વિચાર – અનુ. ડૉ. વિપુલ દેસાઈ

[ અંગ્રેજી લેખક વાયન ડાયરના પુસ્તક ‘You will see it when you believe it’નો ભાવાનુવાદ તાજેતરમાં વિચારવલોણું પ્રકાશન દ્વારા ‘સ્વીકારથી ચમત્કાર’ નામે પ્રકાશિત થયો છે. વડોદરા નિવાસી ડૉ. વિપુલભાઈ દેસાઈએ (ફોન : +91 265 2353026) આ સુંદર સારાનુવાદ કર્યો છે. ટૂંક સમયમાં આ પુસ્તક vicharvalonu.com પરથી ડાઉનલોડ કરી શકાશે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

હું જ્યારે 13 વર્ષનો હતો ત્યારે રાતના ટી.વી. શો જોતો અને કલ્પના કરતો કે જાણે મારો પણ કોઈ ઈન્ટરવ્યૂ લઈ રહ્યું છે, લોકો જોઈ રહ્યા છે. હું મારા ભાઈઓને આ વાત કરતો અને તેઓ મને બાળક ગણીને હસતા. પણ એનાથી મારી અંદર રહેલું ચિત્ર ભૂંસાયું નહીં બલ્કે વધારે દઢ થવા માંડ્યું. સમય જતાં હું ન્યુયોર્ક કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો. મને ભણાવવાનું ગમતું પણ હતું. પણ મારી અંદર દબાયેલું પેલું સ્વપ્ન ચિત્ર મને ઝંપવા દેતું ન્હોતું. મને સતત એમ થતું કે મારે સ્વતંત્ર રીતે કંઈ કરવું જોઈએ. એક વર્ષના આંતર-સંઘર્ષ પછી મને લાગ્યું કે મારે આ પગારવાળી નોકરીની સુરક્ષિત અવસ્થામાંથી બહાર આવવું જ જોઈએ. મારા મગજમાં સતત એક ચિત્ર હતું કે મારે લોકોને મળવું છે – લોકો સાથે વાત કરવી છે. એ વખતે મારા પુસ્તક ‘Your Erroneous Zones’નું લખવાનું પૂરું થયું હતું. મને એમ જ વિચાર આવતો કે આ પુસ્તક સફળતા મેળવશે.

એક દિવસ અચાનક જ કોલેજમાં મેં જાહેર કર્યું કે હું કૉલેજ છોડી રહ્યો છું. આ નિવેદન કર્યા પછી હું પોતે આઘાતમાં ગરકાવ થઈ ગયો. આ બાબત મારું કોઈ નિર્ણયાત્મક આયોજન ન હતું. મારા ઘરની વ્યક્તિઓ સાથે પણ વાત થઈ ન હતી. માત્ર મારા વિચાર આકાર લેતા હતા અને મને અંદરથી જ તેની સ્ફૂરણા થતી હતી – સતત દબાણ થતું હતું. અને એક સવારે આ વાતે નિર્ણયનું સ્વરૂપ લીધું. મેં મારા ડીનને જઈને રાજીનામાનો કાગળ આપ્યો. મેં મારા ઘરનાઓને કહ્યું કે જે દિવસની હું રાહ જોતો હતો તે આજે આવ્યો છે. ડીને મને ફરી વિચાર કરવા કહ્યું પણ મેં જણાવ્યું કે આ નિર્ણય વિચારણા પછીનો જ છે.

