મોંઘેરી મિરાત મીરાં – સં. પ્રદીપ રાવલ ‘સુમિરન’

[ રાજકોટના નિવાસી ડૉ. પ્રદીપભાઈએ મીરાં વિશે લખાયેલા અનેક સાહિત્યકરોના સુંદર ગીતો, ગઝલો અને પદોનું સંકલન કરીને ‘મોંઘેરી મિરાત મીરાં’નામનું એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ એક અનોખું સંપાદન છે. શ્રી પ્રદીપભાઈએ ‘મેઘાણી-મડિયા’ની નવલકથામાં સમાજજીવન’ એ વિષય પર પી.એચ.ડી કર્યું છે. તેમના આ શોધ નિબંધને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક મળેલ છે. આ ઉપરાંત તેઓએ દૂરદર્શન-આકાશવાણી તેમજ અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં પોતાની રચનાઓ રજૂ કરી છે. આજે તેમના આ પુસ્તકમાંની પાંચ કૃતિઓ આપણે અહીં માણીએ. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ શ્રી પ્રદીપભાઈનો ખૂબ ખૂબ આભાર.  આપ તેમનો આ નંબર પર +91 9428345908 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ રચનાઓના અંતે આપવામાં આવી છે.]

[1] મૂરત – કરસનદાસ લુહાર

છે સતત રટણા દુહા-ચોપાઈની;
મન હવે જાણે મઢી ગુંસાઈની.

શ્વાસમાં સૂનો પડ્યો મેવાડ ને –
છે મૂરત આંખોમાં મીરાંબાઈની.

રણ મહીં રૈ’ ગૈ’ છે પગલીઓ હવે,
સાંઢણી દોડી ગઈ પરછાઈની.

ઝેર પ્યાલામાંનું અમૃત થૈ ગયું;
ના’વી બર ઈચ્છા, બૂરી અંચાઈની.

બાઈ મીરાં કૈં નથી કહેતાં બીજું;
શ્યામ કંથા પ્હેરી લો કન્હાઈની.

.

[2] કાંકરીચાળો ક્યારે કરશે……. – કાલિન્દી પરીખ

મનની મીરાં તંબૂર માગે, મેરે તો ગિરિધર ગોપાલ,
ચરણ હવે ઘૂંઘર માગે, મેરે તો ગિરિધર ગોપાલ.
……………………………………… મનની મીરાં તંબૂર માગે….

સાંભળી તારી વાંસળી, જાઉં જળ ભરવા જમનાજી,
આમ જોઉં, તેમ જોઉં, ક્યાંયે ન જાઉં કાનાજી,
નયણાં સારી રાત જાગે, મેરે તો ગિરિધર ગોપાલ,
……………………………………… મનની મીરાં તંબૂર માગે….

માખણની મટુકી માથે મૂકી, ગોકુળની ગલીઓમાં ભટકું,
કાંકરીચાળો ક્યારે કરશે લાલા, રાહની લીલામાં લટકું,
તું જો મારા ગોરસ માગે, મેરે તો ગિરિધર ગોપાલ
……………………………………… મનની મીરાં તંબૂર માગે….

.

[3] મીરાં માગે બે બોલ – પ્રતિમા પંડ્યા

રાધાનું ગાન તમે છોડીને, શ્યામ,
………………………….. હવે મીરાંને સમજો તો સારું
………………………….. જેણે જીવનભર પીધું અંધારું.
છો ને અબોલા તમે રાધા સંગ લીધા,
………………….પણ એ તો છે પળભરની વારતા;
ભવભવથી મીરાં તો માગે બે બોલ,
………………….. તમે ક્ષણભર ન એને સંભારતા !
ગિરધરની એઠ આજ આવશે અહીં ઠેઠ,
……………………………… એમ ઝંખે મીરાં એકધારું.
………………………….. હવે મીરાંને સમજો તો સારું.

મહેલ રે ત્યજીને જેણે મંજીરા લીધા,
…………………એની નોખી કેડી ને નોખી પ્રીત છે,
મીરાંના સરનામે ઝળહળતી ઈચ્છા,
……………………છતાં અંધારે શણગારેલ ભીંત છે.
મંદિરનો મોહ, તમે છોડીને શ્યામ,
………………………….. કરો મીરાંના ગામે અંજવાળું.
…………………………… હવે મીરાંને સમજો તો સારું.

