- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન – કાન્તિ શાહ

[ ગાંધીજીના પ્રચલિત પુસ્તકો પૈકીનું એક એટલે ‘હિંદ સ્વરાજ’. આ પુસ્તકમાં ગાંધીજીનું અનોખું રૂપ પ્રગટ્યું છે. ‘સ્વરાજ’ના સુક્ષ્મ અર્થોને વણી લઈને તેમણે તેમાં અદ્દભુત બાબતો લખી છે. આદરણીય કાન્તિભાઈ શાહે આ પુસ્તક વિશે વિસ્તારપૂર્વકનું એક અધ્યયન આપણી સામે મૂક્યું છે જે ખરેખર અભ્યાસ કરવા લાયક છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’ નામનું તેમનું આ પુસ્તક એ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકનું બૃહદ ભાષ્ય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ભૂમિપુત્ર’ના સંપાદક પારુલબેન દાંડીકરનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એક સીમાચિહ્ન રૂપ ઘટના

મારી ઉંમર ત્યારે બારેક વરસની. 1945ની સાલ. અંગ્રેજોના છેલ્લા કારાગારમાંથી ગાંધીજી મુક્ત થયેલા. પૂણેથી મુંબઈ આવ્યા હતા. જુહુના સાગરતટે એમની સાયં પ્રાર્થનાસભા. રવિવારનો દિવસ. લોક ઊમટેલું. પિતાજી સાથે હું પણ ગયો હતો. મુંબઈની પરાની ટ્રેનમાં વિલેપાર્લે સ્ટેશને અમે ઊતર્યા. પગપાળા હજારો માણસોની સાથે અમે પણ જુહુના સાગરતટે પહોંચ્યા. પ્રાર્થનામાં બેઠા. ગાંધીજી કાંઈક બોલ્યા હશે, તે સાંભળ્યું. તેમાંનું કંઈ યાદ નથી. ભારે મેદની વચ્ચે બહુ દૂરથી જોયેલી માત્ર એમની પ્રાર્થનામગ્ન છબી – ફોકસમાં ન હોય એવી ધૂંધળી છબી ચિત્તમાં અંકિત થયેલી છે. એ છબીને બરાબર ફોકસમાં આણવાની તથા વધુ ને વધુ સ્પષ્ટ ને સુરેખ કરતા જવાની મથામણ, નિકટથી જોવા-જાણવા-માણવાની સતત કોશિશ જ આટલાં વરસો કરી છે, હજીયે ચાલુ છે.

મારી પેઢી એટલે નરસિંહાવતારની પેઢી. એક પગ ગાંધીના જમાનાની અંદર, એક પગ બહાર. આવો હાડચામનો માણસ સદેહે આ પૃથ્વી પર વિચરી ગયો હશે, તેની ના પણ ન કહી શકીએ, અને એ ‘બોલે-ફરે-રહે કેમ’ – તે જોયાની હા પણ ન કહી શકીએ. એમના પ્રત્યક્ષ પ્રભાવમાં આવવાનું ન બન્યું, છતાં તેનાથી સાવ વંચિત પણ ન રહેવાયું. એમના નેતૃત્વ હેઠળનાં આંદોલનોમાં કે પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અવસર ન મળ્યો, છતાં એ આંદોલનોનાં ને પ્રવૃત્તિઓનાં પડઘમ કાનોકાન જરૂર સાંભળ્યાં. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન ત્રાટકશે એવા ભયે મુંબઈ ઘણું બધું ખાલી થઈ ગયેલું અને મુંબઈ છોડી મોસાળ પ્રભાસપાટણમાં રહેવું પડેલું, એટલે 1942માં ઓગસ્ટ-ક્રાંતિ મેદાનમાં ગાંધીની ‘હિંદ છોડો’ની હાકલ સાંભળવા નહોતી મળી. છતાં એ લડતનાં રોમાંચક વર્ણનોની અસર હેઠળ જરૂર આવેલો. ગાંધીની હત્યા થઈ ત્યારે પણ ‘અપને હી હાથોં સે હમને અપના બાપુ ખોયા’ની અનુભૂતિ રોમેરોમ થયેલી.

