફલેટ લઈ શક્યા નહિ. હવે રોજ પસ્તાવો કરે છે, તે વખતે ફલેટ લઈ લીધો હોત તો સારું થાત…..

નલિની મારી દૂરની સગી થાય. મને ખબર પડી કે એને ગર્ભાશયનું કૅન્સર છે. હું અમદાવાદ એને મળવા ગઈ. નલિનીને જોઈ મારી આંખમાં આંસુ આવી ગયાં. એના નામ પ્રમાણે જ અત્યંત નાજુક અને નમણી હતી. તે દિવસે જોઈ ત્યારે તે સાવ નખાઈ ગયેલી દવા અને રેડિયેશન થેરપીને લીધે એની ચામડી શ્યામ થઈ ગયેલી. વજન ઘટી ગયેલું અને માથાના સુંદર ભરાવદાર વાળ ઊતરી ગયેલા ! મનથી એ ભાંગી પડી હતી. મને કહ્યું : ‘સુજુ, ડૉક્ટરોનો અને દવાનો ધરખમ ખર્ચો થાય છે. પાણીની માફક પૈસા જાય છે અને કશું વળવાનું નથી એની મને ખબર છે, પણ તું જાણે છે, મને શું દુ:ખ થાય છે તે ?’
‘લીની, તું હિંમત રાખ. શરૂઆતનું કૅન્સર મટી જાય છે. તું આમ ભાંગી પડશે તો શુચિ અને સૌરભનું શું થશે ?’ મેં એને આશ્વાસન આપતાં કહ્યું.
‘તું જાણે છે, આટલાં વર્ષો કરકસર કરી ઘરસંસાર ચલાવ્યો. થોડા પૈસા બચાવ્યા. આ બચાવવાની લાલચમાં મારાં ગમતાં કપડાં ખરીદીને પહેર્યાં નહિ કે શુચિને મનગમતી ચીજો અપાવી. તું જાણે છે, સૌરભને તો જાતજાતના શોખ. બહાર હરવું-ફરવું, પિકનિક-પર્યટન એ બધું એને ખૂબ ગમે. બહારગામ જવાનું કહે, કે કંઈક સારું લેવાનું કહે ત્યારે કહું, રહેવા દો એટલા પૈસા નથી ખર્ચવા. દિવાળીની રજામાં એને અને શુચિને બહારગામ જવાનું કેટલું મન હતું. મેં કહ્યું આવતે વર્ષે વાત અને હવે તો તું મારી સ્થિતિ જાણે છે. કોઈને આપતાંય જીવ ન ચાલ્યો અને વાપરતાં અને ભોગવતાં પણ ન ચાલ્યો !’ નલિનીની વેદના હું સમજી શકી, પરંતુ ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનાં નાનાં-નાનાં સુખની ક્ષણોનું ગળું ઘોંટી દઈએ છીએ.

નલિનીને ઘરેથી હું આશિષ અને સુમિતાને મળવા ગઈ. જ્યારે જુઓ ત્યારે સુમિ મસ્ત હોય ! તદ્દન બિંદાસ્ત ! ભવિષ્યનો એ ઝાઝો વિચાર ન કરે. ભૂતકાળની એ વાત ન કરે. બસ ! જીવો, આજે જીવી લો. એટલું જ નહિ, પણ ભરપૂર આકંઠ જીવન માણી લો એવો એનો સ્વભાવ. ઉત્સાહ અને ઉમંગથી છલકાતી હસતી-હસાવતી સુમિ ટ્રેમાં સરસ બૉન ચાયનાનો ટી સેટ ગોઠવી ચા-નાસ્તો લઈને આવી.
‘સુમિ, તારો ટી સેટ બહુ જ સુંદર છે ! મને બહુ ગમ્યો !’ મેં કહ્યું.
‘સુજુબહેન ! તમે સુમિને ક્યાં નથી ઓળખતાં ? એને તો મન થયું, નક્કી કર્યું એટલે બસ. લઈ જ લે. બહુ આઘોપાછો વિચાર કરવાનો જ નહિ.’ આશિષ સુમિના સામું જોઈ હસી પડ્યો.
‘સુજુ, બસ લેવું હોય તો લઈ લેવાનું. આપવું હોય તો આંખ મીંચીને આપી દેવાનું. બહુ વિચાર કરતાં રહીએ તો કશું થાય જ નહિ. મારો તો સિદ્ધાંત છે આપતી વખતે પણ આંખ મીંચીને આપી દેવાનું ! મનમાં સ્ફૂરે તે આપી દેવાનું, નહિ તો આપણું મન ફરી જાય !’ મને સુમિતાની વાત બહુ ગમી. જીવનના કેટલાક નાના-મોટા પ્રસંગો યાદ કરું છું ત્યારે થાય છે, તે વખતે એ વસ્તુ ખરીદી લેવાની હતી. એ લઈ લેવાનું હતું. પરંતુ સૌથી મોટું દુ:ખ તો મારી કૃપણતા માટે થાય છે.

