અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-3]

અસ્મિતાપર્વના બીજા દિવસનો પ્રારંભ સંગોષ્ઠિ-3થી થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ’; જેમાં શ્રી સુરેશ દલાલની કવિતા વિશે શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે તેમજ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે શ્રી અજિત ઠાકોરે વિસ્તારપૂર્વક વાત કરી હતી. બંને મહાનુભાવોના વક્તવ્યબાદ ક્રમશ: શ્રી સુરેશ દલાલ અને શ્રી હરીશ મીનાશ્રુએ કાવ્યપઠન કર્યું હતું. સંગોષ્ઠિનું સંચાલન આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ કર્યું હતું.

સુરેશ દલાલની કવિતા વિશે વાતનો પ્રારંભ કરતાં શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે : ‘સૌ શબ્દના બંદાઓને પ્રણામ. સિમેન્ટ કોંક્રેટના જંગલમાં રસ્તાની ધારે એક વૃક્ષ ઊભું છે. એ કઠોર ભૂમિમાં એ વૃક્ષના મૂળિયા એની વય જેટલી વ્યાપ્તિ પામ્યા નથી. એની ડાળે ડાળે શબ્દો હિંચે છે. એના પાને પાને પ્રાસ રચાયો છે. વાહનોની અવરજવર એ વૃક્ષની નોંધ લેતું નથી ત્યારે એ વૃક્ષ ડૂસકાં નાંખે છે. એની છાયાને પડછાયો માની યાત્રિકો એના ખોળામાં નિરાંતે બેસતા નથી ત્યારે વૃક્ષને વ્યથા થાય છે. શબ્દોની દીપમાલા લઈને બેઠેલાં વૃક્ષની નીચે હું થોભ્યો તો મારા ઉપર થોડી શબ્દવૃષ્ટિ થઈ. રંગ, ગંધ અને રૂપથી મઢ્યા એ શબ્દો મેં જોયા તો એમાં હતું આકાશ, એકલતા, પ્રેમ, માણસ-ફાનસ, દંભ, નગર, મીરાં, હરણાં-તરણાં અને ઝરણાં. મેં ઊંચે જોયું. એ વૃક્ષ પર પંખી હતાં. મોર-પોપટ-કોયલ હતા. પરદેશી પંખી પણ હતા. એ બધા સાથે મળીને માળો કરતા હતા. મેં આંખો બંધ કરી તો મારા કાનમાં લય વૃષ્ટિ થઈ. મને સંભળાયું કે ‘તરણાંની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં…’ ફરી મેં આંખો બંધ કરી તો મને એ વૃક્ષનું સરનામું દેખાયું : “કવિતા, જન્મભૂમિ ભવન, મુંબઈ.” અને વૃક્ષનું નામ હતું સુરેશ દલાલ !

આ કવિ 80 વર્ષે પહોંચવા આવ્યા છે. લગભગ છ દાયકાથી કવિતાને પ્રેમ કરે છે. એમની વય વધવા છતાં એમની પ્રેમની માત્રામાં કોઈ ઘટાડો નથી થયો. કવિતાને આટલી તીવ્રતાથી અને આટલો લાંબો સમય બહુ ઓછા ચાહકોએ પ્રેમ કર્યો હશે. એવા આ કવિને આજે આપણે એમની રચનાઓ દ્વારા માણીએ. આ કવિની બધી જ રચનાઓમાંથી પસાર થતા મને એમ લાગે છે કે આ કવિ એ કેટલા બધા કાવ્યસંગ્રહો આપણને આપ્યા છે. ‘એકાંત’ રચ્યું ત્યાંથી શરૂ કરીને ‘દ્રશ્ય-અદશ્ય’ સુધી એમના કાવ્યસંગ્રહો અઢી ડઝન ઉપરાંત છે ! અને સંપાદનો અને એ બધું ઉમેરીએ તો એમની વય જેટલી સંખ્યા થાય ! ‘હસ્તાક્ષર’, ‘રોમાંચ’, ‘જળનાં પગથિયાં’, ‘જલસાગર’ વગેરે. પણ આ બધું જોઈએ છીએ ત્યારે કવિની મુદ્રા, કવિને આપણે ક્યા ખંડના કવિ તરીકે ગણીશું ? એવો એક પ્રશ્ન સામે આવે છે. ત્યારે મને કહેવું છે કે આ કવિ પરંપરાનો કવિ છે. આ કવિ આધુનિકતાનોય કવિ છે અને આ કવિ અનુઆધુનિકતાનોય કવિ છે. એણે પરંપરાને પણ ઝીલી છે અને પચાવી છે. અનુઆધુનિકતાનો અને આધુનિકતાનો પ્રભાવ પણ એમણે ઝીલ્યો છે. આ કવિની એક મોટી વિશેષતા હોય તો આ કવિ શ્રદ્ધાનો કવિ રહ્યો છે. એણે પ્રારંભથી આજ સુધી શ્રદ્ધા ગુમાવી નથી. આધુનિક કવિઓમાં શ્રદ્ધા ડગી ગઈ હતી એ વખતે પણ આધુનિક કવિતા લખતી વખતે તેઓ શ્રદ્ધા સાથે લખતા હતા.’

ભગીરથભાઈએ આગળ જણાવ્યું હતું કે, ‘કવિતાના ચાહકો ઊભા કરવાનું કામ જે અમદાવાદ નથી કરી શક્યું તે તેઓ મુંબઈમાં કરી શક્યા છે. અમદાવાદમાં સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે, કવિતા લખનારા પણ છે. પરંતુ કવિતાનો આખો ભાવક સમુદાય જે ઊભો કરવો અને કવિતા લખવા કરતાં આ વાતાવરણ ઊભું કરવું તે સર્જન જેટલું જ કપરું કામ છે. એ એમણે કર્યું છે. મુંબઈ એવું થાનક છે જ્યાં કવિતા સાંભળવા માટે લોકો પડાપડી કરે છે. તેમની કવિતામાં રંગદર્શિકા, વાસ્તવબોધ, ઊર્ધ્વચેતના, ટાગોરના પ્રભાવની ઝીણી ઝીણી અસરો, શ્રી અરવિંદ-માતાજીના બોધની કરુણા વરસતી હોય એવી ક્યાંક પંક્તિઓ – એવો કોઈ ભાગ્યે જ વિષય હશે કે એ એમના હાથે ઉદઘાટિત ન થયો હોય. નિરુપણરીતિનું વૈવિધ્ય કોઈકને ઓછું ભલે જણાય પણ વિષયની વ્યાપ્તિ આપણને દેખાય છે. આ કવિની રચનાઓ સહજ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ‘ધબકતા જીવનની ખાત્રી કરાવતી રચનાઓ’ અને બીજી ‘થીજેલા જીવનની પ્રતીતિ કરાવતી રચનાઓ’. આ ધબકતા જીવનની ખાત્રી કરાવતી જે રચનાઓ છે એમાં આપણે ગેય રચનાઓ એટલે પ્રેમની પ્રતીતિ કરાવતી રચનાઓ મૂકીએ અને થીજેલા જીવનની જે પ્રતીતિ કરાવતી રચનાઓ છે એમાં એમની નગર જીવનની જે રૂટિનતા છે, જે સંવેદનવિહિનતા છે એને આપણે રાખીએ અને આ કવિને તપાસીએ. એટલું જરૂર કહું કે એમની આ ધબકતા જીવનની રચનાઓમાં ગીતો ઝાઝા છે. મુલાયમ ભાવના ગીતો, માનવપ્રેમના ગીતો, પ્રકૃતિ તરફનો થોડો અણસાર કર્યો છે. પ્રભુ પ્રેમની ઊર્ધ્વચેતનાની રચનાઓમાં કવિનું કાવ્યત્વ દેખાય છે. એ ક્યાં દેખાય છે તે હું જરૂર તમને બતાવીશ. આ કવિનું મૂળ, કૂળ, પિયર સૌંદર્યરાગી કવિતાના રાજેન્દ્ર, નિરંજન અને પ્રહલાદથી જે કવિતાઓ શરૂ થઈ છે ત્યાં પડેલું છે.

મારે તમને એ પણ યાદ દેવડાવવું જોઈએ કે સુરેશ દલાલની સાથે હરીન્દ્ર દવેનું નામ પણ જાણીતું છે. બંનેએ મીરાં અને કૃષ્ણપ્રેમના કાવ્યો લખ્યાં છે. બંનેની રાધામાં અને બંનેની મીરામાં અંતર છે. સુરેશ દલાલની જે પ્રણયની કવિતા છે એ મુલાયમ કવિતા છે. એમણે એ મુલાયમ ભાવને વ્યક્ત કરવા માટે સહજ લયનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારની તેમની રચના છે : ‘લાવ તારું નામ લખી દઉં….’ આ કવિને શિખરીણી છંદ વધારે માફક આવ્યો છે. પત્ર પર તેમની કવિતા છે : ‘તમારા પત્રોમાં ઝરમર ઝરે વ્હાલ નભનું…’. ભાવનિરૂપણ, કલ્પનાનું વૈવિધ્ય, લયસૂઝ, બહુ મોક્ળાશથી આ કવિ આલેખે છે. ગુજરાતી ભાષામાં ઘરેણાં જેવું ઘરે ઘરે ગવાતું સિદ્ધ કરેલું તેમનું આ ગીત છે : ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં, વહેતું ના મેલો ઘનશ્યામ….’ પરંપરા અને પ્રયોગનો એમાં સમન્વય છે. એમની પ્રેમ કવિતામાં મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મહેક આપણને વર્તાય છે.’ એમ કહીને તેમણે સુરેશ દલાલની કેટલીક રચનાઓ સમજાવતાં કહ્યું હતું કે, ‘કમાલ કરે છે……એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે……’ અહીં પ્રેમ નહીં, ‘વ્હાલ’ શબ્દ વાપર્યો છે. આ પ્રયોગો એમનેમ નથી આવ્યા. પ્રેમ, નેમ, સ્નેહ, વ્હાલ વગેરેમાં જીવનને ટકાવવાની જે તાકાત છે તે આ કવિ ભાળી ગયો છે. સૌથી વધારે એમની કવિતામાં કાવ્યત્વની આપણને જે ગતિ દેખાય છે અને પ્રભુપ્રેમની જે આરત દેખાય છે, તે મહત્વની છે. જીવ શિવને પોકારે છે એ વાત આ કાવ્યમાં કેવી રીતે ગૂંથાઈ છે એ તમે જુઓ તો ખરા ! ‘અનુભૂતિ’નામના કાવ્યમાં એમણે આ ભાવ દર્શાવતા લખ્યું છે કે : ‘લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ…..’ એમાં કવિએ પંચમહાભૂતના પાંચેય તત્વો વણી લીધા છે અને એ રીતે તે અધ્યાત્મ ઊંચાઈનું ગીત બને છે. એવું જ એમનું એક બીજું મીરાં-ગીત છે જેને ભારતીય સાહિત્યની ગણતરીમાં લેવું પડે. ‘મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે… કૃષ્ણનામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે…..’ અહીં ‘મંદિર સાથે પરણી’ અને ‘રાજમહેલથી છૂટી’ એવો પ્રયોગ કર્યો છે. ‘માધવ સાથે પરણી’ એમ નહિ અને ‘રાણાથી છૂટી’ એમ પણ નહીં. અહીં મંદિરનો “મ” શબ્દ બોલતાં હોઠ ભેગાં થાય છે એટલે કે આ જોડાવાની ઘટના છે એવો અર્થ એમણે અહીં કેદ કરી લીધો છે અને ‘રાજમહેલ’ શબ્દ બોલવામાં ‘ર’ની સાથે ‘આ’નો ઉચ્ચાર કરીએ અને જે બે હોઠ પહોળા થાય છે એ છૂટવાનો અર્થ તેમાં સમાવી લે છે. એ રાજમહેલથી છૂટવાની ઘટના છે. એટલે કવિ પાસે વર્ણ પણ કેવો મદદે આવી જાય છે ! આ કવિ શબ્દોનો કોલાહલ કરતાં કરતાં મૌનને ચાહનાર કવિ થઈ ગયા છે. એમણે પણ શબ્દની યાત્રા શરૂ કરી છે અને મૌનની ચાહના સુધી એ ગયા છે.

માણસ માણસને કળી તો શકવાનો જ નથી પણ બરાબર મળી પણ શકતો નથી એની અપાર વેદના એમના નગરચેતનાના કાવ્યોમાં જોવા મળે છે. સુરેશ દલાલની કવિતામાં નગરની સંવેદનહીનતા જે છે તે ખૂબ ઊલટથી પ્રગટ કરી છે. માણસના રૂપમાં પાશવતા દર્શાવતી વૃત્તિ અને એ દર્શાવતી કવિતાઓ એમણે આપણી સામે મૂકી છે. ‘મુંબઈમાં રહી રહી થાકી ગયેલો હું માણસ છું…’ એમ તેમણે એમની એક કવિતામાં કહ્યું છે. સાંપ્રત માનવજીવનની છબી ઝીલવા માટે એમણે એમ પણ કહ્યું કે ‘અમે જળ નથી જાળ છીએ….’ કવિએ જે નગરકાવ્યો આપ્યા એમાં આખોયે આખો માણસ જે વિકૃતિમાં રૂપાંતર થતો જાય છે, એના સંબંધો પોકળ થતા જાય છે, લગ્નજીવન નામનું જે બચી જવા પામ્યું છે, ઈશ્વર તરફનો ભાવ પણ ભેળસેળ થતો જાય છે, મંત્રોના પવિત્ર જપનું ફિલ્મમાં રૂપાંતર થાય છે – આ આભાસી સંસ્કૃતિ, આ દંભ અને યાંત્રિકતા તથા નરી બનાવટ પર કવિના જે કટાક્ષબાણ છે તે નોંધવા જેવા છે.’ એમ કહી ભગીરથભાઈએ તેમની કેટલીક કવિતાઓ વાંચી સંભળાવી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘સાંપ્રત માનવની છબી તેમણે બરાબર ઝીલી છે. માણસને માણસની હૂંફ મળવી જોઈએ એની જગ્યાએ માણસ માણસની અદેખાઈ કરે છે તે તેમણે ઘણા કાવ્યોમાં કહ્યું છે. તે કહે છે માણસને પોતાના જ નામનું ઝેર ચઢ્યું છે. કવિ કહે છે આટલું બધું છે છતાં મને માણસ ગમે છે કારણ કે તે બદલાય છે અને બદલાતો નથી.