મન ઉપર એક અમીટ છાપ કે આ ગાંધી એક અજબનો માણસ છે ! જીવવા માગે છે સવાસો વરસ. સામાન્ય રીતે માણસ 60-70ની ઉંમર થવા લાગે એટલે જુદી જુદી શારીરિક વ્યાધિઓની ફરિયાદ કરવા માંડે, અને વૃદ્ધાવસ્થા વધવા માંડે તેમ દયામણા સ્વરે કહેવા લાગે – ‘ભગવાન હવે ઉપાડી લે તો સારું.’ ઈહલોકમાંથી એનો રસ ઊડી જાય અને પરલોકની વાતો એ વધુ કરવા લાગે. ત્યારે આ માણસ તો જુઓ ! પંચોતેર વરસની ઉંમરે પણ પૂરાં સવાસો વરસ જીવવાની ઈચ્છા બતાવે છે ! વળી, જીવવાનું તે પણ કર્મ કરતાં-કરતાં, નિષ્કામ ભાવથી માનવજાતિની સેવા કરતાં-કરતાં. સાચે જ અજબ માણસ હતો એ ! ગાંધી ઘણી વાર કહેતા કે, ‘હું મરીશ ત્યારે પણ થોડો જ શાંત થવાનો છું ?’ પોતાની હત્યાના થોડા મહિના પહેલાં તેઓ બોલેલા કે, ‘હું મર્યા પછીયે મારી શ્રદ્ધાની ઘોષણા કરતો રહીશ અને કબરમાંથીયે મારી વાત સંભળાવતો રહીશ.’ એટલે કબરમાંથીયે આ માણસ આપણને શું કહેવા માગતો હતો, તે જાણવાની ઉત્કટ જિજ્ઞાસા મને હતી. તે જિજ્ઞાસા ધીરે ધીરે સંતોષાતી ગઈ, જેમ જેમ ‘ગાંધી – જેવા જોયા-જાણ્યા વિનોબાએ’ને સમજતો ગયો તેમ તેમ તથા ગાંધી-સાહિત્યનું થોડુંઘણું આચમન-અધ્યયન થતું ગયું તેમ તેમ.

મબલખ સાહિત્ય ગાંધી વિશે અને સ્વયં ગાંધી દ્વારા લખાયેલું મોજૂદ છે. તેમાંથી ઘણું ઓછું હું વાંચી શક્યો છું. ‘કલેક્ટેડ વર્કસ’ વગેરે પણ નથી જોયું. યત્કિંચિત વાંચ્યું હોય અને અધ્યયન કર્યું હોય, તો એ છે એમનું ‘હિંદ સ્વરાજ’. અનેક વાર મેં તે વાંચ્યું છે, તેનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે, તેનું અનુશીલન કર્યું છે, અને વિસ્તારથી તેના વિશે લખ્યું પણ છે. મને તેમાં ગાંધીનો અંતરંગ પરિચય મળ્યો છે, ગાંધીની મૂળભૂત અસલ ઓળખ જણાઈ છે, ગાંધીના યુગકાર્યની પ્રતીતિ થઈ છે. ‘હિંદ સ્વરાજ’ને હું ગાંધીનો મેનિફેસ્ટો માનું છું, સર્વોદયનું ઘોષણાપત્ર માનું છું, આજે દુનિયાને ગ્રસી રહેલી સર્વનાશક ક્ષતિયુક્ત ભૌતિકવાદી વિચારધારા સામેનો એક બુલંદ પડકાર માનું છું, એક નૂતન યુગનું પ્રવર્તક દિવ્ય દર્શન માનું છું. મારે માટે તો ‘ગાંધી’ એટલે ‘હિંદ સ્વરાજ’ના ગાંધી અને હું ‘હિંદ સ્વરાજ’નો એક અદનો સિપાઈ. ‘હિંદ સ્વરાજ’નો ગાંધી સમસ્ત માનવજાતિનો આત્મીય સ્વજન અને પરમ હિત-ચિંતક અને સહૃદયી મિત્ર છે. ‘હિંદ સ્વરાજ’ના પાને પાને એક તરફડાટ છે, વ્યથા છે, હૈયાની વેદના છે, વ્યાકુળ હૃદયનો આર્તનાદ છે, બેચેન બની ગયેલા આત્માનો પોકાર છે. જાણે કે સહદેવના જેવું અતિજ્ઞાન એમને થઈ ગયું છે કે આજે આ દુનિયા જે તરફ ધસી રહી છે, તે પથ પર સર્વનાશ ને સર્વનાશ જ છે. મારાં આપ્તજનોને આમાંથી કઈ રીતે ઉગારું ? હિંસાના દોજખમાંથી માનવજાતને ઉગારી લેવાની તડપન ‘હિંદ સ્વરાજ’માં છે. સર્વનાશ તરફ ધસી રહેલાઓને ગમે તેમ કરીને અટકાવવાની જદ્દોજેહાદ – જીવ પર આવી જઈને કરેલી કોશિશ ‘હિંદ સ્વરાજ’માં છે. આ પુસ્તકમાં તર્કથી, બુદ્ધિથી સમજાવવાની પૂરી કોશિશ જરૂર કરવામાં આવી છે, છતાં આપણા હૃદયને જે વાત સ્પર્શી જાય છે, તે છે મનુષ્યજાતિને સર્વનાશમાંથી ઉગારી લેવાની એક મહામાનવના અંતરની આ તડપન, આ બેચેની, આ જદ્દોજેહાદ. આનો સ્પર્શ થાય તો જ આપણે ‘હિંદ સ્વરાજ’નો મર્મ પામી શકીશું.

