ઉજાસનું પ્રથમ કિરણ – લતા હીરાણી

[ સમાજના વિવિધ ક્ષેત્રમાં સર્વપ્રથમ વખત પદાર્પણ કરનારી મહિલાઓની ગાથા એટલે ‘ઉજાસનું પ્રથમ કિરણ’. આ અનોખા પુસ્તકમાં 101 જેટલી મહિલાઓના જીવનની સંઘર્ષકથા સમાવિષ્ટ કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે. હંસા મહેતા, રઝિયા સુલતાન, લતા મંગેશકર, મૃણાલિની દેસાઈથી લઈને અનેક મહાન નારીઓના જીવનની વાતો આજની યુવાપેઢી માટે ખૂબ પ્રેરણારૂપ બની રહે તેમ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે lata.hirani55@gmail.com અથવા આ નંબર +91 79 26750563 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] અક્ષરથી અમરત્વ : મહાદેવી વર્મા (ભારતીય સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનાર પ્રથમ લેખિકા)

‘યુગોથી પુરુષ સ્ત્રીને તેની શક્તિ માટે નહીં; સહનશીલતા માટે દંડતો આવ્યો છે.’ આ એક વાક્યમાં નારીની સામાજિક સ્થિતિનું માર્મિક અને હૃદયસ્પર્શી ચિત્રણ કરનાર મહાદેવી વર્મા છાયાવાદી યુગનાં એક સમર્થ કવયિત્રી અને લેખિકા છે. એ સમયના સાહિત્ય પર મહાદેવીની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. ઈ.સ. 1907ની 24 માર્ચ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં જન્મેલાં મહાદેવીનાં લગ્ન ખૂબ નાની ઉંમરે ડૉ. સ્વરૂપનારાયણ વર્મા સાથે થઈ ગયાં હતાં, પરંતુ અભ્યાસમાં ઊંડી રુચિ ધરાવનાર મહાદેવીનું ચિત્ત કદી અભ્યાસથી અળગું થઈને સંસારમાં ખૂંપ્યું નહીં. અત્યંત ભાવુક અને સંવેદનશીલ પ્રકૃતિ ધરાવતાં મહાદેવી પોતાની વિદ્યાર્થી-અવસ્થાથી જ કાવ્યરચનાઓ કરતાં હતાં. તેમની પ્રત્યેક અનુભૂતિ વેદનાનો સ્પર્શ પામી શબ્દમાં કવિતારૂપે અવતરતી. સતત વાંચન અને લેખનમાં ડૂબેલાં મહાદેવીની સંસારમાં પ્રવેશવાની ઉંમર થવા છતાં તેમને સંસાર પ્રત્યે કોઈ જ આકર્ષણ જાગ્યું નહીં. ઊલટું એ બંધનો પ્રત્યે તેમના મનમાં વિરક્તિભાવ દઢ થવા લાગ્યો. અંગત કુટુંબજીવન સ્વીકારવાને બદલે તેમણે આખાયે સમાજને પોતાનો પરિવાર માનીને જીવવાનો નિશ્ચય કર્યો.

સંસ્કૃત તથા દર્શનશાસ્ત્રના વિષયો લઈ તેમણે બી.એ. કર્યું. ત્યારબાદ સંસ્કૃત વિષય સાથે એમ.એ. કર્યું અને પ્રયાગ વિદ્યાપીઠનાં તેઓ આચાર્ય તરીકે નિમાયાં. આ દરમ્યાન તેમની કવિતાઓ એ સમયના અગ્રિમ કક્ષાના ગણાતા ‘ચાંદ’ તથા ‘માધુરી’ જેવાં સામાયિકોમાં પ્રગટ થવા લાગી હતી. તેમની કવિતા પીડાની કવિતા રહી છે. એક અજ્ઞાત પ્રિયતમ માટેની તીવ્ર, દર્દભરી ઝંખના તેમની કવિતામાં સદાય વ્યક્ત થઈ છે.

परा शेष नहीं होगी यह मेरे प्राणों की क्रीडा,
तुमको पीड़ा में ढूढ़ा, तुममे ढूढूगी पीड़ा |

