સડકના સૂર – વર્ષા તન્ના

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ લલિતનિબંધોના સુંદર પુસ્તક ‘મૌન મલકે શબ્દો છલકે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. તેમની ઘણી કૃતિઓ ‘અખંડ-આનંદ’, ‘નવનીત’ વગેરે જેવા સામાયિકો સહિત ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’ વગેરેમાં સ્થાન પામતી રહી છે. આપ તેમનો સંપર્ક આ નંબર પર +91 9820738467 અથવા tanna.varsha@rediffmail.com પર કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

સડક એટલે દોડતા ભાગતા વાહનોની આમ જોઈએ તો લાંબી લાંબી લસરપટ્ટી. કેટકેટલા વાહનો આખો દિવસ અને રાત દોડ્યા કરે છે. કેટકેટલા લોકો તેના પર ચાલ્યા જ કરે છે, જેને ઘડીભર પણ જંપ નથી તે સડક. તેને માટે દિવસે જેટલી દોડાદોડી હોય છે તેવી જ રીતે રાતે પણ હોય છે. હા, માણસોના પગરવ ઓછા પડે છે પણ રાત્રીના નીરવ અંધકારમાં વાહનોની ઘરઘરાટી સડકના કાળજાને કોરી નાખે છે.

આમ તો સડકનો યુગ બહુ મોડો શરૂ થયો. પહેલા ધૂળિયા રસ્તા, નાની નાની કેડીઓ અને ખાબડખૂબડ રસ્તાઓનો જમાનો હતો. પણ માણસ આરામપ્રિય પ્રાણી છે. એટલે તેણે પોતાના આરામ અને સગવડતા માટે સડક બનાવી. નાની-મોટી, લાંબી-ટૂંકી, ક્યાંય ન અટકતી, સતત દોડ્યા કરતી સડક. આમ તો સડક ચલ નથી. તે તેની જગ્યાએ જ છે પણ તેના વિધાતા જેવો માનવી આખો દિવસ તેના પર દોડ્યા જ કરે છે. જો નાના નગરની સડક હોય તો તેને હજુ થોડી નિરાંત હોય છે. કારણ કે નાનું ગામ કે નગર થોડીવાર માટે પણ આરામ કરે છે પણ ગામની મુખ્ય સડક હોય કે ગામના મુખીના ઘર સુધીની સડક, તેને આરામ મળતો નથી. ગામની મુખ્ય સડક કેટલીયે નાની સડકો સાથે જોડાયેલી હોય છે એટલે કોઈને કોઈના પગ તેને પોતાનો રસ્તો પૂછ્યા કરે છે. એટલું જ નહીં નાના ગામના મુખીના ઘર સુધી પહોંચતી સડક તે ગામના મુખી જેટલી જ વ્યસ્ત હોય છે. ગામમાં તમે કોઈનું સરનામું પૂછો ત્યારે ત્યાંના લોકો જવાબ પણ સડક જેવો સીધો જ આપે છે કે આ સીધી સડકોસડક ચાલ્યા જાવ ત્યાં જ ‘ઈ માણસ’રે ’ છે. જ્યારે બધા સૂઈ જાય ત્યારે કૂતરાઓ પોતાનું રાજ આ સડક પર જમાવે છે. આવતાં જતાં સૌને તેઓ સડકની કથા સંભળાવતા હોય તેમ ભસે પણ છે. આ નાના ગામની સડક મોટા મહાનગર સામે આવી સડકથી જ જોડાયેલી હોય છે.

