પત્રયાત્રા (ભાગ-1) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા

[ ગુજરાતી સાહિત્યમાં પી.એચ.ડી થયેલા ડૉ. મહેન્દ્રભાઈ હાલ રાજકોટ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. પૂ. શ્રી પોપટઅદા પાસે તેઓ વારંવાર બેસતા અને સાહિત્યિક વાર્તાલાપ કરતા. એ પછી સમય વીતતાં ધંધાર્થે શ્રી પોપટઅદાએ વડોદરા નિવાસ સ્વીકાર્યો અને મહેન્દ્રભાઈએ તેમને રોજ એક પોસ્ટકાર્ડ લખવાનું પ્રણ લીધું. જે કંઈ સૂઝે, તે વિચાર સાત-આઠ પંક્તિમાં લખાય અને રોજ પોસ્ટ થાય. એ રીતે 2007 થી ફ્રેબુ-2010 સુધીમાં રોજના એક લેખે 945થી વધુ પત્રો લખાયા. આ પત્રોનું સંકલન એટલે ‘પત્રયાત્રા’. તેમાં ઉત્તમ જીવન દર્શન સમાયેલું છે. આપણે તેમાંના કેટલાક લેખો બે-ત્રણ ભાગમાં માણીશું. હાલ આ પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં જ તે થોડા વધુ પત્રો સાથે નવી આવૃત્તિ સ્વરૂપે ઉપલબ્ધ બનશે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 પર સંપર્ક કરી શકો છો.]

[1] સાચી શ્રદ્ધા

પંખીઓને માણસ કરતાં પરમાત્મામાં વધુ શ્રદ્ધા છે, આ વાત ન માનતા હોય, તેમણે પંખીઓનો માળો જોઈ લેવો…. તેમાં ક્યાંય કોઠારરૂમ નહીં હોય…. ઈશ્વર પર કેવડો ભરોસો ! ટંકે ટંકનું અચૂક આપશે જ એવી અખંડ આસ્થા ! માણસ વર્ષભરનું અનાજ-તેલ ભરી લેશે… અને એટલે જ માણસને મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા, ઉપાશ્રયોની જરૂર પડે છે ને ? પક્ષીઓના ક્યાંય આવા નથી તો મંદિર હોતા કે નથી ક્યારેય કોઈ પંખી ભૂખના દુ:ખે મૃત્યુ પામ્યું ! રોજ ઈશ્વર સ્તવન કરતા પંખી કાયમ આનંદમાં – તેથી તેને કદી આપઘાત કરવાની આવશ્યકતા પણ નથી રહેતી ! શીખવા ધારીએ તો પક્ષીદેવતા પાસેથી ઘણું શીખી શકાય – દરેક પાસે આંખો છે, દષ્ટિ કેટલા પાસે ?

[2] મહાનતાની એકલતા

માનવી જેમ જેમ મહાન બનતો જાય છે, તેમ તેમ તેને સંસારના હડદોલા વધારે ખમવા પડતા હોય છે, તેવું મહાપુરુષોના જીવન-અનુભવો પરથી તારણ નીકળે છે. આમ કેમ ? ત્યારે વિચાર આવે છે કે, દરિયો હોય, તો ભરતી ય આવે ને ઓટ પણ આવે ! ખાબોચિયામાં કદી ભરતી-ઓટનો સંભવ ખરો ? સરવાળે, ચીલાચાલુ જિંદગી જીવનારા વધુ સુખી લાગતા હોય છે. રિચાર્ડ બાકનું વિધાન છે કે : ‘જે સૌથી ઊંચે ઊડે છે, તે સૌથી લાંબુ જુએ છે.’

