સંસારી-સાધુ ભોળો ભાભો – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

મુંબઈના દાદર રેલવે સ્ટેશનની સામે આવેલી ઈરાની હોટલ આગળના એક ખુલ્લા ભાગમાં લોકોનું ગોળ કુંડાળું વળી ગયું હતું. કુંડાળાની વચ્ચેના ભાગમાં વાંસડાઓના ટેકે બે છેડાનો જાડો તાર બાંધ્યો હતો. ઢોલ પર દાંડીઓ પિટાઈ રહી હતી અને એક તીણો અવાજ કોઈને પડકારી રહ્યો હતો.

સાવ નિરુદ્દેશનું મુંબઈનું આ મારું મધ્યાહન-ભ્રમણ હતું. સમયની ચિંતા ન હતી અને થોડોઘણો સમય પસાર કરવો હોય તો રસ્તા પરનો આ મફતનો ખેલ કંઈ ખોટો ન હતો એટલે ખિસ્સા-પાકીટને સાચવીને, સંતાડીને ટોળામાં ઘૂસ્યો. વચ્ચેના એક કુંડાળાના ખૂણે એક વૃદ્ધ બેઠો બેઠો ઢોલ પર દાંડી પીટી રહ્યો હતો. બે છેડે વાંસડાઓની કાતર કરી જાડો તાર બાંધેલો હતો. એક છેડે, ઘાઘરીનો કછોટો મારી એક આઠ-દસ વર્ષની છોકરી ખેલ બતાવવા તૈયાર થઈને ઊભી હતી. એનાથી બેએક વર્ષ નાનો એક છોકરો હાથમાં વાંસની મોટી છડી લઈ છોકરીને ઉદ્દેશીને મોટેમોટેથી બોલતો હતો:
‘ચલ બેટા, તૈયાર ?’
‘તૈયાર…..’
‘ગભરાયેગા તો નહીં ?’
‘નહીં.’
‘બીક લગતી હૈ ?’
‘નહીં.’
‘તાર પર ચડેગા ?’
‘ચડેગા.’
છોકરાએ છોકરીને તાર પર ચડવા મદદ કરી. છોકરી વાંસડા પર ચડી ગઈ. છોકરાએ એના હાથમાં એક વાંસની લાંબી લાકડી ધરી દીધી.

હવે ઢોલ જોરજોરથી પિટાવો શરૂ થઈ ગયો. કુંડાળામાં એક નાનું ટેણિયું જુદી જુદી જાતનાં આળગોટિયાં ખાતું હતું તે બંધ થઈ ગયું અને વાંસના બીજા છેડે આવીને ઊભું રહી ગયું. છોકરીએ હાથમાં લાકડી રાખી તાર પર ચાલવું શરૂ કર્યું. બે હાથમાં લાકડીનું સમતુલન કરી ધીમે ધીમે એ વાંસના બીજા છેડે પહોંચી ગઈ, અને નીચે ઊતરી પણ ગઈ. તુરત જ ટેણિયાએ પૈસા ઉઘરાવવા શરૂ કરી દીધા. કોઈએ એની ટોપીમાં થોડા સિક્કા નાખ્યા તો કોઈ મોં મચકોડી ચાલતું થયું. બધા વિખેરાઈ ગયા એટલે પેલા ટેણિયા જેવા છોકરાએ વૃદ્ધના હાથમાં ટોપી મૂકી દીધી. વૃદ્ધે પરચૂરણ ગણ્યું તો માંડ દોઢ-બે રૂપિયા જેટલું થયું હશે. ગણીને એણે પોતાની ફાટેલી બંડીના અંદરના ગજવામાં સાચવીને મૂકી દીધું.

