સ્વર્ણિમ ગુજરાત : સંકલ્પ અને વિરાસત – વિષ્ણુ પંડ્યા

[ આજે ગુજરાત રાજ્ય સ્થાપનાદિનના પચાસ વર્ષ એટલે કે ‘સ્વર્ણિમ ગુજરાત’ના ઉત્સવનો દિવસ. રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને આ મંગલદિનની વધાઈ. આપણું ગુજરાત ભૌતિકથી લઈને આધ્યાત્મિક સુધી તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને સૌની શારીરિક-માનસિક સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવી પ્રભુપ્રાર્થના. આજના આ વિશેષ દિવસે ‘ગુજરાત’ સામાયિકમાં અગાઉ પ્રકાશિત થયેલ લેખ દ્વારા પ્રાચીનથી અર્વાચીન ગુજરાતની સફર કરીએ. સૌને પ્રણામ સાથે જય જય ગરવી ગુજરાત….’ – તંત્રી, રીડગુજરાતી.]

આજે 2010માં, આપણી પોતાની એક અદ્દભુત અને ઐતિહાસિક ઘટના આકાર પામી રહી છે, અને તેનો સમગ્ર દુનિયાના આંગણે રણકાર સંભળાઈ રહ્યો છે, તે છે ગુજરાત રાજ્યની સ્થાપનાની અર્ધશતાબ્દી ! આ કોઈ રાબેતા મુજબની ઘટના નથી, તેની પાછળ બે મહત્વની બાબતો રહી છે : એક, રાજકીય સરકાર અને વહીવટ સાથેની પ્રાદેશિકતા 1960માં નિર્માણ પામી એટલે 2010માં તેને પચાસ વર્ષ થયાં. અને બીજી, એટલી જ મહત્વની વાત છે કે આ 50 વર્ષની પાછળ, એકલાં ઐતિહાસિક પ્રમાણો મુજબ એક લાખ વર્ષની જૂની ગૌરવભરી પરંપરા છે. આ વિરાસતના આધારે ગુજરાત અને ગુજરાતની પ્રકૃતિ, સંસ્કૃતિ અને આકૃતિ-ત્રણેય સરજાયાં છે. એકલો ગુજરાતી જ, દુનિયાના ચૌરાહે એવી રીતે સ્થાપિત છે, જેણે સાહસ, સંઘર્ષ, સંવાદ અને સામંજસ્યના આધારે પ્રબળ પુરુષાર્થ કર્યો.

ગુજરાતની અર્ધશતાબ્દી એટલે કે સુવર્ણજયંતિના સ્વર્ણિમ વર્ષે અતીતના વિરાટ વૈભવથી શરૂ કરીને, આજની તિથિએ પહોંચીએ તો સંકલ્પબદ્ધ વર્તમાનનું નિર્માણ થશે. અહીં પ્રાગ-ઈતિહાસ યુગથી આજ સુધીની કેટલીક નિર્ણાયક ઘટનાઓનો સંકેત માત્ર કરું છું. જેમાં આર્થિક, રાજકિય, સાંસ્કૃતિક વળાંકોનો અંદાજ આવશે :

પ્રાગ-ઈતિહાસના અવશેષો પાલનપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે.

– 50,000 થી 1,00,000 વર્ષો પહેલાં હથિયારધારી મનુષ્ય દેખાયો.
– 5000 વર્ષ પહેલાંની માનવ વસતિના અવશેષો લાંઘણજમાં મળ્યા.
– ઈ.સ. પૂર્વે 3700-2500માં સિંધુ ખીણના દીર્ઘ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા.
– ગુજરાતનો વેપાર ઈ.સ. પૂર્વે 3000 વર્ષનો ! ઈજિપ્તની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે.
– હડપ્પીય મનુષ્ય આવ્યો ઈ.સ. પૂર્વે 2450માં. ઈ.સ. પૂર્વે 2400માં તો ખંભાતના મણિયારાઓએ પત્થરનાં સાધનો વિકસિત કર્યા.
– લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યું, તે ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલહ સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂર્વે 2020માં, બીજી વાર ઈ.સ. પૂર્વે 2200માં અને ત્રીજીવાર ઈ.સ. પૂર્વે 2000માં લોથલ પાણી તળે ડૂબી ગયું : દરેક વખતે તેણે વિનાશથી ડર્યા વિના પુન:નિર્માણ કર્યું !
– લોથલ જેવું જ નસીબ રંગપુરનું થયું. લોથલ પરનાં ચોથાં પૂર પછી માનવ વસાહતો સ્થળાંતર કરવા માંડી. ઈ.સ. પૂર્વે 1900માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી. ઈ.સ. 1900 સુધી વિનાશ અને નિર્માણના અધ્યાય ગુજરાતમાં રચાયાં તેને વાચા મળે તો ?
– ઈ.સ. પૂર્વે 1000માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ-નિર્માણમાં ખ્યાત થયાં.
– ઈ.સ. પૂર્વેનાં હજાર વર્ષ દરમિયાન ગુજરાતમાં શાર્યાત, ભૃગુ, હૈદય……. અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણની સુવર્ણ દ્વારિકા વિશાળ પ્રદેશની રાજધાની બની. ઈ.સ. પૂર્વે 900માં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો.

– ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં વૈયાકરણી પાણિની ‘સૌરાષ્ટિકા નારી’નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌટિલ્યે પણ ‘સુરાષ્ટ્ર’ના ક્ષત્રિયો વિશે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ‘અર્થશાસ્ત્ર’માં લખ્યું.
– ઈ.સ. પૂર્વે 320માં ગિરનારની તળેટીમાં વિશાળ સુદર્શન તળાવ બંધાયું. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ.
– ઈ.સ. પૂર્વે 237માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો.
– ઈ.સ. પૂર્વે 229-220 સિંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદર્શનાએ ભરૂચમાં ‘શકુનિકા વિહાર’ બંધાવ્યો.
– ઈ.સ. પૂર્વે 200માં, અરબસ્તાન અને સિલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા.
– ઈ.સ. પૂર્વે 185માં ગ્રીક અને ઈ.સ. પૂર્વે 150 થી 100 સુધીમાં શક, કુશાણ, પાર્થિયન વગેરે ચડી આવ્યા.
– ઈ.સ. પૂર્વે 83માં પ્રાચીન શક સંવત પ્રચલિત થયો.
– ઈ.સ. પૂર્વે 56 : વિક્રમ સંવત શરૂ થયો.
– ‘પેરિપ્લ્સ’ના લેખકે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનું વ્યાપક ખેડાણ હતું. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.)
– ઈ.સ. 150 ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો શિલાલેખ. (જૂનાગઢ-ગિરનાર) મહાભયાનક પૂરમાં સુદર્શન તળાવ તૂટ્યું તે રુદ્રદામને ફરી બંધાવ્યું.
– ઈ.સ. 166-67 ગુપ્ત સંવતનો પ્રારંભ થયો.
– ઈ.સ. 200 દ્વારિકાની રાણી ધરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફેંક્યો, છેવટે સમજુતિ થઈ. મીરાની જેમ દ્વારિકાની ધીરાનેય યાદ કરવી રહી !
– ઈ.સ. 244-245 કલચુરિ સંવત શરૂ થયો.
– ઈ.સ. 300માં વલભીપુરમાં આર્ય નાગાર્જુને આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવી.
– 12 ઑક્ટૉબર, 318 : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત વિક્રમ સંવત 375, કાર્તિક શુક્લ પૂર્ણિમા.
– ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ સ્કંદસ્વામી, વલભીપુરના નિવાસી હતા. (ઈ.સ. 376)
– શિલાદિત્યે (વલભીપુર) શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિએ ‘શત્રુંજય માહાત્મ્ય’ ગ્રંથ લખ્યો. (ઈ.સ. 391)
– ઈ.સ. 400માં સૌરાષ્ટ્રના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો.
– મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ.સ. 470)
– ગુર્જરો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં.

ગુર્જરો આવ્યા પછીનાં ગુજરાતની તસ્વીર અને તાસીર પણ સમજવા જેવી છે. મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું. પ્રજા તો પોતાના જ્ઞાન, વાણિજ્ય અને કર્મના વિકાસમાં અગ્રેસર હતી. ઈ.સ. 603માં નીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને ત્યાં વસવાટ કર્યો. ઈ.સ. 622થી હીજરી સનનો પ્રારંભ થયો. સાતમી સદીના ઉત્તરાર્ધમાં તુર્કો અને આરબોનું સમુદ્ર રસ્તે આગમન થયું. ઈ.સ. 640માં ચીની યાત્રિક હ્યુએન ત્સાંગ મહારાષ્ટ્રથી નર્મદા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો, સ્તબ્ધ થઈ ગયો કે અરે, અહીં તો સર્વત્ર જ્ઞાનવિજ્ઞાન અને સમૃદ્ધિનો મહિમા છે ! બીજો પ્રવાસી ઈત્સિંગ કહે છે : ‘વલભી વિદ્યાપીઠ બરાબર નાલંદા જેવી જ છે ! (671) ઈ.સ. 711માં આરબ સરદાર મોહમ્મદ-બિન-કાસિમે સિંધ પર કબ્જો કર્યો. ઈ.સ. 717 એટલે કે યઝદગદી 85, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો. (શ્રાવણ સુદ 9, શુક્રવાર, વિ.સં. 772)

ઈ.સ. 721માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીષણ સંગ્રામ કરીને મારી હટાવ્યું, ગુજરાતને બચાવી લીધું. વલભીપુરના રાજવી જયભટે પણ એમ જ કર્યું. વિ. સં. 802માં અણહિલપુર સ્થપાયું અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહ્યું. અષાઢ સુદ 3, શનિવાર, સંવત 802ના પાટણની સ્થાપના. વલભીપુર સામ્રાજ્યનો વિલય થયો ઈ.સ. 788માં. આજે તે એક નાનકડું વળા તથા વલભીપુર તરીકે ઊભું છે. ખંડહર બતા રહા હૈ, ઈમારત કિતની બુલંદ થી !