[3] રક્ત-સંસ્કારની લીલા

રાજાની રાણી સોળ શણગાર સજીને સોનાની ઝારીમાં ગંગાજળ લઈ, મોતી-હીરાના ક્યારામાં રેડે અને તેમાં લસણ વાવ્યું હોય, તો લસણની જ ગંધ આવે, તેમ શામળે કહ્યું છે. ભૂંડને પ્રેમ-આદરપૂર્વક-લાડ લડાવી, ઉંચકીને ઘરમાં લઈ આવો, ઉત્તમોત્તમ ભોજન જમાડો, (ફાવે તો ડાઈનીંગ ટેબલ પર !) શ્રેષ્ઠ સુગંધી જળ અને લક્સ સાબુથી ભાવપૂર્વક નવડાવો, સ્નેહપૂર્વક નવા જ ટોવેલથી તેનું શરીર લૂછો, પોન્ડસ પાવડરનો લાગણીભર્યો છંટકાવ કરો, પેરિસના સર્વોત્તમ સ્પ્રેનો છંટકાવ કરો, પછી તેને શેરીમાં લઈ જઈ હર્ષાશ્રુ સાથે છૂટું કરો અને જોયા કરો….. એ ક્યાં જાય છે તે નિહાળો ! એ જ ગંદી ગટર, એ જ ઉકરડો, એ જ વિષ્ટા…. સ્વ-ભાવ માનવીનો છૂટતો નથી. એ ગાંઠો છોડવાની કોઈ તરકીબ ખરી ? માણસને શનિ-મંગળ નડતા નથી, સ્વ-ભાવ નડે છે…. ને એની દવા જગતના કોઈ મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી.

[4] પ્રવાસ

સુખી માણસો પ્રવાસમાં જાય, ત્યારે મોટા ભાગના આખું ઘર ભેગું લેતા જાય. પાર વિનાના કપડાં, અઢળક ખોરાક, ચાર-પાંચ જોડી બૂટ-ચપ્પલ… ખરેખર પ્રવાસ શબ્દનો અર્થ સમજતા હોતા નથી. પ્ર+વાસ=પ્રવાસ, એટલે કે વિશિષ્ટ પ્રકારનો વાસ. ઘરે રોજ જીવતા હોય, તેમ ન રહેવું, પણ જ્યાં ગયા છીએ, તેને અનુરૂપ-અનુકૂળ થઈને જીવવું, એટલે પ્રવાસ. ફાવશે, ભાવશે, ગમશે, ચાલશે – આ ચાર શબ્દો જીવનમાં ચરિતાર્થ કરવાની અનુભવ યાત્રા એટલે પ્રવાસ. જ્યાં જઈએ તેના મય બનીને, તદ્દરૂપ થઈને, તદાકાર બનીને રહેવું, તે પ્રવાસ. ઘરની સુખ-સુવિધા-સાધન સાથે જવું, તે પ્રવાસ નથી જ.

[5] બૅક ટુ નેચર

જે માણસ જિંદગીની ઘરેડમાંથી બહાર નીકળી શકતો નથી, તે સરવાળે નિષ્ફળતાને પામે છે. એકધારી ચીલાચાલુ જિંદગીથી ટેવાઈ ગયેલો માણસ નવા ચીલે ચાલતા ગભરાય છે. તેને કારણે એ ઘણું નવું પામવાથી વંચિત રહી જાય છે. ક્યારેક નવા ઘરમાં, ગામમાં કે પ્રદેશમાં નવા લોકો વચ્ચે જવાની પણ એક મજા હોય છે. તેમ માણસે સમયાંતરે એકધારા જીવનમાંથી બહાર નીકળી પ્રકૃતિની વચ્ચે નિરવ એકાંતમાં પણ જીવવા જવું જોઈએ ! (તો ‘માણસ’ રોબોટ ન બને !)

[6] તો ઊગે !

બીજ એકલું ઊગી શકે નહીં, બીજને વૃક્ષ બનવા માટે જમીન, પાણી, સૂર્યપ્રકાશ અનિવાર્ય…. તેમ કોઈ વિચાર એ બીજ છે, તેને કાર્યરૂપે ઊગવા માટે જ્ઞાન-ભક્તિ-કર્મ અનિવાર્ય…. જ્ઞાન એટલે વ્યવસ્થિત આયોજન, તર્કબદ્ધ વિચારણા અને સમયનું સમાયોજન, ભક્તિ એટલે કરવાના કાર્ય માટેની લાગણી, ઝંખના, એકાગ્રતા…. નિષ્ઠાથી યોજનાબદ્ધ કાર્ય…. એ હંમેશા ઊગે છે… આયોજન વગરના ઉતાવળે કરેલા અવ્યવસ્થિત કે નિષ્ઠા વગરના કામો કાં તો શરૂ થતા નથી અથવા અધવચ્ચે રોપડાની જેમ મૂરઝાઈ જતા હોય છે….. (બળી ગયેલા બી કદી ઊગે ?)

