મહાલક્ષ્મી – તારિણીબેન દેસાઈ

[‘જનકલ્યાણ : વાર્ષિક અંક-એપ્રિલ 2010’માંથી સાભાર.]

આનંદનો આખેઆખો પિંડ લઈને બેઠી હોય તેમ સુનંદા આજે ખૂબ ખુશ હતી. મેડિકલ કૉન્ફરન્સ આ વખતે હૈદ્રાબાદમાં હતી અને હૈદ્રાબાદનાં પટોળાં તો ખૂબ જ વખણાય. વળી પાર્થિવ તો દરેક વખતે કૉન્ફરન્સમાં જતો હતો પણ….. આ વખતે એને પણ સાથે જવાનું મળશે એમ લાગતું હતું. જોકે દર વખતે કૉન્ફરન્સ હોય ત્યારે બા કોઈ ને કોઈ બહાનું કાઢતાં હતાં….. આ વખતે તો પાર્થિવે બા સાંભળતાં હતાં ત્યારે જ કહ્યું હતું : ‘હવે તો… છોકરાઓની પરીક્ષા પણ પતી ગઈ અને નજીકના કુટુંબમાં પણ કોઈ પ્રસંગ નથી તેથી, આ વખતે સુનંદા ! કૉન્ફરન્સમાં તું જરૂર આવી શકીશ.’

આ વાત સાંભળતાં જ સુનંદા ખુશ થઈ સામાન તૈયાર કરવા માંડી. કૉન્ફરન્સમાં તો બધા ડૉક્ટરોની પત્નીઓ આવશે. વળી, લેડી ડૉક્ટરો પણ હશે. તે બધા તો વટમાં ફરશે, સરસ સાડીઓ પહેરશે તેથી એ લોકો સાથે પોતે શોભે એવી ભારે સાડીઓ સુનંદાએ બેગમાં મૂકવા માંડી. વળી ‘ત્યાંથી પટોળાં લઈએ તો…. તો બેગમાં જગ્યા જોઈએ ને ?’ એમ સમજી એણે બેગ થોડી ખાલી પણ રાખી હતી. જોકે થોડી સાદી સાડીઓ પણ લીધી હતી જે ત્યાં આજુબાજુ હરવા-ફરવામાં પણ કામ લાગે. આટલે સુધી જઈએ છીએ તો પછી આજુબાજુનું પણ જોતાં જ આવીએ ને ? વારેવારે ક્યાં જવાય છે ? તેથી જ્યારે પાર્થિવ દવાખાનેથી ઘેર આવ્યો કે સુનંદાએ એને પૂછ્યું : ‘આપણી ટિકિટો આવી ગઈ છે ને ? આપણે ક્યારે નીકળવાનું છે ? વળી કેટલા દિવસ આપણે બહારગામ રહેવાનું થશે ?’
‘પરમ દિવસે આપણે નીકળવાનાં છીએ. મારા ડૉક્ટર મિત્રોએ ટિકિટ બુક કરાવી જ દીધી છે. પંદર દિવસ બહારગામ રહેવાનું થશે, એમ લાગે છે.’
‘પણ એટલા બધા દિવસ તારું દવાખાનું પડશે તો…..’ બંને સાથે જતા હોવાથી અને તેમાંય સુનંદા સાથે જતી હોવાથી બા ધીરે રહીને ટહુક્યાં.
‘અરે…બા ! આપણે છીએ તો…. દવાખાનું છે. એટલું ઓછું કમાઈશું. જીવન જીવવા માટે છે ને ? અને… મારા બધા ભાઈબંધોનો ખૂબ આગ્રહ છે સાથે જવાનો અને સાથે પાછા આવવાનો.’
‘પણ… સુનંદાથી તો તારી સાથે નહીં અવાય…..’
‘કેમ બા ?’
‘આપણાં પિતરાઈ ધીરેનભાઈને ઘેર લગ્ન છે એટલે એણે ત્યાં લગ્નમાં કામ કરાવવા પણ જવું પડે.’
‘પણ…..બા ! એ તો આપણી સાથે સંબંધ જ નથી રાખતા.’ ધીમે રહીને પાર્થિવે કહ્યું.