ઈરાની હોટલના કાઉન્ટર પરથી એક સિગરેટ ખરીદી ત્યાં પીતાં પીતાં આ વૃદ્ધનું સુરેખ આલેખન હું પી રહ્યો હતો. કપાળે પારાવાર કરચલી, ઉનાળાના ઉજ્જડ ખેતરમાં પાળિયાની ધારે જેવાં ભોથાં દેખાય એવા દાઢી ઉપર ઊગેલા સફેદ કાંટા જેવા ખરબચડા વાળ, માથા ઉપર, વર્ષોથી તેલના છાંટા ન પામેલા સુક્કા સીંદરી જેવા અસ્તવ્યસ્ત વાળ, ટૂંકી પોતડી અને ટૂંકી બંડીથી ઢંકાયેલા અંગને બાદ કરતાં હાથ પગ પર છવાયેલી કરચલીઓથી શરીરને વધુ કૃશ બનાવતું અંગ જોઈને અનુમાન કરી લીધું કે સાઠી વટાવી ગયેલા આ વૃદ્ધનાં ત્રણ-ત્રણ નાનાં-નાનાં છોકરાંઓ-એક છોકરી ને બે છોકરા કોનાં હશે ? એનાં પોતાનાં તો નહીં જ હોય. કદાચ અકાળે મૃત્યુ પામેલી એની પુત્રી કે પુત્રનાં આ સંતાનો હશે. છોકરીએ હવે વાંસની વળીઓ છૂટી કરી બંને છોકરાઓને વહેંચી દીધી હતી. વૃદ્ધ પણ ઢોલને ગળે ભરાવતો ઊભો થઈ બોલ્યો :
‘હાલો હવે. બધાં થાકી ગયાં હશો…. તમે ઈસ્ટેશનનાં પગથિયાં પર બેહો, ત્યાં લગણ તમારે માટે પાઉં લઈને આવું.’ ત્રણેય છોકરાઓ સ્ટેશન તરફ ચાલતાં થયાં. વૃદ્ધ ઈરાની હોટલમાં પ્રવેશ્યો ને રૂપિયાના ચાર નાના પાઉં લીધાં. કદાચ, ઈરાની આ ખેલ કરનારાઓને ઓળખતો હશે, એટલે પરચૂરણ ગણ્યા વિના એણે બધું ગલ્લામાં પધરાવી દીધું અને ‘ચાર ડબલ રોટી-મસ્કાપાઉંવાલી’ લાવવાનું વેઈટરને કહી દીધું.

માનવ-મન પણ કેવું છે ? જ્યારે એ જીદ કરવા લાગે ત્યારે વાતનો તાગ લેવા મથામણ કરતું જ રહે ! નીકળ્યો હતો દાદરમાં કોઈને મળવા, પણ આ વૃદ્ધનું ‘કુટુંબ’ જોઈ, મન અમસ્તું એનો તાગ લેવા બુદ્ધિની નિસરણી ચડ-ઉતર કરવા લાગી ગયું. વૃદ્ધ હોટલની બહાર નીકળ્યો કે એની પાછળ પાછળ હુંયે નીકળી ગયો.
‘જય રામજીકી, દાદા’ પાસે જઈને પૂછ્યું, ‘ક્યાંના ?’
‘બાઢડાનાં.’ બહુ જ નિર્લેપ ભાવે એણે કહી દીધું.
‘મહુવા પંથકનું બાઢડા ને ?’
‘હા.’
‘ત્યારે તો તમે અમારી બાજુના કહેવાઓ…. મારું મોસાળ અમરેલી…. આવો, ચા-પાણી કરીએ…..’ ચા-પાણીનું નામ પડ્યું કે વૃદ્ધે એની ઝીણી આંખે મારી સામે જોયું. મુંબઈ જેવી અજાણ નગરીમાં એના જેવા મુફલિસની સાથે ઓળખાણ કાઢવામાં, ભલા, આ માણસનો સ્વાર્થ શો હશે ? આટઆટલો પરસેવો આ નાનાં છોકરાઓએ પાડ્યો છતાંયે બે ફદિયાં ફેંકતાં જે નગરીના માણસોનો જીવ ન ચાલે એમને વળી મારી જોડે ‘ચા-પાણી’નો નાતો ગોઠવવાની શી જરૂર ? વૃદ્ધના સાશંક ચહેરાને જોઈ મારાથી હસીને બોલાઈ ગયું :
‘હુંયે તમારા જેવો છું, ભાભા. મારા ગામના કૂતરાનેય જોઉં તો મારે હૈયે ટાઢક થાય એવો કાઠિયાવાડી જીવ છું, અને એમાં તમે તો મનખા જીવ ! હાલો, બે ઘડી વાતો કરી મૂંઝાતા મનને છૂટું કરીએ….. લઈ લ્યો છોકરાવને સાથે. થોડો પોરો થાશે…..’

