વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારો – સામ પિત્રોડા

[ ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રી સામ પિત્રોડાનું નામ જાણીતું છે. તેમણે 24મી માર્ચ, 1995માં અમદાવાદમાં આપેલું 19મું વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેકચર (અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન) અહીં ‘વિચારવલોણું’ માર્ચ-2010ના અંકમાંથી સાભાર પ્રકાશિત કરવામાં આવ્યું છે.]

હું વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારોની બે સ્તરે વાત કરીશ – વિશ્વ સ્તરે અને રાષ્ટ્રના સ્તરે. વિશ્વ સ્તરે, 20મી સદીની વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભે જે છાયાઓ ઉપસે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરું તો ત્રણ-ચાર મુખ્ય ટેકનોલોજીઓ 21મી સદીમાં ઉભરતી દેખાય છે. અને આગામી વીસ-ત્રીસ વર્ષમાં દશ મુખ્ય વૈશ્વિક ફેરફારો જોઈ શકું છું. રાષ્ટ્રીય સ્તરે હું એ તપાસીશ કે આઝાદીનાં 45-50 વર્ષો દરમ્યાન શું બન્યું, આજની વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્થિતિ અને ભવિષ્યના દશ મુખ્ય મુદ્દાઓ, જે હું જોઈ શકું છું.

