જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર

[કાકાસાહેબનું પ્રવાસવર્ણન હંમેશા બેગ તૈયાર કરીને વાંચવું હિતાવહ છે જેથી વાંચીને તરત નીકળી પડાય ! તેમના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકથી આપણે સૌ પરિચિત છીએ. તેવું જ તેમનું આ બીજું પુસ્તક છે ‘જીવનલીલા’. પરંતુ આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ભારતભરનાં અનેક ધોધ, તળાવો, સરોવરો, નદીઓ અને સમુદ્રનું સવિસ્તાર વર્ણન છે. કાકાસાહેબ કહે છે કે મારા ભારતપ્રવાસનાં વર્ણનો સાહિત્યવિલાસ નથી પણ ભારત-ભક્તિનો અને પૂજાનો એક પ્રકાર છે. તાજેતરમાં આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. ઉત્તમ પ્રવાસવર્ણનોના રસિકોએ આ પુસ્તક અવશ્ય વસાવવાલાયક છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નદીનું સરોવર

આપણા દેશમાં સૌંદર્યસ્થાનો એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ જ રાખતું નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. જેમ આશ્રમમાં ચોવીસે કલાક ગાંધીબાપુ સાથે રહેવાની અને વાતો કરવાની તક જેમને મળી છે, તે લોકો બાપુજીનું મહત્વ સમજતા મટ્યા છે અને બાપુજીનો ભાવ પણ પૂછતા નથી, તે જ પ્રમાણે આપણા દેશમાં કુદરતી ભવ્યતાનું થયું છે.

અમે માણિકપુરથી ઝાંસી જતા હતા. રસ્તામાં હરપાલપુર અને રોહા વચ્ચે અચાનક એક વિશાળ સુંદર દશ્ય જોયું. આ સરોવર છે કે નદી ? એની પણ ખબર ન પડે. આસપાસનાં ઝાડો એટલાં તો કાંઠાની નજીક આવ્યાં હતાં કે આ નદી ન જ હોઈ શકે એમ અનુમાન નીકળતું. પણ સરોવરની તો ચારે બાજુ ઓછીવત્તી ઊંચી હોવી જોઈએ. અહીં સામી બાજુએ એક ઊંચો પર્વત આસપાસના જંગલને આશીર્વાદ આપતો ઊભો હતો અને પાણીમાં જોનાર લોકોને પોતાનું અવળું દર્શન આપતો હતો. દાઢી રાખીને માથું મૂંડાવનાર મુસલમાનોની પેઠે આ પહાડે પોતાની તળેટીમાં જંગલ ઉગાડીને પોતાના શિખરનું તોલું કર્યું હતું.

પુલની ડાબી બાજુ પાણીના વિસ્તાર વચ્ચોવચ એક નાનકડો બેટ હતો, બેએક ફૂટ લાંબો અને એક હાથ પહોળો, અને પાણીના પૃષ્ઠભાગથી કાંઈ નહીં તો ખાસો છ ઈંચ ઊંચો હશે. એટલે આ બેટનો તોર જોવા જેવો હતો. જાણે પાસેના પહાડને કહેતો હોય કે તું તો તીરે ઊભો ઊભો તમાસો જોયા કરે છે, હું જુઓ કેવો જલવિહાર કરું છું – ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા ધ્રૂજે (દાઝે) જોને !’ ત્યારે આ નદી છે કે સરોવર ? હમણાં જ બેલાતાલ સ્ટેશન ગયું એટલે આ પ્રદેશમાં ઠેકઠેકાણે તળાવો હશે એમ લાગ્યું. પણ ખાતરી ન થઈ. ડબ્બામાં બેસનારા લોકોને પુછાય ખરું, પણ એક તો પેસેન્જર ગાડી હોવા છતાં દીવાળીના દિવસોને કારણે સ્થાનિક મુસાફરો ન હતા, અને હોત તોયે તેઓ ઝાઝી માહિતી આપી શકે એમ થોડી જ આશા રખાય ? જમાનાઓ સુધી જીવનયાત્રા વિષમ થવાને કારણે લોકોના જીવનમાંથી તમામ કાવ્ય સુકાઈ ગયું છે. એટલે જે સવાલ પૂછીએ તેનો જવાબ વિષાદમય બેદરકારીનો જ મળે છે. લોકોની ભલમનસાઈ હજી કાંઈક ટકી છે, પણ કાવ્ય, ઉત્સાહ અને કલ્પનાનાં ઉડ્ડયનો હવે સ્મૃતિશેષ જ થયાં છે.