ઈ.સ. 788-820 વચ્ચે આદિ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો જિર્ણોદ્ધાર કરે છે. આદ્યશક્તિની સ્થાપના તેમના હાથે થાય છે. ગાંભુ નામે ગામ ? હા. ત્યાં (ઈ.સ. 899) મુનિ પાર્શ્વમુનિએ ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર’ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર’ રચ્યાં. ગુજરાત નવથી દસમી સદીનાં 200 વર્ષ જાવામાં પણ શાસન કરતું રહ્યું ! પ્રા. હોડીવાલા એ સદીમાં ઈ.સ. 936માં પારસી ગુજરાતમાં આવ્યાનું જણાવે છે. ઈ.સ. 961 થી 1292 સુધીમાં અણહિલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા. ઈ.સ. 1017-1037 દરમિયાન શ્રી વલ્લભાચાર્ય એ દ્વારિકાની યાત્રા કરી. 1025 ઈસવીસનમાં મહમૂદ ગઝનવીએ હથિયાર સજ્યાં, 1026માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ દિવસ આક્રમણ ચાલ્યું. કેટલાક રાજપૂતો અને બ્રાહ્મણોએ સામનો કર્યો. (‘ગુજરાતનો નાથ’ અને ‘જય સોમનાથ’ નવલકથામાં કનૈયાલાલ મુનશીએ રોમાંચક વર્ણન કર્યું છે. ‘કિર્તિદેવ અને મુંજાલનો મેળાપ’ પ્રકરણ તો આજેય બોધપાઠ રૂપ છે.) 7મી જાન્યુઆરી, 1094 (વિક્રમ સંવત 1150, પૌષ શુક્લ ત્રીજ)ના ‘કર્ણાવતી’નગરી સ્થપાઈ. સિંહ-સંવત આરંભાયો. ઈ.સ. 1120માં મીનળદેવીએ દ્વારિકાની યાત્રા કરીને જિર્ણોદ્ધાર કર્યો. ઈ.સ. 1168માં ભાવ બૃહસ્પતિએ સોમનાથ મંદિરના નવા જિર્ણોદ્ધાર માટે મૂળ મંદિરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો. ભીમદેવે પણ તેનું અનુકરણ કર્યું. ઈ.સ. 1241માં અમદાવાદથી મહમદશાહે દ્વારિકાધીશ મંદિર તોડવા આક્રમણ કર્યું, જે પાંચ બ્રાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કર્યો તેમની સમાધિ, દ્વારિકામાં મંદિરથી થોડેક દૂર છે. ‘પંચવીર’ ને સ્થાને હવે ‘પંચપીર’ છે !

આ અજંપા ભર્યા વર્ષો અને તે પછી મુઘલ-બ્રિટિશ કાળ દરમિયાન પણ ગુજરાત અને ગુજરાતીઓ અસ્તિત્વની લડાઈ લડતાં રહ્યાં. એવા કેટલાંક વીરલ પાત્રો-વીરલ સ્થાનો તરફ નજર કરીએ :

(1) કાનજી માલમ (કચ્છ) 16મી સદીમાં ભારત સુધીના સમુદ્ર માર્ગમાં ભોમિયો બન્યો. તેના વહાણ માંડવીથી દુનિયાની બજારોમાં ખરીદાતાં.

(2) સોળમી સદીમાં એશિયા-આફ્રિકામાં ગુજરાતી એકમાત્ર Business Language હતી.

(3) શાંતિદાસ ઝવેરીએ (અમદાવાદ) એક વ્યાપારી તરીકે એંટવર્પ, ફલોરેન્સ, પારિસ સુધી કિર્તિપતાકા ફેલાવી.

(4) સોમેત્રામાં ગુજરાતીઓ હતા. સિકંદરને એરિસ્ટોટલે સલાહ આપી કે ‘દુનિયાભરની જાતિઓ સાથે યુદ્ધ ભલે કરે, આ ગુજરાતીઓની સાથે મનમેળ બાંધજે.’

(5) પંડિત ઓમકારનાથ ઠાકુર : ફલોરેન્સમાં સંગીતજ્ઞ તરીકે આંતરરાષ્ટ્રીય સંગીત સભામાં છવાઈ ગયા હતા.

(6) રુબીન મહેતા : યહુદી ગુજરાતી, આંતરરાષ્ટ્રીય સંગીતકાર, આજે પણ ટોચનું સ્થાન ધરાવે છે.

