અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ

[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5]

અસ્મિતાપર્વના ત્રીજા દિવસે બરાબર નવ વાગ્યે સંગોષ્ઠિ-5નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘ગુજરાતી બાળસાહિત્ય’. અસ્મિતાપર્વમાં આ નૂતન વિષયને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં વાર્તાઓ વિશે શ્રદ્ધા ત્રિવેદીએ, કાવ્યો વિશે ઈશ્વર પરમારે અને જીવનચરિત્રો વિશે યશવંત મહેતાએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું; જેનું સંચાલન જાણીતા સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકે કર્યું હતું.

વાર્તાઓ વિશે વાતની શરૂઆત કરતાં શ્રદ્ધાબેને જણાવ્યું હતું કે : ‘મિત્રો અને વડીલો, સૌપ્રથમ ગુજરાતી બાળસાહિત્યના સર્જકોવતી હું અસ્મિતાપર્વના આયોજકોને તથા મોરારિબાપુને અભિનંદન આપું છું કે તેરમે વર્ષે તો તેરમે વર્ષે પણ બાળસાહિત્યની એક આખી બેઠક અહીં રાખવામાં આવી. સામાન્ય રીતે ડોકટર પાસે દર્દી જાય તો દર્દી કહે એ પ્રમાણે ડોકટર સમજીને દવા આપે પણ જ્યારે બાળકને ડોક્ટર પાસે લઈને જવાનું હોય ત્યારે એની માતા કહે એ પ્રમાણે અને બાકીનું ડોકટરે જાતે સમજીને દવા કરવાની હોય છે. એટલે કે સામાન્ય ડોકટર કરતાં બાળકોના ડોકટર પાસે નિદાનની વધારે અપેક્ષા રહે છે. બાળસાહિત્યના સંદર્ભમાં પણ આ વાત લાગુ પાડી શકાય. બીજી એક વાત સતત મારા મનમાં રહેલી છે તે એ કે બાળસાહિત્યકાર લેખિકા હોય કે ભાઈ હોય, પણ દરેક સ્ત્રી જ્યારે માતા બને છે અને એ પછી બાળક જ્યારે બોલતું થાય ત્યારે વાર્તા કહેવા માંડે છે ત્યારે એક અર્થમાં દરેક માતા સાહિત્યકાર જ છે. બાળકને ખવડાવતી વખતે તરંગ તુક્કાઓથી જે વાતો કરે છે એ બહાર આવતી નથી પણ એ બાળકનું ઘડતર તો એ રીતે જ તે કરતી હોય છે.

આટલી પૂર્વભૂમિકા પછી મને સોંપાયેલા વિષય ‘ગુજરાતી બાળસાહિત્ય’ વિશે વાત કરીશ. ગુજરાતી બાળવાર્તાનો લાંબો ઈતિહાસ છે. તે ખૂબ વ્યાપક છે. બાળસાહિત્યની વિભાવના, બાળવય વિશે અને બાળવાર્તાના સ્વરૂપ વિશે તથા વાર્તાના પ્રયોજન વિશે એકાદ વાત ઉદાહરણથી અહીં રજૂ કરીશ. બાળકોનું શરીર નાનું છે પણ કમાલ તો જુઓ કે માનવજીવનના જીવનકાળ દરમિયાન જો ઉત્તમ ગ્રહણશક્તિ હોય તો તે બાળપણમાં હોય છે. આ તેનો સર્વશ્રેષ્ઠ કાળ છે. શીલના ઘડતર માટે બાળવય ઉત્તમ સમય છે અને બાળસાહિત્ય તેનું ઉત્તમ સાધન છે. ભારતીય સંસ્કૃતિમાં ‘શિશુ દેવો ભવઃ’ની ભાવના રહેલી છે. બાળકૃષ્ણ, બાળરામ, બાળગણેશ, બાળહનુમાનના ચરિત્રો સ્મરણીય છે. બાળકમાં બીજરૂપે રહેલા ગુણોને વિકસીત કરવાના અનેક માર્ગો છે તેમાંનો એક માર્ગ છે તેને ઉત્તમ બાળસાહિત્ય વાંચતો કરવો તે. શ્રી રવિશંકર મહારાજ કહે છે તેમ બાળકોને અક્ષરજ્ઞાન તો આપવાનું જ છે પણ ખરું કામ તો બાળકોમાં રહેલા સુસંસ્કારોને વિકસાવવાનું છે. બાળસાહિત્ય બાળકના અને એ રીતે સમાજના ઘડતરનું મોટું સાધન છે. બાળસાહિત્ય બાળકને આંખ અને પાંખ આપવાનું કાર્ય કરે છે. શિક્ષણ ભલે તેનો ઉપયોગ કરે પણ તેનું છેવટનું મૂલ્યાંકન કલા તરીકે થવું જોઈએ. તેનું પ્રયોજન આનંદ આપવાનું છે.’ એમ કહીને તેમણે ‘મુંબઈની કીડી’ નામની બાળવાર્તાનું પઠન કર્યું હતું. વાતના અનુસંધાનમાં શ્રદ્ધાબેને આગળ જણાવ્યું હતું કે, ‘બાળકને પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બાળસાહિત્યનો સર્જક ભલે બાળક ન હોય પણ બાળક શું ચીજ છે એનો તેને સ્વાનુભવે ખ્યાલ હોય જ. આથી બાળસાહિત્યનું સર્જન કરવા તે જ્યારે પ્રેરાય છે ત્યારે તે પોતાના શૈશવકાળમાં પાછો ફરતો હોય એવો ભાવ અનુભવે છે. રમણલાલ સોની કહે છે તેમ, ‘ઉતારી નાખેલી કાંચળીમાં સાપ પુન:પ્રવેશ કરે તેવી આ પ્રક્રિયા છે.’ બાળકને વય અનુસાર સાહિત્ય આપવું જોઈએ. 0 થી 18 સુધી બાળ અને કિશોર અવસ્થા ગણાય છે. આમાં ગર્ભાવસ્થાનો સમય પણ ઘડતરકાળ માટે અગત્યનો સમય છે. આ અવસ્થામાં પડતા સંસ્કાર કેવા હોઈ શકે એ માટે ભાગવતમાં આવતી મદાલસાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે.

બાળસાહિત્યના ‘શિશુસાહિત્ય’ અને ‘બાળસાહિત્ય’ એમ બે ભાગ પાડવા જોઈએ. આપણે ત્યાં શિશુસાહિત્ય પ્રમાણમાં ઓછું છે. ગિજુભાઈએ દક્ષિણામૂર્તિની શ્રેણીમાં કેટલુંક કાર્ય કર્યું છે. રક્ષાબેન દવેએ અને ઈશ્વર પરમારે કેટલુંક કાર્ય કર્યું છે. સામાન્યતઃ 4 થી 14 વર્ષ સુધી બાળકનો વિકાસ માતાપિતા, કુટુંબ, પરિવાર અને શાળા-પરિવાર વચ્ચે થતો હોય છે. મૂળશંકર ભટ્ટે કહ્યું છે તેમ, ‘જેમ બાળકના આંતરબાહ્ય વિકાસમાં માતા ભાગ ભજવી શકે છે તેમ સર્જક પણ પોતાના સર્જન દ્વારા ભાગ ભજવી શકે છે.’ આપણે એમ કહી શકીએ કે છોડના વિકાસમાં જે કામ સૂર્યનો પ્રકાશ કરે છે કંઈક એવું જ કામ બાળકના વિકાસમાં સાહિત્ય કરે છે. બાળસાહિત્યના અનેક પ્રકારો છે. તેમાં ‘બાળવાર્તા’ મહત્વનો પ્રકાર છે. બાળક મા બોલતું થાય પછી એની બીજી અપેક્ષા હોય છે કે મા વાર્તા કહે. બાળકમાં વાર્તાસૃષ્ટિનું પ્રાબલ્ય હોય એ સ્વાભાવિક છે. બાળકને દીવાલ સાથે વાતો કરવામાં કે રમકડાંના સૈનિકને સાચો સૈનિક માનીને તેની સાથે વ્યવહાર કરવામાં જેમ કશી તકલીફ પડતી નથી તેમ શબ્દ દ્વારા સર્જેલી કાલ્પનિક સૃષ્ટિને સાચી માની એનો રસાસ્વાદ લેવામાં કશી બાધા નડતી નથી. બાળકથાને પંખીની ઉપમા આપીએ તો એની એક પાંખ સચ્ચાઈની છે અને બીજી પાંખ કલ્પનાની છે. બાળકનું મન કલ્પનાશીલ તો હોય જ. એના દ્વારા તે અનેક પ્રકારની મોકળાશ અનુભવે છે. બાળકને જાતભાતના તુક્કાઓ લડાવવામાં અને કલ્પનાઓ કરવામાં એક પ્રકારનો સર્જનાત્મક આનંદ આવે છે. કલ્પનાપ્રધાન કથાઓમાં પરીકથાઓ વિશેષ ઉલ્લેખપાત્ર છે. બાળકની કલ્પના શુભ દિશામાં વળે છે ત્યારે એને પરીઓની કથા મળે છે. પરીઓને સહારે બાળક મનગમતાં કામ કરી-કરાવી શકે છે. આ પરીકથાઓ દુનિયાના એકેએક સમાજમાં પ્રચલિત છે. એક રમણીય સૃષ્ટિ ખડી કરતી, આનંદ આપતી, અનેક પુષ્પો-રંગોનો પરિચય કરાવતી, છેતરનારને શિક્ષા કરતી અને સાચાબોલાને મદદ કરતી પરીકથાઓ સૌએ યાદ રાખવા જેવી છે. મનુષ્યમાં જ્યાં સુધી કલ્પનાશક્તિનું સ્ફૂરણ છે ત્યાં સુધી વૈજ્ઞાનિકતા અને બૌદ્ધિકતાનું ગમે તેટલું ભારે આક્રમણ આવે તોય પરીકથાનું જગત બિલકુલ સલામત રહેશે કારણ કે પરીઓ બાળકના માનસમાંથી આવે છે. પરી જશે તો બાળક અધુરું થઈ જશે. વિજ્ઞાનકથાઓ વિજ્ઞાનની નીપજ છે. બાળકો વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને સમજતા થાય, તેમનામાં વૈજ્ઞાનિક બુદ્ધિ જાગૃત થાય એ માટે વિજ્ઞાનકથાઓ લખાય છે. આપણે ત્યાં ઈશ્વરલાલ વીમાવાળાથી વિજ્ઞાનકથાઓનો પ્રારંભ થયો છે. નગીન મોદી, ગિરીશ ગણાત્રા, હુંદરાજ બલવાણી, જનક નાયક વગેરે અનેકોએ નાના-મોટા પ્રયોગો કરી અનેક અભિગમો ધરાવતી વિજ્ઞાનકથાઓ આપી છે.’ એમ કહીને શ્રદ્ધાબેને કુમાર સામાયિકમાં પ્રકાશિત થયેલી અંજના ભગવતીની વાર્તા ‘નટખટ નટુ’ વાંચી સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે : ‘વિજ્ઞાનલક્ષી કથાઓમાં માનવતાલક્ષી અભિગમ ઈષ્ટ છે. સાથે જ વિજ્ઞાનના વિકાસથી થતી માનવપરની વિપરિત અસરોને પણ જાણવી જરૂરી છે. આમ, બાળકથાનો ગમે તે પ્રકાર હોય, એમાં કલ્પના અને સત્ય અનિવાર્યતયા સાથે જ હોય છે.

સાહસકથા, ઈતિહાસકથા જેવા અનેક પ્રકારો બાળસાહિત્યમાં છે. બાળકથાઓનો ઘણો ભાગ પ્રાણીકથાઓ રોકે છે. કીડીથી માંડીને કૂંજર સુધીની અહીંયા વાર્તાઓ છે. કોઈ સસલુ ચતુર હોય અને સિંહને પણ છેતરીને મારી શકે, કોઈ કાગડો હોંશિયાર હોય જે કૂંજામાં કાંકરા નાખી પાણી ઊંચે લાવીને પી શકે, કોઈ નાનકડો ઉંદર સિંહને પણ જાળમાંથી છોડાવી શકે – ટૂંકમાં, આપણી મોટાભાગની પ્રાણીકથામાં માનવીય ભાવોનું આરોપણ અથવા માનવીય અર્થઘટન પ્રગટ થતું જોવા મળે છે. આ પ્રાણીકથાઓમાં જળચર, સ્થળચર અને ખેચર એમ અનેક પ્રાણીઓની વાર્તા છે. કોઈ કાચબાને ઊડવાની ઈચ્છા થાય તો એને ઉડાવનાર હંસ મળી રહે છે અને કોઈની મિત્રતાનો ગેરલાભ લેનાર મગર પણ હોવાનો. બાળકને વાસ્તવિક જીવનમાં જે મોકળાશ નથી મળતી તે વ્યવહારવર્તનની મોકળાશ પ્રાણીકથાઓમાં મળી રહે છે. આપણી દશાવતારની કથાઓ એક વિશિષ્ટ પ્રકારની પ્રાણીકથાવાળી છે. શેષનાગ, કાલીયનાગની કથાઓ પણ જાણીતી છે. માત્ર હિન્દુ નહીં પણ ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મોમાં પણ પ્રાણીસૃષ્ટિનું નિરુપણ જોવા મળે છે. વળી આ પ્રાણીકથાઓમાં પક્ષીકથાઓનો એક અલગ ભાગ સહેલાઈથી તારવી શકાય. અનેક પક્ષીઓ છે જે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. બાળક ભલે ગમે તેટલું વિકાસ પામે, યાંત્રિક કળવાળા રમકડાંઓથી રમતું રહે પણ તેને ખિસકોલીઓ, સસલાં, પારેવાં, મોર કે કુરકુરિયાં રમાડવાં ગમશે જ. આજે ‘ટોમ એન્ડ જેરી’ કે ‘મીકી માઉન્સ’ તેને જુદી રૂપે સંતોષે છે. કબૂતરને બચાવતી કીડી કે કીડીને બચાવતું કબૂતર ભુલાય તેવાં નથી. રમણલાલ સોનીનો ગલબો કેટકેટલા રૂપો ભજવે છે !