જ્યારે હું વીસમી સદી તરફ જોઉં છું ત્યારે મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે : ગુલામી, આઝાદી અને વિશ્વબજાર. મારા મનમાં જે છાયાઓ ઉપસે છે તે છે માનવસંહાર, હિરોશીમા, જાતિભેદ, વિશ્વયુદ્ધ, ગરીબી, અજ્ઞાનતા, પર્યાવરણ, ઉથલપાથલો અને દરેક સ્તરે શાંતિ અને સમૃદ્ધિથી અપેક્ષાઓ. વીસમી સદીમાં આપણે એક મહત્વનો બદલાવ જોયો – મૂડી આધારિત ઔદ્યોગિકી એકમો તરફથી જ્ઞાન આધારિત માહિતી એકમો. ઈલેક્ટ્રોનિક્સનું બહુ મોટું મોજું આવ્યું જેણે છેલ્લાં સીત્તેર વર્ષમાં દુનિયાની શકલ બદલી નાખી. અમેરિકાના દરેક ઘરમાં ઈલેક્ટ્રોનિક્સ ઘૂસી ગયું છે. બ્લેન્ડર્સ, વોશર્સ, ડ્રાયર, ગેરેજ ડોર ઓપનર… એટલું બધું વ્યાપી ગયું છે કે આપણી જાણ બહાર આપણી આસપાસ પથરાઈ ગયું છે. કમનસીબે, વીસમી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ વિનાશ અને વિકાસ, બંને માટે થયો. યુદ્ધનું સંરક્ષણ તંત્ર ઘડવામાં ખૂબ સમય, શક્તિ, ધન અને સંસાધનો વપરાયાં. આ સામ્રાજ્યવાદી માનસિકતાએ આપણા પર મોટો બોજ મૂકી દીધો, જેને સાથે લઈ વર્ષો સુધી ચાલ્યા. વિશ્વયુદ્ધોએ દેશોને વિચારધારાઓમાં વિભાજિત કરી દીધાં. આપણે લોખંડી પરદાઓ બનાવ્યા અને અબજો રૂપિયા સંરક્ષણનાં સાધનો માટે ખર્ચ્યા. વૈજ્ઞાનિકોએ જીવનપર્યંત ન્યુક્લિયર બોમ્બ, મિસાઈલ્સ, અવકાશીયુદ્ધો પાછળ કામ કર્યું અને પાયાના વિકાસ તરફ દુર્લક્ષ સેવ્યું. વૈજ્ઞાનિકોને વિનાશ અને વિકાસના એ વિશિષ્ટ મિશ્રણનું કામ સોંપાયું. આને કારણે જીવનની ગુણવત્તાને અસર થઈ. જીવનધોરણ ઊંચું આવ્યું પણ ઘણી જગ્યાએ જીવનની ગુણવત્તા વિષે મને શંકા છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોટાભાગની શોધોને આર્થિક ભંડોળ સરકારી કાર્યક્રમો દ્વારા મળ્યું. પછી એ મૂળભૂત વિજ્ઞાન હોય કે વિજ્ઞાનનો ઉપયોગ હોય. જ્યારે પ્રમુખ કેનેડીએ કહ્યું કે માણસ ચંદ્ર પર પહોંચવો જોઈએ ત્યારે અબજો ડૉલરની જરૂર પડી, જેને કારણે માઈક્રો ઈલેક્ટ્રોનિક્સ, કેલક્યુલેટર અને સંબંધિત શોધો પાછી ઠેલાઈ. પરિણામે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં લોકો વિભાજિત થયા. સંદેશા વ્યવહારની ટેકનોલોજીએ માણસને માણસની સાથે જોડવો જોઈએ, પણ એણે માણસને મશીન સાથે જોડી દીધો. માણસ-માણસ વચ્ચે નહીં પણ માણસ-મશીન વચ્ચે સંવાદ થયો. અમેરિકાના બાળકને કોમ્પ્યુટર નેટવર્ક સાથે કામ પાર પાડતા આવડે છે પણ પડોશીના બાળક સાથે રમતાં નથી આવડતું. તો, ટેકનોલોજીએ કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા. કેટલાકે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, કેટલાકે દુરપયોગ કર્યો. ટેકનોલોજી પાછળનો મૂળ આશય છે સગવડતાઓ વધારવી, આપણી શારીરિક શક્તિઓની બહાર નીકળીને કામ કરવા, પણ કમનસીબે ઘણા વિકસતા દેશોએ ટેકનોલોજીને રોમાંચક, શોખની વસ્તુ, વિદેશી, પરગ્રહની, આકર્ષક અને પ્રશ્નોને ઉકેલનારી નહીં, એવી માની લીધી છે. ઘણા લોકો મને કહે છે, ‘તમે દરેક વસ્તુને માત્ર મેનેજમેન્ટ અને ટેકનોલોજીના દષ્ટિકોણથી જ જુઓ છો.’ હું કહું છું કે, ‘એ બંને મારા ચશ્માના બે કાચ છે.’ આ એ જ માણસો છે જે ટેલિફોન, કોમ્પ્યુટર વાપરે છે, ટી.વી. જુએ છે, એરોપ્લેનમાં મુસાફરી કરે છે પણ સ્વીકારતા નથી કે રોજબરોજની જિંદગીમાં ટેકનોલોજીના ફાળોનો આનંદ લે છે.

હું ભવિષ્યમાં ટેકનોલોજીમાં આવા વલણ જોઉં છું : (1) બધું જ નાનું (મીનીએચર) થતું જાય છે. (2) દરેક ટેકનોલોજી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારે છે અને હજુ વધારવામાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. (3) ટેકનોલોજી ઉત્પાદન કિંમત ઘટાડે છે. આ દ્વારા જ તમે ટેકનોલોજીને દરેક ઘરના દ્વારે પહોંચાડી શકો. (4) ટેકનોલોજી પર્યાવરણની મિત્ર બનતી જાય છે. લોકો હવે સભાન બનતા જાય છે કે જે ટેકનોલોજી તેઓ વાપરે છે તે પર્યાવરણના હિતમાં છે કે નહીં. (5) એક સમાન ધોરણ (standardization) અપનાવવાથી તમે તમારું બજાર વિસ્તારી શકો અને કિંમત ઘટાડી શકો. (6) ટેકનોલોજીમાં માણસો હવે સમયની કિંમત સમજતા થયા છે. સમય અગત્યનું સંસાધન છે. ટેકનોલોજી અને સમયનો સંબંધ સમજવો પડે. (7) ટેકનોલોજી આરામ-સગવડતા વધારે છે. આથી મોજશોખની ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે. (8) ઉત્પાદન ક્ષમતા વધારવા સ્વયં સંચાલિત યંત્રો વધતાં જાય છે જે મહેનત અને ખર્ચ ઘટાડે છે. આથી રોજગારી પણ ઘટતી જાય છે. (9) ટેકનોલોજીનો વિસ્તાર આપણને એ વિચારવા ફરક પાડશે કે શું રૂપિયાની નોટો છાપવી જરૂરી છે ? ‘ઈલેક્ટ્રોનિક કેશ’ ચલણમાં આવી જશે.

