સફળતાનો રાજમાર્ગ – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક (વડોદરા)માંથી સાભાર.]

જીવનમાં સતત આગળ વધ્યા કરવું હોય તો એને માટેના રસ્તાઓ શોધ્યા જ કરવા પડશે. જીવનમાં એક જ સમસ્યા નથી હોતી. જુદા જુદા પ્રકારની અનેક સમસ્યાઓ સતત આવ્યા જ કરતી હોય છે અને એ બધી સમસ્યાઓમાંથી રસ્તો કાઢીને આગળ ને આગળ વધ્યા કરવાનું છે. એમાં જ જીવનનો સાચો આનંદ છે અને જીવનના અંત સુધી એ આનંદ યાદ રહે છે. આ રસ્તાઓ આપણને કોઈ કહે તો ખબર પડે કે ક્યાંક વાંચીએ તો ખબર પડે. જે સમસ્યાના નિરાકરણની કોઈ વાત કરતું હોય કે વાંચવામાં આવતી હોય એ સમસ્યા આપણી જિંદગીમાં ન પણ હોય. પણ ગમે ત્યારે એ આપણી જિંદગીમાં આવી શકે છે કે આપણા પોતાના માણસોની જિંદગીમાં આવી શકે છે. એ વખતે આ સમસ્યાના નિરાકરણ માટેની જાણેલી વાત કામમાં આવી જાય. માટે જ આવી વાતો વાંચવાની કે સાંભળવાની જીવનમાં ખાસ જરૂર હોય છે.

હમણાં થોડાક દિવસો ઉપર મેં રૉબર્ટ એચ.શુલરની ચોપડી ‘બી એન ઍક્સ્ટ્રા ઑર્ડીનરી પર્સન ઈન એન ઑર્ડીનરી વર્લ્ડ’ વાંચી. એમાં નાના નાના પ્રસંગો છે. પણ એ નાના પ્રસંગો ઘણી મોટી વાતો કરી જાય છે. એમાંથી થોડાક પ્રસંગો આજે આપણે જોઈએ…

એક જજ બીજીવાર ઈલેકશન માટે વાતો કરતા હતા. એ બહુ સજ્જન માણસ હતા. એમની સારી કાર્યપદ્ધતિને કારણે એમની પ્રતિષ્ઠા પણ ઘણી હતી. એમની સામેનો માણસ નાલાયક હતો. એને જજની પ્રતિષ્ઠા સામે કાદવ ઉછાળ્યા કરવાનો એક જ રસ હતો. એક માણસ પેલા જજની પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘તમને ખબર છે ? તમારો હરિફ તમારે માટે શું બોલ્યા કરે છે ? એ તમારી ટીકાઓ કર્યા કરે છે. તમે એની સામે શું કરશો ? કંઈક તો કરવું પડશેને ? જજે એના પક્ષના સલાહકારો અને એની સમિતિના માણસોની સામે થોડીવાર જોયા કર્યું, અને પછી કહ્યું : ‘હું જ્યારે નાનો છોકરો હતો ને, ત્યારે મારી પાસે એક કૂતરો હતો. જ્યારે જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર દેખાય ત્યારે ત્યારે એની સામે જોઈને એ આખી રાત ભસ્યા કરે. એને કારણે બધાની ઊંઘમાં ખલેલ પડે. પણ પેલો કૂતરો ચંદ્રની સામે જોઈને ભસ્યા જ કરે. ક્યારેય ભસવાનું બંધ ન કરે.’ આટલું બોલી જજ શાંત થઈ ગયા.
‘હા, આ તો જુદી વાત થઈ. તમે સરસ વાત કરી. પણ આપણે પેલા તમારી ટીકા કરનાર માટે શું કરવું જોઈએ ?’ એક જણે પૂછ્યું.
જજે સમજણ પાડતાં કહ્યું : ‘મેં તમને એનો જ જવાબ આપ્યો. પેલો કૂતરો જ્યારે ચંદ્રની સામે જોઈને ભસતો હતો ત્યારે ચંદ્ર તો પોતાની રીતે પ્રકાશ વેર્યા જ કરતો હતો ! મારી કોઈ ઈચ્છા નથી પેલા ટીકા કરનાર માટે કંઈ કરવાની. મારે તો પ્રકાશ્યા કરવું છે. હું એની ટીકાઓને કોઈ ગણતરીમાં લેવા જ માંગતો નથી. જે રીતે ચંદ્રે પેલા કૂતરાની કોઈ નોંધ લીધી ન હતી. હું બસ શાંતિથી પ્રકાશ્યા કરીશ.’