પણ આટલું સુંદર દશ્ય જોયા પછી કાંઈ વિષાદના વિચારો સેવાય ? મુસાફરીમાં હંમેશાં હું એકબે નકશાઓ સાથે રાખું જ છું. બલિહારી આધુનિક જમાનાની, આવાં સાધનો સહેજે મળે છે. મેં Road Map of India (મોટરવાળાનો નકશો) કાઢી જોયો. હરપાલપુર અને મઉરાનીપુર વચ્ચે થઈને એક લાંબી નદી દક્ષિણથી ઉત્તરે દોડે છે, બેતવાને જઈને મળે છે અને બેતવાની મદદથી હિંમતપુર આગળ પોતાનાં નીર જમુનાને ચરણે ધરે છે, ‘પણ આ નદીનું નામ શું ?’ મેં નકશાને પૂછ્યું. એ આળસુ કહે, ‘જોને ક્યાંક નોંધેલું પડ્યું હશે.’ અને ખરેખર એ જ ક્ષણે નામ જડ્યું – ધસાન ! આટલા બધા ડાહ્યાડમરા શાંત પાણીનું નામ ‘ધસાન’ શી રીતે પડ્યું હશે ? આ તો એનું અપમાન કહેવાય. હું હોત તો આ નદીનું નામ પ્રસન્ના રાખત, મંદસ્ત્રોતા રાખત અથવા હિમાલયની માફી માગીને એને મંદાકિની કહેત. પણ આપણને શી ખબર કે જે લોકકવિએ આ નદીનું નામ ધસાન પાડ્યું તેણે તેનું દર્શન કઈ ઋતુમાં કર્યું હશે. ચોમાસું પુરજોશમાં બેઠું છે, આસપાસના પહાડો વાદળાંને ખેંચી પાડી રગદોળે છે અને મસ્તી કરનારાં નીર હાથીના વેગથી ઉત્તરની દિશાએ ધસે છે, ખબર નથી પડતી કે પાસેની ટેકરીઓ ટકશે કે ગબડી પડશે. એવે વખતે લોકકવિ બોલ્યો હશે, ‘જુઓ તો આ ધસાન નદીનું તોફાન, જાણે મહારાજ પુલકેશીની સેના ઉત્તર જીતવા નીકળી છે !’ પણ અત્યારે એ નદી એટલી શાંત લાગતી, કે જાણે ગોકુળમાં તોફાન કર્યા પછી જશોદામાતા આગળ ગરીબ ગાય બનેલો કનૈયો !

સવારે ઊઠીને નાસ્તા વખતે આટલી અણધારી ઉજાણી મળી એટલે એને કોણ છોડે ? ધરાઈને ખાધા પછી સગાંવહાલાંનું સ્મરણ થવાનું જ. હવે આ ધસાનનું મંગલદર્શન ઈષ્ટ મિત્રોને શી રીતે કરાવાય ? નથી પોતાની પાસે કૅમેરો અને નથી ટ્રેનમાંથી ફોટો પાડવાની સગવડ. અને ફોટોનું ગજું કેટલું ? ફોટોમાં જો બધો આનંદ મવડાવી શકાત તો રખડવાની તકલીફ કોઈ ન લેત. હું કવિ હોત તો આ દશ્ય જોઈ હૃદયના ઉદગારોની એક સરિતા જ ધસાવત. પણ એ પણ ભાગ્યમાં નથી. એટલે દૂધની તરસ છાસથી છિપાવવાને ન્યાયે આ કાગળ લખું છું. ભારતની ભક્તિ માણનારો કોઈ સમાનધર્મા ઝાંસીથી પચાસ માઈલ અંદર આવેલે આ ઠેકાણે દર્શને જરૂર આવશે.