આ સાંભળી તરત જ બાએ ચિડાઈને કહ્યું : ‘એ ગમે તે હોય પણ…. આપણે ના જઈએ તો…. ન્યાતમાં આપણું નાક કપાઈ જાય. બધા કહે – જસોદાબહેન સગાસંબંધીમાં સમજતાં નથી કે ? આપણાં કુટુંબને તો ન્યાત બહાર મૂકી દે એટલે…. તું તારે નિરાંતે જા, પણ… સુનંદાને અહીં રાખી જ જા.’ હવે… બા સાથે જીભાજોડી કરવા કરતાં કળથી કામ લેવું પડશે એમ સમજી… બાને ધીમે ધીમે સમજાવતાં પાર્થિવ બોલ્યો :
‘બા ! આ તું મને કહે છે ? જ્યારે બાપુજી મને નાનો ચાર વર્ષનો મૂકીને ગુજરી ગયા હતા ત્યારે આપણે ઊંચા કુટુંબનાં હોવા છતાં તેં લોકોનાં કામ કરીને મને મોટો કર્યો. લોકોની તેમજ કુટુંબની પરવા કર્યા વગર મને તો તેં ડૉક્ટર બનાવ્યો અને અત્યારે જે કુટુંબ આપણી સાથે જરા પણ સંબંધ રાખતું નથી તેનાથી તું ગભરાય છે ? તેં જ મને સમજાવ્યું હતું કે આપણે છીએ તો જ કુટુંબ અને આપણે છીએ તો જ ન્યાત છે. અને અત્યારે તું આવું કહે છે ? બા ! તું તો સાધારણ સ્ત્રી કરતાં સાવ જુદી છે !’ પછી ન્યાતનાં રિવાજો માટે ઘણી વાટાઘાટ થઈ. છેવટે બાએ સુનંદાને કોન્ફરન્સમાં જવાની પરવાનગી આપી. બંને હૈદ્રાબાદ જવા ઊપડ્યાં. બધા મિત્રો સાથે હોવાથી મુસાફરીમાં ઘણી મઝા કરી. લેડી ડૉક્ટરો તેમ જ ડૉક્ટર પત્નીઓ સાથે સુનંદા પણ પટોળાં ખરીદવા માર્કેટમાં ગઈ અને બધા પાછા આવ્યા ત્યારે, જાણે કે આખેઆખું માર્કેટ જ ઊંચકીને ના લાવ્યાં હોય ! એવું લાગ્યું.

મુસાફરી કરી ખુશખુશાલ બંને ઘેર આવી ગયા. પાર્થિવે બે પટોળાં સુનંદા પાસે પેટીમાંથી કઢાવ્યાં અને બાને બતાવતાં કહ્યું : ‘જો… બા ! આ…. તારે માટે પટોળું સુનંદાએ ખાસ પસંદ કર્યું છે. એમાં ઝીણાંઝીણાં ફૂલ છે અને પાલવમાં હાથીની ડિઝાઈન છે. એણે કહ્યું ? : ‘બાને આવું બહુ જ ગમે છે.’
પટોળા તરફ નજર નાંખી એને બરાબર તપાસી ખુશ થઈ બા બોલ્યાં : ‘વહુ દીકરી ! બહુ મઝાની ડિઝાઈન છે, હોં કે !’
‘અને બા ! આ રંગબેરંગી પટોળું સુનંદા માટે ! આપણા દીકરા સૌમિલના લગ્ન વખતે તમે બંને આજ પટોળાં પહેરજો. સુનંદા આ જ સરસ મઝાનું પટોળું પહેરીને વરઘોડિયાંને પોંખશે.’ બા તો પટોળું જોઈને ખુશમાં આવી ગયાં. પોતાને માટે પણ ખાસ યાદ કરીને લાવ્યા, તેથી ખૂબ ગમ્યું. આનંદમાં આવ્યાથી સુનંદાનું પટોળું જોઈને પણ તરત જ ભાવથી બોલ્યા :
‘બેટા… સુનંદા ! તારા પટોળાનાં રંગો ખૂબ જ સુંદર છે. તને તે બહુ શોભશે. વળી પોંખતી વખતે ન્યાતમાં તારો વટ પડશે વટ…..’ ઘરમાં આનંદ થઈ ગયો અને પાછું બધું નિયમસર ચાલવા માંડ્યું.