વિચારને આપણે હંમેશાં એક ક્રિયા જ ગણી છે. આપણે માનીએ છીએ કે આપણે વિચાર કરીએ છીએ. પણ જરા એને જુદી રીતે જુઓ. વિચાર એ જ આપણે છીએ. વિચાર એ જ આપણું હોવું છે – આપણું અસ્તિત્વ છે. આપણે જે કરીએ છીએ તે આપણે નથી – આપણે જે વિચારીએ છીએ તે જ આપણે છીએ. એક દાખલો આપું. આપણી જીવવાની ઈચ્છા એ આપણો જીવવાનો વિચાર છે. આપણો જીવન વિષેનો અભિગમ એ પણ આપણો જીવન વિશેનો વિચાર છે. આપણો આખો ભૂતકાળ એ આપણા એ સમય વિશેના વિચાર છે. આપણા સંબંધો પણ જે તે વ્યક્તિ વિશેના આપણા વિચાર જ છે. તમે તમારા કાર્યમાં સફળ થવાનો નિશ્ચય કરો તો તે પણ તમારા એમ કરવા વિશેનો વિચાર જ છે. જગતના લગભગ દરેક મહાન વિચારકોએ સ્વીકારી લીધેલ છે કે આપણું જીવન કેવું જશે તે આપણું મગજ-વિચાર જ-નક્કી કરે છે. ‘Rational Emotive Therapy’ ના સંશોધક આલ્બર્ટ એલીસ કહે છે કે, ‘કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને વિચલિત નથી કરતી પણ આપણે વિચલિત એટલા માટે થઈએ છીએ કે તે આપણને વિચલિત કરી શકે એમ આપણે વિચારીએ છીએ. ઈમર્સન કહે છે, ‘જગતમાં સારું કે ખરાબ જેવું કંઈ છે જ નહીં, માત્ર વિચાર જ તેને તેમ બનાવે છે.’ અબ્રાહમ લિંકન કહે છે : ‘તમે તમારા વિચાર બદલશો તો તમારું જગત બદલાઈ જાય છે.’

મહદ અંશે જે વિચારોને આપણે વળગી રહીએ છીએ તે જ આપણા ભવિષ્યનું ઘડતર કરે છે. વાસ્તવમાં આપણે જે વિચારતા હોઈએ છીએ એ જ બનીને ઊભા રહીએ છીએ. રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું છે તેમ હું ‘Road less Travelled’ પર જઈ રહ્યો હતો.
Two roads diverged in a wood-and
I took the one less travelled by,
And that has made all the difference.
મેં મારી પત્ની અને પુત્રી સાથે વાત કરી. મારા આ નવા સાહસમાં અને નવી દિશાના પ્રયાણમાં તેમણે મને પ્રોત્સાહન અને સહકાર આપ્યો. હંમેશાં હું એક જવાબદાર વ્યક્તિ રહ્યો છું એટલે મારું કુટુંબ હું જે કંઈ કરું તે બાબતમાં સહમત હતું. જે કંઈ અડચણો આવી તેને મેં તક ગણી લીધી. મને કહેવામાં આવ્યું કે મારા છપાઈ રહેલા પુસ્તકની પ્રત શક્ય તેટલી ઓછી રાખવામાં આવી છે. પરિણામે મેં જ મોટાભાગની નકલો ખરીદી અને હું જ મારો ડિસ્ટ્રીબ્યુટર થયો. ગામેગામ હું જ પુસ્તક લઈને પહોંચી જતો કારણ કે મિડીયા કે જાહેરખબર મને પોસાય તેમ ન હતા. અને એ રીતે હું લગભગ પૂરા અમેરિકામાં ફરી વળ્યો. મને ઘણા સારા માણસોનો સહકાર મળ્યો. આ બધામાં ભાગ્યે જ મને પૈસા બચાવવાનો વિચાર આવ્યો હશે. હું તો મને આનંદ મળતો હતો એટલે જ આ બધું કરતો હતો. દરમ્યાન મારા લેખો જુદા જુદા મેગેઝીનમાં પ્રકાશિત થતા રહ્યા.