વાચકોનાં ધ્યાનમાં કદાચ ન આવી હોય તેવી તેમની ગદ્ય-કવિતા હમણાંના તેમના તાજેતરના સંચય ‘દ્રશ્ય-અદશ્ય’માં છે. એમણે લયની ઝીણી ડિઝાઈન ગદ્યમાં પાડી છે અને ‘ગદ્ય-સોનેટ’ રચ્યા છે. કદાચ ગીતમાંથી છૂટવા માટે એમણે આ પ્રયત્ન કર્યો હોય ! એ રચનાઓમાં પણ આપણને કાવ્યત્વના અણસારા પ્રાપ્ત થાય છે. ‘રેડિયો પર ફાગણના ગીતો વાગ્યા અને શહેરને ખબર પડી કે આજે વસંતપંચમી છે…..’ આમાં યાંત્રિકતાનો કટાક્ષ કર્યો છે. કવિને પ્રશ્ન થાય છે જે આપણને સૌને થાય કે ‘ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?’ પ્રણયગીતો, કૃષ્ણકાવ્યો, નગરકાવ્યોની જેમ સુરેશ દલાલે લોકગીતની પંક્તિ લઈને પણ કેટલાક સુંદર કાવ્યો આપ્યા છે. સુરેશ દલાલનું ભક્ત કવિ તરીકેનું વ્યક્તિત્વ પણ જોવા જેવું છે. ‘પદધ્વનિ’માં 108 રચનાઓ આપી છે. મધ્યકાલિન પરિભાષા અને ભાવસંદર્ભો જાળવવા પણ એમણે પ્રયત્નો કર્યા છે. ‘આજની ઘડી રે ધન, આજની ઘડી…. મારો શામળિયો મોગરોને હું ગુલછડી’ એવા સુંદર ભક્તિગીતો આપ્યા છે. આમ, પરંપરાનો વિસ્તાર આ કવિમાં થયો છે. આ કવિએ ભારતના અને વિશ્વના અનેક કવિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને પણ આપણને આપ્યો છે. કવિતા વિશે તેમણે ઘણી વાત કરી છે. સુરેશ દલાલની રચનાઓમાં ક્યાંક કોઈને શબ્દરમત દેખાય, ક્યાંક શબ્દમમત દેખાય, ક્યાંક લયની કચાશ પણ હોય, કોઈને સપાટ નિવેદનો લાગે, પરંતુ શબ્દને અને કવિતાને આટલી તીવ્રતાથી અને આટલો લાંબો સમય દિલોજાન ચાહનારો આ એક અનોખો સર્જક છે, એટલું તો સ્વીકારવું જ રહ્યું.

આ બધું સાંભળ્યા પછી હું જે તારણ પર આવ્યો છું તેની વાત માંડીને મારી વાત પૂરી કરીશ : (1) સુરેશ દલાલની કવિતાના કેન્દ્રમાં પ્રેમ અને નગરજીવન છે. મધ્યકાલીન લોકગીતોની પરંપરા અને આધુનિકતાના સંમિશ્રણો છે. (2) આધુનિકતાની આબોહવામાં રહીને આ કવિએ શ્રદ્ધાનું ગાન કર્યું છે. (3) સુરેશ દલાલ મુખ્યત્વે ઊર્મિ કવિતાના માણસ છે. એમના ગીતોમાં સાહજિકતા છે, દુર્બોધતા નથી. રજૂઆતના કવિ છે. ગવાતા કવિ છે. (4) કવિતાના સર્જન કરતાં કવિતાના પ્રસરણની સૌથી વધુ કામગીરી મેઘાણી પછી આ કવિ એ કરી છે. (5) પ્રારંભે રાજેન્દ્ર-નિરંજનની સૌંદર્ય રાગી કવિતાનો સંસ્કાર ઝીલ્યો અને પછી આધુનિકતાનો પ્રભાવ એમના પર પડ્યો. અન્ય કવિઓનો પ્રભાવ પણ એમણે ઝીલ્યો અને મને કહેવા દો કે આ અનુઆધુનિક કવિઓના પણ એ પૂર્વજ છે. ‘કાવ્યત્વ’ અને ‘ગીતત્વ’ એમ બંનેનું સંયોજન એ કરી જાણે છે. લોકપ્રિય કવિ છે. ચોંકાવનારી ઉક્તિઓ એમની અછાંદસ રચનાઓમાં તરત ધ્યાન ખેંચે છે. એમણે ભારતીય કવિતા, વિશ્વ કવિતા, ગુજરાતીમાં જે આણી આપી છે તે બેનમૂન છે. એ આટલું બધું મળ્યું છે તેમાં ઈશ્વરના ઋણી છે એટલે તેઓ કહે છે ‘કેમ કરીને ચૂકવું ઋણ…’ અને મેં પહેલા કહ્યું હતું એમ, છેલ્લે પણ કહીશ કે હવે આ કવિએ શબ્દો સાથે રમવાનું માંડી વાળ્યું છે. આમ, શબ્દ-કવિતાથી શરૂ કરી , અશબ્દ-કવિતાની ઝંખના કરતા આ કવિ પાંચ દાયકાની સફર પૂરી કરે છે.

શ્રી ભગીરથભાઈના વક્તવ્ય પછી ખૂબ જ હળવી શૈલીમાં વાત કરતાં શ્રી સુરેશ દલાલે કાવ્યપઠન કર્યું હતું. તેમના વક્તવ્યમાં હાસ્યની છોળો ઊડી હતી અને શ્રોતાઓ રસતરબોળ બન્યા હતા. કાવ્યપઠનનો આરંભ કરતાં શ્રી સુરેશભાઈએ જણાવ્યું હતું કે, ‘આત્મીય મોરારિબાપુ, જેમણે મારા કાવ્ય વાંચવાનું ભગીરથ કાર્ય કર્યું એવા ભગીરથ બ્રહ્મભટ્ટ, શ્રી હરીશ મીનાશ્રુ, અજિતભાઈ અને સૌ મિત્રો……… હું જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખું છું. હું અસ્મિતાપર્વમાં આવવા નીકળતો હતો ત્યારે કેટલાક લોકોએ મને શિખામણ આપી ત્યારે મેં કીધું કે ભાઈ, હું પહેલાં પણ ત્યાં જઈ આવ્યો છું. તેઓ મને કહે કે તમારે ગંભીર ચહેરો રાખવો જોઈએ, ન સમજાય એવું બોલવું જોઈએ તો લોકો તમને વિદ્વાન ગણશે !! થોડા એલિયટના ક્વોટેશન કહેવા જોઈએ તો એ લોકોને ખબર પડશે કે તમે વાંચો છો, વિચારો છો, અનુભવો છો !! તમે તમારી છાપ ઊભી કરો. મેં કહ્યું, હું ઈમ્પ્રેસ કરવા નથી જતો, એક્સપ્રેસ કરવા જાઉં છું. અહીં કોને ઈમ્પ્રેસ કરવાના ? અને જે લોકો ઈમ્પ્રેસ કરીને ચાલ્યા ગયા એ લોકો પણ કેટલું રહ્યાં ? આટલી જો અક્કલ આવી હોત તો કંઈ બહુ અર્થ નથી.

ગીત મને બહુ ગમે છે. ‘તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં……’ ગીત કંઈ ડગુમગુ ડોસીની જેમ ન ચાલે ! ઉમાશંકરે બહુ અદ્દભુત કહ્યું કે ‘અમે સુતેલા ઝરણાંને જગાડ્યું.’ જે આપણી અંદર સુતેલી વસ્તુ હોય એને જગાડવી જોઈએ. આટલી સરસ કવિતાઓની આપણા માસ્તરોએ પત્તર ધમી નાખી છે. માસ્તર પૂછશે કે કવિ શું કહેવા માંગે છે ? – અલ્યા ભઈ ! કવિ કહેવા માગતો હોત તો નિબંધ ન લખત ? આ ગીત શું કામ લખત ? કવિ કાંઈ કહેવા નથી માગતો. કવિને કંઈ કહેવું જ નથી. તમે શું કામ હેરાન કરો છો ?

મેં ‘તમે કહો તે સાચું વહાલમ…..’ એ એક ગીત લખેલું. કોઈ સ્ત્રીને લાંબાગાળાનું રાજ્ય કરવું હોય તો તે આ જ કહે. આ પરથી મને યાદ આવ્યું કે કાલે બધું અહીં ડાયસ્પોરાનું ચાલતું હતું તે હું ટીવી પર જોઈને આવ્યો છું. મારો એક પ્રશ્ન એ છે કે આપણા ક્યા ગુજરાતીઓ અમેરિકન જોડે ભળ્યા છે ? ત્યાં બેસીને કવિતા અને વાર્તા લખે છે. Do they know the American culture ? સુચી વ્યાસે બહુ સરસ કહેલું કે અહીં અમેરિકામાં તો થૂંકે ચોંટાડેલા લગ્ન છે ! એ લોકો જ્યારે લગ્ન કરે ત્યારથી જ ડાઈવોર્સ ફાઈલ કરે. ઉપરોક્ત ગીત વાંચીને મને ડો. પ્રકાશ કોઠારીએ કહ્યું કે તારું આ કાવ્ય ડિવોર્સ થઈ ગયેલા એક દંપતિને મોકલાવ્યું અને પાછા તેઓ ભેગા થઈ ગયા. મેં કહ્યું, મારે ટાગોર તો નહોતું થવું પણ મને ગોર શું કામ બનાવ્યો ! કવિતા આવુંયે કામ કરી શકે છે, જે વિવેચકોની બહારની વાત છે. મૂળ વાત મારે એ કહેવી છે કે આ અસ્મિતાપર્વ તો અસ્મિતાપર્વ છે જ પણ ખરેખર ‘સ્મિતા પર્વ’ છે એટલે કે આનંદનું પર્વ છે. કવિતાનું વાચન આનંદ આપે. વિવેચન વિદ્યાનંદ આપે. વિવેચન આનંદ તો આપવું જ જોઈએ.

કેટલીક ગમતી પંક્તિઓ વાંચું એ પહેલાં એક વાત યાદ આવે છે. આપણા કેટલા ગુજરાતીઓ ફોરેન જાય અને ત્યાં મારું ગીત ગાય. ગીત ગાય એટલું જ નહીં પણ ત્યાં મારા ગીતનો અનુવાદ કરે ! ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી વહેતું ના મેલો ઘનશ્યામ…….’ એક સંગીતકારે કહ્યું ‘Don’t flow radha’s name in your flute o shyam’ હવે આવી ખોટી રીતે ગીતને સમજાવે, પછી એ ગાય, અભણ માણસો ડોલે, એ રાજી થાય, ડોલર લાવે અને જલસા ! અમેરિકામાં ફિલ્મ જોઉં અને એમાં પછી નીચે ડાયલોગ આવે કે ‘બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં ?’ એનું અંગ્રેજી એમ કરે કે ‘Please speak, radha speak, contact possible or not ?’ આમાં અને પેલા કાવ્યના અનુવાદની અંદર મને તો કોઈ ફેર દેખાતો નથી.

ભગીરથભાઈએ જેની વાત કરી તે પેલું ‘મંદિર અને મીરાં’વાળું કાવ્ય મેં રજનીશજીને સાંભળતા લખ્યું હતું. મને આનંદ થયો કે હું એમને સાંભળવા ગયો. તેઓ એ દિવસે મીરાં વિશે બોલ્યા પણ તેઓ સારું ન બોલ્યા. મને આનંદ થયો. એનું કારણ એ છે કે જો દર વખતે દરેક માણસ સારું બોલે તો એ મશીન કહેવાય, માણસ ના કહેવાય. એ સાંભળતાં મને વિચાર આવ્યો કે મીરાં મરી હોત તો કેવી રીતે મરી હોત ? એ ડાયાબિટિશથી મરે ? એને પેસમેકર મુકવું પડે ? એને ગ્લુકોમા થાય ? એને ચાલવાની તકલીફ થાય ? મીરાં કેવી રીતે મરે ? જસ્ટ ઈમેજિન ! મીરાંને પણ સહી કરવાનું મન થાય એટલી ખાત્રી પૂર્વક કહું છું કે, ‘ઘૂંઘટ પટની ઘૂંઘરિયાળી વાત ગગનમાં ગૂમ થઈ……એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ…..’ મીરાં આમ જ મરે. એ બીજી કોઈ રીતે મરી ન શકે.

હું ફિલાડેલ્ફિયામાં હતો ત્યારે કોઈએ મને ‘ગુડમોર્નિંગ’ કહ્યું. એ વખતે મને થયું કે મીરાંને કોઈ આવું કહે તો કેવું લાગે ? કવિને કલ્પના કરવાનો અધિકાર તો છે જ. કવિ કલ્પના ના કરી શકે તો ધિક્કાર છે. મીરાંને એવું લાગ્યું હશે કે ‘વાંસળી જેવી સવાર ઊગે ને મોરપીંછ જેવી રાત, મંદિરની બહાર મીરામાધવ ઊજવે છે મધરાત…….’ આ વાંચી સુરેશ જોશીએ ટીકા કરી, જે એમનો અધિકાર હતો. એમણે કહ્યું કે આ કૃષ્ણકાવ્ય થયું ને ? મેં કહ્યું કૃષ્ણકાવ્ય થયું કે નહિ એ મહત્વનું નથી, કાવ્ય થયું ને એ મહત્વનું છે ! મને ઈશ્વરે જે પ્રથમપંક્તિ આપી છે એને હું વફાદાર રહું કે મારા વિવેચકોને વફાદાર રહું કે એ લોકોને શું લાગશે ? એ લોકોને કંઈ લાગતું જ નથી, પહેલી વાત એ જ છે. વિવેચક સહૃદય હોવો જોઈએ. મારા લય ખોટા હોય તો ધ્યાન દોરવાનો અધિકાર છે.’

વાતના પ્રવાહમાં તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘મુંબઈમાં પાર્ટીઓ બહુ થાય. સાડા આઠનો ટાઈમ હોય અને બધા નવ વાગે આવે ! આપણા જેવા વહેલા પહોંચી ગયા હોય. એ લોકો તૈયાર પણ ના હોય. પછી બધા લોકો આવે અને ‘હેપી ટુ સી યુ’ કરે. એમાં સ્ત્રીઓ ત્રાસ આપે અને બેધડક સવાલ પૂછે ‘કવિતા કેમની લખો ?’ એના ગજા પ્રમાણે જવાબ આપું. કોઈક તો અમસ્તા જ પૂછતા હોય તો એને કહું કે ‘પીન્ક કાગળ લઉં, લીલી સહી લઉં, માથે ટકટક હાથ ફેરવું અને હાથમાંથી કવિતા નીકળે !’ મજાની વાત એ કે તે માની પણ જાય ! એક બહેન આવ્યા મને કહે ‘જો જો હોં, મારી પર કવિતા ન લખી નાખતા’ મેં કહ્યું, ‘You are a difficult subject for poetry.’ તારા પર કવિતા લખવી કેવી રીતે લખું ? મા પાવા તે ગઢથી ઊતર્યાં લખું ? બહુ મુશ્કેલીઓ છે. આ બધા પૂછપૂછ કરે એટલે મેં ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખે એમ એક કવિતા લખી :

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
તો લખો….

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
તો લખો….

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
તો લખો….

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
તો લખો….

તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
તો લખો….

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
તો લખો….

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
તો લખો….

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
તો લખો….

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો લખો….

એક વખત ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો. એક ભાઈ એ મને કહ્યું કે તમારો હાથ બતાવો. જોઈને મને કહે તમને સાક્ષાત્કારનો યોગ છે, ત્યાં જ ટિકિટ ચેકર આવ્યો ! મને થયું ઈશ્વર આવી રીતે આવશે મને ખબર જ નહિ. મારા અને હરીન્દ્રમાં આસમાન-જમીનનો ફેર. કેટલુંક તો એ બોલે તે મને સમજાય જ નહિ. મને એક દિવસ કહે કે થોભો. એટલે હું રસ્તામાં અટકી ગયો. હકીકતે એ મને એમ કહેવા માગતો હતો કે આ પુસ્તક પકડો. એ મને ગઝલો સંભળાવી સંભળાવીને થાકી ગયો પણ મને ગઝલ આવડી નહીં. આ એની નિષ્ફળતા નહીં, પણ મારી સફળતા ! કારણ કે અત્યારની ગઝલો વાંચ્યા પછી એવું લાગે છે કે નથી લખતાં એ સારું જ છે. ટ્રેનમાં પેલા ભાઈએ કહ્યું કે સાક્ષાત્કારનો યોગ છે; એમાંથી મને કવિતા સૂઝી. મેં ઈશ્વરને ચેલેન્જ આપી. હું ભગવાન જોડે પણ માનું છું કે It should be two way traffic and no silence zone. આપણે એકલા જ એની પાછળ હોઈએ અને એ આડું જુએ ને બાડું જુએ એમાં આપણને મજા ના આવે. પછી એ માણસ હોય કે ઈશ્વર હોય કે કોઈ પણ હોય. એટલે મેં ઈશ્વરને કહ્યું :

શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે ?

રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?

તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં ?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે ?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે ?
મને કૈં કહેશો ક્યારે ?

હરકિસન મહેતા અને અમે બધા ભેગા મળીએ. વાતો કરીએ. એક જણે મને પૂછ્યું કે તમારી અને હરકિસન મહેતાની મૈત્રીનું રહસ્ય શું ? મેં કહ્યું, ‘અમે એકબીજાને નથી વાંચતા તે !’ એ જ મૈત્રીનું રહસ્ય ! હરકિસન ભાઈએ એક વાર પૂછ્યું કે જીવન એટલે શું અને મરણ એટલે શું ? મેં જવાબ આપ્યો કે પાંચ તત્વો ભેગા મળે એ જીવન અને પાંચ તત્વો છૂટા પડે તે મરણ. મરણનો અનુભવ તો કોને ન હોય ? મારા ફાધર ગયા, મધર ગયા, નાનો ભાઈ ગયો, કેટલા બધા મિત્રો અને કેટલી બધી વ્યક્તિઓ ગઈ. હમણાં ઉપરા ઉપરી બે મરણ થયા તો સ્મશાનમાં બીજે દિવસેય ગયો. તો ત્યાં બેઠેલા એક ભાઈ કહે, ‘તમે તો ગઈ કાલે પણ આવેલા ને ?’ જાણે મેં માનતા ના માની હોય કે હું રોજ સ્મશાનમાં આવીશ પછી ઈમેજની ઑફિસમાં જઈશ ! મેં કહ્યું, ‘ગઈ કાલે બીજા માટે આવેલો, આજે પણ બીજા જ ગયા છે, હું કંઈ ગઈકાલવાળા માટે નથી આવ્યો !’ મેં એક મરણનું કાવ્ય લખ્યું : ‘આંખ તો મારી આથમી રહી, કાનના કુવા ખાલી….’ મારી મા મરી ગઈ ત્યારે મારા માસી મને કહે તું કાનમાં કંઈક કહે. આપણને જે જન્મ આપે એને કેમ કરીને કહેવાય કે તું જા ? એટલે મેં મારી માને કહ્યું કે, ‘મા તું રોજ સાંજે મંદિર જાય છે એમ જા ને !’ આમ જુઓ તો ઈશ્વરની બહુ મોટી કૃપા છે કે મરણ છે. તમે વિચાર કરો કે મારા બાપા, એના બાપા, એના બાપા અને વળી એનાય બાપા એ બધા જ જીવતા હોત તો આપણે અહીં અસ્મિતાપર્વમાં આવી જ ન શકતા.’

છેલ્લે સમાપનમાં તેમણે કહ્યું હતું કે : ‘ઘણા લોકો મારો પરિચય આપતાં કહે કે “આ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ છે” – એ તો સારું છે કે આપણે બધાનું માનતા નથી. આપણે તો ભસ્મ પિતામહ હોઈએ ! આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે….’ છેલ્લે, આપ સૌનો આભાર.’

તાળીઓના ગડગડાટ પછી આ સંગોષ્ઠિના બીજા વક્તા શ્રી અજિત ઠાકોરે, કવિ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પોતાનું વક્તવ્ય આ શબ્દોથી પ્રારંભ કર્યું હતું, ‘હરીશ મીનાશ્રુની કવિતામાંથી પસાર થતો હતો ત્યારે એમની ખોજનું નામ પાડવાનું આવ્યું અને એ નામ પડ્યું : “વૈખરીના પરાવાણીમાં પરાવર્તનનો આ કવિ છે.” જરા જુદી રીતે કહીએ તો ગંગાસાગરથી ગંગોત્રી તરફના પ્રત્યાગમનની ઝંખનાનો આ કવિ છે. એ ખેચરીમુદ્રાના કવિ છે. હરીશ મીનાશ્રુની કવિ જીભ તે તાળવે ચોંટેલી જીભ છે. એમાંથી રસ ઝરે છે તે બ્રહ્મ છે.

આજે હું આસ્વાદમયી પરીક્ષાથી કવિની પ્રતિષ્ઠા કરીશ. 70ના દાયકાના કવિઓ સ્વરૂપની ખોજરૂપે વિસ્તરતી કવિતાના સહચરો રહ્યા છે. જાતને માંજવાની સભાનતા પ્રગટાવનારા ઉત્તર આધુનિક કવિઓની, જે અમારી કવિ પેઢી થઈ એમાં હરીશ મીનાશ્રુ પહેલું નામ છે. એ પછી યજ્ઞેશ દવે, દલપત પઢિયાર, વિનોદ જોશી વગેરે અનેક છે. આ બધા પોતાની મુદ્રા રચનારા કવિઓ છે. આ પૈકી વિલક્ષણ કાવ્યવિભાવના પ્રગટાવનારા મિનાશ્રુ એ મુખમંડળ જેવા કવિ છે. હરીશ મૂળ કબીરવંશી છે. ‘હું તો કબીર વડનો ટેટો….’ એમ તેઓ કહે છે. હરીશમાં પહેલો કવિપંથ પ્રવેશ્યો પછી સંતપંથ નિવસ્યો. કવિતા એમની પ્રકૃતિ છે. ભક્તિ એમની પરિષ્કૃતિ છે. આ હરીશ શાની ખોજમાં રહ્યા ? ક્યા કાવ્યાર્થને પ્રાપ્ત કર્યો ? એની વાત કરું. જાતને પરીક્ષણ કરતી વેળાએ જ એમને કાવ્યાર્થ ઊઘડતો આવે છે. એ વિષયવસ્તુને કવિ કાવ્ય-વ્યાપાર દ્વારા રચે છે અને પામે છે. મીનાશ્રુને સાચા કવિને હોય છે તેવી પોતાની અંદરની ગૂંચ ને દારૂણ સમસ્યા છે. ‘સ્તવનસ્થલિ’નામના કાવ્યમાં એમણે એ સમસ્યા મૂકી છે. એ સમસ્યા છે મૂળમાં પાછા ફરવાની. હરીશ કહે છે : ‘ઈશ્વરની રુંવાટી પર હું ઝાકળની જેમ બાઝ્યો, કિરણની આંગળી પકડીને હું પલકમાં મને વિસરી ગયો…..’ આ મને વિસરી જવાની વાત છે. પોતાના સાહેબને વિસરી જવું એ એમની સમસ્યા છે. એમાંથી આ કવિતા પ્રગટે છે. જગત, નારી અને કવિતા તરફ એમના મનમાં દ્વંદ્વ જન્મે છે, અંતે વૈરાગ્ય ભાવ જાગે છે અને એ તરફ એમનું કવિત્વ વિકસે છે. બીજી તરફ ભક્તિ, મુક્તિ અને સદગુરુ એ તરફ એમનું કવિત્વ ઢળે છે. એમનામાં ભર્તુહરિમાં છે એવો દ્વંદ્વ ભાવ છે. એમણે કહ્યું પણ છે કે કવિતા એ મારી ઘૂંટાયેલી વાસના છે. ઉપનિષદની આભા ધારણ કરતી ગુજરાતી કવિતાનું શીખર મીનાશ્રુએ રચ્યું છે. ધીરજપૂર્વક એ સમસ્યાના મૂળને સમજવા મથે છે. ધીમે ધીમે કરતાં એમનો કાવ્યાર્થ ધીર, ગંભીર, ગહન, નિર્મળ અને વિકસિત થાય છે. જગત, નારી અને કવિતા તરફ આરંભનો તેમનો જે આક્રોશ છે તે ધીરે ધીરે વિષાદ અને કરુણામાં રૂપાંતરિત થાય છે. જ્યારે એમ થાય છે ત્યારે તે આપણા પરિપક્વ કવિરૂપે નીપજી આવે છે. બહુ ઓછા લોકો આવી રીતે કરે છે. એમનો આ સૂર મહત્વનો છે.’

અજિતભાઈએ તેમના કવિકર્મ વિશે વાત કરતાં આગળ જણાવ્યું હતું કે : ‘એમની કવિપ્રકૃતિ કેવી છે ? મીનાશ્રુ એ વિદગ્ધ કવિ છે એમ હું સંસ્કૃત મીમાંસાના શબ્દો વાપરીને કહી શકું. એ વિચિત્ર કાવ્યરચનામાર્ગના કવિ છે. એટલે કે અતિશય સુંદર, આંજી દે એવી રચના માર્ગના એ કવિ છે. એવો કવિ શું કરે ? સરળમાં રહેલા અટપટાપણાને તે શોધી કાઢે. સપાટમાં રહેલી ગહનતાને શોધી કાઢે. પરંપરામાં નિહિત નવોન્મેષને ક્રિડા કરતાં કરતાં એ પ્રકાશિત કરે છે. એ ભાષા, કાવ્યસ્વરૂપો, કથાનકો અને પાત્રો આ બધી વસ્તુનું મંજન કરે છે, ભંજન કરે છે અને વ્યંજન કરે છે. એમણે ‘ધ્રીબાંગસુંદર’ કવિતાઓ રચી છે. પુરાણપાત્રો અને કથાઓને નવા અર્થઘટન, નૂતન ભાવ આભાથી આચ્છાદિત કરી દે છે. જેમ કે ‘ખિસકોલી’ અને ‘શબરી’ને રામની પ્રેયસી રૂપે એ ઘટિત કરે છે. ‘ધ્રીબાંગસુંદર’ નામનું એક સુંદર પાત્ર એમણે રચ્યું છે. તેમણે અછાંદસ કાવ્યને ‘યાદુચ્છાંદસ’ એમ નવું નામ આપ્યું છે જેનો અર્થ થાય છે ‘પોતાની ઈચ્છાથી છંદ-અછંદ કરવા તે.’ બહુ પ્રાજ્ઞ કવિ છે અને કવિતાના વિવેચક પણ છે. એ લાક્ષણિક કવિ છે. એ બહુ જાણીતા હોય એવા કથાનકો, લપટા પડી ગયેલા છંદોલય વગેરેનો બાધ રચે છે. એ પછી હરીશ સહેજ આગળ ચાલે છે. ‘પંખીપદારથ’, ‘નારંગી’, ‘સાપુતારા’, ‘ગૃહસ્થસંહિતા’ આ બધા કાવ્યસંગ્રહોમાં તેમની અભિધા પ્રાંજલ બને છે અને ધ્વનિની નિષ્પતિ થાય છે. તે શબ્દક્રિડાના લુબ્ધકવિ છે. ‘રણશિંગુ’ બહુ જાણીતો શબ્દ છે એ પરથી એમણે પૃથ્વી માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે ‘રજકણશિંગુ’. નવનિર્મિત શબ્દના આ કવિ છે. ‘નીલાંબરી’ શબ્દ તો આપણે વાપરીએ છીએ, પણ એમણે એમની કવિતામાં ‘નીહલાંબરી’ શબ્દ વાપર્યો છે. એટલે કે નાસ્તિકવાદ. ‘રોમેન્ટીક’નું ‘રોમ-એન્ટિક’ એવું કરે છે. આમેય રોમ શહેર એન્ટીક જેવું જ છે !

હરીશ કવિતાનું શીર્ષક કાળજીથી યોજે છે અને એની નીચે એક નાની પંક્તિ મૂકે છે. આ તેમની વિશિષ્ટતા છે. એ રીતે કવિતાનો સૂર સેટ કરે છે. બહુ પ્રાજ્ઞ કવિ છે. આદિ અને અંતમાં એકની એક પંક્તિની પુનરાવૃત્તિ કરે છે. મને એમની જે મર્યાદા દેખાય છે તે વાત પણ હું કરીશ. એમની આરંભની જે રચનાઓ છે એ પૂર્વનિર્ધારિત વિચારોથી સંચલિત થાય છે એમ મને લાગ્યું છે; જે કાવ્યવ્યાપારને સ્ખલિત કરતી હોય એમ લાગે છે. તેઓ વાગાડંબર રચતા લાગે છે. હું એમ માનું છું કે કવિ પહેલેથી કંઈ નક્કી ન કરે. કવિતા તો પદે પદે રચાતી આવે. શક્ય છે કે હું ખોટો પણ હોઉં અને કવિઓ હંમેશા વિવેચકોને ખોટા પાડે છે. જો એવું થશે તો મને આનંદ થશે. ઉપનિષદની આભા પ્રગટે એવા ‘નારંગી’ અને ‘પંખીપદારથ’ કાવ્યસંગ્રહોમાં તેમણે એવા કાવ્યો આપ્યા છે.

હરીશની કવિતાના જે તબક્કાઓ છે એમાં પહેલો તબક્કો ‘ધ્રીબાંગસુંદર’ કાવ્ય છે. ‘પ્રેયસી’ એ બીજી એમની બહુ જ સુંદર રચના છે જેમાં શબરીની ‘મીથ’નું નવઘટન થયું છે. ત્રીજું જે એમનું સ્થિત્યંતર છે તે એમનું ‘પ્રકૃતિ પદારથ’ અને ‘ભાવપદારથ’ છે. એના વિવિધરૂપો એમણે કંડાર્યા છે. એમનું ચોથું જે સ્થિત્યંતર છે એ છે ‘કબીરાઈ વાણી’ જે એમનામાં ઠરે છે અને પદપ્રાંજલિરૂપે પ્રગટ થાય છે. એમનું છઠ્ઠું સ્થિત્યંતર છે એ ‘પંખીપદારથ’ અને ‘નારંગી’ રચનાઓમાં જાય છે જે ગુજરાતી દાર્શનિક કવિતાના ઉત્તુંગ શિખરો રૂપે પ્રગટ થયા છે. એમનું જે સાતમું સ્થિત્યંતર છે એમાં એમણે શબ્દને ચિત્રિકરણના માધ્યમરૂપે યોજ્યો છે. એ સાપુતારા વિશેના ચિત્રકાવ્યો છે.’ આમ કહીને અજિતભાઈએ તેમના પહેલા સ્થિયંતરને સમજાવવા માટે ‘ધ્રીબાંગસુંદર’ કવિતા વાંચીને તેનું વિશ્લેષણ કર્યું હતું. એ પછી ‘પ્રેયસી’ કાવ્યસંગ્રહમાંથી શબરી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘રામ અને શબરીનો સંબંધ સામાજિક દ્રષ્ટિએ અમાન્ય છે પરંતુ સૂરતા અને પરમપુરુષ જેવો સંબંધ કલ્પીને હરીશ રામ-શબરીના સંબંધને પ્રતીતિ કર બનાવે છે. એમણે રામકથાને શ્યામકથાનું અંજન કર્યું છે. રામ અને કવિની ચેતના વચ્ચે સપ્તપદી રચાય છે. તેમાં ખિસકોલીની સૂરતાનું જન્માંતરે શબરીરૂપે વાયુની વંડી કૂદીને અવતરણ થાય છે. એમણે શબરી માટે ‘સબૂરી’ જેવો એક નવો શબ્દ વાપર્યો છે. ત્રીજું સ્થિત્યંતર છે એમાં પ્રેમ અને પર્જન્યસુક્તની થોડી વાત છે એટલે કે પ્રકૃતિની વાત છે’ એમ કહીને તેમણે હરીશ મીનાશ્રુના કેટલાક પ્રકૃતિ કાવ્યો સમજાવ્યા હતાં. એ પછી તેમણે ‘પંખીપદારથ’ કાવ્યસંગ્રહની કેટલીક કવિતાઓને વિસ્તારથી સમજાવી હતી. અંતે તેમણે કહ્યું હતું કે : ‘મહાભારતની દ્રોણાચાર્યની પરીક્ષાવાળી કથાનું ઉપનિષદ કથામાં તેમણે રૂપાંતર કર્યું છે. આવા અદ્દભુત કવિથી ધન્ય થવાય તે જ અભ્યર્થના.’

