જાત ભણીની જાત્રા – ગુણવંત શાહ
[‘જાત ભણીની જાત્રા’ એ આદરણીય ગુણવંતભાઈ શાહની ‘નવનીત સમર્પણ’માં ચાલી રહેલી સ્મરણાત્મકથા છે; જેમાં તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રસંગો વિશે વિસ્તારથી વાત કરી છે. આજે તેના તાજેતરના પ્રકરણમાંથી કેટલોક અંશ માણીએ. રીડગુજરાતીને આ માટે પરવાનગી આપવા બદલ શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2340673 સંપર્ક કરી શકો છો.]
31મી ડિસેમ્બર 1987નો દિવસ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો. એ દિવસે સાંજે ચાર વાગે મેં મારી ચેમ્બરની બહાર લટકતું મારા નામનું પાટિયું જાતે ઉતારી લીધું. મારા સાથી પ્રાધ્યાપકો ત્યાં જ ગોઠવાઈ ગયા. સૌનાં હૈયાં ભીનાં હતાં. અમારું એ છેલ્લું મિલન હતું. મેં મારી ખુરસીમાં બેઠાં બેઠાં પ્રાર્થના શરૂ કરી. એ અમારા પરિવારની કાયમી પ્રાર્થના હતી, જેમાં વેદ-ઉપનિષદના મંત્રો રોજ બોલાતા હતા. પ્રાર્થના પૂરી થઈ કે તરત મંએ ખુરસી ખાલી કરી અને આગ્રહપૂર્વક મારા અનુગામી ડૉ. કૌશિક શેઠને મારી ખુરસી પર બેસાડ્યા અને શુભેચ્છાના શબ્દો કહ્યા. ઑફિસના કર્મચારીઓ શોકમગ્ન ચહેરે ઊભા હતા. માંડ એકાદ-બે મિનિટ વીતી હશે ત્યાં ઉતાવળ સાથે મેં મારી કાર મારી મૂકી. સૌના દેખતાં રડાઈ ન જાય તે માટે ઉતાવળ કરવી પડી હતી. એ જ દિવસે દીકરા વિવેકની વર્ષગાંઠ હતી. જે આઝાદીની હું છેલ્લાં દસ-પંદર વર્ષથી પ્રતીક્ષા કરી રહ્યો હતો તેનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
મારો મૂડ કેવો હતો ? આઝાદ થયો તેના આગલા દિવસે તા. 30મી ડિસેમ્બરે (બુધવારે) ‘ગુજરાત મિત્ર’માં મારી કટાર ‘કાર્ડિયોગ્રામ’માં પ્રગટ થયેલા લેખમાં મારી માનસિકતાના અણસારા કંઈક આવા હતા. કોઈ પણ જાતના ફેરફાર વિના એ અણસારા જ અહીં ધરી દઉં છું. એ અણસારા સવા બે દાયકા પહેલાંના છે. સાંભળો :
[1]
કેટલાંક વાક્યો દુનિયાદારી, ડહાપણનો દરિયો ઓળંગીને હૃદય-સોંસરવાં પસાર થઈ જાય છે. મને ખૂબ જ સ્પર્શી ગયેલું આવું એક વાક્ય આ રહ્યું : ‘દુનિયાના લોકો જેમાં રોકાયેલા રહે છે એવાં કામોને નવરાશનાં કામો ગણનારો જ, દુનિયાના લોકો જેને નવરાશનાં કામો ગણે છે એમાં રોકાયેલો રહી શકે.’ આ વાક્ય ચીની વિચારક ચાંગ ચાઉનું છે અને એણે મને છેલ્લાં અગિયાર વર્ષથી સતત પ્રેરણા આપી છે. કેટલાંક પુસ્તકો એવાં હોય છે, જે આપણા જીવનને ‘અગિયારમી દિશા’ તરફ લઈ જાય. આવું એક પુસ્તક તે હેનરી ડેવિડ થોરોનું ‘વોલ્ડન.’ ઈ.સ. 1845માં થોરો એકાંત જીવન જીવવા માટે વોલ્ડન સરોવરની નજીકના જંગલમાં ગયેલો. એ ઈરાદાપૂર્વક (deliberately) જીવવા માગતો હતો. એક કુહાડી ઉછીની લઈને એણે જાતે 10 x 45ના માપની કુટીર બાંધેલી. એની જરૂરિયાતો આટલી જ હતી : થોડો ખોરાક, થોડાં પુસ્તકો અને પુષ્કળ સમય.