તળ-કાઠિયાવાડી બોલીમાં બોલાયેલા શબ્દો સાંભળી વૃદ્ધને થયું કે જીવ છે બિચારો આપણી બાજુનો. ચા-પાણી કરવામાં ક્યાં લૂંટાઈ જવાનું છે ? ત્રણ છોકરાઓ અને વૃદ્ધને સાથે લઈ એક ફરસાણની દુકાને ઊભો રહ્યો. ગાંઠિયા, ચેવડો ને ભજિયાંનાં પડીકાં બંધાવી, ‘રામભરોસે’ હોટલમાં ચાર ચાનું કહી, એક બંધ દુકાનને ઓટલે બેઠાં. નાસ્તાનાં પડીકાં છૂટ્યાં કે ત્રણેય છોકરા તૂટી પડ્યાં. વૃદ્ધથી ચવાતું નહોતું એટલે ચામાં બોળી બોળી એણે ચારેય પાઉંના ટુકડા પેટમાં પધરાવ્યા. છોકરાઓને ભજિયાં ભાવ્યાં એટલે બીજા મંગાવ્યાં. ફરી ચાનો ઑર્ડર અપાયો. પૂરી વીસ મિનિટ સુધી આ ક્રિયા ચાલી. એ દરમિયાન કોઈ એક શબ્દ બોલતું નહોતું. હા, ત્રણેયે છોકરાઓ વચ્ચે વચ્ચે મારી સામે નવાઈથી જોઈ લેતાં હતાં કે આ વળી કયો દેવદૂત આકાશમાંથી ટપકી પડ્યો કે આમ ખરે બપોરે એમનાં પેટની આગ ઠારવા બેઠો ? જ્યારે ખાવાનું પૂરું થયું ત્યારે મોટી છોકરીએ વધેલા નાસ્તાનાં પડીકાં બાંધીને વૃદ્ધના ખભે લટકતા ખલતામાં મૂકી દીધાં.
‘પેટ ભરાયું ?’ મેં ત્રણેય છોકરાઓને પૂછ્યું.
‘હોવ્વે. આજે તો સુગલો થઈ ગયો.’ વચલા છોકરાએ ખડખડાટ હસીને કહ્યું.
‘છોકરાઓ હોંશિયાર છે, દાદા…. કોનાં છે ? તમારાં કે પછી છોકરાનાં છોકરાં છે ?’
‘આમ જુઓ તો એ મારાં છે અને તેમ જુઓ તો એ તમારાં છે.’ વૃદ્ધે બીડી ચેતાવતાં બે હાથની બખોલમાં તાકતાં કહ્યું.
હું વૃદ્ધની સામે જોઈ રહ્યો.
એણે બીડીનો કશ લેતાં કહ્યું :
‘ઠાકરે દીધેલાં છે. ઠાકરમા’રાજની પરસાદી છે.’ આ ભોળા ભાભાએ વંશવેલાનો હવાલો તો ઠાકરનો નાખી દીધો, પણ ખરી રીતે શામળિયાની હૂંડી એણે જ સ્વીકારી લીધી હતી ! પછી તો સિગરેટના પાકીટ પર વાતનો દોર લંબાતો ગયો.

જિંદગી આખી બીલખા, બાઢડા, વડિયા, થાણાદેવડી, સાવરકુંડલા, બાબાપુર, ધારી, અમરેલીમાં કાઢી આ વૃદ્ધ એક દિવસ બાઢડાની સીમે આવી લાગ્યો. એકાકી હતી એની જિંદગી. જુવાન વયે ઘર છોડી એ સાધુબાવાની ટોળી જોડે ચાલી નીકળેલો. બાવાઓની જુદી જુદી જમાતમાં રહી એણે ચલમો ભરી, ભાંગ વાટી, ધૂણીઓ ધખાવી, ચીપિયા ઉપાડ્યા, ભભૂત લગાવી ને મોડી રાત સુધી બાવાઓના માંસલ પગની પિંડીઓમાં આંગળાં ફેરવ્યાં, પણ કેમેય કરી, સાધુતામાં મન લાગ્યું નહીં. સંસારમાંથી મન કાઢીને વૈરાગના અંચળા તો ઓઢ્યા હતા, પણ એ અંચળાયે ફાટેલા-તૂટેલા નીકળ્યા. હવે ઉંમરેય થવા આવી હતી. જિંદગી બોજ બનતી ચાલી. હવે એ નહોતો સાધુ કે નહોતો સંસારી. આખરે, બાવાની જમાત જોડે નાતો ફાડી એ એકલો એકલો ચાલી નીકળ્યો. ગળામાં બેરખાની માળા, હાથમાં ચીપિયો, કમંડળ અને ભગવું વસ્ત્ર, એટલે રામનામે એને રોટી મળી રહેતી. પરિવ્રાજક પરિસ્થિતિમાં એને ગામેગામથી રોટલા ને ચલમ મળી રહેતી. ગામના મંદિરના ઓટલે સૂવાનું મળી રહેતું. જ્યાં સુધી લોકોમાં ધર્મભીરુતા સચવાયેલી હતી, ત્યાં સુધી એને બે ટંકની રોટીની ફિકર તો રહી નહોતી, પણ મનની પરિસ્થિતિ અવઢવની હતી. બાઢડાની સીમમાં આવ્યો ત્યાં સુધી એ આવી જ મનોદશામાં વિહરતો હતો. એ રાત એણે કોઈ ઝાડ નીચે કાઢી. બીજી, ત્રીજી ને ચોથી રાત એણે નદીને કાંઠે ઊભેલા અપૂજ પાળિયાની પાસે કાઢી. દિવસે એ ગામમાં અહાલેક કરી આવતો ને રાત એ અહીં કાઢતો.

