નિમિત્ત – સ્મિતા પારેખ

[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.]

‘બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને, અજય ?’
‘હા, ડૉક્ટર સાહેબ.’
‘અરે અજય ! આ બૅનર વાંકું નથી લાગતું ? જરા સીધું કરને ભઈલા.’ ત્યાં જ સંજય આવ્યો.
‘સર, બધાં છાપામાં પ્રેસનોટ આપી દીધી છે.’
‘સંજય, છાપાં તો ઠીક છે, ગરીબ માણસને તે વાંચવાનો સમય ક્યાં હોય છે ? એક કામ કર, ટ્રાફિક સર્કલ, ચાર રસ્તા પર, ડિવાઈડર એ બધે બૅનર લગાડવાનું કહી દે અને ફોન્ટ જરા મોટા રાખજે કે જેથી દૂરથી ય વંચાય કે આ હૉસ્પિટલમાં ફ્રી કેમ્પ છે.’
‘ઓ.કે. સર’

હોસ્પિટલમાં પ્રવેશતાં જ મેં નોંધ્યું કે આખો સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક હૉસ્પિટલના ઉદ્દઘાટનની તડામાર તૈયારીમાં વ્યસ્ત હતો. કૉન્ફરન્સ હૉલમાં બધા ડૉક્ટર્સ મારી જ રાહ જોતા હતા.
‘ગુડ મૉર્નિંગ, ડૉ. અંશુલ.’
‘ગુડ મૉર્નિંગ, આ ફ્રી કેમ્પમાં આપ સૌ ડૉક્ટર્સ જોડાયા ને મારો ઉત્સાહ દસગણો વધાર્યો તે બદલ, થૅન્ક્સ એ લોટ !’
‘ડૉ. અંશુલ, તમારો આ ફ્રી કેમ્પનો વિચાર જ ખૂબ ઉમદા છે. સામાન્ય રીતે હૉસ્પિટલના ઉદ્દ્ઘાટનમાં મિનિસ્ટર, સેલિબ્રિટીઝ, સગાવહાલાં, મિત્રો વગેરે બોલાવતા હોય છે ને પછી ફૂલોના ગુલદસ્તા, નાસ્તા-પાણી, આઈસ્ક્રીમ એવી રીતે ઉજવણી થતી રહેતી હોય છે. જ્યારે આપે એક ફ્રી કેમ્પ યોજી તેના દ્વારા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવાનું નક્કી કરી એક નવો જ ચીલો પાડ્યો છે.’
‘ડૉ. શરદ, ઘણીવાર આ બધું મનમાં હોય છે પણ તેનો અમલ કરવાનું શક્ય બનતું નથી. આજે આપ સૌના સહકારથી હાડકાનાં રોગોનું નિદાન, જરૂરી ટેસ્ટ, હાડકાંની ઘનતાની ચકાસણી તથા કૃત્રિમ પગનું પ્રત્યારોપણ બધું જ આપણે વિના મૂલ્યે આ કેમ્પમાં સામેલ કરી શક્યા છીએ એનો આનંદ મારા હૈયે અઢળક છે, થૅન્ક્સ.’ અમે બધા કૉફી પી છૂટા પડ્યા.

છેલ્લા પાંચ વર્ષથી મેં મુંબઈની જશલોક હૉસ્પિટલમાં ઑર્થોપેડિક નિષ્ણાત તરીકે કામગીરી કરી સારો એવો અનુભવ, નામના ને પૈસા મેળવ્યા પણ સંતોષ થતો ન હતો. ભીતર એક એવી ઈચ્છા ખરી કે પોતાના વતન સૂરતમાં જઈ પ્રેક્ટિસ કરું અને એ ઈચ્છા ને આકારિત કરવા હું કટિબદ્ધ થયો. મજૂરા વિસ્તારમાં અમારો વિશાળ બંગલો કે જ્યાં મારું બાળપણ તેમજ યુવાની વીતી, તેને રિનોવેટ કરાવી હૉસ્પિટલ કમ રેસીડન્સમાં ફેરવ્યો. એક લીલુંછમ્મ સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. એ ખુશીથી અંતર ભર્યું ભર્યું હતું.
****

