મન અને માનવ – સંકલિત

[1] મનનો જમણવાર – જ્યોતિબેન થાનકી

સવારે આપણે ઊઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂવા જઈએ ત્યાં સુધીમાં શરીરને માટે કેટકેટલું કરતાં હોઈએ છીએ ? ઘણાં લોકોને તો સવારે ઊઠતાંની સાથે જ ચા પીવા જોઈએ અને પછી ફરી ચા-નાસ્તો, બપોરે ભોજન, એમાં પણ જાતજાતની વાનગીઓ, પછી ફળફળાદિ, વળી બપોરે ચા અને હળવો નાસ્તો અને રાત્રે ફરી જમવાનું…. આમ શરીરને આપણે કંઈ ને કંઈ આપ્યા જ કરીએ છીએ. આ ઉપરાંત શરીરને સુંદર રાખવા માટે અનેક પ્રકારનાં સૌંદર્ય-પ્રસાધનો, સુંદર વસ્ત્રો, આભૂષણોનો ઉપયોગ કરીએ છીએ. આમ શરીરના સૌષ્ઠવ માટે, એના સૌંદર્ય માટે, એના આરોગ્ય માટે સતત કાળજી રાખવામાં આવે છે. પરંતુ મનને પુષ્ટ કરવા, તેને સુંદર રાખવા, તેને તાજું રાખવા આપણે શું કરીએ છીએ ? આ વિષે વિચાર કરીએ તો મનને તો આપણે કોઈપણ પૌષ્ટિક ખોરાક તો આપતાં જ નથી ! એ તો બિચારું ભૂખ્યું જ રહે છે. સંસ્કૃતમાં એક સુભાષિતમાં કહ્યું છે કે ‘બહુ ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો ?’ શરીરની ભૂખની આ વાત મનની ભૂખને પણ એટલી જ લાગુ પડે છે. બહુ ભૂખ્યું, દુર્બળ, ક્ષીણ થયેલું એવું મન કયું પાપ નથી આચરતું ?

સવારે વર્તમાનપત્ર ખોલતાં જ ખૂન, હત્યા, આત્મહત્યા, લૂંટ, તોફાનના સમાચાર જોવા મળે છે. એક પણ દિવસ એવો ન હોય કે જેમાં આવા સમાચાર ન હોય. નેશનલ ક્રાઈમ રેડકોર્સ બ્યુરોના અહેવાલમાં 2005ના ગુનાઓના આંકડા આપવામાં આવ્યા હતા જેમાં ભારતમાં દર પંદર મિનિટે એક મહિલાની છેડતી, દર 29 મિનિટે એક મહિલા પર બળાત્કાર, દર નવ મિનિટે તોફાનનો ગુનો, દર 120 મિનિટે લૂંટની ફરિયાદ, દર 53 મિનિટે સતામણીનો કેસ થાય છે. આ તો નોંધાયેલા ગુનાઓની વાત થઈ. ન નોંધાયા હોય એવા ગુનાઓનું પ્રમાણ તો આથી પણ વધારે હોઈ શકે. એ ઉપરાંત આત્મહત્યાના બનાવો પણ વધતા જ જાય છે. શા માટે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે ?

આ બધું વધવાનું કારણ મનની અસંતુલિતતા છે. અત્યારના યુગમાં મનુષ્યના મનમાં શાંતિ નથી, સ્થિરતા નથી, સહિષ્ણુતા નથી, ઉદારતા નથી. બીજાંઓને સમજવાની દષ્ટિ નથી કેમકે મન ભૂખ્યું છે એટલે તે બેબાકળું બની ગયું છે. જરા સરખું દબાણ આવે એટલે કાં તો તે ભાંગી પડે છે અથવા તો તે ઉશ્કેરાટમાં આવીને વગર વિચાર્યે ગમે તેવાં કાર્યો કરી નાંખે છે અને પછી એનાં દુષ્પરિણામો મનુષ્ય જીવનભર ભોગવતો રહે છે. વળી ભૂખ્યું મન સંતુષ્ટિની શોધમાં અહીં-તહીં ભટકવા લાગે છે અને વ્યસનોનો આશરો પણ લેતું થઈ જાય છે. માદક પીણાંઓ મનને ઉત્તેજિત કરીને થોડો સમય ભારે શક્તિનો અનુભવ કરાવી ભ્રમણાઓની દુનિયામાં લઈ જાય છે. પણ પછી નશો ઊતરી જતાં મન થાકેલું, ભાંગેલું સત્વહીન બની જાય છે અને વધારે નશો કરી જીવનને બરબાદીના પંથે લઈ જાય છે.