જીવનની મસ્તી માણતી વખતે થોરોએ સરોવરને કિનારે રહીને જે લખ્યું તે ‘વોલ્ડન’ પુસ્તકમાં પ્રગટ થયું. હૃદયવેધ કરે એવું એક વાક્ય એમાં છે : ‘જો સંસ્કૃત માનવીના વ્યવસાય જંગલી મનુષ્યના કરતાં ઉચ્ચતર ન હોય, જો એ જીવનની જરૂરિયાતો તથા સુખસગવડો મેળવવામાં જ પોતાની જિંદગીના મોટા ભાગ દરમિયાન પ્રવૃત્ત રહેતો હોય તો જંગલી મનુષ્ય કરતાં વધારે સારું રહેઠાણ તેની પાસે શા માટે હોવું જોઈએ ?’ છેલ્લાં લગભગ બારતેર વર્ષથી હું આ વાક્ય સાથે સતત સંપર્કમાં રહ્યો છું. કુલ ત્રીસ વર્ષ અને ત્રણ મહિના સુધી નોકરી કર્યા પછી આવતી કાલે સાંજે હું નોકરીમુક્ત થઈશ. રાંદેરના લોકમાન્ય વિદ્યાલયમાં 1957ની પહેલી સપ્ટેમ્બરે હું જોડાયેલો. તે દિવસોમાં જીવનની ધૂન એવી કે જે કંઈ પગાર મળ્યો એ દર મહિનાની પહેલી તારીખે લઈને તરત જ નિશાળને પાછો આપી દેતો. વિદ્યાલય શરૂ કરવામાં પણ અમે લોકો જ હતા એટલે પગાર લેવાનું પોસાય તેમ પણ ન હતું.
[2]
ત્રીસ ત્રીસ વર્ષની નોકરીની ઘટમાળ પછી મુક્ત થવાની કલ્પના જ ભારે રોમાંચક છે. ક્યારેક તો એવું પણ લાગે છે કે નોકરીમુક્ત થવાનું જીવનમુક્ત થવા કરતાંય વધારે મુશ્કેલ છે. પચાસ વર્ષની ઉંમરે ઘટમાળમાંથી છૂટીને ‘ઈરાદાપૂર્વક’ જીવવાનો સંકલ્પ આજથી થોડાંક વર્ષ પહેલાં લીધો હતો. આવા વિચિત્ર સંકલ્પનો સઘળો જશ થોરોના પુસ્તકને જાય છે. થોરો લખે છે : ‘પવનનો સંદેશો સાંભળવાનો ને સાંભળીને તે તત્કાલ સંક્રાન્ત કરવાનો પ્રયત્ન કરવામાં મેં પાનખર અને શિશિરના કેટલા બધા દિવસો શહેરની બહાર ગાળ્યા છે.’ મને લોકો પૂછે છે : ‘વહેલા નિવૃત્ત થઈને શું કરશો ? હું ઝટ જવાબ આપી શકતો નથી, બાકી મનમાં તો આ જ જવાબ છે : ‘ટહુકા સાંભળવા સિવાય બીજું ખાસ કશું સાંભળવા યોગ્ય હોતું નથી. કલાકો સુધી કો’ક કુમળી કળીને પુષ્પત્વ પામતી જોયા કરવી એ શું ઓછું અગત્યનું કામ છે ? હવે પછીનાં વર્ષોમાં હું આવાં અત્યંત અગત્યનાં કામોમાં ખોવાઈ જવા ઈચ્છું છું.