એક દિવસ પાર્થિવ રાત્રે દવાખાનેથી આવ્યો ત્યારે એને પેટમાં ખૂબ દુ:ખવા માંડ્યું. જરાકે કળ વળી જ નહીં. પોતે ડૉક્ટર હોવાથી બધા ડૉક્ટર ભાઈબંધોને ફોન ઉપર ફોન કરીને બોલાવ્યા. બધાએ કહ્યું કે પાર્થિવને જલદીથી દવાખાનામાં દાખલ કરી દેવો પડશે. અને હોસ્પિટલમાં એને ખસેડ્યો. જુદા જુદા ટેસ્ટ થવા માંડ્યા પણ કેમ કરી માંદગી પકડાય જ નહીં. અને દિવસે ને દિવસે તબિયત બગડવા માંડી. હૉસ્પિટલમાં પૈસા ઉપર પૈસા વપરાવવા માંડ્યા. બાએ નાનપણથી આપેલા સંસ્કારને લીધે પાર્થિવ ગરીબ દર્દીને મફત દવા કરતો અને બીજા બધા પાસેથી પણ ઘણાં જ રીઝનેબલ પૈસા લેતો હોવાને લીધે પૈસા ઓછા કમાયો હતો. પણ…. બધા લોકોને ઘણી મદદ કરેલી હોવાથી લોકો પૈસા ઉપર પૈસા આપી જતા – પોતાનું નામ આપ્યા વગર. એ લોકોને તો સુનંદા ઓળખતી પણ નહોતી. ડૉક્ટરો પણ ધ્યાન રાખીને ટ્રીટમેન્ટ કર્યે જતા હતા. બધાની ખૂબ મહેનત હોવા છતાં પાર્થિવની તબિયત સુધરવાને બદલે બગડવા માંડી. છેવટે એનું પ્રાણપંખેરું ઊડી ગયું. બાને ખૂબ લાગી આવ્યું. પોતે હોય અને પોતાનો જુવાન દીકરો જતો રહ્યો ! સુનંદાનું તો આખેઆખું આકાશ જ તૂટી પડ્યું. છોકરાઓ થોડા મોટા હતા તેથી મા અને દાદીને સાંત્વન આપતા અને ધીરે ધીરે સમય જતાં આઘાતમાંથી બધા સ્વસ્થ થવા માંડ્યાં. પાર્થિવ જવાથી પૈસાની થોડી તકલીફ પડવા માંડી, પણ…. દવાખાનું વેચી દેવાથી પૈસા મળ્યા અને તેથી સંસારનું ગાડું થોડુંઘણું પાટા ઉપર ચાલવા માંડ્યું. દુ:ખમાં ને દુ:ખમાં થોડા મહિનાઓ તો જતા રહ્યાં. તે વખતે બા તેમજ સુનંદા શૂન્યમનસ્ક રહેતાં હતાં. સુનંદાને તો જાણે ‘પાર્થિવ બોલાવતો હોય’ એવા ભણકાર પણ થતા હતા, પણ….. વખત જતાં બધાં થોડાં સ્વસ્થ થયાં.

એક દિવસ પાર્થિવના દીકરા માટે સારી છોકરીનું માગું આવ્યું, પણ….. પાર્થિવને મૃત્યુ પામે હજી પૂરું વર્ષ તો થયું જ નહોતું. તેથી લગ્નની વાત બા પાસે કેવી રીતે કહી શકાય ? એમ બધાને લાગ્યું. અંદર અંદર ગૂંચવાતાં ગૂંચવાતાં સુનંદાએ બાને વાત કરી. વાત સાંભળી બા તો ખૂબ ચિઢાયાં – ‘હજી મારો દીકરો મરે પૂરું વર્ષ તો થયું નથી અને ઘરમાં લગ્ન લેવાનાં ? લોકો શું કહેશે ?’ પણ….. લગ્નનો વિચાર ન કરે તો સારી છોકરી જતી રહે તેમ હતું. ત્યારે બાને પાર્થિવના શબ્દો કાને સંભળાયા – ‘બા ! શું તું આવું વિચારે ? તું તો બધી સાધારણ સ્ત્રીઓ કરતાં જુદી છે. તેં કોઈ દિવસ લોકોની પરવા કરી હતી ?’ અને બાએ વિચાર્યું, ‘મારા દીકરાને પણ પોતાના દીકરાને પરણાવવાની કેવી હોંશ હતી ! ઊલટાનો એ તો ખુશ થશે. વળી મૃત્યુ એ તો નવા જીવનની શરૂઆત જ છે ને ?’

