પત્રયાત્રા (ભાગ-2) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા
[‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી આપણે થોડા સમય અગાઉ કેટલાક મનનીય વિચારમોતીઓ ભાગ-1 રૂપે માણ્યા હતા. આજે માણીએ ભાગ-2માં કેટલાક વધુ વિચારમોતીઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 પર સંપર્ક કરી શકો છો.]
[1] તમસમાંથી પ્રકાશ પ્રતિ
મનુષ્ય એક મુસાફર છે, જે જીવનના પથ પર સતત ચાલતો રહે છે. જીવનનો રસ્તો કદી સીધો (ફોરટ્રેક સુવિધાયુક્ત) હોતો નથી. તેમાં ઉન્નતિના ટેકરાઓ, ક્યારેક પતનની ખીણ, ક્યારેક વિપત્તિના ભૂલભૂલામણીવાળા જંગલો તો ક્યારેક સુખના મીઠા જળના સરોવરો આવે. ઉપર આભમાંથી વેદનાના વાવાઝોડા આવે, મૂઢતાભર્યો અંધાર આવે કે સમજના સૂર્યનો પ્રકાશ પણ આવે. વ્હાલપભર્યા વિસામા આવે. આ વાંકા-ચૂકા, ઉબળ-ખાબળ, ઊંચા-નીચા જીવનપંથ પર મુખ પર સ્મિત સાથે જે એકધારો ચાલ્યા કરે, બસ, ચાલ્યા જ કરે, તે જ જીવનનો જય પામે છે ! એ જ પ્રકાશનો પ્રદેશ પામે છે.
[2] નિર્જીવ માલિક, સજીવ ગુલામ ?
કહે છે કે, જેની જરૂરિયાત જેટલી ઓછી તેટલો તે માણસ વધુ સુખી. સગવડો ક્યારેક બંધન બની જાય, તે આપણને ખબર પડતી નથી. ટી.વી., ફ્રીજ, એ.સી., મોબાઈલને આમાં ગણાવી શકાય. તે બધાનું અસ્તિત્વ ન હતું, ત્યારે ય ચાલતું હતું. હવે એ બધા જાણે અનિવાર્ય જીવનસાથી (ધરાર) બની ગયાં છે. ભર્તુહરીનો એક શ્લોક ‘સતુ ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા’ (જેની તૃષ્ણા વિશાળ છે, તે માનવી દરિદ્ર છે.) જીવનમાં સહજ ભાવે મળે અને માણે અને તે વસ્તુ ન મળે તો તેનું દુ:ખ ન હોય તે દરિદ્ર નથી. છતાં કેટલાંક સુવિધાના સાધનો આપણી પર એટલા તો હાવી થઈ જતા હોય છે કે, તે આપણા માલિક અને આપણે તેના ગુલામ ! ‘ગુલામો’ એ આવા ‘માલિકો’ની યાદી બનાવવા જેવી ખરી !
[3] એના પડછાયામાં બેસવાથી પણ પ્રસન્ન થવાય !
શરીરની ટચલી આંગળીમાં નખ સહેજ વધારે કપાઈ ગયો હોય કે પગમાં કાંટો વાગતા તૂટી ગયો હોય, દાંતમાં કશું ભરાઈ જાય, ત્યારે આખા શરીર તંત્રનું ધ્યાન ત્યાં ને માત્ર ત્યાં જ રહેતું હોય છે. તેવું જ સંયુક્ત કુટુંબમાં કોઈ એક વ્યક્તિને ‘મજા’ ન હોય, મનથી દુભાયેલ કે રિસાયેલ હોય, ત્યારે કુટુંબના તમામ લોકો ચિંતાતુર બને અને જે તે વ્યક્તિ ‘વ્યવસ્થિત’ બને, ત્યારે જ બધાંને ‘હાશકારો’ થાય, હળવાશ અનુભવાય, તે જ આદર્શ સંયુક્ત કુટુંબ….. એ ઘરની ધૂળ માથે ચડાવવી, પછી મંદિરે જવાની જરૂર જ ક્યાં રહી ?
[4] વેદનાના ઊઠે વાવાઝોડા ને તોય મહેકે મુસ્કાન !