મહાદેવીનો આ અજ્ઞાત પ્રિયતમ ઈશ્વર પણ હોઈ શકે. ચિર વિરહ અને પીડાને જ જીવનનું શાશ્વત સત્ય માનતાં મહાદેવીને સુખમાં શ્રદ્ધા નહોતી. એમને દવા નહીં, દર્દ મંજૂર હતું. તેમની મોટાભાગની કવિતાઓની આ ભાવસૃષ્ટિ છે. છાયાવાદના ચાર અગ્રણી કવિઓ તે જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા. આમાંથી મહાદેવીએ જ છાયાવાદનો સૌથી વધુ સાથ નિભાવ્યો. પ્રેમ અને પીડા તથા આ બંનેને વીંટળાયેલી રહસ્યમયતા એ છાયાવાદનું મુખ્ય લક્ષણ હતું. મહાદેવીની કવિતામાં એ પૂર્ણપણે દષ્ટિગોચર થાય છે. ‘નિહાર’, ‘રશ્મિ’, ‘દીપશિખા’, ‘નીરજા’, ‘સાંધ્યગીત’, ‘અતીત કે ચલચિત્ર’, ‘સ્મૃતિરેખાએં’ વગેરે તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે.

શિક્ષણ આપવા માટેની તેમની રુચિ એટલી પ્રબળ હતી કે કોઈ પણ સમયે કોઈ પણ વિદ્યાર્થી તેમની પાસે શીખવા જઈ શકે અને તેઓ દિલ રેડીને શીખવતાં. અશિક્ષિત સ્ત્રીઓ માટે તો તેઓ હરતી-ફરતી પાઠશાળા જેવા હતાં. શિક્ષણ આપવું એ સ્વજીવનનું પરમ કર્તવ્ય અને સર્જન કરવું તે પરમ સંતોષ. લેખનની પ્રવૃત્તિ વિશે તેમનો મત હતો કે લેખકને જ્યારે લખવાની પ્રેરણા થાય છે ત્યારે તે લખ્યા વગર રહી શકતો નથી. માનવીમાં રહેલો સહાનુભૂતિ અને કરુણાનો ગુણ જ સર્વોત્તમ છે એમ મહાદેવી માનતાં. એ વગર માનવ-માનવ વચ્ચે સંબંધ સંભવે જ નહીં. મહાદેવીના હૈયામાં રહેલી કરુણા માત્ર કવિતામાં જ વહેતી નહોતી, તેમના જીવનવ્યવહારમાં પણ ડગલે ને પગલે તે સક્રિય રીતે વિસ્તરતી રહેતી. વરસાદ જેમ સહુ પર સમાન રીતે વરસે છે તેમ મહાદેવીની કરુણા પણ માનવસૃષ્ટિ પર સમાન રીતે વરસતી હતી. ઈ.સ. 1942માં બંગાળના દુષ્કાળ વખતે તેમણે કપડાં, ભોજન, દવાઓ વગેરે એકત્ર કરીને પીડિતો માટે મોકલી આપ્યાં હતાં. ‘બંગદર્શન’ નામનું પુસ્તક સંપાદિત કરીને તેની આવક રાહતફાળામાં આપી દીધી હતી. આવી જ મદદ નોઆખલીના હત્યાકાંડ વખતે તથા પંજાબના શરણાર્થીઓ માટે કરી હતી. બીજાની પીડા તેમના સંવેદનશીલ હૃદયને તુરંત સ્પર્શી જતી હતી.

સાહિત્યલેખન અને શિક્ષણ ઉપરાંત ભરત-ગૂંથણ, સંગીત તથા ચિત્રકલા એમના શોખના વિષય હતા. એમની કાવ્યકૃતિઓ માટે સાહિત્યકારો ગૌરવ અનુભવતા; તો બીજી બાજુ એમનાં ચિત્રો જોઈને વિશ્વવિખ્યાત ચિત્રકાર નિકોલસ રોરિક પણ મુગ્ધ બની જતા. એમના કાવ્યસંગ્રહ ‘દીપશિખા’નાં બધાં જ ગીતો પાછળ તેમનાં ભાવવાહી ચિત્રો અંકાયાં છે. ભાવનાઓને શબ્દોની સાથે સાથે રેખામાં પણ ઉતારવાની બેવડી કલા એમને સાધ્ય હતી. ઈ.સ. 1934માં તેમને સેક્સરિયા પુરસ્કાર મળ્યો. ઈ.સ. 1944માં મંગલાપ્રસાદ પારિતોષિક તથા. ઈ.સ. 1956માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ તેમને પ્રાપ્ત થયાં. ઈ.સ. 1979માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા સાહિત્યકાર બન્યાં. ઈ.સ. 1983ની 18 મેના રોજ લખનૌના પ્રસિદ્ધ રવીન્દ્રનાથ હૉલમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને હસ્તે તેમને રૂપિયા એક લાખનો ભારત-ભારતી પુરસ્કાર અર્પણ થયો. પ્રતિભાસંપન્ન સાહિત્યકારોને અપાતું ભારતીય જ્ઞાનપીઠનું રૂપિયા દોઢ લાખનું પારિતોષિક મહાદેવી વર્માને ઈ.સ. 1985ની 28 નવેમ્બરે બ્રિટિશ વડાપ્રધાન માર્ગારેટ થેચરને હસ્તે દિલ્હીના એક વિશાળ સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું. તેમની સાહિત્ય-કલાને ચોમેરથી અપૂર્વ સન્માન પ્રાપ્ત થયું.