અને… લગ્ન લેવાયાં. લગ્નની તૈયારી થવા માંડી. છોકરાઓ માટે સારાં સારાં કપડાં લેવાયાં. વહુ માટે પણ સરસ સાડીઓ લેવાઈ. પછી લગ્નના દિવસનો વિચાર કરતી વખતે – ‘દીકરા-વહુને પોંખશે કોણ ?’ એ વિચારે સુનંદા અસ્વસ્થ થઈ ગઈ. એની સામે પેલું રંગબેરંગી પટોળું આવી ગયું. પટોળું પહેરવાનું તો રહી જ ગયું ને ? બધી પાર્થિવની ઈચ્છા પણ કોરાણે જ રહેશે ને ?’ આ વિચારે સુનંદા ઘણી જ અસ્વસ્થ હતી. સગાવહાલા લગ્ન પ્રસંગે મદદ કરવા આવતા હતા તે તો સુનંદાને અસ્વસ્થ જોઈને વિચારમાં જ પડી ગયા. એની પાછળ બહુ પડ્યા. ત્યારે વાત બધાને ખબર પડી કે – ‘વરઘોડિયાને પોંખશે કોણ ?’ વિચાર સુનંદાને સતાવતો હતો. પોંખવા માટે બધાં જુદાં જુદાં નામ સજેસ્ટ થયાં પણ….. કોઈ એક જ નામ આવ્યું નહિ. એટલે ધીરે રહીને સુનંદાએ ગભરાતાં બધાને કહ્યું :
‘હું પોંખું તો કેવું ?’
આ વાક્ય સાંભળતાંની સાથે જ – ‘હાય….. હાય…. બા ! આવું બોલે છે ? તું તો વિધવા છે. વિધવા એટલે અપશુકનિયાળ કહેવાય. એનું લગ્નજીવન તારે તારા જેવું કરવું છે ? કેવી નાલાયક જેવી વાત કરે છે. પોતાના છોકરાનું હિત જ નથી જોતી કે…. તું તો મા છે કે ડાકણ ?’ આવા બધા ખરાબ શબ્દો સાંભળી બા અંદરથી આવ્યાં. બધાની સામે જોવા માંડ્યાં. બધાનાં હાવભાવ સાવ જુદા જોઈને બોલ્યાં : ‘શું છે ? શેની વાતો ચાલે છે ? કોણ નાલાયક છે ? કોણ અપશુકનિયાળ છે ?’ બધાએ બાને ચડાવતાં કહ્યું :
‘દીકરા-વહુને કોણ પોંખેં – એ વાત ચાલે છે. સુનંદા તો વિધવા છે. એ તો અપશુકનિયાળ જ કહેવાયને ? એ પોંખે તો આપણી ન્યાતમાં કેટલું ખરાબ દેખાય ? એવો ન્યાતમાં રિવાજ જ નથી અને પાછી પોતે પોંખવાનું કહે છે. કેવી ડાકણ જેવી જ લાગે. પોતાના દીકરાને જ ભરખી જશે અને વહુને વિધવા બનાવશે. બા ! ન્યાતીલા તો તમને વડીલ સમજે છે અને બધા તમારી સલાહ લેવા આવે છે. તમે તો બહુ સમજદાર છો અને હોશિયાર પણ – બરાબર એને સીધી કરી દો.’