પણ એક સવારે એણે કૌતુક જોયું. આગલી રાતે એ અફીણનો નશો કરીને સૂતો હતો, પણ સવારે તૂટેલા અંગની આળસ ખાઈને ઊઠ્યો ત્યારે પાસે ત્રણ છોકરાં સૂતાં હતાં – એક અઢી વરસનું ટાબરિયું, બીજો ચારેક વરસનો છોકરો ને ત્રીજી સાત-આઠ વરસની છોકરી. છોકરીના શરીરને ભરડો લઈ બંને છોકરાઓ સૂતા હતા. બાવો ઊઠ્યો તો ખરો, પણ આ ત્રણ મૂર્તિઓને જોઈ નવાઈ પામ્યો ! કોનાં હશે આ ભોળુડાં ? કોણ અહીં મૂકી ગયું હશે ? શું કામ આવી ઉજ્જડ જગામાં પાળિયાઓને ધરી ગયું હશે ? બાવાને એમ કે છોકરાઓ ઊઠે એટલે પૂછીશું. પણ ઊઠ્યા પછીયે કોઈ ચોક્કસ રીતે એમની ઓળખ આપી શક્યું નહીં. એમની સાથેની વાતોમાંથી બાવાને ત્રુટક ત્રુટક જાણવા મળ્યું કે ભટકતાં છોકરાઓ છે, માગ-ભીખીને ખાય છે. મા-બાપ મરી ગયાં પછી મોટી છોકરીએ બંને ભાંડરડાંઓને પાંખમાં લઈ પેટ ભરવા ભીખવાનું શરૂ કર્યું. ભીખતાં ભીખતાં એ આ ગામે ચડી આવી અને પછી મહિના-માસથી આ ગામમાં જ રહી પડી. ગામને માથે પડેલી આ વેજાનો રસ્તો કોઈએ મજાકમાં કાઢી આપ્યો – એકલવાયા બાવા તરફ છોકરાઓને કોઈએ આંગળી ચીંધાડી દીધી અને….

‘…..સંસારમાં સાર ન દેખાયો એટલે એ છોડી બાવાની ટોળી જોડે હાલી નીકળ્યો. જિંદગી આખી ગંજેરીઓની ચલમ ભરી પણ ત્યાંથીયે કંઈ ન પામ્યો એટલે એકલો એકલો ચાલી નીકળ્યો. ન સંસારની સારપ પામ્યો કે ન વિરાગની કંઠી બાંધી, એટલે ઠાકરમારાજે કીધું કે લે આ ત્રણ છોકરાં. સંસાર માંડ્યો નથી એટલે વિષ શું કે’વાય એની તમને ખબર નથી. એ વિષના ઘૂંટડા પી તારા મન અને હૈયાને ચોખ્ખાં કર. માંડ હવે સંસાર અને નવેસરથી શરૂ કર જિંદગીની બાજી….. બસ, તે દિવસથી આ બૂંગિયો પીટવા બેઠો છું…..’ વૃદ્ધે પોતાની જીવનબાજીના બધાંય પાનાં ઉતારી નાખ્યાં.
‘ક્યાં બાઢડા ને ક્યાં મુંબઈ દાદા ? અહીં કેવી રીતે આવી ચડ્યા ?’
‘લખચોર્યાશીના ખેલ છે, ભાઈ. એ ખેલમાં આ મુંબઈ પણ આવી ગયું ! જેવી ઠાકોરની મરજી.’ કહી એણે ત્રણેય છોકરાઓ સામું જોઈ કહ્યું, ‘હાલો હવે, થાક ખાઈ લીધો હોય તો, બીજે ખેલ કરવા ઊપડીએ.’ ને પછી આભ સામે નજર કરી બે હાથ મારા તરફ લાંબા કરતાં કહ્યું – ‘આ છોકરાઓનાં પેટ ઠાર્યાં તે ઠાકર તમારું પેટ ઠારશે, ભાઈ…… હાલો છોકરાઉં……’