મહિના પસાર થતા રહ્યા. જે બુકસ્ટોર્સમાં પહેલાં મેં જાતે જઈને પુસ્તક આપ્યું હતું, તેના ફરી ઓર્ડર મળવા માંડ્યા. પ્રસાર માધ્યમનું ધ્યાન ખેંચાયું. મારા ઈન્ટરવ્યુ લેવાવા માંડ્યા. ઘણાએ સૂચન કર્યાં કે મારે નેટવર્ક ટી.વી. દ્વારા પ્રચાર કરવો. પણ મને વિક્ટર હ્યુગોની એક વાત યાદ હતી અને એમાં શ્રદ્ધા પણ હતી કે, ‘Nothing is more powerful than an idea whose time has come.’ મારે માટે રોજ નવું શહેર, નવા મિત્રો, ઈન્ટરવ્યૂ બધું જ રોમાંચક હતું. મને લાગ્યું કે જો મારી પાસે સમય છે તો લોકો સુધી પહોંચવાનો આ ઉત્તમ રસ્તો છે. આ રીતે મહિનાઓ પસાર થતાં વર્ષ થયું અને પછી એક દિવસ જ્યારે હું સેન્ટલુઈમાં રેડિયો સ્ટેશન ઉપર હતો ત્યારે મારા મિત્ર આર્થર પાઈનનો ફોન આવ્યો કે ન્યુયોર્ક ટાઈમ્સના નેશનલ બેસ્ટસેલર બુકમાં મારું નામ આઠમા નંબરે પ્રકાશિત થયું છે. એક પણ નેશનલ ટી.વી. કે રેડિયો ઉપર ગયા સિવાય હું લોકો સુધી પહોંચી શક્યો. મારું પુસ્તક લોકોએ ખરીદીને એને ‘બેસ્ટ સેલર’ સુધી પહોંચાડ્યું. મને અચંબો અને આઘાત બંનેનો અનુભવ થયો. મારી અંતઃપ્રેરણા અને વિચાર મને જે રીતે દોરતાં હતાં તેની હજુ તો શરૂઆત જ હતી. હું મારી નકારાત્મક ટેવ અને કોઈપણ બાબતમાં મત આપવાની વૃત્તિમાંથી મુક્ત થતો જતો હતો. મારી ખોજ મારા અસ્તિત્વના હેતુ સુધી પહોંચવાની હતી. બીજો ફેરફાર મેં મારી દિનચર્યામાં કર્યો. મેં કસરત કરવાની ચાલુ કરી. પહેલે દિવસે એક માઈલ દોડ્યો. પણ એમ કરતાં તો હું હાંફી ગયો. એન્જિનની જેમ મારા ધૂમાડા નીકળી ગયા. પછી બીજે દિવસે દોડ્યો – એમ કરતાં બે મહિના પછી હું અટક્યા વગર 8 માઈલ દોડી શકતો હતો. સાથે સાથે હું મારા ખોરાકની ટેવ પ્રત્યે પણ સજાગ થયો. જેમ વધારે તંદુરસ્ત થતો ગયો તેમ વધારે positive થયો. હું જાણે મારા પહેલાંના વ્યક્તિત્વને ભૂલી જ ગયો. તમારી ચેતનાના ઉપરના સ્તર (enlightenment) સુધી પહોંચવાની કદાચ આ જ પ્રક્રિયા છે – પહેલાં તમે તમારી જાત સુધી પહોંચો અને નાનામાં નાની નબળાઈને સમજપૂર્વક દૂર કરો. જ્યારે તમારી પોતાની ત્રુટીઓ દૂર થશે ત્યારે તમને જીવન વધારે હેતુસભર લાગશે. તમે એ અનુભૂતિ વધારે વિશ્વાસપૂર્વક બીજા સાથે વહેંચી શકશો. બીજા લોકોને તમે એનો અનુભવ કરાવી શકશો.

મારા પુસ્તકની ખ્યાતિ વધીને ‘The Tonight Show’ના સંચાલક હાવર્ડ પાપુશ સુધી પહોંચી અને મને ફોન આવ્યો કે તે મારો ઈન્ટરવ્યૂ લેવા માગે છે. મારે માટે એ ફોન મારું સ્વપ્ન હતો જે હું યુવાન છોકરા તરીકે એક સમયે જાત માટે જોતો હતો. આજે એ સ્વપ્ન સાકાર થતું લાગ્યું. ત્યારપછીના 10 દિવસમાં ત્રણ શો ટીવી ઉપર પ્રસારીત થયા. મને થોરોની એક વાત યાદ આવી : ‘જો કોઈ આત્મવિશ્વાસ સાથે પોતાનાં સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરે, અને પોતે કલ્પના કરેલ એ જીવન જીવવાનું સાહસ કરે તો તે સામાન્ય રીતે ન મળે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે.’ ‘Your Erroneous Zones’ 26 ભાષાઓમાં પ્રકાશિત થઈ અને એની ટેપ, લેખો અને ભાષણો માટેનાં આમંત્રણોનો ઢગલો થયો. મેં આટલાં વર્ષમાં ન જોયા હોય તેટલા પૈસા હું એક વર્ષમાં કમાયો અને વધારે અગત્યની વાત – હું સ્વતંત્ર હતો.