ધસાનથી આગળ વધ્યા અને ઓરછા આગળ બેતવા નદી જોઈ. એ નદી પણ સારી પેઠે રૂપાળી હતી. એના પ્રવાહમાં કેટલાયે પથરા અને કેટલાંયે ઝાડો હતાં. એના લાવણ્યમાં અલૂણું કહેવાય એવું કશું ન હતું. દૂર દૂર ઓરછાનાં મંદિરો અને મહેલો દેખાતાં હતાં, ક્યાંય કાદવનું દર્શન ન મળે. આ અનાવિલા નદી જોઈને ઝાંસી પહોંચ્યા. ત્યાં શ્રી મૈથિલીશરણના ભાઈ – સિયારામશરણ અને ચારુશીલાશરણ પોતાના પરિવારના બીજા ભાઈઓ સાથે ખાવાનું લઈને આવ્યા હતા. મારા મનમાં શંકા હતી કે કાવ્યો વાંચી વાંચીને કાવ્યો ઉપજાવનારા આપણા કવિઓ જેમ કુદરતનું પ્રત્યક્ષ દર્શન હૃદયથી કરતા નથી, તેમ આ કવિભાઈઓએ પણ ધસાન અને બેતવા વિશે કશું લખ્યું ન હોય એટલે મેં એમને સીધેસીધું કહ્યું કે, જો એ બે નદીઓ વિશે તમે કશું ન લખ્યું હોય તો નિંદાને પાત્ર છો ! સિયારામશરણે પોતાના વિનયથી મને પરાસ્ત કર્યો. એમણે કહ્યું, ‘ભૈયાજીએ (મૈથિલીશરણ) તો આ નદીઓ વિશે ગાતાં કહ્યું છે કે શોભામાં તો બુંદેલખંડની આ નદીઓ ગંગા-યમુના કરતાંયે ચઢી જાય, એટલે મારા મોટા ભાઈ તો તમારા ઉપાલંભમાં આવતાં નથી. મેં પોતે આ નદીઓ વિશે લખ્યું નથી એ ખરું, પણ હું ક્યાં ઘરડો થયો છું. મારે તો હજીયે ઘણું લખવું છે.’ એમની પાસેથી મેં જાણ્યું કે ધસાનનું મૂળ નામ દશાર્ણ હતું. અને બેતવા તે વેત્રવતી એની મને ખબર હતી. દશાર્ણ = દશાઅણ = દશાણ = ધસાન. આટલું ધ્યાનમાં આવ્યા પછી ધસાન નામ વિશે મેં કરેલી ઉટપટાંગ કલ્પના ભેખડની પેઠે તૂટી પડી. કશા પુરાવા વગર કેવળ કલ્પનાને જોરે સંશોધન કરનાર મારા જેવા આ દેશમાં કેટલાયે હશે. એમની ભૂલ બતાવવા જેટલું જાણનાર કોઈ ન હોવાથી આવી નરી કલ્પના પણ ઈતિહાસ તરીકે રૂઢ થઈ જાય અને આગળ જતાં રૂઢિના અભિમાનીઓ ઝનૂનપૂર્વક એવી કલ્પનાને પણ વળગવા માગે !

મેં એક વાર ‘વતી-મતી’વાળી નદીઓનાં નામ ભેગાં કર્યાં હતાં, તેથી જ વેત્રવતી ધ્યાનમાં રહી હતી. જેને કિનારે નેતર ઊગે છે, તે વેત્રવતી, દષદવતી (પથરાવાળી), સરસ્વતી, ગોમતી, હાથમતી, વાઘામતી, ઐરાવતી, સાબરમતી, વેગમતી, માહિષ્મતી (?), ચર્મણ્વતી (ચંબલ), ભોગવતી (?), શરાવતી. આટલી નદીઓ તો હમણાં યાદ આવે છે. બહુ શોધવા જઈએ તો હજીયે પાંચદશ મળી આવે. મહાભારતમાં જ્યાં તીર્થયાત્રા પ્રકરણ આવે છે ત્યાં કેટલાંય નામો ભેગાં કહેલાં છે. પરશુરામ, વિશ્વામિત્ર, બળરામ, નારદ, દત્તાત્રેય, વ્યાસ, વાલ્મીકિ, સૂત, શૌનક વગેરે પ્રાચીન રખડુ ભૂગોળવેત્તાઓને પૂછ્યું હોય, તો તેઓ ઘણાં નામો આપશે અથવા ઊપજાવી કાઢશે. આપણી નદીઓનાં નામો પાછળ રહેલી માહિતી, કલ્પના, કાવ્ય અને ભક્તિ વિશે હજીયે કોઈએ શોધખોળ કરી જ નથી. પછી ભારતીય જીવન પાછું સમૃદ્ધ શી રીતે થશે ?

[2] સમુદ્રના સહવાસમાં (આફ્રિકા જતાં)