આ બાલસાહિત્યના એટલે કે બાળવાર્તાના અનેક સ્ત્રોત છે. જેમ કે પૌરાણિક સાહિત્ય, લોકસાહિત્ય, શિષ્ટ સાહિત્યની પરંપરા વગેરે. લોકસાહિત્યમાં બાળકથાઓનો બહુ માતબર ફાલ જોવા મળે છે. ગિજુભાઈએ લોકસાહિત્યમાંથી ઘણી સામગ્રી લઈને તેને બાળભોગ્ય રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. બાળકથાના ઉદ્દભવ અને પ્રચાર પ્રસારમાં પૌરાણિક કથાઓનો પણ ફાળો છે. પૌરાણિક કથાએ કેટલાય ચિરંજીવ પાત્રો અને કથાનકો આપ્યા છે. એકલવ્ય, ધ્રુવ, પ્રહલાદ, અર્જુન, ભીમ કે ગણેશ, હનુમાન, રામ, કૃષ્ણ – આ બધાં તેમને ગમે છે. પુરાણો તો કથાઓનો અખૂટ ખજાનો છે. આ પાત્રોની કથા પરથી ટીવી પર શ્રેણીઓ આવી છે અને ચલચિત્રો પણ થયા છે જે તેની યથાર્તતા સમજાવે છે. પૌરાણિક કથાઓની જેમ ઐતિહાસિક કથાઓનો પણ બાળસાહિત્યમાં મહત્વનો ભાગ રહેલો છે. રાણા પ્રતાપ, ઝાંસીની રાણી, શિવાજી, ગાંધીજી, સરદાર આ સર્વ કોઈને કોઈ રીતે સાહસ, વફાદારી, હિંમત, દેશદાઝ વગેરે સદગુણોના પ્રેરકબળ તરીકે બાળક સમક્ષ ઉપસ્થિત થાય છે.

બાળવાર્તામાં બાળકની કેટકેટલી વાસ્તવિક અનુભૂતિઓને અભિવ્યક્તિ મળતી હોય છે. ટોલ્સ્ટોય, રવીન્દ્રનાથ, શરદબાબુ, રમણલાલ સોની, જીવરામ જોશી, કુમારપાળ દેસાઈ, યશવંત મહેતા, હરીશ નાયક વગેરે અનેક સર્જકો આ દષ્ટિએ તપાસવા જેવા છે. બાળકથાના ઘડતર વિકાસમાં શિષ્ટ પરંપરાનો પણ ફાળો છે. હિતોપદેશ, પંચતંત્રની કથાઓ જે અર્થમાં આપણે બાળવાર્તા શબ્દ વાપરીએ છીએ તે અર્થમાં બાળવાર્તા નથી. એ કથાઓ સ્પષ્ટ રીતે રાજકુમારના શિક્ષણ માટે લખાયેલી કથાઓ છે. એ કથાઓ પ્રૌઢોને પણ અનેક રીતે માર્ગદર્શક છે. આ કથાઓ આથી બોધપ્રધાન છે. ઈસપની વાર્તાઓ આ જ પ્રકારની વ્યવહારનીતિનો બોધ આપતી કથાઓ છે. આ બધી જ વાર્તાઓ બાળકોને ગમે છે. કદાચ એનું કારણ એ હોઈ શકે કે તેમાં જે બોધ આપવામાં આવે છે તે પ્રાણીઓના નિમિત્તે પરોક્ષ રીતે અપાય છે. બાળકો પર કશું સીધું લાદવામાં આવતું નથી. બૌદ્ધધર્મની જાતકકથાઓએ પણ આવું જ કંઈક કામ કર્યું છે. બાળકોને બાલકથામાં રસની ચમત્કૃતિની અપેક્ષા છે. અરેબિયન નાઈટ્સની ‘અલીબાબા ચાલીસચોર’ જેવી કથાએ પોતાનામાં રહેલી હિંમત, સાહસ, ચાતુરી, વગેરે તત્વથી અને એક અદ્દભુત રસસૃષ્ટિથી અનેક કથાસર્જકોને આકર્ષ્યા છે.

આનંદ આપવો એ કલાનું જે પ્રયોજન છે તે બાળવાર્તાનું છે જ. પરંતુ જીવનલક્ષી શિક્ષણ અને મૂલ્યશિક્ષણ આપવું એ પણ એટલું જ મહત્વનું પ્રયોજન છે. ‘આનંદી કાગડો’ વાર્તા એનું ઉદાહરણ છે. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું જોઈએ તે આ ‘આનંદી કાગડા’ની વાર્તા આપણને શીખવે છે. પાઠ્યપુસ્તક માટે ઉમાશંકર જોશીએ લખેલ ‘સાચાબોલી ગાય’ તે બીજું ઉદાહરણ છે. એમાં ક્રૂર વાઘ દુષ્ટતા છોડી દયાભાવ દાખવતો થઈ જાય છે; એવું સચ્ચાઈનું મૂલ્ય છે તેવો બોધ મળે છે. પશુઓનો વાત્સલ્યભાવ પણ વાર્તામાં હૃદયસ્પર્શી રીતે નિરુપાયો છે. સત્યનો મહિમા દર્શાવતી ઘણી વાર્તાઓ છે. સાચાબોલા કઠિયારાને કેમ ભૂલાય ? ગુજરાતી કવિતાના ઉત્તુંગ શિખરસમા રમેશ પારેખે ઉત્તમ કક્ષાના બાળકાવ્યો અને બાળવાર્તાઓ આપી છે. જીવનશિક્ષણ તેમાં રસમય અને ભાવમય રીતે અપાય છે. ગુજરાતી સાહિત્યમાં જેમણે ઉત્તમ નવલકથા અને લઘુનવલો આપી છે તેમની પાસેથી સત્વશીલ બાળસાહિત્ય પણ મળ્યું છે. તેમની એક બહુ જાણીતી વાર્તા છે ‘બતકનું બચ્ચું’.’ એમ કહી શ્રદ્ધાબેને કેટલીક વાર્તાઓનું પઠન કર્યું હતું. બાળવાર્તા વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું હતું કે : ‘સાચી બાળવાર્તા લખવી સહેલી નથી. બાળવાર્તાનું સ્વરૂપ, કેળવણી અને તેનું ધોરણ – એ ત્રણેય રીતે એમાં ધ્યાન રાખવાનું હોય છે. આ એક ત્રિપાંખિયો જંગ છે. એના થકી બાળકની ભાવનાને વિકસાવવાની છે. તેના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી બાળકના માંહ્યલાનું ઘડતર કરવાનું છે. અલબત્ત, ઉત્તમ બાળવાર્તાઓ આમ કરે જ છે. જેમ ખેડૂતને જેવો પાક લેવો હોય તેવું બિયારણ તે વાવે છે, તેમ ભાવી સમાજ જેવો કરવો હોય તેવા બાળકો ઘડવાં જોઈએ. બાળકોની સમજણ કેળવાય, તેઓ સારાસારનો વિવેક કરી શકે, તેમના આ વિવેકની કેળવણી થાય તેવું સાહિત્યરૂપી બિયારણ તેની પાસે આજે મુકાવવું જોઈએ, વવાવું જોઈએ. સર્જકોની એ ફરજ છે કે સમાજ કેવો છે તેનો અણસાર પણ તેને આપવાનો છે. રમણલાલ સોનીએ પોતાના બાળસાહિત્ય થકી ગુજરાતના બાળકોને ન્યાલ કરી દીધા છે. તેમની વાર્તાઓના બબ્બે સંપાદનો થયા છે. તેમણે માત્ર મોજમસ્તી કરાવે તેવી ઘણી વાર્તાઓ આપી છે, તો વ્યવહારના સત્યને પણ વાર્તામાં આલેખ્યં છે. સમાજમાં આવા પણ માણસો હોય છે, આવું પણ થઈ શકે – જે તેમણે વાર્તાઓ થકી બતાવ્યું છે. અંતે મારે એટલું કહેવાનું કે, બાળવાર્તાઓનું એક વધુ પ્રયોજન બાળકની ભાષા ઘડતરનું છે. ભાષા ઘડતર પણ આ અવસ્થાથી થાય એ વધારે જરૂરી છે. બાલકથામાં જીવંતભાષા પ્રયોજવાની છે. બાળકોને ભાષામાંથી એક પ્રકારનું સંગીત અનુભવવા મળવું જોઈએ. ગિજુભાઈની વાર્તાઓનો ભાષા સંદર્ભે અભ્યાસ કરવા જેવો છે. શુદ્ધ બાળલેખન આજે પણ ઘણું થાય છે. ભવિષ્યને નજર સમક્ષ રાખીએ તો લાગે છે કે હજી ઘણા ખ્યાલો વાર્તા દ્વારા બાળકો પાસે મુકવાની જરૂર છે. બાળકોને એ વાત સમજાવવાની જરૂર છે કે ભાવાત્મક રીતે બધા જ સરખા છે. પર્યાવરણની જાળવણી સહજ ઘટના બની જાય એ રીતે વાર્તાઓમાં રજૂઆત કરવાની છે. આપણો ગૌરવભર્યો વારસો જાળવવાનો છે. જરૂર પડ્યે તેમાં પરિવર્તન કરવાનું છે. નવા વિષયો-વિચારો પણ સાંકળવાના છે. આજની માંગ અનુસાર નવું પંચતંત્ર રચવાની જરૂર છે. અંતે, એટલું તો સમજવાનું છે કે બાળવાર્તા એ કહેવાની કળા છે એ રીતે લખાય તે ઉત્તમ. બાળવાર્તા બાળકને ક્યારેય ગેરમાર્ગે દોરતી નથી. બાળકને પરિશ્રમ, પ્રમાણિકતા, પ્રેમના પાઠ બહુ સહજ રીતે સમજાવે છે. બાળવાર્તાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. અત્રે માત્ર ગાગર સાગર ન્યાયે થોડી વાત કરી છે. 1831થી શરૂ થયેલી આ ગુજરાતી બાળવાર્તામાં અનેકોએ પોતાનો ફાળો આપી તેને સમૃદ્ધિ બક્ષી છે અને દિવસે દિવસે નવી કલમો, નવા વિચારો અને નવી રજૂઆતરીતિથી તેને સમૃદ્ધ કરે છે. ગુજરાતી બાળવાર્તાનો ઈતિહાસ ગૌરવવાળો છે અને ભવિષ્ય ઉજ્જવળ છે અને તેને આજે અસ્મિતાપર્વમાં સ્થાન મળ્યું એથી એના ઉજ્જવળ ભવિષ્યમાં જરાય અશ્રદ્ધા નથી. અસ્તુ.’

‘ગુજરાતી બાળસાહિત્ય’ના બીજા વક્તા શ્રી ઈશ્વરભાઈ પરમારે બાળસહજ હસતાં-હસતાં ખૂબ આનંદપૂર્વક બાળકાવ્યો વિશે વાત કરી હતી. તેમણે મધુર સ્વરે હાલરડાં અને બાળગીતો ગાઈને સૌ શ્રોતાજનોને ડોલાવ્યાં હતાં. પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે : ‘અહીં અસ્મિતાપર્વમાં આવ્યો ત્યારે ખબર પડી કે આવતું વર્ષ આપણા ઉત્તમ કવિ ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીનું વર્ષ છે. તેમના આઠમા કાવ્યસંગ્રહ ‘અભિજ્ઞાન’ની એક પંક્તિ ‘હૃદય હૃદયના વંદન તેને….’ દ્વારા હું બાપુને વંદન કરું છું. ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે ગિજુભાઈનું પ્રદાન ઘણું જાણીતું છે. ગિજુભાઈએ જે કેડી પાડી હતી એ કેડીને પાકી સડકમાં ફેરવવા મથતા યશવંતભાઈને વંદન કરું છું. સંશોધન, સર્જન, સંપાદન – આ બધા ક્ષેત્રોમાં કામ કરતા શ્રદ્ધાબેન, મારી પહેલી ચોપડી વાંચીને મને રાજી કરનાર શ્રી હરિકૃષ્ણભાઈ, ઉપસ્થિત સૌ કલાકારો, સાહિત્યપ્રેમીઓ, બાળસાહિત્યરસીક ભાઈઓ અને બહેનો – આપ સર્વને નમસ્કાર. આપ જેને ફોસલાવીને ઘરે મૂકીને અહીં આવ્યા છો એ આપના બાળકોને હું અહીંયાથી મારું વ્હાલ વ્યક્ત કરું છું.

સૌપ્રથમ તો બાળસાહિત્ય ક્ષેત્રના વિદ્યાર્થી તરીકે મારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. પરમ સંત ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કહ્યું છે : ‘इष्टदेव मम बालक रामा। सोभा बपुष कोटि सत कामा।।’ તુલસીદાસજીના ઈષ્ટદેવ બાળક રામ હતા. જગતભરના બાળસાહિત્યકારોના ઈષ્ટદેવ ભોળા બાળક છે. એ બાળકો માટેનું વ્હાલ કેવું હોય એ કોઈ ભૂલીને બાળસાહિત્ય લખે તો બાળસાહિત્ય કંગાળ થાય. સતત અને સતત બાળકને નજર સામે રાખવું જોઈએ. બાળક માટેનું હેત કેવું હોય, બાળક માટેનો પ્રેમ કેવો હોય, એની માટેની પ્રતિબદ્ધતા કેવી હોય એ જોવા સારું આપણે થોડાક બાળસાહિત્યકારોને યાદ કરીએ. એવા બાળસાહિત્યકારોને પણ યાદ કરીએ જેમણે બાળકાવ્યક્ષેત્રે પણ પ્રદાન કર્યું હોય. ગિજુભાઈને તો બધે સંભાળવા જ પડે. તેઓ દક્ષિણામૂર્તિના બાળમંદિરમાં આચાર્ય હતાં. બાલમંદિરનો સમય પૂરો થાય એટલે દરવાજે ઊભા રહી જાય. એકેએક છોકરાના નામ જાણે. એકેએક છોકરા સાથે આંખ મિલાવે. એમાં એક દિવસ એક છોકરો આંખ મિલાવ્યા વિના નીકળી ગયો. કારણ કે એમાં એક છોકરો બીજા છોકરાને બોરનો ઠળિયો મારતો હતો અને ગિજુભાઈએ એને રોક્યો હતો. છોકરાને એમ લાગ્યું કે મારું અપમાન કર્યું એટલે એ બહાર નીકળી ગયો. ગિજુભાઈએ જોયું. ગિજુભાઈ સોસવાણા. એમને મજા ના આવી. એવા બેચેન થયા કે કંઈક બહાનું કાઢીને એના ઘરે ગયા. ઘરે જઈને બાળકને બોલાવ્યું, હસાવ્યું, પછી એમને હશકારો થયો !