આ મર્મને ઉજાગર કરતાં વિનોબાએ કહ્યું છે કે ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું વિશુદ્ધ હૃદય પ્રગટ થયું છે. વિશુદ્ધ હૃદયમાં જ સત્યનું વિશુદ્ધ સ્વરૂપ, અસલ સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે. આને જ તો પ્રતિભા કહેવાય છે. ‘પ્રતિ ભાસતે ઈતિ પ્રતિભા.’ જેમ સ્વચ્છ ને શુદ્ધ દર્પણ જ યથાતથ પ્રતિબિંબ ઝીલી શકે છે, તેમ વિશુદ્ધ હૃદય મૂળગત અસલ સત્યનો અંગીકાર કરીને તેને પ્રગટ કરી શકે છે, મુખરિત કરી શકે છે. ‘હિંદ સ્વરાજ’માં આવી જ પ્રતિભાની ઝલક આપણને જોવા મળે છે. વિશુદ્ધ હૃદયને લીધે જ આજની ભૌતિકવાદી સભ્યતાના બાહ્ય કલેવરની આરપાર જોવાની સૂક્ષ્મ દષ્ટિ ગાંધીને મળી છે તથા તેની સામેના પડકારમાં આત્મવિશ્વાસનો રણકો અને અનાયાસ એક બુલંદીયે નીપજી છે.

મનુષ્યની ક્રાંતિ તેમજ ઉત્ક્રાંતિની વિકાસયાત્રામાં ‘હિંદ સ્વરાજ’ એક સીમાચિહ્ન રૂપ ઘટના છે. તેમાં આપણને આ વિકાસયાત્રા માટેનો આગળનો નકશો મળે છે, એક માર્ગદર્શિકા મળે છે, એક અણમોલ ભાથું મળે છે. હવે હિંસાનો યુગ પૂરો થઈને અહિંસાનો યુગ આરંભાય છે, તેની છડી ‘હિંદ સ્વરાજ’ પોકારી જાય છે. અન્યાય, ઉત્પીડન, ગુલામી વગેરેનો પ્રતિકાર અને તેમાંથી સપૂચી મુક્તિ હિંસા મારફત હરગિજ નહીં થઈ શકે, તેના માટે માણસ હવે અહિંસાનો નવો માર્ગ અપનાવશે – આવી બુલંદ ઘોષણા ‘હિંદ સ્વરાજ’ દ્વારા ગાંધીએ કરી છે. તેની સાથોસાથ મુક્ત ને સ્વતંત્ર થઈ ગયેલો માણસ પોતાનો વિકાસ પણ કોઈના શોષણ રૂપી અને કોઈના ઉપરના શાસન રૂપી હિંસા મારફત પણ નહીં જ કરે, તેના માટે આત્મ-ઉન્નતિનો અહિંસક નવતર માર્ગ અપનાવશે – આવી અહાલેક પણ ‘હિંદ સ્વરાજ’ દ્વારા ગાંધીએ પુકારી છે. આ બંને રીતે એક નવા યુગનો આરંભ કરીને માણસ ‘સ્વ-રાજ’ની, ‘સ્વ-શાસન’ની, ‘આત્મ-શાસન’ની પોતાની સાધના શરૂ કરશે. ‘હિંદ-સ્વરાજ’માં આવા સ્વરાજની કામના હિંદુસ્તાન માટે તેમજ આખીયે માનવજાતિ માટે ગાંધીએ કરી.