મને હંમેશા લાગ્યું છે કે વિચાર પણ વસ્તુ છે. એક વિચારને સતત ઘૂંટ્યા કરો – સતત મનન કરો તો એ વાસ્તવિકતામાં પરિણમશે. એ માટે આપણે કલ્પનાની પ્રક્રિયા વિશે વધારે જાણવું પડે.

વિચારને સાકાર કરવાના ચાર નિયમો :

આપણે જે કલ્પના કરીએ છીએ તે વિચારમાં રૂપાંતર થાય છે અને એ રૂપાંતરને કોઈ ભૌતિક મર્યાદા નથી હોતી. તમે તમારા વિચારને આગળ વધારી શકો અને પાછળ જઈને પહેલાં આવેલા વિચાર પર જઈ શકો. તમારે તમારી ઈન્દ્રિયોની જરૂર નથી. તમારી આ ક્રિયા ઊંઘમાં આવતા સ્વપ્ન જેવી છે. ચાર નિયમો તમને આ જગતમાં નિરાકાર અને માનસિક અવસ્થામાં લઈ જઈ શકે :

[1] તમારી કલ્પના જ તમને કામ કરાવે છેઃ

જો તમે કલ્પના કરો કે અમુક કામ કરવા તમે અસમર્થ છો તો તે સંદેશો તમારા મગજ સુધી પહોંચશે અને તમારો વિચાર દઢ થશે કે તમારાથી એ કામ થાય જ નહીં. અંતે એ કામ તમે કરશો તો અસફળ થશો. ધારો કે તમે તમારી કાર લઈને ફરવા જવાના છો અને તમારી પાસે ચાર બેગ છે. જો તમે વિચારો કે ચાર બેગ તો ડીકીમાં આવશે જ નહીં તો તમે ચારને બદલે ત્રણ બેગ લઈ જવાનો વિચાર કરશો. પણ જો તમે તમારા મગજમાં એવું ચિત્ર જુઓ કે ચાર બેગ કારમાં આવશે તો તમે એ પ્રમાણે ગોઠવી શકશો. મેં એટલે જ કહ્યું છે કે હું વિચારને વસ્તુ ગણું છું. તમે જેમ ગોઠવો એ પ્રમાણે જ એ કાર્યનું સંચાલન કરશે. આ જ નિયમ પૈસા કમાવામાં પણ લાગી શકે. જો તમે મનથી નક્કી કરો કે પાંચ વર્ષમાં હું અમુક મિલકત ભેગી કરવા માગું છું તો તમે એ કલ્પના કરશો. પરિણામે એ માટે જે કંઈ જરૂરી હોય તેવા ફેરફાર તમારા જીવનમાં કરશો. ધંધા માટેના રોજના પાંચ ફોનને બદલે પંદર ફોન કરશો. તમે એવા માણસોને શોધશો અને સંપર્ક કરશો જે તમને પ્રેરણા આપે અને તમારા આ મીશનમાં મદદરૂપ હોય. તમારું જીવન બસ, આ વિચારમાં વ્યસ્ત રહેશે જે તમને એ રસ્તા ઉપર લઈ જશે. હવે જરા વિપરીત અસરની કલ્પના કરીએ…. જો તમે તમારી જાતને એક ગરીબ વ્યક્તિ તરીકે કલ્પશો તો તમે એવાં જ માણસના પરિચયમાં આવશો કે જે દોલતથી વંચિત રહ્યા છે – સંઘર્ષ કરે છે, નિષ્ફળ ગયા છે. તમને એમ જ લાગશે કે જે માણસો સફળ થયા છે તેઓ નસીબદાર હતા. વાસ્તવમાં તમે જે કલ્પના કરો એ જ ચિત્ર તમારા મગજમાં અંકાય છે. જો તમે કલ્પના કરો કે શ્રોતાની સામે સ્ટેજ ઉપર ઊભા ન રહી શકો તો તમે ખરેખર એમ નહીં કરી શકો. એ અનુભવથી તમે એમ માનશો કે તમે શરમાળ વ્યક્તિ છો. હવે તમે જ્યાં સુધી ‘ડરતા નથી’ એવી કલ્પના મગજમાં મજબૂત નહીં કરો ત્યાં સુધી તમે એ જ પ્રમાણે વર્તશો.