દાદર સ્ટેશનથી બ્રોડવે ટોકીઝના રસ્તા તરફ દૂર ને દૂર નાની ને નાની થઈ જતી ચાર આકૃતિઓને જોઈ અનાયાસ મારાથી પણ આભ તરફ જોવાઈ ગયું-શું ખેલ રચ્યો છે, ઈશ્વર, તેં ! આ વેરાગી બાવા પાસે હવે તેં નવો સંસાર-ખેલ ખેલાવ્યો ? ઈશ્વરની આ અકળ લીલાનાં ચારેય પાત્રો જનમેદની વચ્ચે અદશ્ય થઈ ગયાં ત્યાં સુધી નજર એ તરફ લંબાયેલી જ રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળતાનો રાજમાર્ગ – સુધીર દેસાઈ
કથાદ્વયી – હરિશ્ચંદ્ર Next »   

24 પ્રતિભાવો : સંસારી-સાધુ ભોળો ભાભો – ગિરીશ ગણાત્રા

 1. હ્રદયસ્પર્શી વાર્તા.

 2. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા.

 3. sima shah says:

  સરસ વાર્તા. શું આ સત્યઘટના હશે?
  આભાર
  સીમા

 4. કુણાલ says:

  very gud.. !!

 5. જગત દવે says:

  શ્રી ગણાત્રા સાહેબની કલમ હંમેશા એવું શબ્દ-ચિત્ર રજુ કરે છે કે જાણે કોઈ ચિત્રપટ જોતાં હોઈએ તેવો અનુભવ થાય.

  હંમેશની જેમ ખુબ જ સામાન્ય પાત્રો દ્રારા પ્રગટ થતી જીવનની ફિલોસોફી……જેને સમજાવવા કદાચ પુસ્તકનાં ૧૦૦૦ પાન પણ ઓછા પડે તે માત્ર થોડા શબ્દોમાં જ પ્રગટ થઈ ગયું.

  કલમ નો કમાલ.!!!! કે કમાલ ની કલમ!!!!!

 6. વાર્તા ખુબ ગમી. હાર્દીક આભાર મૃગેશભાઈ.

 7. shailee says:

  REALY NICE STORY

 8. Chintan says:

  સરસ વાર્તા છે. પાત્રોનુ નિરૂપણ એક્દમ સરળ રીતે કરેલ છે.

 9. અશોક જાની 'આનંદ' says:

  ગિરીશ્ભાઇ હંમેશા સત્યઘટનાત્મક પ્રસંગો પરથી જ વાર્તા માંડતા, વરસો સુધી ‘ગોરસ’ નામથી આ પ્રકારની વાર્તાનું કોલમ જન્મભૂમિ-પ્રવાસી ની રવિવારની પૂર્તિમાં ચાલતી જે તેમના અવસાન બાદ બંધ થયેલી, જો કે હજુ પણ ‘ઑન ડિમાન્ડ’ મહિનાના છેલ્લા રવિવારે તેમની ચુંટી કાઢેલી વાર્તામાંથી એક આવે છે. તેમની કલમની લોકપ્રિયતાનું એ પ્રમાણ છે.

  આ વાર્તા પણ એ કોલમમાં પહેલા વાંચી હતી….શ્રી જગતભાઇનુ કહેવું સાચું છે, એમની કલમનો એ કમાલ છે.

 10. vaishali shah says:

  very heart touching. sambandhoni sugandh te anu naam. naam vinana sambandho.

 11. naresh{Dubai} says:

  schej its realy heart touch story…….aankho same jane badha patro jivant thai gaya!!!!