મુંબઈથી માર્માગોવા જતા સુધી નજરને હિંદુસ્તાનના પશ્ચિમ કિનારાનો સાથ હતો. માતા દષ્ટિઆડ થાય નહીં ત્યાં સુધી જેમ બાળકને વિશ્વાસ હોય છે કે આપણે માતા સાથે જ છીએ, તેવી જ રીતે કિનારો દેખાતો હતો ત્યાં સુધી હિંદુસ્તાન છોડ્યું એમ લાગતું ન હતું. માર્માગોવા છોડ્યું અને અમારી આગબોટ ‘કંપાલા’એ સ્વદેશ સાથે કાટખૂણો કરી, સીધો ભરદરિયામાં પ્રવેશ કર્યો. જોતજોતામાં હિંદુસ્તાનનો કિનારો અલોપ થયો અને ચારે કોર ફક્ત પાણી અને પાણી જ ફેલાયું. રાત પડી અને આકાશની વસ્તી વધી. પરિણામે એકલવાયાપણું ઘણું ઓછું થયું. પણ જેમ જેમ ભૂમધ્યરેષા તરફ જવા લાગ્યા તેમ તેમ હવાની અને વાદળાંઓની ચંચળતા વધી. મોસમ સારી હોવાથી સમુદ્ર શાંત હતો. મોજાંઓ જરાક જરાક હસીને વિરામ પામતાં હતાં. કેટલાંક મોજાંઓ કાચી છીંકની પેઠે ઊઠતાં ઊઠતાં જ શમી જતાં હતાં. સમુદ્રનો રંગ કોક વખતે ભૂરી શાહી જેટલો નીળો થતો; કોક વખતે કાળોમેશ, અને જહાજ પાણી કાપતું જાય ત્યારે બે બાજુ એનું જે ધોળું ફીણ ફેલાય છે, તેની અનેક અબરી ભાત બની જતી. નીળા સાથે એની એક શોભા, જ્યારે કાળા સાથે બીજી. પ્રથમ પ્રથમ સમુદ્રના મોઢા ઉપર મોજાંઓ ઉપરાંત, ચામડા પર હોય છે એવો કરચલીઓનો ‘દાણો’ દેખાતો હતો. કોક વાર એ બધી કરચલીઓ અલોપ થઈ પાણી ચળકતાં વાસણોની પેઠે સુંવાળું દેખાતું હતું. જહાજ ધીમે ધીમે ડોલતું જતું હતું. જહાજો કદમાં નાનાં હોય છે ત્યારે વધારે ડોલે છે. મોટાં જહાજો પોતાની ધીરગતિ સહેજે છોડતાં નથી.

સામેથી મોજાંઓ આવે તો જહાજ ડોલવા ઉપરાંત ઘોડેસવારની પેઠે આગળ પાછળ ડોલે છે, જેને અંગ્રેજીમાં ‘પિચિંગ’ કહે છે. પિચિંગ લાંબા વખત સુધી ચાલે તો માણસને એ ગમતું નથી. સદતું પણ નથી. પણ એને બંધ શી રીતે કરાય ? હીંચકા ખાઈને કંટાળ્યા હોઈએ તો હીંચકો બંધ કરી એના પરથી ઊતરી જવાય છે. પણ અહીં તો એક વાર જહાજમાં બેઠા કે આઠ દિવસ સુધી એનું ડોલવું અને હીંડોલવું માન્ય રાખ્યે જ છૂટકો. કોક વખતે શંકા આવતી કે બંને ગતિના મિશ્રણથી ચક્કર આવશે કે કેમ ? મનમાં એવી પણ બીક પેસતી કે ચક્કરની શંકા મનમાં ઊઠી એટલા માટે પણ ચક્કર આવશે. ખાતી વખતે પણ સ્વાદપૂર્વક ખાતા હોઈએ તોયે મનમાં શંકા રહે જ કે ખાધેલું પેટમાં ટકશે ખરું ? એ શંકા મારવી સહેલી નથી હોતી. ગમે તેમ હો, અમે અમારા આઠે દિવસ કશા અકસ્માત વગર ખૂબ આનંદમાં પસાર કર્યા. લોકોએ બીક બતાવી હતી કે છેલ્લા ચાર દિવસ ભારે જશે. પણ એવું કશું થયું નહીં. ભૂમધ્યરેષા જે દિવસે અમે ઓળંગી તે દિવસે અમુક વખત સુધી પવન સુસવાટભર્યો વહેતો હતો પણ તેથી અમે કાંઈ ગમગીન થયા નહીં.