ટેકનોલોજીના આ બધાં વલણો મારી દષ્ટિએ નીચે મુજબના પડકારો ઊભા કરે છે :
[1] સંરક્ષણ અને વિનાશના આધાર પર ઊભેલા ઉદ્યોગોને સંમોષિત વિકાસ (Sustainable development) તરફ વાળવાના : ટેન્ક બનાવતા ઉદ્યોગને ટેલિકોમ તરફ કેવી રીતે વાળવો ? રશિયા અને અમેરિકા માટે આ મહત્વનો પ્રશ્ન છે. વિકાસશીલ દેશો પોતાનો સંરક્ષણ ખર્ચ વધારતા જાય છે અને વિકસિત દેશો સંરક્ષણનાં સાધનો ગરીબ દેશોને વેચે છે.

[2] ટેકનોલોજીનો ઉપયોગ માનવની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે થાય : આપણે (ભારતે) પીવાના પાણી, સાક્ષરતા, રોગ પ્રતિકાર, રહેઠાણ, સફાઈ વગેરેમાં ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ધ્યાન નથી આપ્યું, કારણ કે આ બધા વિષેની ટેકનોલોજીનો વિકાસ છેલ્લાં સો વર્ષોમાં પશ્ચિમી જગતમાં થયો છે. આ ટેકનોલોજીમાં પૂર્વનો કોઈ ફાળો નથી. ભારતીયોએ કોઈ શોધ નથી કરી. પૂર્વ ભલે પોતાના ભવ્ય ભૂતકાળની ગાથાઓ ગાય, પણ છેલ્લાં સો વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીન ઉદ્યોગમાં એનો ફાળો શૂન્ય છે. આપણે આ કહેતા નથી, કારણ કે એથી આપણું સ્વમાન ઘવાય છે પણ જીવનનાં આ સત્યો છે. પરિણામે, ટેકનોલોજી દ્વારા બધો જ વિકાસ માનવની મૂળભૂત જરૂરિયાતોને બાજુએ રાખીને જ થયો છે. કારણ કે જેણે ટેકનોલોજી વિકસાવી એમની મૂળભૂત જરૂરિયાતો ક્યારથી પૂરી થઈ ગઈ છે. જેને સફાઈ, પીવાનું પાણી વગેરેની જરૂર છે તેમની પાસે કાં તો સાધનો નથી અથવા તો એ વિષે ઈચ્છા કે દબાણ નથી.

[3] ઊર્જા, પર્યાવરણ અને અન્ય જરૂરિયાતો માટે વાજબી ખર્ચે સામાજિક મિલકત ઊભી કરવી.

[4] ટેકનોલોજીને માણસની નજીક લાવવી, વિજ્ઞાનના વ્યાપક શિક્ષણ દ્વારા પરંપરા અને ટેકનોલોજીનો સંબંધ ઊભો કરવો : દા..ત આફ્રિકામાં 1995માં પાંચ કરોડ સ્ત્રીઓ પર યોનિ સીવી લેવાની વિધિ થઈ. આનું કારણ પરંપરા છે. માલાવીમાં એઈડસના ઉપચાર માટે કોઈ મંત્રેલું પાણી આપે છે એ માટે હજારો લોકો ખટારા ભરીને જાય છે. આ અજ્ઞાનતા સામે કેવી રીતે લડશો ? જ્યારે જ્યારે પરંપરાથી ટેકનોલોજી તરફ જશો ત્યારે તાણ, તોફાન ઊભા થશે. આ બહુ મોટો પડકાર છે.