સંજોગો ગમે તે હોય, તમે જ તમારા ચિત્રના લેખક, દિગ્દર્શક અને નિર્માતા છો અને પછી તમે જ તેના એકટર છો. તમારું જીવન કેવું જશે તે તમારા સંજોગો નક્કી નથી કરતા પણ તમે શું વિચારો છો અને કલ્પનામાં ક્યાં ચિત્રો પસંદ કર્યા છે તે હવે તમે શું કરશો તે નક્કી કરે છે. એ તમારી તંદુરસ્તી વિશે હોય, સમૃદ્ધિ વિશે હોય, તમારા સંબંધો વિશે હોય, તમે જે કલ્પના તમારા વિશે કરી હોય તે પ્રમાણે જ આગળ વધશો અને કાર્ય કરશો. જ્યાં સુધી તમે વિચારો નહીં ત્યાં સુધી એની સંવેદના થશે નહીં. જે સંવેદના તમે અનુભવશો એ જ કાર્યનું સંચાલન કરશે. આમ વિચાર જ તમારા જીવનનું સંચાલન કરે છે.

[2] તમે જે કલ્પના કરો છો તે અહીં જ છે.

આઈન્સ્ટાઈને આપણને શીખવ્યું કે સમયનું અસ્તિત્વ જ નથી. પણ આપણી દષ્ટિની મર્યાદાને લીધે જ આપણે સમય જેવી વસ્તુને શોધી કાઢી છે. વાસ્તવમાં સમય જેવું કંઈ છે જ નહીં. એનો અર્થ એ જ કે જે કંઈ આપણે વિચારીએ છીએ તે અહીં છે જ માત્ર આપણે તે જોઈ શકતા નથી. હવે એ આપણને દેખાય ત્યાં સુધી હાથ જોડીને બેસી ન રહેવાય. આપણે એ માટે પ્રયત્ન કરવો પડશે કે ક્યારે આપણને એ તક મળે જ્યારે આપણે આપણા વિચારને ભૌતિક સ્વરૂપમાં ઢાળી શકીએ જેથી આપણને દેખાય. ધારો કે તમે કોઈની કલ્પના કરો છો, જે 25 માઈલ દોડી શકે. પણ એ ક્યાં છે ? અહીં જ છે. રાઈટ બ્રધર્સે એરોપ્લેનની કલ્પના કરી એ વાસ્તવિકતા અહીં જ હતી. જરૂર છે વિચારનું વાસ્તવિકતા સાથે અનુસંધાન. આપણે કોઈ નવી સીસ્ટમ શોધવાની જરૂર નથી. આપણે માત્ર વિચારનું વાસ્તવિકતામાં કેમ પરિવર્તન કરવું એ જ શીખવાનું છે. આપણે જે કંઈ છીએ તે છે જ એમ સ્વીકારવાથી આપણે આપણી જવાબદારી વિશે વધારે સજાગ થશું અને ક્યારેક આ ભૂલ બીજાની છે એમ કહેવાને બદલે આપણે સમજશું કે જે ખોટું થયું તે આપણે જોઈ શક્યા હોત – વિચારી શક્યા હોત. દોષ બીજાનો નથી.

[3] હંમેશાં તૈયાર રહો.