 12. Harish S. Joshi says:

  ગિરિશ્ભૈ ઘનાત્રા નિ કલમ નિ કાય વાતુ થાયે ? બધા ના મન મોહિ લે.પાત્રા લેખન ઉચ કોતિ નુ
  કથા જઆ ને આપ્નિ સમક્શ બનિ રહિ હોય તેવુ ભાસે. તેમ્નિ લેખ્નિ અમર રહઇ ગયિ ચહે.

 13. Jagruti Vaghela USA says:

  હ્ર્દયસ્પર્ષી વાર્તા. ભાભા ખરા સંસારી સાધુ.

 14. Rachana says:

  ખુબ જ સરસ વાર્તા…માનવસેવા એ જ સાચી સેવા ..મંદિરો મા લાખોના ધુવાડા કરતા લોકોએ બધુ ધન ગરીબ લોકો માટે વાપરવુ જોઈએ..

 15. ખુબ જ સરસ વાર્તા…

 16. ફક્ત એક ભાભા અને ત્રણ બાળકોની આ વાત નથી, આતો હિંદુસ્તાનના આવા અગણીત પરીવારોનો ચીતાર આપ્યો છે. ક્યારેય આવો ખેલ જોવા રોકાણાછો? જો હા તો પછી ખિસામાથી થોડો ભાર ઓછો કરી આવા જીવ સટોસટના ખેલ કરનારને પ્રોસ્તાહીત કર્યા છે? જવાબ ના હશે.
  શ્રીગણાત્રાસાહેબની કલમે થોડાક તો પરિવર્તન જરુર કરાવ્યા હશે.
  આભાર.
  વ્રજ દવે

 17. જય પટેલ says:

  સત્યઘટના પર આધારિત વાર્તા પ્રવાહિતા જાળવી રાખવામાં સફળ થઈ છે.

  આંખો સમક્ષ અમિતાભની સુપર હિટ ફિલ્મ ડોનનું દ્રષ્ય ઉભરી આવ્યું.
  સમાજમાં અનેક વિરલાઓ બીજા માટે જિંદગી જીવતા હોય છે.

  મારૂં….તમારૂં…આપણું જેવા સ્વાર્થિ વિચારથી ઉપર ઉઠનાર આવી વિભુતીઓ આગળ તો
  ઈશ્વરને પણ ઝુકવું જ રહ્યું..અને તેથી જ ઈશ્વર તેના પ્રતિનીધી રૂપે આવા જીવોને
  સમાજમાં દરિદ્રનારાયણોની સહાયમાં મોકલે છે.
  બસ ફક્ત દ્રષ્ટિ જોઈએ ઈશ્વરની ઑળખ માટે..!!

  ઈશ્વર આપણી વચ્ચે જ છે….આસપાસ ક્યાંક કે પછી મારા અંતરમાં ?

 18. jatin maru says:

  Excellent, I don’t have enough words to praise this prose. Very touchy piece.

 19. ખુબ સરસ સત્યઘટના…..કમ …વારતા…ધુમકેતૂની યાદ આવી ગઈ….ગુજરાતી સાહિત્યમા આવી વાર્તાઓ બહૂ ઓચ્હી જોવા મળે .ધન્યવાદ્

  ભોપાલ..

 20. Sunita Thakar (UK) says:

  Very Touchy. સુન્દર આલેખન.

 21. Hemantkumar Jani UK says:

  ….ગિરિશભાઈનું નામ વાંચ્યું અને “ગોરસ” યાદ આવી ગયું.
  આશોકભાઈ ના પ્રતિભાવ વાંચતા જાણ્યું કે ..”ગિરિશભાઈ ગયા…”
  નાનો હતો ત્યારથી તેમને ઓળખું, મારા બાપુજીના ચાહક, અને રાજકોટની
  ધર્મેન્દ્ર કોલેજમાં ભણતા, રાજકોટ રેડિયો સ્ટેશનના એક ઉદઘોશક અને
  ફુલછાબમાં પણ નિયમિત કોલમ લખતા..છેલ્લે અમદાવાદના ટાગોર હોલમાં
  મળવાનું થયું ..અને આજે આ ભાભાની વાર્તા વાંચીને, મારા સંસ્મરણો આપ
  સહુની સાથે share કરવાની તક મળી..ઇશ્વર તેમના આત્માને શાંતી આપે..અસ્તુ..

 22. shivangi yajnik says:

  બધા પાત્રો જિવન્ત થૈ ગયા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.