સંકલ્પ – વસુબહેન ભટ્ટ

[ આદરણીય શ્રી રઘુવીર ચૌધરી અને અનિલાબેન દલાલ દ્વારા સંપાદિત ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ પુસ્તકમાંથી સાભાર. 1963માં લખાયેલા મૂળ પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’માંથી આ કૃતિ ઉપરોક્ત સંપાદનમાં સ્થાન પામી છે.]

અત્યાર સુધીનું આટલું સાચવ્યું એળે જાય એ ભયે શશીબા બહાર હીંચકા પર આવીને બેઠાં. મૂંગા રહેવું એમને મુશ્કેલ લાગ્યું. એટલે દેખવુંય નહિ ને દાઝવુંય નહિ એમ સમજી દૂર જવામાં જ એમણે સાર જોયો. દેખાતું તો બંધ થયું પરંતુ બહારના હીંચકા પરથી અંદરના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. અંદર નજર નહોતી કરવી છતાંય શશીબાથી પાછળ ફરીને જોવાઈ ગયું. અને એમનાથી ઊંડો નિ:શ્વાસ નંખાઈ ગયો.

‘મારું બોલવું કોને પસંદ છે તે આપણે વચ્ચે પડવું….’ મન સાથે નિશ્ચય કરી એ જીભ પર કાબૂ રાખતાં હતાં. પરંતુ બાંધેલા બંધનું પાણી જેમ બીજી બાજુ વેગબંધ પાછું ફરે તેમ રોકેલા વિચારો પૂરવેગમાં મગજમાં અથડાતા હતા. અંદરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. કંઈક ખેંચાખેંચી થતી હોય એમ લાગ્યું.
‘રહેવા દો, રહેવા દો, બા જુએ તો કેવું ખરાબ લાગે ?’
‘શું લાગે ?’ સુધીરે એના હાથમાંથી બંડલ ખેંચતા પૂછ્યું.
‘બાને એમ થાય કે મારા કોડીલા કુંવરને વહુ પગનાં પગરખાં સમરાવવા મોકલે છે.’
‘અરે, બાને તો ઊલટું એમ થશે કે મારી નંદુવહુ બહુ સમજુ અને શાણી છે કે ચંપલ સહેજ ફાટતાં કાઢી નથી નાખતી.’
‘અરે વાહ !’ એણે હસીને લહેકો કર્યો.
‘બાને તો થશે કે વહુ કેટલી હોશિયાર કે પહેલાં છોકરો કશું કામ કરતો ન હતો તે બધું કરતો કરી દીધો.’ નંદિનીના હાથમાંથી જૂના ચંપલનું બંડલ પાછું ખેંચતા સુધીરે એવો તો ચાળો કર્યો કે બન્ને ખડખડાટ હસી પડ્યાં. શશીબાનો ઉકળાટ વધી ગયો. ભ્રૃકુટિઓ ખેંચાઈ, અને તપેલા મગજને આરામ આપવા સળિયાને માથું ટેકવી એ બબડ્યાં, ‘મારો છોકરો મટી ગયો ત્યારે ને ! કેવો વહુ નચાવે છે તેમ નાચે છે ! પહેલાં સહેજ કામ કરતાં કેવી ચૂંક આવતી હતી, અને હવે કેવો હોંસે હોંસે દોડે છે ! વહુનાં ખાસડાં ઊંચકીને જશે પછી શું ? અને અંદરથી જાણે કોઈએ દલીલ કરતાં કહ્યું : ‘ખાસડાં માથે મૂકીને જાય તોય તમારે શું ?’ – ‘હા ! હા ! મારે શું ? મારે શું ? એટલે તો જીભે દોરો દઈને બહાર આવીને બેઠી છું. જોઈએ તો કંઈ બોલી જવાય ને ?’