હિંદનું સ્વરાજ આવું હોય; અને વ્યાપક અર્થમાં લઈએ તો આખીયે માનવજાતિ માટેનું સ્વરાજ પણ આવું વિશેષ સ્વરાજ હોય. વ્યાપક અર્થમાં ‘હિંદ’ નામ ન રહેતાં વિશેષણ બની જાય છે. ‘સ્વરાજ’નો સામાન્ય અર્થ કરતાં વિશેષ અર્થ સૂચવવા તેની આગળ ‘હિંદ’ વિશેષણ લગાડ્યું – એટલે કે હિંદ માટે જેવું સ્વરાજ ઝંખ્યું છે તેવું સ્વરાજ. આ રીતે મનુષ્યની ક્રાંતિ તેમજ ઉત્ક્રાંતિની વિકાસયાત્રામાં ‘હિંદ સ્વરાજ’ એક સીમાચિહ્ન રૂપ ઘટના છે.
.

[2] સમાજ-વિજ્ઞાનની ખોજ

આ વસ્તુને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ, માણસની માણસાઈના વિકાસની દષ્ટિએ જોવી જોઈએ, માણસ પશુમાંથી માણસ બન્યો છે અને તેની આ માણસાઈ ક્રમશઃ વધુ ને વધુ મ્હોરતી જવાની છે એવી ઉત્ક્રાંતિની દષ્ટિએ જોવી જોઈએ. હિંસા હજી છૂટી નથી એ ખરું, પણ માણસ જો કાયમ હિંસામાં જ ડૂબકાં ખાતો રહે, તો તેનો આગળનો વિકાસ રુંધાઈ જાય. એટલે માણસ આજે જે સ્તર પર છે, તેનાથી તેને એક પગથિયું ઊંચે ચઢાવવો, એ જ વિકાસની પ્રક્રિયા છે.

વળી, આ કાંઈ નવી વાત નથી, માણસના મૂળભૂત સ્વભાવથી વિપરીત વાત નથી. માણસ જેમ હિંસા કરતો આવ્યો છે, તેમ પ્રેમ પણ કરતો આવ્યો છે. હિંસા-તત્વનો માણસને જેટલો પરિચય છે, તેટલો જ તેને પ્રેમ-તત્વનોયે પરિચય છે. પ્રેમ એ કાંઈ માણસને માટે પરાયું કે વિપરીત તત્વ નથી. માટે માણસને દ્વેષભાવમાંથી કાઢીને પ્રેમભાવના વિકાસ તરફ લઈ જવાનો છે. જે પ્રેમભાવ આજે હજી માણસના વ્યક્તિગત જીવન સુધી, માણસના કુટુંબ-જીવન સુધી સીમિત છે, તેને હવે સમાજ-જીવન સુધી વિસ્તારવો છે. કુટુંબની નાની લેબોરેટરીમાંથી તેને વ્યાપક સમાજમાં ફેલાવવો છે. વ્યક્તિગત આચરણની જેમ તેને સામાજિક આચરણમાંયે લાવવો છે. ખરું જોતાં, પ્રેમને કારણે જ તો માનવ-જીવન છે, સમાજ-જીવન છે. પ્રેમ વિના તે સંભવી જ ન શકે. એટલે આજે હજી પ્રેમભાવના સમાજવ્યાપી થવામાં તેની આડે જે કાંઈ આડખીલી આવતી હોય, તેને દૂર કરવા માણસે મથવું જોઈએ, માણસનું માનસ બદલવા મથવું જોઈએ, સમાજનો ઢાંચો બદલવા મથવું જોઈએ. અને આમ જ થતું આવ્યું છે. માણસનો ઈતિહાસ એ આવી મથામણનો જ ઈતિહાસ છે, માણસને અને સમાજને ઊંચે ને ઊંચે ચઢાવતા રહેવાના સતત પુરુષાર્થનો જ ઈતિહાસ છે.

