પ્રવાસનું તાત્પર્ય – ડૉ. ઊર્મિલા શાહ

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

‘બહેન ! અમારા વર્ગ માટે પ્રવાસ ક્યારે નક્કી થશે ? હવે તો પરીક્ષા પતી ગઈ છે.’
‘કેમ તને ખબર નથી ? સત્તરમીએ પ્રવાસ છે જ. બધું જ નક્કી થઈ ગયું છે. આજે એ અંગેની સૂચના આવી જશે. પણ હવે માત્ર એ દિવસનું મેનુ નક્કી કરવાનું છે. તમે વિદ્યાર્થીઓ નક્કી કરીને થોડાં સૂચનો આપો કે નાસ્તામાં અને જમવામાં શું શું રાખવાનું છે.’ અને વિદ્યાર્થીઓએ તો ઉત્સાહભેર લાંબુંલચક વાનગીઓનું લિસ્ટ લખી દીધું. સવારે નાસ્તામાં બ્રેડ બટર, ફ્રુટ જ્યુસ, આલુ-પરાઠા, પૂરી-શાક, ઈડલી-સંભાર. જમવામાંય રેસ્ટોરામાં જમવા જઈને મેનુ હોય એટલી વાનગીઓ લખીને લઈ આવ્યાં. મને જોઈને આશ્ચર્ય થયું. મારાથી પૂછાઈ ગયું : ‘તમે પ્રવાસમાં જવાના છો કે કોઈ મોટી રેસ્ટોરાંમાં જમવા ? કે પછી લગ્નના જમણવારમાં ?’
‘બહેન ! મજા કરવા જઈએ છીએ તો ખાવાનું તો સારું જોઈએ જ ને ! ખાવાપીવા માટે તો આટલા પૈસા ખરચીએ છીએ.’ અને મને આ સાંભળીને એક ઘેરો આઘાત લાગ્યો.

જીવનનાં મૂલ્યો કેટલાં બધાં બદલાતાં જાય છે. આપણે દિવસે અને દિવસે વધુ સુસંસ્કૃત થતાં જઈએ છીએ, એવા જ ખ્યાલમાં રચ્યા કરીએ છીએ. હા, સાયન્સ અને ટેકનોલોજી હરણફાળે આગળ વધી રહ્યાં છે અને એટલે માણસ પાસે ભૌતિક સુવિધાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે પણ એ બધી સુવિધાઓ પ્રાપ્ત કરવાની સાથે માણસ ભલે સુખ-ચેનથી તેની જરૂરિયાતો માણી શકતો હશે પણ એના જીવનની વિપુલતા તેના હૃદયમાં ભાવના, તેના ઘડતરમાં, તેના જીવનનાં મૂલ્યોમાં એની પ્રગતિ દેખાય છે ખરી ? એના સાચા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે ખરો ?

‘એક દિવસનો પ્રવાસ ખર્ચ ત્રણસો રૂપિયા ? શું વાત કરો છો ? આ તો પ્રવાસમાં જવાનું છે કે કોઈના લગ્નની જાનમાં ? એક દિવસમાં તે આટલા બધા પૈસા હોય ! પૈસાની તે કંઈ કિંમત હોય કે નહીં ?’
‘શું બહેન ! તમેય ખરાં છો. પ્રવાસનું સ્થળ કેવું પસંદ કર્યું છે એ તમને ખબર છે ? એ રિસોર્ટ તમે જોયો છે ? અરે દિલ ખુશ થઈ જાય એવો રિસોર્ટ છે. અરે, ફાઈવ સ્ટાર હોટલ જ જોઈ લો. ત્યાંના એક લંચનો ચાર્જ બસો સિત્તેર રૂપિયા છે ને નાસ્તો તો જુદો. અને બસના પૈસા થાય તે તો જુદા. પાંચસોય માંડ પહોંચશે. તમે જોજો તો ખરાં. એ તો ‘ગોળ નાંખીએ એવું ગળ્યું થાય.’ – આજનાં છોકરાંઓને તો બધું જ અપટુડેટ જોઈએ છે, જરાય અગવડ એ ચલાવી ન શકે અને જો જરા જેટલી અગવડ પડી તો એમનાં માબાપ કાગારોળ મચાવી મૂકે. ‘તમે જો બધી ગોઠવણ બરાબર ન કરી શકતાં હો તો પ્રવાસનું આયોજન શું કામ કરો છો ? અમને કોઈ વાતે અગવડ પડે તે અમે નહીં ચલાવી લઈએ. તમને મોં માંગ્યા પૈસા તો આપીએ છીએ ! પછી સગવડ તો અમે માંગીએ જ ને !’