અમારો નોકર શાંતારામ. એની મા માંદી હતી. એને પૈસાની જરૂર હતી. ગામ ગયો ત્યારે કચવાતે મને મેં એને હજાર રૂપિયા એડવાન્સ આપ્યા. એને જોઈતા હતા બે હજાર. મારે એને એની ખાસ જરૂર વખતે – એની માની માંદગી વખતે બે હજાર આપવા જોઈતા હતા. પરંતુ મેં દિલ સાંકડું કર્યું. એ અમારા ઘરનો નવો નોકર હતો. કદાચ અમારે ઘરે નોકરી માટે એ પાછો ન આવે તો ? મેં રૂપિયાની સલામતી જોઈ અને મુઠ્ઠી બંધ કરી દીધી એ સારું ન કર્યું. એક વાર મોટરમાં હું જઈ રહી હતી. ટ્રાફિક સિગ્નલની લાલ બત્તી હતી. મોટર ઊભી હતી ત્યાં એક ચીંથરેહાલ માંદલી સ્ત્રી દોડતી આવી પહોંચી. હાથ લંબાવી બોલી ‘ભગવાન તમારું ભલું કરશે. બે દિવસથી ખાધું નથી.’ એની આંખમાં લાચારી ઊભરાતી હતી. મેં પર્સમાંથી નાનું પાકીટ કાઢ્યું, પાંચ, દસ અને વીસની નોટોમાંથી એક પાંચ રૂપિયાની નોટ શોધી એના હાથમાં મૂકી. એ સ્ત્રી લથડતી પાછી ગઈ અને રસ્તાના ફૂટપાથના એક ખૂણા પર ફસડાઈ ગઈ ! એટલામાં તો લીલી બત્તી થઈ, મોટર ચાલવા માંડી, પણ મારી નજર આગળથી પેલી સ્ત્રી ખસી નહિ. માંડ પાંચ રૂપિયા આપ્યા તે પણ જાણે ઉપકાર કરતી હોઉં તેમ. વર્ષોથી અમારાં કપડાં ધોનાર ધોબીને બે સરસ સાડી આપતાં પણ જીવ સંકોચાતો હતો ! રેલરાહત કે દુષ્કાળરાહત માટેનું ફંડ હોય, ત્યારે બસો-પાંચસો રૂપિયા આપતાં પણ મનમાં થોડો કચવાટ અનુભવું છું. આજે જાહેર સંસ્થાઓમાંથી દુષ્કાળ કે રૅલ જેવા કુદરતી સંકટ માટે ભેગાં થયેલાં નાણાંનો સદુપયોગ થતો નથી. વચમાંથી જ ઘણુંબધું ચવાઈ જતું હોય છે, પણ તેથી શું ? એ ન આપવા માટેનું અને જાતને છેતરવાનું બહાનું નથી ?