(7) વીરજી વોરા (સુરત) 1590-1670 સુરતનો જૈન વેપારી દુનિયાભરમાં તેનું નેટવર્ક હતું. તે ‘richest person in the world’ ગણાયો.

(8) ભીમજી પારેખ (સુરત) વટાળ પ્રવૃત્તિનો વિરોધ, હિજરત કરી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ છેવટે માથું નમાવવું પડ્યું. પહેલવેલું ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ મંગાવ્યું. રામાયણ-મહાભારત છાપ્યાં.

(9) રણછોડલાલ છોટાલાલે અમદાવાદને માંચેસ્ટર બનાવ્યું. લંડનમાં એમ.પી. બનેલા દાદાભાઈએ મદદ કરી (1861) પહેલી મીલ સ્થાપી, તેની હારમાળા થઈ.

(10) જયરામ શિવાજી : મુંદ્રાથી ઝાંઝીબાર સુધી આર્થિક સામ્રાજ્ય હતું. ત્યાંના શાસકો પણ આદર આપતા.

(11) ઝાંઝીબાર : સ્વાહિલી ભાષાનું પહેલું વ્યાકરણ અલિદીના શામજી લાલાણીએ (1891) તેમજ ‘ગુજરાતી અક્ષરમાં જંગબારી ભાષા’નું, મુદ્રણ પ્રકાશન કર્યું.

(12) શિવજી ટોપણ : કચ્છ-હાલારના વેપારી પૂર્વ આફ્રિકાને ગૌરવ અપાવ્યું. તેઓ ‘મુકુટ વિનાના રાજા’ ગણાતા. શાસકો તેમની મદદ માગતા !

(13) નાનજી કાલિદાસે આફ્રિકામાં ઉદ્યોગ વિકસિત કર્યો.

(14) મેઘજી પેથરાજ શાહ પણ એવું જ મહત્વનું નામ છે.

(15) સુનિતા વિલિયમ્સ (એસ્ટ્રોનેટ) આપણી ગુજરાતી-પુત્રી છે.

(16) મોંબાસા-નાઈરોબી, યુગાંડાની રેલવે બાંધી આપનાર એ.એમ. જીવણજી અને અલિદીના વિશ્રામ હતા.

(17) ચતુર્ભૂજ જોશી : બ્રિટિશ વિરોધી પત્રકાર, ફાંસીની સજા થઈ પણ કાનુની લડાઈથી મુક્તિ મેળવી. દ.આફ્રિકાનું આ નામ ભુલાઈ ગયું છે.

(18) સિંધુ સંસ્કૃતિના બંદરો : લોથલ, ધોળાવીરા, દ્વારિકા, ભરુચ, ખંભાત, દીવ, દમણ અને સુરત વિશ્વવિખ્યાત રહેલાં.

(19) ઈ.સ પૂર્વે છઠ્ઠી સદીમાં પૂર્વ આફ્રિકામાં ગુજરાતી ખેડૂતોએ નારિયેળનું પહેલીવાર ઉત્પાદન કર્યું હતું !

(20) રોમન સામ્રાજ્ય સાથે ગુજરાતનો સંબંધ વેપારનો અને સાંસ્કૃતિક સ્તરનો રહ્યો.

(21) વિ.સંની પહેલી સદીમાં યવનાચાર્ય એ એથેન્સ જઈને સમુદ્રશાસ્ત્ર રચ્યું, તે ‘યવનજાતક’ આજેય તે આધિકારિક ગણાય છે.

(22) પહેલો વિમાની પુરુષોત્તમ મેઘજી કબાલી (લખપત) 1929માં દુનિયાભરમાં પહેલવહેલું વિમાન ઉડાવ્યું, હિટલર-મુસોલિનનીને પણ મળ્યો ! પાંચ ચોપડી ભણેલો. 1000 પાઉન્ડમાં નાનકડું એક સીટનું વિમાન ખરીદ્યું. લંડન-પારિસ-માર્સેલ્સ-પીઝા-રોમ સુધી. રોમથી નેપલ્સ-ટ્યુનીસ-ટ્રિપોલી-કેરો-અકસ્માતમાં પૈડાં તૂટી ગયાં ! પાણીની બોટલ સાથે રણ પાર કર્યું.

(23) જગતખ્યાત સિંધિયા સ્ટીમ નેવિગેશનના સ્થાપક મોરારજી ગોકળદાસ / સુમતિ મોરારજીનાં નામો અવિસ્મરણીય છે.

(24) તારાચંદ મોતીચંદ શાહ : સૌરાષ્ટ્રથી ચીન ગયેલા પહેલા હિંદુ હતા. બૌદ્ધ સાધુઓની સંગત/મહાવીરની પ્રતિમા શાંગહાઈમાં સ્થાપી. 1822માં પરત આવ્યા.