આજના યુગમાં વિજ્ઞાન અને ટૅકનોલોજી દ્વારા મનુષ્યે સમગ્ર વિશ્વને નાનું બનાવી દીધું છે. આપણે ઘરમાં બેસીને પૃથ્વીના બીજા છેડે વસતા મનુષ્ય સાથે વાત કરી શકીએ છીએ અને તેને આપણી સામે જ બેઠેલો જોઈ શકીએ છીએ. કેવી અદ્દ્ભુત સિદ્ધિઓ વિજ્ઞાને આપણને આપી છે ! કૉમ્પ્યુટરો, રૉબોટ, અવકાશમાં તરતા ઉપગ્રહો, માહિતી સંચારક્ષેત્રની અપૂર્વ વ્યવસ્થા, જેવી કે સેલફોન, ઈ-મેઈલ, ઈન્ટરનેટ વગેરે…. આ સિદ્ધિઓ દ્વારા જાણે સ્થળ અને સમયનાં અંતર ઓછાં થઈ ગયાં છે પણ મનુષ્યનાં હૃદય હૃદય વચ્ચેના અંતર ઓછાં થયાં નથી. ભૌતિક સુખ સંપત્તિ મેળવવાની લાલસા વધી છે. આથી કામનો બોજો, તનાવ, આર્થિક ભીંસ, પરિવારોમાં કલેશ, ભવિષ્યની ચિંતાઓ, ઘરમાં-ઑફિસમાં સર્જાતી સમસ્યાઓ અને સમસ્યાઓના ઉકેલ માટેના બહારથી કરવામાં આવતા નિરર્થક પ્રયત્નો – આ બધું પણ અત્યારના યુગમાં વધતું જાય છે. ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના સુખી અને સમૃદ્ધ ગણાતા દેશોમાં પણ માનસિક તનાવ અને હતાશા વધતાં જતાં જોવા મળે છે. વિશ્વમાં દરરોજ દોઢ હજાર લોકો આત્મહત્યા કરે છે. ફ્રાન્સ જેવા સુખી ગણાતા દેશમાં પણ વરસે એક લાખ પાંત્રીસ હજાર લોકો આત્મહત્યા કરે છે.