આપણે જો જીવનમાં સતત આગળ જ વધ્યા કરવું હોય તો ટીકાકારોને જવાબ આપવામાં સમય બગાડવા કરતાં આપણે જે મહત્વનું કામ જીવનમાં કરી રહ્યા હોઈએ તે જ કર્યા કરવાનું છે. નહીં તો આગળ જતાં આપણી પ્રગતિ અટકી જશે. આવા ટીકાકારોને કારણે આપણે ચંદ્રની જેમ કૂતરાના ભસવાને અવગણવાનું છે. બીજો એક પ્રસંગ એ પુસ્તકમાંથી જોઈએ :

રૉબર્ટ એચ.શુલર લખે છે સૅન્ટ લૂઈસ, મિસુરીમાં વ્યાખ્યાન આપીને હું મારી હૉટલમાં પાછો આવ્યો. બહુ વરસો પહેલાંની આ વાત છે. સાંજના પાંચ વાગ્યા હતા અને મારે સાડા છ વાગ્યે એ અગત્યની જગ્યાએ બોલવા જવાનું હતું. મેં મારી બૅગમાંથી મારો સ્યૂટ કાઢ્યો. ચાર મહિનાથી મેં એ પહેર્યો ન હતો. અને મારું વજન આ ચાર મહિનામાં ઘણું ઊતરી ગયું હતું. અને પેટના ભાગ પાસે ચાર ઈંચ ઊતરી ગયું હતું. મારો પટ્ટો લાવવાનો રહી ગયો હતો. એટલે મેં તારના હેંગરને સીધું કરી પટ્ટાની જગ્યાએ વાપરવા પ્રયત્ન કર્યો પણ જામ્યું નહીં. સેફટી પીનથી પણ થઈ શકે તેમ ન હતું. હવે શું કરવું ? બહુ ઓછો સમય બચ્યો હતો અને મારે જલ્દી પહોંચવાનું હતું. મેં હૉટલના નોકરને પૂછ્યું કે : ‘આસપાસમાં કોઈ દરજી છે ?’
‘બાજુના મૉલમાં છે. હવે એ નીકળવાની તૈયારીમાં હશે કદાચ !’ એણે કહ્યું. અને મેં ઝડપથી સ્યૂટ લઈને મૉલ તરફ ચાલવા માંડ્યું. મૉલમાં જઈ દરજીને મેં વાત કરી કે આટલો ફેરફાર કરવાનો છે. ત્યારે પેલાએ કહ્યું : ‘દોઢ-બે કલાક લાગશે. આમ તો અત્યારે બંધ કરી દઈએ છીએ.’
મેં કહ્યું, ‘મને હૉટલમાંથી કહેવામાં આવ્યું કે તમે તો સૌથી સરસ દરજી છો. શું સાચી વાત છે ?’ એટલે દરજીએ કહ્યું, ‘હું ઘણા વખતથી કામ કરું છું.’ મેં કહ્યું : ‘મારો એક મિત્ર કેલિફૉર્નિયામાં છે. જે આવું કામ વીસ મિનિટમાં જ કરી નાખે છે.’
આ સાંભળીને પેલા દરજીએ કહ્યું : ‘હું તમને અઢાર મિનિટમાં કરી આપીશ.’ એણે તરત જ કામ હાથ પર લઈ કરી આપ્યું. સરસ કામ કર્યું હતું.