[3]
પ્રત્યેક માણસે મૃત્યુના સ્વાગતની તૈયારી કરવી જોઈએ. અમદાવાદથી સુરત આવનારો પેસેન્જર કીમ સ્ટેશને પહોંચે ત્યારથી સામાન ગોઠવીને તૈયાર થઈ જતો હોય છે. નિજધામ પહોંચવાની ઉત્સુકતા એના ચહેરા પર વાંચી શકાય એટલી સ્પષ્ટ હોય છે. નોકરીમુક્ત થવાની ક્રિયા એ મૃત્યુનું જ રિહર્સલ છે. ચ્યુઈંગ ગમ મમળાવવાથી કદી પેટ ભરાતું નથી. એક જ દિવસની સ્ટાન્ડર્ડ દિનચર્યાની ઝેરોક્સ નકલ જીવનભર ઊતરતી રહે છે અને વળી ગળચટી લાગવા માંડે છે. ગીતાના શબ્દોમાં કહીએ તો આવી ઘટમાળને ‘અસંગ શસ્ત્રેણ દઢેન છિત્વા’ (અનાસક્તિરૂપી શસ્ત્રથી દઢતાપૂર્વક કાપી નાખીને) થોડુંક સ્વરાજ ભોગવી લેવાનો આ પ્રયત્ન છે. આર્થિક બાબતે પેન્શન અને રોયલ્ટી મળતાં રહે તો ઉચાટ જેવું નથી. ક્યાંક ટાંચું પડે ત્યારે થોરોના શબ્દો બધી કમી પૂરી કરી શકે એટલા બળૂકા છે.
હોદ્દાનાં અને સંસ્થાગત કાર્યોનાં તમામ લટકણિયાં છૂટી જાય પછી કેવળ માણસ તરીકે જીવવાની આકાંક્ષાનું આ પ્રથમ ચરણ છે. આવતી કાલે વહેલા ઊઠીને હરિ: ૐ આશ્રમ પહોંચી જઈને કુરુક્ષેત્રના ઓવારે તાપીના પાણીમાં પગ બોળીને બેસવાનો અભરખો છે. રાંદેરના એ વગડાનો શ્વાસ મારો શ્વાસ છે. એ રસ્તેથી પસાર થાઉં ત્યારે આસપાસનાં ખેતરોના માલિકોનાં નામ સુદ્ધાં હજી મને મોઢે છે. તાપીની પેલે પાર આવેલા વેડ-ડભોલીના તાડવનમાં હજી મારું શૈશવ અટવાતું ફરે છે. છેલ્લાં તેર વર્ષોમાં યુનિવર્સિટી અને સુરત તરફથી જે કંઈ સુંદર પામ્યો તેનું સ્મરણ કરીને આવતી કાલે મારા જ હાથે ઑફિસને દરવાજે લટકતું મારા નામ અને હોદ્દાનું પાટિયું હરખભેર હેઠું મેલવા માટે હું ટાંપીને બેઠો છું. પછી યુનિવર્સિટી અને ઉધનાને જોડતા મારા અત્યંત પ્રિય રસ્તે નીકળી પડવાની મને હોંશ છે. આર્નોલ્ડ ટોયેન્બીએ ‘આંધ્ર પ્રદેશના બળદગાડામાં જ્ઞાનનો સામાન ભરીને કદી પાછા ન ફરવા માટેની યાત્રાએ નીકળી પડવાની આકાંક્ષા’ સેવી હતી. જેની પાસે જ્ઞાનનો સામાન ન હોય તેણે તો ખાલી હાથે નીકળી પડવું જોઈએ.
[4]
લોહીના, લગ્નના કે સગવડના દુનિયાદારી સંબંધોમાં મને ઝાઝી શ્રદ્ધા નથી. માતાપિતા, પત્ની, સંતાનો અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ પણ મૈત્રીભાવ વગર ન જ જામે. માણસે કોઈને ખબર ન પડે તેમ રડી લેવું જોઈએ અને સૌને ખબર પડે તેમ હસવું જોઈએ. તેણે પોતાની આધ્યાત્મિક સાધના પણ એવી રીતે ચલાવવી જોઈએ કે કોઈને ખ્યાલ પણ ન આવે. પોતાના દર્દને અન્ય સાથે વહેંચવાનો પ્રયત્ન પણ બાલિશ ગણાય. આવો હક કેવળ શાયરને જ હોઈ શકે, કારણ કે એણે તો પોતાનું બાળકપણું જાળવી રાખ્યું હોય છે. હવે પછીનાં વર્ષોમાં આકાશ મારું મિત્ર હશે, વૃક્ષો મારાં સ્વજન હશે અને ટહુકો પ્રિયજન હશે. મારા નવા ઘરનું નામ પણ ‘ટહુકો’ રાખ્યું છે. ચામડીનો ગણવેશ પહેરીને ઊભેલા આદમીની ભીતર પડેલી આત્મશ્રીને ઓળખવાની દષ્ટિ મળી રહે એટલે બસ ! કોઈ આપણને પૂરેપૂરો સમજે એવી અપેક્ષા પણ તમોગુણનો જ સંકેત છે, એવું મને મોડે મોડે સમજાયું છે. આવો અભરખો આપણી ઘણી શક્તિને ખાઈ જતો હોય છે.
