રેવતી – નિરૂબેન અનડકટ

[ પુના નિવાસી શ્રીમતી નિરૂબેન ગૃહિણી હોવાની સાથે વાંચન-લેખનનો શોખ ધરાવે છે. આ તેમની પ્રથમ કૃતિ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9881145116 અથવા આ સરનામે niru_vijay@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

જો કોઈ કવિને તેનું વર્ણન કરવાનું હોય તો…. પતંગિયાની જેમ ઉડતી, કોયલની જેમ ગાતી, હરણીની જેમ દોડતી, ખીલતી કળી જેવી… ઊઘડતા ગુલાબ જેવી…. એના ગાલ… એના હોઠ…. એની આંખો….. પણ જવા દો એ તો કોઈ કવિને જ ફાવશે. હું સીધી વાત જ કરું. આમ પણ મને અલંકાર બહુ ફાવતા નથી.
‘તારું નામ શું છે બેટા ?’ મેં તેના ગાલ પર ધીમેથી હાથ મુકીને પૂછ્યું.
‘રેવતી…..’ તેણે આંખો પટપટાવીને મારી સામે સહેજ આશ્ચર્ય સાથે જોઈને કહ્યું.
‘તારું નામ પણ તારી જેમ જ સરસ છે…’
‘પણ તમારું નામ તો કહેતા જાવ…..’ તેણે લિફટનો દરવાજો પકડીને જરા જોરથી મને કહ્યું.
‘નીરુ…’ હસીને મેં કહ્યું.
‘હંઅ…. મારા એક આન્ટીનું નામ પણ નીરુઆન્ટી છે. ચાલો… બાય આન્ટી….’ કહીને તેણે લિફટનો દરવાજો બંધ કર્યો પરંતુ એની સાથે વાત કરવાનો મારો દરવાજો ખૂલી ગયો.

અમે નવા ફલેટમાં રહેવા આવ્યા હતા. એ લોકો ચોથા માળે બરાબર અમારી ઉપરના ફલેટમાં રહેતા હતા. મને રોજ એનો અવાજ સંભળાય એટલે તેની સાથે વાત કરવાનું બહુ મન થતું હતું. ઘરમાં હું અને મારા પતિ બંને એકલાં જ. આમ પણ મને નાના બાળકો સાથે બહુ ફાવે. એમની કંપનીમાં મજા આવે. જ્યારે હું કૉલેજમાં હતી ત્યારે મારા નાના બે ભાઈઓના બધા જ ભાઈબંધ એ મારા પણ ભાઈબંધ. રોજ અમારા મોટા ફળિયામાં આખી સોસાયટીના બધા જ બાળકો ભેગા થાય. આખી સોસાયટીમાં ફક્ત અમારા જ ઘરમાં ખાટ બાંધેલી. એ ખાટની બંને બાજુ બદામના બે મોટા વૃક્ષો. દરેક સીઝનમાં મોટી મોટી લાલ બદામ ખુબ જ થતી તેથી બાળકોને અમારા ઘરનું ખૂબ જ આકર્ષણ અને મને નાના બાળકોનું આકર્ષણ. પહેલાના સમયમાં તો ઘરે ટીવી કે વિડિયોગેમ નહોતાં એટલે બાળકોને ઘરમાં પુરાઈ રહેવાની સ્વૈચ્છિક સજા પણ નહોતી. મુક્ત વાતાવરણમાં નવી નવી રમતો રમવાની, મૈત્રીભાવ કેળવવાની, મજાકમસ્તી સાથે શારીરિક કસરત કરવાની પ્રેક્ટિસ પણ અનાયાસ થઈ જતી.