એ પછી બાળકો પર બાળકાવ્યોની અમીવર્ષા કરનારા ત્રિભુવન વ્યાસ. 18 વર્ષની ઉંમરે તો પ્રાથમિક શિક્ષક થયા. પહેલીવાર હાજર થયા એ ગામનું નામ દલખાણિયા. ત્યાં ઓટલે બેઠા બેઠા એ અઠંગો ગૂંથે છે અને બાળકો બધા સાથે છે. છેલ્લે એ બાળકો સાથે હિંચ લે છે. આખું ગામ જોવા માટે આવે છે. રાતે આખું ગામ સૂઈ જાય છે ત્યારે જે પોતાના ઈષ્ટદેવ નાના બાળકો હતા એ બધાને સંભારીને એમના માટે ગીતો લખે છે. કેવું સુંદર જીવન ! એ પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. જીવનના એક તબક્કે એમનું બહોળું કુટુંબ. આર્થિક તંગદીલી, ફૂલછાબનું ભારે કામ અને ભાંગતી તબિયત. આ બધી પ્રતિકૂળતા વચ્ચે એક સ્વજન જ્યારે તેમને મળવા માટે જાય છે ત્યારે ઝવેરચંદ મેઘાણી કહે છે કે ‘બાળકો સિવાય મારું ક્યાંય દિલ ઠરતું નથી.’ ત્યારબાદ આપણા સર્વેના પ્રિય રમેશ પારેખ. એ રહેતા હતા અમરેલીમાં સુખનિવાસ કોલોનીમાં. એના દીકરો અને દીકરીનું નામ નેહા અને નીરજ. એ નેહા-નીરજના જે દોસ્તારો તે આ રમેશભાઈના સવાયા દોસ્તારો ! નેહા-નીરજ નિશાળે ગયા હોય ત્યારે આ છોકરાઓ બધા આવે. રમેશભાઈ ઘરમાં હોય તો એમની સાથે રમે. નેહા-નીરજ ઘરમાં હોય અને છોકરાઓ જુએ કે રમેશભાઈ ઘરમાં નથી તો આવે અને પાછા ચાલ્યા જાય ! ઓછામાં ઓછા 500 જેટલા નવજાત બાળકોના નામ રમેશભાઈએ પાડેલા !’

વધુમાં ઈશ્વરભાઈ જણાવ્યું હતું કે : ‘બાળકના ઉછેરમાં માતાપિતાનો પાયાનો ફાળો છે. એ પછી બીજા નંબરનો ફાળો શિક્ષકનો છે એમ કહેવાય છે. મારે નમ્રતાપૂર્વક કહેવું છે કે શિક્ષકની વચ્ચે બાળસાહિત્યકાર છે પણ આ માબાપ દેખાય, શિક્ષક દેખાય, પરંતુ હાલરડાં અને જોડકણાંના રૂપમાં આવતો બાળસાહિત્યકાર દેખાતો નથી ! પથ્થર પર શિલ્પી કોતરકામ કરે પણ હું કવિઓને વંદન કરું છું કે તેઓ સરોવરના પાણી પર કોતરકામ કરે છે. બાળકો માટે કાવ્યો લખનાર તો ઝરણાનાં પાણી પર કોતરકામ કરે છે. એક મહાકાવ્ય લખવું અઘરું છે, કબૂલ ! પણ ચિરંજીવ-યાદગાર રહે તેવું બાળકાવ્ય લખવું પણ સહેલું નથી. રવીન્દ્રનાથ ટાગોરને કોઈકે પૂછ્યું હતું કે તમે બાળકો માટે કવિતા કેમ નથી લખતા ? ત્યારે 60 વર્ષની ઉંમર વટાવી ગયેલા રવીન્દ્રનાથ કહે છે કે ‘I am not mature enough to write poetry for the children’ હું બાળકો માટે કવિતા લખવા માટે પરિપક્વ નથી. એ પછી તો એમણે જે કાવ્યસંગ્રહ આપ્યો એ જોતાં લાગે છે કે તેમાંના કાવ્યો બાળકો માટેનાં નથી, બાળકો વિશેના છે. બાળકો વિશેના કાવ્યો માવતરોને બાળમાનસ સમજવામાં વિશેષ ઉપયોગી જરૂર થાય પણ કાવ્ય તો બાળક માટે હોવું ખપે. જે કવિતા સાંભળીને બાળકને સમજાવવું ન પડે પણ એ પોતે જ હરખાઈ જાય એ સાચું બાળકાવ્ય છે. સાહિત્યકારો બાળકોની ઉંમર પ્રમાણે વિભાજન કરતા હોય છે જેમ કે ‘તરુણ અવસ્થા’, ‘બાલ્યાવસ્થા’, ‘કિશોર અવસ્થા’. આ વિભાજન વિશે એક વાત કહેવાનું મન થાય કે હવે આ છોકરાઓ બહુ વહેલા પાકટ વયના થઈ જાય છે. જેમ કેરી વહેલી પકાવી દેવાય છે, કેળાં વહેલાં પકાવી દેવાય છે તેમ, માવતરોની મહેચ્છાઓના રસાયણો ભરી ભરીને બાળકોને વહેલા પકાવી દેવાય છે. બાર વર્ષની પહેલાં તો એમની કિશોરાવસ્થા સમેટાઈ જાય છે.

ગર્ભાવસ્થાનું વિજ્ઞાન એમ કહે છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે માતાનો અવાજ જાણે છે અને માણે છે. અભિમન્યુની વાત વિજ્ઞાન આવનારા વર્ષોમાં જરૂર સાચી પાડશે. શિશુ અવસ્થામાં બાળક કવિતાના પરિચયમાં આવે છે. સૌથી પહેલું એ હાલરડાનાં પરિચયમાં આવે છે. એમાં શબ્દો ઝાઝા મહત્વનાં ન હોય પણ લય અને તાલ મહત્વની બાબત છે. એક ચોક્કસ પંક્તિ બોલાતી જાય અને છેલ્લે ‘હલૂલૂલૂ….હલૂલૂલૂ….હાં…હાં…હાં.’ એમ થાય અને એક બાજુ ‘ઊંવાઁ…..ઊવાઁ…ઊવાઁ…..’ – એટલે પછી બાળકને થાય કે આ હરિફાઈમાં ઝાઝું પડવા જેવું નથી એટલે પછી ઝપી જાય !! લોકસાહિત્યમાં ઘણા હાલરડાં છે. ન્હાનાલાલનું ‘મોંઘા મૂલો છે મારો વીર રે…’ પ્રસિદ્ધ છે. હવે કવિઓ હાલરડાં ઓછા લખે છે. પહેલા બહુ લખતાં. એવું નથી કે ઘરમાં જ હાલરડાં ગવાય. બાળક ઘોડિયામાં સૂતું હોય તો જ ગવાય એવું પણ નથી. દક્ષિણામૂર્તિમાં આચાર્ય હતા વિમુબેન બધેકા. એ કહેતા કે અમે તો બાળકોને મેદાનમાંથી રમીને-થાકીને આવે પછી એને વર્ગખંડમાં લઈ, અંધારું કરીને સૂવડાવી દઈએ અને પછી બાલમંદિરના વર્ગખંડમાં ધીમેથી હાલરડું ગાઈએ તો ઘણા ખરા છોકરાં સૂઈ જતા ! હાલરડાં પછી જોડકણાં. જોડકણાં એટલે જોડી કાઢેલું. પણ ગમે તેમ જોડી કાઢેલું નહિ. ગમે તેમ શબ્દ વાપરવો હોય તો બાળકને ‘ગમે તેમ’ જોડી કાઢેલું એટલે જોડકણું. એમાં લય, તાલ, પ્રાસ હોય. લયનું એમાં એટલું બધું મહત્વ છે કે એને ‘લયકણાં’ કહેવામાં આવે છે. એ સાચો શબ્દ છે. ‘ઓળી ઝોળી પિપર પાન, ફોઈએ પાડ્યું યશ નામ…..’ જોડકણાં તો ઘણાં બધાં છે. બાળકને સુવડાવતી વખતે, જમાડતી વખતે, રમાડતી વખતે, હિંચળતી વખતે – એમ ઘણી વખતે એ ગવાય છે. લોકસાહિત્યમાં ઢગલો જોડકણાં છે. એમાં બાળકો માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ અનેક જોડકણાં આપ્યા છે. ‘બાએ ભરી બકી… જાણે ચકોચકી…’ એમ એમના એક જોડકણામાં આવે છે. આ વાંચીને એક વિવેચકે કહ્યું કે આ કંઈ ઠીક નથી પણ બાળકો કંઈ વિવેચન વાંચતા નથી !! એને તો લય સાથે આનંદ આવે છે. બીજો એને કોઈ વિચાર હોતો નથી. એ પછી બાળકાવ્યોમાં વાત કરીએ તો સુરેશ દલાલ. સુરેશ દલાલ સાથે તો બાળકો ભાણે જમવા બેસી જાય ! ‘ચલકચલાણું ઓલે ઘેર ભાણું…..’ અહીં બેઠેલા હરિકૃષ્ણ પાઠક બાળકને હિંચકાવે છે : ‘હાલરહુલર હિંચકા….’ પ્રયોગશીલ સાહિત્યકાર યોસેફ મેકવાને શહેરી બાળકોને લક્ષમાં લીધા છે : ‘ડીંગ ડોંગ ડીંગ ડોંગ ડીંગ ડોંગ ડીંગ…. ટોમી અમારા ઘરનો કિંગ….’ યશસ્વી સાહિત્યકાર રક્ષાબેન દવેએ બબુડીનું જોડકણું જોડ્યું છે : ‘એક હતી બબુડી, એના ઘરમાં ટબુડી…’ મધુકાન્ત જોષી બાઘડો બનાવે છે : ‘ભાઈ બને બાઘડો….. બહેન તાણે રાગડો….’ કુશળ વાર્તાકારો પણ વાર્તાની વચમાં જોડકણાં લઈ આવે છે. રમેશ પારેખે વાર્તા લખી છે ‘પંદર થેપલાં’ એમાં સરસ જોડકણાં આવે છે.

જોડકણાં અને હાલરડાંની જેમ ઉખાણાં પણ એક બાળકાવ્યોનો પ્રકાર છે. એમાં થોડું સાંકેતિક વર્ણન થાય અને બાળકને પૂછવામાં આવે કે ઈ શું ? એમાં સાકળચંદ પટેલ પૂછે છે : ‘લીલો ચોર, લાલ મકાન, અંદર બેઠા કાળા પઠાણ…. બોલો કોણ ?’ ઉખાણાંની જેમ એક ચોથો પ્રકાર છે ‘થોથવણાં’. થોથવાઈ જવા પરથી ‘થોથવણાં’ શબ્દ બન્યો છે. કોઈ પંક્તિ એકથી વધારે વાર ઝડપથી બાળકને કહેવામાં આવે તો બાળક બોલે નહીં. ગુજરાતીમાં જાણીતું છે : ‘પાંચ પાપડ પાકા કાકા, પાંચ પાપડ કાચા, પાકા પાકા પિરસો કાકા, કાચા મેલો પાછા.’ જલદી જલદી બોલીએ તો ગોટાળો થઈ જાય ! એ પછી પ્રકાર છે ‘શિશુગીતો’નો. બાળકાવ્યોમાં ‘શિશુગીતો’ અઘરામાં અઘરો પ્રકાર છે. અતિમનસના યાત્રી કવિ સુંદરમ શિશુગીતો રચવા માટે કેવા નીચા વળીને બાળકને વહાલ કરે છે એ જુઓ….. ‘તારા ચમક ચમક….. ચાંદો ચમક ચમક….’ એમાંય ત્રિભુવન વ્યાસનું તો કંઈ કહેવાનું છે જ નહિ ! ‘મેં એક બિલાડી પાળી છે…’ એ બહુ જાણીતું છે. ‘મારો છે મોર… મારો છે મોર…. મોતી ચરંતો મારો છે મોર…..’