ફરી ફરીને જન્મવાનો અધિકાર માગનાર, અમરત્વને અભિશાપ માનનાર મહાદેવીએ ઈ.સ. 1987ની 11 સપ્ટેમ્બરે ચિરવિદાય લઈ લીધી પરંતુ પોતાના સાહિત્ય દ્વારા તેઓ હંમેશાં અમર રહેશે.
.

[2] માનવ-તત્વમાં આસ્થા : આશાપૂર્ણા દેવી (ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા)

માતૃભાષામાં સીમિત વાંચન છતાં આશાપૂર્ણાદેવી બંગાળી ભાષાનાં એક શ્રેષ્ઠ લેખિકા બની શક્યાં. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ લેખિકા આશાપૂર્ણાદેવીએ દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી, તેની પાછળ તેમની અદમ્ય જ્ઞાનપિપાસા અને વિચારસૃષ્ટિની અભિવ્યક્તિ માટેની પ્રબળ ઝંખના કારણભૂત ગણાય. ઈ.સ. 1909ની 8 જાન્યુઆરીએ કલકત્તાના રૂઢિચુસ્ત પરિવારમાં જન્મેલાં આશાપૂર્ણાદેવીના ઘરમાં સાહિત્યિક વાતાવરણ હતું, પણ સ્ત્રીઓ માટે તો એ જ સદીઓ પુરાણી માન્યતા પ્રવર્તતી હતી. એમના ઘરમાં ભાઈઓને ભણવાની પૂરી સગવડ આપવામાં આવતી. ભાઈઓ ભણતા હોય ત્યારે આશાપૂર્ણાદેવી ચૂપચાપ બેસીને એકલવ્યની માફક જ્ઞાનઆરાધના કરતાં હતાં. અત્યંત રસપૂર્વક બધું સાંભળતાં અને શીખતાં રહેતાં. ઘરમાં સતત પુસ્તકો આવતાં હોવાથી એમની વાંચનક્ષુધા આસાનીથી તૃપ્ત થતી. માત્ર તેર વર્ષની ઉંમરે કોઈ વિરલ ક્ષણે એમને હૃદયનો ભાવ પ્રગટ કરવાની પ્રબળ ઈચ્છા થઈ અને તેને પરિણામે એક કવિતાનો જન્મ થયો. એ કવિતા બાલમાસિકમાં મોકલી આપતાં સ્વીકારાઈ પણ ખરી. નાનકડી આશામાં નવો ઉત્સાહ જાગ્યો. બસ, પછી તો લખાતું રહ્યું, પ્રગટ થતું રહ્યું અને એમની સર્જનયાત્રા સતત ચાલતી રહી.

રૂઢિચુસ્ત પરિવારમાં તેમનાં લગ્ન થતાં પરિવારની સંપૂર્ણ જવાબદારી એમના શિરે આવી પડી. એ સમયે ઘરની બહાર નીકળવું એ નારીમર્યાદાનો લોપ ગણાતો. પણ આશાપૂર્ણાદેવી માટે ગૃહસ્થ જીવન અને સાહિત્યિક જીવન બંને સમાન મૂલ્યવત્તાવાળાં હતાં. પોતાના પરિવારજનોની સઘળી સગવડ સાચવતાં રહીને અને તમામ ફરજો બજાવતાં રહીને એમણે અખંડપણે સાહિત્યસાધના કરી. જવાબદારીના બોજથી શરીર થાકતું, પણ એમનું લેખનનું ઝરણું સદાય વહ્યા કરતું. એમના હૃદયભાવ શબ્દ રૂપે પોતાનો માર્ગ શોધી લેતા હતા અને એ રીતે એમની અક્ષરની આરાધના થતી હતી. સ્વાતંત્ર્યોત્તરકાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા આશાપૂર્ણાદેવીને કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી ઈ.સ. 1954માં ‘લીલા પારિતોષિક’ અને ઈ.સ. 1963માં ‘ભુવનમોહિની સુવર્ણચંદ્રક’ એનાયત થયાં. ઈ.સ. 1966માં પશ્ચિમ બંગાળની સરકારે એમને ‘રવીન્દ્ર પુરસ્કાર’ એનાયત કર્યો. એમની નવલકથા ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ બદલ એમને ઈ.સ. 1977માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. ભારતીય સાહિત્યક્ષેત્રનો સર્વોચ્ચ એવો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા લેખિકા છે. ઈ.સ. 1976માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કર્યાં.