નોકરી વગરના જીવનમાં કેવળ એક જ બાબતની ખોટ મને સાલશે. હવે મને ભણાવવાનું નહીં મળે એ વિચાર મને સતાવે છે. ત્રીસ ત્રીસ વર્ષ હું શિક્ષક તરીકે જીવ્યો તે વાતે હું ગૌરવ અનુભવું છું. ક્યારેક સિન્ડિકેટની ચાલુ મીટિંગમાંથી અધવચ નીકળી જઈને પણ મેં તાસ લીધા છે. વર્ગમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય છે. એવો નશો ન ચડતો હોય એવા માણસોએ શિક્ષક થવાનું ટાળવું જોઈએ એમ હું માનું છું. આવતી કાલ પછી મારો એ નશો છીનવાઈ જશે. પ્રવચનો કરવાં એ વર્ગશિક્ષણનો પર્યાય ન હોઈ શકે. ભણાવવાના આનંદની તોલે તો બ્રહ્માનંદ સિવાય બીજું કશુંય આવી ન શકે.
[5]
જીવનના આવા વળાંક પર ઊભા રહીને હું મારા વિચારમિત્રોને હૃદયની ઊંડી નિષ્ઠાપૂર્વક પ્રણામ કરું છું. અહીં મારી લાગણીઓના આડાઅવળા લીસોટા મેં દોર્યા છે, કારણ કે આ બધું લખતી વખતે મારું હૃદય અનોખા ભાવાનંદથી છલોછલ ભરેલું છે. આવા આનંદને શબ્દની સીમ સાંકડી જ પડે. ‘વોલ્ડન’માં છેલ્લા પ્રકરણના છેલ્લા પેરેગ્રાફમાં થોરોએ જે વાત કરી છે તે અહીં રજૂ કરીને હું મારી સ્વસ્થતાને માંડ જાળવી રાખવા ઈચ્છું છું :
જે પ્રકાશ
આપણી આંખોના દીવાને હોલવી નાખે
તે આપણે માટે અંધકાર છે.
આપણે જાગ્રત બનીએ
તે જ દિવસને ઊગેલો જાણવો.
દિવસનું વધારે પ્રાકટ્ય
તો હજી હવે પછી થવાનું છે.
સૂર્ય તો માત્ર પ્રભાતનો તારો છે !
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સુંદર.
નિવૃત્તિ ક્યારેક પ્રવૃતિથીપણ વધુ પ્રવૃત્ત હોઇ શકે.
ખુબ સુંદર લેખ.
ખાસ કરીને આ બહુ સ્પર્શી ગયું.
———————————–
લોહીના, લગ્નના કે સગવડના દુનિયાદારી સંબંધોમાં મને ઝાઝી શ્રદ્ધા નથી. માતાપિતા, પત્ની, સંતાનો અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ પણ મૈત્રીભાવ વગર ન જ જામે. માણસે કોઈને ખબર ન પડે તેમ રડી લેવું જોઈએ અને સૌને ખબર પડે તેમ હસવું જોઈએ. તેણે પોતાની આધ્યાત્મિક સાધના પણ એવી રીતે ચલાવવી જોઈએ કે કોઈને ખ્યાલ પણ ન આવે. પોતાના દર્દને અન્ય સાથે વહેંચવાનો પ્રયત્ન પણ બાલિશ ગણાય.
ચામડીનો ગણવેશ પહેરીને ઊભેલા આદમીની ભીતર પડેલી આત્મશ્રીને ઓળખવાની દષ્ટિ મળી રહે એટલે બસ ! કોઈ આપણને પૂરેપૂરો સમજે એવી અપેક્ષા પણ તમોગુણનો જ સંકેત છે, એવું મને મોડે મોડે સમજાયું છે. આવો અભરખો આપણી ઘણી શક્તિને ખાઈ જતો હોય છે.
સરસ લેખ…..