[5] સંસાધનો ઊભાં કરવા : હવે જ્યારે બધે સરકાર બહાર નીકળતી જાય છે અને ખાનગીકરણ વધતું જાય છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ધન સહયોગ ક્યાંથી આવશે ? ખાનગીરાહે આવતું ધન યોગ્ય પ્રોજેક્ટમાં વપરાશે ? એ તો પૂછશે કે તમે આવતીકાલે સવારે પરિણામ આપશો ? જો ના, તો મારે તમને ધન શું કામ આપવું ? તો સાચી દિશામાં રિસર્ચ કરવા માટે, જેનું પરિણામ તમે આગામી 50 વર્ષ સુધી કદાચ જોઈ ના શકો, એનું ભંડોળ ક્યાંથી આવશે એ ભવિષ્યનો મોટો પડકાર છે.

[6] ટેકનોલોજીનું નિયમન : વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સારું નિયમન કેમ થાય એ હજુ આપણને સમજાયું નથી. વૈજ્ઞાનિકો કહે છે : ‘અમારું નિયમન ન કરો. અમે મૂળભૂત આવિષ્કાર કરીએ છીએ. અમે પરિણામો નથી બનાવતા. તમે અમારા કામમાં માથું ન મારી શકો.’ પણ પરિણામ આપવા માટે દબાણ તો વધવાનું જ. જૂના જમાનાની સરકારી ભંડોળની સાહ્યબી હવે પૂરી થઈ. આ પ્રક્રિયામાં માહિતીનો અસહ્ય વધારો થશે. આજે, કારણ કે દર પાંચ વર્ષે જ્ઞાન બમણું થાય છે, ત્યારે બહુ બધી માહિતીનો ખડકલો થયો છે. આજે જ્યારે કોઈ માહિતી માટે હું ઈન્ટરનેટ પર બેસું છું ત્યારે અઢળક માહિતી મારી સામે આવે છે. એમાંથી જ્ઞાન જુદું પાડવું મને બહુ અઘરું પડે છે. લોકો તમને માહિતી ખૂબ આપશે, પણ પૂરતું જ્ઞાન નહીં. અને એ પ્રક્રિયા – માહિતીમાંથી જ્ઞાન છુટ્ટું પાડવું – ખૂબ સમય માંગી લે છે. આમ આ એક વધુ પડકાર છે – માહિતીમાંથી જ્ઞાન પેદા કરવું અને જ્ઞાનને આધારે કામ કરવું.

[7] રોજગારી : કૃષિ ક્ષેત્રમાંથી વધારાના માણસો ઉદ્યોગમાં ગયા. હવે ઉદ્યોગ ક્ષેત્ર નીચું જતું જાય છે અને માહિતી ક્ષેત્ર ઊંચું આવતું જાય છે. કમનસીબે, ઊંચા આવવાની ગતિ પૂરતી ઝડપી નથી. આપણે સેવા ક્ષેત્રમાં પૂરતી રોજગારી ઊભી નથી કરતા. પણ ઉદ્યોગોમાં જગ્યાઓ ઝડપથી ઓછી કરવા માંડ્યા છીએ. આ રોજગારીનો એક મોટો પડકાર છે.

[8] વૈશ્વિક માહિતી કેન્દ્રની સ્થાપના : બ્રેસેલ્સમાં અને પારિસમાં આ વિષે વિચારણા થઈ. પારિસમાં મારું એક બેઠકમાં કી નોટ એડ્રેસ હતું. મારી ફરિયાદ એ રહી કે આ G-7 જ છે. આમાં વિકાસશીલ દેશોની સામેલગીરી તો નથી. આ એક એવો રાજમાર્ગ છે જેમાં ભવિષ્યમાં ઘેર બેઠા ફોન-ઈન્ટરનેટની મદદથી તમે અબજો રૂપિયાનું નિયમન કરી શકશો. આમાં આપણે કેવી રીતે ભાગ લેશું તે મહત્વનો પડકાર છે.