[7] નામ મુજબ જીવનારા કેટલા ?

નામ માણસના હોય તે નામ મુજબ જીવતા ન હોય ! મંદિરના ઓટલે ભીખ માંગતી હોય ને નામ ‘લક્ષ્મી’ હોય. મોટરમાં ‘ભીખાલાલ’ ફરતા હોય. ‘હસમુખ’ કાયમ રોતલ લાગે તો ‘શીતલ’ ધગધગતી હોય, ‘રજનીકાન્ત’ (ચંદ્ર) ક્યારેક સૂર્યની માફક ધગી શકે નહિ, તેના ઉજાસમાં જ ‘કુમુદ’ (રાત્રિકમલ) ખીલે ! ‘જ્યોતિ’ પ્રકાશ જ આપે ને ‘પંકજ’ સદા સુવાસ આપે ! ‘વિશાલ’ સાંકડા હૃદયનો હોઈ શકે નહીં, હા, ‘નિરવ’ ક્યારેક ઘોંઘાટ કરી શકે ! નામ હોય, સુનયના ને આંખે મોતિયા આવ્યા હોય, ‘અનસૂયા’ (અન + અસૂયા = જેનામાં ઈર્ષ્યાનું તત્વ નથી !) નામ હોય ને અન્યની ઈર્ષ્યા જ કરતી હોય ! ‘વસંતકુમાર’ કદી પાનખરલાલ ન બની શકે ! – નામ આપે ફઈબા, પણ તે મુજબ જીવી શકે કેટલા ?

[8] સાચુ માપ

આજે માણસ સત્તા-સંપત્તિની ફૂટપટ્ટીએ મપાતો થયો છે, તેથી સાચા માપ મળતા નથી. માણસ માણસાઈના મીટરથી મપાવો જોઈએ. સંસ્કાર, સદગુણ, સદવર્તન, શીલની ફૂટપટ્ટી જ માનવીનું સાચું માપ આપી શકે, માત્ર બાહ્ય દેખાવ નહીં, તેની આંતર-સંપત્તિનું માપ તેના વ્યવહારમાંથી મળી શકે. ભગવાધારી બધાં સંત ન પણ હોઈ શકે, સૂટેડ-બૂટેડ સજ્જનમાં સંતના દર્શન થઈ શકે. ખાદીધારી ક્યારેક ખતરનાક હોય, તો ફાટેલા કપડાધારી મજૂરની મનની મિરાત મહાન હોય ! – પહેરવાથી જ સામેનો માણસ ઓળખાય જાય, તેવા ચશ્માની શોધ થાય તો ? (જગતમાં અંધાધૂંધી જ થઈ પડે ને ?)

[9] સહનશીલતા

વર્ષો પૂર્વે વાંચેલું યાદ છે – જાપાનમાં વિશ્વનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ…. આશરે પોણા ત્રણસો માણસોનો પરિવાર સાથે રહે. પત્રકારો મળવા ગયાં, કુટુંબના વડીલને આનું રહસ્ય પૂછ્યું અને સંયુક્ત કુટુંબની આ સફળતાના મુદ્દાઓ પૂછ્યાં. પેલા વડીલે કવરમાં સાત મુદ્દાઓ લખીને આપ્યાં, તેમાં 1 થી 7 સુધી એક જ શબ્દ લખ્યો હતો – સહનશીલતા… કેરીની સીઝનની આખરમાં ઘરમાં છેલ્લી બે કેરી પડી પડી બગડી જાય (ઘરના દરેક વિચારે કે, મેં તો બહુ ખાધી, બીજા ખાશે) એ ઘરની ધૂળ માથે ચડાવવી, મંદિરે જવાની જરૂર નથી ! આવા જ ઘર ઘર કહેવાય, બાકીના મકાન કે સ્મશાન !