એ બાજુ જોવું જ નહિ એવા નિશ્ચય સાથે શશીબા હીંચકાની બીજી તરફ ફરીને બેઠાં. ત્યાં તો હાથમાં નંદિનીનાં પગનાં ચંપલ લઈ સુધીર ફલંગો ભરતો ચાલ્યો. રસ્તો ઓળંગતી વખતે બે મોટરો આવી ને એ પાછો ફર્યો. વળી પાછો દોડીને ઓળંગવા જતો હતો, ત્યાં શશીબાનો અધીરિયો સ્વભાવ ચોંકીને બૂમ પાડી ઊઠ્યો, ‘જોજે, જોજે, સામી મોટર આવે છે. સાચવીને……’ જે હાથમાં ચંપલ હતાં તે જ હાથ ઊંચો કરી સુધીરે હસીને કહ્યું : ‘આ રસ્તો તો હજાર વાર ઓળંગી નાંખ્યો.’ રવેશને ટેકો દેતાં એ બબડ્યાં.
‘હા ભાઈ હા….. હજાર વાર ઓળંગ્યો હશે, પણ આજના જેવા તાનમાં તો આજે જ….’
મધુસિંહ ચાવડાની દુકાન તરફ એમની દષ્ટિ સ્થિર થઈ ગઈ. પૅકેટ ખોલી ચંપલ બતાવી સુધીર સૂચનાઓ આપતો હતો. ચંપલ હાથમાં લેતાં મધુસિંહ હસ્યો અને શશીબા હતાશ થઈ હીંચકા પર બેસી ગયાં. મધુસિંહ જેવો મોચી પણ શરમાઈ મર્યો ને હસવા લાગ્યો. મજાક તો કરે જ ને ! આખું ગામ કરે. શું કરવા ન કરે ? ‘ઘેલો ઘેલો થઈને વહુનાં જૂતિયાં ઉપાડીને ગયો પછી શું !’

ત્યાં જ એમના ખિન્ન થયેલા મને ટીકા કરી.
‘ક્યારેય એમ પૂછ્યું છે કે બા, તારાં ચંપલ સંધાવવાના છે ? અરે, વહુના લઈને ગયો ત્યારેય પૂછ્યું ખરું ! ઊલટું તે દિવસે રસ્તે જતાં મેં કહ્યું, આ ચંપલને ખીલી મરાવી દઉં, ત્યારે કહે, બાલુ જોડે મધુસિંહની દુકાને મોકલજો, રસ્તામાં ક્યાં કરાવે ! નંદુનાં ચંપલ બાલુ જોડે મોકલાવતાં શું થયું ?’ શશીબાના મોં પર લોહી ધસી આવ્યું. અસંતોષે એમને ભીંસમાં લીધાં, અને ઘવાયેલું મન નંદિનીનો દોષ શોધવા લાગ્યું. સુધીરે તો એની સારાશ બતાવી લઈ જવાનું કહ્યું, પણ વહુએ તો રોકવો જોઈએને ! બાને ખરાબ લાગશે કરીને રોકે તેથી શું ! પોતાને ખરાબ લાગવું જોઈએ કે આ કામ ધણી પાસે ના કરાવાય. પણ એને તો હંમેશાં એનો લાભ લેવાની જ ટેવ પડી છે. રોજ સાંજનાં ફરીને પાછાં આવે છે તે શું હું નથી જોતી ! દરરોજ સાંજના જતી વખતે સુધીર શાલ માટે યાદ દેવડાવે છે, અને રોજ કાં તો એ ભૂલી જાય, કાં તો કહેશે મને ટાઢ નથી વાતી. છોકરો બિચારો યાદ કરીને શાલ લે અને આ ત્યારે છૂટે હાથે ફરવા જાય. ટાઢ નથી વાતી તો પાછા ફરતી વખતે સુધીરની શાલ શું કરવા ઓઢે છે ? યાદ કરીને જેણે શાલ ઊંચકી હોય એને ટાઢમાં ઠૂંઠવાવાનું અને આ ત્યારે રોજ એની શાલ ઓઢીને ધીમે ધીમે ટહેલતી પાછી આવે છે એ શું મારાથી અજાણ્યું છે !

તે દિવસે સુધીરને શરદી થઈ ત્યારે મારાથી ના રહેવાયું…..
‘નંદુ, તને શાલ લઈને ફરવા જતાં શું થાય છે ? એટલામાં કેટલું જોર પડે છે ! રોજ ને રોજ સુધીરને એમને એમ ઠંડીમાં આવવું પડે છે. એટલે એને શરદી લાગી ગઈ.’ ત્યારે વળી મને ઉપરથી કહે છે :
‘પણ બા, હું ના કહું છું તોય મને ઓઢાડે છે. મને જરાય ઠંડી નથી લાગતી તોય આગ્રહ કરીને ઓઢાડે પછી હું શું કરું ! ઠંડી લાગતી હોય તો હું શાલ ના લઈ લઉં ?’
સુધીરેય એને કેટલું છાવરે છે !
‘બા, મને શરદી ઠંડીને લીધે નહિ પણ અપચાને લીધે થઈ છે.’ જાણે હું સમજતી ના હોઉં તેમ ! એમના મને ડામીને દબાવીને કહ્યું : ‘સમજતી હોય તો સમજી લે. સુધીરને એનો વાંક નહિ વસે.’

