ગાંધી-ગંગા – સં.મહેન્દ્ર મેઘાણી

[‘ગાંધી-ગંગા’ ભાગ-1માંથી સાભાર.]

[1] એવો એક ધોબીડો !

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની નીચે હિંદીઓએ સત્યાગ્રહની લડત માંડી હતી. મોટી સંખ્યામાં લોકો જેલમાં ગયેલા. તેમાંના કેટલાક એવા હતા કે પાછળ એમના કુટુંબનું ધ્યાન રાખનાર કોઈ હતું નહીં. તેવા કુટુંબોને માટે ગાંધીજીના આશ્રમ ટોલ્સટોય ફાર્મમાં વ્યવસ્થા કરવામાં આવેલી. ગાંધીજી જેલમાંથી છૂટીને આવ્યા પછી ખૂબ કામમાં રહેતા હતા. છતાં સમય કાઢી એ કુટુંબની બહેનોને મળવાનું ને આશ્વાસન આપવાનું ચૂકતા નહીં. તેમને ઘરકામમાં પણ કોઈક વાર મદદ કરતા.

એક દિવસ ગાંધીજી પોતાનાં કપડાં ધોવા નદીએ જતા હતા. નાનાં નાનાં બાળકોવાળી માતાઓની મુશ્કેલીનો વિચાર કરીને તેમની પાસે એ ગયા ને બોલ્યા : ‘આજે તમારાં સહુનાં કપડાં હું ધોઈ આપીશ. નદી ઘણે લાંબે છે, અને તમારે નાનાં છોકરાં સાચવવાનાં હોય. એટલે બાળકોએ ઝાડો-પેસાબ કર્યા હોય તેવાં કપડાં સુદ્ધાં મને આપી દો.’
‘અરે, ગાંધીભાઈને તે કપડાં ધોવા અપાતાં હશે ! એ તો મોડાંવહેલાં અમે જ ધોઈ નાખશું.’ પ્રેમ અને સંકોચમિશ્રિત લાગણી સાથે બહેનો બોલી. પણ ગાંધીજી એમ નમતું જોખે તેવા ન હતા. કપડાં લઈ જવાનો આગ્રહ તેમણે ચાલુ રાખ્યો. બહેનોના સંકોચનો તો પાર નહોતો. પણ અંતે પ્રેમનો વિજય થયો. બધાં કપડાંનો એક મોટો ગાંસડો બાંધ્યો અને તેને પીઠ પર નાખીને ગાંધીભાઈ નદી તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને બધાં કપડાં પ્રેમપૂર્વક ધોયાં, નદીના તટ પર સૂકવ્યાં, તેની ગડી કરી ‘ફાર્મ’ પર લાવ્યા અને ઘેરઘેર ફરી બહેનોને તેમનાં કપડાં પહોંચાડ્યાં. પછી એ ધોબીના ધોયેલાં વસ્ત્રો પહેરતાં બહેનોએ કેવી કેવી લાગણીઓ અનુભવી હશે !

[2] ગરીબાઈથી ધ્રૂજું છું

દિલ્હીમાં કડકડતી ઠંડી પડતી હતી. ગાંધીજી ત્યારે બિરલા ભવનમાં રહેતા હતા. સવારની પ્રાર્થના માટે તેઓ વહેલા ઊઠતા અને હાથ ઠરી જાય એવા ઠંડા પાણીએ પોતાનું મોં ધોતા. એ દશ્ય જોનારને તરત જ વિચાર આવતો કે, બાપુ હૂંફાળા પાણીએ મોં ધૂએ તો કેવું સારું ! અને કોઈ એવી સૂચના કરતું તો તેઓ ના પાડતા ! હિંદની ગરીબાઈથી નિરંતર દ્રવતું તેમનું અંતર કહેતું કે, ‘પાણી ગરમ કરવાનો બોજો આ રંક દેશ પર હું કેમ લાદું ?