હવે બાળક કિશોર અવસ્થામાં પ્રવેશે છે. શિશુકાવ્યો કે બાળકાવ્યોની પહેલી શરત સરળતા છે કારણ કે બાળક સરળ છે ને ! ઝવેરચંદ મેઘાણીનું સરળ કાવ્ય ‘ઝરણું રમતું રમતું આવે….’ એનું ઉદાહરણ છે. બાળકાવ્યનું બીજું લક્ષણ એ છે કે એકનો એક શબ્દ કે વર્ણ વારંવાર આવે તો એનું એક અનુવર્ણન ઊભું થાય. નિરુદ્દેશી કવિ રાજેન્દ્ર શાહ કહે છે : ‘ડુમક ડુમક ડુમ, ડુમક ડુમક ડુમક ડુમ, રાજાની સવારી આવે….’ રમેશ ત્રિવેદી કહે છે ‘અગડં નાચે બગડં નાચે, નાચે તાતા થૈ…’ કિશોર માટેના કાવ્યોમાં લય-તાલ બહુ મહત્વની વસ્તુ છે. ત્રિભુવન વ્યાસની ખિસકોલીની સાવ સાદી કવિતા, પણ કેવો ગજબનો લય છે ! ‘તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી….’ ઈષ્ટદેવ બાળકને જ્યારે કોઈ ચીજ ધરાવવાની હોય ત્યારે કોઈ ચીજ ખંડિત ન હોવી જોઈએ. એમ આ બાળકાવ્યોના પ્રાસમાં ખંડિતતા ન ચાલે. કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે સરસ પ્રાસ મેળવ્યો છે કે ‘વાદળ કેરા ઘરમાં જઈને સૂરજ કેવો ન્હાય, એથી તો એ બહાર નીકળતા કેવો ઝગમગ ઝગમગ થાય….’ મનોહર ત્રિવેદીએ તો બેવડો પ્રાસ મેળવ્યો છે. વિષય અને વ્યાકરણ બંનેની દષ્ટિએ પ્રાસ મળે. ‘મમ્મી ફળિયાની જાંબુડી પર જોને બોલે મેના, ઘરમાં કલબલ કરતી એક આપણી બેના…..’ ગેયતા બાળગીતોનો આત્મા છે. ગેયતામાં તાકાત જબરી છે. જો કવિતામાં અઘરા શબ્દો આવી જાય પણ જો તેમાં ગેયતાનું તત્વ હોય તો નભી જાય. એ વાત પણ એટલી સાચી છે કે જો માત્ર ગેયતા હોય પણ એમાં જો કવિત્વ ન હોય તો એ ન ચાલે. ચાર દાયકાથી રાજકોટની આકાશવાણી પર એક ગીત ગવાતું આવે છે. મને લાગે છે કે ચાર વર્ષ પછી એના પચાસ વર્ષ પૂરા થાય છે. એના કવિ છે મહિપતરામ જોષી.. ‘રમેશભાઈ દોડો, મુકેશભાઈ દોડો, ઈલાબેન દોડો, શીલાબેન દોડો…. મજાની પેલી ફરફરિયાવાળી આવી….આવી…આવી…..’ કિશોર માટેના કાવ્યનું ઉત્તમ લક્ષણ છે કલ્પનાવૈભવ. આવી કલ્પના કરનારાઓમાં એક છે રક્ષાબેન દવે : ‘આ શૉ-કેસની ઢીંગલીઓ…. ગરબે રમવા આવે તો ?….. મજા પડે ભાઈ મજા પડે…’ કિશોર કાવ્યનું ઉત્તમ લક્ષણ છે મનોરંજકતા. કંઈક મજા પડવી જોઈએ અને બાળકને હસવું આવવું જોઈએ. એને માટે દલપતરામને પહેલા સાંભરીએ. એમની ઊંટવાળી કવિતા અને પૂરી અંધેરી અને ગંડુ રાજા પ્રસિદ્ધ છે. વેણીભાઈ પુરોહિતે ‘જોઈતારામની જડીબુટ્ટી’ નામનું એક સરસ પાત્ર આપ્યું છે. કૃષ્ણ દવેએ ‘ભોંદુભાઈ હાથી’નું સરસ મજાનું પાત્ર આપ્યું છે. રમણલાલ સોનીનો જોટો ન મળે ! એમણે તો ઘણા બધા કથાકાવ્યો આપ્યા છે. રતિલાલ બોરીસાગર પણ હાસ્યકાર અને બાલસાહિત્યકાર ખરા. નિર્મિશ ઠાકરે પણ કવિતા લખી છે કે ‘ભાવનગરના ભોગીકાકા જોવા ચાલ્યા જામનગર’ હવેના સમયમાં જેની સૌથી વધારે જરૂર છે તે કિશોર કાવ્યનું એક લક્ષણ છે ‘સત્પ્રેરણા’. આ મોસમ મરવાની મોસમ છે કારણકે જુઓ ને, પરીક્ષાના સમય પહેલાં કે પેપર આપ્યા પછી છોકરાઓ ટપોટપ મરવા લાગે છે. આ સંજોગોમાં બાળસાહિત્યનો જો બરાબર યોગ્ય રીતે પરિચય અપાયો હોય, જો બાળકાવ્યોનો યોગ્ય રીતે પરિચય અપાયો હોય તો છોકરાઓની છાતી કઠણ રહે. રમણ સોનીની નોળવેલ જેવી આ કવિતા છે :

સસલું કહે છે : ‘પળે પળે શું મારે બીતાં રહેવું ?
ધૂળ જેવું આ જીવ્યું : એને જીવ્યું શાને કહેવું ?

આમથી ઓલો બિવડાવે ને તેમથી ડારે પેલો,
ખાવું પીવુંય રુચે નહીં, હું જીવતાં છતાં મરેલો !

શા સારું આ દુ:ખ વેઠવું ? ચાલ પડું જઈ જળમાં,
મરું મજેથી ડૂબી નદીમાં, દુ:ખ શમાવું પળમાં !’

નદી કિનારે દેડકાં કેરી સભા મળી’તી ત્યારે,
સસલાના પગસંચારે ત્યાં નાસભાગ થઈ ભારે !

નાઠાં સૌ જળમાં સંતાયાં : સસલું પડ્યું વિચારે,
‘હું સમજું કે હું જ એકલું બીકણ છું સંસારે !
પણ નાં, બીજાં પણ બીએ છે મારા પગ સંચારે !

મારા મનથી બીજા બળિયા, બીજાના મનથી હું,
તો શરમિંદા થઈ મારે, મરવાનું કારણ શું ?

બીક અને બહાદુરી બંને એક જ બીજનાં નામો
જીવવું એ જ ખરું, મરવાનો શીદ કરું હંગામો ?’

કિશોરવય પછી બાળક તરુણવયમાં આવે છે. એની કક્ષા હવે ઊંચી આવે છે. હવે એને સાદી કવિતા ન જામે. એમાં એને ચમત્કૃતિ જેવું ન લાગે. એની રૂચિ બદલાઈ ગઈ. શારીરિક ફેરફારો ઘણા થઈ ગયા, એ કારણે એને એવું ન ગમે. હવે એને ચરિત્ર, વિજ્ઞાનકથા, સાહસકથા, હાસ્યકથા, પ્રણયકથા, સામાન્યજ્ઞાન – આ બધું એને જોવાનું ગમે છે.’

સમાપન કરતાં ઈશ્વરભાઈએ કહ્યું હતું કે : ‘શિક્ષકો ધારે તો બાળકાવ્યોને ઉજાગર કરી શકે છે. જામનગરના દુષ્યંત પંડ્યાથી બાળકાવ્ય બરાબર ભણાવાયું નહિ અને સંતોષ ન થયો તો એમને રાતે ઊંઘ ન આવે. એવા શિક્ષકોની આજે જરૂર છે. જોસેફ મેકવાન કવિતા ભણાવતા ત્યારે એમાં એકવાર માંનો ઉલ્લેખ આવ્યો અને એમની આંખમાં આંસુ આવ્યા. મહુવાના કરસનદાસ લુહાર, એક નીવડેલા બાળસાહિત્યકાર અને નક્કર શિક્ષક. થાવું તો એવું જોઈએ કે બાળક નિશાળેથી દોડતું આવીને માને ભેટી પડે, વેગળું ન થાય અને એમ કહે કે ‘મા, આજે ટીચરે તારા વિશે એવી કવિતા ભણાવી, એવી ભણાવી કે તું બહુ વહાલી લાગે છે.’ ગુજરાતને ઈંતજાર છે એવા બાળપ્રેમી શિક્ષકોનો. ગુજરાતને ઈંતજાર છે એવા સમર્થ અને સમર્પિત બાળકાવ્યકારનો. અહીં બેઠેલા બધા સાહિત્યકારોએ એકી અવાજે કહ્યું છે કે હજુ કોઈ બાળકવિ ત્રિભુવન વ્યાસની ઊંચાઈએ આવ્યો નથી. ભગવાન પાસે એવું માગવાનું મન થાય કે ત્રણ ત્રિભુવન વ્યાસ જો આ એકવીસમી સદીમાં આપે તો એકવીસમી સદીના બાળકો રળિયાત થઈ જાય. ગુજરાતને ઈંતેજાર છે એવા ગીતનો જે કાળના પ્રવાહ સામે અડીખમ ઊભું રહે. એવું એક ગીત આપણે ત્યાં છે જેને 2014માં પંચોતેર વર્ષ પૂરા થશે. કવિ સુંદરમનું એ કાવ્ય છે ‘રંગ રંગ વાદળિયાં…..’. સંત તુલસીદાસજીએ કહ્યું છે ‘જો બાલક કહું તોતરી ભાષા….’ બાળક જેમ તોતળી ભાષા બોલે એમ મારામાં રહેલા બાળકને તમે બધાએ સાંભળ્યો એટલે તમને વંદન કરું છું અને આ તપોવનના બાલતરુઓને પણ વહાલ કરું છું. આભાર.’

આ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી યશવંતભાઈ મહેતાએ બાળજીવનચરિત્રો વિશે વાત કરી હતી. તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કરતાં કહ્યું હતું કે : ‘પ્રારંભે જ મારે અસ્મિતાપર્વના પ્રેરક મોરારિબાપુનો આભાર માનવો છે અને વંદન કરવા છે. સાથે જ આયોજકોનો અને આપ શ્રોતાઓનો પણ આભાર માનું છું. પ્રૌઢો માટેના સાહિત્યની જેમ જ બાળસાહિત્યના અનેક પેટાપ્રકાર છે. 1932માં બાળસાહિત્યનો એક સરસ સંગ્રહ ગિજુભાઈએ તૈયાર કર્યો હતો. એમાં બાળસાહિત્યના 32 પ્રકાર ગણાવ્યાં હતાં. એ પછી પણ એમાં નવા ઉમેરાયા છે જેમકે કોયડાકથા અને વિજ્ઞાનકથા. એમ છતાં બાળસાહિત્યના એકંદરે આપણે પાંચ પ્રકાર પાડી શકીએ : વાર્તા, કાવ્ય, નાટક, જીવનકથા અને જ્ઞાનવિજ્ઞાન. જ્ઞાનવિજ્ઞાન એટલો સર્જનાત્મક વિષય તો નહીં પરંતુ બાળકના વિકાસ માટે અને એ દ્વારા સમાજના વિકાસ માટે અનિવાર્ય તો ખરો જ.

આમ તો કોઈપણ કૃતિ જે ધોરણસરની હોય, વિકૃત ન હોય અને બાળકના વિકાસ અને ઘડતરમાં ફાળો આપી શકે એ આપણે સારા બાળસાહિત્યમાં સમાવી શકીએ. બાળસાહિત્યમાં જીવનચરિત્રો ખૂબ આનંદદાયી છે. એનાથી પ્રેરણા મળે છે અને જીવનની ઉન્નતિ પણ થાય છે. મહાપુરુષોના જીવનચરિત્રો આપણને ઉત્તમ મનુષ્ય બનાવે છે. અમેરિકાના રાષ્ટ્રકવિ લોંગફેલોએ કહ્યું છે કે ‘મહાપુરુષોના જીવન આપણને એ પ્રેરણા આપે છે કે આપણે આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ અને જ્યારે જઈએ ત્યારે સમયની રેત પર પગલાંઓ છોડી શકીએ.’ ક્યારેક કોઈ મોટા નેતાનું આકસ્મિક અવસાન થાય ત્યારે પણ જીવનચરિત્રો તાત્કાલિક લખી નાખવામાં આવતા હોય છે પણ એ ક્યારેક ઊભડક હોય છે. આમાં જોખમ એ હોય છે કે અધૂરી વાત હોય, અસ્પષ્ટ વાત હોય, ઘણીવાર તો કંઈક ખોટી માહિતી કે ખોટા આવેશનું પણ એમાં નિરુપણ થઈ જાય એવી સંભાવના છે.

ગુજરાતી બાળસાહિત્યનો પ્રારંભ લગભગ આપણે 1831થી ગણીએ છીએ કે જ્યારે ‘બાળમિત્ર’ નામનું એક પુસ્તક આપણને ગુજરાતીમાં મળેલું. એ પછી વાર્તાઓ, ઈસપની વાર્તાઓ, જૂની વાર્તાઓ, અનુવાદિત વાર્તાઓ, પંચતંત્ર-હિતોપદેશ-જાતકકથા એ બધું ઘણું મળ્યું. પરંતુ જીવનચરિત્રો બહુ મોડેથી લખાયા. પહેલ વહેલું જીવનચરિત્ર 1882માં મહિપતરામે ‘સિદ્ધરાજ જયસિંહ’ લખ્યું. એ પછી નારાયણ હેમચંદ્રે ત્રણ પુસ્તક પ્રગટ કર્યા : ‘કેટલીક પ્રખ્યાત સ્ત્રીઓના જીવનચરિત્ર’ – 1883, ‘કેટલાક ઉદ્યમી પુરુષોના જીવનચરિત્ર’ – 1893, ‘સ્વદેશ પ્રેમી પુરુષો’ – 1895. એ પછી 1894માં ‘એની બેસન્ટ’નું જીવનચરિત્ર લખાયું જે ગુજરાતી બાળસાહિત્ય માટે ગૌરવની વાત છે. 19મી સદીનો ઉત્તરાર્ધ અને 20મી સદીનો પૂર્વાર્ધ રાષ્ટ્રજાગૃતિનો કાળ છે તેથી લોકોમાં જનજાગૃતિ આવે એવા જીવનચરિત્રો લખાવા લાગ્યાં. આ પ્રવાહ બે ધારામાં ચાલ્યો; એક તો ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોના જીવનચરિત્ર નવેસરથી બાળસુલભ સ્વરૂપમાં લખાવાનું શરૂ થયું અને બીજી ધારા તે એવી વ્યક્તિઓ ઘડવાનો પ્રારંભ થયો જે રાષ્ટ્રાભિમાન પ્રેરે. 20મી સદીમાં જે પહેલું જીવનચરિત્ર મળે છે તે મહાશંકર ભટ્ટનું ‘સાવિત્રી ચરિત્ર’ છે કે જેમાં બહેનોને પતિવ્રતા ધર્મનો ઉપદેશ થયો. 20મી સદીના બીજા દાયકાથી ગિજુભાઈ આવ્યા અને આખું ચિત્ર બદલાઈ ગયું. ‘હરિશ્ચંદ્ર’, ‘બુદ્ધચરિત્ર’ અને ‘ગોપીચંદ’ એવા સૌથી પહેલાં ત્રણ પૌરાણિક ચરિત્રો તેમણે આપ્યાં. ચોથું ચરિત્ર રાષ્ટ્રાભિમાન પ્રેરે એવા ‘શિવાજી’નું. ગિજુભાઈ પછી પુસ્તકાલય પ્રવૃત્તિના જે પિતા ગણાયા છે એવા વડોદરાના મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઘણું બાળસાહિત્ય રચાવવા લાગ્યું. જેમના નામ આપતાં આપણે થાકતા નથી એવા ગિજુભાઈ બધેકા અને જીવરામ જોષીના પ્રારંભિક કોઈ પ્રેરક હોય તો એ મોતીભાઈ સાહેબ છે. મોતીભાઈ સાહેબે એમની પાસે બે મહત્વના કામ કરાવ્યાં. એક તો 1932 સુધીનું જે કંઈ બાળસાહિત્ય હતું એની સટિક નોંધ એમણે ગિજુભાઈ પાસે કરાવી અને 1932 થી 1938 સુધી જે કંઈ બાળસાહિત્ય પ્રગટ થયેલું એની નોંધો એમણે જીવરામ જોષી પાસે તૈયાર કરાવી. જુગતરામ દવેએ 1929માં ‘બાળકોના ગાંધીજી’ એવું એક પુસ્તક લખ્યું. એ પછી તો ગાંધીજી આપણા જીવનચરિત્ર લેખનનો એવો ભાગ બની ગયા કે સૌ કોઈએ એમના વિશે લખ્યું. એમાં રામનારાયણ પાઠક, કાકા કાલેલકર, મનુબહેન ગાંધી, સોમાભાઈ ભાવસાર, રતિલાલ અનિલ વગેરેએ ઘણું સરસ લખ્યું છે. ખાસ કરીને કિશોરો માટે મેં 450 પાનામાં ‘ગાંધીકથા’ લખી. એમાં એમનું સળંગ જીવનચરિત્ર છે.’