આવું સાંભળી બા જરા વિચારમાં તો પડ્યાં. સૌભાગ્યવતી જ પોંખે છે, એ જ શુકન કહેવાય છે – એ વાત પણ ખરી છે. વિચાર કરવામાં થોડું ગૂંચવાયાં ત્યાં જ દીકરાના શબ્દો સંભળાયા, ‘તું તો બધી સ્ત્રીઓ કરતાં જુદી છે. બીજાના ઘરનાં કામો કરીને તેં મને ડૉક્ટર બનાવ્યો છે. બા ! તેં કોઈ દિવસ વ્યક્તિનાં જીવન પાસે કુટુંબના કે ન્યાતના રિવાજોને મહત્વ આપ્યું છે ? કોઈનું પણ સાંભળ્યું છે ! બા…. તું તો……’ અને બા અંદરથી જાગી ગયાં. બા શું કહેશે એની બધાં રાહ જોતાં હતાં. બધાંને ખાતરી જ હતી કે બા જેવી જૂના જમાનાની વિધવા સ્ત્રી રિવાજને કોઈ દિવસ તોડશે જ નહિ. વર્ષોથી જે અપશુકનિયાળ કહેવાય છે તે કોઈ દિવસ શુકનિયાળ થતું જ નથી. સાસુ પોતાની વિધવા વહુની તો બરાબર ખબર લેશે. બધાં બા સામે એકીટશે જોઈ રહ્યાં હતાં. ત્યાં જ બા મક્કમતાથી બોલ્યાં :
‘વરઘોડિયાને સુનંદા જ પોંખશે.’
‘પણ બા….. એ તો વિધવા છે એટલે અપશુકનિયાળ થઈ કહેવાય. પોતાની માફક પોતાની વહુને પણ વિધવા જ બનાવશે. પોતાના જ છોકરાને ભરખી જશે. કોઈ સૌભાગ્યવતી પોંખે તો જ એનું સૌભાગ્ય થાય’ એમ બધાં આવેલ સગાસંબંધી બોલવા માંડ્યાં. ઘરમાં હોહા થઈ ગઈ. આવેલાંને શાંત પાડતાં સમજદારીપૂર્વક બા બોલ્યાં : ‘જુઓ….. હું પૂછું તેનો બરાબર જવાબ આપજો હોં. પોતાના દીકરા માટે સૌથી વધારે વ્હાલ કોને હોય ? પોતાના દીકરાનું સૌથી વધુ શુકન કોણ જુએ ? બોલો જોઉં……….’
બધાં ગૂંચવાતા એકી અવાજે બોલ્યાં :
‘મા જ વળી….. પણ….. બા ! તમે કેમ સમજતાં નથી કે…….’
‘જુઓ – પણ અને બણ…. બાજુ ઉપર મૂકો. અક્કલને જરા ધાર કાઢો. અને જો…. બેટા સુનંદા ! બરાબર ધ્યાન રાખીને સાંભળ. પોંખતી વખતે પેલું પટોળું જ પહેરજે અને તું જ પોંખજે. પાર્થિવે કહ્યું હતું ને કે સૌમિલના લગ્ન વખતે સુનંદા પટોળું પહેરીને જ વરઘોડિયાંને પોંખશે.’
‘કયું… બા ! પેલું હૈદરાબાદનું આણેલું ? એ તો લાલ લીલા પીળા રંગનું છે તે………’
‘હા…. હા… એ જ…. દીકરાનું ખરું શુભ જોનાર તો મા જ છે ને ? પતિના મરી જવાથી સ્ત્રી અપશુકનિયાળ જરાય નથી થતી. કારણ પત્નીના મૃત્યુ પછી પતિ ક્યાં અપશુકનિયાળ થાય છે ? તો પછી સ્ત્રી શું કામ થાય…. અને જો….. સુનંદા એમ કરવાથી તું તારા પતિની ઈચ્છા પણ પૂરી કરી શકશે, સમજી ને !’ અને સગાંવહાલાં તો સડક જ થઈ ગયાં, આવું સાંભળીને બા આગળ કોઈ બોલી શક્યાં જ નહીં.