આવી જ ઠંડીમાં સવારની પ્રાર્થના પછી એક દિવસ તેઓ કામે લાગી ગયા ! આવેલી ટપાલનાં નકામાં પરબીડિયાંનો ઢગલો તેમણે ઓરડામાં જોયો. હાથમાં કાતર લઈ તેઓ પરબીડિયાં કાપવા લાગ્યા. એક બાજુનો કોરો કાગળ એક પર બીજો એમ ગોઠવી તેઓ લખવાનું પૅડ બનાવી રહ્યા હતા. આ ગરીબ દેશમાં આવી રીતે કાગળ વેડફાઈ જાય તે તેમનાથી સહન થતું ન હતું. પણ પરબીડિયાં કાપતાં કાપતાં તેમનો હાથ ધ્રૂજતો હતો. ગાંધીજી આવી ઠંડીમાં એ કામ બંધ કરે તો સારું, એ વિચારે એક જણે કહ્યું : ‘બાપુ ! તમે ઠંડીથી ધ્રૂજો છો !’
ગાંધીજીએ કહ્યું : ‘ના, ઠંડીથી હું ધ્રૂજતો નથી. કુદરતી ઠંડી તો શરીરને લાભદાયક છે. પણ હિંદની મૂંગી આમજનતાની ગરીબાઈ અને નિરાધારપણાના વિચારે હું ધ્રૂજું છું. તેનો અંત ક્યારે આવશે ? – પરબીડિયાં કાપવાનું તેમણે ચાલુ રાખ્યું.

[3] દશનાં ગળાં કાપું !

મુંબઈના મણિ ભુવનમાં બેઠાં બેઠાં ગાંધીજી જાતે હજામત કરતા હતા. દાઢી પર સેફટી રેઝર ફેરવતાં ફેરવતાં તેઓ વાતો પણ કરતા હતા. અસ્ત્રો દાઢી પર ફરે પણ દાઢી પરના વાળના ખૂટ જતા નહોતા. તેથી તેઓ દાઢી પર પાંચ-સાત વાર અસ્ત્રો ફેરવતા હતા. તે વેળા સુભાષચંદ્ર બોઝ પાસે બેઠાં બેઠાં આ જોતા હતા. ગાંધીજીને વારંવાર અસ્ત્રો ફેરવતા જોઈ તેમણે કહ્યું : ‘બાપુ, આ અસ્ત્રો બુઠ્ઠો થઈ ગયો છે, એની બ્લેડ બદલવાની જરૂર છે.’
‘જા રે જા, આ અસ્ત્રાથી તો હજી તમારા જેવા દશનાં ગળાં હું કાપી નાખું !’ ગાંધીજીએ હસતાં હસતાં જવાબ વાળ્યો.

[4] નાની બાબતો માટે જીવન-ઘડતર

અહિંસા એટલે ‘નિતાંત શુદ્ધિ’ – આંતરિક તેમ જ બાહ્ય શુદ્ધિ, એવી વ્યાખ્યા ગાંધીજીએ એક વાર આપી હતી. તેમણે કહ્યું હતું કે, આજે તો ગામડાં કંગાલ બની ગયાં છે. શહેરોને થોડાંક રળિયામણાં બનાવવામાં આવ્યાં, પણ ગામડાંમાં વસતા કરોડો લોકોને અજ્ઞાનમાં સબડતા રહેવા દેવામાં આવ્યા. ત્યાં પીવા માટે ચોખ્ખું પાણી ક્યાંયે મળતું નહોતું. ગામવાસીઓની કેળવણી તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું અને તેમનાં મગજમાં અંધકાર વ્યાપી ગયો. અટકાવી શકાય તેવા અનેક પ્રકારના રોગોથી દરેક ગામ પીડાવા લાગ્યું. દરેક ગામમાં પાર વગરના ઠગ-ધુતારા હતા અને તે ગામલોકોનો ભોગ લેવા લાગ્યા. દેહ અને દિમાગને લાગુ પડેલા આ ભયંકર રોગનું નિવારણ કરવાના કાર્યમાં આપણે લાગી જવું જોઈએ. હિંદમાં માણસોનો તોટો નથી; પણ જરૂર છે યોગ્ય દિશાના સામૂહિક પુરુષાર્થની. પછી બૂરા માણસોને ફાલવાફૂલવા માફક આવે એવું વાતાવરણ ત્યાં નહીં રહે. લોકોના સહકારના પાયા પરના પ્રયાસોથી ગરીબી અને અજ્ઞાન દૂર થશે, ત્યારે તેમની વચ્ચે એકરાગભર્યા સંબંધો પાછા સ્થપાશે.