સવારે સાતેક વાગ્યે પ્રવાસ ઊપડે. લકઝરી એરકન્ડિશન બસ હોય, પ્રવાસના સ્થળે ત્રણ-સાડા ત્રણ કલાકે પહોંચે. બાળકોને ચા-નાસ્તો વગેરે અપાય. ત્યાર બાદ આજુબાજુનાં સ્થળ જોવા જવાનું હોય. ત્રણ-ચાર કલાક બાળકો ત્યાં જાતજાતની રમતો રમે. પછી જમે. જમીને હજી જરા આઘાપાછા થાય ત્યાં તો પાછા ફરવાનું હોય. આમાં ફાઈવસ્ટાર હોટલ જેવી સગવડોવાળા મોંઘાદાટ રિસોટની જરૂર ખરી ? શહેરી સંસ્કૃતિ એનું બંધિયાર જીવન અને રોજના એકધારા જીવનમાંથી મુક્તિ મેળવવા માટે જ આવા પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે કે જેમાં માણસ શહેરથી દૂર દૂર જઈને કુદરતના ખોળે, નિસર્ગની નજદીક જઈ તેને માણી શકે, પ્રકૃતિની એ શાંત, મીઠી લહેરોનીય એક આગવી મજા હોય છે. પ્રકૃતિના ખોળે રમવાનો એ આનંદ કેવો અનેરો હોય છે એ આજની નવી પેઢીને ક્યાંથી ખબર હોય ! પ્રવાસનો આખો કન્સેપ્ટ જ બદલાઈ ગયો છે.

અમે નાનાં હતાં અને સ્કૂલમાંથી પ્રવાસે જવા માટે કાગને ડોળે રાહ જોતાં. પ્રવાસમાં સવારે વહેલાં જવાનું હોય. સાથે ઘેરથી ખાવાનું લઈ જવાનું હોય. મિત્રો આગળથી નક્કી કરે, બે જણ પૂરી લાવે, બે જણ શાક લાવે, કોઈ મૂઠિયાં તો કોઈક વળી ઢોકળાં ને કોઈ શીખંડ તો કોઈ વળી સુખડી. પ્રવાસનાં સ્થળે પહોંચ્યાં પછી ઝાડનાં છાંયે રમતો રમાય. ઊભી ખો, પકડદાવ, અંતકડી, સંતાકૂકડી અને પછી સૌ થાકે એટલે પછી પંદરવીસ જણાની ટૂકડીઓમાં આગળથી નક્કી થયા મુજબ સૌ પોતાના ડબ્બા ખોલી સાચી ડાબડા-ઉજાણી શરૂ થાય. વાતોની મજા માણતાં માણતાં એ ખાવાની જે મજા આવે…! સૌના ઘરની વિશિષ્ટાભરેલી વાનગીઓ ખાવાનીય એક અનેરી મજા હોય છે. કુનાલની મમ્મીની સુખડીની ખાસિયત તો સુનિલના મમ્મીની સૂકીભાજી તો બસ મોંમાં સ્વાદ રહી જાય તેવી. આ મજા માણતાં માણતાં મિત્રો વચ્ચેથી આત્મીયતાય વધે છે અને એ આત્મીયતા જીવનપર્યંત ટકી રહે છે. આજના ફેમિલી પ્લાનિંગના જમાનામાં તો ભાઈને ભાઈ ન હોય, બહેનને બહેન ન હોય, માબાપને એક જ દીકરી ને એક જ દીકરો હોય એમને તો મિત્રોની આત્મીયતા ખૂબ જરૂરી બની જાય અને એટલે આવા પ્રવાસો જો યોજાય તો મિત્રોની વચ્ચેની એ નજદીકતા વધુ ગાઢ બને, પણ આજકાલ તો હવે હોટલ કલ્ચર શરૂ થયું છે. ક્યારેક તો આપણને એમ થાય કે માણસ જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે ? બાલમંદિરના પ્રવાસેથી નાનકડાં ભૂલકાંઓ આખો દિવસ આનંદકિલ્લોલ કરી પાછાં ફર્યાં. અને એ બાળકનેય વહાલથી તેડી લેવાને બદલે મા એને પહેલો જ પ્રશ્ન પૂછે છે, ‘તેં શું ખાધું હતું ? તને ભાવ્યું હતું ?’ પ્રવાસમાં બાળક શું મજા કરીને આવ્યું તેમ પૂછવાને બદલે માત્ર ખાવામાં જ જીવનની બધી જ મજા સમાઈ જતી હોય તેમ માનતાં આજનાં માબાપ તેમનાં બાળકોનું શું ઘડતર કરશે ?