જાણે કોઈએ એમને અચાનક આવીને ધક્કો માર્યો હોય એવો એમને આંચકો લાગ્યો. આંખો પહોળી થઈ ગઈ અને હાથ હવામાં આશરા માટે બાથોડિયાં ભરવા લાગ્યા. ત્યાં તો જોરથી બારણું ખોલી સુધીર અંદર ગયો. હરખાઈને ચંપલ નંદિનીની પાસે મૂકતાં કહ્યું :
‘જો, બરાબર થઈ ગયાં ને ! પેલો મૂર્ખ મધુસિંહ કંઈ સમજે નહિ અને ખીલીઓ ઠોકે. મેં કહ્યું, બેવકૂફ, ખીલીઓ પગમાં પેસી જાય છે. જરા દોરા લઈને સીવ. તો કહે, ના બાબાસાહેબ, આ ચંપલ ના સિવાય. ના કેમ સિવાય ? મેં ઊભા રહીને સિવડાવ્યાં અને જો કેવાં સરસ થયાં ને ?’
નંદિનીની નજદીક જઈ કહ્યું,
‘પેલા ખીલા તો આ પગને ટાંચી જ નાંખે ને !’
સુધીરના આ વાક્યે બહાર બેઠેલાં શશીબાનું હૃદય ટાંચી નાંખ્યું હતું એની એને ક્યાં ખબર હતી ! ‘પંડના પોતાના મટી જાય પછી શું ?’ એમણે ઊનો નિ:શ્વાસ નાખ્યો. સુધીરે પોતાના તરફથી ધ્યાન, લાગણી ખેંચી લઈ નંદિની તરફ વાળ્યાં હતાં એવું શશીબાને સતત લાગ્યા કરતું હતું. પોતાનો એકનો એક દીકરો પોતાનો મટી નવી આવેલી વહુનો બની ગયો એ લાગણી એમના જીવનમાં સદાય અસંતોષ અને અજંપો ઉપજાવતી હતી. પોતાની કીમતી વસ્તુ હરાઈ ગયાનો કચવાટ એમના જીવનની શાંતિ અને સુખ હણી લેતો હતો. એમની આ માંદગી એમને પોતાને પણ સમજાય એથી વધારે ઊંડી અને આગળ વધતી હતી. આળું થયેલું મન નાના સરખા બનાવથી કોચવાતું, અને પોતાની રીતે જ આખાય બનાવને જોઈ વધારે દુભાતું. છતાંય નવી આવેલી વહુને કંઈ જ ન કહેવું એવો દઢ સંકલ્પ કર્યો હોય તેમ મૌન સેવતાં. મૌનના પહાડ નીચે કેવો ગરમ લાવારસ હતો એની એમના સિવાય કોને ખબર હતી ! આથી તો એમને અકળાવતા આવા કંઈક પ્રસંગો ઊભા થતા અને એ મૌન સેવતાં.

શશીબાને આવી રીતે શાંત બેઠેલાં નંદિની જોતી ત્યારે એને અચૂક ફાળ પડતી.
‘બાને કંઈ ઓછું આવ્યું હશે ? એમને માઠું લાગ્યું હશે ?’
એટલે તો એ હજાર કામ પડતાં મૂકી બાની પાસે જઈ લાડથી ખભે હાથ મૂકી પૂછતી : ‘તમને કંઈ થાય છે, બા ?’
મીઠા અને લાગણીપૂર્વકના આ અવાજમાં શશીબા ઝિલાઈ જતાં. ખભા પરનો હાથ પોતાની હથેળીમાં દાબી કહેતાં : ‘ના, ના, મને કંઈ જ થતું નથી. તું ચિંતા ના કરીશ. આ તો અમસ્તું જરા….’
છતાંય અંદર જઈ નંદિની સુધીરને કહેતી : ‘જાઓને, જરા બા પાસે જઈને બેસોને…. બિચારાં કેવાં સૂનમૂન થઈને એકલાં બેઠાં છે. જરા વાત કરી એમનું મન બીજી બાજુ વાળો.’
નંદિની તરફ કૃત્રિમ છણકો કરી સુધીર ઊઠતો.
‘તને ના હોય ત્યાંથી….. જરા મૂંગાં બેઠાં એમાં શું થઈ ગયું ?’ છતાંય નંદિનીના હુકમનું પાલન કરી એ ઊઠતો. શશીબા પાસે જઈ ધબ દઈને બેસતો અને મોટા અવાજે પૂછતો,
‘બોલો, તમને શું થાય છે ?’
‘કશુંય નહિ.’
‘ત્યારે પેલી નંદુ ક્યારનો મારો જીવ ખાઈ જાય છે.’
‘એને લાગણી થાય છે ત્યારેને !’
‘એટલે જે પૂછપૂછ કરે એને લાગણી થાય અને મને નહિ !’
સુધીરની દલીલ સાંભળી વળી પાછું શશીબાનું હૈયું હરખાઈ ઊઠતું. પોતાના તરફ લાગણી છે પણ બતાવવાની રીત જુદી છે, એ જોઈ એમની માંદગી ચાલી જતી. પુન:ખાતરી થતાં એ પૂર્વવત નાના સુધીરની સાથે જે રીતે વર્તતાં તે રીતે હેતપૂર્વક વર્તતાં.