મેં કહ્યું : ‘ઘણું સરસ. મને ખાતરી જ હતી કે તમે કરી જ દેશો. મને તમારામાં વિશ્વાસ હતો.’ આ સાંભળી પેલા દરજીએ કહ્યું : ‘મને લાગે છે તમે કોઈ ધાર્મિક વ્યક્તિ છો. મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.’
મેં કહ્યું : ‘શક્ય છે.’
‘હા.’
‘તમે કોઈ પ્રિસ્ટ છો ?’
‘હા.’
‘તમે ક્યા ધર્મ જોડે જોડાયેલ છો ?’
મેં કહ્યું : ‘આપ કહો તો એ કોઈ ધર્મ નથી, લોકોની ભાષામાં. જે રીતે બીજા ધર્મો છે એવો આ ધર્મ નથી. જેમાં બધા કાયદા કાનૂનો હોય છે. આમ ના કરો ને તેમ ના કરો…અહીં કોઈ બંધનો નથી. અહીં નહીં જવાનું ને ત્યાં નહીં જવાનું એવું પણ આ ધર્મમાં નથી. આમાં અમુક પ્રાર્થના વારેઘડીએ બોલ્યા કરવાની એવું પણ કાંઈ નથી. આ એક સંબંધ છે, જે મારે કોઈકની જોડે છે, જે મારો સૌથી સારો મિત્ર છે. એ છે ભગવાન. હું એનામાં માનું છું.’ આવી વાત એ પુસ્તકમાં લખી છે. આપણે પણ જો આ નિયમ બનાવી દઈએ તો ? ભગવાનને જ આપણા સૌથી પ્રિય મિત્ર બનાવી દઈએ તો ? તો આપણે એમને ન ગમતું કોઈ કામ સરળતાથી કરીએ જ નહીં. અને એ આપણા બધાં જ કામ સરળતાથી કરી જ આપે. એવું નથી લાગતું કે ભગવાનને આપણા સૌથી પ્રિય મિત્ર બનાવવા જોઈએ !!!

એક ત્રીજી વાત જોઈએ એ પુસ્તકમાંથી :
બાઈબલમાં મોઝીઝની વાત આવે છે. મોઝિઝ હંમેશાં શક્યતાઓ વિશે જ વિચારતા. જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ ઈઝરાઈલના બાળકોને ઈજીપ્ત લઈ જાઓ ત્યારે એમણે તરત જ એમને લઈને ચાલવા માંડ્યું હતું. એમને એ ખબર ન હતી કે વચ્ચે આવતો રાતો સમુદ્ર એ કેવી રીતે પાર કરી શકશે. એ વિષે જો એમણે વિચારવા માંડ્યું હોત તો એ મુસાફરી શરૂ જ ન કરી શક્ત ! અને જો એ વિચારતા બેસી રહેત તો પ્રભુએ સાગરના બે ભાગ કરી વચ્ચે રસ્તો ન બનાવ્યો હોત. પણ શ્રદ્ધાના બળ ઉપર એમણે તો બસ ચાલવા જ માંડ્યું. ઈશ્વર ચમત્કાર નથી જ કરતા જ્યાં સુધી તમે એનામાં શ્રદ્ધા મૂકીને તમારી બધી જ શક્તિઓને કામે નથી લગાડતા. આપણે આપણાથી થાય એ બધું જ કરી છૂટવાનું છે. ત્યારપછી જ ઈશ્વર ચમત્કારનું સર્જન કરે છે. અને ગીતામાં કહ્યું છે ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ’ વાત એક જ છે. શબ્દોમાં વિશ્વાસ મૂકીને મોઝિઝે બધાંને લઈને રાતા સમુદ્ર તરફ ચાલવા માંડ્યું. અને ઈશ્વરે સમુદ્રના બે ભાગ કરી દીધા ! ઈશ્વર શું ન કરી શકે ? ઈશ્વરમાં શ્રદ્ધા જોઈએ. તો જે કલ્પી પણ ન શકાય તે બની શકે છે.