ચારે કોર જ્યારે પાણી જ હોય છે ત્યારે થોડો વખત એની મજા પડે છે. પછી આખું વાતાવરણ ગંભીર બની જાય છે. એ ગંભીરતા ઓસર્યા પછી આંખોને અકળામણ થાય છે. આપણી આખી સૃષ્ટિ આ જહાજ પૂરતી. વિશાળ દરિયા આગળ એ કેટલી નાનકડી અને તુચ્છ ! દરિયાની દયાથી જીવનારી અને બાકી બધું પાણી, પાણી અને પાણી. આટલા પાણીનો ઉદ્દેશ શો ? જમીન પર ધરતીનો ગમે તેટલો વિશાળ ખંડ જોતા હોઈએ તોપણ એમ નથી લાગતું કે આટલી જમીન શા માટે સર્જાઈ હશે ? વિશાળ અને અનંત આકાશ જોઈને પણ એમ નથી લાગતું કે આટલું આકાશ શા કાજે નિર્માયું હશે ? પણ સમુદ્રના પાણી જોઈને એ વિચાર મનમાં અચૂક ઊઠે છે. જમીનથી ટેવાયેલી આંખો પાણીનો વિસ્તાર અખંડ જોવો પડવાથી અકળાય છે અને અંતે થાકીને ક્ષિતિજ પરનાં વાદળાં જોઈને વિસામો મેળવે છે. પણ ઘણી વાર એ વાદળાં આકાર વિનાનાં અને અર્થહીન હોય છે. આકાશ જ્યારે મેદુર બને છે ત્યારે તો એની ગમગીની અસહ્ય થઈ ઊઠે છે. ઈશ્વરની કૃપા છે કે અકળામણનો પણ અંતે અંત આવે છે અને ખુલ્લી આંખો પણ અંતર્મુખ થઈને મન ઊંડા વિચારમાં મહાલે છે.

રાત્રે અને ખાસ કરીને વહેલી સવારે તારાઓ જોવાની મજા હતી. પણ ‘આખું આકાશ એકસામટું જોવા ન જ દઈએ’ એમ કહી વાદળાંઓ બાળકોની પેઠે આકાશના મોઢા ઉપર પોતાના હાથ ફેરવતાં હતાં. એમની દયાથી જે વખતે જેટલો ભાગ દેખાય તેટલો જ વાંચી લેવાનું અમારું કામ રહેતું. ગુરુવારની સવાર હશે. જહાજ સીધું ચાલતું હતું અને એના મુખ્ય થાંભલા પાછળ છેક પાછળની બાજુ શર્મિષ્ઠા હતી. થાંભલા આડે ભાદ્રપદાનું ચોરસ જેમતેમ ગોઠવાઈ જતું હતું. ઊતરતા ધ્રુવની પડખે દેવયાની ઊગતી હતી. પોણા પાંચ વાગ્યા અને ત્રિકાણ્ડ શ્રવણ માથા પરના ખસ્વસ્તિકને ઠેકાણે લટકવા લાગ્યો. હંસ, અભિજિત અને પારિજાત ત્રણે મળીને એક સુંદર ચંદરવો થયો હતો. ડાબી બાજુ ગુરુ, ચંદ્ર અને શુક્ર એક લીટીમાં આવ્યા હતા. ચંદ્રનું ચાંદરણું એટલું આછું હતું કે એને છાશની ઉપમા પણ ન અપાય. સામી બાજુ જોતાં ડાબે વૃશ્ચિક એનાં અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ સાથે લટકતો હતો, જ્યારે જમણી બાજુ સ્વાતિ આથમતી હતી. બિચારો ધ્રુવમત્સ્ય લગભગ ક્ષિતિજ ભેગો થયો હતો. બીજે દિવસે ચંદ્રનો પક્ષપાત શુક્ર તરફ વળ્યો. રાત્રે સપ્તર્ષિનાં દર્શન કરી અમે સૂતાં હતાં તે વખતે આકાશમાં પુનર્વસુનું હોડકું અમારી સાથે દક્ષિણની મુસાફરીએ ઊપડેલું જોઈ ઘણો આનંદ આવતો. પુનર્વસુના વહાણમાં બેસવાના ચિત્રાના કોડ હજી અતૃપ્ત જ રહ્યા છે. વખતે મઘા નક્ષત્રની અદેખાઈ એને આડે આવતી હશે ! શનિવારે ચંદ્ર અને શુક્રની યુતિ શોભતી હતી. છેલ્લે છેલ્લે એ બંનેએ નીલો રંગ ધારણ કર્યો હતો. ભાદ્રપદાનું પહોળું નાળચું અહીં ઘણે ઊંચે ચડેલું દેખાતું હતું. ગઈ કાલથી ધ્રુવ અલોપ થયો હતો.