‘આદિત્ય, ભૂમી, મૃણાલ, દેવી, વંશ, ઋષિ…ચાલો….ચાલો…. બધા મારી પાછળ એક પછી એક ગોઠવાઈ જાઓ, આપણી ટ્રેન સ્ટાર્ટ થાય છે… ચાલો આન્ટી તમારે આવવું હોય તો તમે પણ ગોઠવાઈ જાઓ….’ રેવતીની ટ્રેન બિલ્ડિંગ ફરતેના પાર્કિંગમાં ચાલુ થઈ ગઈ હતી અને હું પણ તેમાં જોડાઈ ગઈ. કિલકિલાટ કરતી ટ્રેનમાં એક ચક્કર લગાવીને હું બાંકડે બેસી ગઈ. મેં રેવતીની ટ્રેન તરફ જોયું. ટ્રેન હવે બરાબર સર્કલમાં ગોઠવાઈ ગઈ હતી. કેપ્ટનની અદાથી હાથમાં બોલ લઈને રેવતી બધાને બરાબર ગોઠવતા ગોઠવતા કંઈક સુચના આપતી હતી. મને એ ચારપાંચ વર્ષની ‘લીડર’ની ખુમારીમાં ભવિષ્યની કોઈ મહાન હસ્તી દેખાતી હતી. કોઈ વાર રેવતી ગાર્ડનના બાંકડે બેઠી હોય અને એના વિદ્યાર્થીઓ નીચે બેસીને એના સવાલોના જવાબ આપતા હોય. મને એની સામેના બાંકડે બેસીને તેનું સુપરવિઝન કરવાની બહુ મજા પડતી.

હું મારા પતિ કરતા એક કલાક વહેલી ઑફિસેથી આવી જતી એટલે રોજ સાંજે અડધો પોણો કલાક બાંકડા પર બેસીને રેવતીની ‘સિરિયલ’ના નવા નવા એપિસોડ જોતી. મને ઘણી મજા પડતી. ઘણીવાર રેવતીના બા હાથમાં લંચબોક્સ અને વોટરબેગ લઈને એક બાંકડે બેઠા હોય અને એમની બાજુમાં રેવતીની સાઈકલ કે બીજો સરંજામ પડ્યો હોય. રેવતી સાઈકલમાં ચક્કર લગાવતી હોય કે સ્કેટીંગ શુઝ પહેરીને સરકતી હોય, પરંતુ ક્યાંય દૂર જાય તો બાને કહીને જ જાય. ક્યારેક રેવતી તડકામાં જોવા મળે તો બા એને તરત બોલાવે અને પોતાની સાડીનો છેડો રેવતીના માથા પર મુકીને થોડા ગુસ્સા સાથે કહે : ‘પપ્પાએ શું કીધું છે ? રેવતી તડકામાં જાય તો શું કરવાનું ?’
‘પણ બા, એ તો મારો બોલ પાર્કિંગમાં પડ્યો હતો ને એ લેવા ગઈ હતી… અને પછી…. એક રાઉન્ડ સાઈકલનું માર્યું… પણ તમારું મોઢું તો સરખું કરો… આમ ગુસ્સાવાળા બા કેવા લાગે ?’ રેવતી બાનો છેડો પકડીને કહેવા લાગતી, ‘મને તો આવા બા ના ગમે…..’ કહેતી રેવતી બાની સાડીમાં વીંટળાઈને ફુદરડી ફરતી, અને બા… ‘અરે…..અરે….. મને છોડ…. હું ક્યાંક પડી જઈશ….. અરે છોડ બેટા…. આપણે બંને પડીશું…’ અને રેવતીનો ખડખડાટ હસવાનો અવાજ એના બા સાથે લિફટમાં બંધ થઈ જતો.

રેવતી ઘણીવાર એના બા સાથે અમારી સામેના ફલેટમાં રમવા આવતી. શરૂઆતમાં અમારે આસપાસના લોકો સાથે ઓળખાણ નહોતી. એક વાર અમારી કામવાળી બાઈએ મને કહ્યું :
‘અરે દીદી, તમારો દરવાજો તો બહારથી બંધ હતો ! હું તો હમણાં પાછી જતી હતી પરંતુ તાળું મારેલું ન જોયું એટલે જરા હાથ લગાડ્યો. તમે અંદર જ હતા તો આ દરવાજો બહારથી કોણે બંધ કર્યો ?’ એણે સહેજ ચોંકીને મને પૂછ્યું. હું પણ વિચારમાં પડી ગઈ.
‘દીદી… જરા ધ્યાન રાખજો, અહીંયા સામેના ફલેટમાં બપોરના ટાઈમે જ ચોરી થઈ હતી અને ગયા મહિને આ પાછળના મકાનમાં શું થયું હતું ખબર છે ?’ કહીને બાઈએ સમાચારોનો મારો ચલાવ્યો.
‘હા….હા…. હું જાણું છું….’ કહી મેં દરવાજો બંધ કર્યો.