ત્યારબાદ કવિ શ્રી હરીશ મીનાશ્રુએ કાવ્યપઠનની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘હું પ્રકૃતિ પ્રમાણે લખવાવાળો કવિ. વિદ્યાર્થી પાછો વિજ્ઞાનનો એટલે ગુજરાતી ખાસ ભણેલો નહી ! હવે કવિતા વાંચું છું. આપણે જે કવિની જન્મશતાબ્દી નજીક પહોંચ્યા છીએ તે ઉમાશંકર. સુરેશભાઈએ કહ્યું કે ગીતની પહેલી પંક્તિ ઈશ્વર દીધી હોય. વાત સાચી છે કે ઈશ્વર એ પંક્તિ દે છે અને કવિ આગળ એનું ગીત લખી લેતો હોય છે. આ ગીત હું એટલા માટે વાંચું છું કે એની પહેલી પંક્તિ ઉમાશંકર દીધેલી છે. કવિતા લખતા થયા પછી એકવાર ઉમાશંકરને મળવાનું થયેલું. મને અંદરથી હંમેશા એમ લાગ્યું છે કે કવિતા એક બહિમુખ પદાર્થ છે. આરંભે અંતર્મુખ હોય પણ અંતે એનું પરિણામ બહિર્મુખ આવે. કવિતા લખવાથી કંઈ નિર્મળતા ઊભી ન થાય. એટલે કવિતા છોડવાની ઈચ્છા વારંવાર થયા કરે – આવી બધી વાતો ઉમાશંકર સાથે થયેલી. વાતવાતમાં ઉમાશંકરે એક પંક્તિ મને કહી : ‘સંતોને તો સર્વના નિત્યના નોતરાં….’ એ પ્રથમ પંક્તિ ઝૂલણાં છંદમાં રચાઈ.’ એમ કહીને હરીશભાઈએ તે કાવ્યનું પઠન કર્યું હતું.

તે પછી તેમણે જણાવ્યું કે, ‘હવે થોડી ‘ધ્રીબાંગસુંદર’ કવિતા વિશે વાત કરું. એ કાળે શબ્દનું આકર્ષણ હતું. એમાં વ્યંગ છે પણ વળી ક્યારેક આપણી પર જ વ્યંગ થતો હોય એમ લાગે. કવિતા નથી લખવી એમ જાહેર કરું, પાંચ વર્ષ સુધી ચૂપ રહું અને વળી પાછો કવિતા લખું ! એમાંથી ‘ધ્રીબાંગસુંદર’ થયું. તેમાનું એક ગીત વાંચું છું.’ એમ કહીને તેમણે ‘એક મનુષ્ય’ નામનું અછાંદસ કાવ્ય વાંચ્યું હતું. આગળ તેમણે જણાવ્યું કે, ‘પ્રેયસી કાવ્યસંગ્રહ વિશે અજિતભાઈએ એવું કહ્યું કે તે શબરીની કવિતા છે. વાત બરાબર છે, પણ એમાં રામ કે શબરીનું સીધું નામ ક્યાંય નથી આવતું. આ એ જમાનામાં લખાયેલી કવિતા છે જ્યારે આપણા મૂળ પાત્રોના નામ સાથે કવિતા લખવાનો રિવાજ હતો અને ઘણા આપણા સરસ કવિતાઓ એ પ્રમાણે લખતા. ત્યારે મને થયું કે મારે નામ વગરની એક કવિતા લખવી જોઈએ. એવા ખ્યાલ સાથે આ કવિતા કરેલી. એમાં શબરીનું નામ તો ક્યાંય આવતું જ નથી. એ રામ અને શબરીની કથા નથી પણ એ તો પ્રેયસીની વાત છે. એમાં ખરેખર તો રામના જીવનમાં આવેલી તમામ નારીઓનું ચિત્રણ છે’ એમ કહેતાં તેમણે તે કવિતા વાંચી સંભળાવી હતી અને ત્યારબાદ ‘પ્રેમસુક્ત’ કાવ્યસંગ્રહમાંથી પણ કેટલાક ગીતોનું પઠન કર્યું હતું. તેમણે પઠન કરેલી એક ગઝલમાંથી કેટલાક શેર કંઈક આ પ્રમાણે હતાં :

એટલું સત તો ક્યાંથી લાવું હું
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું

તું ચલાવી લે કોરી વસિયતથી
માલમિલકત તો ક્યાંથી લાવું હું

એમણે અંગૂઠો બતાવ્યો તો
દસ્તખત તો ક્યાંથી લાવું હું

શબ્દઝૂકી સ્વયં સલામ કરે
એવી ઈજ્જત તો ક્યાંથી લાવું હું

સાવ ચિમળાયેલું સફરજન છે
પેલી લિજ્જત તો ક્યાંથી લાવું હું

એના ખડિયામાં માત્ર ખૂશબૂ છે
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું જ હું

અંતેમાં તેમણે ભજનના છંદનું ગઝલમાં રૂપાંતર કરતી એમની રચના ‘એક ઘૂંટડો આપો ઘટ નહીં માગું…’નું પઠન કરતાં કહ્યું હતું કે ‘છંદશાસ્ત્રના અભ્યાસીઓએ આ બધું જોવું જોઈએ કે આપણા ભજનના છંદમાંથી કેવી સરસ રીતે સરકી જવાય છે.’ છેલ્લે તેમણે ‘ગૃહિણી’ કાવ્યસંગ્રહામાંથી પણ કેટલીક કવિતાઓનું પઠન કર્યું હતું.

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-4]

મધ્યાહ્ન ભોજન અને વિશ્રામબાદ બીજા દિવસની બીજી સંગોષ્ઠિનો પ્રારંભ થયો હતો, જેનો વિષય હતો : ‘મારી અભિનયયાત્રા’. અસ્મિતાપર્વમાં આ નૂતન વિષયને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં જાણીતા કલાકારો – રૂપા દીવેટિયા, સરિતા જોશી અને ઉપેન્દ્ર ત્રિવેદીએ પોતાની અભિનયયાત્રા વિશે વિસ્તારપૂર્વક વક્તવ્ય રજૂ કર્યું હતું. સંગોષ્ઠિનું સંચાલન કવિ શ્રી વિનોદ જોશીએ કર્યું હતું.

સંગોષ્ઠિના પ્રથમ વક્તા રૂપાબેન દીવેટિયાએ અશ્રુધારા સાથે પોતાનું વક્તવ્ય રજૂ કરતાં વાતાવરણ ગંભીર બની ગયું હતું. તેમના જીવનના કેટલાક કરુણ પ્રસંગોએ ઉપસ્થિત શ્રોતાજનોની આંખો ભીંજવી દીધી હતી. તેમણે પોતાની વાતનો આરંભ કરતાં કહ્યું હતું કે : ‘અસ્મિતાપર્વમાં વિવિધ કલાઓને આવરી લઈને બાપુએ ગુજરાતી કલા-સંસ્કારને જે માન આપ્યું છે એ માટે બાપુને પ્રણામ. અહીં ‘અભિનયયાત્રા’માં મને બોલાવી છે એ માટે હું આપ સૌની આભારી છું. અહીં ઉપસ્થિત આદરણીય ઉપેન્દ્રભાઈ અને સરિતાબેનને સાંભળવા હું પણ એટલી જ આતુર છું જેટલા આપ સૌ આતુર છો. એમની સામે હું શું બોલું ? એમની સામે જોતાં જોતાં તો હું મોટી થઈ છું. એમને જોઈને હું ઘણું બધું શીખી છું. એ લોકો તો જ્યોર્તિધર છે, જ્યારે હું તો મારી નાનકડી એક દીવડી લઈને આવી છું. હું સરિતાબેન અને ઉપેન્દ્રભાઈને વંદન કરું છું અને આજ્ઞા માગું છું કે હું મારી વાત સંભળાવું. મેં મારી અભિનયયાત્રાને દીવડી સાથે સરખાવી કારણકે એ નાનકડી દીવડી મારા ઘરના ઉંબરે સળગે છે; જે મારા ઘરને અંદરથી અને બહારથી પ્રકાશ આપે છે. મારો અભિનય મારા આર્થિક ઉપાર્જનની સાથે સાથે આનંદનો વિષય પણ છે.’

પોતાની અભિનયયાત્રાની શરૂઆત વિશે રૂપાબેને જણાવ્યું હતું કે, ‘ખૂબ નાની હતી હું. મારા ફોઈ દામિની મહેતા જે એ વખતના જાણીતા અભિનેત્રી હતા; એ વખતે એમને રેડિયો નાટક માટે નાના બાળકનો રડવાનો અવાજ જોઈતો હતો. મારા ફોઈ મને ત્યાં રેડિયો નાટક માટે લઈ ગયા. બધી તૈયારીઓ થઈ ગઈ. એ લોકોએ મને ત્યાં સ્ટુડિયોમાં બેસાડી દીધી અને બધાં ચાલ્યા ગયાં. એ લોકોને લાગ્યું કે કદાચ હું એકલી પડીશ તો રડીશ પણ ના, હું ના રડી. એ સતિશકાકા કરીને રેકોર્ડિસ્ટ હતા. એમણે આવીને મને ગભરાવી કે ‘અંધારી કોટડીમાં પૂરી દઈશ.’ તો હું હસવા માંડી. ના છૂટકે મારા ફોઈએ મને જોરથી ચૂંટલો ખણ્યો અને હું રડી. હું રડી અને બહાર સ્ટુડિયોમાં મારા ફોઈ રડતા હતા.’ રૂપાબેને ચોધાર આંસુએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, ‘બસ, શરૂઆત થઈ ગઈ અભિનયયાત્રાની ! મને યાદ નથી કે મારા પોતાના રડવાનો અવાજ સાંભળીને હું ખુશ થઈ હતી કે દુ:ખી. મને ખબર નથી. પણ કદાચ આટલા અનુભવો પછી લાગે છે મને કે વિધિનો ઈશારો હતો કે મારી ભાવી કારકિર્દી શું છે.

ત્યારબાદ ગુજરાતમાં પ્રચાર-નાટકો ચાલતા હતાં. એ વખતે ‘હરિશ્ચંદ્ર-તારામતી’ નામનું નાટક ગામેગામ ચાલતું હતું. અમારે એક ગામથી બીજે ગામ જવાનું અને નાટક ભજવાનું. રાત્રે રોકાવાનું અને વળી પાછું આગળ જવાનું. ત્રણ વર્ષની મારી ઉંમર હશે કદાચ. ત્યારે હું રોહિતનો રોલ કરતી હતી. બહુ સુંદર યાદો નથી કારણ કે કંઈ ખબર જ નહતી કે શું હતું ! એટલી ખબર હતી કે સ્ટેજ પર જવાનું, રમવાનું અને સૂઈ જવાનું ! વળી, સૂઈ જવાનું એટલા માટે કારણ કે પેલા રોહિતને નાગ કરડે એટલે મરી જાય. બસ, આ એક નાનકડો અનુભવ અને પછી શાળા. ક્યારેય વિચાર્યું નહોતું કે હું અભિનેત્રી બનીશ. શાળામાં તો હું બેડમિન્ટન રમતી, હોકી રમતી… મને બહુ ઈચ્છા હતી કે હું આંતરાષ્ટ્રીય લેવલ પર બેડમિન્ટન રમું. પરંતુ ઉપરવાળાએ મારા માટે કંઈક બીજું જ સર્જ્યું હતું. શાળા પણ એવી મળી જે મને મદદ કરે. અમદાવાદની એ સ્કૂલનું નામ ‘વિદ્યાનગર હાઈસ્કૂલ’. અમારા આચાર્ય શ્રી કપાસી સાહેબ પોતે નાટકમાં કામ કરે. મારા ગુજરાતી ભાષાના ગુરુ સ્વ. વિનોદ જાની. એમનું ‘પ્રિત, પિયુ અને પાનેતર’ નાટક બહુ જ વખણાયું. આ બધું જ મને ક્યાંક ને ક્યાંક આકર્ષતું હતું. મને આ ક્ષેત્રમાં ખેંચવાનો પ્રયત્ન કરતું હતું. એ પછી તો ઘરમાં પણ નાટકનું વાતાવરણ અને શાળામાં પણ ! પછી તો નિયમ થઈ ગયો. સવારે સાત વાગ્યે ઊઠીને સ્કૂલે જવાનું, એક વાગ્યે ઘરે જવાનું અને ત્યાંથી સીધા ‘દર્પણ’માં. ‘દર્પણ’માં મેં શ્રીમતી મંજુ મહેતા સાથે સિતારની તાલીમ લીધી. ત્યાં ‘પપેટ’ પણ શીખી. રાત પડે બધા સાહિત્યકારો ભેગા થાય અને પ્રયોગશીલ નાટક કરે. માધવભાઈ રામાનુજ અહીં બેઠા છે તે સાક્ષી છે. લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મધુ રાય – એ બધાંના નાટકોનાં જુદા જુદા પ્રયોગો. એ બધામાં મને નાનું-નાનું પાત્ર કરવા મળતું. એ વખતે ચીમનભાઈ નાયક, જે મારા ગુરુ છે, એમની પાસે બે વર્ષ મેં ભવાઈની તાલીમ લીધી. ગુજરાતની લોકકલા ભવાઈ હવે વિસરાઈ રહી છે. હવે માત્ર અમે ચાર જ કલાકારો એવા છીએ જે ભવાઈ વિશે થોડું જાણીએ છીએ અને કરીએ પણ છીએ. એ ભવાઈની તાલીમ બાદ, માધવભાઈએ બહુ સુંદર ભવાઈનો વેશ, આજના લોકોને સમજાય એ રીતે લખ્યો. એનું નામ ‘જસ્મા ઓડન’. એમાં મેં સૌ પ્રથમવાર મુખ્ય રોલ કર્યો જસ્માનો. બસ, એ સ્વર્ગની અપ્સરાથી ઓડકન્યા સુધીની મારી સફર હવે અવિરતપણે ચાલતી જ રહી છે. ‘જસ્મા’ કરવાની બહુ મજા આવી કારણ કે એમાં ગીત, સંગીત, અભિનય અને નૃત્ય એમ બધા જ પ્રકારો ભેગાં હતાં. અમે જાતે ગાતા હતાં અને જાતે ડાયલોગ બોલતા હતાં.’