સવારે જ્યારે ઉષા સ્વાગત કરવા સ્મિત કરે છે તે વખતે આખા ક્ષિતિજ આગળ રૂપા જેવી ચળકતી કિનારી બને છે. ત્યાર પછી સમુદ્ર પ્રસન્નપણે હસે છે અને ઉષાને પ્રકટ થવાને ગુલાબી અવકાશ આપે છે. શનિવારે સામી બાજુથી આવતું એક વહાણ દેખાયું. દીવાનો પ્રકાશ મિચમિચાવી એણે અમારા જહાજ સાથે વિવેક કર્યો. અમારા જહાજે સામે વિવેક કર્યો હશે જ. એ જહાજો બહુ પાસે આવ્યાં હોત તો બંને ભાંભરત; પણ જ્યાં અવાજ પહોંચતો નથી ત્યાં પ્રકાશથી વાતો કરવી પડે છે. ચાર દિવસના એકાન્ત પછી અમારા જહાજ જેવી જ બીજી એક સૃષ્ટિ જીવનના પટ પર વિહરતી જોઈ ખૂબ જ આનંદ થયો. અમારા જહાજ પરના લોકો આફ્રિકાનાં સ્વપ્નાં સેવતા હતા. સામા જહાજ પરના ઉતારુઓ હિંદુસ્તાનનાં સ્વપ્નાં સેવતા હશે. દરેક વહાણના ઉતારુઓના મનોવ્યાપારનો સરવાળો કર્યો હોય તો કેવી મજા પડે ! જહાજ પર ઉતારુઓની ત્રણ ન્યાતો હોય છે. પ્રતિષ્ઠાની અસ્પૃશ્યતા ભોગવનારા તે પહેલા વર્ગના ઉતારુઓ. એમને વધારે સગવડ મળે એનું કાંઈ નહીં, પણ એમના રાજ્યમાં બીજા કોઈ જઈ ન શકે એ એમની મોટાઈ. ઉપરના તૂતકનો મોટો ભાગ એમના આરામ અને રમતો માટે રાખેલો હોય છે. બીજા વર્ગના ઉતારુઓ પણ સારીસરખી સગવડ ભોગવે છે. ત્રીજા વર્ગના ઉતારુઓ માણસમાં ગણાય જ નહીં. એમનાં ધણ ગમે ત્યાં ગોઠવાયેલાં હોય. આઠ દિવસ સુધી માણસને પશુ-જીવન ગાળવું પડે એ હાડમારી નાનીસૂની નથી. અને હવે બીજા ત્રીજા વચ્ચે એક ઈન્ટરનો વર્ગ ઉપજાવેલો છે. પશુ અને માણસ વચ્ચેનો એ વાનરવર્ગ કહેવાય. એમાં ઘણી ભીડ હોવા છતાં માણસની પેઠે સૂઈ શકાય છે એ જ ગનીમત.

અમે જહાજ પર છીએ એની જાણ કેટલાક લોકોને થઈ એટલે અનેક લોકો અમારી સાથે વાતો કરવા આવતા. એમાંયે અમે સવારસાંજ પ્રાર્થના કરીએ છીએ એ સમાચાર જ્યારે જહાજના ખલાસીઓ સુધી પહોંચ્યા ત્યારે એમણે અમને નીચેના ડેક ઉપર સાંજે પ્રાર્થના માટે બોલાવ્યા. લગભગ બધા ખલાસીઓ સુરત જિલ્લાના હતા. ભજનના રસિયા. અનેક ભજનો જાણે; અને રાગ સાથે ગાઈ શકે. એમની ભજનમંડળી જામતી ત્યારે આખા દિવસનો થાક અને જન્મારાની ચિંતા તેઓ ભૂલી જતા. નીલા રંગના પોશાક પહેરી આખો દિવસ યંત્રની પેઠે કામ કરનારા લોકો આ જ છે એમ જાણતાં છતાં એ સાચું લાગતું નહીં. એ લોકો આગળ મેં અનેક પ્રવચનો કર્યાં. એમનું જીવન એક જાતની સાધના જ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં એમ પણ કહ્યું કે જમીન પર જ દીવાલો ચણી શકાય, દરિયા પર નહીં. માટે ખલાસીઓએ નાતજાતના વાડા ન રચવા. એમણે દરિયાદિલ થવું ઘટે છે.

અમે લોકો આ રીતે ભજનમાં તલ્લીન રહેતા ત્યાં જહાજ પરના ઘણા ગોવાનીઝ લોકોએ એક રાત્રે સ્ત્રીપુરુષોનો એક નાચ ગોઠવ્યો. એમણે એને માટે જે ફાળો કર્યો તેમાં અમને એમણે બાતલ રાખ્યા નહીં. એટલે અમે હકપૂર્વકના પ્રેક્ષકો બન્યા ! ગોવાના ખ્રિસ્તી લોકોમાં યુરેશિયન લગભગ નહીં જેવા છે. ધર્મે ખ્રિસ્તી પણ રક્ત શુદ્ધ હિંદી એવા લોકોએ પશ્ચિમના જે સંસ્કારો અપનાવ્યા છે તેની અસર જોવા લાયક હોય છે. કેટલીક જોડીઓ સંયમપૂર્વક નૃત્યકળાનો આનંદ લેતી હતી. કેટલીક જોડીઓ જાણે કોઈ સામાજિક વિધિમાંથી પસાર થતી હોય એવી ગંભીર, અલિપ્ત અને યાંત્રિક ઢબે નાચતી હતી. ત્યારે કેટલીક જોડીઓ નૃત્યના નિયમો મંજૂર રાખે તેટલી છૂટ લઈ નૃત્યમાં અને એકબીજામાં લીન થતી હતી. એકબે જોડીઓમાં ઉંમર અને ઊંચાઈનું પ્રમાણ એટલું બધું વિસદશ હતું કે આટલી બધી વિટંબણા સહન કરવાનું એમને માથે શી રીતે આવ્યું એમ જ લાગતું હતું. સાંકડી જગામાં આટલા બધા લોકોનું નૃત્ય જેમતેમ પૂરું થયું. આખર સુધી ઉજાગરો કરવાની દાનત ન હોવાથી અગિયાર થાય તે પહેલાં જ અમે સૂઈ ગયાં.