શાળામાં પ્રવાસો યોજાય છે વિદ્યાર્થીના વ્યક્તિત્વના ઘડતર માટે. એ ઘડતર તો જ થાય જો તેને પ્રવાસમાં થોડી અગવડ પણ સહન કરવાની આવે. જીવનમાં બધું જ ઈચ્છીએ અને ધારીએ તેમ તો નથી જ થતું. કેટલીક અગવડો વેઠતાંય શીખવું જરૂરી છે, પણ આજે તો માબાપની તેમનાં સંતાનો માટેની એટલી અધીરાઈ હોય છે કે બાળકને સહેજ પણ અગવડ પડે તે તેઓ સહન કરી શકતાં નથી. એને પાણી કહેતાં દૂધ ધરી દેવાની ટેવ પાડે છે. આ બધું તો બરાબર પણ પ્રવાસનાં સ્થળને માણવું એ પણ પ્રવાસની એક વિશિષ્ટ જરૂરિયાત તો છે ને !

સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ યોજાય ત્યારે ત્યાં જતાં પહેલાં એ સ્થળની વિશિષ્ટતાનું સાહિત્ય બાળકોને આપવામાં આવે. બાળકો જતાં પહેલાં તેનો રસપૂર્વક અભ્યાસ કરે, આવું ઓરિએન્ટેશન થયું હોય તો બાળકો એ સ્થળનું વધુ રસપૂર્વક અને સૂક્ષ્મ રીતે અવલોકન કરી શકે અને પ્રવાસ સફળ નીવડે. પ્રવાસ ફક્ત ખાઈ-પીને મોજમજા કરવા નથી હોતો, પ્રવાસથી માણસના વ્યક્તિત્વનું સર્વાંગી ઘડતર થાય. એ નવું નવું જાણે, સમજે, શીખે, એની જિજ્ઞાસાને પુષ્ટિ મળે. મનને આનંદ અને શાંતિ મળે એ પણ એટલું જ મહત્વનું છે. આવાં સ્થળોનો પ્રવાસ તો યોજીએ પણ પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓને એમાં રસ જ ક્યાં હોય છે ! એમને મન તો ખાવું-પીવું ને હરવું-ફરવું ને મિત્રો સાથે તોફાન-મસ્તી કરવી. જ્યાં માબાપની કોઈ રોકટોક ન હોય એ જ પ્રવાસની મજા એવું આજે બાળકો માનતાં થઈ ગયાં છે. આવા પ્રવાસો યોજાય છે ખરા પણ એની પાછળનું હાર્દ સમજ્યા વિના યોજાતાં પ્રવાસોમાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થવા ઉપરાંત વિદ્યાર્થીનું ઘડતર રજમાત્ર પણ થતું નથી એ હકીકત મનમાં ખટકે છે. તળાવે જઈને તરસ્યા પાછા આવતા આ વિદ્યાર્થીઓ માટે મને કરુણા ઊપજે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન – કાન્તિ શાહ
વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારો – સામ પિત્રોડા Next »   