વીસમી સદીના પ્રારંભમાં વિજ્ઞાનનો આટલો વિકાસ થયેલો નહોતો. મહિનાઓ વીતી જાય તો ય દેશાવર ગયેલાંઓના સમાચાર પણ નહોતા મળતા. ભૌતિક સુખ સગવડનાં સાધનો નહિવત જ હતાં. છતાં પરિવારોમાં સુખ-શાંતિ હતી, પરસ્પર પ્રેમ હતો. એકબીજાનાં સુખ-દુ:ખમાં સહુ સહભાગી હતાં. દુ:ખમાં પણ સ્થિરતા અને શાંતિ જાળવી શકતાં હતાં. હૃદયમાં ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. કેમ કે તેમનાં મન મજબૂત હતાં. મનને સારો ખોરાક મળ્યા કરતો હતો. ત્યારે ગામના ચોરે કે મંદિરે મહંત કથા-કીર્તન કરતા અને બધાં સાંભળવા જતાં. ઘરોમાં નિત્ય પૂજા-પાઠ થતાં અને તેનો પ્રભાવ બાળકો ઉપર પણ પડતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન આપોઆપ થતું રહેતું. કાકાસાહેબ કાલેલકર એમની સ્મરણયાત્રામાં લખે છે કે, ‘માતા, પિતા, દાદી, ફોઈબા, ભાઈઓ-ભાભીઓ વગેરે જેમ ઘરનાં કુટુંબીઓ હતાં તેમજ બિલકુલ તેટલી જ સત્યતાથી ભગવાન પણ અમારા કુટુંબી હતા. મારાં બા માટે તો તેઓ એમનાં માતાપિતા અને સાસુ-સસરા જેટલા જ પ્રત્યક્ષ હતા. નાનપણમાં મેં ખરી પ્રાર્થના સાંભળી તે મારી માતાના મોંઢે…. ઘરમાં કોઈ માંદુ પડે કે એવી કોઈ મુશ્કેલી આવે ત્યારે પૂજાની ઓરડીમાં, દેવઘરમાં આવી વસ્તુસ્થિતિ સાથે બંધબેસતી અને હૃદયના ભાવો જેવા હોય તેવા વ્યકત કરતી. પ્રાર્થના મને અચૂક સાંભળવા મળતી, આ ગદ્ય પ્રાર્થનાની અસર મારા મન પર સચોટ થતી. હવે આપણે સુરક્ષિત છીએ એવો વિશ્વાસ મારા મનમાં ઉત્પન્ન થતો જે વિશ્વાસ આરતીઓ બરાડીને કોઈ કાળે પેદા થતો નહીં.’ આમ કાકાસાહેબનાં માતાએ એમના અંતરના ઊંડાણમાં નાનપણમાં ભગવાન પ્રત્યેના જે વિશ્વાસનું સિંચન કર્યું તે સમગ્ર જીવનમાં વણાઈ ગયું હતું એટલે ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ એ મન ટકી શકતું હતું. આજે મનને સુદઢ બનાવે એવાં ભોજનની તીવ્ર જરૂરિયાત છે. ટી.વી ચૅનલો, કૉમ્પ્યુટર, મોબાઈલ વગેરે દ્વારા મનોરંજનની સામગ્રી ભરપૂર મળી જાય છે પણ એથી મન મજબૂત બનતું નથી પણ દુર્બળ અને અસ્થિર બને છે. આથી જ મનને સુદઢ બનાવે તેવા જમણવારોની આજે સવિશેષ આવશ્યકતા રહેલી છે. (‘સુવિચાર’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] મૈત્રીસંબંધો કે ઋણાનુબંધ – કિશોર દવે

1962નું વર્ષ. ‘લક્ષ્મી ટ્રાવેલ્સ’ નામે એક ટુર કંપનીએ ભારતયાત્રાનું આયોજન કર્યું હતું. પ્રવાસ લગભગ એક મહિનો અને ભારતનાં જાણીતાં યાત્રાસ્થળોનો તેમાં સમાવેશ છે. ખાસ ટુરિસ્ટ ડબામાં સ્વતંત્ર પ્રવાસ, લિમિટેડ યાત્રીઓ, વિવિધ સ્થળોની મુલાકાત, દરરોજ કંપનીના રસોઈયા દ્વારા બનાવેલું બે ટાઈમ ભોજન, ચા-નાસ્તો ઈત્યાદિ. ખર્ચ વ્યક્તિ દીઠ રૂ. 500માં ઉપર જણાવેલ સર્વસુવિધા. અમે બે પતિ-પત્ની, ભાઈ-ભાભી, બા-કાકી તથા મારા મિત્રનાં બા મળીને સાત વ્યક્તિઓનું બુકિંગ કરાવ્યું હતું.