હિંસાની જગ્યાએ અહિંસા સ્થાપવાના અનેક દાખલા માણસે જોયા છે, પરંતુ તે મોટે ભાગે વ્યક્તિગત ક્ષેત્રના દાખલા છે. અહિંસાની ઉપાસનાનાં, અહિંસાના પ્રકર્ષનાં અનેક વ્યક્તિગત ઉદાહરણો આપણી નજર સામે છે. હવે આ અહિંસાને સામાજિક ક્ષેત્રમાં દાખલ કરવાની છે. માણસે હજી સામુદાયિક અહિંસાની આરાધના કરવાની છે. સામાજિક પ્રશ્નોનો ઉકેલ પણ અહિંસાના માર્ગે લાવી શકાય તેમ છે, તે હવે માણસે કરી બતાવવાનું છે. સામુદાયિક અહિંસાના પ્રયોગની આ વાત ગાંધીએ માનવ-સમાજ સમક્ષ મૂકી. ગાંધીના વિશુદ્ધ હૃદયે માણસની માણસાઈના આગળના વિકાસની આ વાત ઝીલી અને ગાંધીની પ્રતિભા દ્વારા તે ‘હિંદ સ્વરાજ’માં પ્રસ્તુત થઈ. આ રીતે માણસની વિકાસયાત્રામાં એક નવા ટપ્પાનો આરંભ થયો. ગાંધી એક નવા યુગના અધ્વર્યુ બન્યા, ‘હિંદ સ્વરાજ’ એક નવા યુગનું પ્રવર્તક પુસ્તક બન્યું. ગાંધી પોતાના આ યુગકાર્ય વિશે પૂરેપૂરા સભાન હતા, તેથી જ એમણે કહ્યું કે, ‘આ ચોપડી દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે, હિંસાને સ્થાને આપભોગને મૂકે છે, પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે.’

સારાંશ કે, ‘હિંદ સ્વરાજ’ આ દુનિયામાં પ્રેમધર્મ અને આત્મબળની આણ પ્રવર્તાવવા માગે છે. એટલે જ તે વખતના એક મોટા વિચારક ને લેખક જોહ્ન મિડલટન મરીએ કહેલું : ‘મને લાગે છે કે આધુનિક જમાનામાં લખાયેલાં પુસ્તકોમાં ‘હિંદ સ્વરાજ’ સૌથી મહાન પુસ્તક છે. હું તેને one of the spiritual classics of the world – દુનિયાના આધ્યાત્મિક મહાગ્રંથોમાંનો એક મહાગ્રંથ ગણું છું.’ તે વખતના એક કવિ-સાહિત્યકાર ફોસેટે પણ આ વાત તરફ સરસ ધ્યાન દોરેલું : ‘જો જીવનનો સર્જનાત્મક હેતુ સિદ્ધ કરવો હોય, તો આપણા સહુની ભીતર એક અસલ બુનિયાદી ક્રાંતિ થવાની અનિવાર્ય જરૂર છે. ‘હિંદ સ્વરાજ’ આવી અસલ બુનિયાદી ક્રાંતિ માટેની શ્રેષ્ઠ આધુનિક માર્ગદર્શિકાઓમાંની એક છે.’ ‘હિંદ સ્વરાજ’ ચીલાચાલુ ઘરેડમાંથી માનવજાતિને બહાર કાઢીને તેને નવા ચીલે ચઢાવનારું પુસ્તક છે. આ વાત તે દિવસોમાં જ એક અન્ય ચિંતક વિચારક જીરાલ્ડ હર્ડે બહુ સરસ રીતે ખોલીને બતાવેલી : ‘કેટલાંક પુસ્તકો માત્ર પુસ્તક નહીં, પણ મહાન કુદરતી ઘટના રૂપ હોય છે. ‘હિંદ સ્વરાજ’ આવું એક પુસ્તક છે. તે એક નવા યુગના, એક નૂતન વ્યવસ્થાના આરંભ રૂપ પુસ્તક છે. મનુષ્ય બધાં બંધનોમાંથી મુક્તિ ઝંખતો હતો, પરંતુ તે મુક્તિ માટે તેણે હિંસાનો જ આશરો લીધો – જે હિંસા મારફત તેને બંધનમાં નાખવામાં આવ્યો હતો, તે જ હિંસાનો આશરો લઈને તેણે પોતાનાં બંધનો તોડી બીજાંઓને બંધનમાં નાંખ્યાં. પરિણામે, આ ક્રાંતિઓમાંથી અનિવાર્યપણે પ્રતિક્રાંતિઓ જન્મી. માણસની આટલી બધી જહેમત છતાં પણ નવા જુલમગારો સિંહાસને જામી બેઠા છે. આ સત્યને આત્મસાત કરી ગાંધી એક નવો રાહ બતાવે છે. શુદ્ધ સાધન દ્વારા જ શુદ્ધ સાધ્ય પ્રાપ્ત કરી શકાય. અશુદ્ધ સાધનોથી અનિષ્ટ પરિણામો જ નીપજશે… અહિંસા આપણી સામે એક નવું દર્શન ઉઘાડી આપે છે. તેને જો આપણે સાકાર કરી શકીશું, તો દુનિયા આ નવા યુગના પથપ્રદર્શક તરીકે ગાંધીને કાયમ યાદ કરશે…. ગાંધીના પ્રયોગમાં આખી દુનિયાને રસ છે અને તેનું મહત્વ યુગો સુધી કાયમ રહેશે.’