જીવનચરિત્રો વિશે વાત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે : ‘ગુજરાતી બાળસાહિત્યનો ગિજુભાઈ પછીનો જે ગાળો આવ્યો એમાં સંખ્યાબંધ લોકોએ જીવનચરિત્રો લખ્યાં. 1939માં સોમાભાઈ ભાવસારે એક વિશિષ્ટ પુસ્તક આપ્યું ‘નાના હતાં ત્યારે’ એમ કરીને મોટેરાંઓના બાળપણની ઘડતર કથાઓ એમણે આપી જે સોનાની સાબિત થઈ. ઈશ્વરભાઈએ પણ ‘ઉગતા સુરજના તેજ અપાર’ નામનું સરસ પુસ્તક લખ્યું જેમાં સિદ્ધવંતોના બાળપણની કથા છે. શારદાપ્રસાદ વર્મા એ બાળકો માટે જીવનચરિત્રો પર ઘણું કામ કર્યું. તેમણે ‘નરવીરો’, ‘સાધુસંતો’, ‘દેશનેતાઓ’ વગેરે 20 જેટલી પુસ્તિકાઓમાં અનેક જીવનચરિત્રો આપ્યા. વિખ્યાત બાળપ્રાક્ષિક ‘ગાંડીવ’ના પ્રકાશક તંત્રી નટવરલાલે ‘કીર્તિસ્તંભ’ના ત્રણ ભાગમાં જીવનચરિત્રો આપ્યાં છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી માટે શ્રી રસૂલભાઈ વોરા એ તો 40 જેટલી પુસ્તિકાઓ આપી ! એમાં સ્વદેશીઓના જીવનચરિત્રો તો છે જ પણ સાથે થોમસ આલ્વા એડિસન, બેન્જામિન ફ્રેન્કલીન, વોશિંગટન – એ બધાંનાં જીવનચરિત્રો પણ આપ્યાં છે. એક શ્રેણી જે આ દિવસોમાં શરૂ થઈ અને આજ સુધી તાજી રહી છે અને તે ધીરજલાલ ટોકરશીએ શરૂ કરેલી ‘જીવન ચરિત્રમાળા’ કે જે આગળ જતાં ‘વિદ્યાર્થી વાચનમાળા’ નામે પ્રસિદ્ધ થઈ. એમણે 200 પુસ્તિકાઓ તૈયાર કરી. એમાં જીવનચરિત્ર ઉપરાંત ભૌગિલિક પરિચયો, નગરપરિચયો અને વિજ્ઞાનની વાતો પણ હતી અને સાથે એમાં 160 જેટલા નાના નાના જીવનચરિત્રો હતાં. 1950-60ના દાયકામાં ધનવંત ઓઝાએ એકલે હાથે એક ભગીરથ કામ કર્યું. એમણે એકલે હાથે ‘જીવન ચરિત્રમાળા’માં 160 જેટલા જીવનચરિત્રો આપ્યાં. ચંદ્રભાઈ ભટ્ટ વૈજ્ઞાનિક વિચારસરણીને વરેલા આપણા એક લેખક હતા એમણે ‘સંસ્કાર જ્યોત’ અને ‘વિજ્ઞાન જ્યોત’ એમ ત્રણ-ત્રણ કરીને કુલ છ પુસ્તકો આપ્યા અને એની અંદર વિશ્વઈતિહાસની અંદર પ્રવાસ કરીને જેમણે વિજ્ઞાનની ખાતર થઈને કંઈક ભોગ આપ્યો એવા વિજ્ઞાનવીરોની વાતો એમણે કહી. આ કથાઓ કિશોરવાચકો માટે તો અત્યંત પ્રેરક નીવડે તેવી છે. દેશ, સમાજ, માનવતા માટે કંઈક કરી છૂટવાની તમન્ના તેમાંથી મળે તેવી છે. એનાથી પ્રેરાઈને જ મેં ‘વિજ્ઞાનના મરજીવા’ નામનું પુસ્તક લખ્યું હતું.

60ના દાયકામાં રમણલાલ નાનાલાલ શાહે 1919 થી માંડી 1971 સુધી એકલા હાથે 52 વર્ષ સુધી ‘બાલજીવન’ નામનું માસિક ચલાવ્યું. કદાચ આપણી ભાષાનો આ એક વિક્રમ છે. એ સિવાય અનેક સાહિત્યકારોનો આ દાયકામાં સમાવેશ થાય છે. એ પછીના જીવનચરિત્રકારોમાં હરીશ નાયક, રસિક મહેતા, મનુબેન, વીણાબેન શાહ વગેરેનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં બે લેખકોએ એક ખાસ દિશામાં વિપુલ કામ કર્યું. એક આપણા અમર વાર્તાકાર ધૂમકેતુના દીકરી ઉષાબહેન જોશી. એમણે અને એમના ભાઈ દક્ષિણકુમારે શરૂઆત તો એવી રીતે કરી કે ‘ધૂમકેતુના જીવન ઘડતરની વાતો’ પણ એમ કરીને તેઓએ નાના-નાના 14 પુસ્તકો આપ્યા. એ પછી તો એમણે વિજ્ઞાનીઓના ઘણા જીવનચરિત્રો આપણને આપ્યા. ત્યારબાદ એમને એવો ખ્યાલ આવ્યો કે જેમને ભારત-રત્નનો ખિતાબ આપવામાં આવે છે એમના ચરિત્રો લખું. એટલે તેમણે એમના જીવનચરિત્રો આપ્યાં. એ થોડાક થાક્યા એટલે એવા જ બીજા લેખક કનુભાઈ રાવળે બીડું ઝડપી લીધું અને ભારત-રત્ન શ્રેણીમાં એમણે પણ અનેક લોકોના જીવનચરિત્રો આપણને આપ્યા. ઉષાબેનના મોટાભાઈ દક્ષિણકુમારે એક સરસ પુસ્તક લખ્યું છે ‘બે સાહિત્ય સખા’ એ નાનાઓ માટે છે પરંતુ મોટાઓએ પણ વાંચવા જેવું છે. એમાં ધૂમકેતુ સાહેબ અને મેઘાણી – એ બંનેની દોસ્તીની, ઝીણી ઝીણી, માનવતાભરી અને ઉષ્માભરી વાતો છે કે જે આપણને વાંચવાનું ખૂબ ગમે. એ સમયમાં હરીશ નાયકે સમકાલીન જીવનચરિત્રો લખ્યાં. એ સીલસીલો હજુ પણ ચાલુ છે. હમણાં જ તેમણે કલ્પના ચાવલા, બિલગેટ્સ, બરાક ઓબામાનું ચરિત્ર પણ લખ્યું છે જે પ્રકાશનમાં છે. ગુજરાતનો બાળસાહિત્યકાર અને કવિ આધુનિક થતો જ જાય છે એમ જીવનચરિત્રકાર પણ આજના જગતની સાથે તાલ મિલાવતો જાય છે. અશ્વિન ચંદારાણા એ પણ ‘બિલગેટ્સ’ કે જે સફળમાં સફળ પુરુષોમાંના એક છે, એમનું જીવનચરિત્ર નિરૂપ્યું છે.

કુમારપાળ દેસાઈનું નામ જીવનચરિત્રોમાં ન લઈએ તો ન ચાલે. એમનું પહેલું જ પુસ્તક ‘લાલ ગુલાબ’ નહેરૂજી વિશે હતું. નહેરૂ કોટમાં લાલ ગુલાબ રાખતાં હતાં એટલે એ પરથી પુસ્તકનું નામ ‘લાલ ગુલાબ’ રાખ્યું. એ પુસ્તકની ત્રીસ હજાર જેટલી નકલો વેચાઈ હતી. એમનું ઉત્તમ પુસ્તક તે ‘અપંગના ઓજસ.’ માણસ અપંગ હોવા છતાં કેવી સિદ્ધિ મેળવી શકે, કેવું સફળ અને અર્થપૂર્ણ જીવન જીવી શકે – ખાસ કરીને રમતગમતની દુનિયાની અંદર અપંગ હોવા છતાં જેમણે અનેરી સિદ્ધિ મેળવી છે એની સુંદર વાતો એમાં છે. એ પછી મેં ‘અપંગ નહિ અશક્ત’ લગભગ 400-500 પાનામાં આવા જ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારાની વાતો લખી હતી. જેમ કે થોમસ આલ્વા એડિસન કે જેઓ બહેરા હોવા છતાં નવી શોધો માટે 1083 પેટન્ટ નોંધાવી હતી.

બાળસાહિત્યમાં એક બીજો મોટો પ્રયત્ન ‘સયાજી બાળજ્ઞાનમાળા’નો છે જે હરગોવિંદ કાંટાવાળા વગેરે લેખકોએ વડોદરામાં કર્યો હતો. વિખ્યાત પત્રકાર વાડીલાલ ડગલી અને વિખ્યાત તંત્રી યશવંત દોશીએ મળીને જે ‘પરિચય પુસ્તિકા’ શ્રેણી શરૂ કરી છે તેના આપ પરિચયમાં હશો જ. અત્યાર સુધીમાં આશરે 1300 જેટલી પરિચય પુસ્તિકાઓ તેમણે પ્રગટ કરી છે. એ એક જાતનો એનસાઈકલોપિડીયા છે અથવા એક જાતનો વિશ્વકોશ છે. આશરે 300 જેટલા જીવનચરિત્રો આ પરિચય પુસ્તિકાની અંદર આપણને મળે છે. એ ખૂબ ઉપયોગી છે. એક મોટી જીવનચરિત્ર શ્રેણી ‘બાલભારતી’ જીવનચરિત્ર શ્રેણી છે. એમાં 150 જેટલા ટૂંકા જીવનચરિત્રો પ્રગટ થયા છે. મૂળ અંગ્રેજીમાં તૈયાર થયેલી ‘અમરચિત્ર કથા’ પણ જીવનચરિત્રો માટે ઉત્તમ સ્ત્રોત બની રહે તેમ છે. તેમાં ઘણીખરી પુસ્તિકા જીવનચરિત્રાત્મક છે. તે મૂળ અંગ્રેજીમાં હોવા છતાં તેના 130 ટાઈટલ્સ ગુજરાતીમાં પણ આજે મળે છે. એમાં જે છે તે જેમનું તેમ રજૂ કરવામાં આવ્યું છે તેથી તેમાં કોઈ પૂર્વગ્રહપણ નથી. ચિત્રો સાથે સંવાદો હોવાથી વધારે રસપ્રદ અને વધારે પ્રેરક બને છે. આ ઉપરાંત પ્રવીણ પ્રકાશને પણ ‘શહીદ ગ્રંથાવલિ’ પ્રગટ કરી છે જે વધારે તો કિશોરો માટે ઉપયોગી થાય તેવી છે. બે અન્ય પુસ્તકશ્રેણીઓ પણ અનુવાદરૂપે આજે આપણા બાળકોને મળે છે; આમાં ‘ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ’ અને ‘નેશનલ બુક ટ્રસ્ટ’ના પ્રકાશનો મુખ્ય છે. એમાં ઘણા ખરાના અનુવાદ રમણલાલ સોનીએ કરેલાં છે. હમણાં છેલ્લે ઓસ્કસફોર્ડ પ્રેસે બધી ભારતીય ભાષાની અંદર પ્રવેશ કરવા માંડ્યો જેથી તેઓએ આપણા ગુજરાતીમાં પણ કેટલાક પુસ્તકો પ્રગટ કરવા માંડ્યા છે અને એની અંદર વિજ્ઞાનીઓના ચરિત્રો આપણને મળે છે. પ્રસંગકથાઓમાં મુકુલકલાર્થીના પુસ્તકો પ્રચલિત છે. 1969માં હરીશ નાયકે એક સુંદર કામ કરેલું. ગાંધીજીની જન્મશતાબ્દી વખતે તેમણે ‘હસતાં ગાંધી’ અને નહેરુની જન્મશતાબ્દી વખતે ‘હસતા જવાહર’ એમ કરીને બીજા અનેક દેશનેતાઓ, વિજ્ઞાનીઓ અને વીરપુરુષોના હાસ્યપ્રસંગોના પુસ્તકો એમણે આપણને આપ્યા છે. ‘શાંતિ ના. શાહ’ ઊર્ફે ‘સત્યમે’ 650 જેટલા જીવનપ્રસંગોનો ખજાનો આપણને ખોલી આપ્યો છે. જો કે એની મર્યાદા એ છે કે તે નાના બાળકોના સામાયિકો માટે નહીં લખાયેલા હોવાને કારણે એની અંદર ભાષા થોડી અઘરી છે.