.

[4] મીરાં (હરિગીત છંદ) – વિનોદ જાની

જન્મે ભલે ને માનવી કોઈ મ્હેલ કે કુટિરમાં,
થાય છે જે કૈં થવાનું એ, હોય ભાગ્ય-લકીરમાં;
રાજવી વળી વૈભવી એ ઠાઠને ત્યાગી દીધો,
અગમતત્વને જાણવા, સત્સંગ સાધુનો કીધો.

રમતા રહે નિત કર મહીં તંબૂર ને કૈં મંજીરા,
શી જરૂર એને કશાની હોય મોતી કે હીરા ?
નિર્લેપ રહીને પદ્મશી વિતાવવાને જિંદગી,
શોધી રહી’તી સ્થાન એવું, થાય ગોવિન્દ-બંદગી !

મીરાં થઈ કે ના થઈ શ્રદ્ધારૂપે શક્તિ હતી,
સંસારથી વિમુખ બનેલી એ ટોચની ભક્તિ હતી;
ઈ-મેઈલથી સંદેશ પ્હોંચે કૃષ્ણને કેવું ગજબ !
ને ઝેરમાં દર્શન પ્રભુ દે, વાત ભૈ છે ને અજબ !
સાચા હૃદયની ભક્તિથી કૈં કામ સૌનાં થૈ ગયાં;
જોને હતાં નરસિંહ-મીરાં જીવન ધન્ય કરી ગયાં !

.

[5] મીરાં ગયાં એ પછી….. – ગિરીશ ભટ્ટ

પછી શું શેષ હશે નગરીમાં ?
મીરાં ગયાં, એ સાંઢણી કેરા
પડ્યા ધીમા ધીમા !

મીરાં નથી, એની વાતોનો
ખડખડતો ખાલીપો;
મીરાં હતાં – એ સ્થાનક કેરા
બૂઝી ગયેલા દીપો.

નગરજનોને ચહેરે છાયા
વિષાદ ને કાલિમા;
પછી શું શેષ હશે નગરીમાં ?

વિષ પીધાં, અમૃત માની – એ
પાત્રોના ખનકાટો;
કોટ-કાંગરે, મ્હેલે-સ્તૂપે
વ્યાપ્યો જે સન્નાટો.

કેટકેટલાં ગુમાન લથડ્યાં
એ ડમરી-આંધીમાં !
પછી શું શેષ હશે નગરીમાં ?

[કુલ પાન : 320. (પાકું પૂઠું). કિંમત રૂ. 250. પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પબ્લિકેશન, લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૂરજ પહેરે ગોગલ્સ (બાળકાવ્ય) – વંદના ભટ્ટ
અવાજોની બંદિશો – જનક ત્રિવેદી Next »   

2 પ્રતિભાવો : મોંઘેરી મિરાત મીરાં – સં. પ્રદીપ રાવલ ‘સુમિરન’

 1. Kalakar says:

  મીરા કે રાધા બનવુ સહેલુ નથી.

  અમે જ્યારે સાજનને શ્યામની ઊપમા આપી ત્યારે કહયુ કે
  તારી રાધા કે મીરા નથી બનવુ, મારે તો બનવુ છે તારી રુકિમણી,
  રાધા બની તો તુ મને છોડી મથુરા જતો રહીશ,
  મીરા બની તો તારો સાથ મર્યા પછી પામીશ,
  મારે તો આ જીવન માં તારી સ્વકીયા બનવુ છે.

 2. Dipti Trivedi says:

  મીરાંના રચેલા પદ ભણવામાં આવતા હતા. અહીં મીરાં વિશે લખાયેલા કવ્યોનો લાભ આપવા માટે આભાર. વરસો પહેલાં વડોદરામાં ( કદાચ ગાંધીનગર ગૃહમાં ) મીરાંના જીવન પરથી નૃત્ય-કાવ્ય-નાટિકા થઈ હતી તે યાદ આવી ગઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.