[9] સૌથી અગત્યની વાત આ છે – દરેક કાર્યો – પ્રક્રિયાઓ, જે આપણે વીસમી સદીમાં કર્યાં, એ વિષે પુન:વિચારણા (Re-engineering) : ન્યૂયોર્કમાં બેઠેલો ડૉક્ટર, આફ્રિકાના દર્દીની શસ્ત્રક્રિયા કરશે. આ પ્રમાણે વકીલ, હિસાબનીસ, શિક્ષક, દરેકના કામમાં પરિવર્તન આવશે.

આપણા પ્રાથમિક શિક્ષણ તરફ નજર નાખો. છેલ્લાં 50 વર્ષથી એ બદલાયું નથી. હજુયે શિક્ષક ચોક, ડસ્ટર, પાટિયું, નાનો ઓરડો, ગીચોગીચ બેઠેલાં બાળકો અને કદાચ હજુએ શિક્ષક પાસેની સોટી. પશ્ચિમી જગતમાં પણ આમ જ છે. પાંચ-છ વર્ષનું બાળક આજે મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર પર કામ કરતાં શીખે છે. એને જ્યારે શિક્ષક A, B, C, D શિખવાડે છે ત્યારે બાળકને અપમાન થતું લાગે છે, એ હતાશ થઈ જાય છે. તો આગામી દસ-વીસ વર્ષમાં આપણી પાસે શિક્ષણનાં કેવાં સાધનો હશે ? એવું બને કે તમારે કૉલેજે જવાની જરૂર જ ન પડે. પ્રશ્નપત્રો, પરીક્ષાઓ કદાચ બારી બહાર ફેંકી દેવાશે.

મિત્રો, હું માનું છું કે ભવિષ્યના આ પડકારો વાસ્તવિક છે. સમય જ કહેશે કે આપણી ખરી જરૂર છે ‘માણસો’ની. મારા મતે હેતુ સ્પષ્ટ છે, પ્રક્રિયાઓ સ્પષ્ટ છે પણ એ માટેના માણસો ક્યાં છે ? એ મને ડૉ. વિક્રમ સારાભાઈ પાસે લઈ જાય છે. આપણને એના જેવો માણસ જોઈએ છે. સમર્પિત, દઢનિશ્ચયી, સંબંધિત, હિંમતવાન…. પચાસ વિવિધ ક્ષમતાઓ એકમાં ભરી હોય (માત્ર દસ-વીસ નહીં). આપણે શિક્ષિત, અનુભવી, પ્રામાણિક, ઈમાનદાર, સમર્પિત, દષ્ટિવાન બનવાનું છે. આપણે વધુ ને વધુ આવા માણસો જોઈશે. આપણે એમને કામ સોંપીશું, અધિકારો આપીશું, ટેકો આપીશું, એમનો વિશ્વાસ કરીશું, ભૂલો કરવાનો અધિકાર આપીશું. આપણે બધી બાબતોની, બધા લોકોની ટીકા કરવાની જરૂર નથી. જો આપણે સાચા માણસો પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તો હેતુ અને પ્રક્રિયાની સ્પષ્ટતા આપણી મદદે આવશે અને આપણે ઈચ્છિત પરિણામો મેળવી શકીશું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવાસનું તાત્પર્ય – ડૉ. ઊર્મિલા શાહ
સંબંધો વગરનું સહજીવન – હિરલ શાહ Next »   

10 પ્રતિભાવો : વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારો – સામ પિત્રોડા

 1. શ્રિ સામા પિત્રોદા ભાઈ , આપનિ મહિતિ સભર લેખ ખરેખર ખુબ સરસ છે . વિજ્ઞાન અને તેકનોલોજિનો આટલો ઉન્ડો અને ગહન વિચાર !
  આપે બતાવેલ પડકરો માના કેટલાક નો તો અત્યારે જ સામનો કરવો પડે ચે.