એ ઊઠીને અંદર ગયાં. રસોઈ અંગે નંદિનીને પૂછપરછ કરી. વહુએ સરસ રીતે થાળી પીરસી હતી. તે જોઈ પ્રસન્ન ચહેરે એમણે ખૂટતી વાનગી બતાવી પૂછયું : ‘પાપડ નથી શેક્યો ? નાનપણથી સુધીરને પાપડ વગર એક દિવસ ના ચાલે. એટલે તો હું ખૂટે તે પહેલાં કરી જ રાખું. તાજા પાપડનો ભારે શોખીન. ભારે સ્વાદિયો.’
‘પાપડ કાઢી રાખ્યો છે. જમવા બેસશે એટલે શેકી આપીશ. કદાચ હવાઈ જાય તો !’ વહુએ જે રીતે દરકાર રાખવી જોઈએ તે રીતે રાખી હતી તે જોઈ એમણે સંતોષ વ્યક્ત કર્યો.
‘તારે બીજું કંઈ કામ હોય તો કર. રોટલી તો હું બેઠી બેઠી વણી કાઢીશ.’
જમતાં જમતાં નંદિની સાથે સુધીરને વાતો કરવી હતી, એટલે એણે શશીબાને કહ્યું : ‘તમ તમારે આરામ કરોને, નંદુ કરશે.’
‘હું શું બેઠી બેઠી વધવાની છું ?’ શશીબા રોટલી કરવા રસોડા તરફ વળ્યાં ત્યારે નંદિની સુધીર સામું જોઈ મસ્તીભર્યું હસી. સુધીરે મૂંગા મૂંગા જમવા માંડ્યું એટલે વળી પાછું શશીબાનું મન નારાજ થયું. આ નારાજીને પોતાની નબળાઈ ગણી એમણે પાતળી રોટલી ઘીમાં ઝબોળી લાડથી સુધીરને પીરસી.
‘હં….હં….. કેટલું ઘી !’
‘બીજું ખાઓ છો પણ શું ? અત્યારે ઘી ખાશો તો ભવિષ્યમાં જવાબ આપશે.’
એમનું સાંભળ્યા વગર એણે મૂંગા મૂંગા જમવા માંડ્યું. શશીબાના પ્રશ્નોનો એ ટૂંકો જવાબ આપતો. ત્યાં તો શશીબાએ રોટલી માટે આગ્રહ કરવા માંડ્યો અને એટલી જ હઠથી એણે ના કહેવા માંડી.
‘હશે….. હશે…. છેલ્લે એક ગરમ લઈ લે.’
‘ના…ના… કહીને ! ગાંડો આગ્રહ કરવાની તારી રીત ગઈ નહિ.’
‘છેલ્લી…. સરસ ગરમ ગરમ ખરી કરી છે…..’
‘ના કહીને. મને આવું કરે છે તે ગમતું નથી. રોજ જમનારને આગ્રહ શું !’ સુધીરે થાળી પછાડી રોષ વ્યક્ત કરવા માંડ્યો. બાનો આટલો આગ્રહ છતાં સુધીર રોટલી લેતો ન હતો. એટલે એમની લાગણી દુભાતી હતી. બાની લાગણી જાણ્યા છતાં શું કરવા સુધીર આવું કરતો હશે ! એક રોટલી લઈ લે તો એમને કેટલું સારું લાગે ! પોતાની બાને સંતોષ થાય તે માટે એક રોટલી વધારે ખાવામાં શું થઈ જાય ? – આવા કંઈક ખ્યાલથી મા-દીકરા વચ્ચે રકઝક ચાલતી હતી, ત્યાં આવી એણે સુધીરને હકથી કહ્યું :
‘એક રોટલીમાં તે એવું શું થઈ જવાનું છે તે આવા ઝાંસિયાં કરો છો ?’
સાસુવહુને એક થઈ ગયેલાં જોઈ સુધીરે નમતું જોખ્યું. અનિચ્છા હોવા છતાં એણે રોટલી લીધી ત્યારે ફરી પાછું શશીબાનું માંદલું દિલ દુભાયું.
‘મેં કેટલો બધો આગ્રહ કર્યો તો પણ ના જ લીધી, અને નંદુએ સહજ કહ્યું એટલામાં માની ગયો.’