નવેમ્બરની 19 તારીખે નીકળવાનું હતું. તે દરમિયાન ભારત-ચીન યુદ્ધ શરૂ થયું. કેટલાકે અમોને ન જવાની સલાહ આપી, પરંતુ અમે તો ઈશ્વર પર ભરોસો રાખી જવાનું નિશ્ચિત જ કર્યું. નક્કી કરેલ દિવસે વીટી સ્ટેશનેથી લગભગ રાત્રે 11 વાગે ઉપડતી ગાડીમાં અમારો પ્રવાસ શરૂ થયો. અમારા ટુરિસ્ટ ડબામાં બે ખાનાં મળી 32 વ્યક્તિઓનો સમાવેશ. એક સ્વતંત્ર કૅબિનમાં 6 વ્યક્તિઓ તથા ટુરના ઑપરેટર શાંતિભાઈ તથા તેનો સ્ટાફ. વચ્ચે એક નાના ખાનામાં રસોડું. સવારે નાશિક પહોંચ્યાં. શાંતિથી એકબીજાનો પરિચય પણ થયો. તેમાં એક આફ્રિકાથી આવેલા થોડા સમય પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલ પટેલ જ્ઞાતિનું યુગલ હતું. નામ મધુબેન અને લલિતભાઈ. તેમની સાથે પરિચય થયો. તેઓ તો આ ટ્રાવેલ કંપનીનું નામ જોઈ ભારતયાત્રામાં જોડાઈ ગયાં. બીજી કોઈ વિગતોનો તેમને ખ્યાલ પણ નહીં, એમાં આ યાત્રાપ્રવાસને કારણે બધા યાત્રીઓ લગભગ વરિષ્ઠ નાગરિકો જ હતા. તેમાં એ બન્ને માત્ર યુવાન. અમે પતિ-પત્ની મારી વય 41 ને મારાં પત્ની 34ની વયનાં. બીજાની ગણતરીએ થોડા યુવાન ગણી શકાય એટલે તેમને અમારી કંપની મળવાથી ખૂબ જ આનંદ થયો અને દરેક જગ્યાએ લગભગ અમે સાથે જ રહેતાં. એ દરમિયાન મને યાદ છે કે બે-ત્રણ દિવસમાં જ ભારત-ચીન યુદ્ધવિરામ પણ થયો હતો. એટલે હવેનો પ્રવાસ ચિંતામુક્ત હતો.

આ યાત્રામાં અમે નાશિક, ત્ર્યંબકેશ્વર, ઓમકારેશ્વર, હૃષીકેશ, ભાખરાનાંગલ, લખનઊ, ઉજ્જૈન, મથુરા, આગ્રા, ગોકુળ, વૃંદાવન, દિલ્હી, હરિદ્વાર, વારાણસી, ગયા, કલકત્તા, જગ્નાથપુરી, મદ્રાસ, પક્ષીતીર્થ, ત્રીચીનાપલ્લી, મદુરાઈ, રામેશ્વર, ધનુષકોડી, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, માયાસોર, બેંગ્લોર તથા તિરુપતી એટલાં સ્થળોનો સમાવેશ હતો. લગભગ 31 દિવસ સુધી વિવિધ સ્થળોની મુલાકાત-દર્શન વગેરે સમયપત્રક પ્રમાણે ચાલુ જ રહ્યાં. પ્રવાસખર્ચ રૂ. 500 મેં ઉપર જણાવ્યું તેમ આજની તારીખમાં મને પણ કલ્પના નથી આવતી કે આટલી રકમમાં આટલો પ્રવાસ કેવી રીતે યોજાઈ શકે ? પરંતુ તે હકીકત હતી. બીજા કોઈ વધુ ખર્ચ સિવાય આટલા દિવસો આપણી ગુજરાતી રસોઈ, મિષ્ટાન્ન, ફરસાણ તથા રોજ સવારે ગરમ નાસ્તો ઈત્યાદિ. એ દરમિયાન અમારી મધુબેન અને લલિતભાઈની સાથે સંબંધ વધતો ચાલ્યો અને એક કુટુંબીજનની જેમ અમે આટલા દિવસો સાથે રહ્યાં.

મુંબઈ આવી એકાદ અઠવાડિયામાં તો તેમને આફ્રિકા પાછા ફરવાનું હતું. અમારે ઘેર પણ મહેમાનગતિ માણી. અમારાં બાળકો સાથે આનંદ કર્યો અને એક દિવસ સ્ટીમર દ્વારા તેઓ આફ્રિકા જવા રવાના થયાં ત્યારે હવાઈ મુસાફરીનું આટલું મહત્વ નહોતું. મને તે દિવસે બરોબર યાદ છે. તેમને ગોદીમાં સ્ટીમર પર મૂકવા ગયો ત્યારે ‘ફરી ક્યારેય આપણે મળી શકીશું ?’ એ પ્રશ્ન દિલમાં ઘોળાતો હતો.