નગર કે મહાનગરની સડકની આજુબાજુ ફૂટપાથ હોય છે, જે ફ્રોક કે સાડી પર કિનારી મૂકી હોય તેના જેવું લાગે છે. આ ફૂટપાથ પર જો બજાર હોય તો કેટલીયે ખાવાપીવાની લારીઓ કે ચીજવસ્તુ વેચવા માટે ફેરિયાઓએ કબજો જમાવ્યો હોય છે. આ ફૂટપાથ કેટલાયે લોકોનું ઘર બની જાય છે. આમ સડક માત્ર પ્રવાસીઓને જ નથી ઓળખતી પણ નિવાસીઓને પણ ઓળખે છે. કારણ કે આ ફૂટપાથ પરની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર સડક સુધી પહોંચતા વાર નથી લાગતી. આથી પણ અકસ્માતોનું પ્રમાણ વધે છે. બે મહાનગરને જોડતી સીધી સપાટ લીસી અને એકધારી સડક જેને હાઈ-વે કહેવામાં આવે છે. માઈલોના માઈલો સુધી લાંબી આપણને લાગે કે અનંતના ઓવારા સુધી પહોંચાશે. તે ત્યાં સુધી તો નહીં પણ તમારી મંઝીલ સુધી તો ચોક્કસ પહોંચાડે. આવી સડકો પર આખો દિવસ અને રાત વાહનોના હોર્નની ચિચિયારી સંભળાયા કરતી હોય છે. સડક કેટલાય પ્રવાસીની સાક્ષી છે અને રસ્તો ભૂલનારની પણ. તેણે દુનિયા જોઈ છે. તેની પર રોજ જતા લોકો અને વાહનોને તો તે ઓળખે જ છે પણ કોઈવાર પ્રવાસે જતા લોકોનું પણ એટલું જ ધ્યાન રાખે છે. તે સીધી સપાટ હોવા છતાં કેટલાય અકસ્માતોનું ઘર કહેવાય છે. ટ્રક, મોટર, ગાડી કે સ્કૂટરને પડતાં-આખડતાં જુએ છે. તેની સાથે તેમાં બેઠેલા લોકોનો કણસાટ કે મૌનને તે પોતાનામાં સમાવી લેવાનો પ્રયત્ન કરે છે. તેના પર નીતરતાં લોહીના રેલા કે છૂટા પડી ગયેલ શરીરના અવયવને પોતાની વ્યથાની જેમ સાચવવાનો પ્રયત્ન કરે છે પણ જેમ તે તેના આંસુ લોકોને દેખાડી શકતી નથી તેવી જ રીતે તે પોતાપણું પણ દર્શાવી શકતી નથી. કારણ કે સડક પ્રવાસને પિછાણે છે, પ્રવાસીને નહીં.

ઠંડીમાં તે વહેલી સવારે ધુમ્મસની રજાઈ ઓઢી લે છે. સવારના વાહન ચલાવતાં લોકોને ગતિ ધીમી કરી વાતાવરણની ભીનાશને માણવી પડે છે. સૂરજના કિરણો ધીમેધીમે સડક પરની ભીનાશને ચૂમે છે. આ જ સૂરજના કિરણો બપોરના થતાં જ પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. તે આખી સૃષ્ટિને પોતાની બાથમાં સમાવે છે અને લાંબી સડક પર કિરણો લસર્યા કરે છે, આળોટ્યા કરે છે. સાંજે આ જ સૂરજના કિરણો સડકને આવજો કહી બીજા દિવસે આવવાનો વાયદો કરી જાય છે. તેની આજુબાજુ રાત્રીનો કાળો અંધકાર છવાતો જાય છે. તેમાં પણ સડક થોડું થોડું ચમક્યા કરે છે. તેના પર વાહનો દોડ્યા કરે છે અને સડક તેને તેની મંઝીલ સુધી પહોંચાડવા માટે તત્પર રહે છે.

કેટલીયે સડકની આજુબાજુ મોટા ઝાડ વાવી અને સુંદર કુંજ બનાવી હોય છે એ સડકનો વિસામો છે, હૈયાની ટાઢક છે. ડાળીઓ સડકની સાથે વાત કરવા નીચે નમતી હોય છે તો કેટલીક વખત સડકની વાત આભ સુધી પહોંચાડવા માટે ઉત્સુક હોય તેમ લાગે છે. જ્યારે કુંજ વગરની સડક કે એકલદોકલ ઝાડવાળી સડક લાગણીહીન લાગે છે. તેનો ચહેરો કરડાકીભર્યો અને કોરો કોરો લાગે છે. ઊનાળાની બપોર અને સૂરજનો તાપ અને સડકની ગરમીનો સરવાળો એટલે ઝાંઝવા સામે ચાલીને આવે છે. આ બધા વાહનો આ ઝાંઝવાની પાછળ હરણ દોડ્યા કરતાં હોય તેમ દોડ્યા કરે છે. નાની ગામની સડક પર પરબ હોય છે પણ મોટી સડક પરબ વગરના રણ જેવી હોય છે. ચોમાસામાં સડકની આજુબાજુની માટીવાળી જમીન પર નાનું નાનું ઘાસ ઉગી નીકળે છે ત્યારે એવું લાગે છે કે નાનાં ભૂલકાં રમવા નીકળી પડ્યાં. જાણે સડકમાં જીવ આવ્યો. સડકનાં કિનારાની ધૂળનું ઓશિંગણ લઈને ઊગેલું ઘાસ જાણે સડકની લાગણી સમજાવતું હોય તેમ ફરક્યા કરે છે. કાળી સડક આમ જોઈએ તો કરડાકીભર્યા જેલર જેવી લાગે પણ આજુબાજુ નીકળતી ઘાસની કલગી તેના ચહેરાને નવો રૂપરંગ આપે છે. તેની લાગણીને વાચા આપે છે. ચોમાસામાં પાણીથી તરબતર થયેલી સડક પર ઊભેલા લાઈટના થાંભલાનું રૂપ અનોખું હોય છે. તેનું પ્રતિબિંબ તો સડક પર એવું પડે છે કે નાના તારલિયા ધરતીની ગોદમાં રમવા આવ્યા હોય. આ લાઈટના થાંભલા પર પડેલા વરસાદના ટીપાં તે થાંભલાનું ઘરેણું બની બેઠા હોય તેમ લાગે છે.