સુધીર જમી રહ્યો કે તરત જ શશીબા ફરી હીંચકે જઈ બેઠાં. એમનું ઘવાયેલું મન અનેક સરખામણીઓ કરતું હતું. ત્યાં અંદરથી ફરી હસવાનો અવાજ આવ્યો. ‘વહુ જોડે કેવી હસીખુશીને વાત કરે છે, અને જમવા બેઠો ત્યારે કેવું મોં ચડાવીને બેઠો !’ આ સરખામણીથી તે દીન બની ગયાં. પતિના મૃત્યુ પછી આ દુનિયામાં પોતાનું કહેવાય એવો એકમાત્ર આ સુધીર જ હતો. એ પણ એમને ગણતો ન હતો. પોતાના ઘટી ગયેલાં મહત્વથી એ દ્રવી ગયાં. પતિ રમણલાલે કરેલી આગાહીઓ સાચી ઠરતી હતી એમ એમને લાગ્યું.
‘તું સુધીરને જરા છૂટો મૂકતી નથી, પછી એ પરણશે તો તું શું કરીશ ?’
‘આટલો પાસે રાખવા છતાં પણ આજે તો મારાથી અળગો જ થયો ને ! મારા કરતાં પારકીની લાગણી વધારે થઈને !’

ગયા મહિનાની માંદગીનો બનાવ જાણે શંકાનો પૂરક હોય તેમ આંખ આગળ ખડો થયો. નંદિનીના ખાટલા પાસે બેઠો બેઠો એ વાતો કરતો હતો ત્યારે એને સહેજે ખ્યાલ આવ્યો કે, હં ભાઈ, મા માંદી છે તો એની પાસે જઈને બે ઘડી બેસીએ, વાતો કરીએ તો એને પણ સારું લાગે. આખો દિવસ વહુના ખાટલા પાસે બેસી એને અછો વાનાં કર્યાં કરતો હતો. એને મોસંબીનો રસ અને દાડમનો રસ કેટલી લાગણીથી પિવડાવતો હતો ! વારંવાર દવા અને ગોળીઓ યાદ કરીને સમયસર આપતો હતો. ડૉક્ટરને કેવું ઝીણું ઝીણું પૂછતો હતો ! ત્યારે એને એમ થતું હતું કે હં….ભાઈ બાયે એકલી એકલી અકળાતી હશે, તો એની પાસે જઈને બે ઘડી બેસીએ તો એને સારું લાગે, એનો વખત જાય. આ તો જ્યારે આવે ત્યારે આછીપાતળી વાત કરી ચાલતી પકડે. આવે ત્યારથી જ ક્યારે ઊઠું ક્યારે ઊઠું થતું હોય. સારા નસીબે વહુને લાગણી છે કે એણે મોકલ્યો હોય એટલે જખ મારીને બેસવું પડે, પણ ડોળો હોય ત્યારે ને ! એને કેવા હેતથી મોસંબીનો રસ અને દવા આપે છે. અને મને તો જાણે મારે પી લેવાની હોય એમ હુકમથી પૂછે, ‘દવા પીધી ? મોસંબીનો રસ પીધો ?’
કહેવતમાં ખોટું કહ્યું છે કે મેલાઘેલા માડીના અને મોટા થાય ત્યારે લાડીના. આ જીવને મોટા કરતાં શું દુ:ખ નહિ પડ્યું હોય ! પહેલાં તો મને ઘડીય દૂર ખસવા નહોતો દેતો, અને હવે તો નંદુની પાછળ જ ભમ્યા કરે છે. એની જ નજરે જુએ છે.
પણ એ પારકીએ એવી તે શું ભભૂતી નાખી એને વશ કર્યો છે !
નંદિનીને કારણે જ પોતાનું મહત્વ ઘટ્યું છે, આ વિચાર સાથે જ એના મનમાં અનેક વિશદ વિચારો એકીસાથે ધસી આવ્યા. ‘મારી સાથે ઉપર ઉપરથી સારાસારી રાખી અંદરખાનેથી સુધીરને મારાથી અળગો કરતી હશે તો ! મારી વિરુદ્ધ એને ઉશ્કેરતી હશે તો !’ એમની આ શંકાને એમના મને ઘણી ઠપકારી. એમની લાગણીના ચીરેચીરા થઈ જાય એ રીતે આ વિચારને એમણે પીંખી નાખ્યો, અને આરપાર વીંધી નાંખે એવી રીતે ડામ્યો.