પ્રવાસ અને વાંચન એમના શોખ હતા. પ્રવાસનો શોખ એમની અનુકૂળતા અને ઈચ્છાનુસાર સંતોષાતો રહેતો, જ્યારે વાંચનનો શોખ એમની માતૃભાષાના સીમાડામાં જ બંધાયેલો રહેતો. માત્ર બંગાળી ભાષા જ જાણતા હોવાને કારણે વિદેશી સાહિત્યનો પણ બંગાળી અનુવાદ દ્વારા જ આસ્વાદ પામતાં. વિશાળ વાંચને એમને એક સત્યની પ્રતીતિ કરાવી કે, ‘દેશકાળ, પાત્રો વગેરે ભલે ભિન્ન હોય તોયે બધા માણસ અંદરથી તો સરખા જ છે.’ માનવીના આ પ્રકારના નિરીક્ષણે જ એમની માનવતત્વ પ્રત્યેની શ્રદ્ધાને સંકોર્યા કરી છે. ઈ.સ. 1955માં આશાપૂર્ણાદેવીનું અવસાન થયું ત્યાં સુધીમાં એમની 180 નવલકથાઓ, હજાર ઉપરાંત વાર્તાઓ અને સોળ બાળસાહિત્યની પુસ્તિકાઓ પ્રગટ થઈ હતી. ગ્રંથસંખ્યાની દષ્ટિએ સાંપ્રત સમયમાં તેઓ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. એમની મહત્વની ઉલ્લેખનીય કૃતિઓ છે ‘અગ્નિપરીક્ષા’, ‘પ્રથમ પ્રતિશ્રુતિ’, ‘સુવર્ણલતા’, ‘બકુલકથા’, ‘કખન કે દિન કખન એ રાત’, ‘દૂરેર જાનાલા’, ‘અસ્તિત્વ’, ‘શેષરાય’, ‘તિનતરંગ’, ‘જીવનસાદ’ વગેરે. અંગત જીવનમાં સદાય એક નિષ્ઠાવાન નારીની ભૂમિકા ભજવનાર આશાપૂર્ણાદેવી એ એમની કૃતિમાં નારીની સમસ્યાનું જીવંત ચિત્રણ કર્યું છે. કથાવસ્તુના નૂતન પ્રયોગો અને કથા-આલેખનની વિશિષ્ટ રીતિથી તેઓ સામાન્ય માનવીથી માંડીને બૌદ્ધિકો સુધી સર્વને આકર્ષી શક્યા છે. એમની નવલકથાનો ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.

વર્તમાન પરિસ્થિતિ અંગે આ લેખિકાએ કહ્યું હતું, ‘માણસની સુખી થવાની ક્ષમતા ક્રમશઃ ઓછી થઈ છે. માણસને એ બહુ ઓછો પ્રેમ કરી શકે છે. એના પ્રેમનો પરિઘ બહુ સાંકડો થઈ ગયો છે. પરિણામે એ સુખી થવાનો જેટલો પ્રયત્ન કરે છે તે બધો જ વ્યર્થ જાય છે. શેનાથી સુખ મળે એ તેને સમજાતું નથી અને જ્યાં સુખ નથી ત્યાં જ એ સુખને શોધે છે.’

[કુલ પાન : 302 (પાકુ પૂઠું). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : કુસુમ પ્રકાશન, 61/એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-380007. ફોન : +91 79 26600959.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાત ભણીની જાત્રા – ગુણવંત શાહ
રેવતી – નિરૂબેન અનડકટ Next »   

3 પ્રતિભાવો : ઉજાસનું પ્રથમ કિરણ – લતા હીરાણી

 1. ખુબ જ સુંદર પ્રેરણાત્મક વાત

 2. kirtida says:

  ખૂબ સરસ લેખ. મહાદેવી વર્મા અંગે હિન્દી સાહિત્યમાં અભ્યાસ કવાનો અવસર મળેલો . સાહિત્કાર ની સાથે સ્ત્રી શક્તિ તરીખે ખ્યાતિ પામ્યા હતા. એમને શત શત વંદન. લતાબેનનો આભાર .
  કીર્તિદા

 3. Akbarali Narsi says:

  હિંદની ૧૦૧ મહિલાઓની ગાથા આ પૂરૂષ પ્રધાન સમાજ ને આપવા બદલ
  લતા હીરાણી ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.
  તેમને અખંડ આનંદ માં વખતો વખત વાંચૂ છૂં
  ફરી ધન્યવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.