હવે આ ક્ષેત્રનું એક બીજું પાસું જોઈએ. આપણા બાળસાહિત્ય માટે મોટી ગણાતી સાહિત્ય સંસ્થાઓ ઘણે અંશે ઉપેક્ષા સેવે છે. ક્યારેક થોડા પાનાં એની માટે ફાળવી દેવામાં આવે તો ક્યારેક થોડા ઈનામો પણ હોય. પરંતુ એ પૂરતું નથી એવો મારો અભિપ્રાય છે. બીજી બાજુ રાજ્યસરકાર બાળસાહિત્ય પ્રત્યે વધારે બેદરકાર છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે અગાઉથી બાળસાહિત્ય માટે પ્રોત્સાહક ઈનામો આપવાની યોજનાઓ હતી. આપ સૌ જાણીને આશ્ચર્ય પામશો કે દાયકાઓના દાયકાઓ સૌથી મોટેરાંઓને ઈનામો અપાતા હતા એનાથી બાળસાહિત્યકારોને અડધા ઈનામો અપાતા ! અમે ખૂબ ફરિયાદો કરી. પરિણામે ‘સાહિત્ય અકાદમી’ રચાઈ અને એની અંદરના સજ્જનોએ અમારી આ વિનંતીને માન્ય રાખી. હવે મોટેરાંઓના સાહિત્યને જે ઈનામ મળે એ જ બાળસાહિત્યના બાળસાહિત્યકારોને મળવા લાગ્યા છે. એક બીજી વાત, જેની આજે પણ અમારી ફરિયાદ ચાલુ છે તે એ કે જ્યારે રાજ્ય સરકાર ઈનામોનો વહીવટ કરતી હતી ત્યારે બાળસાહિત્યમાં પાંચ પ્રકાર હતા – વાર્તા, કવિતા, નાટક, જીવનચરિત્ર અને જ્ઞાનવિજ્ઞાન. પછી સ્વાયત્ત અકાદમી થઈ અને વિદ્વાનોના હાથમાં આવી. એટલે એમણે ચાર જ પ્રકાર રાખ્યા ! વાર્તા, કવિતા, નાટક અને પ્રકીર્ણ. આ પ્રકીર્ણમાં બધું જ આવી જાય. ઈનામ એક પ્રેરણા હોય છે પણ એ બહાને બધા લખતા થાય અને જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી અલગ રહે તો કેટલું સારું ! આ ઉપરાંત બાળસાહિત્યને અવરોધક એક મુદ્દો સમીક્ષાનો છે. બાળસાહિત્યની સમીક્ષા કરવાની પ્રામાણિક પ્રણાલિકા યશવંત દોશીએ સ્થાપિત કરી હતી. બાળકોની અંદર ધિક્કારની લાગણી કે વેરભાવની લાગણી જન્માવે તેવા સાહિત્યને ટોકવું જોઈએ અને તો જ આપણે એક આદર્શ સમાજ રચી શકીશું. એક વાત નોંધવી જોઈએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ 90ના દાયકાથી એક સરસ પ્રણાલિકા શરૂ કરી છે જેમાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં ગત બે વર્ષમાં જે કંઈ કામ થયું હોય એનું સરવૈયું કરવાનો જ્ઞાનસત્રની અંદર એક ઉપક્રમ રાખ્યો છે. એની અંદર બાળસાહિત્યનાં લેખાંજોખાં લેખાય છે. તેમ છતાં આજે બાળસાહિત્યમાં આંગળીને વેઢે ગણાય એટલા વિવેચકો છે.’ પોતાના વક્તવ્યનું સમાપન કરતાં તેમણે કહ્યું હતું કે : ‘હું મારા બાળસાહિત્યને વધારે વિવેચકો મળે એવી ગુજરાતના પ્રોફેસરો પાસે ભીખ માંગું છું જેથી ઉત્તમ કક્ષાનું બાળસાહિત્ય નિર્માણ થઈ શકે. ગુજરાતી બાળજીવનચરિત્ર સાહિત્ય જથ્થામાં તો વિપુલ છે પરંતુ એ તમામનું મૂલ્યાંકન થવું જોઈએ. એમાંથી જે કાંકરા હોય તે ચળાઈ જવા જોઈએ. એ હજુ નથી થયું. એ જો થશે તો ગુજરાતી બાળકો માટેનું જીવનચરિત્ર સાહિત્ય વધારે ટકોરાબંધ બનશે અને વધારે પ્રેરક બનશે. અસ્તુ.’

અસ્મિતાપર્વની અંતિમ બેઠકનો બપોરે સાડા ત્રણ વાગ્યે આરંભ થયો હતો. ‘કાવ્યાયન’ વિશેની આ બેઠકનું સંચાલન કવિ રવીન્દ્ર પારેખે કર્યું હતું. આ બેઠકમાં કુલ છ કવિઓએ પોતાની રચનાઓનું પઠન કરીને સૌ શ્રોતાજનોને આનંદિત કર્યા હતાં; જેમાં રવીન્દ્ર પારેખ સહિત, વંચિત કુકમાવાલા, લલિત ત્રિવેદી, કૃષ્ણ દવે, ઉર્વીશ વસાવડા અને ઉદયન ઠક્કરનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક કવિની એક-એક રચનાઓ આપણે અહીં માણીશું.

[1] વંચિત કુકમાવાલા

છોડી મને કૂદી પડ્યું, બચપણ તળાવમાં
ત્યાં દોડી આવ્યું સ્મરણનું ધણ તળાવમાં

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડ્યું હો, મોજનું આંધણ તળાવમાં

વાતાવરણમાં યોગના આસન કરી કરી
સુતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં

આઠેય પ્રહર ઉજવાય છે જ્યાં ઉત્સવો સતત
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં

હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછ્યા કરે પાંપણ તળાવમાં

અર્ધી ડૂબેલી ભેંસનો પણ મંચ જ્યાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં

શુદ્ધીકરણ નિજ જળ તણું જાતે કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં

વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કુદી પડ્યું બચપણ તળાવમાં

[2] લલિત ત્રિવેદી

ન માત્ર સરિતાને સમદરને મેં વલોઈવા છે
લવણ અને બુંદના હર સ્તરને મેં વલોઈવા છે

તને પુકારવા અક્ષરને મેં વલોઈવા છે
અનાદિ નાદને હર સ્વરને મેં વલોઈવા છે

શું કામ ધૂળનું ઢેફું જ સત્વમાં આઈવું,
શરીર તારા ઘરેઘરને મેં વલોઈવા છે

શું એવું છે કે ખુદા તું સદા ખુદા જ રહે,
નહીં તો આપણા અંતરને મેં વલોઈવા છે.

મળ્યો નિચોડ કે પાયામાં પરમાણુ જ હતા,
દીવાલો દરના થરે થરને મેં વલોઈવા છે

અમસ્તી એમ ક્યાં આંગણમાં એક દેરી હોય
અમસ્તા એમ ક્યાં ઉંબરને મેં વલોઈવા છે

[3] કૃષ્ણ દવે

મહાભારતના પાત્રનો બે જ પંક્તિમાં ઉઘાડ થાય એ રીતની વિશિષ્ટ ગઝલ શ્રી કૃષ્ણ દવેએ રજૂ કરી હતી, જેનું શીર્ષક હતું : ‘મહાભારત એક માથાકૂટ !’

જે કરવાના હતા જ નહી ઈ કામ કર્યાની માથાકૂટ છે
મોરપિચ્છને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. (કૃષ્ણ)

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. (ભીષ્મ)

સમજણની નજરથીયે ના સમજે તો સમજી લેવાનું,
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે.(ધૃતરાષ્ટ્ર)

આંખોએ પાટા બાંધો એ દષ્ટિનું અપમાન જ છે ને ?
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. (ગાંધારી )

નહિતર એવી કઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મુકે !
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. (કુંતી)

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. (સહદેવ)

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા
હોય અંધ ના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. (દ્રૌપદી)

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને પણ કહેવું જ પડે છે !
હા અથવા ના ની વચ્ચોવચ્ચ આમ ફર્યાની માથાકૂટ છે. (અર્જુન)

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. (કર્ણ)

અંગુઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિ
બસ ખોટ્ટી મૂરત સામે સાચ્ચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. (એકલવ્ય)

છેક સાત કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. (અભિમન્યુ)

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. (યુધિષ્ઠિર)

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં
ઊંડે ને ઊંડે ઊતર્યાની માથાકૂટ છે. (વેદવ્યાસ)

[4] ઉર્વીશ વસાવડા

છે સરળ પણ તોય ક્યાં સમજાય છે
ફૂલ ઊઘડે મઘમઘે કરમાય છે.

આપણે સહુ દંભના ઋણી છીએ
આ સંબંધો એટલે સચવાય છે.

એક ક્ષણ માટે ઉપાડ્યું સ્વપ્નને
થાક એનો રાત ભર વર્તાય છે

લ્યો ચરણને સાવ સંકેલી લીધા
કંઈક કેડી તે છતાં અટવાય છે

હા દીપક ઠારી પછી તું જો જરા
જાત અંધારે વધુ પરખાય છે

છે કૂવાથી પણ વધુ કાગળ ઊંડો
ના કહેલા શબ્દ પણ પડઘાય છે

[5] ઉદયન ઠક્કર

મને થયું લાવ
દીકરીને શીખવું
કુટુંબ એટલે શું
અમારી વચ્ચે આવા સવાલ – જવાબ થયા:
‘તારું નામ શું ?’
‘ઋચા ઠક્કર’
‘બકી કોણ કરે ?’
‘મમ્મી ઠક્કર’
‘ઘોડો-ઘોડો કોણ કરે ?’
‘પપ્પા ઠક્કર’
સાઈકલ પર કપડાંની ગઠરી લઈને કોઈ આવતું હતું
ઋચાએ સાદ કર્યો,
‘ધોબી…. ઠક્કર !’
ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય
એવું પંખી હવામાં હીંચકે ચડેલું
ઋચાએ કિલકાર કર્યો,
‘ચકી ઠક્કર….’
દીકરી શીખી ગઈ
હું શીખું છું.

[6] રવીન્દ્ર પારેખ

હરિ ચલો કે.જીમાં
નાના મોટાં ટાબરિયા આવ્યા પહેલી બીજીમાં
હરિ ચલો કે.જીમાં

હરિ માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું
એડમિશનમાં સ્કૂલો વાતે વાતે પાડે વાંકું
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?
હરિ ચલો કે.જીમાં

હરિ તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરિ
હવે તો ફેશન રો-હાઉસની, અને તમે શોધતા શેરી ?
મેગી-બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં
હરિ ચલો કે.જીમાં

સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપુંજીમાં
હરિ ચલો કે.જીમાં

હરિ કરો કોન્વેન્ટ, નહિ તો ઢોર ગણાશો ઢોર
કે.જી, પી.જી ના કરશો તો કહેવાશો કમજોર
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં
હરિ ચલો કે.જીમાં

હરિ કહે કે કે.જી કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા કે.જી નહીં તો વ્યર્થ ?
કે.જી. ના હો તોય પલટતો મોહન ગાંધીજીમાં
હરિ ચલો કે.જીમાં

સંગીત-નૃત્ય મહોત્સવની ત્રીજી રાત્રિએ, શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે શાસ્ત્રીય વાદ્ય સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી; જેમાં ઉસ્તાદ અલીઅકબર ખાઁ સાહેબના શિષ્ય-પુત્ર, ઉસ્તાદ આશિષખાઁએ સરોદવાદન કર્યું હતું અને તેની સાથે તબલાં પર પંડિત સપન ચૌધરીએ સંગતી કરી હતી.

[ચોથો દિવસ : શ્રી હનુમાન જયંતી]

જેની છાયામાં અસ્મિતાપર્વનું સમગ્ર આયોજન થાય છે તે આ પર્વનો ચોથો દિવસ એટલે કે શ્રી હનુમાન જયંતી. આ દિવસે શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે બરાબર નવ વાગ્યે સુંદરકાંડના પાઠનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમારી આહુતિએ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. એ પછી પૂ.બાપુની ઉપસ્થિતિમાં દલિતબાળાના હસ્તે હનુમાનજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ લલિતકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ અપાતા ‘કૈલાસ લલિતકલા એવોર્ડ’ તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં અપાતા ‘હનુમંત એવોર્ડ’ની અર્પણવિધિ યોજાઈ હતી. ચાલુ વર્ષે શ્રી અકબર પદમસીને ચિત્રકલાની આજીવન સેવા માટે ‘કૈલાસ લલિતકલા એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. તેમજ આ વર્ષે કંઠ્યસંગીત માટે સુશ્રી લતા મંગેશકરને ‘હનુમંત એવોર્ડ’ એનાયત થયો હતો. અનિવાર્ય સંજોગોને કારણે તેઓ ઉપસ્થિત ન રહી શકતાં, આ એવોર્ડ તેમના વતી વિભાબેન દેસાઈએ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફરખાંને શાસ્ત્રીય વાદ્યસંગીત (સિતાર) માટે, સુશ્રી. યામિની કૃષ્ણમૂર્તિને શાસ્ત્રીય નૃત્ય (ભરતનાટ્યમ) માટે તેમજ પંડિત સપન ચૌધરીને શાસ્ત્રીય વાદ્યસંગીત (તબલાં) માટે ‘હનુમંત એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. તમામ એવોર્ડ શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રદ્ધાબેન ત્રિવેદી તેમજ અન્ય જાણીતા સાહિત્યકારોના હસ્તે આપવામાં આવ્યા હતાં. પૂ. બાપુ દ્વારા દરેક મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડની અર્પણવિધિ બાદ સુશ્રી યામિનીબેન તેમજ શ્રી અકબરભાઈ પદમસીએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું જે નીચે મુજબ છે :

लोकाभिरामं रणरंगधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् |
कारुण्यरूपं करुणाकरं तम् श्रीरामचंद्रम् शरणं प्रपद्ये ||
मनोजवं मारुत तुल्यवेगं, जितेन्द्रियं, बुद्धिमतां वरिष्ठम् |
वातात्मजं वानरयुथ मुख्यं, श्रीरामदुतं शरणम प्रपद्धे ||

વક્તવ્યનો આરંભ કરતાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે :
‘બાપ,
હનુમાન જયંતીની આ પાવન તિથિના સમયે હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં અહીં જે કંઈ કેવળ હેત માટે, અહેતુ ઉત્સવ થાય છે એમાં ‘જીથરાભાભા’થી લઈને, લોક થી શ્લોક સુધી આપણે પહોંચ્યા છીએ. પ્રતિવર્ષ અસ્મિતાપર્વ યોજાય છે. ત્રણ દિવસ હતા, એક દિવસ વધુ કર્યો અને આજે હનુમાન જયંતીના દિવસે આપને શું આપું ? મારી પ્રસન્નતા માટે આપની પાસે એક દિવસ વધુ માંગી રહ્યો છું. સાહેબ, એક વર્ષની મુદત છે ! તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાંચ દિવસની વ્યવસ્થા કરીને આપ સૌ અહીં પધારો. મને એનો ક્યારેય સંતોષ થવાનો નથી કારણ કે આ માર્ગમાં તરસને જ તૃપ્તિ માનવામાં આવે છે. થોડો ઘણો સંતોષ ત્યારે મને થઈ શકે જ્યારે અસ્મિતાપર્વમાં ગુરુકુળના આખા પરિસરનો ખૂણે ખૂણો સાહિત્યકારથી ભરાઈ જાય. શબ્દ, સૂર, સંગીત, નૃત્યના સૌ ઉપાસકો હોય. સંખ્યાનું કોઈ મહત્વ નથી પણ મારી આંખો આ જોવા ઈચ્છે છે.