18 પ્રતિભાવો : પ્રવાસનું તાત્પર્ય – ડૉ. ઊર્મિલા શાહ

 1. Ruchir says:

  fantastic.. really appreciate your work.. keep it up

 2. Pinky says:

  પ્રવસમા અમે પણ જતા અને લેખકે જે વાત કરિ તેવો જ પ્રવસ કરતા અને મજા પણ આવતિ. આજે તો બધુ જે ભૌતિકતાના માપે જે ચાલે ચ્હે. ખાવાપિવાનુ મહત્વ વધારે થઇ ગયુ ચ્હે. ઊજાણિ નો મતલબ જ બદલાય ગયો ચ્હે.

 3. Rima says:

  ઘણો રસપ્રદ લેખ. સાથે એટલો જ સાચો. આજે તો અહી અમેરીઅક માં વસવાટ ને ૨૦ વર્ષો થઇ ગયા પણ બાળપણ યાદ આવી ગયું. અમારે ૫થ ધોરણ સુધી અમારા ગામ માં જ પ્રવાસ ગોઠવતો. અમે બધા હારબંધ ચાલી ને પ્રવાસ સ્થળે પહોચતા. બસ લખ્યું છે એ જ રીતા, કોઈ ના ઘર ની પૂરી તો કોઈ ના ઘર ની બટેટા ની સુકીભાજી. થોડા મોટા થયા પછી ૩૦-૫૦ક્ગ દુર ના સ્થળે જતા. પણ ખર્ચો હમેસાહ સાવ થોડો આવતો. અમારા માતા-પિતા કોઈ દિવસ પણ નાની-નાની ફિકર ન તા કરતા. હમણાં મારા નજીક ના સગા ભારત થી આવિયા, મહિનો અમારી સાથે રાવ અંદ અમેરિકા જોવા. મને તો ધક્કો જ લાગ્યો એ જોઈ ને કે બાળકો ને માતા-પિતા કેમ ઉછેરે છે. અતિશય લાડ, બાળકો માં કશું સ્વેકારવા ને વૃતિ નહિ, એમના બાળકો ને અપના થી કશું કેહવાય નહિ. બાળકો ની લાખ ખોટી જીદ હોય તોય માતા-પિતા ટોકવા ની બદલે જાણે એના વકીલ! બાળકો ને તેમન સ્ચૂલ ના ટીચર ને વિરુદ્ધ બધું સમજાવે, શાળા માં ટીચર વધે તો માતા-પિતા જગડા કરવા શાળા પહોચી જાય. મને કહે કે તમારી દીકરી (૧૬ વર્ષ) આજે ભારત આવે તો ત્યાં ક્યાય ખોવાઈ જાય કારણ કે અમારા અજ ના બાળકો જેવી તે સ્માર્ટ નથી. જુવો ને બિચારી બધું ચલાવી લે છે!!!
  આશા રાખું કે માતા-પિતા બાળકો ને બાળક જ રહેવા દે અને પોતાના અભિમાન નું રમકડું ન બનાવે.

  અભાર સહ,
  રીમા

  • Jagruti Vaghela USA says:

   શ્રી રીમાબહેન,
   તમારી વાત સાથે સંમત છું. હું પણ અહિં અમેરિકામાં ૧૮ વર્ષથી છું અને જ્યારે પણ ઈન્ડિયા જાઉ કે મારે ત્યાં કોઇ રિલેટિવ ઈન્ડિયાથી આવે ત્યારે આવો જ અનુભવ થાય છે. આપણે પરદેશમા રહીને આપણા બાળકને ભારતિય સંસ્કાર આપીએ છીએ અને ત્યાં(ભારતમા) લોકો પશ્ચિમનુ ખોટુ અનુકરણ કરીને આપણને એવુ બતાવવા જાય કે અમે તમારી કરતા વધારે હોંશિયાર છીએ ! ! !