એવો કોઈ મનુષ્ય હશે, જેને સમસ્યા, ઉપાધિ, મુશ્કેલી આવી જ ન હોય ? (તો તેને મનુષ્ય કહેવાય ?) ભગવાન સમસ્યા મોકલે છે, કેમ કે, તેને તે માણસ પર વિશ્વાસ છે કે આ ટકી શકશે. ભગવાનનો ભરોસો મેળવવો, એ તો મહાભાગ્ય ! વેદના/દુ:ખ/મુશ્કેલીને હકારાત્મક દષ્ટિથી જોવામાં આવે, તો તે માણસને પકાવે છે, પાકો કરે છે. જીવનની પરીક્ષામાં પાસ થવામાં, પાકા થવું પડે. દુઃખો માણસને ઘડે છે, તેને યોગ્યરૂપે આવકારીએ. તેને પગથિયું બનાવી, પ્રગતિ કરીએ, સમસ્યાઓના મોજા પર સવાર થઈને જ….. જિંદગી જીતી બતાવે, તે મનુષ્ય. (અને જિંદગી ‘જીવવા’ માટે નહીં, ‘જીતવા’ માટે છે.)
[5] જગત જ મોટી નિશાળ !
સર્વોચ્ચ સફળતા મેળવવા માટે અતિ ઉચ્ચ કક્ષાની ડીગ્રીઓ મેળવવી અનિવાર્ય નથી. અંદરની ધગશ, આતશ, લગન હોય, એટલું જ પૂરતું છે. દરેક માણસમાં પ્રભુએ એક સરખી બુદ્ધિ પ્રતિભા જન્મથી જ આપેલી છે. કોણ તેનો કેવો ઉપયોગ કરે છે, તેના પર તેનો સફળતાનો આંક રહેલો હોય છે. શરીરનો તેમજ બુદ્ધિનો પરસેવો જે વહાવી શકે છે, તે સર્વોત્તમ સફળતા પામે છે. જગતભરનાં વિવિધ ક્ષેત્રમાં સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા લોકો કદી કોઈ કૉલેજમાં ગયા જ નથી. (આ કેવડું મહાઆશ્ચર્ય છે !) જે ટેકરીથી સંતોષ માની લે છે, તે કોઈ દિવસ એવરેસ્ટને આંબી શકતા નથી જ.
[6] વેઠયું હોય, તે જાણે. પ્રસૂતાની પીડા વાંઝણી શું જાણે ?
ગમે ત્યારે નળ ખોલે ને ઠંડુ કે ગરમ પાણી ધોધમાર પડે, તેને પાણીની કાંઈ કિંમત હોતી નથી. પણ પૂછજો કોઈ એવા માણસને, જેને નજર નાખે ત્યાં સુધી માત્ર ને માત્ર રેતીનું રણ જ હોય, ધગધગતો ઉનાળો હોય, તરસથી કંઠે પ્રાણ આવ્યા હોય, ત્યારે તેને પાણી દેખાય. તેને પાણીની કિંમતની જાણ હોય છે, એવું જ કંઈક જીવનનું…. જે સતત સંતાપમય વાવાઝોડાયુક્ત જીવન જીવતા હોય, જીવવા વલખા મારતા હોય, તેને પલ-પલની કદર હોય છે, ને જીવનનો મહત્તમભાગ એદીપણાની ઊંઘમાં ઘોર્યા કરતા હોય એને ?
[7] ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…..
અધાધોમ વરસાદ પડી ગયા પછી વગડામાં ચારે બાજુ ધરતી પર લીલું ઘાસ ઊગી નીકળ્યું. એ નાજુક તૃણાંકરો વચ્ચે વેંત એકનો નાનો રોપડો… દસ-બાર પર્ણ ને ઉપર ઊગ્યું નાનકડું ફૂલ…. એ નાનકડા પુષ્પને પૂછ્યું : ‘તને અહીં મજા આવે છે ?’ સ્મિતસભર સુવાસ સ્વરે જવાબ મળ્યો : ‘બૌવ જ’ – હવાની લહેરખીએ એ ડોલ્યું. બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તને શું થવું ગમે ?’ જવાબ : ‘કેમ ? – મને તો ફૂલ જ થવું ગમે !’…… માનવબાળને આ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે, ‘પાયલોટ કે વકીલ કે ડૉક્ટર કે એન્જીનિયર કે ઉદ્યોગપતિ કે….કે…..કે……. !’ કોઈને ય ‘માનવ’ થવું ના ગમે !! આવી તાલીમ કે’દિ મળશે ?