‘યસ નંબર એક, આ તરફ…..’
અજયનો અવાજ અંદર મારી કૅબિન સુધી પહોંચતો હતો. ઠક ઠક અવાજ સાંભળી મેં દરવાજા તરફ જોયું તો લંગડાતો લંગડાતો એક બિહામણો માણસ, જેની બગલમાં કાખઘોડી, મોઢા પર જખમના નિશાન, નિસ્તેજ આંખોમાં ડોકિયા કરતી લાચારી, ટૂંકા ટૂંકા કૂદકા લગાવતો, ઘોડી પર ભાર મૂકીને ચાલતો અંદર પ્રવેશ્યો.
‘કેમ છો, બાબા ? અહીં ઘોડી મૂકી, પથારીમાં સૂઈ જાવ.’
‘શું નામ તમારું, બાબા ?’
બાબાની આંખોમાં ક્ષણભર મેં ચમક જોઈ.
‘જયેશ રાઠોડ’ ઘેરો ઘૂંટાયેલો દર્દભર્યો અવાજ. મેં તેમના કપાયેલા પગ પર હથોડી ઠોકી તપાસતાં પૂછ્યું.
‘શું થયું હતું ? અકસ્માત ?’
એક ક્ષણ બાબાનો ચહેરો કઠોર ભાસ્યો.
‘હમ’
‘કેટલાં વર્ષો પહેલાં….’
તેમના ચહેરા પર દુઃખની લહેરખી વ્યાપી ગઈ.
‘ત્રીસેક વર્ષ પહેલાં અકસ્માત થયો હતો, ભાઈ.’
‘બાબા, થોડા ટેસ્ટ કરવાના છે. એ રિપોર્ટ્સ જોયા પછી ટ્રિટમેન્ટ શરૂ કરીએ.’
બાબા થોડા ગુંચવાયા એટલે મેં તરત જ કહ્યું, ‘વિના મૂલ્યે સારવાર થશે, આપ ચિંતા ન કરશો.’ મેં બેલ મારી નર્સને બોલાવી સૂચના આપી : ‘એમના આ બધા ટેસ્ટ કરાવી પછી મને રિપોર્ટસ મોકલો ને બાબાને વૉર્ડમાં દાખલ કરો.’
‘જી સર.’
‘આભાર સાહેબ.’ બાબાની આંખોમાં ભીનાશ તરવરી.
‘પેશન્ટ નંબર બે, સાહેબની કૅબિનમાં જાવ….’ સવારથી જ ઓપીડીની ભીડને નિયંત્રણમાં રાખવી અજય માટે મુશ્કેલ થઈ રહ્યું હતું.

સાંજે વૉર્ડમાં હું રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યારે બાબાની પથારી પાસે પહોંચ્યો.
‘બાબા, તમારા રિપોર્ટ્સ નોર્મલ છે. એક નાનકડી સર્જરી કરી, એક કૃત્રિમ પગ, જયપુર ફૂટ બેસાડવાનો છે. કાલે સવારે સર્જરી કરીશું પછી અઠવાડિયામાં તમે કાખઘોડી વગર ચાલી શકશો.
‘ખરેખર ! હું ચાલી શકીશ, સાહેબ ?’ તે ગદગદીત થઈ ઊઠ્યા.
‘હા, જરૂર. ને દોડીય શકશો !’ એમના ચહેરા પરનો આનંદ જોઈ મને ખૂબ શાતા વળી. આ જ નાનકડી ખુશીને તો હું વર્ષોથી શોધતો રહ્યો હતો. બે દિવસ પછી હું વૉર્ડમાં રાઉન્ડ લઈ રહ્યો હતો.
‘બાબા, હવે કેમ લાગે છે ?’ મેં તથા ફિઝિયોથેરાપિસ્ટે બાબાને ઊભા કરવાની કોશિશ કરી.
‘પગ ખેંચાય છે, સાહેબ.’
‘હમ… બે ચાર ડગલાં ચાલીશું ને ?’
બાબાએ ઘોડી તરફ હાથ લંબાવ્યો…. ‘ના… હવે એ ઘોડી લેવાની નથી, જાતે કોશિશ કરો. ડાબો પગ પહેલાં નીચે મૂકો…. હં ધીરે ધીરે….. પહેલું ડગલું….. હવે જરા સ્થિર થાવ, ફરી પગ ઉપાડો ને પછી બીજું ડગલું.’
‘ઓ રે ! બસ સાહેબ.’
‘બે ડગલાંમાં થાકી ગયા ? બેસી જાવ. ફરી એકાદ કલાક પછી થોડા ડગલાં ચાલજો.’ તેઓ બે ડગલાં ચાલી શક્યા એ વાતનો આનંદ એક ક્ષણ માટે તેમના ચહેરા પર છવાઈ ગયો, પણ બીજી જ ક્ષણે તેમની આંખો કોઈ અજાણ્યા વજનથી બંધ થઈ ગઈ. તેઓ ખૂબ ઓછું બોલતા પણ એવું લાગતું કે એમની ભીતર એક વાવાઝોડું કેન્દ્રિત થયેલું છે.