‘બા, બા’ કહેતાં જેની જીભ સુકાતી નથી એના વિશે આવું ઝેરી વિચારે છે ! એ તારી દીકરી નથી એટલે આવું ધારે છે ? એની વાણીમાં કે વર્તનમાં, એની સચ્ચાઈમાં કે લાગણીમાં તેં દીકરી કરતાં શું ઓછું ભાળ્યું ? તારી માંદગી વખતે પણ એણે તો તારો જ વિચાર કર્યો. સુધીરને વારંવાર તારી પાસે મોકલ્યો. વહુએ રાંધ્યું, અને સાસુ પીરસવા નીકળ્યાં એવું બનવા છતાં તારી લાગણી સંતોષાય એ માટે આખી રસોઈ કરી પીરસતી વખતે તને બોલાવે છે. સાસુ બધો જશ લઈ જાય છે એવું એને કેમ થતું નથી અને તને અવળું દેખાય છે. તને જરા નારાજ જુએ છે કે બન્ને તારી પાસે આવીને બેસે છે. બાપના મૃત્યુ પછી માને એકલવાયું ન લાગે તે માટે આટલો પ્રયત્ન કર્યો છતાં તારી નજરમાં તો બેસતું જ નથી. તારી માંદગી વખતે સુધીર વારંવાર આવીને બેસતો હતો, દવા વિશે પૂછપરછ કરતો હતો, પણ તારે તો એને ઘડીભર પણ અળગો કરવો ન હતો. એ એના કામ વિશે કે એની પત્ની વિશે વિચારે નહીં પણ તારો જ ખ્યાલ કર્યા કરે એવો હકદાવો કરવો છે. એકલપેટા થવું છે. કૃતધ્ની બનવું છે, પછી તો રિબાવું જ પડે ને !

તું રમણલાલને માણેકબા પાસે કેટલીક વાર બેસવા દેતી હતી ?
તું કેમ ઈચ્છતી હતી કે રમણલાલ તારી પાસે જ બેસે ?
આ ઠપકાથી એની આંખ આગળ રમણલાલ સાથે થયેલો કજિયો તાદશ થયો. જમી પરવારીને રમણલાલ માણેકબા પાસે બેઠા ને મેડીએ આવતાં વાર થઈ ત્યારે કેવા કેવા શબ્દો સંભળાવ્યા હતા ! માવડિયો કહીને કેટલું અપમાન કર્યું હતું ! મનની આ મારપીટ સામે એના મને દલીલ કરી. પણ રમણલાલે મારું કહ્યું ક્યાં માન્યું હતું ! એમણે તો સીધું સંભળાવી દીધું….. ‘હા…હા… બાની લાગણીની મારાથી અવગણના નહિ થાય. મારાથી એમનો બોલ ઉથાપાશે નહિ અને લાગણી તરછોડાશે નહિ. એમને માથે ચિંતાનાં કેટલાં ઝાડ ઊગ્યાં છે તેની તને ક્યાં ખબર છે ? આવી મુશ્કેલીમાં મદદ કરવાની તો બાજુ પર રહી, પણ હું કરું છું તેમાં તારો ગરાસ લૂંટાઈ જાય છે !’ માણકેબાને દીકરાવહુની તકરારની ખબર પડવા છતાં ન તો એમણે રમણલાલને કહ્યું કે ન કંઈ શશીને. તે દિવસ પછીથી એમણે વાળુ વહેલું પતાવવા કહ્યું કે જેથી બન્ને જણા બહાર જઈ શકે.