ઘણા વિચાર કરે છે, જીવતાં નહિ આપવાનું. કાલની કોને ખબર છે ? ભવિષ્યમાં જરૂર પડે તો ? પૈસા જેને આપવા હોય, જે ધર્માદા કરવું હોય તે આપણા વસિયતનામામાં લખી દેવાનું, પરંતુ આ વાત મારે ગળે બહુ ઊતરતી નથી. અમારા મિત્ર અને મુંબઈની એક જાણીતી હોસ્પિટલના ટ્રસ્ટી કહે છે તેમ ‘હાથે તે સાથે’ એમાં હું માનું છું. શક્તિ હોય, સમય હોય ત્યારે જે આપવું હોય, જે કરવા ઈચ્છતાં હોઈએ તે કરી લેવાનું. કાલે કેવી પરિસ્થિતિ હોય ! આપણું મન પણ બદલાઈ જાય. ગમે તેમ પણ મારી સખી સુમિતાની શિખામણ ‘આંખ મીંચીને આપી દેવાનું’ મને બહુ સ્પર્શી ગઈ છે. આપતી વખતે આપણું મન સંકોચાઈ જાય છે. બુદ્ધિ ન આપવાનાં અનેક બહાનાં શોધે છે અને હાથ લંબાતો નથી ! કોઈ મદદ આપવાની કે સહાય કરવાની માત્ર આ વાત નથી, પણ સાચું પૂછો તો આપણે આપણી લાગણી-આપણી પ્રીત-આપણું હેત-આપણો પ્રેમ અન્યને આપતી વખતે આપણે કેટલા કંજૂસ થઈ જઈએ છીએ ! નિ:સ્વાર્થ સ્નેહ પણ આપણે છૂટથી-મુક્ત મને દઈ શકતાં નથી. આપણો લાભ-આપણો સ્વાર્થ-એનો જ વિચાર આપણા માનવીય સંબંધોની વચ્ચે પહાડ બનીને ઊભો રહે છે. પરિણામે આપણું જીવન અત્યંત સંકુચિત અને સ્વલક્ષી બની જાય છે.

જે આપવું હોય તે પૂરા દિલથી. કેવો પ્રતિભાવ અને પ્રતિસાદ સાંપડશે તેનો વિચાર કરવાનો નહિ. જે કંઈ આપ્યું, અન્ય માટે કર્યું એનો મન પર ઉપકાર કર્યાનો તલ જેટલો પણ ભાર નહિ. છૂપો અહંકાર પણ નહિ રાખવાનો. પ્રભુએ જે કંઈ આપ્યું છે તે જ તેને કૃતજ્ઞતાપૂર્વક ફરી સમર્પિત કરવાનું અને મનોમન પ્રાર્થના કરવાની ‘પ્રભુ ! હું આંખ મીંચીને દિલ ચોર્યા વગર, નિ:સંકોચ, પ્રેમપૂર્વક અન્યને સહજ ભાવે આપી શકું, મારો સ્નેહ, મારી લાગણી, મારું દિલ ! બસ, તે વખતે પ્રભુ મનને ઉદાર અને વિશાળ બનાવી તારા આશિષ આપજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકત્વની આરાધના – સં. રજની દવે
પત્રયાત્રા (ભાગ-1) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા Next »   

19 પ્રતિભાવો : આંખ મીંચીને આપી દઉં…. – જયવતી કાજી

 1. Mukesh Pandya says:

  જે આપવું હોય તે પૂરા દિલથી.
  સુખી જીવનનો આ મંત્ર છે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે ત્યેન ત્યક્તેન ભૂંજીથા : આ વાત માત્ર અનુભવથી જ સમજાય છે.

 2. ખુબ જ સાચી વાત. મન મોટું રાખી ને આપીએ તોલેનારને અને આપનારને બન્ને ને સંતોષ થાય, માત્ર આપણે આપીએ છીએ એવું દર્શાવવા જ આપીએ તો લેનાર ને નાનમ લાગે.

 3. Arpita Buch says:

  અતિ ઉત્તમ , ખુબ જ સુન્દર લેખ . ઘણી વાર આવા નાના નાના લેખ જીવન ની મોટામા મોટી મુઝ્વણ ને સહેલી કરી શકે .
  આભાર .

 4. Viren Shah says:

  નવી ગાડી સેકંડ હેન્ડ લેવી કે બ્રાંડ ન્યુ લેવી એની વાત મિત્રો સાથે કરતા હતા ત્યારે એક મિત્રે એવું કહ્યું કે: “જો મિત્ર, જીંદગી ખુબ ટૂંકી છે. એટલે જીવનમાં એક વાર તો બ્રાંડ ન્યુ ગાડી નો ટેસ્ટ કરવો જ”. મનને આ વાત ખુબ ભાવી જાય. પણ નિર્ણય કરી નાખ્યા પછી એને જસ્ટીફાય કરવાના પ્રયત્નો કરવા જેવી વાત છે. વર્તમાનમાં જીવો અને વાતનો આનંદ લો એવું લખી નાખવું સરળ છે પણ પછી જો દરેક ક્ષણે પરેશાની અને સ્ટ્રેસ થતો હોય તો એવી ખનો કઈ રીતે જીવવી?