હવે મનુષ્યને પણ કદાચ સડકનો એક સરખો ચહેરો ગમતો નથી. એટલે હાઈ-વે જેવી મોટી સડક પર ડિવાઈડર પર લીલીછમ લાગણી જેવા વૃક્ષો વાવી સડકને નવોઢાની જેમ શણગારે છે. ઘણી સડકની આજુબાજુ ડુંગરોની હાર અને ડિવાઈડર પર લીલા વૃક્ષો કુદરત અને મનુષ્યની દોસ્તીનો આકર્ષક નમૂનો લાગે છે. આ જ ટેકરાં પરથી વાદળા નીચે ઊતરી સડક ચૂમે છે અને વૃક્ષોને તે વહાલ કરે છે. પણ આજ દોસ્તી ક્યારેક દુશ્મનીમાં બદલાઈ જાય છે કારણ કે માનવી પોતાના આરામ માટે કેટલાય પર્વતોનો ઘાણ કાઢી તેના ભોગે સડક બનાવે છે. આપણા રસ્તા પર નહીં પણ સડક પર કેટલાય ચિન્હો બનાવેલા હોય છે. જગ્યાની દૂરતા, નીકટતા, વળાંક, અવરોધ કે ઢાળ ચઢાણ આ બધા માટે સડક પર નિયમ અનુસાર ચિન્હો બનાવેલા હોય છે. તે ચિન્હો તમે કેટલું અંતર કાપ્યું અને કેટલું બાકી રહ્યું તે દર્શાવે છે. જેમ આપણે જિંદગીના વર્ષો ગણીએ છીએ તેમ આ અંતર પણ માપી શકીએ. જિંદગીમાં કેટલા વળાંકો છે તે તમારી હાથની રેખા પર બતાવી શકતી નથી કે કોઈ કુંડળી પણ બોલી શકતી નથી જ્યારે રસ્તાની દરેક નિશાની, વળાંક, મંઝીલ બધું સડક પર અંકિત હોય છે. મોટી લાંબી સડકો જેમ ચાલ્યા જ કરે છે એટલે કે તે લંબાતી જાય છે પેલી અણગમતી વૃદ્ધાવસ્થાની જેમ. તો કોઈ વખત કોઈ સડક તેની બાલ્યાવસ્થામાં જ પૂર્ણ થતી હોય તેમ જલદી પૂરી થઈ જાય છે. ભલેને પછી તમારી મંઝીલ ન આવી હોય પણ ઓચિંતી ધૂળિયા ગામમાં કે રસ્તામાં પહોંચાડી દે છે. ક્યારેક આ લાંબી સડકનો એટલો સધિયારો મળે છે કે કેટલો પણ સમય વ્યતિત થયો હોય તો પણ તમે જલદી મંઝીલ સુધી પહોંચી ગયા હોય તેમ લાગે છે.

આજકાલ સડક પોતાના પ્રવાસીઓનું ધ્યાન રાખે છે. પોતાની આજુબાજુની જગ્યામાં કેટલાય ધાબા અને કેટલી બધી ખાવાપીવાની સુવિધા સાથેની જગ્યાઓ બનાવી રાખી હોય છે. ટ્રકના કેટલાય ડ્રાઈવરો આખી રાત ટ્રક ચલાવી આવા ધાબા પર ચાની ચૂસકી લઈ પોતાની ઊંઘ ઊડાડતા હોય છે. તો કેટલાક વહેલી સવારે નીકળ્યા હોય તો આવા ધાબા પર ચા પીને ગરમાટો લેતા હોય છે. બપોરે કે સાંજે આવા ડ્રાઈવરો આખા દિવસનો થાક ઊતારી પેટનું ભાડું આવી જ જગ્યાએ ચૂકવે છે. તો મસ્ત ફરવા નીકળેલા યુવાનો કે બાળકો આવા ધાબા પર વિવિધ પ્રકારનો સ્વાદ માણી અને પેટ અને મનને પણ સંતોષ આપે છે. નાની સડકો પર આવા નાના ધાબાઓ અને મોટી સડક પર આજે ‘ફ્રૂડ કોર્ટ’ તરીકે ઓળખાતા ખાવાપીવાના અનેક સ્ટોલ જોવા મળે છે. આપણે હવે કંઈ ખાવાની જગ્યા આવશે તેનો વિચાર કરીએ છીએ. પણ સડકના સખા જેવા તેની આજુબાજુ પથરાયેલ નાના મોટા ખેતરને અને તેની હરિયાળીને જોતાં નથી. કેટલીક વખત હરિયાળીને બદલે નાના મોટા પર્વતોની હારમાળા સડકની આજુબાજુ તેનું રક્ષણ કરતી ઊભી હોય છે તેને પણ નથી જોતા. આપણે માત્ર આપણામાં જ મગ્ન છીએ. સડકની જેમ બીજાને તેની મંઝિલ સુધી પહોંચવામાં મદદ કરીએ તો આપણને પણ સડકની લાગણી થોડી ઘણી સમજાય. તેની થોડી વાચા મળે.