‘ક્યારેય માણેકબા તારી વચ્ચે આવ્યાં છે ? અને તું…. પેલી પડોશની ભાનુમતીની જેમ કરે છે. છોકરાને આમ આટલોય અળગો કરવો ન હતો તો પછી પરણાવ્યો શું કરવા ? હવે એની સુખી જિંદગીમાં આગ ચાંપવી છે ? તારી થાપણ તો સલામત છે પછી શું ? થાપણ સુરક્ષિત હોવાની પાકી ખાતરી હોવા છતાં આ રોક્કળ શું ! આ અધીરાઈ અને વલોપાત શું !’ પોતાના જ મને પોતાની નાલેશી ખુલ્લી કરી. આ હીન અને હલકો વિચાર છે એમ ઠોકી ઠોકીને કહ્યું. સંસારનો આ ક્રમ છે એમ વળી વળીને સમજાવ્યું અને છેલ્લે રાતી આંખ કાઢી ડરાવીને કહ્યું : ‘આવું કર્યા કરીશ તો બન્નેના મનથી ખાટી છાશની માફક ઊતરી જઈશ….’ અને… આ ભયે એ ચોંકી ઊઠ્યાં, ડરી ગયાં, ફફડી ઊઠ્યાં.
‘સાચી વાત છે. આવું કંઈ થાય અને….. સુધીર કાયમને માટે….. પોતાના તરફથી મોં ફેરવી લે… તો તો આખાય જીવનની…..’ એમના શરીરે કંપ આવી ગયો. ધરતી ફરવા લાગી. હાથથી એમણે હીંચકાનો સળિયો સખત પકડી લીધો. સરતી ધરતી પર જોસથી પગ સ્થિર કર્યા, અને છતાંય સારી દુનિયા ગોળ ગોળ ફરવા લાગી.
‘સુધીર, તું હીંચકા ન ખા. મને ચક્કર આવે છે.’
એમણે જોયું તો હીંચકા પર કોઈ નહોતું. કોઈ ઝૂલો ઝુલાવતું ન હતું અને છતાંય બધું ફરતું લાગતું હતું. જીવ ડહોળાતો હતો. એમના મને ફરી ટકોર કરી : ‘બધુંય એમનું એમ જ છે. તારા મનને લીધે બધું ફરતું દેખાય છે. એને કાબૂમાં રાખ.’

માથું હલાવી એમણે ડોક ટટ્ટાર કરી ગળું ખંખેરીને સાફ કર્યું. મજબૂત પકડેલો સળિયો ઢીલો કર્યો. ધરતી પર દાબેલા પગ ઊંચા કર્યા અને મન સાથે સંકલ્પ કર્યો. ‘મારે સમય વર્તી સમજી લેવું જોઈએ.’ પોતાની લાગણી અને મન બીજે વાળવાના સક્રિય પ્રયત્નો એમણે શરૂ કર્યા. પાસે પડેલું રામાયણ જે છેલ્લા કેટલાય દિવસથી અડ્યા વગર પડી રહ્યું હતું, તેની ધૂળ સાફ કરી હાથમાં લીધું. ચશ્માં લૂછી સાફ કર્યા; અને જ્યાં છેલ્લે નિશાની મૂકી હતી ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું. બહાર ઠંડા પવનનું જોશ વધતું જતું હતું, એટલે અંદર આવી એમણે વાંચવાનું શરૂ કર્યું. હજી માંડ બે પાનાં વાંચ્યાં હશે ત્યાં રવેશની પશ્ચિમ તરફની બારી પવનના જોશથી અફળાવા લાગી. પવનને રોકવા બારી બંધ કરવા એ ઊઠ્યાં ત્યાં દૂરથી સુધીર અને નંદિનીને આવતાં એમણે જોયાં. એની ઝીણી કફની પવનમાં ફરફર ઊડતી હતી. ઠંડીના સુસવાટા રોકવા બે હાથની જોસથી અદબ વાળી ઉતાવળે ઉતાવળે ચાલતો હતો. પાછળ પવનની સાથે ગેલ કરતી ફરફર ઊડતા વાળને રમાડતી અને સુધીરની શાલ ઓઢી નંદિનીને આરામથી આવતી જોઈ, ત્યારે મનને ઘણું વાર્યા છતાં એમનાથી બારણું ખોલતાં નંદિનીને કહેવાઈ ગયું :
‘શાલ લઈને જતાં શું થાય છે ?’
ઘરમાં પેસતાં બા આવું કહેશે જ એની બન્નેને ખાતરી હતી, એટલે શશીબાની ટકોર સાથે બન્ને હસી પડ્યાં. નિશ્ચય ડગી ગયો, વ્રત તૂટી ગયું અને મનની આ નબળાઈ સામે બન્નેમાંથી કોઈને કંઈ કહેવાને બદલે શશીબા ખેલદિલીથી હસી પડ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન અને માનવ – સંકલિત
યંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ Next »   

11 પ્રતિભાવો : સંકલ્પ – વસુબહેન ભટ્ટ

 1. ખુબ જ સુંદર વાર્તા. માની લાગણી નું સુંદર વર્ણન….જાત સાથે ની વિચારોની કુસ્તી…અને ભૂતકાળ અને વર્તમાની સરખામણી..