હનુમાન જયંતી મારી શ્રદ્ધાની દુનિયામાં આંતરબ્રહ્માંડિય દિવસ છે. એટલે આ હનુમાન જયંતીનો ઉત્સવ પ્રાદેશિક કે રાષ્ટ્રીય ન રહેતાં આંતરરાષ્ટ્રીય બની ગયો કારણ કે અમારી વિનંતી પર સેસલ્સ ટાપુથી પણ કેટલાક મહાનુભાવો આજે અહીં પધાર્યા છે. બાપ, અસ્મિતાપર્વમાં આવેલા અને ન આવી શકેલા તમામ વડીલ અને સૌ વિદ્યાપુરુષોને હું વંદન કરું છું. આ પવિત્ર દિવસના ઉપલક્ષ્યમાં અમારી વંદના સ્વીકારવા પધારેલા આદરણીય દાદાજી કે જે ચિત્રજગતનું મહાન શુભનામ છે એમને પણ હું પ્રણામ કરું છું. આદરણીય ભારતરત્ન લતાદીદીજી આવી ન શક્યા, એમને હું મળ્યો, એમણે ખૂબ આદર સાથે કહ્યું હતું કે અન્ય કોઈ તકલીફ નહીં હોય તો હું જરૂર કોશિશ કરીશ પરંતુ તેમનો સમગ્ર પરિવાર મસ્કતની વિદેશયાત્રા પર હોવાથી તેઓ આવી ન શક્યા. પરંતુ એમણે અમારી વંદના સ્વીકારી એ માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આદણીય યામિનીદીદી એ અહીં આવીને અમારી વંદના સ્વીકારી એ માટે એમને પ્રણામ કરું છું. અમે આપના ખૂબ આભારી છીએ. અહીં પધારેલા શ્રી સપનદા કે જેમનો આજે જન્મદિવસ પણ છે, તેથી એમને જન્મદિવસની વધાઈ આપું છું અને મારી ખુશી વ્યક્ત કરું છું. હું આપ સૌનો દિલથી ઋણી છું.

આમ તો હું કંઈ ન બોલું અને બે મિનિટ મૌન રહીને બેસી જઉં તો પણ મારા અંતરંગભાવ અને મારી પ્રસન્નતા આપ સમજી જશો. પણ ‘તદપિ કહે બિનુ રહા ન કોઈ’ એ ન્યાયે મારી પ્રસન્નતા માટે બોલી રહ્યો છું. છતાં આપ મારું મૌન સમજી લો તો વધારે કંઈ કહેવાની મને જરૂરત નથી ! રવીન્દ્ર પારેખ કહે છે : ‘હો એ વરસાદ તો તો દેખાવું પડે, આંસુને એ નિયમ લાગુ પડતો નથી…..’ આટલી વાત મારી સમજી શકો તો મારે કાંઈ કહેવાની જરૂર નથી. બાપ, બીજું શું કહું ? પણ કંઈક કહીશ.

મારી રામકથાના માધ્યમથી થયેલી અધ્યાત્મ કે પ્રેમયાત્રામાં મારી સમજમાં જે કંઈ આવ્યું તે આપની સાથે વહેંચવા માગું છું. બાપ, મને એવું લાગે છે કે સંગીતનો જન્મ સત્યથી થાય છે. સત્ય વિના સૂર કે સ્વર પ્રગટ થતાં નથી. મૂળમાં સત્ય ન હોય તો કોઈ સૂર છે જ નહિ. બધે અસૂર છે ! મારું આવું માનવું છે. આપ મારાં વડીલ છો, આપની પાસે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. જ્યારે પણ સંગીત પ્રગટ થયું હશે એના મૂળમાં સત્ય રહેલું હશે. બીજું, પ્રેમથી ગીત પ્રગટ થાય છે. જ્યાં પ્રેમ ન હોય ત્યાં કોઈ ગીત ગાઈ જ ન શકે. મીરાંએ ગાયું તો એના મૂળમાં કૃષ્ણપ્રેમ, નરસિંહે ગાયું તો મૂળમાં પ્રેમ, ગંગાસતીએ ગાયું તો મૂળમાં પ્રેમ, લલ્લેશ્વરીએ ગાયું એના મૂળમાં પણ પ્રેમ જ. વળી, જેનામાં પ્રેમ હોય એ ગાયા વગર રહી પણ ન શકે; પછી ભલે ને એ તોતડી બોલીમાં કેમ ન હોય ! કાલે ઈશ્વરભાઈ પરમાર હાલરડાં વિશે વાત કરતાં તુલસીદાસજીને આદર સાથે સ્મરણ કરતાં કહ્યું હતું કે ‘जौ बालक कह तोतरि बाता। सुनहिं मुदित मन पितु अरु माता।।’ માતા હાલરડું કેમ ગાય છે ? મૂળમાં પ્રેમ પડ્યો છે. પ્રેમ ત્રણ રીતે પ્રગટ થાય છે – ક્યારેક આંસુથી, ક્યારે પરસેવારૂપે અને માતૃશરીર હોય તો દૂધના રૂપે. ક્યારેક પ્રેમ એટલો પરિશ્રમ કરે છે, થાકતો નથી; એ જ એનો વિશ્રામ હોય છે પણ તે પરસેવાથી લથપથ થઈ જાય છે. પરસેવાની ગંગાથી તે ન્હાય છે. ઉધાર પાણીથી નહીં, પોતાના જ પાણીથી તે ન્હાય છે. એ ગંગા કેવળ જટાથી નહીં, રોમ રોમથી નીકળેલી ગંગા છે. પ્રેમની ગંગાના આ ત્રણ ઉદગમ સ્થાન છે. ક્યારેક તે કોઈની આંખોથી પ્રગટે છે, ક્યારેક રોમરોમથી એ પ્રગટે છે અને માતૃશરીરના હૃદયથી આ ગંગાનું પ્રગટીકરણ થાય છે. ત્રીજું, નૃત્યનો જન્મ કેવળ, કેવળ અને કેવળ કરુણાથી જ થાય છે. કઠોરતાથી રાસ નથી થતો, હ્રાસ થાય છે ! કેટલી કરુણા વહી હશે ભગવાન શ્રીકૃષ્ણની કે જેમાંથી રાસ પ્રગટ થયો. ઠાકુરની કેટલી કરુણા વહી હશે કે મીરાં નૃત્ય કરવા લાગી… ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે….’ મને આદરણીય ગુણવંતભાઈ શાહે હમણાં કીધું કે ‘હું નાનપણમાં માલકૌંસ ગાતો અને હજી મારી ગાવાની ઈચ્છા છે પણ કોઈ સંગીતકાર હાજર ન હોય તો !’ એમ કહીને બાપુએ કહ્યું હતું કે મને આમ અહીં ઊભા ઊભા બોલવાનો હવે ખતરો છે કારણ કે હવે હું ક્યારે નાચું એ કંઈ કહેવાય એમ નથી. વધુમાં આગળ તેમણે જણાવ્યું કે, ‘શંકર મૂળમાં કેમ નાચ્યો ? એનામાં કરુણા છે જેથી તાંડવ નૃત્ય દ્વારા જે જૂનું છે તે ધ્વસ્ત કરીને નવસર્જન કરી શકે. એટલે જ આપણે ગાયું છે કે :

कर्पूरगौरं करुनावतारम संसारसारं भुजगेन्द्रहारम |
सदा वसंतम हृदयारविन्दे भवंभवानी सहितं नमामि ||

વડીલો પાસે થોડું કંઈક ગાવાથી દૂઆ પ્રાપ્ત થાય છે. બાકી ક્યાં આપ સૌ સંગીતજ્ઞોની સાધના ! આપની પાસેથી સાંભળી સાંભળીને અને શીખીને થોડું કંઈક અમે ગાઈ લઈએ છીએ. વળી, આદિમાં તો મારા ત્રિભુવનદાસ દાદા કે જેમની પાસેથી મેં સૂર, લય અને તાલ મેળવ્યો છે. તેમને કોઈ સૂરની સહાયતા વિના કહે કે ‘કાળી-3’ પર તબલાં મેળવી આપો તો તે મેળવી આપતાં હતાં. તો આ બધું યાદ કરીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તલગાજરડાની કોઈ જૂની ખરલનો આ નશો છે. આમ તો મારે હિન્દીમાં બોલવાનું છે પણ ગુજરાતી મને કેમ મૂકે ? એટલે વચ્ચે વચ્ચે ગુજરાતી આવી જાય છે ! હમણાં અહીં બહેનજી કહેતાં હતાં કે ‘હું ગુજરાતી બોલી શકતી નથી પણ સમજી શકું છું.’ હું એમ કહું છું કે દુનિયા આખી ગુજરાતી અને ગુજરાતીઓને સમજી શકે તોય ઘણું છે ! મારો કહેવાનો અર્થ, નૃત્યનો જન્મ, મારી સમજ પ્રમાણે કરુણાથી થાય છે. નૃત્યકાર ઘૂંઘરું બાંધે તો ઘૂંઘરુને પણ તે દેવ માનતા હોય છે. સંગીતકાર ગાય તો આખો ને આખો રાગ ઓઢીને બેઠો હોય છે. એ તો માણસ આપણને લાગે બાકી તો એમ લાગે કે ઘૂંઘટમાં પોતાની બધી જ કળા છુપાવીને માંડવામાં કન્યા બેઠી છે. એને કોઈ વરની સાથે કલા દ્વારા હસ્તમેળાપ કરવો છે. કોઈ પરમતત્વનો એને હાથ મેળવવો છે.

ટૂંકમાં, સત્યમાંથી સંગીત, પ્રેમમાંથી ગીત અને કરુણામાંથી નૃત્ય – આ જ તલગાજરડી ઉત્સવ છે અને આ ત્રણેય હનુમાનજીમાં છે. તેઓ પરમસત્યના ઉપાસક છે એટલે સંગીતમાં હનુમંત મત છે. તેમનામાં પ્રેમ છે એટલે ગીત પ્રગટ થયું. કોઈના શ્લોક, છંદ પાછળ ન રહી જાય અને એક વિદ્યાધરની ઉપાસનામાં નિરાશા ન આવી જાય એ માટે તેમણે કેટલાક પદો અને શ્લોકો બનાવ્યા હોવા છતાં પ્રવાહમાં વહાવી દીધા હતાં. હનુમાનજી શંકરાવતાર છે એટલે કરુણાથી નૃત્ય પણ તેમનામાં પ્રગટે છે. હનુમાનજીની કીર્તનપદ્ધતિ કીર્તનપરંપરામાં નૃત્યની માનવામાં આવે છે. તેઓ મોટા સંગીતજ્ઞ, નર્તક અને રચનાકાર છે. હનુમાનજી નાના હતા ત્યારે વારંવાર નારદજીને પ્રાર્થના કરતાં રહેતાં કે તમે અયોધ્યા જઈ આવ્યા ? ત્યાં કોઈ નવું ચરિત્ર આવ્યું હોય તો મને સંગીતમાં સંભળાવો. નારદજી વીણા વગાડતાં અને હનુમાનજી નૃત્ય સાથે તે શ્રવણ કરતાં એવું સંત તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં ‘રામાજ્ઞા પ્રશ્ન’માં ઉલ્લેખ કર્યો છે. હું તુલસીને ગાઉં છું એટલે નહીં પણ તુલસીએ અદ્દભુત કામ કર્યું છે. કોઈ એવું કહે કે તુલસીથી અમારું કામ થતું નથી તો શું કરીએ ? એનો જવાબ એક દોહામાં છે :

લોગોં કે તન મન બસે, ઈચ્છાઓ કે પાસ
કીસ કીસ કે ખાતીર ઘીસે ચંદન તુલસીદાસ ?

રામની પાસે કેટલાના શરીર અને મન હશે ? આપણા મન તો ઈચ્છાઓની પાસે હોય છે કે હનુમાન આપણને અષ્ટસિદ્ધિ નવનિધિ આપી દે. છોડો એ બધું.’ બાપુએ જણાવ્યું હતું કે, ‘ઘણા સમય પછી હું આ વખતે રામનવમીને દિવસે તલગાજરડામાં રહ્યો. બાકી તો હંમેશા કથામાં હોઉં. આ વખતે કેટલાક ભાઈબહેનો મારી પાસે બેઠા હતા. તેઓ રામનવમીની વધાઈ આપતા હતાં. મેં કહ્યું કે મારા માટે રામનવમીનું મહત્વ તો છે જ, એમાં તો કોઈ સવાલ જ નથી સાહેબ ! રામનવમીની મહાનતા વિશે શું કહું ? પણ મને કહેવા દો કે રામનવમીએ રામનો જન્મ થયો હતો એના કરતાં પણ મારા માટે વધારે મહત્વનું એ છે કે એ દિવસે રામચરિત માનસનો જન્મ થયો હતો.