બીજા બે દિવસ પછી બાબા ફિઝિયોથેરાપિસ્ટની સાથે હૉસ્પિટલની લૉબીમાં ચાલતા હતા, એ દશ્ય જોઈ મારી ભીતર એક તરણું મહોર્યું ને હોઠે સ્મિત અંકાયું.
‘બાબા, કેવું લાગે છે ?’
‘બેટા, ચમત્કાર જેવું લાગે છે. તેં તો મને નવજીવન બક્ષ્યું.’ હું એમની પાસે પથારીમાં બેઠો.
‘બાબા, તમારા કુટુંબમાં કોણ છે ? એ અકસ્માત કેવી રીતે થયો ?’
‘બાબા અચાનક હાંફવા લાગ્યા, જાણે એમની અંદર પીડાનાં સણકા ન ઊઠતા હોય !’
‘કંઈ થાય છે તમને ?’
‘ના, બેટા.’
થોડીવારે તેઓ પોતાની દુનિયામાં પ્રવેશ્યા.

‘હું ખૂબ નાનો હતો ત્યારે પિતા ગુજરી ગયા. માએ પેટે પાટા બાંધીને મને ઉછેર્યો. ઘરમાં જ એક વીશી ચલાવતી ને અમારો જીવનનિર્વાહ ચાલતો. હું ખૂબ ભણ્યો, ઍન્જિનિયર થયો, એક સારી કંપનીમાં જોડાયો. ઘર, ગાડી બધું કંપની તરફથી મળ્યાં. અમારા દુ:ખના દિવસો હવે ગયા. માએ એક સુંદર અને સુશીલ યુવતી નીતા સાથે મારી સગાઈ કરી. અમારાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. મારા હોઠે ગીત, આંખોમાં જીવનનાં સોનેરી સપનાં અને હૈયે સુખના અમીછાંટણા થયા હતા એવા જ એક દિવસે હું ખૂબ ખુશ હતો. કોઈક ગીત ગણગણતો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. બપોરના તાપમાં બળબળતો ડામરનો રસ્તો લગભગ સૂમસામ હતો…. ત્યાં જ… અચાનક એક બંગલાના ઝાંપામાંથી બૉલ ગબડ્યો ને એની પાછળ દોડતો બે-એક વર્ષનો એક બાળક સડક વચ્ચે આવી ગયો… શું કરું ? મેં એ બાળકને બચાવવા મારી ગાડી જમણી સાઈડમાં દબાવી…. પણ સામેથી પૂરઝડપે આવતી ટ્રક સાથે ધડામ દઈને અથડાઈ, હું બહાર ફેંકાયો.’
‘ઓહ માય ગોડ’ મેં હાંફતા બાબાને પાણી પાયું.
બાબાએ બે-ચાર ક્ષણ આંખો મીંચી.
‘જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સિવિલ હૉસ્પિટલમાં પડ્યો હતો. ઠેર ઠેર પાટાપીંડી ને એક પગ… કપાઈ ગયો હતો. હું અપંગ, મારી આ હાલત જોઈ માને હૃદયરોગનો હુમલો આવ્યો. એ ચાલી નીકળી. એકાદવાર નીતા મારી વાગ્દત્તા આવી હતી પણ પછી ન ફરકી. મા મૃત્યુ પામી, છોકરી ગઈ, નોકરી ગઈ. મારી જિંદગીમાં આઘાતોની વણઝાર ઊતરી આવી, ખબર નહીં, મારા ક્યા પાપની આવી આકરી સજા ભગવાને મને ફટકારી. વર્ષો સુધી હૉસ્પિટલના ધર્માદા વૉર્ડમાં સડતો રહ્યો ને પછી આ કાખઘોડીને સહારે જીવન ઢસડતો ગયો પણ સાહેબ, આ કાળાં ઘનઘોર વાદળો વચ્ચે એક રૂપેરી કોર જેવી આછેરી ખુશી એ વાતની કે એ નાસમજ બાળકનો જાન બચી ગયો…’ બાબાના ચહેરા પરની એ કઠોર રેખાઓ અદશ્ય થઈ પણ મારા લમણાંની નસો ફાટવા લાગી.