બીજે દિવસે સામેના ફલેટમાં રેવતીનો અવાજ સંભળાયો કે તરત મેં બારણું ખોલીને એને બોલાવીને પૂછ્યું :
‘કાલે તેં આ દરવાજો બંધ કર્યો હતો ?’ તેણે જમીન પર પગ ઘસતા ઘસતા હકારમાં ડોકું હલાવ્યું અને કહ્યું, ‘કાલે તમને બે વાર મેં બૂમ મારી. તમે દરવાજો કેમ બંધ કરી દીધો હતો ? તમે બંધ કર્યો હતો એટલે પછી મેં બહારથી પણ બંધ કરી દીધો…!’ રેવતી ગુસ્સામાં બોલી.
‘અરે તેં મને ક્યારે બોલાવેલી ?’ મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘કાલે અંકલ ગયા ત્યારે હું પગથિયા પરથી ઊતરતી હતી. કાલે મારો હેપી બર્થડે હતો એટલે મારે તમને ચોકલેટ આપવી હતી પણ તમે તો દરવાજો બંધ કરીને અંદર જતા રહ્યાં. મેં નીચે આવીને ખટખટ કર્યું અને પછી બારણું બહારથી બંધ કર્યું….’ તે મીઠા અવાજમાં બધું એક સાથે બોલી ગઈ.
‘કંઈ વાંધો નહિ. ચાલ અંદર આવ, હું તને આજે વીશ કરું….’ મેં તેના હાથ પકડીને કહ્યું.
‘પણ ચોકલેટ તો ઘરે છે. મમ્મીએ ક્યાં મુકી હોય એ બાને તો ખબરેય ન હોય અને મમ્મી તો સાંજે આવશે.’ તે અંદર આવી.
‘પણ મારી પાસે તો છે ને !’ મેં એને પૂછ્યું, ‘બોલ કેવી આપું ? નાની કે મોટી ?’
‘અ….. નાની ને મોટી બેઉ !’ મને તેની માસુમિયત પર હસવું આવ્યું.
‘રેવતી….રેવતી… ક્યાં ગઈ એટલી વારમાં ?’ અમારા ઘરનું બારણું ખુલ્લું જોઈને રેવતીના બા ડોકિયું કરતા અંદર આવ્યા. રેવતીના હાથમાં બે ચોકલેટ જોઈને તરત જ તેઓ બોલ્યા :
‘રેવતી, મમ્મીએ ના પાડી છે ને કોઈની પાસેથી કંઈ પણ લેવાની ?’
‘પણ બા આ તો આન્ટીએ મને વીશ કરીને આપી છે….’ ચોકલેટનું રેપર ખોલતાં રેવતી બોલી.
‘અરે બા, કંઈ વાંધો નહિ. બર્થડેમાં ના ન પાડો.’ મેં કહ્યું. મીઠું મીઠું હસતી રેવતી ચોકલેટ ખાવા લાગી. પછી તો મને રેવતીની ઘણી વાતો, કરામતો – ગાર્ડનમાં, સામેના ફલેટમાં કે કોઈવાર એના ઘેર કામવાળી જતી તો એના મારફતે સાંભળવા મળતી. ક્યારેક બાના ખોળામાં માથું રાખીને સૂતા સૂતા ટીવી જોતી હોય તો ક્યારેક બાને પરાણે ડાન્સ શીખવાડતી હોય. કોઈક વાર તો કંપાઉન્ડમાં રેવતી અને બા પકડદાવ રમતા હોય અને રેવતી દોડીને બાની પાછળ ઊભી રહી ગઈ હોય. બા એને શોધવા માટે હાંફતા હાંફતા ઝડપથી ચાલતા ચારે બાજુ જોતા હોય. એ વખતે ભૂલેચૂકે જો મારી નજર રેવતી પર પડે તો એ હાથ હાલવીને, આંગળી હોઠ પર મુકીને તરત જ આંખ મીંચકારીને મને ચૂપ રહેવાનો ઈશારો કરી દે પણ હું એના બાને ક્યારે ઈશારો કરીને સમજાવી દઉં તેની આ ભોળી કબુતરીને ખબરેય ન પડે !