[8] કૃતિ, વિકૃતિ, સંસ્કૃતિ
કોઈ પણ દેશ કે સમાજની સંસ્કૃતિનું માપ શેના પરથી નીકળે ? તે પ્રજાના રીતરિવાજ, પોષાક, ખોરડા, ખોરાક, પર્વો-ઉત્સવો તથા તેના સાહિત્ય-સંગીત-શિલ્પ-સ્થાપત્યનો અમર વારસો વગેરે ખરાં જ….. તેનો ધર્મ-અર્થકારણ પણ લક્ષમાં લેવા પડે….. પરંતુ સર્વાધિક મહત્વનું તત્વ તે, તે સમાજ અન્ય તરફ કઈ રીતે પેશ આવે છે, તેના વાણી-વર્તન-વ્યવહારના વિવેકમાં જ સાચી સંસ્કૃતિ ઝલકતી-છલકતી હોય છે ! સંસ્કૃતિ એટલે પ્રજાજીવનના યુગો બાદનો સુગંધી નિષ્કર્ષ અથવા અર્ક.
[9] કોણ ભા’ગશાળી ?
આકરા ઉનાળાના ભયંકર બફારા પછીની સાંજ હોય, રાત ઢળી હોય, શાંત ગામડાના આકાશમાં મીઠો ચંદ્ર ઊગ્યો હોય, વાળુ કરીને ઘરની બહારના મોટા ફળિયામાં લીમડા નીચે હળુ હળુ વાયરામાં દાદીમા બેઠા હોય ને ફરતી છોકરાઓની ઘીંઘર બેઠી હોય, પરી ને રાજકુમારની ધારાવાહિક વાર્તા કે વીર વિક્રમની વાર્તા વહેતી હોય, છોકરાઓની મુગ્ધ આંખોમાં સ્વપ્નીલ કૂતુહલ અંજાયું હોય…. – ઈવડા ઈ છોકરાઓ ભાગશાળી કે આજના ટીવી/ટ્યુશનમાં અધમૂવા જેવા થઈ જતાં માંદલા છોકરાઓ ?
[10] ઓઢણું આભનું-પાથરણું પૃથ્વીનું…..
ચોખ્ખીચણાક ઝૂંપડી હોય, આજુબાજુ વૃક્ષો ઉછેર્યા હોય, સ્વચ્છ નદી પાસેથી વહી જતી હોય અને પસીનો પાડી પરિશ્રમ કરીને સંતોષપૂર્વક માણસ જીવતો હોય, મોજમાં રહેતો હોય – આનાથી વધુ વૈભવશાળી માણસ જગતમાં જોયો છે ? મૂકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ જેવા તો એમની પાસે પાણી ભરે…. એ બિચારા અઢળક વૈભવ વચ્ચે ય ગોળી લે ત્યારે નિંદર આવતી હોય !! ને પેલો ઝૂંપડીમાં એ….યને ઘસઘસાટ ઊંઘતો હોય !
[11] વૃક્ષ-મૌન સંત !
આજની દોડધામ, હો હલ્લાવાળી, ઘોંઘાટપૂર્ણ અતિ વ્યસ્ત શહેરી જિંદગી જીવતા માનવીએ શક્ય હોય તો અઠવાડિયે એક વાર થોડી મિનિટો સાથે શાંત એકાંત વગડામાં કોઈ વૃક્ષની પાસે નિરાંતે મૌન સંવાદ સાધવો જોઈએ, અથવા બંગલાના ટેરેસમાં રાખેલા કૂંડાના રોપડાની મૌન ભાષાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને યોગની જ એક પ્રક્રિયા કહી શકાય. વૃક્ષ કે રોપડાની શાંતિ, તાજગી, પ્રસન્નતાનો અહેસાસ માનવીને મફતમાં તનાવમુક્ત કરી શકવા સક્ષમ હોય છે….
[12] પક્ષી મેળો
વૃક્ષોની જેમ પક્ષીઓમાં પણ માનવના દર્શન થઈ શકે. કેટલાક કબૂતર જેવા નિર્દોષ-ભોળા હોય, તો કોઈ કોઈ કાગડા જેવા કુટિલ-ચતુર હોય, કોઈ મોર જેવા સુંદર અને કળા કરનારા પણ હોય, તો કોઈ ઘૂવડ જેવા ગંભીર, ભાગ્યે જ હસનારા હોય, કેટલાક ગીધ-ગરજાડા જેવા અન્ય પર જીવનારા પરભક્ષી હોય, તો હંસની જેમ નીર-ક્ષીર અલગ તારવનારા અધ્યાત્મવાદી હોય, કોયલ પેઠે સુંદર બોલનારા હોય, તો ચકલી જેવા સહજ જીવન જીવનારા પણ હોય ! ખૂલ્લી દષ્ટિએ માનવમાં પક્ષી-દર્શન !