આવી બાબતમાં આપણો અભિગમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક હોવો ઘટે. પદાર્થ વિજ્ઞાનમાં એક પછી એક ખોજ થતી રહે છે અને તેનાથી તેનો વિકાસ થતો જાય છે, તે વધુ ને વધુ સંપન્ન બનતું જાય છે. એવી જ રીતે સમાજ-વિજ્ઞાનના ક્ષેત્રમાંયે એક પછી એક ખોજ થતી રહે છે તથા અનેકાનેક સમાજિક વિજ્ઞાનીઓ તેમજ પ્રયોગવીરોના પુરુષાર્થથી સમાજ-વિજ્ઞાનનો વિકાસ થતો રહે છે. સામુદાયિક અહિંસાની ‘હિંદ-સ્વરાજ’ની વાતને સમાજ-વિજ્ઞાનના આવા વૈજ્ઞાનિક દષ્ટિકોણથી જોવી જોઈએ.

તૉલ્સ્તૉય ગાંધીની ગતિવિધિઓને દૂર રહ્યા રહ્યા બહુ જ રસપૂર્વક આત્મીય ભાવે નિહાળતા હતા. ગાંધી દ્વારા અહિંસાની દિશામાં ખૂબ મહત્વનું ખેડાણ થઈ રહ્યું છે, તે એમણે બરાબર જોઈ લીધું હતું. ગાંધીની સત્યાગ્રહની વાતમાં પ્રેમના સિદ્ધાંતનો સામુદાયિક આવિર્ભાવ થઈ રહ્યો છે, એ તેઓ પામી ગયા હતા. તેથી જ ‘હિંદ સ્વરાજ’ વાંચીને એમણે ગાંધીને ઊલટભેર લખ્યું : ‘મેં તમારી ચોપડી રસથી વાંચી છે, કેમ કે હું માનું છું કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય – સત્યાગ્રહ – તે હિંદુસ્તાન માટે જ નહીં પણ કુલ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે. હું તમારી ચોપડીને બહુ કીમતી ગણું છું. સત્યાગ્રહ એ શુદ્ધ પ્રેમ સિવાય બીજું કશું નથી. મનુષ્યના આત્માને એકત્ર કરીને જોડવાનો પ્રયાસ એ જ પ્રેમ. અને એ પ્રેમ જ માનવીની જિંદગીને દોરનારો ઊંચામાં ઊંચો એક જ કાયદો છે. દરેક માણસ પોતાના અંતરમાં ઊંડી ઊંડી આ લાગણી અનુભવે છે.’ વરસો પહેલાં સોક્રેટીસે આ વાત ઘૂંટેલી : ‘માણસ મૂળત: સજ્જન છે. તેનામાં જે દોષો દેખાય છે, તે અજ્ઞાનને કારણે છે તથા જ્ઞાન દ્વારા માણસના બધા દોષો, દુરાચારો, બૂરાઈઓ વગેરે દૂર કરી શકાય છે. આ બધાની પાછળ માણસની દુષ્ટતા નહીં, અજ્ઞાન છે. માણસ મૂળતઃ સજ્જન છે.’ હેન્રી ડેવિડ થૉરો પણ આ જ વાત કહી ગયો : ‘પ્રેમમાં અમાપ શક્તિ રહેલી છે. દરેક યુગના સૌથી શાણા પુરુષોએ પ્રેમની શક્તિને પ્રગટ કરવાનો પરિશ્રમ કર્યો છે. પ્રત્યેક માનવ-હૃદયને પણ વહેલા કે મોડા, વત્તે કે ઓછે અંશે તેનો અનુભવ થાય છે. આમ જોવા જઈએ તો સમાજના સઘળા સફળ વ્યવસ્થાતંત્રનું પ્રેરક બળ પ્રેમ જ છે.’