(25) દાદાભાઈ નવરોજી : લંડનમાં પહેલાં સંસદ સભ્ય બન્યા હતા.

(26) બેરિસ્ટર રાણા-શ્યામજી કૃષ્ણવર્મા-મેડમ કામાની ત્રિપુટીએ અમેરિકા-ઈંગ્લેન્ડ-ફ્રાંસમાં રાજકીય આઝાદીની ચળવળ, વિદેશોમાં ચલાવી. અખબારો બહાર પાડ્યાં. ઈન્ડિયા હાઉસ સ્થાપ્યું.

(27) છગન ખેરાજ વર્મા : સાનફ્રાંસિસ્કો / કેનેડામાં ભારતીય વસાહતીઓ માટેનો સંઘર્ષ, ભારતમાં ‘કોમાગાટામારુ’ જહાજ મોકલવાની કાનૂની લડાઈ / ગદર ચળવળનો મુખ્ય સ્તંભ / 1920માં સિંગાપુરમાં ફાંસી-અથવા તોપના ગોળે દેવાયા / ‘ગદર’ ગુજરાતી અખબારના તંત્રી હતા.

(28) સ્વામી કૃષ્ણાનંદ : મલેશિયા / મોરિશિયસમાં દરેક ઘેર રામાયણ-ગીતા પહોંચાડનાર ક્રાંતિકારી સાધુ થોડાંક વર્ષ પહેલાં દેહાવસાન પામ્યા.

બ્રિટિશ યુગમાં ગુજરાતમાં સમાજ સુધાર, સાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીજંગ સમાંતરે ચાલતાં રહ્યાં. 1857ના વિપ્લવમાં 10,000 લોકો મૃત્યુ પામ્યા, એક-ગરબડદાસ મુખીને આંદમાનની જનમટીપ મળી, ત્યાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા, 100 ગામડાં બ્રિટિશરોએ બાળી મૂક્યાં, 250 થી 300 સ્થાનોએ વિપ્લવની આગ પ્રસરી, ઓખા-દ્વારિકાના વાઘેર-માણેકો 1857 પછીનાં દસ વર્ષો સુધી ખુમારીપૂર્વક લડ્યા.

ગુજરાતમાં 1905માં અરવિંદ ઘોષ, બારીંદ્ર ઘોષ, જતીન મુખરજી, ઉપેન્દ્ર બંધોપાધ્યાયે વડોદરા અને નર્મદા કિનારે સશસ્ત્ર આંદોલનની ધૂણી ધખાવી, ‘વંદેમાતરમ’, ‘યુગાન્તર’ પત્રમાં લખ્યું, ‘ભવાની મંદિર’ નામે રાષ્ટ્રમાતાનાં મંદિરની પ્રતિષ્ઠા કરી, સુરત રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉદ્દામ ક્રાંતિવાદનો પડઘો પડ્યો. પુરાણી બંધુઓએ વ્યાયામ-પ્રવૃત્તિને રાષ્ટ્રીય જંગ સાથે જોડી દીધી. એ જ વર્ષોમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, બેરિસ્ટર સરદારસિંહ રાણા, મેડમ ભિકાઈજી કામા યુરોપ-અમેરિકા-ફ્રાંસમાં સક્રિય બન્યા. ઈન્ડિયન સોશ્યોલોજિસ્ટ, વંદેમાતરમ, મદન તલવાર અખબારો પ્રકાશિત કર્યા. લંડન અને ન્યૂયોર્કમાં ‘ઈન્ડિયા હાઉસ’ની સ્થાપના થઈ. દેશ-વિદેશના ક્રાંતિકારોનો સંપર્ક સાધવામાં આવ્યો. ગોર્કી અને લેનિન પણ ‘ઈન્ડિયા હાઉસ’ સાથે સંપર્કમાં રહ્યા. લંડન, પારિસ, જિનિવા – ત્રણ સ્થાનેથી શ્યામજીએ મરણ સુધી સ્વાતંત્ર્ય લડત ચલાવી. એ જ સમયે કેનેડા-સાનફ્રાંસિસ્કોમાં પોરબંદરના છગન ખેરાજ વર્માએ ‘ગદર’ ક્રાંતિ ચળવળમાં ભાગ લીધો, ‘ગદર’ ગુજરાતી અખબાર ચલાવ્યું, સિંગાપુરમાં તેને અને સુરતના કાસિમ ઈસ્માઈલ મનસુરીને ‘ફોજમાં બળવા’ના આરોપસર અંગ્રેજોએ ગોળીથી ઠાર કર્યા. અમદાવાદમાં લોર્ડ મિંટોની રાજસવારી પર બોંબથી માંડીને અનેક ક્રાંતિચળવળો ચાલી. 1920ની ‘અનુશીલન સમિતિ’માં દયારામ પટેલ જોડાયા. ભગતસિંહના સાથીદાર અને ‘થિન્ક ટેંક’ તરીકે જાણીતા ભગવતીચરણ વોરા વડનગરા બ્રાહ્મણ હતા. લાહોરમાં રાવી નદીકાંઠે બોંબ વિસ્ફોટમાં શહીદ થયા. તેમનાં પત્ની દુર્ગાભાભીએ લડત ચાલુ રાખી. મુંબઈમાં અંગ્રેજો પર ગોળી ચલાવી. સ્વાધીન ભારતમાં પંજાબે તેમનું સન્માન કરેલું. 1999માં તેમનું લખનૌમાં અવસાન થયું. આઝાદ હિન્દ ફોજમાં સુભાષબાબુના સંગાથી રહેલાઓમાં લક્ષ્મીદાસ દાણી, હેમરાજ બેટાઈ, અને પરિવાર, પ્રાણજીવનદાસ મહેતા અને પરિવાર, શકુંતલા ગાંધી, નાથાલાલ દોશી વગેરેએ મહત્વનો ભાગ ભજવ્યો. બી.આર. વ્યાસ આઝાદ હિન્દ રેડિયોમાં ગુજરાતી ભાષામાં માહિતી આપતા.