   • hiral says:

    કદાચ તમારી વાત સાચી હશે. પણ જ્યારે કોઇ અમેરિકાથી ઇંડિયા આવે છે તો ઘણી શો-બાજી પણ કરતાં હોય છે. એમનાં માટે એ સાધારણ વાત હોય (અમેરિકાની રહેણી-કરણી પ્રમાણે), પણ ઇંડિયામાં એ જાણે-અજાણ્યે લોકોમાં લઘુતાગ્રંથિ જન્માવે છે અમેરિકાની મોટી મોટી વાતો કરીને. એટ્લે ક્યારેક ઈંડિયાના લોકો અમે તમારાં કરતાં ઉતરતાં નથી જ એમ બતાવવા પણ ઘણી વાતો બઢાઇ-ચઢાઇ કહેતાં હોય છે.

    • Ashish Dave, Sunnyvale, Califronia says:

     મોટા ભાગે પામતા પહોચતા લોકો જ અમેરીકા દર્શને આવે છે. તેમના બાળકોનો ઊછેર જોઊ છુ ત્યારે ખરેખર એ બાળકોની દયા આવે છે. મારી ૮ વરસની દીકરી ડીઝનીલેન્ડમા રાત્રે ૧૨ વાગે પણ કહેતી હોય છે કે હજુ એક વધુ રાઈડ પતાવી દઈયે ત્યારે ત્યાથી આવેલા છોકરાઓ સાંજે ૭ પછી ચાલવામા પણ અખાડા કરતા હોય છે.
     અને તેમના મા બાપ પણ તેમને પોપલાવે છે. કા તો પૉરસાય છે કે અમારા બળકો ન ચાલે. એમને ટેવ નથીને!!!

     Ashish Dave

     • Jagruti Vaghela USA says:

      શ્રી અષિશભાઈ,
      તમારી વાત સાચી છે કે માબાપ જ બાળકોને પોપલાવે છે અને બાળકોના એવા વર્તનથી પાછા ગર્વ અનુભવે છે.

 4. Sunita Thakar (UK) says:

  ખુબ જ સાચુ. સરસ લેખ. પ્રવાસ મા ગયા પછિ જો અગવડતા જ ન પડે તો તેને પ્રવાસજ ના કેહવાય. આજે પણ અમે ફેમિલી અને ફ્રેન્ડસ સાથે દરીયા કિનારે જઈ એ ત્યારે ઘરે થી થેપલા, ભાજી, છુન્દો, અથાણુ, બટાકા પોવા જેવૉ સાદો નાસ્તો ભેગા મળી ને જંમી ને આનંદ સાથે જૂના દીવસો યાદ કરીએ છે. ઘરે થી બનાવી ને ઉચકી ને લઈ જવા ની અગવડ થી બચવા ઘણા લોકો બહાર હોટલ મા ખાવા નુ વધારે પસન્દ કરે ચે પણ તેંમા એવી મજા ક્યા?

 5. hiral says:

  ખુબ સુંદર લેખ. આજના માતા-પિતા અને શાળા માટે ખાસ ઉપયોગી. વિચારો.

 6. jatin maru says:

  ખુબ જ સાચો અને સારો વિચાર રજુ કર્યો ચ્હે, આજ ના મા બાપ પોતાના બાલક ને એતલા ઓવર પ્રોતેક્તેદ કરિ દે ચ્હે કે બાલકો એકદમ નમાલા બનિ જાય ચ્હે, અને સમય આવ્યે બાલક પદકારો નો સામનો કરિ શકતા નથિ, એતલે જ તેઓ નિસ્ફલતા નો ભોગ બને ચ્હે. આવે વખતે આ લેખ આખ ઉઘાદનારો ચ્હે.

 7. maullik says:

  Really interesting and wants to go back to India and enjoy such a trip to
  DAKOR , GALTESHWAR,DEHGAM,ABU,AMBAJI,DWARKA…..
  .lot many places but i wish to be there for a while…….
  some times i feel that how lucky the people who are living at this kind of place. Their life is picnic in many ways…….

 8. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સુંદર લેખ.