આ જ પ્રેમશક્તિને સામાજિક ક્ષેત્રે કારગર બનાવવાની અહાલેક ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં જગાવી. ગાંધીનો અભિગમ આધ્યાત્મિક હતો જ, પણ સાથોસાથ પૂર્ણપણે વૈજ્ઞાનિક હતો. પોતે સમાજ-વિજ્ઞાનની એક મહત્વની ખોજ કરી રહ્યા છે, એક મહત્વનો પ્રયોગ કરી રહ્યા છે, તે બાબત એમને પૂરેપૂરી આત્મ-પ્રતીતિ હતી : ‘જે અદ્દભુત શોધો આજકાલ હિંસાનાં ક્ષેત્રોમાં થાય છે, તે જોઈને આપણે આભા બની જઈએ છીએ. પરંતુ હું ભારપૂર્વક કહું છું કે, તેના કરતાંયે વધારે અકલ્પ્ય અને અશક્ય લાગતી શોધો અહિંસાના ક્ષેત્રમાં થશે. કોઈ પણ માણસને પોતાને અહિંસાનો અનુભવ થઈ શકે છે. એટલે કે, અહિંસાનું આચરણ વિજ્ઞાનશુદ્ધ છે. અહિંસાનો અપવાદ વિનાનો કાયદો શોધનારા ઋષિમુનિઓ પોતે મહાન યોદ્ધા હતા. જ્યારે તેમણે આયુધબળની તુચ્છતાને જોઈ લીધી, જ્યારે તેમણે મનુષ્ય-સ્વભાવનો સાક્ષાત્કાર કર્યો, ત્યારે તેઓ આ હિંસામય જગતમાં અહિંસાના નિયમને જોઈ શક્યા. આ ઋષિમુનિઓ ન્યૂટન કરતાં મહાન વિજ્ઞાનીઓ હતા તથા વેલિંગ્ટન કરતાં મહાન યોદ્ધાઓ હતા.’ આમ, સામુદાયિક અહિંસાની વાત એ સમાજ-વિજ્ઞાનના ક્ષેત્રે ગાંધીની એક મહાન ખોજ છે, જેનો પ્રયોગ એમણે જીવનભર કર્યો તથા સમાજમાં આગળ વધાર્યો. એમની સાથે બીજા અનેક પ્રયોગવીરો ભળ્યા. આજે આ ખોજને 100 વરસ થવા આવ્યાં છે, ત્યારે આ સો વરસો દરમ્યાન આ ખોજ કેટલી આગળ વધી છે, તેના પ્રયોગોનાં કેવાં ને કેટલાં પરિણામો આવ્યાં છે તથા ભવિષ્યમાં તે કેટલી આગળ વધારી શકાય છે, તેનાં લેખાંજોખાં કરી લેવાં જરૂરી છે, તેનું એક વિહંગાવલોકન કરી લેવું જરૂરી છે. તેમાં આપણે શુદ્ધ વૈજ્ઞાનિક દષ્ટિકોણ અને અભિગમ અપનાવવાનો છે.