છેલ્લો જંગ જૂનાગઢ-મુક્તિનો ‘આરઝી હકુમત’નો, તેના સરસેનાપતિ શામળદાસ ગાંધી હતા. પાછલાં વર્ષોમાં તેમણે વિરોધપક્ષે રહેવાનું પસંદ કર્યું. નવેમ્બર 1947માં જૂનાગઢ મુક્તિ પછી તુરંત સરદાર વલ્લભભાઈ જૂનાગઢ પહોંચ્યા, સભાને સંબોધી અને સીધા વેરાવળ-પ્રભાસ પાટણ જઈને સોમનાથના ભગ્ન દેવાલયના જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી. ગુજરાતમાં ગાંધીજીની દાંડીકૂચ, સરદારનો બારડોલીનો સત્યાગ્રહ, સંખ્યાબંધ સ્થાનોએ સત્યાગ્રહો, મજુર મહાજનની સ્થાપના, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, સ્વરાજ ભવન (બારડોલી), ગુજરાત વિદ્યાપીઠ વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામના યાદગાર બનાવો છે. 1942ની ચળવળમાં તેમાં સશસ્ત્ર જુસ્સો પણ ઉમેરાયો.

1857 થી 1947 સુધીના ફલક પર પત્રકારત્વનો ધ્વજ આરોપિત થઈ ચૂક્યો હતો. પહેલું અખબાર ‘મુંબઈ સમાચાર’ તો 1, જુલાઈ 1822થી જ પ્રકાશિત થવા લાગ્યું હતું, તેના પારસી તંત્રી ફરદુનજી મર્ઝબાન સુરતના હતા. તે પછી ‘જામે જમશેદ’, દાદાભાઈ નવરોજીનું ‘રાસ્ત ગોફતાર’, ‘વર્તમાન પત્ર’, ‘બુદ્ધિપ્રકાશ’, કરસનદાસ મુળજીનું ‘સત્યપ્રકાશ’, નર્મદનું ‘દાંડિયો’, ‘સ્વતંત્રતા’, ‘ગુજરાતી’, ‘ગુજરાત મિત્ર’, ગાંધીજીનાં નવજીવન પત્રો, ‘ખેડા વર્તમાન’ અને કાઠિયાવાડ સમાચાર, ‘પ્રજાબંધુ’, ‘ગુજરાતી પંચ’, ‘હિન્દુસ્તાન પત્રો’ હાજી અલારખિયા શિવજીનું ‘વીસમી સદી’, અમૃતલાલ શેઠનું ‘સૌરાષ્ટ્ર’, ‘સંદેશ’, ‘પ્રભાત’, ‘જય સૌરાષ્ટ્ર’, ‘જન્મભૂમિ’ આ બધાં સ્વતંત્રતા પહેલાંના, ઓગણીસમી સદીનાં અખબારો હતાં. ગુજરાતને ગોવર્ધનરામ ત્રિપાઠી, નંદશંકર મહેતા, આચાર્ય આનંદશંકર ધ્રૂવ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, નારાયણ વિસનજી ઠક્કુર, ધૂમકેતુ, ચુનીલાલ વર્ધમાન શાહ, ગુણવંતરાય આચાર્ય, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, બળવંતરાય ઠાકોર, કલાપી, મણિશંકર ભટ્ટ ‘કાન્ત’, બાલાશંકર કંથારિયા, રમણલાલ વ. દેસાઈ, જયંતી દલાલ જેવા સમર્થ સાહિત્યકારો પણ આઝાદી પૂર્વેથી શબ્દસરિતા વહાવતા રહ્યા. ઠક્કરબાપા, જુગતરામ દવે, નાનાભાઈ ભટ્ટ, રવિશંકર મહારાજ, ડૉ. સુમંત મહેતા, જેવા તેજસ્વી લોકનાયકો ગુજરાતે આપ્યા. આમાંના કેટલાક 1947 પછી પણ જનસમુહના તેજસ્વી તારકો રહ્યા.