આ રીતે, અહિંસાની શક્તિ દર્શાવી આપવા માટે ગામડાંના લોકોના રોજિંદા અનુભવને સ્પર્શતી નાની નાની બાબતો લઈને ગાંધીજી પ્રવચનો કરતા. ગાંધીજીના મનમાં નાની-નજીવી બાબતો અને મહત્વની બાબતો એવો કશો ભેદ હતો જ નહીં. સત્યાગ્રહીનું પ્રત્યેક કાર્ય – પછી તેઓના ખાનગી જીવનને સ્પર્શતું હોય કે જાહેર જીવનને – સાચા રણકાવાળું હોવું જોઈએ. નાના કે મોટા તેના દરેક કાર્ય દ્વારા સત્યનાં દર્શન થવાં જ જોઈએ. નાની નાની બાબતો દ્વારા, હર કોઈ મનુષ્ય કરી શકે એવી સામાન્ય વસ્તુઓ મારફત, મેં મારા જીવનનું ઘડતર કર્યું છે, એમ ગાંધીજી કહેતા; તેથી, મેં જે કાંઈ સિદ્ધ કર્યું છે તે દરેક વ્યક્તિ સિદ્ધ કરી શકે છે.

[5] દાતણ કરતા જાવ રે, ગાંધીજી !

દેશ અને દુનિયાની નજર દાંડી ઉપર મંડાયેલી હતી. છઠ્ઠી એપ્રિલનું મંગલ પ્રભાગ ઊગ્યું. પ્રાત:કાળે ગાંધીજીએ એમના સાથીઓ સાથે સમુદ્રસ્નાન કર્યું અને મુકામ પર પાછા આવ્યા. ગાંધીજીના મુકામની બરાબર સામે જ 100 ડગલાં છેટે કુદરતી મીઠું પાકેલું હતું. એટલે તે સ્થળેથી જ મીઠું ઉપાડી સત્યાગ્રહ કરવાનો હતો. પરંતુ આ મીઠાવાળી જગ્યા ઉપર સરકારે માણસો લાવીને મીઠું બધું કાદવમાં ભેળવી દીધું હતું. સદનસીબે એક સ્થાનિક કાર્યકરે – શ્રી છીબુભાઈ કેશવજી પટેલે – એક ખાડામાં રહેલા મીઠા ઉપર પાંદડાં નાંખી ઢાંકી રાખ્યું હતું તે તેમણે બતાવ્યું અને ગાંધીજીએ વાંકા વળી ચપટી મીઠું ઉપાડ્યું. આસપાસ ઊભેલા સેંકડો લોકોએ ગગનભેદી હર્ષનાદ કર્યો : ‘નમક કા કાનૂન તોડ દિયા !’