સડક દરેક વખતે સીધી સપાટ નથી હોતી. તે કોઈ વખત ઈજાગ્રસ્ત પણ હોય છે. તેનું રિપેરિંગ પણ થાય છે. ઈજાગ્રસ્ત સડક તમને મંઝીલ સુધી પહોંચવાની ના નથી પાડતી. તેના ખાડાટેકરા પરથી પણ પણ લોકો અને વાહનો પસાર થાય છે. તેની પર ઘણી વખત સમયની રેતી ખર્યા કરે છે. તો કેટલીયે વખત દરિયાનું પાણી કે નદીઓના પાણીની ચડાઈ પણ થાય છે. આ બધું સડકના સ્થાન અને માન પર નિર્ભર છે. સ્થાન પર એટલે કે તે કઈ જગ્યાએ છે અને માન પર એટલે તે કેવી રીતે બની છે. મોટેભાગે પથ્થર અને ડામર અને હવે સિમેન્ટની બનેલી સડકનું ટકાઉપણું તેની બનાવટ પર નિર્ભર રહે છે, તેના ઉપાયો ઉપર નિર્ભર રહે છે. વાવાઝોડામાં કેટલાયે ઝાડ લાંબા થઈ તેના પર સૂઈ જાય છે; તેને પણ સડક ભેટે છે. તે કદાચ આવે સમયે લાગણીશીલ થવાને બદલે એક ઋષિની જેમ નિર્મોહ ધારણ કરી લેતી હશે. કારણ કે તેણે કેટલાય અકસ્માતો, કેટલીયે એમ્બ્યુલન્સની ચિચિયારી અને કેટલીયે ફાયર બ્રિગેડની ઘંટડીના અવાજો તેણે સાંભળ્યા હશે એટલે તે પોતાની પીડાને ગણકાર્યા વગર બીજાને તેની મંઝીલ પર પહોંચાડવામાં મદદ કરે છે.

આમ જોઈએ તો સડક અબોલ છે. જો તેમને તેની લિપિ ઊકેલતાં આવડે તો માનવીને તેની મંઝીલ સુધી પહોંચાડવાનું કદાચ વધુ સરળ બને. આ લિપિ તો દરેક વાહનચાલક ઊકેલે છે. પણ તેના હૈયાની લિપિ ઊકેલવામાં થાપ ખાય જાય તો તે શ્વાસનો સરવાળો કરવાને બદલે બાદબાકી કરી નાખે છે. આમ જુઓ તો સડક કોઈની સાડીબારી રાખતી નથી. તે ચાલ્યા કરે છે, ચલાવ્યા કરે છે અને પોતાનામાં મસ્ત રહે છે.

[કુલ પાન : 88 (મોટી સાઈઝ + પાકુ પૂઠું). કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : વર્ષા તન્ના. 101, વીન્ડરમેર, નોર્થ એવન્યુ રોડ, સાંતાક્રુઝ વે., મુંબઈ.-54. ફોન : +91 9820738467. અથવા નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ. ફોન : +91 22 22017213.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોલેજકાળની ઝાંખી – નટવર પંડ્યા
‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન – કાન્તિ શાહ Next »   

3 પ્રતિભાવો : સડકના સૂર – વર્ષા તન્ના

 1. ખુબ જ સુંદર.

  સડક પરથી દરરોજ અવર જવર કરીએ છીએ પણ આટલું ઝીણવટભર્યું ક્યારેય વિચાર્યું નથી.

 2. ઈન્દ્રેશ વદન says:

  વર્ષાબેન તમે પ્રાથમિક શાળામાં ગુજરાતી શિક્ષિકા લાગો છો.
  સડક પર જડબેસલાક નિબંધ લખી નાખ્યો.
  કંઈક અર્થસભર લખવાને વિનંતી..

 3. smita vasavada-Houston, says:

  કેટલું સુંદર લખ્યું છે!
  આભાર્!
  સ્મિતા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.