અમારું જહાજ પશ્ચિમ તરફ એટલે પૃથ્વીની દૈનંદિન ગતિથી ઊલટી દિશાએ ચાલતું હોવાથી અમારે લગભગ દરરોજ ઘડિયાળના કાંટા ફેરવવા પડતા. જહાજ તરફથી સૂચના મળતી કે ‘મધરાતે અડધો કલાક ઓછો કરો’ અથવા ‘એક કલાક ઓછો કરો.’ સૃષ્ટિનો નિયમ સમજી અમે આટલું નુકશાન વેઠવા તૈયાર થતાં. આફ્રિકા પહોંચતાં સુધી અમે કુલ અઢી કલાક ખોયા. (બેલ્જિયમ કૉંગો જતાં હજી એક વધારે કલાકનો ભોગ આપવો પડેલો.) ભૂગોળની વિગતો ન જાણનાર વાચકો માટે એટલું કહી દેવું જરૂરનું છે કે રેખાંશની દર 15 ડિગ્રીએ એક કલાક ઉમેરવો અથવા ખોવો પડે છે અને પ્રશાંત મહાસાગરમાં એશિયા અને અમેરિકા વચ્ચે જહાજો જ્યારે 180 રેખાંશ ઉપર હોય છે ત્યારે એમને આવતાં કે જતાં એક આખો દિવસ વધારવો અથવા ઘટાડવો પડે છે. એ રેખાંશને અંગ્રેજીમાં ‘ડેટ લાઈન’ કહે છે. જેમ આપણે ત્યાં અધિક માસ આવે છે તેમ ‘ડેટ લાઈન’ ઉપર જતાં એક અધિક વાર આવે છે, જ્યારે આવતાં એક વારનો ક્ષય થાય છે.

આઠ દિવસથી નથી છાપું, નથી ડાક, નથી મુલાકાતીઓ અને નથી કોઈ શહેર કે ગામડું – અરે સોગન ખાવા કોઈ ડુંગર કે બેટે નથી ! આવી સ્થિતિમાં કલાકો ને કલાકો ને દિવસોના દિવસો મૂંગા મૂંગા પસાર થાય ત્યારે વાર અને તારીખનું પણ ઠેકાણું નથી રહેતું. અમારા જહાજની ઊંચાઈનો હિસાબ કરતાં અમારી આસપાસ ક્ષિતિજ સુધી કેટલો સમુદ્ર પથરાયેલો છે એની જહાજવાળાઓ આગળ તપાસ કરી ત્યારે ખબર પડી કે અમારી આંખો 250 ચોરસ માઈલનો સમુદ્ર એક ચક્કરમાં પી શકતી હતી. કેટલી બધી શાંતિ અને તે પણ ડોલતી, હીંડોલતી, વહેતી અને છતાં સ્થિર એવી શાંતિ, આકાશના આશીર્વાદ તળે, ઊભરાતી હતી. Swelling and rolling peace – abiding and abounding. કોણ જાણે શી રીતે આ શાંતિના સેવન સાથે મારામાં માનવપ્રેમ ઊભરાતો હતો અને તમામ માણસજાતને સ્વસ્તિ, સ્વસ્તિ, સ્વસ્તિ કહેતો હતો. માનવજાતિનો ઈતિહાસ હજીયે સરવાળે રૂપાળો નથી બન્યો. આ જ સમુદ્રે કેટલાયે અન્યાય અને અત્યાચાર જોયા હશે, કેટલાયે ગુલામોના નિસાસા અહીંની હવામાં ભળ્યા હશે અને કેટલીયે પ્રાર્થનાઓ સૂર્ય, ચંદ્ર અને તારાઓ સુધી પહોંચ્યા છતાં વિફળ ગઈ હશે. અને છતાં જો મનુષ્ય-રક્તને કારણે સમુદ્રમાં લાલાશ આવી નથી, દુ:ખીઓના નિસાસાથી અહીંની હવા કલુષિત થઈ નથી અને લોકોની નિરાશાથી આકાશની જ્યોતિઓ ઝાંખી પડી નથી તો માણસજાતનો જરા સરખો ઈતિહાસ વાંચીને મારો માનવપ્રેમ શા માટે સંકુચિત કે પાતળો થાય ? જો મારા અસંખ્ય દોષો વીસરી જઈને હું મારા પર પ્રેમ કરી શકું છું અને પોતાને વિશે અનેક જાતની આશાઓ સેવી શકું છું, તો મારા જ અનંત પ્રતિબિંબરૂપી માનવજાતને મારો પ્રેમ ઓછો કેમ મળે ? આવી ભાવના સાથે આફ્રિકાની ભૂમિ ઉપર વિષમ રીતે ભજવાતો મનુષ્યજાતનો ત્રિખંડ સહકાર નિહાળવા હું મોમ્બાસા પહોંચી ગયો.