પોતાની અભિનયયાત્રા વિશે આગળ તેમણે જણાવ્યું હતું કે : ‘લગભગ 1972ની સાલમાં વિક્રમ સારાભાઈએ પીજ કેન્દ્ર ખોલ્યું. એમાં મને પહેલીવાર ટેલિવિઝનનો કેમેરા ફેસ કરવા માટે મળ્યો. એ વખતે અમે દસ્તાવેજી ચિત્રો બનાવતા હતાં. એમાં મેં ભૂમિકા કરી. એટલામાં ‘અમદાવાદ દૂરદર્શન’ની શરૂઆત થઈ. ત્યાં મેં પ્રોડકશન આસિસ્ટન્ટ તરીકે નોકરી પણ કરી જેથી એડિટીંગથી માંડીને છેક ટેલિકાસ્ટ સુધીની દરેલ ટેકનિકલ બાબતો હું સમજી શકી છું. સંઘર્ષનો સમય હતો એટલે નોકરી પણ કરી અને સાથે સાથે જ્ઞાન પણ મેળવ્યું; જે જ્ઞાન મને આજ સુધી ઉપયોગી થઈ રહ્યું છે. એ વખતે કોમર્શિયલ સિરિયલો શરૂ થઈ અને મારી પહેલી સિરિયલ ‘હુતો-હુતી’ શરૂ થઈ. અલગ અલગ પાત્રો અને હું એક રાધા. આજે ઘણા બધા લોકો મહેસાણામાં પણ મને ‘રાધા’ જ કહે છે. એ રીતે મારી ટેલિવિઝનની કારકિર્દી શરૂ થઈ. એ પછી રેડિયો પર પણ નાટકો ભજવ્યા. આજ દિન સુધી મને રેડિયો પર કોઈ બોલાવે તો હું પહેલા જઉં છું. ત્યાં મારી ઓળખાણ થઈ તુષાર શુક્લ સાથે. આજે અમારા ત્રણ દાયકાના સંબંધમાં મને એમનો ખૂબ સાથ મળ્યો છે. મારા લગ્નની કંકોત્રી પણ તુષાર ભાઈએ જ લખી હતી. લગ્ન પણ એક નાટક જેવું જ થઈ ગયું હતું ! એ વખતે સી.સી. મહેતાને ગૌરવ પુરસ્કાર આપવાનો હતો. વસુબહેન ભટ્ટ આકાશવાણી પર હતા. એમણે સી.સી.કાકાએ લખેલું ‘શાકુંતલ વિદાય’ ભજવવાનું નક્કી કર્યું. એમાં ક્ષેમુ દીવેટિયાનું સંગીત, શકુંતલાનો અવાજ સુધા દીવેટીયાનો અને સ્ટેજ પર શકુંતલા તરીકે હું. એ ‘શકુંતલા’ પછી મિસિસ કુંતલ દીવેટિયા બની. હું દીવેટિયા ફેમેલીમાં શકુંતલા બનીને ગઈ અને શકુંતલા જ બની ગઈ. મારા સસરા ક્ષેમુ દીવેટીયા.’ તેમણે બાપુને સંબોધન કરીને કહ્યું હતું કે, ‘બાપુ, આ ક્ષણે મને એક ખાસ વાત કહેવાનું મન થાય છે કે આ ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું….. પપ્પાના છેલ્લા દિવસોમાં જો એમના ચહેરા પર એક ખુશી હોય તો એ બાપુને કારણે. એમના ગુજરી ગયા પહેલાં એમને અવિનાશ એવોર્ડ આપવામાં આવ્યો અને પપ્પા બહુ જ ખુશ થયા. એમની જિંદગીનું અંતિમ સંભારણું એ લઈને ગયા. બાપુ આપનો આભાર.’

તેમણે આગળ જણાવ્યું હતું કે : ‘અમદાવાદ દૂરદર્શનની સિરિયલો ચાલતી હતી ત્યારે મારા પતિએ પણ મને સાથ આપ્યો. એ પોતે તબલા વગાડતા હતાં. ખાસ કરીને મારા માટે તેઓ ભવાઈના ઠેકા પણ શીખ્યા અને અમે લોકો બધા સાથે મળીને ભવાઈના કાર્યક્રમો કરતા હતા. અલગ અલગ વેશ કરતા હતા. અમદાવાદ દૂરદર્શનમાં એ પણ મારી સાથે ‘સાઉન્ડ રેકોર્ડીસ્ટ’ તરીકે જોડાયા અને કોર્મશિયલમાં ‘સાઉન્ડ રેકોર્ડિસ્ટ’ બન્યા. આમ, અમે લોકો બહુ લહેરમાં હતાં. એ વખતે ગુજરાતી ટીવી સિરિયલોના કલાકારોને બહુ માન મળતું હતું. અલગ અલગ કાર્યક્રમોમાં બોલાવે અને ફોટા પાડે. થોડુંક અભિમાન પણ થતું હતું હોં ! બધા લોકો ઓળખે અને આપણને જુએ તો કહે કે જો જો રાધા જાય છે ! એ બધા દિવસો આનંદના હતાં. અચાનક અમદાવાદ દૂરદર્શનની ઓટ આવી ગઈ ! કોમર્શિયલ ચેનલો જેવી કે ઝી ટીવી અને સોની ટીવી શરૂ થઈ ગઈ. નાટ્યપ્રવૃત્તિમાં મુંબઈએ ગુજરાતના નાટ્ય કલાકારોને માત આપી દીધી અને ના છૂટકે પરિવાર, ઘર, આપ્તજનો – બધાને છોડીને મારે અને મારા વરે મુંબઈ સેટલ થવું પડ્યું. એ પણ સંઘર્ષના દિવસો હતાં. અમદાવાદમાં ‘રૂપા દીવેટિયા’ નામે તો રિક્ષાવાળો પણ ઓળખે અને મુંબઈમાં સાથી કલાકાર પણ ના ઓળખે. બસના ધક્કા, ટ્રેનોના ધક્કા, ઉકળાટ અને પરિશ્રમ. પતિ-પિતાનું મોટું ઘર, નોકર-ચાકર, સાસુ-સસરા, પરિવાર બધું છોડીને એક નાનકડાં એક રૂમના ફલેટમાં ! સામે પતિ ઊભો હોય તો અથડાય ! એ અથડામણમાં ફરીથી એકડે-એકથી શરૂઆત કરી. બહુ મહેનત કરી. બહુ ધક્કા ખાધાં. હું સવારે નોકરી કરતી કારણ કે એમ કંઈ રોલ ના મળે. મારે નોકરી કરવી પડતી હતી. પતિ ટેકનિશિયન હતા એટલે એમને તો કામ મળી જાય. ઘરમાં ફોન પણ નહોતો. મોબાઈલનો તો જમાનો હતો જ નહિ. ચિઠ્ઠીઓ પર જીવન ચાલતું હતું. ‘હું કાલે સવારે સાત વાગ્યે જવાનો છું કદાચ રાત્રે નહીં આવું, જમી લેજે….’, ‘હું આજે નાટકનો-શૉ મુલુંડ હોવાથી રાત્રે ત્રણ વાગ્યે આવીશ હોં, તું પણ જમી લેજે….’ – આમ નવા જીવનની શરૂઆત થઈ. ઘણું બધું ગુમાવવું પડ્યું. સમય હતો માતૃત્વનો પણ શરૂઆત ફરીથી કરી હતી એટલે સ્ત્રીનું સૌથી મોટું મહામૂલું ઘરેણું મેં ના સ્વીકાર્યું.’

મુંબઈમાં મારું સૌથી પહેલું નાટક ‘શિકસ્ત’. આડકતરી રીતે સૂચન હતું કે આ બધાને શિકસ્ત આપીશ અને હું બતાવી દઈશ કે હું મુંબઈમાં રહી શકું છું. એ પછી તો નાટકોનો દોર ચાલ્યો. સૌથી સારી અને મોટી તક ‘બા રિટાયર્ડ થાય છે…..’ નાટકમાં મળી. લોકોએ મને ઓળખી જે ગમ્યું. થોડુંક અભિમાન પણ થયું કે ‘હા, હવે હું મુંબઈમાં રહી શકીશ.’ મુંબઈએ મને અપનાવ્યું. દરિયાનું ખારું પાણી મને સદી ગયું ! નાટકોની નામનાને કારણે તેમજ લોકોની ઓળખાણોને કારણે મને ‘બાલાજી ટેલિફિલ્મસ’માં સૌથી પહેલીવાર બ્રેક મળ્યો, ‘ઘર એક મંદિરમાં’. બહુ જ વૈવિધ્યપૂર્ણ પાત્ર હતું. લોકોને ખૂબ ગમ્યું. એ પછી સિરિયલોનો દોર ચાલ્યો : ‘કળશ’, ‘કસ્તી’, ‘કહાની’, ‘ક્યુંકિ….’, ‘કુસુમ’, ‘કસોટી જિંદગી કી…’ – આ બધી કસોટીઓ જિંદગીની ચાલ્યા જ કરી…. જે હજી સુધી ચાલ્યા કરે છે. સિરિયલોની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ નાનું મોટું કામ કર્યું. હા, વર્ષમાં બેવાર ગુજરાતી ફિલ્મ કરવા હું આવતી હતી કારણ કે જ્યારે બહુ થાકી જતી હતી ત્યારે મને મારું ગુજરાત યાદ આવતું હતું. આજ દિન સુધી મારી કોઈ પણ હિન્દી સિરિયલો ચાલતી હોય પણ મારી એક ગુજરાતી સિરિયલ ચાલુ રાખવાનો પ્રયત્ન હું હંમેશા રાખું છું કારણ કે મારી ઓળખ ગુજરાતી છે. હમણાં કોઈકે મને પૂછ્યું હતું કે તમે ક્યાંના ? મેં કહ્યું અમદાવાદની. મને તેઓ કહે કે તમે કહી દીધું કે અમદાવાદના છો ? મેં પૂછ્યું કેમ ? એ કહે કે લોકોને એમ કહેતા શરમ આવે છે કે અમે અમદાવાદના છીએ. મેં કીધું કે મને એટલું ગર્વ છે કે હું ગુજરાતી છું અને અમદાવાદની છું.

એ પછી સિરિયલો અને નાટકોનો દોર ચાલ્યો. આ સનસનાટી જેવા જીવનમાં તાલીઓનો શોર એવો ગર્જાયો કે એનો શોર કાનમાં ધબધબી ગયો. ક્યારેક બહારથી કોઈ સાચી સલાહ આપે કે અંદરનો માંહ્યલો કંઈક કહેવાનો પ્રયત્ન કરે તો પણ સાંભળવાનું મન ન થાય. સમજણ નહોતી પડતી કે સચ્ચાઈ શું છે ? ફોટોગ્રાફ-ઓટોગ્રાફનું સુખ પણ મળ્યું છે પરંતુ તેની કિંમત પણ ચૂકવવી પડી છે. કહે છે ને કે કશું મેળવવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે.

અમે લોકો એક નાટક કરતા હતા ‘સૈયર તું આવે તો જાણું…..’ એમાં હું એક હસમુખી ભાભીનો રોલ કરતી હતી. એટલામાં સમાચાર આવ્યા કે મારા પપ્પા ગુજરી ગયા. તાબડતોબ અમદાવાદ ગઈ. અમે માત્ર બહેનો હોવાને કારણે અગ્નિસંસ્કાર મારે જ કરવો પડ્યો. અગ્નિસંસ્કાર કરીને સીધી હું મુંબઈ આવી અને કોમેડી નાટક કરતી હતી. મને લાગે છે કે કલાકારોના જીવનમાં આવી ક્ષણો તો આવતી જ હોય છે. આ જ આપણી જિંદગી છે ! એટલી બધી ગમતી વસ્તુઓ છે, એટલી બધી ન ગમતી વસ્તુઓ છે, પણ જે કંઈ છે એ બધું મારું છે. મારું અંગત છે. મારું પોતાનું છે. આજે તમારા લોકોની સાથે આટલું બધું ખૂલીને વાત કરું છું તો એમ થાય છે કે જીવનમાં કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ. આ ચાળીસ વર્ષની મારી અભિનય કારકિર્દીમાં કેટલા બધા ઉતાર-ચઢાવ, આનંદનાં પ્રસંગો, દુ:ખનાં પ્રસંગો આવી ગયા પરંતુ હજી હું ત્યાંની ત્યાં જ છું. મને પણ ક્યારેક મન થાય છે કે હું એક ગૃહિણી હોઉં. મારું ઘર હોય. મારા પાળેલા કુતરાઓ હોય. બધું મને ગમતું હોય. કશું ન ગમતું હોય એ વાત જ ન હોય. ગ્રીષ્મનો વાયરો હોય અને હેમંતની હૂંફ હોય. વસંતપંચમીએ બાંધણી ઓઢીને હું પણ લહેરાઉં…. પરંતુ વિચાર કરું છું તો એમ લાગે છે કે આ બધું શક્ય છે ? ટ્યૂબલાઈટનું અજવાળું એ ટેલીવિઝનની લાઈટો અને તકતા પરના પ્રકાશ આયોજન સામે ઝાંખુ જ પડવાનું ! ‘એકશન’, ‘કટ’, ‘રીટેક’ આ બધા મારા માટે મંત્રો થઈ ગયા છે. એની સામે ક્યારેય મને કોયલનો ટહુકાર સંભળાશે ? રસોડામાં વાગતી કૂકરની સીટી સંભળાશે ? હીંચકા પર બેસીને ઝૂલતા કચુડાનો અવાજ સંભળાશે ? હવે નહીં…. નહીં સંભળાય મને…..’ આંસુભરી આંખે તેમણે સમાપન કરતાં કહ્યું હતું કે : ‘કદાચ થોડું વધારે બોલી હોઉં તો માફ કરજો. ઘણું બધું અણગમતું છે. ભૂલી જવાનો પ્રયત્ન કરું છું પણ અણગમતું હોય છે ને એ છેક અંદર સુધી ઊતરી ગયું હોય છે અને જે ગમતું હોય છે તે ભુલાઈને સુગંધાય છે. એટલે ગમતા-અણગમતાના આટલા ચક્રમાં મારા આટલા વર્ષો મેં પસાર કરી નાખ્યા છે. પરંતુ આજે એક વાતનો બહુ આનંદ છે કે ‘પેકઅપ’ પહેલાં બાપુએ મને ‘મેકઅપ’ ઉતારવાની જગ્યા આપી છે. હશકારો છે અને એક આશીર્વાદ માગું છું કે મારો પડદો તકતાના પડદા પહેલા ન પડે. હું તકતા પર હોઉં અને મારો પડદો પડે. આપ સૌનો આભાર.’

રૂપાબેનના વક્તવ્યબાદ આ સંગોષ્ઠિના બીજા વક્તા જાણીતા અભિનેત્રી સરિતાબેન જોશીએ ખૂબ ઉમંગથી પોતાની વાતનો આરંભ કર્યો હતો. ‘ૐ પાર્વતી પતયે હર હર મહાદેવ’ મંત્રથી તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘આ મંત્રથી અમારી શરૂઆત હોય છે. મારા પતિ પ્રવીણ જોશી એક શબ્દ કહેતાં હતાં : ‘પ્રિય પ્રેક્ષક !’ મારામાં એ વખતે તે શબ્દ સમજવાની સમજણ નહોતી. એ તો તબક્કાવાર ખબર પડી. મારો તબક્કો શરૂ થાય છે રામાયણથી. હું વિચાર કરતી હતી કે તમારો-મારો નાતો તથા અભિનય કારકિર્દી ક્યારે-કેમ બદલાતી ગઈ, તબક્કાવાર તમે કેવા મારી પાસે આવતા ગયા અને ક્યારે મારા પ્રિય બની ગયા મને પણ ખબર ન પડી ! હકીકતે તો હું બાળકલાકાર છું અને હંમેશા બાળકલાકાર જ રહીશ. તમારું પ્રોત્સાહન ન હોય તો સાહેબ, આપણા તો કંઈ કામ ન થાય !