[13] જીવન આવકાર્ય
એકધારા લખાતા લખાણોમાં વાક્યે-વાક્યે અલ્પવિરામ આવતા રહે છે, તેમ એકધારી જિંદગીમાં વચ્ચે વિરામ આવવા જ જોઈએ. તે પછી પાર્ટીના, પિકનિકના, પ્રવાસના હોય અથવા બિલકુલ આરામ (તન અને મન અને ધનનો પણ આરામ !) હોવા જોઈએ. નહીંતર એકધારી જિંદગી નિરસ, શુષ્ક, મશીન જેવી બની રહે. માણસ કંટાળે ! જીવનમાં વૈવિધ્ય અનિવાર્ય, નહીંતર તો રોબોટ બની રહે ! નદી પણ વાંકીચૂંકી વહે છે, સીધી વહે તે ગટર ! આનંદી જીવન – ઝરણાનું જીવન !
[14] હોટેલ ફાઈવ સ્ટાર, હોટેલનું કિચન માઈનસ ઝીરો સ્ટાર !
દરેક ખાદ્ય પદાર્થો (ભેળ, પાણીપુરી)ની રેંકડીઓ, રેસ્ટોરન્ટ, હોટલો (અને ઘરના રસોડા) પર એક સૂત્ર દર્શાવવું ફરજિયાત હોવું જોઈએ – શરીરં આદ્યં ખલુ ધર્મ સાધનમ (શરીર એ ધર્મનું સાધન છે.) અહીં ધર્મ એટલે નીતિમય માર્ગે ચાલતા થયેલા જીવનના કાર્યો. આવા કિંમતી શરીરમાં જેવાતેવા (સ્વાદિષ્ટ !?) ડુચ્ચા પધરાવનારા પાછા તેના માટે પૈસા પણ આપતા હોય છે ! નાનકડી જીભના થોડા સ્વાદ માટે કિંમતી રોગોના વિષાણુઓને પેટમાં પધરાવતા (પૈસા ખર્ચીને !) લોકોને ધર્મપત્નીએ લાગણીપૂર્વક સ્વચ્છતા સાથે બનાવેલ સાત્વિક ભોજન ભાવતું નથી !
Print This Article
·
Save this article As PDF
ખુબ સુંદર… “પક્ષી મેળો ” સૌથી સુંદર
સયુક્ત કુટુમ્બ ની કલ્પના ખુબ જ સરસ દીલ ને સ્પર્શી ગઇ.અદભુત કલ્પના .
ખુબજ સુંદર લેખ……ફુલતો એની ……વધુ ગમ્યુ..”હું માનવી માનવ થાવ થો ઘણુ”ખુબજ સરળ ભાષામાં જીવનની ગહન વાતો સમજાવવામા લેખક સફળ થયા છે.
અજ્ના તિ.વિ.યુગ મા ,જ્યારે યુવ પેધેી વાન્ચન થિ દુર થતિ જાયે ચ્હે ત્યારે પ્રોફ્.દોક્તર મહેન્દ્ર ચ્હ્ત્રારા નિ ” પત્ર યાત્રા ” ના બન્ને ભાગ વાન્ચ્વા અને વસાવ્વા જેવા ચ્હે. તેમ્નો આ પ્રયાસ નિશ્ચિત રુપે આવ્કાર્ય અને પ્રશન્સ્નિય ચ્હે,તેમ્ને અભિનન્દન્.
વાહ, ખુબ સરસ .
બહુ જ સરસ.
“ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…..” એટલુ જ વાંચી ને મન પ્રફુલીત થઈ ગયુ.
ખુબ જ સુંદર વિચારમોતીઓ.
A short but very strong messages which are truely helpful to maintain peacefullnes of life & live it to the pinnacle of happiness. Especialy ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી….. & જીવન આવકાર્ય(જીવનમાં વૈવિધ્ય અનિવાર્ય, નહીંતર તો રોબોટ બની રહે ! નદી પણ વાંકીચૂંકી વહે છે, સીધી વહે તે ગટર )
jay bavishi mataji
sar kem cho ?
popat ada nu avashan thayu
temo ae lakhela pat vachi ne khub saru lage che………….
jay bavishi mataji
http://www.bavishimatajitemple.com
mandir ni mahiti/fota/donerlist
વાહ, ખુબ સરસ .
બહુ જ સરસ.