रचि महेस निज मानस राखा। पाइ सुसमउ सिवा सन भाषा।।
संबत सोरह सै एकतीसा। करउँ कथा हरि पद धरि सीसा।।
नौमी भौम बार मधु मासा। अवधपुरीं यह चरित प्रकासा।।
जेहि दिन राम जनम श्रुति गावहिं। तीरथ सकल तहाँ चलि आवहिं।।

સંવત 1631ના દિવસે રામચરિત માનસનો અવધમાં જન્મ થયો હતો. દિલની વાત કહું તો એ ‘રામચરિત માનસ’ની જયંતી છે એનો મને વધારે આનંદ છે. રામને મેં જોયા નથી, માનસને મેં જોયું છે. રામ જોડે મારી વાત નથી થઈ, માનસ જોડે મારી વાત થઈ છે. રામની અદ્દ્ભુત વાણી છે પરંતુ તે મેં સાંભળી નથી, માનસની ચોપાઈઓ મેં સાંભળી છે. રામ મારા હાથમાં નથી, માનસ મારી મુઠ્ઠીમાં છે. મારા માટે આ મહત્વનું છે.

હું આપને એ કહેતો હતો કે સત્ય, પ્રેમ અને કરુણા ત્રણેય હનુમાનજીમાં છે. આપ સૌને અને સમગ્ર સંસારને હનુમાન જયંતીની ખૂબ ખૂબ વધાઈ. કહેવાનું ઘણું મન થાય છે પણ મારા શબ્દોને વિરામ આપું એ પહેલા કૃષ્ણદવે એ ગઈકાલે કવિતામાં કહ્યું હતું તેમ બે વાત કહી દઉં ! જ્યાં મૂળમાં સત્ય હશે ત્યાં સંગીત હશે જ, જ્યાં મૂળમાં પ્રેમ હશે ત્યાં ગીત હશે જ, જ્યાં કરુણા મૂળમાં હશે ત્યાં નૃત્ય હશે જ. આજે મારે મૂળ વાત તો એ કરવી હતી કે હનુમંત તત્વ ક્યાં ક્યાં વસે છે પરંતુ એ પ્રવાહ રોકાઈ ગયો અને અહીં બીજો પ્રવાહ શરૂ થયો. ફરી એકવાર હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આવતા વર્ષથી અસ્મિતાપર્વ પાંચ દિવસનું રહેશે. સારી વ્યવસ્થા કરીશું. આ બધું કેવળ મારા આનંદ માટે છે, આ બાબતમાં હું સ્વાર્થી માણસ છું !’

અંતમાં બાપુએ કહ્યું હતું કે : ‘હનુમાનજીનું એક રૂપ છે અમૂર્તમાં રહેવાનું. મંદિરમાં તો એ છે જ પરંતુ અન્યત્ર પણ વસે છે. ‘રામ લખન સીતા મન બસિયા.’ રામ, લક્ષ્મણ અને જાનકીના મનમાં એ વસે છે. રામના મનમાં એ જ્ઞાનમાં બેસે છે. હનુમાન સીતામાં બેસે છે એ ભક્તિમાં અને હનુમાન લક્ષ્મણમાં બેસે છે તે વૈરાગ્યમાં. વાયુના રૂપમાં તો એ સર્વત્ર વિદ્યમાન છે. પ્રાણતત્વના રૂપમાં એ આપણા શરીરમાં બેઠો છે. હવે એ પ્રવાહ ચાલ્યો ગયો પણ આજે મારે વિશેષ એટલું જ કહેવાનું કે આગામી અસ્મિતાપર્વ પાંચ દિવસનું રહેશે. હરિશભાઈ, વિનોદભાઈ અને વડીલ રઘુવીરભાઈના માર્ગદર્શનમાં આ ગોવર્ધન ઉઠાવીએ છીએ. આપણા માટે કો’ક કરે એ કેટલું ગમે ! કોણ કરે ? આપણા હોય ઈ જ કરે. બીજા ના કરે સાહેબ ! હું તો એમને સોંપી દઉં અને ત્રણ ત્રણ મહિનાથી બધી વ્યવસ્થા કરે. હરિશભાઈએ તો વળી આજે કહ્યું કે હવે હું નિવૃત્ત થઈ રહ્યો છું. આ સૌ વડીલોની છાયામાં આ બધું ચાલી રહ્યું છે એમ હું હૃદયથી કહું છું. આ પાછળ મારો કોઈ હેતુ નથી. બસ… સૂર, શબ્દ, નૃત્યથી મારો પ્રેમ છે. હું શું કરું ? ક્યાં જઉં ? આ જ તો મારા માટે મોકો છે કે હું બેઠાં બેઠાં તેનું પાન કરી શકું છું. આ વખતે અસ્મિતાપર્વમાં કેટલા બધા વક્તાઓએ નવા નવા વિષયો પર કેટલા અભ્યાસ સાથે નવી નવી વાતો રજૂ કરી. અમારું અસ્મિતાપર્વનું બાળક 13 વર્ષનું થયું ! હું ચાહું છું કે તે જુવાન થાય અને પછી ચાહું છું કે કદી વૃદ્ધ ન થાય. હું કાલે ઉપેન્દ્રભાઈને કહી રહ્યો હતો કે કલા કોઈને ઘરડા નથી થવા દેતી. કલાની આ દાદાગીરી છે. તમે ચાહો તો પણ ઘરડા ન થવા દે ! ફરી એકવાર હું આનંદ વ્યક્ત કરું છું. બસ….બાપ, આવતા રહેજો, હું રાહમાં છું.’

બાળસાહિત્ય, ડાયસ્પોરા સાહિત્ય, કાવ્ય, અભિનયયાત્રા જેવા સાહિત્યના વિવિધ સ્વરૂપોને લઈને ચાલેલા આ ત્રિદિવસીય પર્વનું ચોથા દિવસના મધ્યાહ્ને સમાપન થયું હતું. સહુ સાહિત્યકારો અને મિત્રો ભોજન બાદ એકબીજાને મળીને વિદાય લઈ રહ્યાં હતાં. આનંદ અને પ્રસન્નતાનો આ માહોલ છોડીને કોઈને જવાનું મન તો નહોતું, પણ જવાનું હતું ફરી આવવા માટે !

[ અસ્મિતાપર્વ-13ના ફોટોગ્રાફ્સ નીચે પ્રમાણે છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) ]

[ અસ્મિતાપર્વ-12ના આ સંપૂર્ણ લેખની PDF File Download કરવા માટે : CLICK HERE ]

[1] અસ્મિતાપર્વ-13ની ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન :
સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[2] અસ્મિતાપર્વ-13 : પૂ. બાપુનું પ્રાસંગિક વક્તવ્ય : (ઓડિયો-વિડિયો) :
http://iiramii.net/eventsanddates_hanuman_jayanti.html#10

[3] કાર્યક્રમનું સ્થળ :
શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત) : ફોન : +91 2844-222090.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દ્વિધાના ચક્કરમાં ફસાતો માનવી – મોહમ્મદ માંકડ
અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

19 પ્રતિભાવો : અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ

 1. nilam doshi says:

  ખૂબ ખૂબ આભાર સાથે..આ વખતે મહુવામાં પ્રત્યક્ષ આવી શકાયું નહોતું..અને અહીં આસ્થા ઉપર પૂરું જોઇ શકાયું નહોતું…તેથી આતુરતાથી રીડ ગુજરાતીની રાહ જોતી હતી..અહેવાલમાં તમે કયારેય ઉણા ઉતર્યા નથી…પરંતુ એક ખાટી મીઠી..હળવી ફરિયાદ..

  કાવ્યાયનના બધા કાવ્યો કેમ ન આપ્યા ? લેખો બધા આપો તો કાવ્યોથી અમે વંચિત રહી જ ઇએ એ કેમ ચાલે ?

  શકય હોય તો કાવ્યોનું કંઇક કરવા..અર્થાત્ મૂકવા વિનંતિ કરી શકું ?

  અમે તો અહીં આજે અસ્મિતાપ્રવ ઉજવ્યું. આવતા વરસે તો પ્રત્યક્ષ અવાશે જ…એવી આશા સાથે..
  ફરી એકવાર આભાર..

 2. shashikant Vanikar says:

  વ્હાલા મ્રુગેશ ભૈ,

  ખુબ જ મઝા પદિ. આનન્દ માતે આભાર્

 3. hiral says:

  I must say, brief aheval , very descriptive. In memories all such occassion, One can see in Durdarshan News.
  I have done sneak view of all 3 articles. Few parts read carefully, but to read and understand whole article, you are right, need 2 days of break.

 4. jayesh jivani says:

  asmitaparva નો લેખ વાચિ મજા આવિ આપને ત્યા હાજર હોય તેમ લાગ્યુ ખુબ ખુબ આભાર

 5. જાણે મહુવામાઁ બેઠા હોઇએ એવોઅનુભવ થયો.

 6. Trusha says:

  Mrugeshbhai:

  Thank you so much for making us vist and feel the entire Asmita Parva. I first tried typing my message in Gujarati but couldn’t. I may have to work harder to do so. Is there any VCD or DVD available for the entire celebration ? I was not aware of its telecast on Aastha. Just got it from someone’s feedback so thought, if we can order VCD/DVD for it, it would be really great.

  Trusha

  • Editor says:

   નમસ્તે,

   કૃપયા આ લેખના અંત ભાગમાં આપેલી વિગતો આપ જોઈ લેશો. એમાં ડીવીડી પ્રાપ્તિસ્થાનની વિગત ફોન નંબર સાથે આપવામાં આવી છે. ત્યાં આપ સંપર્ક કરીને વધારે માહિતી મેળવી શકો છો.

   તંત્રી, રીડગુજરાતી.

 7. જય પટેલ says:

  ગુજરાતી બાળ સાહિત્ય એટલે દ્રષ્ટાંત સાથે સંદેશ આપવાનું સરળ ભગીરથ કાર્ય.

  શનિવારે આવતાં ફૂલવાડી અને ઝગમગ સાપ્તાહિકે બાળ સાહિત્યની ખૂબ સેવા કરી છે.
  બાળ સાપ્તાહિકો સરકારશ્રીએ સબસિડાઈસ કરવાં જોઈએ જે આવતી કાલનું ભવિષ્ય છે.

  પાયો બુલંદ હશે તો ઈમારત ઝંઝાવાતમાં પણ અડિખમ ઉભી રહેશે.

  જય જય ગરવી ગુજરાત.

 8. bharti mehta says:

  ખુબ જ મજા આવિ તમારિ વેબ સાઈટ મને ખુબ ગમે ચે હુ રોજ તમને વાન્ચુ ચુ

 9. Ambaram K Sanghani says:

  મ્રુગેશભાઈ, ખૂબ જ આભાર.

 10. pravin dudhrejiya says:

  આ કાર્યક્ર્મમા હાજરન રહેી શકાયુ તેથેી અફ્સોસ હતો
  ખરેખર આ હેવલથેી એવુ લાગે કે મારેી પણ હાજરેી હતિ………

 11. સુંદર અહેવાલ મૃગેશભાઈ.

  ડાયસ્પોરિક સાહિત્ય વિશે કોઈને વધુ માહિતી જોઈતી હોય તો લંડનથી પ્રગટ થતાં ઑપિનિયન મેગેઝિનના તંત્રી શ્રી વિપુલ કલ્યાણી એ બાબતે હાલતી-ચાલતી વિદ્યાપીઠ રૂપ છે.
  http://www.theonlineopinion.com/Diaspora

 12. મુર્તઝા પટેલ says:

  મૃગેશભાઈ, આ અસ્મિતા-પર્વની વાંચન ગઠરિયા આપીને તમે સમજી લો કે ૧૦૦ મણના ‘શુક્રિયા’ કેહવા જેટલું કામ કર્યું છે. સલામ છે તમારી ગુર્જર સેવાને.

  મિસરમાં ‘મહુવા’ની સાહિત્યિક સફર …બદલ આભાર.

  મુર્તઝા.

 13. Jagruti Vaghela USA says:

  ગુજરાતી બાલસાહિત્ય ની રજુઆત ત્રણેય વક્તાઓએ સરસ કરી છે. બાલસાહિત્યના અને જીવનચરિત્રના ઘણા પુસ્તકોના નામ જાણવા મળ્યા.

 14. Sandhya Bhatt says:

  હું અસ્મિતાપર્વમાં ગઈ હતી.મ્રુગેશ્ભઈએ ફરીથી એ ક્ષણોને વાગોળવાની તક આપી..અભૂતપૂર્વ કામ કરવા માટે તેમને અભિનંદન.

 15. નરેન્દ્ર પરમાર says:

  નમસ્કાર

  અસ્મિતા પર્વ ના આસ્થા પરના જીવંત પ્રસારણનો સવારનો બધા જ દિવસોનો લગભગ અડધા કલાક્નો કાર્યક્રમ જોઇ શકાયો હતો પરંતુ આ વાંચ્યા પછી જાણે ખરેખર આખો કાર્યક્રમ જોયો હોય તેવો અનુભવ થયો.

  મૃગેશભાઈ ખૂબ ખૂબ આભાર

 16. Dipti Trivedi says:

  નહિતર એવી કઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મુકે !
  કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે————માતૃહ્ર્દય અને નારીહ્રદયના ભાવો અભિવ્યક્તિની ટોચે.

 17. બાળસાહિત્યની બેઠકમાં બાળવાર્તાઓ, બાળકાવ્યો, અને બાળચરિત્રો વિશે સુંદર વક્તવ્યો રજૂ થયાં. પણ બાળનાટકો કેમ ભુલાયાં? ૨૦૧૧ ના ‘અસ્મિતાપર્વઃ ૧૪’ માં બાળનાટકો વિશેનું વક્તવ્ય ઉમેરવા પૂજ્ય મોરારી બાપુ અને અસ્મિતાપર્વના સંચાલકોને નમ્ર વિનંતી કરું છુ.
  (www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરેલ ‘ભાગ ૧૬: ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો’ માંથી)
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 18. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Enjoyed like any thing… thanks for sharing Mrugeshbhai.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.