દાંડી ગામની આસપાસ થોડે દૂર કુદરતી મીઠું ઠેરઠેર પડેલું હતું એટલે બાકીના સત્યાગ્રહીઓએ તે લૂંટીને કાનૂનભંગ શરૂ કર્યો. મીઠાના સફળ સત્યાગ્રહના સમાચાર દેશભરમાં વાયુવેગે ફરી વળ્યા. ગુજરાત અને દેશના ખૂણે ખૂણે નમક સત્યાગ્રહ આંદોલન સક્રિય બની ગયું. સરકારે ગાંધીજીને ગિરફતાર કરવાની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખી હતી. ચોથી મેની રાત્રિએ કરાડીમાં ગાંધીજી અને સાથીદારો નિરાંતે ઊંઘ લઈ રહ્યા હતા ત્યાં સુધી ધરપકડનો સહેજ પણ અણસાર કોઈને આવવા ન દીધો. મધરાત પછી ચોરપગલે ગાંધીજીને પકડવા માટે પોલીસનું ધાડું કરાડીની ઝૂંપડી પાસે પહોંચ્યું. આ ધરપકડનો આંખે દેખ્યો હેવાલ કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપ્યો છે :

અત્યારે દોઢ વાગ્યો છે. મધરાત છે, પણ જાણે ધોળો દિવસ ઊગી નીકળ્યો હોય તેવો ભાસ થાય છે ! પોણા બે વાગ્યે બે મોટી મોટરબસ આવીને બારણે ઊભી રહી. ક્ષણવારમાં તો એક પછી એક 25-30 સિપાઈઓ કૂદી પડ્યા. સુરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ સૌથી આગળ દોડ્યા. પાછળ પોલીસ ઉપરી અને આંટિયા અને તેમની પાછળ પોલીસ બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. એકે બાપુ ઉપર ટૉર્ચ ફેંકી. ખુલ્લા આકાશની નીચે સૂતેલા બાપુ જાગી ગયા હતા.
‘I arrest you’ ગોરો બોલ્યો. બાપુ હસ્યા.
‘તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી ?’
‘હા.’ બાપુએ જવાબ આપ્યો અને કહ્યું, ‘જો તમારે કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉં ?’
‘ખુશીથી.’ જવાબ મળ્યો.
બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કંઈ જ ન બન્યું હોય, જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાત: ઉપાસના માટે તૈયાર થતા હોય તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા.

‘કાંતિ,’ બાપુ બોલ્યા, ‘મારાં કપડાં તૈયાર કર.’
બાપુ તો દાતણ કરતા જાય અને કહેતા જાય : ‘વાલજી, યંગ ઈન્ડિયા માટે અધૂરું લખેલું પડેલું છે. સંભાળી લેજો ને મોકલી દેજો.’ ત્યાં તો પત્રોની ફાઈલ લઈને આનંદ આવી પહોંચ્યો. બાપુ એકેક પત્ર લેતા જાય અને સમજ પાડતા જાય.
‘વખત છે ને ?’ બાપુએ પૂછ્યું.
‘ના જી.’ આંટિયાએ જવાબ આપ્યો, ‘આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.’
‘ત્યારે પાંચ મિનિટ વધારે. એક ભજન ગાઈ લઈએ.’
સૌ એકધ્યાન થયા. પંડિતજીએ શરૂ કર્યું : ‘વૈષ્ણવ જન તો તેને કહીએ…’ વચમાં આદર્શ વૈષ્ણવજન નીચે વદને અંતર્મુખ ઊભા હતા અને આસપાસ સત્યાગ્રહીઓ ગાતા હતા, ‘તેનું દરશન કરતાં કુળ એકોતેર’ તારતા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારસેતુ – સંકલિત
મન અને માનવ – સંકલિત Next »   

12 પ્રતિભાવો : ગાંધી-ગંગા – સં.મહેન્દ્ર મેઘાણી

 1. કુણાલ says:

  – ‘જા રે જા, આ અસ્ત્રાથી તો હજી તમારા જેવા દશનાં ગળાં હું કાપી નાખું !’ ગાંધીજીએ હસતાં હસતાં જવાબ વાળ્યો.