સામુદાયિક અહિંસાના આ પ્રયોગમાં સો વરસ દરમ્યાન અનેક નાનામોટા, જાણ્યા-અજાણ્યા સેવકો, ઉપાસકો, પ્રયોગવીરો ભળ્યા છે તથા એ બધાની સાધના-પુરુષાર્થના પરિણામે એ ખોજ આગળ વધી છે. પરંતુ આમાં ત્રણ જ્યોતિર્ધરો મુખ્ય છે : ગાંધી, વિનોબા અને જયપ્રકાશ. આ ત્રણેય સમાજ-વિજ્ઞાનના ક્ષેત્રમાં અવ્વલ દરજ્જાના વિજ્ઞાની હતા, સંશોધક હતા, પ્રયોગવીર હતા. એમની તરફ માત્ર મહાપુરુષો અને સંતપુરુષો તરીકે જ નહીં, સમાજ-વિજ્ઞાનીઓ તરીકે જોવું જોઈએ. તેઓ પોતાની જાતને તેમજ પોતાના કાર્યને એ જ રીતે જોતા હતા. ગાંધીએ પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ કહ્યા. આ સત્યની ખોજ અને પ્રયોગશીલતા એ તંતોતંત વિજ્ઞાનીનું લક્ષણ છે. વિનોબાએ પોતાની સામાજિક ગતિવિધિને ‘અહિંસાની ખોજ’ કહી : ‘હું એક માર્ગનો પ્રયોગી છું. અહિંસાની ખોજ કરવી એ મારું વરસોથી જીવનકાર્ય રહ્યું છે. મારી શરૂ કરેલી પ્રત્યેક કૃતિ, મેં હાથ લીધેલું અને છોડેલું પ્રત્યેક કામ, બધું એ જ એક પ્રયોગને માટે થયું અને થઈ રહ્યું છે. હું એ જ તલાશમાં છું કે અહિંસાની સામાજિક જીવનમાં કઈ રીતે પ્રતિષ્ઠા થાય. મારી સામે મુખ્ય કલ્પના એ જ છે કે આપણી સામાજિક અને વ્યક્તિગત બધા પ્રકારની મુસીબતોનો નિકાલ અહિંસાથી કેવી રીતે થાય, તેની હું ખોજ કરું. આ મારું મુખ્ય કાર્ય છે.’ જયપ્રકાશ પણ જીવનભર આવી જ ખોજમાં નિમગ્ન રહ્યા : ‘સર્વોદયના બે અત્યંત મૌલિક પ્રણેતાઓ, ગાંધી અને વિનોબાએ વારંવાર કહ્યું છે તેમ સર્વોદય પોતે એક ખોજ છે. એમણે તેને સત્યની ખોજ કહી છે. હવે, સત્યનો શોધક હોવાનો દાવો તો હું નહીં કરું, પરંતુ હું એટલો દાવો અવશ્ય કરીશ કે માણસની અને સમાજની સ્થિતિ સુધારવા માટે સાચા ઉપાયોની ખોજ હું નિરંતર કરતો રહ્યો છું.’ લાગલગાટ છ દાયકા સુધી અખંડ ચાલેલી પોતાની આ ખોજયાત્રાના એક પડાવે એમણે અત્યંત નિખાલસતાથી ઋજુતાપૂર્વક કહી દીધેલું : ‘અહિંસાને માટે મારા ચિત્તમાં નિષ્ઠા પેદા થઈ છે, તે ધ્યાનમાં લેતાં હું સત્તાના કોઈ પણ પદનો સ્વીકાર ન જ કરી શકું.’

સામુદાયિક અહિંસાના ક્ષેત્રે આવા અવ્વલ દરજ્જાના તેમજ બીજા અનેકાનેક નામી-અનામી, જાણ્યા-અજાણ્યા, નાના-મોટા સમાજ-વિજ્ઞાનીઓની જે ખોજયાત્રા સો વરસથી ચાલતી આવે છે, તેના તરફ જોવાનો આપણો દષ્ટિકોણ વૈજ્ઞાનિક જ હોવો ઘટે. અને તે વૈજ્ઞાનિક દષ્ટિકોણ કેવો હોય, તે વિશે અંગુલિનિર્દેશ કરતાં એક વાર વિનોબાએ કહ્યું છે : ‘વિજ્ઞાનની પ્રગતિમાં એક-એક નવી ચીજની ખોજ થતી રહે છે. એક એક શોધ માટે ખાસ્સો સમય જતો હોય છે અને ઘણો પુરુષાર્થ કરવો પડતો હોય છે. પણ એવી શોધ થતી રહે, તે બહુ જરૂરી છે. તેના વિના વિજ્ઞાનની પ્રગતિ થઈ શકે નહીં. એક વાર શોધ થઈ ગયા બાદ તે શોધનો ઉપયોગ આખા સમાજ માટે કરવાનો હોય છે. તેમાં પણ ઘણા બધાના પુરુષાર્થની જરૂર પડે છે. શોધ થઈ, પણ તેનું સમાજમાં એપ્લીકેશન ન થયું, વ્યવહારમાં તે લાગુ ન પડાઈ, તો શોધનો ઉત્તમ ઉપયોગ નહીં થયો, એમ કહેવાશે. જો કે તેનાથી મૂળ શોધની કીમત ઓછી નથી થતી. મૂળ શોધનું પોતાનું મૂલ્ય છે જ, પરંતુ થવું એમ જોઈએ કે નવી શોધનો લાભ સમસ્ત સમાજમાં સહુને સમાન ભાવે મળે અને કોઈને પણ નુકશાન ન પહોંચે. આટલું થાય તો કોઈ પણ શોધનો માનવજાતિને પૂરેપૂરો લાભ મળે. આ જ વસ્તુ જેમ પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમ જ અન્ય વિજ્ઞાનોના ક્ષેત્રમાં તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં અને વ્યાવહારિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે.’ – આવા સમ્યક અભિગમ સાથે ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીએ એક વિહંગાવલોકન કરી લેવાની આપણે કોશિશ કરીએ.

[કુલ પાન : 270. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957]