રેવતીના મમ્મી સુરભીબેન સ્કૂલમાં અને પપ્પા પરાગભાઈ કલેકટર ઑફિસમાં સર્વિસ કરતા હતા. રેવતીની સંભાળ બા રાખતા. તેઓ તેને વાર્તા કહેતા, રીક્ષામાં બેસાડતા અને સાંજે રીક્ષા લેવા આવે ત્યારે મેં એમને ઘણીવાર ઊભેલા જોયા હતાં. એક વાર રેવતી પોતાનો હાથ પકડીને એકદમ રડતી હતી. બધા રેવતીની આસપાસ ઊભા રહીને એને પૂછતા હતા કે : ‘શું થયું ? કેમ રડે છે ? શું વાગ્યું ?’
‘મારા બાને જલદી બોલાવો.’ રેવતી કોઈને હાથ અડાડવા દેતી નહોતી. તરત જ બા બધાની વચ્ચેથી જગ્યા કરીને આવી ગયા. ધીમેથી રેવતીનો હાથ પોતાના હાથમાં લઈને બીજા હાથેથી સહેજ કોણી વાળીને ઊંચો કર્યો અને રેવતીનો દુઃખાવો ગાયબ ! મને તો નવાઈ લાગી !
‘કંઈ થયું નથી, આ તો સહેજ હાથ ઊતરી ગયો હતો.’ રેવતીને ઉપર લઈ જતાં બા બોલતા ગયાં.

અચાનક અમારે થોડા દિવસ ગામ જવાનું થયું. અમે પાછા આવ્યા એ દિવસે બપોરે મેં કોઈ છોકરીનો ચીસ પાડવાનો, રડવાનો, કંઈક પછાડવાનો અને પછી કંઈક ફેંકવાનો અવાજ સાંભળ્યો. હું બહુ કામમાં હતી એટલે મેં એ તરફ કંઈ ખાસ બહુ ધ્યાન ન આપ્યું. પરંતુ બીજે દિવસે બપોરે પણ એવો અવાજ આવતા મેં મારી કામવાળીને પૂછ્યું :
‘અરે, આ કોણ રડે છે ચીસો પાડીને ?’
‘દીદી, તમને અવાજથી ખબર નથી પડતી ? આ રેવતીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. ચાર દિવસ તો હોસ્પિટલમાં રાખી હતી. ઘરે આવ્યે બે દિવસ થયા છે, પણ હવે બધુ સારું થૈ ગયું.’ મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શું રેવતી આમ કરે ? ક્યાં કિલકિલાટ કરતી મીઠી કોયલ અને ક્યાં આ ચીસો ! મારું મન માનવા તૈયાર નહોતું. કામકાજ પતાવીને સાંજે હું તેમના ઘરે તબિયત પૂછવા ગઈ તો રેવતીને ઓળખી શકી નહીં. નિસ્તેજ, થાકેલી, કરમાયેલી રેવતી પથારીમાં સુતી હતી. બાજુમાં ચાલીસ-પિસ્તાળીસ વર્ષનાં એક બહેન બેઠાં હતાં. એના પપ્પા કંઈક શોધતા હોય એમ ઘડીક કબાટનું ડ્રોઅર ખોલબંધ કરતા હતા. મને જોઈને તેઓ બહાર આવ્યા.
‘હું ગામ ગઈ ત્યારે તો રેવતી એકદમ તંદુરસ્ત હતી અને આ અચાનક રેવતીને શું થઈ ગયું ?’ મેં હિંમત ભેગી કરીને પૂછ્યું.
‘બીજું કંઈ નથી, એને માનસિક આઘાત લાગ્યો છે.’ પરાગભાઈ ખુરશી પર બેસતા બોલ્યાં, ‘ડૉક્ટરનું કહેવું છે કે કલાઈમેન્ટ ચેન્જની અસર નાના બાળકોના શરીર પર થાય છે એ રીતે મન પર પણ થાય છે. થોડા સમયમાં વાતાવરણ નોર્મલ થઈ જશે એટલે એ પણ આપોઆપ નોર્મલ થઈ જશે.’ એમની વાતો હું કંઈ સમજી નહીં. આઘાત….વાતાવરણ….નોર્મલ… શું છે આ બધું ? બા અને સુરભીબહેન પણ દેખાતા નહોતાં. મારા મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા. સ્વસ્થ થઈને મેં ધીમેથી પૂછ્યું :
‘સુરભીબહેન અને બા કોઈક કામે… બહાર….?’
‘સુરભીને કાલથી પરીક્ષા શરૂ થઈ છે એટલે એણે જવું જ પડે. એ સિનિયર ટીચર છે. હમણાં જ સ્કૂલે ગઈ. અને બા ? અરે બા માટે તો એકાએક આ બધી ઉપાધી શરૂ થઈ છે !’ પરાગભાઈ નિરાશ થઈને બોલ્યા. મેં પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયા કર્યું.