હવે ? પછી તમને લાગશે કે એ મુસાફરીની મૈત્રી માત્ર થોડા દિવસની-ચાર દિન કી ચાંદની જેવી રહેશે. થોડા વખત પછી પોતાના વ્યક્તિગત કામકાજમાં બધું ભુલાઈ જશે, પરંતુ નહિ ! અમારો સંબંધ ચાલુ જ રહ્યો. સમયાંતરે તેમના પત્રો આવતા અને બીજા વરિષ્ઠ યાત્રીઓ બાદ કરતાં તેમને અમારી જોડે કેવો પાકો નાતો બંધાયો ! પત્રમાં પ્રવાસનાં સંસ્મરણો વગેરે યાદ કરતાં. સમય જતાં આફ્રિકાનું રાજકીય વાતાવરણ ડહોળાતાં તેઓ બ્રિટિશ પાસપોર્ટને લીધે લંડન જવા રવાના થયાં અને ત્યાં મિની ભારત ગણાતા લેસ્ટરમાં સ્થાયી થયાં. વર્ષો દરમિયાન તેમના પત્રો તો આવતા રહેતા. અમારા પુત્ર-પુત્રીઓનાં લગ્ન અને ત્યાર બાદ વર્ષો પછી પૌત્રો અને પૌત્રીઓનાં લગ્ન વખતે તેમની શુભેચ્છાઓ તથા આશીર્વાદ તથા ભેટો મળતી. તેઓને પણ લગ્ન પછી લાંબા સમય બાદ પુત્રી થઈ અને અમે પણ તેના લગ્નપ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. એમ 1962થી ચાલુ થયેલ સીલસીલો આજે 2010 સુધી ચાલતો રહ્યો.

તેમની એક વિશિષ્ટતા હતી કે પ્રત્યેક દિવાળી તથા નૂતનવર્ષનું તેમનું શુભેચ્છા કાર્ડ દિવાળીના બે દિવસ અગાઉ જ અમને નિશ્ચિત રીતે મળતું. વચ્ચેનાં વર્ષોમાં તેઓનું ભારત આવવાનું ઓછું બનતું, પરંતુ 1982 પછીનાં વર્ષોમાં અવારનવાર ત્યાંથી યોજાયેલ ટુરમાં બીજા ભારતીયો સાથે ટુરમાં જોડાઈ ભારત આવે ત્યારે અમારી મુલાકાત તો હોય જ. તેમના બનેવી નાટ્યકર્મી શૈલેશ દવેને ત્યાં તેમનું રોકાણ રહેતું તે દરમિયાન અમે મળતાં. વર્ષો જતાં અમારી યાત્રામાં જોડાયેલ અમારા વડીલો જેમણે હવે આ સંસારમાંથી વિદાય લીધી હતી ત્યારે પણ તેમના સહાનુભૂતિના પત્રો અચૂક આવતા. છેલ્લે ડિસેમ્બર-2009માં મારા પુસ્તક ‘જ્ઞાનગંગોત્રી’ કે જે માજી શેરીફ સાહિત્યકાર ડૉ. મોહનભાઈ પટેલે વિમોચન કર્યું તે પ્રોગ્રામમાં પણ તેઓ અહીં હતાં અને પ્રોગ્રામમાં આવી આનંદ માણ્યો અને તેમના જ જ્ઞાતિબંધુ મોહનભાઈ પટેલ સાથે પણ વાર્તાલાપ કર્યો.

તમને જરૂર લાગશે કે આ બધી રામાયણ શા માટે ? પરંતુ મારે તો એટલું જ જણાવવાનું કે મૈત્રીસંબંધો કેવા હોઈ શકે ? એ મૈત્રીસંબંધોનું સર્જન કેમ થયું ? સમય વીતવાની સાથે ઉંમર થતાં વૃક્ષો જેવા સંબંધો ઉગ્યા પછી કરમાઈ જાય છે-સૂકાઈ જાય છે. કેટલાક સંબંધોમાં તો એકબીજાના સ્વભાવથી આંબા જેવા મીઠા નીવડવાને બદલે કડવાં કારેલાં જેવા નીવડે છે. આમ સ્વાર્થને લઈને સંબંધ બંધાય તે સંબંધ લાંબા ટકતા નથી. સંબંધો બંધાય છે, પાંગરે છે, પરંતુ સમય જતાં જેમ દુ:ખ ભુલાઈ જાય છે તેમ સમય જતાં સંબંધો પણ સમયની રેતીના રણમાં ઢંકાઈ જતા હોય છે. માત્ર કોઈક જ એવા સંબંધો કે જે માત્ર હૃદયના હોય છે. જેમાં એકબીજા પ્રત્યે હૃદયના કોઈ નાનકડા ખૂણામાં તેનું સ્થાન નક્કી હોય છે. અમારા મૈત્રીસંબંધો કે જ્યારે આજે હું 89 વર્ષની વય તથા મારાં પત્નીની વય 82 વર્ષની થઈ અને મધુબહેન તથા લલિતભાઈ પણ આજે નાના-નાની થઈ નિવૃત્ત જીવન ગાળે છે તે આટલાં વર્ષો સુધી ટકી રહ્યા તેને મૈત્રીસંબંધો કહેવા કે ઋણાનુંબંધ કહેવા ?

પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કે આ ઋણાનુબંધ અમારા જીવનની અંતિમ ઘડી સુધી અવિચલ અને જીવંત રહે… અસ્તુ…. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધી-ગંગા – સં.મહેન્દ્ર મેઘાણી
સંકલ્પ – વસુબહેન ભટ્ટ Next »   

9 પ્રતિભાવો : મન અને માનવ – સંકલિત

 1. ખુબ સુંદર વાતો.

  ૧/ શરીરની તંદુરસ્તી માટે યોગ્ય ખોરાક જરુરી છે તેમ મનની તંદુરસ્તી માટે સારું વાંચન જરુરિ છે.

  ૨/ સાવ સાચી વાત. મોટાભાગના સંબંધો જરુરિયાત માટે હોય છે ને તેથી જ એ ઝાઝા ટકતા નથી કે પછી ઉપ્પર છલ્લા હોય છે, પણ કોઇ પણ પ્રકારની અપેક્ષા વગરના સંબંધો ઋણાનુબંધન જ ગણાય.

 2. Moxesh Shah says:

  મનના જમણવાર ની અગત્યતાનુ ખૂબ જ સુન્દર અને સરળ વર્ણન.

  Very Impresive Thoughts.

 3. sunil shah (YOG SIR ) says:

  excellent

 4. sunil shah (YOG SIR ) says:

  execellent

 5. Jagruti Vaghela USA says:

  બન્ને લેખ ખૂબ જ સરસ.

 6. જગત દવે says:

  ૧. મન નો જમણવારઃ
  આધુનિક જીવનશૈલીનાં પ્રશ્નોનાં ઊકેલ ભુતકાળ વાગોળવા માત્રથી નહિ મળે. તેનાં માટે નવા ઊકેલ નવી દ્રષ્ટિથી શોધવા પડશે. હા…..પ્રેરણા જરુર લઈ શકાય પણ ભુતકાળ ને જેમનો તેમ પાછો ન જ લાવી શકાય. દરેક યુગમાં માનવી ને ભુતકાળ સારો, ભવિષ્ય અંધકારમય અને વર્તમાન તનાવયુક્ત જ લાગ્યો છે.

  લેખિકાનાં વિચાર મુજબ જો ભુતકાળને પાછો લાવવાની કોશિશ કરવા જઈએ તો કદાચ આદિમાનવો સુધી જવું પડશે અને ત્યાં પહોંચીને પણ માનવી તો એમ જ કહેશે કે હજું પણ અમારા પરદાદાનો નો સમય વધારે સારો હતો (પૈડાની શોધ જ ન્હોતી થઈ એટલે હે…..ઈ…..ને શાંતિ હતી જીવનમાં) .

 7. જગત દવે says:

  ૨. મૈત્રીસંબંધો કે ઋણાનુબંધ – કિશોર દવે

  ૧૯૬૨નાં સબંધો નો દોર ૨૦૧૦ સુધી લંબાયો તેનો શ્રેય તેનાં બંને છેડે રહેલાં લાગણી સભર પરિવારો ને જાય છે.

  ઉદાહરણીય અને અનુકરણીય મૈત્રી.

 8. rajnikant shah says:

  THOUHGT PROVOKING ARTICLES.
  NICE.

 9. Karen says:

  મનના જમણવાર ની અગત્યતાનુ ખૂબ જ સુન્દર અને સરળ વર્ણન.

  Very Impresive Thoughts.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.