 5. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.
  ‘પ્રભુ ! હું આંખ મીંચીને દિલ ચોર્યા વગર, નિ:સંકોચ, પ્રેમપૂર્વક અન્યને સહજ ભાવે આપી શકું, મારો સ્નેહ, મારી લાગણી, મારું દિલ ! બસ, તે વખતે પ્રભુ મનને ઉદાર અને વિશાળ બનાવી તારા આશિષ આપજે.’

  છેલ્લી પ્રાર્થના પણ ખુબ ગમી.

 6. ‘આપવી જ હોય તો પછી મનથી-દિલથી આપ અને સારી આપ’

  આ વાક્ય ઘણું બધું કઈ જાય છે.
  ક્યારેક ઈચ્છા ન હોવા છતાં આપવું પડતું હોય છે.
  ક્યારેક આપવાની ઈચ્છા થતી હોય તો શું આપવું એ વિસામણમાં હોય છીએ .

  મારા મુજબ તો જે તે પરિસ્થિતિ અનુસાર જે યોગ્ય લાગે એ કરવુ.
  મદદ કરવી તો દિલ થી કરવી નહિ તો નાં કરવી નહિ તો કહેવત પ્રમાણે થાય ‘બાવા નાં બેય બગડ્યા’

 7. ખુબ સુંદર વાત
  “આપી ને ભોગવ”
  માસિક આવક માંથી કેટલા ટકા દાન કરવું જોઈએ
  શ્રીજી મહારાજે શિક્ષાપત્રી માં કહ્યું છે ” ૧૦ મો ભાગ (૧૦%) કે વ્યવહારે દુર્બળ હોય તમને ૨૦ મો ભાગ (૫%) ” મારા એક મુસ્લિમ મિત્રે પણ મને કહ્યું હતું “અમારે પણ કુરાન નો આદેશ છે કે ૧૦ % દાન આપવું ”
  શરુ માં આપણી લોભ વૃતિ આપણે દાન આપવા ના દે પણ એક વાર હિંમત કરીને ચાલુ કરો તો ટેવ પડી જાય છે

 8. Sonali says:

  ખુબ સુન્દર લેખ્….સાચી વાત ને સારા ઉદાહરણઓથી સમજાવી છે

 9. pallavi says:

  બહુ સરસ લેખ. ફક્ત વાન્ચવા જેવો જ નહિ પન અનુસરવા જેવો લેખ.
  અભિનન્દન જયવતીબેન.
  પલ્લવી.

 10. hardik says:

  બહુ ઑછા લેખક(હકીકત માં માણસ સ્વભાવ) હૉનેસ્ટી સાથે પોતાની ઊણપ સ્વીકાર કરે છે.

  ઘણી વખત સબવે માં ઘણા આર્ટીસ્ટ(not an entertainer) એટલું સરસ પર્ફૉમ કરતાં હોય અને એમની મસ્તી માં હૉય ને કે સલામ મારવાનું મન થઈ જાય. જ્યારે ખિસ્સામાં હાથ નાખીયે ત્યારે ધ્યાન રાખું કે વધાર પડતું ના અપાઈ જાય અને પછી એ જ મહીને મૉબાઈલ ફૉન માં ૪૦% વધારે બિલ ભરીયે ત્યારે થાય કે સાલું ૫૦ સેન્ટ માં મારું શું જવાનું હતું?ખુબ સરસ મનની વાત કહેતૉ લેખ.

 11. trupti says:

  કોઈ ને દાન આપવુ તો દિલથી આપવુ, હું આ વાત થી ૧૦૦% સંમત છુ. પણ ધણીવાર એઅવુ બને છે કે આપણે લાગણી ને દયા ના બહાવ મા આવી જઈ ખોટી વ્યક્તીને અને ખોટુ દાન આપી દઈ એ છે. હું મારા અને મારા ધરની કોઈ પણ વ્યક્તી ના કપડા ભાંડી-બર્તન વાળાને વહેંચતી નથી કારણ એકે તે કાયમ પહેરવા યોગ્ય હોય છે. ઓફિસમા કામ કરતા હોઈએ માટે નીત નવા અને લેટેસ્ટ કપડા પહેરવા જોઈએ, માટે થોડો વખત પહેરી તેનાથી ઉબાય જવાય. મારા ગામ ના જરુરિયાત વાળા બહેનો ને હું તે મોકલાવી દઉં થોડા અહીં પણ કોઈ જરુરિયાતમંદ વ્યક્તી હોય તેને પણ આપુ. પણ મે ઘણિવાર નોંધ્યુ છે કે ગામમા મોકલાવેલા કપડા આપેલી વ્યકતી હોંશે-હોંશે પહેરે, પણ અહીં મારી કામવાળિ કે કચરાવાળિ ને પહેરતા જોઊજ નહીં.
  સિગ્નલ પર ભિખ માંગતી વ્યક્તી બીજી મિનીટે સરખાજ કારણ બદલ બીજી વ્યક્તી પાસે ભીખ માંગતી જોવા મળે. પૈસા ની બદલી મા ખાવાની વસ્તુ માંગતો ભિખારી દાન મા મેળવેલુ ખાવાનુ બીજા ભિખારી ને અડધા પૈસે વંહેચતા સગી આંખે જોયા છે.
  મારા પપ્પા કાયમ કહે કે ,”પૂજારી ને કે બ્રામણને લોટો આપો પછી એનો ઉપયોગ એ શેને માટે કરે છે તે જોવાનુ કામ આપણુ નહીં” પણ હું તે અભીગમ હજી સુધી અપનાવી શકી નથી. પરંતુ બધાજ દાન માંગવા વાળા ખરાબ હોય છે એવુ પણ નથી.
  મારા સાસુ લગભગ ૮૦વરસ ના છે અને તેમનો દરોજ સવારે ૬ વાગ્યે હવેલી મા મંગળા માટે જવા નો નિયમ વરસોથી છે. સવારે ૬ વાગે જઈ ૮ વાગે આવે. પહેલા તેઓ ચાલી ને જઈ શકતા હતા, પણ હવે તેવો તે માટે સમર્થ નથી. એક રિક્ષા વાળો દરોજ સવારે તેમને લઈ જાય અને પાછો તેમના ટાઈમે હવેલી થી લઈ આવે. ( અમે તેને માસિક ધોરણથી રોક્યો નથી, પણ સ્વેછાએ તે મારા સાસુ ના જવાના ટાઈમે બિલ્ડીંગની બહાર આવી ઉભો રહી જાય છે.) એક દિવસ તેને રૂ.૧૦૦૦/- ની જરુરત આવી પડિ, તેને મારા સાસુ આગળ માંગ્યા. મારા સાસુ પાસે તે વખતે એટલા પૈસા નહતા, માટે બીજે દિવસે આપવાનુ ક્હ્યુ. ઘરે આવી ને તેમણે વાત કરી મારા વરે તરત જોઈતી રકમ મારા સાસુને પેલા રિક્ષાવાળા ને આપવા આપી, મારુ મન જરા ન માન્ત્ય કારણ કદાચ તે પાછા ન આપે અને તેનુ ઘર તો ખબર નહતી. મારા વરે ફ્ક્ત એટલુ જ ક્હ્યુ, ” આમ તો આપણે એવુ કોઈ દાન કરતા નથી, તુ જ્યારે જાય ત્યારે હવેલી મા ભેટ મુકી આવે છે, આપણે એમ સમજશું કે આપણે દાન આપ્યુ.”. બીજે દિવસે મારા સાસુ પૈસા લઈ ગયા ને રિક્ષાવાળા ને આપવા માંડ્યા, પણ તેને લીધા નહિ કારણ માંગ્યા તે વખતે તેની તેને જરુખ્ હતી પણ તે જરુરત મારા સાસુ એ જ્યારે આપવા માંડ્યા ત્યારે પુરી થઈ ગઈ હતી.
  આપણા શાસ્ત્રો મા કહ્યુ છે કે દાન એવી રિતે આપો કે, જો જમણો હાથ આપે તો ડાબા હાથ ને પણ ન ખબર પડવી જોઈએ.

 12. Jigna Bhavsar says:

  ખુબ સરસ.

  જે સરલ છે તે જ સત્ય છે. અને જે સરલતા ને રાખી ચાલશે તેને સૌ કોઈ જ નમન કરશે જ.

  હું પણ પ્રાર્થના કરું છું કે પ્રભુ ! હું આંખ મીંચીને દિલ ચોર્યા વગર, નિ:સંકોચ, પ્રેમપૂર્વક અન્યને સહજ ભાવે આપી શકું, મારો સ્નેહ, મારી લાગણી, મારું દિલ ! બસ, તે વખતે પ્રભુ મનને ઉદાર અને વિશાળ બનાવી તારા આશિષ આપજે.

 13. જય પટેલ says:

  દાનની મહિમા પર પ્રકાશ ફેંકતો સુંદર લેખ.