છેવટે દીકરા-વહુને પોંખતી વખતે સુનંદાને બાએ પેલું રંગબેરંગી પટોળું જ પહેરાવડાવ્યું. ન્યાતીલાઓ અંદર અંદર વાતો કરવા માંડ્યા. વળી બેચાર ઘરડી ડોશીએ ચિડાઈને કહ્યું પણ ખરું :
‘જસોદા ! આ… અમે શું જોઈ રહ્યાં છીએ. વિધવા અને તે પણ પાછી રંગબેરંગી પટોળું પહેરીને…. ચાલો… ચાલો બધા, આપણાથી તો આ નહીં જોવાય. ચાલો…. આપણે બધાં જતાં રહીએ……’
આના જવાબમાં મક્ક્મતાથી બા બોલ્યાં :
‘જુઓ બહેનો…. ન્યાતીલાઓ…. સગાવહાલાઓ ! જેને જવું હોય તે જઈ શકે છે. હું તમને હાથ જોડીને કહું છું. પણ….. આ લગ્ન તો થશે જ. સુનંદા જ દીકરા-વહુને પોંખશે તો તે પણ આ રંગબેરંગી પટોળું પહેરીને જ. જેને આ ઠીક ના લાગતું હોય તે જરૂર પાછું જઈ શકે છે.’ અને મંડપમાં હોહા થવા માંડી. નાની ઉંમરની વિધવા સ્ત્રીઓ હતી તે જસોદાબહેનને વખાણવા માંડી. અને ડોશીઓ ચિઢાવા માંડી અને ઘણીખરી મંડપ છોડીને જતી રહી. આખરે નિર્વિધ્ને લગ્ન થઈ ગયું. પછી તો આ રીતનું જોઈને ઘેરે ઘેરે વિધવા માતાઓ પોતાના દીકરાને પોતે જ પોંખવા માંડી. મૃત્યુ એ તો ભગવાને આપેલી વસ્તુ છે. કોઈએ વહેલું તો કોઈએ મોડું મરવાનું તો છે જ ને ? ન્યાતમાં જસોદાબહેનની વાત ચર્ચાવા માંડી.

જ્યારે નવી વહુ ઘરમાં પ્રવેશ કરવા જતી હતી, ત્યાં જ એના કાનમાં પોતાનાં માતા-પિતાએ કહેલા શબ્દો સંભળાયા : ‘બેટા ! તું તો એ ઘરમાં લક્ષ્મી તરીકે જ પૂજાશે. ત્યાં તો બંને સ્ત્રીઓ વિધવા છે એટલે તારું જ રાજ ચાલશે. તારું જ. આખાયે ઘરની લક્ષ્મી તું જ બનવાની. ઘરનું સામ્રાજ્ય તારા જ હાથમાં રહેશે. પોતાના હાથમાં જ બધું લઈ લેજે બરાબર.’ કાને પડેલા શબ્દો યાદ કરી વહુ ઘરમાં પગ મૂકવા જતી હતી ત્યાં જ સુનંદાએ બાને કહ્યું :
‘જુઓ બા… આજે આપણે ત્યાં લક્ષ્મી પાછી આવી. થોડાં વર્ષોથી જતી રહી હતી ને તે…. લે બેટા વહુ ! આ ચાવીનો ઝૂડો લઈ લે. તું જ સંભાળજે આખુંય ઘર…..’
આ સાંભળી બા બોલ્યાં :
‘બેટા સુનંદા ! તું કહે છે એ સાચું છે. આજે લક્ષ્મી તો આવી જ ગઈ છે પણ લક્ષ્મી આપણે ઘેરથી ક્યારેય ગઈ નથી. તું જ્યારે અહીં આવી ત્યારે અમે તને લક્ષ્મી તરીકે જ લાવ્યા હતા. અને તારો પતિ એટલે કે મારો દીકરો પાર્થિવ મૃત્યુ પામ્યો માટે તું ઘરની લક્ષ્મી મટી જતી નથી. આ ઘરની વહુ મટી જતી નથી, હોં બેટા !’ અને બાએ સુનંદાને આ રીતે બધું સમજાવ્યા પછી નવી વહુને કહ્યું :
‘વહુ બેટા ! તું જરૂર આ ઘરની લક્ષ્મી છે, પણ….. આ સુનંદા તો આજથી મહાલક્ષ્મી બની ગઈ છે. એને તું જરૂર સાચવજે ! બસ ! એટલું જ તને મારે કહેવાનું છે.’ બાની વાત સાંભળી લાગણીશીલ થઈ નવી વહુ બોલી : ‘લો…. મા ! તમે જ રાખો આ ચાવીનો ઝૂડો. મને એ સાચવવો નહીં ફાવે.’
નવી વહુનો પોતાના ઉપરનો ભાવ જોઈ સુનંદા બોલી : ‘ના…ના બેટા ! ઘરનો ચાવીનો ઝૂડો તો તું જ રાખ.’ બંનેનો એકબીજા પ્રત્યેનો ભાવ જોઈ બા એકદમ ખુશ થઈને ગદગદિત થઈ બોલી ઊઠ્યાં : ‘આજે તો ઘરમાં બે બે લક્ષ્મીઓ છે : એક લક્ષ્મી અને બીજી મહાલક્ષ્મી. આજે નવી વહુ આવવાથી આપણું ઘર ખૂબ સમૃદ્ધ થઈ ગયું છે. ચાલો બંને સાથે – લક્ષ્મી અને મહાલક્ષ્મી પધારો આપણે ઘેર.’