 2. જગત દવે says:

  નીચેનાં વિચારો ઘણું કહી જાય છે………
  “ભારતે) પીવાના પાણી, સાક્ષરતા, રોગ પ્રતિકાર, રહેઠાણ, સફાઈ વગેરેમાં ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ધ્યાન નથી આપ્યું, કારણ કે આ બધા વિષેની ટેકનોલોજીનો વિકાસ છેલ્લાં સો વર્ષોમાં પશ્ચિમી જગતમાં થયો છે. આ ટેકનોલોજીમાં પૂર્વનો કોઈ ફાળો નથી. ભારતીયોએ કોઈ શોધ નથી કરી. પૂર્વ ભલે પોતાના ભવ્ય ભૂતકાળની ગાથાઓ ગાય, પણ છેલ્લાં સો વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીન ઉદ્યોગમાં એનો ફાળો શૂન્ય છે. આપણે આ કહેતા નથી, કારણ કે એથી આપણું સ્વમાન ઘવાય છે પણ જીવનનાં આ સત્યો છે. “

  • hiral says:

   હું શાળાજીવનથી ડો. સેમ પિત્રોડાની ફેન છું. એ.સ.ટી.ડી, પી.સી.ઓ, શું છે અને કેવી રીતે કામ કરે એનાં જવાબો શોધતાં મને આમનાં વિચારો વિશે ઘણું વાંચવા મળ્યું. આ લેખ મેં વિડીઓ પર પણ જોયો છે. અહીં વાંચવાની મજા આવી.

   તમારી વાત સાચી છે જગતભાઇ,

   પર્ંતુ, પશ્ચિમી જગતમાં જે બધી શોધો થઇ છે, તે મુળભુત રીતે સ્ંરક્ષણ માટે થઇ છે. (યુ.એસ, ઉ.કે આર્મી) જેમકે લેસર, કમ્યુનીકેશન પ્રોટોકોલસ, સોફ્ટ્વેર, ટ્રાંઝીસ્ટર, માઇક્રોચીપ, સેટેલાઇટ વગેરે.
   અને હવે ભારત આઇ.ટી અને કમ્યુનીકેશન ના લીધે હવે ખરેખર તમે જણાવેલા મુળભુત જરુરિયાત ના વિષયોમાં ઘણી શોધો કરી શકે તેમ છે. ગામડામાં રહેતા વિધ્યાર્થીની સામે પણ હવે દુનિયાભરની માહિતિ સરળતાથી પ્રાપ્ય છે.
   અને ખરેખર એ બધું કરવું હોય તો આ લેખમાં જણાવ્યા પ્રમાણે આપણી સામે ઉભેલી ચેલેંજોનો અભ્યાસ અને એનાં ઉપાયો થકી આપણે ઘણું કરી શકીએ.

   પણ આ અવાજ લોકો સુધી પહોંચતો કેવી રીતે કરવો?

   બીજી પણ ચેલેંજ છે, પહેલાં કોઇ એક વ્યક્તિ એક લેબમાં બેસીને સ્ંશોધનો કરી શકતી હતી, હવે એ મોડેલ પણ જુનું થઇ ગયું છે. અત્યારનાં કોઇ પણ પ્રોજેક્ટ માટે આખી ટીમની જરુર પડે જ છે. જેના માટે ભારત દેશ ખરેખર કાબેલ છે? આપણામાં પહેલેથી જ એકતાની કમી છે.

   પણ આ લેખમાં જણાવેલાં વિચારો દરેક ઇજનેરી કોલેજો અને શાળામાં પ્રચાર પામે તો ઘણો બદલાવ લાવી શકાય.