આમ આવા પ્રસંગોથી ભરેલી ચોપડી વાંચ્યા કરીએ તો આપણા જીવનના દરવાજાઓ ખૂલ્યા જ કરે. અને કોઈની તકલીફ પણ આપણે દૂર કરી શકીએ. પણ એને માટે ઉત્તમ વિચારો સુધી પહોંચવું પડે અને એ એવા ઉચ્ચ વિચારોવાળા માનવી પાસેથી મળે કે ઉત્તમ પુસ્તકો પાસેથી મળે. આજે આપણી ગુજરાતની સરકાર જે વાત કરે છે ‘વાંચે ગુજરાત’ એ આ જ વાત છે. આપણે એના અમલ માટે વિચારવું જોઈએ એવું નથી લાગતું ? જીવનમાં સફળતા મેળવવા માટે બીજો કોઈ રસ્તો જ નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે – રાજેન્દ્ર શાહ
સંસારી-સાધુ ભોળો ભાભો – ગિરીશ ગણાત્રા Next »   

8 પ્રતિભાવો : સફળતાનો રાજમાર્ગ – સુધીર દેસાઈ

 1. ખુબ સુંદર વાત.

  “ઈશ્વર ચમત્કાર નથી જ કરતા જ્યાં સુધી તમે એનામાં શ્રદ્ધા મૂકીને તમારી બધી જ શક્તિઓને કામે નથી લગાડતા.”

  બીજી એક આવી જ વાત કુન્દનિકા કાપડિયાની “જીવન- એક ખેલ” માંથી… “હું મારો બધો બોજો અહીં બેઠેલા ભગવાનને સોંપી દઉં છું”.

 2. Chintan says:

  ખુબ સાચી વાત કહી છે આ લેખમા, સતત વાંચન એ એક અદભૂત શક્તિનું કાર્ય કરે છે. જીવનનાં ઘણાં અટપટા પ્રશ્નોનો જવાબ આ રીતે મળી રહે છે.

 3. naresh{Dubai} says:

  “ઈશ્વર ચમત્કાર નથી જ કરતા જ્યાં સુધી તમે એનામાં શ્રદ્ધા મૂકીને તમારી બધી જ શક્તિઓને કામે નથી લગાડતા

 4. naresh{Dubai} says:

  “ઈશ્વર ચમત્કાર નથી જ કરતા જ્યાં સુધી તમે એનામાં શ્રદ્ધા મૂકીને તમારી બધી જ શક્તિઓને કામે નથી લગાડતા.”

  amazing…………..itis just like life mantra………..i mstrongly believe this sentence……..afrinnnnnnnnnnnnnn

 5. Dipti Trivedi says:

  આ એક સંબંધ છે, જે મારે કોઈકની જોડે છે, જે મારો સૌથી સારો મિત્ર છે. એ છે ભગવાન. હું એનામાં માનું છું.’———–જીવનમાં ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ કરતા શીખવાનું ખૂબ જ કપરું છે અને એથી પણ વધુ કઠૈન છે એક મિત્ર, જેનામાં આપણે પૂર્ણ વિશ્વાસિત હોઈએ.—-વળી લેખકે અહી બીજી એક માનવ સ્વભાવની ખસિયત બતાવી છે કે સુષુપ્ત શક્તિ પડકારથી કામે લાગી જાય છે અથવા એમ કહેવાય કે દરજી અણદેખેલા હરિફ દરજીની વીસ મિનિટ સામે પોતે ઉતરતો નથી એમ સાબિત કરે છે અને લેખક્નું કામ થઈ જાય છે.

 6. hiral shah says:

  ખૂબ સરસ લેખ. ઘણી સરસ વાતો.
  ૧) વિશ્વાસથી કેવું સરસ રીતે દરજી પાસે કામ કરાવ્યું. વાહ.
  ૨) ભગવાન આપણા સૌનો પરમ મિત્ર.
  ૩) ઇશ્વરમાં સાચી શ્રધ્ધા અને પરિશ્રમ એ જ ચમત્કાર સર્જ્વાનો રાજમાર્ગ.

  છેલ્લે વાંચે ગુજરાતવાળી વાત. હા, વાંચે ગુજરાત અભિયાનની અસર ધીમે ધીમે આપણને સૌને જ લાભ આપશે આપણાં રોજિંદા અનુભવોમાં.

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  I always look for new books to read. My next on the reading list would be: Be An Extraordinary Person In An Ordinary World. Thank you Sudhirbhai.

  Ashish Dave

 8. RAHUL VANVI says:

  thanks for this add i like saflta melvva mate pagal pn ane akl mandi banne hova joea

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.