એટલે મારો તબક્કો શરૂ થાય છે કદાચ છ-સાત વર્ષની હોઈશ ત્યારથી. આમ તો નામ મારું ઈન્દુમતી. આજે ઘણાને ખબર છે છતાં કહી દઉં કે જન્મે મહારાષ્ટ્રીયન છું, વડોદરામાં ભણી પણ તેય બે-ત્રણ ચોપડા માંડ. ગુજરાતી બોલતાય નોતું આવડતું ! પરંતુ ક્યાંક કશું હતું મારામાં. એને (ઈશ્વરને) ખબર હતી. એ વખતે સંપૂર્ણ રામાયણ ભજવાતું. અમે નાના નાના છોકરાં. બે-ત્રણ આનાની ટિકિટ. હું સ્કૂલમાં ગાપચી મારીને ચાલી જાઉં. મને થોડું સ્વરમાં ગાતાં આવડે. કદાચ ઈશ્વરે જૂની રંગભૂમિમાં જવાની હોઈશ એટલે જ આ થોડું ગળું આપ્યું હશે. બાકી હું શીખી નથી. એ વખતે હું કુશનો અભિનય કરતી. મહારાણી શાંતાદેવી સ્કૂલમાં હું બીજી ચોપડીમાં હતી. મેં એકદમ રટી રટીને ગીત તૈયાર કરેલું. કુશના અભિનયથી મારા જીવનમાં પરકાયા પ્રવેશ શરૂ થયો. એ પહેલો તબક્કો. અત્યારે એ સંવાદો યાદ નથી પણ એ ગીત યાદ છે. કારણ કે એ મારા સંસ્મરણોમાં જુદી રીતે કંડારાયેલું છે.’ એમ કહીને તેમણે ‘ભારત કી એક સન્નારીકી હમ કથા સુનાતે હૈ…’ ગીત ગાઈ સંભળાવ્યું. અભિનયયાત્રાના પ્રવાહમાં તેમણે આગળ જણાવ્યું કે, ‘આ મારો પહેલો તબક્કો. એ પછી તો કહેવાય છે ને કે ઈશ્વર કંઈ તમારા માટે દુ:ખ આપે તે સુખ માટે આપતો હોય છે. એવી રીતે મારી સુખની શરૂઆત થઈ. એક રમણલાલ મૂર્તિવાળા હતા વડોદરામાં. મૂર્તિ કંડારતા હતા. હું સ્કૂલમાંથી જાઉં ત્યારે એ પેટી વગાડે અને હું ઊભી રહી જાઉં. એમણે મને જોઈ. મને કહે અહીં આવ બેબી. એ જમાનામાં અમારા ઘર પાસે સાધુબાવાઓ અલખ નિરંજન કરીને આવે ત્યારે એમના પગના ઘૂઘરા વાગ્યા કરે. એ રિધમ મને બહુ ગમે એટલે એવી રિધમ હું મારા પગ વડે વગાડતી રહેતી. પેલા મૂર્તિવાળા કાકા એ સાંભળી ગયા. એમણે મને કહ્યું કે મારા એક ગીત પર ડાન્સ કરીશ ? મને થયું…. ‘આય હાય, મારી મમ્મીને મેં પૂછ્યું નથી’ તો પણ એમને મેં હા જ પાડી દીધી. ઘરે જઈને મમ્મીને વાત કરી અને મમ્મીએ કહ્યું આપણાથી એવું ના જવાય. પછી મમ્મીને સમજાવી અને માંડ માંડ હા પાડી. એ મારો બીજો તબક્કો શરૂ થયો અને મેં તક્તા પર નૃત્ય કર્યું. એ ગીતના શબ્દોય એ વખતે મને સમજાતા નહોતા.

મારો જન્મ જૂની રંગભૂમિમાં થયો છે અને ‘સરિતા’ એ મને રંગભૂમિએ આપેલું નામ છે. હું ઋણી છું એ ગુજરાતી ભાષાની કે જેણે મને મોટી કરી, જીવાડી, ખૂબ બધું આપ્યું. કળા આપી સાથે મારા બાળકોનો ઉછેર પણ આપ્યો. મારા માટે મારી જસોદામા એટલે ગુજરાતી ભાષા. દેવકી મારી મરાઠી. મને લોહી નીકળે એ પણ ગુજરાતી જ હોય. મને ઘણા મરાઠીઓ કહે કે તું કેવી છે ? આપણી ભાષાનું તને કંઈ યાદ જ નથી ? મેં કહ્યું કે જે છે તે આ છે, ભાઈ ! મને એમ થાય છે કે કોઈ પણ મનુષ્ય માટે માનું ધાવણ એ એનો પહેલો સંસ્કાર છે. બીજો સંસ્કાર એની સ્કૂલ હોય છે. મારી મા પછીની સ્કૂલ હતી આ તખ્તો. આ તખ્તાએ મને પોતાનું ધાવણ પાયું છે. એ મારી મા છે. એ માએ મને ખોળો ભરી ભરીને પ્રેક્ષકો તરફથી આનંદ આપ્યો છે. હું કેવી રીતે પ્રેક્ષકને પ્રિય લાગવા માંડી મને ખબરેય ન પડી.

એ વખતે જૂની રંગભૂમિ પર જે પ્રાર્થના થતી એમાં મોટે મોટેથી જેટલો દૂર સુધી અવાજ જાય એ રીતે પ્રાર્થના થતી. માસ્તરજી કહેતા કે છેલ્લી લાઈન સુધી અવાજ પહોંચવો જોઈએ. એ પ્રાર્થના હું કેવી રીતે બોલતી તે હું તમને કરીને બતાવું.’ એમ કહીને એમણે હાવભાવથી તે પ્રાર્થના ગાઈ સંભળાવી હતી. ત્યારબાદ તેમણે ઉમેર્યું હતું કે : ‘આ હું જે કરીને તેમને બતાવું છું એમાં હું પણ એટલો જ આનંદ મહેસૂસ કરું છું. એમાં પ્રાર્થના પછી આંખો ખોલીએ એટલે પ્રેક્ષકો તરફ નજર પડે. એમાં એક મારા કાજુવાળાકાકા હતા. કાળો ડગલો પહેરીને એના ખિસ્સામાં કાજુ લઈને આવે. માથે કાળી ટોપી. એ બીજી-ત્રીજી લાઈનમાં બેસે એટલે તરત દેખાઈ જાય અને દેખાઈ જાય તો ધીમેથી બોલી પડાય ‘કાજુવાળા કાકા’. એટલે પ્રાર્થનામાં જે દસ છોકરાઓ હોય એમને વાત પહોંચી જાય ! એ જે કાજુવાળા કાકા માટે અમે ઉત્સાહિત થઈએ એ અદ્દભુત દશ્ય હતું. આવી મારી રંગભૂમિ પરની શરૂઆત. એ વખતે નાનપણથી જ સેક્રિફાઈસ ! અવાજ જાળવવા માટે બરફ વગેરે નાનપણથી જ નહીં ખાવાનો. અત્યારે ટીવી સિરિયલમાં હું નાના-નાના છોકરાઓને જોઉં છું તો મને ગમતું નથી. કેમ આમ ? મજબૂરી હશે ?…… એ સમયે અમે મિડલ કલાસ ફેમેલીમાંથી. મારા પિતા બેરિસ્ટર હતાં. મૂળ દારેસલામના અમે લોકો પછી ગુજરાતમાં આવીને વસ્યા. અચાનક મારા ફાધર ગુજરી ગયા પછી અમારી સ્થિતિ લથડી. સાત છોકરાઓનું કુટુંબ. એમાંય મારો નંબર પાંચમો. પછી નાના ભાઈ બહેનો તો ખરા. પરંતુ મારામાં કળા આવી એટલે મને થિયેટરમાં લઈ ગયા. ગામડાઓમાં પણ અમે ફરતાં હતાં. એ કળા ભલે હોય પણ એમાં મારું બાળપણ ખોવાઈ ગયું. આજે એ મારું જિંદગીનું સૌથી મોટું દુ:ખ છે. મારા પતિ અને બાળકો મને બોલે કે ભણ્યા નથી તો શું થયું તમારી પાસે કળા છે. પરંતુ એ બધી તો બોલવાની વાતો. અંદર બહુ તકલીફ થાય છે. મને પણ ખૂબ બધું વાંચવું હોય છે. ભણતર ખોયાનું કોઈ પણ બાળકને મોટા થયા પછી દુ:ખ થાય. ઠીક છે. છતાંય, લાઈફ છે. અહીં બહુ બધુ મળ્યું છે તો થોડું ગુમાવવુંય પડે. નાટકોમાં હું લેખકોની ભાષા બોલતી થઈ ત્યારથી હું સુશિક્ષિત થઈ. એ સાહિત્યકારો પ્રભુલાલ ત્રિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લલાલ દેસાઈ – તે જમાનાના. જૂની રંગભૂમિમાં એક તાકાત હતી. એ લોકો ખૂબ સુંદર લખતા હતાં. જૂની રંગભૂમિમાં શબ્દોની જે તાકાત હતી તે અદ્દભુત હતી.

હવે તો આ કલાને બહુ ગ્લેમર નામ મળી ગયું છે. દરેકને સિરિયલમાં આવવું છે ! પરંતુ એક જમાનામાં ‘તરગાળો છે…’ એમ અમને કહેતાં. કોઈ છોકરા જોવા જાય અને છોકરો કહે કે હું નાટક કરું છું તો એમ કહે કે એ તો ઠીક પણ મૂળ કામ શું કરો છો ? નાણાં કેવી રીતે….? છોકરીવાળા કહી દે કે જા ભાઈ જા. પરંતુ હવે આજના જમાનામાં ?….. કોઈ કહે કે હું સિરિયલ કરું છું તો કહેશે વાહ ભાઈ વાહ ! શું વાત છે ! શાબાશ ! છોકરીને તરત કહે કે આને પરણી જા જા. પૂછેય નહીં કે કોણ છે અને શું છે. આ તફાવત હવે આવ્યો છે. તેમ છતાં નાનપણમાં જૂની રંગભૂમિના અશરફખાન જેવા મહાન કલાકારો સાથે કામ કરીને જે શિક્ષણ મળતું ગયું એ કળા માટે એ લોકોની હું આભારી છું.

નાટક એક એવો વિષય છે કે જે શિક્ષણ પણ આપે છે અને યાતના પણ આપે છે. સચ્ચાઈ તરફ દોરી જાય છે અને જ્યાં અભિનયની ઓછપ હોય, લખાણ કાચું હોય તો દરેક પ્રેક્ષક એને વખોડી શકે છે. એ પ્રેક્ષકનો હક છે. આ બધી વસ્તુ દુનિયામાં થતી હોય તો એ વિષયને લઈને નાટકો બનતા હતાં. ગુજરાતી રંગભૂમિનું એક ખૂબ જ પ્રચલિત નાટક છે ‘ગરીબ કન્યા.’ એમાં આ વિષય હતો. એમાં ગરીબની છોકરીને બહુ અન્યાય થાય છે. કોઈ પ્રેમમાં એને પાડે છે, બાળક પણ થાય છે અને એને છોડી દે છે. એ પછી તે એક આશ્રમમાં જાય છે. ત્યાં એક સરસ સંસ્કારી છોકરો હોય છે, તે એના પ્રેમમાં પડે છે અને બાળક સાથે એને સ્વીકારવા તૈયાર થાય છે. પણ એને નફરત થઈ ગઈ હોય છે. એ સમયે એમાં એક ગીત ગવાતું. આ બધા મારા તબ્બકાઓ છે. આવા નાટકોમાંથી હું ઘણું શીખતી ગઈ.’ એમ કહીને તેમણે ‘સરિતાને શોષનારા, સાગર બધા છે ખરા…..’ એ ગીત ગાયું હતું. એ સાથે તેમણે એવી ભાવના વ્યક્ત કરી હતી કે, ‘મને એમ થાય છે કે આવનારી પેઢીને કે વિદેશથી આવનારાઓને આ જૂનીરંગભૂમિનો પરિચય કોણ આપશે ? ટૂંકમાં, નાટકે મને ઘણું આપ્યું. ‘સંગીત નાટ્ય અકાદમી’નો એવોર્ડ મળ્યો, ગૌરવ પુરસ્કાર મળ્યો અને ગુજરાત જરા મોડે આવ્યું પણ એણે પણ મારું બહુમાન કર્યું. સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને નગરપાલિકાનો પુરસ્કાર મળ્યો.

આ મેં જૂની રંગભૂમિ તરફથી જે શિક્ષણ મળ્યું હતું તે તમારી પાસે મૂક્યું. હવે મારો તબક્કો આગળ વધ્યો. પ્રવીણ જોશી મારા જીવનમાં આવ્યા. ત્યારે મને પ્રેક્ષકનો નવો શબ્દ ખબર પડી તે એ કે ‘પ્રિય પ્રેક્ષક’. ‘સપ્તપદી’ નાટક મેં કહ્યું. એના લેખક તારક મહેતા હતાં. એમાં મેં બે પાત્રી નાટક કર્યું. એમાં નાગરની ભાષા હતી. એ બહુ સુંદર ભાષા હતી. એમાં દશ્ય એવું હતું કે એ જમાનાની લગ્નની પહેલી રાત્રી છે અને વરરાજા લેખક છે. નાટકમાં પ્રવીણ જોશી અને હું પાત્ર ભજવતા હતાં.’ એમ કહીને સરિતાબેને એ પાત્રનો થોડો અંશ ભજવીને બતાવ્યો હતો. આગળ તેમણે જણાવ્યું કે, ‘એ પછી નાટકોમાં અંતાક્ષરીરૂપે સરસ મજાની ગુજરાતી કવિતાઓ પણ આવી જતી. આવી અમારી રંગભૂમિની છટાઓ હતી. એ પછી તબક્કાઓ આગળ વધતા ચાલ્યા. પ્રવીણ ગયા. ઝરૂખો તૂટ્યો.’ તેમણે રૂપાબેનને સંબોધીને કહ્યું હતું કે, ‘હું માની શકું છું કે રૂપા તું રડી. હું પણ ‘મોસમ છલકે છે….’માં રડી જ હતી પણ જે પાત્રનો પરકાયા પ્રવેશ કરવાનો હોય એ પાત્રને હું બિરદાવું છું અને નમસ્તે કરું છું કારણ કે એ એની આમાન્યા છે. એ તમારે જાળવવું જ પડે. જ્યારે પ્રવીણ ગુજરી ગયા ત્યારે ‘મોતીવેરાણાં ચોકમાં’નું એક પાત્ર મારી સામે આવીને ઊભું રહી ગયું જે હતું ‘રામજી વાણિયા’નું. એમાં મારો મહિયારીનો વેશ હતો. મહિયારીનો વર એને છ-છ મહિના સુધી છોડીને ચાલી જાય. એ બિચારી અંદર અને અંદર મૂંઝાતી હોય પણ એની પાસે ગીતડાં હતાં એટલે એ જીવી જતી હતી. એનો વર એને કહે કે લોકો વાતું કરે છે કે તમને ગીતોનો વળગાડ છે. તે કહેતી કે કાંઈ નહીં, ગીતડાં મને જીવવાનો સાથ તો આપે છે. જીવાડે છે તો ખરા !….. પ્રવીણ ગુજરી ગયા ત્યારે મને એમ લાગ્યું કે હું કોઈ દિવસ કામ નહીં કરી શકું. નહીં જ. પરંતુ પાત્રો સામે આવીને ઊભા રહી જાય છે. નાટક ફક્ત નાટક નથી હોતું. એ પાત્રો તમને જીવાડે છે. હું માતા હતી ત્રણ છોકરાઓની. હું રડીને બેસી જાઉં તો એમનું પોષણ કોણ કરે ? એમને મારે ભણાવવાના હતાં. એ કેવી રીતે થાય ? ત્યારે તખ્તો બોલે છે મને કે હું છું ને સરિતા તારી માટે ! રડવું આવે છે પણ કલાકાર છીએ આપણે. આમ દર બે મિનિટમાં રડવાને સાચવું પડે. એક વાર દિલિપકુમાર નાટક ‘મોસમ છલકે…’ જોવા આવેલા. અરવિંદે નાટક કરેલું. છેલ્લો સીન હતો. એ છોડીને ચાલી જાય છે. પડદો પડ્યો અને હું રડવા લાગી. એકદમ આવીને મને ખોળામાં લઈને કહે કે ‘સરિતા, તું તો ઈતની અચ્છી આર્ટિસ્ટ હૈ, એસે રો દેગી તો કેસે કામ કરેગી, બેટા ?’ એમણે મને એટલું સુંદર રીતે સમજાવ્યું કે કલાકારમાં શું હોવું જોઈએ અને કઈ રીતે તમે પોતાને સાચવી શકો. એમણે કહ્યું, આ તારી કળા છે એને રિસ્પેક્ટ આપ. બસ, નીકળી જા એ પાત્ર માંથી. હવે તું સરિતા બની જા. આમ, આ બે મથામણ કલાકારોના જીવનમાં ચાલતા જ હોય છે.