મેં અધીરાઈથી પૂછ્યું : ‘બાબા, આ અકસ્માત ક્યાં થયો હતો ?’
‘આટલામાં જ, મજૂરા વિસ્તારમાં. પણ એ બંગલો દેખાતો નથી, ભાઈ.’
મારા માનસપટ પર મારી માના એ શબ્દો ઊભરી આવ્યા : ‘બેટા અંશુલ, તું નાનો હતો ને ત્યારે એક ચમત્કાર થયેલો. તું પોણા બે-એક વર્ષનો હશે. એક બપોરના મારી આંખ જરા લાગી ગઈ ને તું બૉલ રમતો રમતો છેક સડક પર જઈ ચઢ્યો. એ જ સમયે ત્યાં એક ગોઝારો અકસ્માત થયો પણ તારો વાળ સુદ્ધાં વાંકો ન થયો હતો. જાણે સ્વયં ભગવાને તારી રક્ષા કરી. મારા માથામાં હથોડા ઝીંકાવા લાગ્યા.
‘બેટા, ફરી તારો પાડ, તેં તો મને નવજીવન……..’ દૂરથી આવતા બાબાના શબ્દો મારા કાને અથડાયા. નવજીવન ? માય ફૂટ, મેં તો કોઈકનું જીવન વેરવિખેર કરી નાખ્યું. વજ્રઘાતોની વણઝાર મારા થકી કોઈકના જીવનમાં ઊતરી આવી. ભલેને અજાણતાં જ…. પણ નિમિત્ત તો હું જ ને ? કોઈક પક્ષઘાતના હુમલાથી હું જડવત, લાકડા જેવો શિથિલ થઈ ગયો. મારી શિરાઓમાં લોહી જામી ગયું ને મારી ભીતર આ શું સળગી ઊઠ્યું જામગરીની જેમ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અર્જુન-સુભદ્રાની કથા – સ્વામી સચ્ચિદાનંદ
હસતાં રહો ! – સંકલિત Next »   

24 પ્રતિભાવો : નિમિત્ત – સ્મિતા પારેખ

 1. Sonia says:

  મન માં હલચલ મચી ગઈ….ખુબ સંવેદનશીલ લેખ!

 2. સંવેદનશિલ વાર્તા. એ છોકરો બચી ગયો ને ઘણા ના જીવન બચાવી શક્યો.

 3. અશોક જાની 'આનંદ' says:

  સ્મિતાબેનની વાર્તા ખૂબ જ સંવેદનશીલ લાગી, જો કે અંત કળી શકાય એવો રહ્યો.

 4. કુણાલ says:

  સરસ વાર્તા … 🙂

 5. Jigar says:

  Hi Smita,

  Very good story (though bit predictable).

  I think presentation could be better.

  Will wait for your next story.

  Thanks in advance.

  Regards,
  Jigar

 6. Vikas says:

  ખૂબ જ સરસ વાર્તા

 7. preetam lakhlani says:

  This is the real story,…..બે ત્રણ વાર તો વાંચી અને મન કહે છે અજી એક વાર પાછી વાચી નાખ…..બહુ જ સરસ વાર્તા…….

 8. Kharekhar bahuj hriday-sparshi story chhe. Aa story aaj na Doctors ne pan sandesho aape chhe ke aam janata na khichcha kapava karata seva karo. Thank you very much Smitabahen.

 9. maullik says:

  The main part was that both met after such a long time ……
  so they came to know …..
  but still both are innocent and both are victim
  that’s called complex life…..
  which is not meant for scrutinize but for simply living as it comes…………

 10. સત્યકથા હોય અને ડોક્ટર નુ વર્તન આટલુ સારુ હોય તો આવા પાયા ઓપરજ આજનો સમાજ ટકિરહ્યો છે.

 11. Rachana says:

  સારી અને સરલ વાર્તા લાગી….

 12. pallavi mistry says:

  ખુબ સરલ વારતા

 13. Vivek says:

  હદય દ્રવિ ગયુ..

 14. Sonal says:

  ખુબ સવેદનશીલ વાર્તા

 15. vaishali shah says:

  superb! it’s a strange that someone still feels like this in this commercial and artificial world

 16. કરુણકથા.આંખો ભીની થઇ ગૈ.
  વ્રજ દવે

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Bit dramatic but good message.

  Ashish Dave

 18. Pravin V. Patel [USA] says:

  સત્યઘટનાની લગોલગ.
  બાબાનું જીવનતો ઉજડ્યું, પણ ડોક્ટરે ઉપકારનો અજાણતાં પણ બદલો ચુકવી નવજીવન બક્

 19. Pravin V. Patel [USA] says:

  સત્યઘટનાની લગોલગ.
  બાબાનું જીવનતો ઉજડ્યું, પણ ડોક્ટરે ઉપકારનો અજાણતાં પણ બદલો ચુકવી નવજીવન બક્ષ્યું.
  પણ યુવાને માતા, ભાવિ પત્ની અને યુવાની ગુમાવી……………..અફસોસ.

 20. AJAY OZA says:

  Khub saras smitaben, Abhinandan.
  ‘Abhnav Vartao’ ma ni tmam vartao aa rite badhe j thi sara prtibhavo melvshe j.
  Congratulations.
  AJAY

 21. Sandhya Bhatt says:

  ખૂબ સુંદર વાર્તા. લાગતું ન્હોતું કે, આ અંત હશે. તે જ સ્મિતાબેનની સફળતા છે.

 22. Gunjan says:

  really nice story…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.