 9. trupti says:

  હાલ ના જમાના મા ફ્ક્ત સગવડતાભર્યો પ્રવાસજ નહીં પણ શિક્ષણ પણ સગવડતાભર્યુ થઈ ગયુ છે. આજ કાલ તો સ્કુલથી જ વાતાનુકુલિત( એ.સી.) કક્ષામા ભણવાની બાળકોને ટેવ પાડવા મા આવે છે અને મા-બાપ પણ પોતાના બાળકને એવી શાળામા મુકતા ગર્વ અબુભવે છે. શાળા/કોલેજો મા એ.સી, ટ્ય્સન ક્લાસમા એ.સી., ઘરમા એ.સી., કાર મા એ.સી, શોપીગ મોલ મા એ.સી. માટે ૨૪ કલાક બાળક એ.સી.મા જ રહે માટે તડકો શું હોય ગરમી શું હોય તેનો તમને અનુભવજ નહોય. માટે જો એવી જગ્યાએ જવાનુ આવે જ્યાં એ.સી ન હોય ત્યારે તેમને એટલી તકલીફ પડે કે તેનો અંદાજો લગાવવો પણ મુસ્કીલ. કાલનો જ દાખલો આપુ તો અમારા મકાન મા એક છોકરો ચાર્ટ્ડ અકાઉન્ટસી ની પરિક્ષા આપે છે જે કાયમ મે મહિના મા હોય અને નવે. મહિના મા હોય. અત્યારે તે છોકરો પરિક્ષા આપી રહ્યો છે અને જે તેની હાલત થાય છે કે તે પેપર પુરા કરી શકતો નથી કારણ જે કોલેજમા તેનુ સેંટર આવ્યુ છે તેમા એ.સી. નથી અને પંખા પણ બરાબર કામ નથી કરતા અને પરિક્ષા નો સમય છે બપોરે ૨ થી ૫, તેની મમ્મી બળાપો કાઢતા હતા. પણ તેને માટે કોણ જવાબદાર!.

  • Neekita says:

   પુરતા ઝાડ નહિ વાવનાર મ્યુનિસિપાલિટી અને વાવેલા ઝાડ સાચવિ નહિ શકનાર નાગરિકો – કારણ કે ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપ સહન કરવા માનવ શરીર બન્યું નથી. ઍમાં કોઇ પોપાબાઈના ……. નથી બની જતા.

 10. Ashish Dave, Sunnyvale, Califronia says:

  સુન્દર અવલોકન… મને પણ મારા બધા પ્રવાસો યાદ આવી ગયા.. ભદ્રેશ્વર, ગાંધીનગર, ઉત્ક્ટેશ્વર, ડાકોર, ગળતેશ્વર્, સાસણગીર, દુધસાગર ડેરી, નળ સરોવર…

  Ashish Dave

 11. જગત દવે says:

  બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે દેશની ૮૦% જનતા જે પરિસ્થિતીમાં રહેતી હોય તે પરિસ્થિતીથી તેને અવગત તો કરાવવા જ જોઈએ.

  ગાંધીજી એ જ્યારે દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા બાદ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રીય થવાની ઈચ્છા જાહેર કરી ત્યારે ગોખલેજી એ તેમને સાંપ્રત ભારતીય પરિસ્થિતી થી વાકેફ થવા રેલ્વેનાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરવા સલાહ આપેલી. આ પ્રસંગને ‘ગાંધી’ ફિલ્મમાં પણ બહુ જ સરસ રીતે વણી લેવાયો છે.

  મેં જોયું છે કે મોટાભાગે વધારે પડતી સગવડોમાં ઉછેરાતાં બાળકો, આગળ જતાં અગવડતામાં જીવતાં લોકો પ્રત્યે આદર નથી દેખાડી શકતાં અને તેને તુચ્છકારે અથવા ધિક્કારે છે. ભારતમાં આમેય ધર્મ અને જાતીગત ધૃણા અને મિથ્યાભિમાન વધારે પ્રમાણમાં છે અને તેમાં આર્થિક અસમાનતા બળતાંમા ઘી હોમવાનું કામ કરે છે.

  આ પ્રવાહોની વ્યાપક અસરોનાં આપણે સહું સાક્ષી છીએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.