ટૂંકમાં, પ્રેક્ષકો ! આ હસતાં રમતાં ક્યારે તમે મારા પ્રિય બની ગયા, તમારા સાથે આ નાટક માણતાં માણતાં બા પણ બની ગઈ. સંતુ માંથી સીધી બા ! એ પાત્રએ મને જીવંત રાખી છે. જ્યાં પણ જાઉં ત્યાં સંતુ નામે ઓળખાઉં.’ એમ કહી એમણે સંતુરંગીલીના ડાયલોગ બોલીને અભિનયની ઝલક બતાવી હતી. પોતાના વક્તવ્યનું સમાપન કરતાં તેમણે કહ્યું હતું કે : ‘આ તબક્કાઓ તમારી સાથે માણ્યા અને જીવી પણ ગઈ છું. પછી હું બા બની, જે તમે ટીવી સિરિયલમાં મને જોઈ. બાએ ઘણું આપ્યું. તમે પ્રેક્ષકોએ મને ઘણું આપ્યું છે. મને જીવાડી છે. મારા બાળકોના ભણતરથી માંડીને બધું કર્યું છે. દુ:ખ-સુખ એ મારી પોતાની વાતો છે, એ મારી પાસે રાખી છે છતાં કો’કવાર તમે પણ એમાં ભાગીદાર બની જાઓ છો ને સાચવી લો છો. બસ, અત્યાર સુધી મને સાચવી છે, મને સાચવી લેજો. અભ્યર્થના છે તમારી પાસે. આભાર.’

સરિતાબેન જોશીના વક્તવ્ય બાદ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાની અભિનયયાત્રા વિશે વાત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે : ‘સત્ય, પ્રેમ અને કરૂણાનો ઘોષ કરનાર પૂજ્ય સંત શ્રી મોરારિબાપુના ચરણોમાં વંદન. આ સંગોષ્ઠિના સંચાલક, સૌ વિદ્વતજનો, વિનોદભાઈ, પ્રસારણના માધ્યમથી આ કાર્યક્રમને નિહાળનાર હજારો પ્રેક્ષકો તથા આજના કુલ વક્તાના 2/3 બહેનો ! એટલે કે આદરણીય સરિતાબેન અને રૂપાબહેન. આપ સૌને પ્રણામ.

નાટક નેત્રોને શીતળતા આપનાર છે. આ હોમાત્મક યજ્ઞ છે. એમાં આયુષ્યના સમિધ હોમવા પડતાં હોય છે. સતત સાડા પાંચ દાયકાથી આયુષ્યના સમિધ હોમતાં હોમતાં મેં યાત્રા કરી છે; એક લેખક તરીકે, દિગ્દર્શક તરીકે, નિર્માતા તરીકે અને એક નટ તરીકે. મારી અભિનયયાત્રાનો આ પ્રવાહ ક્યારેક ઘોટાપૂરે વહ્યો છે, ક્યારેક મંદ ગતિએ તો ક્યારેક મંથર ગતિએ વહ્યો છે. ક્યારેક સપાટી પર પ્રવાહ દેખાતો નથી પણ કોઈ પિયાસી પટમાં વીરડો ગાળે તો મહુવાની નાળિયેરીનાં મીઠાં જળસમા પાણીની છાલકે છાલકે છલિયાં છલકાઈ જાય. કારણ કે ભીતરની સરવાણી ક્યારેય સુકાણી નથી. એક મિનિસ્ટર ક્યારેક ‘એક્સ-મિનિસ્ટર’ થઈ શકે છે પણ કલાકાર ક્યારેય ‘એક્સ-કલાકાર’ થતો નથી. એટલે જ આ બહુ આનંદનો વિષય છે. અભિનયયાત્રાની સાથે સાથે જીવનયાત્રા પણ જોડાયેલી હોય છે. એકલી અભિનયયાત્રાને તારવીને જોવી બહુ અઘરી છે. મારી અભિનય યાત્રામાં જ્યાં જ્યાં મેં ઉત્સવો ઉજવ્યા અને જ્યાં જ્યાં મેં પીડાઓ ભોગવી, જ્યાં જ્યાં અભિનય વિશેની સમજણ મેં મેળવી અને જ્યાં જ્યાં સૌંદર્ય જોવાનું હું ચૂકી ગયો છું, તેની ઝાંખી કરાવવા માટેનો આ ઉપક્રમ છે. એક રીતે ક્રિકેટની ભાષામાં કહીએ તો આ ‘એકશન રીપ્લે’ છે. જે થયેલું છે, જે કરેલું છે, જે તમે જોયેલું છે, જે તમે જાણેલું છે તે જ ફરી ફરી કહેવાનું છે. પણ આમાં ‘હાઈલાઈટ્સ’ હોય છે. ‘એકશન રિપ્લે’માં ઉત્તેજના ઓછી હોય પણ હાઈલાઈટ્સ હોવાને કારણે તૃપ્તિનો ઘૂંટ જેવું લાગે છે. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લ્હાવો !’

પોતાના બાળપણથી શરૂ કરતાં ઉપેન્દ્રભાઈ કહ્યું હતું કે : ‘મૂળ અમે સાબરકાંઠાના. ઈડરની તળેટીમાં આવેલા કોકળિયા ગામના. ધંધાવશાત નોકરી માટે ઈન્દોર ગયા. ઈન્દોરમાં મારો જન્મ થયો અને અનુજ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નો પણ. ત્યારપછી અમે ઉજ્જૈન આવ્યા. એ યોગાનુયોગ છે કે કલાકારોના ઈષ્ટદેવ મહાકાલની એ નગરી. ત્યાંનો મુંજ હું બન્યો અને ત્યાંનો ભરથરી હું બન્યો. ત્યાં આખો માહોલ હિન્દીનો પરંતુ હું સદભાગી છું કે ત્યાંના ગુજરાતી સમાજે બાળકોને ગુજરાતી શિક્ષણ મળે એ માટે એક સ્કૂલ સ્થાપેલી અને એમાં મને શિક્ષણ મળ્યું. ભાષા સાથેની નિસ્બતનો મારો નાળવિચ્છેદ થયો નહીં. અભિનયયાત્રાના પહેલા પડાવથી ઉજ્જૈનના ગુજરાતી શાળાના એ શિક્ષકોનો આભાર વ્યક્ત કરીને હું કહું છું કે તમે ન હોત તો ગુજરાતી ભાષામાં ‘ઉપેન્દ્ર ત્રિવેદી’ ન હોત. એટલું જ નહિ, ભારતભરમાં પથરાયેલ તમામ ગુજરાતી સમાજોના તમામ નિ:સ્વાર્થ સંચાલકોને ધન્યવાદ આપું છું કે જેમણે ગુજરાતી બાળકોના માતૃભાષાથી તેમનો પરપ્રાંતમાં વિચ્છેદ થવા દીધો નથી.

મોટાભાઈ કોલેજ-શાળા-વિદ્યાલયોમાં નાટકો કરતાં. અમારા નાટકોની એ ગંગોત્રી. એમને જોઈને અમે ઘણું શીખ્યાં. આજે અત્રે મારા મોટાભાઈ ભાલચંદ્ર ત્રિવેદી ‘અભિનય’ વિશે મને બોલતો સાંભળવા માટે ઉપસ્થિત થયા છે જે મારો આનંદનો વિષય છે. ઉજ્જૈનની રામલીલા બહુ પ્રખ્યાત. અમે ઘરે આવીને પૂઠાંના શસ્ત્રો બનાવીને બધી જ નકલો કરતા અને એ વાતાવરણ, એ અભિનયનો અનુભવ જ્યાંથી લીધો તે અમારી શાળામાં એક શિક્ષક હતાં, જેમનું નામ ઈકબાલ હુસૈન હતું. તેઓ હિન્દી સાહિત્ય ભણાવતા અને એ સાથે અમને નાટકો ભણાવવામાં આવતા. પોતે બહુ સારી રીતે વાંચતા અને અમારી પાસે વંચાવતા. જુઓ તો ખરા, ઈશ્વર માણસને જ્યાં લઈ જવા માંગે છે, એની પૂર્વભૂમિકા એ કેવી રીતે ઊભી કરતો હોય છે ! ત્યાંથી મોટાભાઈ મુંબઈ આવીને નોકરીમાં સ્થિર થયા. પિતાશ્રીની નાદુરસ્ત તબિયત હોવાને કારણે અમે પણ મુંબઈ આવ્યા. મુંબઈમાં કાંદિવલીની ચાલીમાં મુકામ કર્યો. ફલોરાફાઉન્ટન પર એક નવી જ ખૂલેલી કોલેજ ‘સિદ્ધાર્થ કોલેજ ઑફ કોમર્સ’માં ઓછા માર્કસ હોવા છતાં પણ વળી પ્રવેશ મળી ગયો ! કૉલેજના પ્રોફેસર વિષ્ણુકુમાર વ્યાસ સાથે મારો મેળાપ થયો. તેઓ રાજકોટના નાટ્યવિદ અને ત્રિભુવન વ્યાસના ભત્રીજા. પરિચય થયો અને પ્રીતિ બંધાણી. કોલેજના નાટકોમાં કામ આપ્યું, કામ વખણાયું. આંતરકોલેજની નાટ્યસ્પર્ધા ઊતાર્યો. પહેલા વર્ષે મારું નાટક ઈનામ લઈ આવ્યું. બીજા વર્ષે પણ ઈનામ લઈ આવ્યું. ત્રીજા વર્ષે કોણ જાણે શું થયું કે પડદો ખૂલતાંની સાથે જ જાત જાતના પ્રાણીઓના અવાજો પ્રેક્ષકગણમાંથી આવવા માંડ્યા. શીંગ-ચણા ફેંકાવા માંડ્યા. પરંતુ નિર્ણાયકો મજબૂત હતા. એમણે કહ્યું આ નાટક અમારે કેમેરામાં જોવું છે. કેમેરામાં એટલે કે પ્રેક્ષકગણને બહાર મોકલીને નિર્ણાયકો નાટક જુએ તે. એમને નાટક બહુ પસંદ આવ્યું. એમણે ફાઈનલમાં લીધું. ગુજરાતી નાટકોમાં તે સર્વપ્રથમ આવ્યું, એટલું જ નહિ, પાંચેય ભાષાના નાટકોમાં એ સર્વપ્રથમ આવ્યું. કૉલેજમાં મને મુંબઈના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યો.

એ દરમિયાન અરવિંદ ત્રિવેદીને ભારતીય વિદ્યાભવનમાં સ્ટેજ પર ‘સ્ટેજ મેનેજર’ તરીકેની નોકરી ઓફર થઈ. હું પણ ત્યાં રાતપાળીમાં નોકરી કરતો હતો. એક કુલી તરીકે નોકરીની શરૂઆત કરી. છત્રીના રિવેટીંગ કરવાનું કામ શીખ્યો. એ પછી કલર્ક થયો. એક ફુગ્ગાની ફેકટરીમાં ટાઈમ કિપર થયો. દિવસે કોલેજમાં તો બપોરે આંતરકોલેજ નાટ્યસ્પર્ધાના બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને ટૂકડી બનાવું અને નાટકોના રિહર્સલ કરું. નવરાત્રી, ગણેશમહોત્સવ વગેરેમાં અમે નાટકો ભજવતા. કોલેજ પછી નાટક ન હોય તો ફર્યા કરું. દેશી સમાજના નાટકો ક્યારેક જોઉં. અરવિંદભાઈની કૃપાથી નાટકો જોવા મળતાં. નાટક અંગેનો ડિપ્લોમા પણ મેં કર્યો. એકવાર વિષ્ણુભાઈ પૂછે કે તું કરે છે શું આખો દિવસ ? મેં મારી દિનચર્યા કહી. એ કહે કે રંગભૂમિ સંસ્થામાં આવ. હું ત્યાં નાટકોના નૈપથ્યમાં ગોઠવાઈ ગયો. એ પછી મને નાટકમાં ઊતાર્યો. કેટલાક નાટકો કર્યા પણ મને સંતોષ થતો નહોતો. કોલેજમાં ચાલતી નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી….’ એનું મેં નાટ્ય રૂપાંતર કર્યું. મનુભાઈ પંચોળી ‘દર્શક’ને બતાવ્યું. એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને મને ઉદારતાપૂર્વક ભજવવાની અનુમતી આપી. ‘રંગભૂમિ’ સંસ્થા તરફથી નાટક થયું. ખૂબ સરસ નાટક રહ્યું. ગુજરાત અને મુંબઈમાં પણ ભજવાયું. આ કરુણમંગલ નાટકે લોકોને ઘેલું લગાડી દીધું હતું. એના પરથી પાછળથી મેં ફિલ્મ પણ કરી. એમાં વિરહની ઉત્કટતા બતાવવા માટે અમે છેક હિમાલય સુધી ગયા. એ નાટક તો ખૂબ ચાલ્યું પણ ફિલ્મ ન ચાલી.

મોટે ભાગે મંદિરોમાં આપણે પૂજા પછી દેવની પ્રદક્ષિણા કરતાં હોઈએ છીએ પરંતુ શિવાલયમાં તેમ થતું નથી. તેમાં ગૌમુખીથી પાછા ફરીને ગૌમુખી સુધી આવવાનું હોય છે જેથી પ્રતીતિ થાય છે કે પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. પરંતુ બે ડગલા અંતર રહી જાય છે. એ બે ડગલાંનું અંતર એ જ કલાનું લીલાક્ષેત્ર છે. વાસ્તવિકતા અને વાસ્તવિકતાની પ્રતીતિ વચ્ચેનું એ બે ડગલાનું અંતર કલાકારે સમજવું જોઈએ. જગતમાં જે ‘જગત’ રચાય છે તે કલાનું લીલાક્ષેત્ર છે. એકદમ વાસ્તવિક કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. વાસ્તવિકતાની પ્રતીતિ થઈ જાય તો પૂરતું છે.