   • hiral says:

    મને માફ કરશો, મેં લેખ ઉપરછલ્લો પહેલાં જોયો, લેખનાં નીચેનાં મુદ્દા ધ્યાનથી વાંચ્યા અને તમારી કમેંન્ટ્ને પહેલાં જવાબ લખ્યો. ફરી વાંચતા ખબર પડી કે તામારી કોમેંન્ટ લેખમાંનો મુદ્દો (૨) છે.

  • rughabhai says:

   શ્રી શામ્ પીત્રોડા ભાઇ ભારતે ઘણુ ગુમાવ્યુ તેમા મારા માનવા પ્રમાણે વિકાશ અને ટેક્નોલોજિ ઉપર બિજાઅઓ નો ઈજારો આપણિ પાસે બધુ જ હોવા ચતા સરકાર ની નીતિ બહાર થી ચીજ વસ્તુ સરક્ષણ સાધનો ટેક્નોલોજી લાવવા ઉપર વધારે ધ્યાન કેન્દરિત કરેલ સે દેશ ની પ્ર્જાને ટેક્નોલોજી /નવુ ચીખવા થી દુર રખેલ સે /અથવા ભરોશો નથી/ભરોશો કરવાની જરુરત હતી અને હજુ પણ મોડુ થયુ નથી દરેક વસ્તુ નુ ઉત્પાદન કરવા ક્ષક્ષ્મ ચ્હીએ આપણે

 3. rahul says:

  In 2010 we are reading technology article from 1995 and appriciating it Still we are 15 years behind even in getting information. Great!

 4. DiptiTrivedi says:

  માહિતિ અને જ્ઞાનમાં ફેર છે એવું સમજનારા કેટલા? વળી આવા લેક્ચરને કેટલી વ્યાપકતા મળી? ન્યૂઝ ચેનલ કે અખબાર કે પછી કોલેજના વિદ્યાર્થીવર્ગ સુધી પહોંચે તેવું થવું જોઈએ. શ્રી સામ પિત્રોડા પાસે દૂરદ્રષ્ટિ છે પણ લાગતા વળગતા ક્ષેત્રમાં તેનો અમલ થાય તો લાંબા ગાળે પણ ફાયદો થઈ શકે.વિકાસની હરણફાળમાં આજે વિશ્વ અને આપણો દેશ ક્યાં ઊભા છે તેનુ યોગ્ય શબ્દ દર્શન કરાવવા માટે આભાર.

 5. જગત દવે says:

  માહિતીનાં આ વિસ્ફોટમાં વિજ્ઞાન અને જ્ઞાન તો જરુર આગળ વધી રહ્યા છે પરંતુ જરુર છે ધર્મો ને આગળ વધવાની…….કેમ કે ધર્મ એ માનવજાત માટે ચિંતન પક્રિયાનો પાયો છે. પરંતુ એ સતત ભુતકાળની ભુતાવળમાં ભટક્યા કરે છે અને વિજ્ઞાન અને જ્ઞાનને બાંધી રાખવાનો પ્રયત્ન કર્યા કરે છે અને એ જ ધર્ષણમાં થી અશાંતિનો ઉદભવ થાય છે.

 6. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ માહિતી સભર લેખ, પણ આ લેખમાં કહેવાયું છે તેમ આ માહિતી જ્ઞાનમાં પરિવર્તિત થાય તે એટલું જ મહત્વનું છે, વળી તેની વ્યાપકતા વધે એ પણ જોવાવું જોઇએ, દિપ્તીબેનના જણાવ્યા મુજબ શાળા- કૉલેજના વર્ગ ખંડો સુધી પ્રસરે તે જ્રરૂરી છે.
  મૂળભૂત રીતે જ્ઞાન જ ઉપકારક છે માહિતી નહીં એ સમજાવું જોઇએ.

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  We need many visionary leaders… Unfortunately our leaders are not creating leaders, they are only creating followers…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.