આપણે – રાજેન્દ્ર શાહ

હે જી બેઉ તે બાજુએ સરખો મેલીએ
…………… ડાબા-જમણાનો ભાર,
કાંઈ રે ઊંચું ન નીચું ત્રાજવે
…………… રાખી સમતલ ધાર,
…………… સઘળો વહેવાર ખાંતે કીજીએ

હે જી બેય રે બાજુની લેણ-દેણનો
…………… બાકી હોય ના હિસાબ,
હળવો દિવસ, હળવી નીંદરા,
…………… જાણે નહીં કોઈ દાબ,
…………… મળતાં મળ્યાંની સંગ રીઝીએ.

હે જી વાયરે આવે કો ટહુકો કણ્ઠનો
…………… એળે આથમી ન જાય,
ભેળો હો કાળજડેથી ઊછળ્યો
…………… બોલ આપણો છવાય,
…………… ભવ-ભાવ હેલીએ તે ભીંજીએ

હે જી આપણે ખીલેલ એક પીપળે
…………… નીલ નન્દત પાન,
હવાની સંગાથ નભ-તેજની
…………… હારે આપણી હો તાન,
…………… ઝીલીએ, ઝાકળ-જલ પીજીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝાકળના ઝગારા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સફળતાનો રાજમાર્ગ – સુધીર દેસાઈ Next »   

0 પ્રતિભાવ : આપણે – રાજેન્દ્ર શાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.