મને નાટ્ય રૂપાંતર પર ફાવટ આવી ગઈ હતી. મેં મેઘાણીની સુપ્રસિદ્ધ નવલકથા ‘વેવિશાળ’ પર નાટ્ય રૂપાંતર શરૂ કર્યું. દોઢસો વર્ષ પહેલા મુંબઈમાં ઠરીઠામ થવા માંગતા ગુજરાતીઓના સંઘર્ષની એ વાત હતી. નાની દીકરીના વેવિશાળની ગૂંચ હોય છે પણ નાટકના અંતે પતિને પરમેશ્વર જોઈને પૂજનારી, એના ચંપલનો માર સહન કરનારી, બદ્રિક ભાભુ, ઘર છોડીને જે રીતે સાધવી થવા નીકળે છે, એ બહુ પ્રભાવશાળી લાગે છે. નાટક બહુ સારું બન્યું પણ પ્રેક્ષકો અને આયોજકો છેલ્લે સ્ટેજ પર આવ્યા કે નાટકનો સુખાંત કરો. મેં કહ્યું કેટલો સારો અંત છે ! એ લોકો કહે ના, નાટક સુખાંત કરો તો ઘણું ચાલે. હું ઝૂકી ગયો, સાહેબ ! મેં એ લોકોના કહ્યાં મુજબ નાટક સુખાંત કર્યું. નાટક 200-શૉ સુધી સડસડાટ ચાલ્યું ગયું. નાટક ખૂબ ચાલ્યું, નાટકને હું સફળ બનાવી શક્યો પણ ચિરંજીવ બનાવી શક્યો નહીં. એની નશ્વરતાને પકડી રાખવા માટે એની શાશ્વતતાને મેં પોતે જ પદભ્રષ્ટ કરી નાખી. આ મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. એનો અફસોસ મને કાયમ માટે રહ્યો છે. હું પરંપરાનો માણસ છું. પરંપરામાં પ્રયોગો જરૂર કરું છું પણ હત્યા, અપહરણ કે અનૈતિક સંબંધોની વાતો મને ફાવતી નથી. હું સીધી લીટીનો માણસ છું. ભારતીય પરંપરાનો માણસ છું.

ત્યારપછી ‘વસ્તુપાળ-તેજપાળ’ નાટક કયું. અદભુત રહ્યું. ત્યાં આકાશવાણી પર જગ્યા ખાલી પડી. કરસનદાસ માણેક નિવૃત થતાં હતાં. મેં એની માટે અરજી કરી. મોટા મોટા ધુરંધર કલાકારોની અરજી હતી. એ લોકોની ઓછામાં ઓછી જરૂરિયાત બી.એ. હતી પણ હું તો ઈન્ટર પણ નહોતો. મને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યો. બધા રાજી થયા. એમણે કેન્દ્રસરકારને ભલામણ કરી કે આ ગ્રેજ્યુએટનો નિયમ રદ કરવામાં આવે અને આ નાટ્યપ્રતિભાને આકાશવાણી પર સ્થાન આપવામાં આવે. હું આકાશવાણી પર નિમાયો. મારા સાથીદારોમાં બરકત વીરાણી ‘બેફામ’, વસુબહેન ભટ્ટ, તારક મહેતા, પ્રબોધ જોશી, મંગેશ મળગાંવકર – આ બધાની સાથે મેં કામ કર્યું. સાહિત્યકારોના પરિચયમાં આવ્યો. નાટકની ટેકનિકના પરિચયમાં આવ્યો. અવાજની કેળવણીના પરિચયમાં આવ્યો. એની સાથે મને ત્યાં મળી ગયા આકાશવાણી રાજકોટના ડિરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ સાહેબ. એમણે મને હાથ પકડી પકડીને આખા ગુજરાતમાં ફેરવ્યો. ત્યાં મને મળ્યા કચ્છના વેલજી ગજ્જર. આ બધા માણસો મળતા ગયા અને લોકસાહિત્ય વિશે હું સમજતો થયો. એના અંદર હું થોડો વધારે પાકટ થયો. પરંતુ એક સ્ટેશન ડાયરેકટર એવા આવ્યા કે આપણો માણસ બહાર નાટકોમાં કામ કરે છે તે ન ચાલે એમ કીધું. સ્ટાફના માણસને કામ કરવાની મનાઈ છે. એમણે મને કહ્યું કે કાં નોકરી કરો કાં નાટક. મેં કહ્યું નોકરી છોડું છું, નાટક નહિ છોડું. એમણે મને કહ્યું કે જરા વિચાર કરો, ટેલિવિઝન આવી રહ્યું છે, તમારી ઉંમર નાની છે, બહુ ઊંચા હોદ્દા પર જવાની તમારી ક્ષમતા છે. મેં કહ્યું એ શક્ય નથી. મને ઘણાં મિત્રોએ કહ્યું કે નામ બદલીને નાટક કરો ને. મેં ના પાડી.

નાટકો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યાં એક ચમત્કાર થયો. બે-ત્રણ નિર્માતાઓ મળવા આવ્યાં. ખૂબ સારી ભૂમિકા ભજવવાનું નાટક હતું. મેં હા પાડી. હું ત્યાં જોડાયો. મારી ખ્યાતિ આખા મુંબઈમાં પ્રસરી. પરંતુ મારી સુવાસ જરૂરત કરતાં વધારે પ્રસરતા મારે પછી એ નાટક છોડવું પડ્યું. વળી પાછો હું નવરો થઈ ગયો. વળી એ નિર્માતાઓમાં અંદર અંદર તકરાર થઈ અને તેમાંના બે મારી પાસે આવ્યા કે અમુક નાટક કરવાનું છે. બધા દશ્યોનું સંકલન કરીને નાટક બનાવ્યું. ગુજરાતના જુદા જુદા પ્રદેશની ભાષા એમાં વાપરી. નાટક ખૂબ ચાલ્યું. એ નાટકનું નામ ‘અભિનય સમ્રાટ’ જેણે મને મારી કારકિર્દીમાં બહુ જ ઉપયોગી કામગીરી કરી છે. એ પછી આ નાટક જોવા માટે ફિલ્મના નિર્માતાઓ આવવા માંડ્યા. એમાં એક દિવસ રવિન્દ્ર દવે આવ્યા. એમણે મને કહ્યું કે મારે તારી સાથે ફિલ્મ કરવી છે. એમણે ‘જેસલ-તોરલ’ બનાવવાનું નક્કી કર્યું. જેસલ-તોરલનું શુટિંગ શરૂ થયું. એમાંના દ્રશ્ય વિચારીએ તો મહાભારતનો કૃષ્ણ-અર્જુન સંવાદ યાદ આવે. ત્યારપછી રવીન્દ્ર દવે એ ‘રાજા ભરથરી’ બનાવ્યું. એ પણ અદ્દભુત રહ્યું.’ તેમણે ‘અભિનય’ શબ્દનો અર્થ સમજાવતાં કહ્યું કે ‘ ‘અભિ’ એટલે તરફ અને ‘નય’ એટલે લઈ જવું – અભિનયનો અર્થ છે કશાક તરફ લઈ જવું. એ નાટકો માનવતા તરફ લઈ જતાં. લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં. બીજા કલાકારો કામ કરે છે ત્યારે મોં બંધ રાખે છે. ઊર્જા સંપાદિત કરે છે. કલાકારે તો બધું બોલીને જ કરવાનું છે ! ઊર્જાનું વહન કરવાનું છે. આ તફાવત છે.’ અભિનયયાત્રાનું અનુસંધાન કરતાં ઉપેન્દ્રભાઈએ કહ્યું હતું કે : ‘એ પછી ‘હોથલ-પદમણી’ કર્યું. એમાંની કચ્છી ભાષાની સુગંધે આખા ગુજરાતને એક કરી નાખ્યું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરહદોના સીમાડા ભૂંસી નાખ્યા. ‘હેંડો’ અને ‘હાલો’ વચ્ચેના ભેદ ભુંસાઈ ગયા ! એ પછી રાણકદેવીની ‘રાખેંગાર’ ફિલ્મ બનાવી. અહીં મારે એ કહેવું છે કે કલાકારે માત્ર પાત્રમાં દેખાવું એટલું પૂરતું નથી, એ પાત્ર પ્રમાણે એણે જીવવું પણ જરૂરી થઈ જાય છે. વાલ્મિકી લખે એમ રામે જીવવું પડે છે. એ રીતે 25-30 ફિલ્મો કરી. એ પછી ‘શેતલને કાંઠે’ આવ્યું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી ધરબાયેલી ફિલ્મ. એ પછી ‘ભાદર તારા વહેતા પાણી’ની અદ્દભુત નવલકથા. એ પછી ‘માલવપતિ મુંજ’ કે જે મુનશીની ઓજસ્વીની ભાષા. દોલત ભટ્ટની ત્રણ નવલકથાઓ ‘મનનો માણીગર’, ‘વાંસળી વાગી વાલમની’ અને ‘નમણી નાગરવેલ’ – ત્રણેય નવલકથાની ભાવસૃષ્ટિમાં મને વિહરવાનું મળ્યું. ઘણી બધી ફિલ્મો કરી.’

અંતે ઉપેન્દ્રભાઈ જણાવ્યું હતું કે : ‘દરેક પાત્ર કલાકારના લોહીમાં ઓગળી જાય છે; હમણાં પરકાયા પ્રવેશની વાત થઈ એ પ્રમાણે. એ પછી ‘માનવીની ભવાઈ’ કર્યું. લેખકોએ ઉપેન્દ્ર ત્રિવેદી ને ‘ઉપેન્દ્ર ત્રિવેદી’ બનાવ્યો છે. બાકી લેખકોની કલમ મૂંગી થઈ જાય તો પ્રેક્ષક બહેરો થઈ જાય અને અભિનેતા આંધળો થઈ જાય. એ પછી આંધળે બહેરું કૂટાયા કરે ! મારે એટલું જ કહેવાનું કે કલાકાર એક માતા હોય છે જે પોતાના ગર્ભમાં આત્મસાત કરી લે છે. જીવનમાં જડાઈ જતી આ વાતોને મેં ખૂબ માણી. અનેક સ્વનામધન્ય લેખકોની કૃતિઓ મેં રસપૂર્વક કરી છે. આજે ઉજ્જૈનથી નીકળેલું એક ઝરણું ક્યારે ભાગીરથીમાં ભળી ગયું, ક્યારે ભાગીરથી અલકનંદામાં ભળી ગઈ, ક્યારે અલકનંદામાં મંદાકિની ભળી, ક્યારે રુદ્રપ્રયાગ ગયું, ક્યારે દેવપ્રયાગ ગયું, ક્યારે કર્ણપ્રયાગ ગયું, ક્યારે લક્ષમણઝૂલા અને ઋષિકેશ ગયું, ક્યારે હરિ કી પેડી ગઈ, ક્યારે કાશીનો હરિશ્ચંદ્રઘાટ ગયો અને ક્યારે સંગમ સ્થળ પ્રયાગરાજ પર આવીને આપણે ઊભા રહ્યા ! અસ્મિતાપર્વના મહાકુંભમાં રસજ્ઞોની સાક્ષીએ જ્યારે ડુબકી મારી ત્યારે મને સ્મરણ થયું કે ઓહોહો…! આટલો વિરાટપંથ કાપીને આપણે આવ્યા છીએ. અહીં આવીને આપણું તો શાહીસ્નાન થઈ ગયું ! આપ સૌને મારા જય સિયારામ, બાપુના ચરણોમાં વંદન.’

સંગીત-નૃત્ય મહોત્સવની બીજી બેઠકમાં, રામવાડી-તલગાજરડા ખાતે, કથક સહિત વિવિધ પ્રકારના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં વિશેષરૂપે ‘ચક દે ઈન્ડિયા’ ફેઈમ સુશ્રી વિદ્યા માલવડેએ કથન નૃત્ય રજૂ કર્યું હતું. રામચરિત માનસ અંતર્ગત ‘રૂદ્રાષ્ટક’ તેમજ ‘અહલ્યા સ્તુતિ’ પર પણ સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ નૃત્યકારોનું પૂ.બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

[વધુ આગળ વાંચો : ભાગ-3 : CLICK HERE ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ
અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-1) – મૃગેશ શાહ Next »   

8 પ્રતિભાવો : અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ

 1. nilam doshi says:

  તમારી મહેનત અને નિષ્ઠા રંગ લાવી છે મૃગેશભાઇ….

 2. Rajnikant says:

  I had watched the Asmita Parva on Aastha completely. By reviewing the whole coverage again , it brought the same joy again. Congratulations for the complete coverage and thanks for giving us the opprtunity tio revisit the whole programme. Keep up the GOOD work.

 3. Satish says:

  Mrugeshbhai,

  thank you very much for detailed coverage, i felt like i was their watching whole program.

 4. જય પટેલ says:

  શ્રી સુરેશ દલાલના નિખાલસ વકતવ્યે પર્વમાં એક હળવાશની લહેરખીનું કામ કર્યું.

  શ્રી સુરેશભાઈની કવિતાઓ ઉચ્ચકક્ષાની છે તેમાં શંકાને સ્થાન નથી પણ જેમ તુલસીદાસના
  રામચરિત માનસને લોકવાણી દ્વારા શ્રી મોરારીદાસ હરિયાણી જનમાનસ સુધી પહોંચાડી શક્યા તેમ
  શ્રી સુરેશભાઈ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. શ્રી સુરેશભાઈની કવિતાઓ લોકહ્રદયમાં ઓછું અને શહેરી સભાગૃહોમાં
  સ્થાન વધું પામી છે.

  જે નામ ઘણાં દિવસોથી યાદ ન્હોતું આવતું તે સુશ્રી રૂપા દિવેટિયાના વકત્વ્યથી મળ્યું….દામિની મહેતા.
  સુશ્રી દામિની મહેતા પીજ ટીવી કેન્દ્ર પર આવતા નાટક હું અને હા…રંગલીલામાં શ્રી કૈલાસ પંડ્યા સાથે આવતાં.
  શ્રી પ્રાણસુખ વ્યાસ….શ્રી કૈલાસ પંડ્યા અને સુશ્રી દામિની મહેતાની ત્રિપુટી એટલે ભરપુર મનોરંજન.

  શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું રાજા ભરથરી….સદેવંત સાવળિંગા…જેસલ-તોરલ વગેરે ચિરઃસ્મરણીય.
  રાજા ભરથરીનું ગીત…ભીક્ષા દેને મૈયા પિંગળા સ્વર…મહેન્દ્ર કપુર લાજવાબ.

  સુશ્રી રૂપા દિવેટિયા….સવાયા ગુજરાતી સુશ્રી સરિતા જોષી અને શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રસ્તુતિ પ્રસંશનીય.
  આભાર.

 5. મૃગેશભાઈ,

  ખૂબ સરસ,

  અસ્મિતાપર્વમાં આ ભાગ ખૂબ અવિસ્મરણીય રહેલો એટલે અહીંથી જ વાંચવાની શરૂઆત કરી, અને ફરીથી એક વખત એ જ ક્ષણો જીવતા હોઈએ એમ લાગ્યું. આપની મહેનત ખરેખર લેખે લાગી છે. મહોરી ઉઠી છે.

 6. Jagruti Vaghela USA says:

  અસ્મિતાપર્વ ભાગ ૨ વાંચવાની મજા આવી.
  ખાસ કરીને શ્રી સુરેશ દલાલનુ વક્તવ્ય ગમ્યું. શ્રી રુપા દિવેટિયા, શ્રી સરિતા જોષી અને શ્રી ઉપેન્દ્ર ત્રીવેદી ની અભિનય યાત્રા પણ માણવાની મજા આવી.
  શ્રી મૃગેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.

 7. Prabuddh Pancholi says:

  મસ્કત થી મહુવા સુધીની સફર .. ત્રણ કલાક જાણે સ્થળ અને કાળ ભુલાઈ ગયા.
  અસ્મિતા પર્વ ની અનુભૂતિ કરાવવા બદલ આભાર.

 8. preeti dave says:

  ખૂબ સરસ મૃગેશ્ભાઈ, ખૂબ સરસ..
  કોમ્પ્યુટર ના સ્ક્રીન પર વાંચી રહી છું એવો ખ્યાલ તો છેક “આપના પ્રતિભાવો’ સુધી પહોંચી ત્યારે જ આવ્યો !!
  અસ્મિતા પર્વ ને પુરેપુરું ભાવ સહિત અહિં રજુ કરી દીધું.. જાણે શબ્દશ; અને ક્ષણશ: પણ ..
  આથી વધુ શું કહુ?!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.