પરાગભાઈ આગળ બોલ્યા : ‘બાથી છેલ્લા ચાર પાંચ મહિનાથી ઘરકામ થઈ શકતું નહોતું. આમ પણ એમની ઉંમર થઈ છે એટલે અપેક્ષા પણ ના રખાય. હમણાંની એમની તબિયત પણ બરાબર નહોતી. થોડું ઝડપથી ચાલે અને હાંફી જાય. તમને તો રેવતીની ખબર છે જ ને ? એ બેસે પણ નહીં અને બેસવા પણ ના દે.’ હજી મને પરાગભાઈની વાતમાં કંઈ સમજાતું નહોતું. બાને કામ અને રેવતીને તકલીફ ? પણ આ કંઈ પ્રશ્ન પૂછવાનો સમય નહોતો. વળી કોઈના ઘરની વાતમાં મને પૂછવાનો અધિકાર નહોતો. આ તો મારી ‘ફ્રેન્ડ’ રેવતીની તબિયતમાં આમ અચાનક ફેરફાર થયો અને મેં એમના ઘરે જવાની હિંમત કરી. મેં શાંતિથી માત્ર પરાગભાઈની વાત સાંભળ્યા કરી…. તેઓ આગળ બોલ્યા : ‘હજી ગયા સપ્તાહે જ બાનો ભત્રીજો બાની તબિયત જોવા આવ્યો હતો. બાને સાંભળવામાં પણ તકલીફ પડતી હતી એટલે પછી આ બીજા બહેન…. નલીનીબહેન રાખી લીધાં…. અમારા સંબંધીએ જ એમને મોકલ્યા છે.’ પરાગભાઈએ નલીનીબહેન તરફ હાથ કરતાં કહ્યું એટલે મેં નલીનીબહેનને નમસ્તે કર્યું. તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે : ‘આ નલીનીબહેન રેવતીને સંભાળવાની સાથે ઘરકામ, સ્કૂલ-ટ્યુશનનું હોમવર્ક પણ સંભાળશે. મારી પત્ની સુરભીએ બાને પૂછ્યું તો બાએ કહ્યું કે એમાં મને શું વાંધો હોય ? આમ પણ સુમન આવ્યો જ છે તો…એમ કહીને બા સુમન ભેગા ગામડે ગયા. આ તમે આવ્યા તે હું એમનો ફોન નંબર જ શોધતો હતો…’