  આ વાક્ય ભલે એક મજાક લાગી શકે પણ સુભાષચંદ્ર જેવા કુશળ અને બહાદુર સ્વાતંત્ર્ય સેનાની ગાંધીજીએ અને ભારતે ગુમાવ્યા એની પાછળ આ વાક્યના, આ પ્રસંગના મૂળ હોઈ શકે …

  મને બીજો એક સાયકોલોજીને લગતો વિચાર જન્મ્યો તે એ કે …. આજીવન અહિંસાની સાધનામાં રત રહેનાર મોહનદાસ પણ પોતાની વિચારધારા અને પોતાની ideology થી વિરુદ્ધની વિચારસરણી ધરાવતા સુભાષચંદ્ર બોઝ જેવા એક નહિ પણ “દશ” વ્યક્તિઓનુ ગળુ જાતે કાપવા તૈયાર થઈ જાય !!! what a great example of paradox !!! અહિંસાની ideology ના હરીફો પર એ જ અહિંસાની ideology સાબિત કરવા એ ideology ની વિરુદ્ધમાં જઈ ને કોઈ કૃત્ય આચરવાનુ વિચારી શકે !! અને એ પણ મોહનદાસ કરમચંદ ગાંધી !!! … this is something that needs thinking and at the same time to think if Mohandas was really this great in himself !??

  • Shailesh Pujara says:

   અહિંસા નો અર્થ હિંસા નો ત્યાગ નથી.

  • Dipti says:

   અરે ભાઈ, અહી ગાંધીજી ખરે જ ગળું કાપવા કે હિંસાની વાત ના કરતા હોય. જે અસ્ત્રો દાઢી માટે સુભાષજીને બુઠો લાગ્યો તેની ધાર હજુ દસ ગાળા કાપે તેટલી તેજ છે તો દાઢી તો હજુ ગાંધીજી એનાથી કેટલીયે વાર કરી શકશે એમ એનો અર્થ થઇ શકે.અતિશયોક્તિ રૂપે અસ્ત્રાની તેજ ધારનું વર્ણન.

  • Viren Shah says:

   ગાંધીજીને ગાળો આપવાની આપણા લોકોમાં ફેશન પડી ગઈ છે. લોકો શક્ય એટલી પ્રસિદ્ધિ આ રીતે લઇ લેવા માંગે છે.
   અરે, ગાંધીજીના પોતાના પોઉત્રો-પૌતરો પણ આમાં સામલે થયા છે ને.

 2. arrest કરવા આવેલ અધિકારીઓ ની હાજરીમા દાતણ કરવુ ભજન ગાવુ
  બાપુ આવી પરિસ્થિતી માં પણ કેવા હળવા રહી શકતા!!!

 3. Hardik says:

  ક્રુણાલભાઈ લાગે છે કે તમે બાપુની એ મજાકને ગંભીરતાથી લઈ લીધી છે. તમને ખ્યાલ હોય તો બાપુ કરકસરમાં માનતા હતા અને એટલે જ એ વગર જોઈતા ખર્ચની સંપૂર્ણ વિરોધમા હતા અને બાપુ તેમના મજાકિયા સ્વભાવ માટે પણ જાણીતા હતા એટલે આવી લાગણી થઈ આવવી તદ્દન સ્વભાવિક છે!!

  અને હા, બાપુનો એ કમેન્ટ પાછળનો ભાવાર્થ એ પણ હોઈ શકે કે બાપુ પોતે પણ ઘરડા થઈ ગયા હોય પણ એમની અહિસંક લડાઈ એ અંગ્રેજોન દસ સુભાષચંદ્ર બોઝની હિસક લડાઈ જેટલી ભારે પડી શકે છે!