ટૂંકમાં, આઝાદી પછીનાં 61 વર્ષો અને ગુજરાત રાજ્ય સ્થાપનાનાં 50 વર્ષોનું સમગ્રપણે મૂલ્યાંકન કરવાનો અવસર પાકી ગયો છે. લોકશાહી, ન્યાયતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને અર્થકારણના ક્ષેત્રે આપણે શું મેળવ્યું, શું ગુમાવ્યું અને આગામી વર્ષોમાં કેવી હરણફાળ ભરવાની છે તેના સામુહિક આત્મમંથનનો આ સમય સંકલ્પ બદ્ધ બનવાની પ્રેરણા જરૂર આપશે. છેવટે તો, વ્યક્તિ અને વ્યવસ્થા-બંનેમાં ગુણાત્મક ક્રાંતિનો આ અવસર છે. ‘નૈતિક શક્તિવાન ગુજરાત’ તેમાંથી નીપજશે, તેવો આ સાનુકૂળ સમય અને માહોલ પણ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાત ચાલીસા – સાંઈરામ દવે
મુલાકાત થઈ – દિવ્યા રાજેશ મોદી Next »   

15 પ્રતિભાવો : સ્વર્ણિમ ગુજરાત : સંકલ્પ અને વિરાસત – વિષ્ણુ પંડ્યા

 1. Niraj says:

  જય ગુજરાત…

 2. જય પટેલ says:

  સ્વર્ણિમ ગુજરાત શુભ દિને વિશ્વ ગુર્જરીને શુભ કામનાઓ.

  વિશ્વ ગુર્જરીની કાયા ઘડનારાઓના ત્યાગ અને બલિદાન યાદ કરી અંજલિ અર્પિએ.
  વર્તમાન ઉણપોને દૂર કરવાનો સંકલ્પ કરીએ.
  ભવિષ્યને પેઢીને રૂડુ…રળિયામણું ગુજરાત વારસામાં મળે તે માટે સઘળું કરીએ.

  ધન્ય ધન્ય ધરા ગુર્જર.

 3. ધન્ય ધરા ગુજરાત

 4. RUPAL says:

  JAI JAI GARVI GUJARAT!!!

 5. paresh bhavsar says:

  વન્દે ગુજરાત !

 6. ખુબ જ માહિતીપ્રદ લેખ
  ઘણી વાતો પહેલી વાર જાણી
  હવે થોડી લેખક ની આજ્ઞા નું પાલન થઇ જાય
  લેખકશ્રી વિષ્ણુ પંડ્યાસામુહિક આત્મમંથન ની વાત કરે છે
  મારી દ્રષ્ટિ એ મારા સપના નું ગુજરાત કેવું હશે ? તે વિષે ના વિચારો રજુ કરું છું
  ૧. આખા ભારત માં દારૂબંધી ફક્ત ગુજરાત માં છે (બીજા કોઈ રાજ્ય માં હોય તો મને ખબર નથી) પરંતુ હવે થોડું વધારે …. તમાકુ બંધી વાળું ગુજરાત
  (થોડું આર્થિક નુકશાન જશે પણ કેન્સર હોસ્પિટલ નો કમર-તોડ ખરચો ઓછો થઇ જશે બોનસ માં હજારો સ્ત્રીઓ વિધવા નહિ બને અને હજારો બાળકો અનાથ નહિ બને)
  ૨. વૃદ્ધાશ્રમ વિનાનું ગુજરાત (દરેક યુવાન પોતાના માતા પિતાની સેવા ની જવાબદારી સમજે)
  ૩. સ્વચ્છ ગુજરાત (જ્યાં ત્યાં ગંદકી ના કરતા કચરા ટોપલી નો ઉપયોગ કરીએ)
  ૪. ઉર્જા વાન ગુજરાત (સૌર ઉર્જા, પવન ઉર્જા નો ઉપયોગ વધે)
  ૫. શાંત ગુજરાત (સંપ અને ભાઈચારો કેળવાય)

  • Rina says:

   તમાકુ બંધી વાળું ગુજરાત – Well said Dhirajbhai. I share the same dream for Gujarat.

   Thanks for initiating this very critical points.

   Regards,
   Rina

 7. Veena Dave. USA says:

  સરસ માહિતી. આભાર

 8. PRAVIN J. MAKWANA says:

  GOOD

 9. trupti says:

  ગુજરાત પર અને તેની અસ્મિતા નો લેખ છે માટે તેના સંદર્ભ મા એક મિત્રે મેલ દ્વારા એક સુંદર સંદેશો મોકલેલ તે અહીં મ્રુગેષ ભાઈ ની પરવાનગી હોય તો મુકવા માંડૂ છું.
  મ્રુગેષ ભાઈ જો વાંધાજનક લાગે તો ડિલીટ કરી દેજો.