હવે મને પરાગભાઈની બધી વાત બરાબર સમજાઈ ગઈ. નવા અરીસામાં દેખાતા પ્રતિબિંબની જેમ બધું સ્પષ્ટ થઈ ગયું. માસુમ રેવતીની જેમ જ હું બા ને પણ ‘રેવતીની બા’ જ સમજતી હતી જ્યારે એ તો અહીં ફક્ત કામ કરતાં હતાં. રેવતીના જન્મ પહેલાથી તેઓ અહીં રહેતા હતા. એકલા જ હતા. એમને કોઈ સંતાન ન હોવાથી ઘરની જેમ જ રહેતા. પરાગભાઈની બાને મોકલવાની ઈચ્છા ન હતી પણ શું થાય ?

રેવતીએ પાણી માગ્યું ત્યારે હું મનોમંથનમાંથી બહાર આવી.
‘અરે રેવતી ! હું તો કેટલીવારથી તારી સામે જોયા કરું છું, પણ બેન તમે તો બહુ ઊંઘ લીધી… મારી સામે તો જોતા જ નથી ને બેન ! ચાલ નીચે ગાર્ડનમાં… બધા તારી રાહ જુએ છે.’ મેં તેના ગાલે અને માથે હાથ પસવારીને તેનો હાથ પકડતાં કહ્યું.
‘બા ક્યાં છે ? ક્યારે આવશે બા ?’ રેવતીએ રડમશ અવાજે પૂછ્યું.
‘અરે મારી ડાહી દીકરી…. બાને પેલા સુમનમામા લેવા આવ્યા હતા ને તે એમની ઘરે પણ નાની નાની તારા જેવી જ બેબી આવી છે, તો એને નવડાવવા, રમાડવા અને માલીશ કરવા બાની જરૂર પડે કે નહીં ? એ તો હજી બહુ જ નાની છે તો એને સંભાળવી જોઈએ કે નહીં ? તું તો સમજદાર છે, બધાને સમજાવે છે તો તને કંઈ સમજાવવાનું હોય ?’ રેવતીના ચહેરાની રેખાઓ બદલાતી હતી.
‘એ નાની બેબી થોડી મોટી થશે એટલે બા પાછા અહીં આવી જશે.’ એને શાંત જોઈને મેં આગળ ચલાવ્યું, ‘…..અને ત્યાં સુધી આ નાના બા તો છે જ ને ? એમની પાસેથી તને ઘણીબધી નવી નવી વાર્તાઓ પણ સાંભળવા મળશે.’ રેવતીએ નલીનીબહેન તરફ મોઢું ફેરવ્યું.
‘નલીનીબાને તો ઈંગ્લીશ પણ આવડે છે અને તને પોએમ્સ પણ સંભળાવશે અને વન મિનિટવાળી ગેઈમ પણ…. બરાબરને નલીનીબહેન ?’ પરાગભાઈએ પણ થોડી હળવાશ સાથે કહ્યું.
‘નાના બા, ટવીન્કલ ટવીન્કલ…..’ રેવતી પલંગ પરથી નીચે ઊતરતાં બોલી.
‘અરે મારી લીટલ સ્ટાર……’ નલીનીબહેને બન્ને હાથ પહોળા કરીને રેવતીને તેડી લીધી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉજાસનું પ્રથમ કિરણ – લતા હીરાણી
મારા ભાઈ – શરીફા વીજળીવાળા Next »   

18 પ્રતિભાવો : રેવતી – નિરૂબેન અનડકટ

 1. panna says:

  dear niruben,

  i like the story very much.i felt REVATI is real character.you have described the story so well.flow of story is continous.

 2. trupti says:

  ફ્ક્ત એટલુ કહી શકાય…. અતિ ઉત્તમ……… લાગણિસભર ને વાસ્તવિક્તા થી ભરેલી કથા. અને નિરુબહેનની પ્રથમ કથા જો આટલી જોરદાર છે તો આવનારી કથાઓ માટે કાગડોળે રાહ જોવી રહી.