આ આઠ દિવસમાં ઘણું વંચાશે, ઘણું લખાશે એવી જે આશા રાખેલી તે સફળ ન થઈ. પણ એ આઠ દિવસ જીવનના દર્શન, ચિંતન અને મનનથી પૂરેપૂરા ભરેલા હતા.

[કુલ પાન : 344. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ. ફોન : +91 79 27540635.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનપાંચમનો મેળો – હરનિશ જાની
ગુજરાત ચાલીસા – સાંઈરામ દવે Next »   

7 પ્રતિભાવો : જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર

 1. જવાહર says:

  ” જેમ આશ્રમમાં ચોવીસે કલાક ગાંધીબાપુ સાથે રહેવાની અને વાતો કરવાની તક જેમને મળી છે, તે લોકો બાપુજીનું મહત્વ સમજતા મટ્યા છે અને બાપુજીનો ભાવ પણ પૂછતા નથી, તે જ પ્રમાણે આપણા દેશમાં કુદરતી ભવ્યતાનું થયું છે.” આ હળાહળ સત્ય છે.

 2. Jigar Bhatt says:

  Very informative & still interesting to read

  Thanks for such a good article.

  – Jigar

 3. Himalay Oza says:

  કાકા કાલેલકર સાહેબ પોતે મહારાષ

 4. અદભૂત વર્ણન
  કાકા સાહેબ ને વાંચવા એ લહાવો છે
  આંખો તો આપણી પાસે પણ કાકા સાહેબ જેવીજ છે પણ દ્રષ્ટિ નથી
  જેવું કાકા સાહેબ જોઈ શકે છે તે આપને જોઈ શકતા નથી
  ઉપર ના લેખ માંથી કેટલાક માસ્ટર પીસ :
  ૧. આ બેટનો તોર જોવા જેવો હતો. જાણે પાસેના પહાડને કહેતો હોય કે તું તો તીરે ઊભો ઊભો તમાસો જોયા કરે છે, હું જુઓ કેવો જલવિહાર કરું છું
  ૨. આટલા બધા ડાહ્યાડમરા શાંત પાણીનું નામ ‘ધસાન’ શી રીતે પડ્યું હશે ?
  ૩. કેટલાંક મોજાંઓ કાચી છીંકની પેઠે ઊઠતાં ઊઠતાં જ શમી જતાં હતાં.
  ૪. દરિયાની દયાથી જીવનારી અને બાકી બધું પાણી, પાણી અને પાણી.

  અને

  અન્તે

  સૌથી સુંદર વાક્ય

  ૫. જો મારા અસંખ્ય દોષો વીસરી જઈને હું મારા પર પ્રેમ કરી શકું છું અને પોતાને વિશે અનેક જાતની આશાઓ સેવી શકું છું, તો મારા જ અનંત પ્રતિબિંબરૂપી માનવજાતને મારો પ્રેમ ઓછો કેમ મળે ?

 5. Dhananjay Purohit says:

  Only two words…….
  AMAZING ARTICLE !!!!!

 6. Ami Patel says:

  Very nice.

 7. Jagruti Vaghela USA says:

  સમુદ્ર્ના સહવાસમાં દરિયાઈ જહાજમાં સફર કરવાની બહુ મજા આવી. લેખ વંચાઈ રહ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે હવે જહાજમાથી ઉતરીને કામે વળગવાનું છે.
  પ્રવાસ વર્ણનના લેખ વાંચીએ ત્યારે મન પ્રફૂલ્લિત થઈ જાય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.