અને ઘરમાં પ્રવેશતામાં જ લક્ષ્મીરૂપી આનંદ ઊભરાવવા માંડ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૌરઊર્જાનો સદુપયોગ – ઉદય ત્રિવેદી
કોલેજકાળની ઝાંખી – નટવર પંડ્યા Next »   

12 પ્રતિભાવો : મહાલક્ષ્મી – તારિણીબેન દેસાઈ

 1. અશોક જાની 'આનંદ' says:

  રૂઢિગત માન્યતાનું ખંડન કરવા કોઇકે તો આગળ આવવું જ જોઇએ, સુનંદાના સાસુના રૂઢિગત ખ્યાલો અને પુત્રના શબ્દોના સંભારણે તેને અતિક્રમવાની પ્રક્રિયા સુપેરે દર્શાવાઇ છે,

  “દીકરાનું ખરું શુભ જોનાર તો મા જ છે ને ? પતિના મરી જવાથી સ્ત્રી અપશુકનિયાળ જરાય નથી થતી. કારણ પત્નીના મૃત્યુ પછી પતિ ક્યાં અપશુકનિયાળ થાય છે ? તો પછી સ્ત્રી શું કામ થાય….” ખૂબ જ ઉમદા વિચાર….તારિણીબેન ને અભિનંદન …!!!!

 2. kumar says:

  ખરેખર ખુબ સરસ

 3. bhavna says:

  awesome. indian society should never see a widow woman as unlucky as death is going to come sooner or later to everybody.

 4. rajnikant shah says:

  I HOPE THIS FANTACY BECOMES TRUE!
  [i mean for all the sectors of society. ]

 5. mona tushar says:

  good one……

 6. Milin says:

  Hats off to the author Tariniben. We need this change in our society. Being a part of it I feel bad to say that we are hypocrite. Though the things are not that bad now and hoping that it will improve day by day.

 7. What's in name? says:

  Very good story. Story of path creator, giving equal freedom to all women without any discrimination of any status. I am sure everybody has a process of baby shower. In Hindu baby shower, I know we have a process to keep a infant baby boy in the lap of expectant mother. I guess this is indirect way of expressing expectation of baby boy by family. I know someone who had let her niece (baby girl of his sister) seat in the lap of his wife at the time of baby shower. Of course, people available in that room were looking at each other asking non-vocal questions on his decision. They got blessed with birth of baby girl and were happy for those blesses.

  There are not always have answers for all questions but should ask questions and firmly change old rotten processes when someone getting discriminated because of personal or financial status.

  Again, good one.

 8. Pinky says:

  Very good story, can be a creator of new path. Let us all get together in making this story a reality. Best wishes for author.

 9. trupti says:

  સુંદર વાર્તા. સમાજ ને આયનો બતાવતી કથા. તારિણી બહેનને અભિનંદન.

 10. પરિવર્તન જરુરી છે.કોઇકે તો શરુઆત કરવી કરવી પડે. તારિણીબહેનને સલામ.
  વ્રજ દવે

 11. vaishali shah says:

  a real path creator ! sachhe j , koi na marvathi koi apshukniyal kevi rite bane? koi patni potana pati ne su kam bharkhi jay? kyare y koi pati patni ne nahi bharkhi jato hoy? e apshukaniyal nahi thato hoy? evi koi real story sachhe j shodhi levi joie. rivajo, rivajo, haki kadho aa rivajo ne ane jivva do manasone, striyone!

 12. Sandhya Bhatt says:

  સુંદર વાર્તા ગમી ગઈ.અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.