 3. Sonia says:

  નીરુ બેન, ઘણો જ સરસ લેખ! સાદી ભાષા માં પણ સરસ જમાવટ કરી છે.

 4. kirtida says:

  નિરુબેન
  સાદી સરલ ભાષામાં ભાવ સભર રચના . લાગણી સભર ટૂકી વાર્તાઓ હંમેશા સમાજ સાથે જોડાયેલી હોય છે.
  સત્યા કથા પર આધારિત હશે એવુ મારુ માનવું છે. પ્રથમ રચના માટે શુભેચ્છા.
  અભિનંદન .
  કીર્તિદા

 5. કુણાલ says:

  સુંદર વાર્તા….

 6. બહુ સરસ વાર્તા

 7. Hetal Anadkat says:

  મમ્મી, તમારા અને તમારી વાર્તા ના જેટ્લા વખાણ કરુ એટલા ઓછા પડે…… Love you so much……. 🙂

 8. sima shah says:

  નિરુબેનને ખૂબ-ખૂબ અભીનંદન,આટલી સુંદર અને લાગણીસભર વાર્તા આપવા બદલ.
  ભવીષ્યમાં પણ આવી સુંદર વાર્તાઓ વાંચવા મળે તેવી અપેક્ષા સાથે……….
  સીમા

 9. Dipti Trivedi says:

  પ્રથમ કૃતિ છે એવું લાગે જ નહી. . હું પણ બા અને રેવતી ના તાણાવાણામાં એવી ગૂંથાઈ ગઈ કે —-હજી ગયા સપ્તાહે જ બાનો ભત્રીજો બાની તબિયત જોવા આવ્યો હતો. બાને સાંભળવામાં પણ તકલીફ પડતી હતી એટલે પછી આ બીજા બહેન…. નલીનીબહેન રાખી લીધાં…. —–વાંચ્યા પછી પણ બીજા બહેન ભલે રાખ્યા, બા તો થોડા દિવસ આરામ કરવા ગયા , એમ જ માન્યું. બાળકની વિરહની વેદના હંમેશા મનને સ્પર્શી જતી હોય છે.

 10. Renuka Popat says:

  વાહ ! ખુબજ સરસ..આપને હાર્દિક અભિનન્દન…………

 11. Sunita Thakar (UK) says:

  ખુબ જ સરસ….

 12. kumar says:

  સુંદર …ખરેખર ખુબ સરસ

 13. પહેલો પ્રયત્ન શુંદર છે,તેમાં દિકરી જો માં ની વાર્તાનો પ્રતિભાવ આપે તો સોનામાં શુગન્ધ, અને કદાચ આવું પ્રથમ જ હશે.
  બાકીતો ગરજ સરી એટલે વૈધ વેરી, આજે બા તો કાલે નલીનીબહેન એતો ક્રમ છે.
  પ્રગતિ કરો એજ પ્રાર્થના.
  વ્રજ દવે

 14. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Cannot tell that this is your first story ever… Keep cranking as you have great potentials… and a very sensitive story!

  Ashish Dave

 15. Vishal says:

  ખરેખર સુંદર વાર્તા….

 16. Niru Anadkat says:

  આપના સુન્દર પ્રતિભાવ બદલ આભાર.

 17. nayan panchal says:

  વાચકને છેક સુધી જકડી રાખનાર અને લાગણીશીલ વાર્તા, સત્યની સાવ નજીક. જે છોકરાઓને માતા-પિતા ડે-કેર સેન્ટરમાં મૂકે છે તેમને સમય જતા માતા-પિતા કરતા તેમની સારસંભાળ રાખનાર દીદી સાથે વધુ લાગણી બંધાય જાય છે. જે માતાઓ ઘરમાં બાળકને બાના સહારે રાખીને કિટીપાર્ટી કે હરવાફરવામાં વ્યસ્ત રહે છે તેમણે આ વાર્તા ખાસ વાંચવી જોઈએ.

  લેખિકાને અભિનંદન.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.