 2. Moxesh Shah says:

  સાસુ બની ગયેલી મા ની મનોસ્તીથી નુ સુન્દર વર્ણન.
  સ્ત્રિ પુરુષ સમોવડિ બની શકે પણ દિકરા ની વહુ ની મા બનવુ……….???
  ૧૯૬૩ મા લખાયેલી આ વાર્તા હજુ આજ ના સન્દર્ભ મા પણ પ્રસ્તુત લાગે છે.

 3. Namrata says:

  એક નાજુક વિષય ની ખૂબ સરસ રજૂઆત.

 4. Dipti says:

  પોતાની પાસે પ્રવૃત્તિ ના હોય ત્યારે બીજાના વાંધા જોવામાં પડી જવાય. લાગણીમાંય સ્વાર્થ દેખાય . તેનું સ્પષ્ટ ઉદાહરણ. શશીબાને જ્યારે પોતાના વહુ તરીકેના દિવસો યાદ આવ્યા ત્યારે મનમાં સમાધાન થયું. સાસુ પોતે વહુ જોડે કેટલા જોડયેલા છે તેના પર તેમની દિકરા-વહુ પ્રત્યેની સંયુક્ત લાગણી ઘડાય.

 5. Jigna Bhavsar says:

  વસુબહેન્ ખુબ સરસ વાર્તા અને ખુબ સરસ રજુઆત.
  ક્યારેક આપણે પણ પોતાની નબળાઈ જાણતાં હોવા છતાં આદત વશ ખોટી વસ્તું કરાય કે કહેવાય જાય છે. તથા, એકલતા માં માણસ ખુબ લાગણીવશ થઈ જાય છે.

 6. Mitali says:

  Somethings will never change. I think in order to chance this problem of saas bahu, the best idea is to move the groom to bride home once the marrige is done. ma beti get long much better then saas bhabu, all the family problems are created because of women. I have read it in many books that women are easier to adjust to new thinng, new people, new life style, new enviorment but actully have experience vise versa. I think men are much more at ease to adjust to changes then women.

  • Tushar says:

   એ દિવસો હવે બહુ દૂર નથી . . . પરિસ્થિતિ ઘણી ઝડપથી બદલાઈ રહી છે . . .

 7. Ashish Dave, Sunnyvale, California says:

  Very interesting and nicely written story…

 8. Jigar Shah says:

  આ સાસુ – વહુ ના ઝગડાં(કે પછી મીઠા) ક્યાં સુધી ચાલશે? હદ થઈ ગઈ હવે તો!!! I think that’s y even in india we see nuclear families now a days અને ઘરડાં – ઘર વધી રહ્યાં છે…the only problem for a son or husband is, he’s not able to speak up..neither to mum nor to his wife..:-(….and the biological fact is 80% of the women live longer than men..so end of the day…સાસુ-વહુ ને સાથે જ રહેવું પડે છે…so sad…time’s changed but not them…

 9. અશોક જાની 'આનંદ' says:

  મા અને પત્ની વચ્ચેનું સમતોલન અઘરું ખરું પણ અશક્ય નહીં, તંગ દોરડા પર ચાલવા જેવો એ કસબ છે. ઘણા એ બન્ને વચ્ચે સુમેળ ભર્યો સમન્વય સાધી સફળતાથી જીવી શકે છે. મા પોતાના પરણ્યા પછીના તાજા દામ્પત્યના દિવસો યાદ રાખે અને પત્ની ભવિષ્યમાં પોતે પણ સાસુ થવાની છે તે યાદ રાખે તો મહદંશે ઘર્ષણ ટળી શકે છે.

 10. Sonia says:

  આ લેખ માંથી ઘણું શીખવા – સમજવા જેવુ છે. આમ પણ જીવન માં અતિશયોકિત હંમેશા નુક્શાનકારક છે. લાગણી અને સંબંધ મા બહુ ઓછા લોકો તટ્સ્થ હોય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.