  બારેય મહિના આપણા કપડાંનો મેલ ઉતારનાર ધોબી….બારેય મહિના વાળ કાપનાર વાળંદ કે પછી
  વાર-તહેવારે આપણા ધાર્મિક ક્રિયાકાંડ કરનાર બ્રાહ્મણને મનથી આભાર માની
  વર્ષે એકાદ વાર કંઈક આપીએ તો માનવતાને પણ ચાર ચાંદ લાગી જાય..!!

  દાન કર્યા પછી મનમાં ( ક્વચિત ) થતો વસવસો દાનની મહિમા ઘટાડે છે.

  આજના આતંકવાદના જમાનામાં અને દુનિયામાં રોજ-બરોજ થતી કુદરતી હોનારતોના યુગમાં
  આજની ક્ષણ આજે જીવો તે મંત્ર જ વાસ્તવિક છે. આવતી કાલના પ્લાનિંગમાં ઘણીવાર વર્તમાન ક્ષણ
  ચુકી જવાય છે.

  આભાર.

 14. Urvi pathak says:

  આ ના માત્ર દાનના મહિમાનો લેખ છે ના તો માત્ર મદદભાવનો લેખ છે.
  આ તો સુંદર વાત છે….. જીવન તરફના અભિગમની….

  લે આ સાડી હું કાંઈ ખાસ નથી પહેરતી … જો.. ને તારા પર સારી લાગશે.
  લે તુ આ લે મને એ વિના ચાલશે….

  આપણે સૌ મનુષ્ય છીએ …. ઓછાવત્તા સૌના દિલ આવા જ છે…..
  પણ આપણા આ ભાવનો એક-બે વાર દુરઉપયોગનો અનુભવ થાય એટલે ખલાસ….
  માનવનુ મન છે…. એટલે બુદ્ધિ જીતી જાય દિલ કરતાં કે ફરી નહિ છેતરાઉં

  પણ આવા આવા મનને ફરી સાફ કરતાં… ફરીથી મલમ લગાવી કુણું કરતા અસરકારક લેખ હાથ લાગી જાય…

  ચાલો ત્યારે ફરી કરુણાનુ ઝરણુ હૈયે ખળખળ વહેવા દઈએ.
  ચાલો ત્યારે ફરી માનવ બની ક્યાંક માનવતાનો ધ્વજ ફરકાવીએ
  ચાલો ત્યારે ફરી નિમિત્ત બની ઈશ્વર ક્યાંક વસે છે એ દીવો પ્રગટાવતા રહીએ.

  આભાર.

 15. Urvi pathak says:

  જયવતી બહેનના આવા જ સાદા રોજબરોજના પણ સખત અસરકારક વિષય પરના લેખ મન હકારત્મકતાથી ભરી દે છે. જીવન સાચીરીતે જીવતા શીખવે છે.

  આજે બીજાને આનંદીત કરવામાં જે સર્વોત્તમ આનંદ મળે છે એ વાત સાડીમાં લપેટીને લખી છે.

  ‘આંખ મીંચીને આપી દેવાનું’ – આંખો મીચીને અનુસરવા જેવું છે.

  સાદી રીતે મોટી વાત કહેવી કે સીધુ અંતરમાં ઉતરે એનાથી વધુ લેખકની સફળતા શું હોય?
  જયવતીબહેન, શોધી શોધી તમારા લેખ વાંચું છું
  ખૂબ ખૂબ આભાર.

 16. jatin maru says:

  દાન નો મહિમા તો આપના રુશિ મુનિ ઓ પન વર્નવિ ગયા ચ્હે, પન દાન કેવિ દાનત થિ કરવુ એ બહુ ઓચ્હા લોકો જાને ચ્હે. દાન કરવાનિ દાનત પર પ્રકાશ ફેકતો આ લેખ ખુબ જ પ્રેરક ચ્હે. ઉત્તમ્!

 17. Ami Patel says:

  very nice and honest.

 18. Ashish Dave, Sunnyvale, Califronia says:

  વિવેકાનંન્દે કહ્યુ હતુ… જાતે આપો … પ્રેમથી આપો નહીતર આપવુ પડશે

  જયવતી બહેને ખુબ જ સુન્દર લેખ લખ્યો છે.

  Ashish Dave

 19. tilumati says:

  ખુબ જ સારો લેખ છે. આ વાત અનુસરવા લાયક છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.