[10] આભાર માનશું ?

એકાદ નાનકડા આપણા કાર્યમાં કોઈની નાનકડી સહાય મળે, ત્યારે વાતવાતમાં ‘થેન્ક યુ’ કહેતા આપણે – પરમાત્માએ સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો, સારું તંદુરસ્ત શરીર આપ્યું, હર્યોભર્યો પરિવાર આપ્યો, સુખ-શાંતિ-સમૃદ્ધિ-સલામતી આપ્યા, યશ-વિજય-કીર્તિ આપ્યાં…. આટઆટલું આપણા માટે એ અલૌકિક દિવ્ય તત્વનું પ્રદાન…. પછી તો કૃતજ્ઞ ભાવે વંદન જ હોય ને ? આ આભારભાવને વ્યક્ત કરવાના શબ્દો માત્ર પવિત્ર પ્રાર્થનાના જ હોય. આ દિવ્ય દાન મેળવનારા આપણે એના પ્રતિનિધિ છીએ, એ ભાવ જાગે, એટલે બેડો પાર….

[11] કાળ મહાભગવાન

સમય સતત સરતો રહે છે. કાળ ભગવાનનો રથ એકધારો-અવિરત-અવિશ્રાંત ચાલતો જ રહે છે. સમયને ન જાણનારા જીવનના મહત્વના અવસર ચૂકી જતા હોય છે. આજની-અત્યારની પળ, પછીની પળે ભૂતકાળ બની રહે છે. કાળના વૃક્ષ પરથી દિવસ-રાત્રીના પર્ણો ખરતાં રહે છે. જે વર્તમાનની ક્ષણને જાણે છે, તે જ જીવે છે. સમયની પુષ્કળ બરબાદી કરનારા લોકોની કાયમી ફરિયાદ એ હોય છે કે – ધેર ઈઝ નો ટાઈમ ! ત્યારે હાસ્યભર્યું આશ્ચર્ય થાય છે, મનુષ્યાવતારમાં એક પણ સેકન્ડ એવી નથી, જેને વિફળ જવા દેવાય, છતાં કાળને કાંડે બાંધનારા (ઘડિયાળ કાળનું પ્રતીક જ છે ને ?) હંમેશા મોડા પડતા હોય છે. સમયને ઓળખનારા સદા સમય સાથે જ દોડતાં રહે છે, ને એ જ સમાજ જીવનમાં અગ્રેસર રહે છે.

[12] પીડા – પોતાની હોય યા પારકી, ઊતારો એની આરતી !!

જગતમાં કોઈ એવો માણસ મળે, જે (શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક) પીડા વગરનો હોય ? પીડા ક્યારેક અણધારી આવે, તો ક્યારેક કાયમી મહેમાન જેવી હોય. ક્યારેક દીવાની જ્યોત માફક ધીમું ધીમું જલન કરાવનારી હોય, તો ક્યારેક ચોમાસાની વીજળીના માફક ભડાકો બનીને આવે ! પીડા આવે ત્યારે વેદનાના આંસુ લાવે અને જાય ત્યારે હરખના/હળવાશના આંસુ લાવે ! જો કે, પીડાનો આનંદ લેનારા પણ હોય છે. (યાદ આવે છે ? નાનપણમાં ગોઠણે ગૂમડું થયું હોય, તેની વેદના બોકાસા બોલાવે, પણ રુઝાવા લાગતા નવી ગુલાબી ચામડી પર મીઠી ખંજવાળ આવતા, આંગળી ફેરવતા આનંદ થાય ! એમ તો આખા શરીરે થયેલા ખરજવાને વલૂરવા કાથીના ખાટલામાં આળોટીને મજા લેનારા ય પડ્યા છે !) પરપીડનથી મોટું પાપ જ નથી, તેમ તુલસીજીએ કહ્યું. હસતાં હસતાં સહેવું, ને સહેતા સહેતા હસવું !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંખ મીંચીને આપી દઉં…. – જયવતી કાજી
વિચારસેતુ – સંકલિત Next »   