 4. Dipti says:

  ગાંધીજીની આત્મકથા વાંચી છે અને જુદી જુદી જગ્યાએ છપાતા લખાણ પણ ખરા .છતાં દર વખતે એમના વિષે વાંચીએ અને થાય કે આ તો નવી જ વાત જાણી.અને હજુ તો આવા અજાણ્યા અને નાના નાના પ્રસંગો કોની કોની પાસે સંગ્રહાયેલા હશે જે માણવાના બાકી હશે. ખરા કર્મશીલ . તેમજ કોઈ પણ વસ્તુનો વપરાશ ગરીબમાં ગરીબ પ્રજાજનના સંદર્ભે કરવાની ટેવ સામે અત્યારના રાજકારણીઓને ખર્ચ પર કાપ મુકવા નિયમ બહાર પડે અને થોડા દિવસમાં રદ પણ થાય ,એવા નિયમ સામે બળાપાય નીકળે . બધી ઓફિસોમાં ફક્ત ગાંધીજીનો ફોટો નહિ મોટા અક્ષરમાં તેમના સાદગીના તોરતરીકા મુકવા જોઈએ .

 5. જય પટેલ says:

  ગાંધીજીની કરકસરે દેશવાસીઓમાં પ્રેરણાનું સિંચન કર્યુ….અનેકે સાદગીના પાઠ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા.

  આજના ૧ અબજ અને ૧૦ કરોડના દેશમાં સાદગી બેધારી તલવાર પુરવાર શકે છે.
  આજનો યજ્ઞપ્રશ્ન વધુમાં વધુ રોજગારી ઉભી કરવાનો છે. જો પ્રજા સાદગી અપનાવે તો કેટલીય નોકરી
  ખતરામાં આવી શકે.

  ગઈ કાલ સુધીનું સુત્ર હતું…ગરીબી હટાવો…આજના ભારતવર્ષનું સુત્ર છે અમીરી લાવો…!!
  અમીરી લાવવા અને મલ્ટિ-નેશનલ્સના લાભાર્થે સરકાર દિવસ-રાત વધુને વધુ નોટો છાપી રહી છે અને તેનું
  સીધું પરિણામ આપણે જોઈએ છીએ આજનો અનિયંત્રીત રાક્ષસી ફુગાવો.

  સાદગી વ્યક્તિગત આચરણમાં આવકાર્ય છે પણ રાષ્ટ્રીય નીતિના ભોગે નહિ.

  આભાર.

 6. Ashish Dave, Sunnyvale, Califronia says:

  ક્યાં એ બાપુનો જમાનો અને ક્યાં આજનુ IPL વાળુ India…

  Thanks for sharing…

  Ashish Dave

 7. અશોક જાની 'આનંદ' says:

  આઇન્સ્તાઇન ની વાત ચોક્કસ સાચી પડશે, કેટલાંક વરસો પછી કોઇ માની નહીં શકે કે આવો કોઇ માણસ સદેહે આ પ્રુથ્વી પર વસતો હતો. આટલી સરળતા, આટલી હળવાશ્, આટ્લું નિરાભિમાનીપણુ, નાની મોટી દરેક વાતની ચોકસાઇ, કોઇ એક જ વ્યક્તિમાં સમાવિષ્ટ હોઇ શકે એવું કોણ માનશે..????

  હાલના રાજકારણ અને રાજકારણીમાં આ બધું સતત અને સદંતર ખુટતું રહ્યું છે…

  ‘પાણી ગરમ કરવાનો બોજો આ રંક દેશ પર હું કેમ લાદું ? જેવો વિચાર હવે તો કોઇને સ્વપ્નમાં પણ ન આવે.

 8. Chetanpatel says:

  i do not wants to coment anything, but I am very happy to konw that there are still citizons who read Papu. We have not alternative to belive in Gandhi’s thought in present & future.

 9. Hitesh/kajal says:

  I read “Gandhi Ganga ” Really great, It is very inspire to us because we are working with child and women in slum area of Jamnagar. We try to get great force by reading such a occasion of Gandhiji. I invite to share any one about our work and if any are interested to work as volunteer so contact us on 091 9428986026/9824008444.

  Hitesh / Kajal Chaitanya Charitable Trust. Jamnagar. Gujarat. India.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.