  આ ગુજરાત છે…….

  જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
  જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
  ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
  શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત.
  ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત………..
  હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,
  અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમિતયાળ િસ્મતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનોઅષાઢીલો ટહુકો છું

  અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સુરપલી ક્તાન છું.
  કેડિયા નિ ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારીપરોઢના
  સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરિંસહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું,ગુજરાત!!!!!!!!!

  સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતઓ સરજ્યા છે.
  મારા કઠીયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલીજીન્નાહ!

  મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે,
  અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે………

  મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇંન્દુલાલ યાઞિન્કો વસે છે, અને નકશાઓનો એકઝાટકેઆકાર
  બદલાવી દેનાર સરદાર પટેલ પણ વસે છે. િફલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારીભાષા હતી,
  અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો.
  મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ,
  આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે……..

  ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે.

  કાલિંદિ નિ પાણીદાર લટો સાથે અઠકેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછિંબયાં કરવા
  અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએગોપીઓને નચાવનાર
  મુરલીધરનું હું ઘર છું.
  હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અનેદ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું.

  ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશખરોમાં ટટ્ટાર ઉભા રહી,
  રામેશ્વરમના દિંરયાકિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણીસ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા,

  મારા થઇને વિવસ્યા…………….

  હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું

 10. Bhavesh Merja says:

  વિદ્વાન લેખકને આ લેખ તૈયાર કરતી વખતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩) જેવું વિરાટ વ્યક્તિત્વ કેમ વિસ્મૃત થઈ ગયું એ ન સમજાયું. તેઓ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે વિશે ઘણીવાર લખે છે, પરંતુ તેમના પ્રેરણા પુરુષ દયાનંદને વિસરી જાય એ યોગ્ય નથી. દેશમાં રાષ્ટ્રિયતાની ભાવનાના સર્વપ્રથમ ઉન્નાયક તો મહર્ષિ દયાનંદ જ હતા. વેદોના પુનરૂદ્ધારક, અદમ્ય સમાજસુધારક, ઋષિ કોટિના તત્ત્વદૃષ્ટા, રાષ્ટ્રવિધાયક દયાનંદનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. દયાનંદ મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મ્યા હતા. તેમણે લખેલો “સત્યાર્થપ્રકાશ” ગ્રન્થ અદ્વિતીય છે.
  = ભાવેશ મેરજા

 11. GOVIND PATEL says:


  શ્રી ગરવા ગુજરાતી જનો ,

  જય ગુજરાત , જય ગુજરાત ,જય જય ગરવી ગુજરાત , આપણુ ગુજરાત ,સ્વર્ણિમ ગુજરાત
  આજે ૧ લી મે ૨૦૧૦ ના રોજ ગુજરાત પચાસ વર્ષ પુરા કરી રહ્યું છે . તે પ્રસંગે માં ગુજ્જરીને
  શત શત વંદન . નરશીહ મહેતા , દલપતરામ .નર્મદ ,ગોવર્ધનરામ ,નાનાલાલ, અને નામી અનામી
  કવિઓ ,લેખકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ , એકતા ના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ ,વીર વિઠલભાઈ
  ગણેશ માવલંકર ,પુરશોતમ માવલંકર ,ગુજરાતની લડતના સેનાની ઇન્દુચાચા અને નામી અનામી શહીદોને
  આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પીએ અને રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણીની શોર્ય કથાઓને યાદ કરીએ અને
  પૂજ્ય રવિશંકર દાદાની સેવાભાવના અને સાદાઈ અપનાવીએ એ ગુજરાતની સંસ્કૃતિ ,સંસ્કાર સેવા ,સમન્વય
  અને સ્વાગત ને કુટુંબ,સમાજ,પરિવાર મિત્રો, અને જગત ના જન જન સુધી પ્રસરાવીએ અને દેશ-દુનિયા માં
  ગુજરાતના વિકાસ ,વૈભવ , વિચારો ,વ્યાપાર ને વહીવટને ઉન્નત કરીએ તોજ સાચી સ્વર્ણિમ ગુજરાતી ઉજવણી
  સાકાર થશે ==== મારો બ્લોગ: ” પરાર્થે સમર્પણ”

  સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા વળી અગ્રેજી વેપારે વપરાય
  હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય

  ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )
  લોસ એન્જલસ , અમેરિકા

 12. Pinkesh Patel says:

  The articles of the web is really excellent. I like it. I am fond of the web. I always open the site and read the articles. I print out the topics and put it on my dearest school’s notice board. My school name is Smt. K,M.J Patel Highschool Sayama> Ta Khambhat Di Anand St Gujarat.

 13. mahesh desai says:

  જય ગોગા મહારાજ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.