10 પ્રતિભાવો : પત્રયાત્રા (ભાગ-1) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા

 1. આપનો આ પત્ર પ્રયત્ન ખરેખર આવકારદાયક છે ,

  રોજ નાં ઘણા વિચારો આવતા હોય છે. એમ થાય કે આ અત્યારે નહિ પછી ક્યારેક નોંધી લેશું.
  પણ એ દિવસ આજ સુધી આવ્યો નથી

  અને આપના વિચારો ખુબજ સારા છે ખાસ કરી ને મને પ્રવાસ ની વ્યાખ્યા ખુબજ ગમી.

  આની વધારે પોસ્ટ થાય તો ખુબ આનંદ થશે.

 2. Rina Pandya says:

  ડૉ. મહેન્દ્રભાઈ, આપના પત્ર અદભુદ છે. આપ આમ જ અમને રસપાન કરાવતા રહેશો.

  આભાર,

  રિના

 3. Jigna Bhavsar says:

  “દરિયો હોય, તો ભરતી ય આવે ને ઓટ પણ આવે ! ખાબોચિયામાં કદી ભરતી-ઓટનો સંભવ ખરો ? ”

  દરેક વિચારો અદભુત્ત. વધારે લહાવો મળે તેવી આશા.

 4. જય પટેલ says:

  વિચારોના આદાન-પ્રદાનના આવિષ્કાર રૂપે શરૂ થયેલી પત્રયાત્રાનો કંસેપ્ટ ગમ્યો.

  વિચારોની વહેંચણીમાં જરૂરી નથી કે કાયમ એકબીજાના વિચારો સાથે સંમત હોવું.
  વિચારો વ્યકત થતી પ્રામાણિકતા જ સંબધોને ગહન કરે છે અને આવા સંબધો જીવન પર્યંત રહે છે.

  કુદરતના સાનિધ્યમાં અને પહાડોની સાક્ષીએ વિચારોના ઝરણાંમાં બસ વહેતાં જ રહીએ..!!

 5. Bird says:

  reply to author of this article….

  ગધેડાઓ ને પરમાત્મામાં માણસ અને પંખીઓ કરતા પણ વધુ આસ્થા છે.
  પક્ષીઓને તો માળો બાંધવાની જરૂર પડે છે પણ ગધેડાઓ તો પોતાનું કોઈ રહેઠાણ પણ બનાવતા નથી.
  એમને ઈશ્વર માં આસ્થા છે કે એ જ્યાં રહેશે ત્યાં ઈશ્વર એમને સલામત રાખશે.
  અને એટલે જ માણસને મંદિર ની જરૂર પડે છે પણ ગધેડાઓને ક્યારેય મંદિરે જવાની જરૂર પડતી નથી.
  શીખવા ધારીએ તો ગધેડા પાસેથી કેટલું શીખી શકાય છે.
  અને એટલે જ જે માણસ ને મંદિર જવાની ક્યારેય જરૂર ના પડે એને માણસ નહિ પણ ……….

 6. lomesh says:

  આભાર પ્રો.મહેન્દ્રભાઇ.
  in every letter there are a 6 to 7 lines and those 6 to 7 lines teach us 60 to 70 years experiance funda.

 7. Ajit Desai says:

  Dear Mahendrabhai, congratulations for publishing PATRA-YATRA PART-1.I have gone through it and really excellent publications. As one of your personal friend I proud of you .
  With regards

 8. ચેતન પટેલ. says:

  આં લેખો એટલા બધા સરસ છે, કે તેમને હું મારી કોલેજમાં વર્ગમાં વિદ્યાર્થીઓની સામે વાંચીશ.

 9. Ajit Desai says:

  My Dear Mahendrabhai,
  Its excellents what you have done. I have no words to praise you and your ideas.
  Good Luck
  Ajit Desai Jamnagar

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.