૩૧મી ડિસેમ્બર પછી શું થયુ તે પણ આપવા વિનંતી.
આભાર…….
સીમા
આવી આંતર્યાત્રા દરેકના ભાગ્યમાં નથી હોતી, કદાચ્ એવી સમજણ જ નથી હોતી. માણસ મ્રુત્યુ પર્યંત બહારની જ્દ્દો જહેદમાં જ રોકાયેલો રહે છે, ગુણવંતભાઇએ ઘણુ વહેલુ આ માટે મન બનાવી લીધેલું આપણે સમયસર પણ બનાવી લઇએ તો ય ઘણુ…!!!!!
એક સન્તમનસનિ નિવ્રુતિ પન કેવિ હોઇ શકે?તે ગુન્વન્ત્ભૈ સિવય બિજ્ય કોન આતલિ સાહ્જ્તથિ કહિ શકે?નોકરિ અને જેીવન બને મા અત્લિ નિર્મોહિતઆ જોઇયે.
શ્રી ગુણવંતભાઈએ ૫૦ વર્ષની કાચી વયે નિવૃત્તી લઈ ગુજરાત પર ભારે ઉપકાર કર્યો.
ગુણવંતભાઈએ વ્હેલી નિવૃત્તી લઈ લેખન અને પ્રવચનની ફુલ ટાઈમ પ્રવૃત્તિ સ્વીકારી
ગુજરાતની વૈચારિક કક્ષા આભને આંબે તેવી મથામણ કરી તે સ્વર્ણિમ જયંતિના વર્ષે યાદ કરવું ઘટે.
નિવૃત્તિમાં પ્રવૃત્તિનો ઉત્સવ માણવા દ્રષ્ટિ જોઈએ અને તે કેળવવા આગોતરૂ આયોજન કરીએ તો જ
ઉત્સવ માણી શકાય….જીવન બોજ રૂપ ના લાગે.
આપણે ગુજરાતીઓ નિવૃત્તીના આયોજનમાં ભયાવહ હદે કાચા છીએ જે ગુજરાતના અગણિત ઘરડાંઘર
તરફ એક દ્રષ્ટિ મારીએ તો પણ અહેસાસ થાય. પોતાના જ ખૂન-પસીનાથી બનાવેલા ઘરમાં આપણે
અપ્રિય અને અસહનીય થઈ પડીએ તે આપણા સ્વભાવની પણ એક કમજોરી બતાવે છે.
જાગૃત સમાજ તરીકે નિવૃત્તીનો ઉત્સવ કેમ માણવો તેના પર ચર્ચા થવી જોઈએ જેથી
ગુજરાતના કલંક રૂપ ઘરડાંઘર નિવૃત્ત થયેલા વડિલોનું ડમ્પિંગ ગ્રાઉંડ ના બને.
Simply excellent narraion of real feelings.
ગુણવંતભાઈના પુસ્તકો વાંચીને…ચાવીને પચાવવા જેવા હોય છે …૧૯૯૪ માં જયારે મે ગ્રેજુએશન પૂરું કર્યું ત્યારે મને યાદ છે કે કોલેજના છેલ્લા દિવસે મારા પ્રિય ગુરુ શ્રી વૈદ્ય સાહેબને (ગુણવંતભાઈનું એ વખતે પ્રકાશિત થયેલું ‘ઈશાવાસ્યમ’ ) પુસ્તક ભેટ આપ્યું જે એમને માટે અમૂલ્ય ગુરુદક્ષિણા બની રહી.
ખુબજ સરસ લેખ …….
હુ નિયમિત ગુણવત ભાઈ ના પુસ્તકો વાચુ છુ.મનન કરવા લાયક અને વિચારવા લાયક.
ખુબ જ સરસ. આવા પિતા દરક ને ધરે હોવા જોઈએ.
સારો લેખ.નિવ્રતી નો આનંદ તો તેનેજ મળે જે તેને પચાવી જાણે.
વ્રજ દવે
Following blog of Shri Gunvantbhai is a must read:
http://gunvantshah.wordpress.com/about/
Ashish Dave
ખુબજ સરસ લેખ મને મારી નિવ્રુતી ના દિવસો યાદ આવી ગાયા ખરેખર નિવ્રુતી પછિ પઙા ઘંણી પ્રવ્રુતી છે