‘નિશ્ચય કરો’, ‘સમજાવટથી કામ લો’, ‘હકારાત્મક રહો’ આ બધા શબ્દો તમને સ્વપ્નો સાકાર કરવામાં કામ નહીં લાગે. હું તો માત્ર એટલું જ કહું છું ‘તૈયાર રહો’. જે કરવા તમે તત્પર હશો, તૈયારી બતાવશો તે થશે જ. મને ઘણા લોકો મારા લેકચર દરમિયાન સવાલ પૂછે છે કે, ‘હું તૈયાર હતો ને મેં સતત મારા સ્વપ્નો ફળીભૂત કરવા કામ કર્યું છતાં કંઈ ના થયું, કેમ ?’ હું માત્ર એટલું જ પૂછું છું કે ‘એવું કંઈ છે જે કરવા તમે તૈયાર નથી ?’ એ કહે છે કે ‘હું મારા સ્વપ્નો માટે ફેમીલીનું સ્થળાંતર ન કરી શકું.’ બસ, હું હંમેશા કહું છું કે શાંતિથી વિચારો કે તમારા સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલવા શું કરી શકો. જો તમે બધું જ કરવા તૈયાર હશો તો તમને તમારી મંઝિલ સુધી પહોંચતા કોઈ રોકી ન શકે. કંઈ પણ કરવાની તૈયારી એ એક માનસિક અવસ્થા છે. એ મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો નથી – એ જ મંઝિલ છે. જો સતત તમને લાગતું હોય કે તમારા સ્વપ્નને સાકાર કરવા તમે હજુ તૈયાર નથી તો શક્ય છે એ તમારું સ્વપ્ન નથી. કદાચ તમને લાગે છે કે ‘નહિ, મારે જે જોઈએ છીએ તે આ નથી.’

મારી ઑફિસમાં બે પોસ્ટરો લગાવ્યા છે. એક આઈનસ્ટાઈનનો ફોટો છે જેમાં નીચે લખ્યું છે : ‘Great Spirits have always encountered violent opposition from mediocre minds.’ બીજું પોસ્ટર માત્ર લખાણવાળું છે કે, ‘I am greatful to all those people who said ‘No’. It is because of them, I did it myself.’ અહીં સૌથી અગત્યની વાત છે ‘પારદર્શકતા’. જ્યારે તમે તમારા સ્વપ્નના રસ્તા ઉપર આગળ વધો છો ત્યારે તમારે તૈયારી બાબતમાં પારદર્શક રહેવું પડશે. એવું કશું હોવું ન જોઈએ જે વિશે તમે વિચારવા કે કંઈ કરવા તૈયાર ન હો. તમારી તૈયારી જ અંદરથી એક સંવાદિતા ઉત્પન્ન કરશે જે તમને તમારો રસ્તો છોડવા નહીં દે.’ ‘તૈયાર રહેવું’ એ પણ એક વિચાર છે જે તમને શક્તિ આપે છે.

[4] યાદ રાખો – નિષ્ફળતા જેવું કંઈ છે જ નહીં.

સફળતા કે નિષ્ફળતા એ માત્ર બીજાએ નક્કી કરેલ અભિપ્રાય છે. વાસ્તવમાં નિષ્ફળતા જેવું કંઈ છે જ નહીં. ધારો કે તમે 100 ફૂટ દૂરના કાણામાં ગોલ્ફનો બોલ નાખવાનો પ્રયત્ન કરો છો અને એ બોલ જમણી બાજુ ફંટાઈ ગયો. તો તમે નિષ્ફળ નથી ગયા, તમારું પરિણામ જુદું આવ્યું એટલું જ. હાઈજમ્પની અંદર તમારે 6 ફૂટ કુદવાનું હતું અને તમે બે ઈંચ ઓછું કૂદી શક્યા. પણ એનો અર્થ એટલો જ કે તમારું પરિણામ જુદું આવ્યું. એ રીતે આપણે જે કરીએ છીએ તે જુદાં જુદાં પરિણામ આપે છે. પણ એ પરિણામને જે નિષ્ફળ કહે છે તે પોતાનો મત જ આપે છે. ધારેલું પરિણામ લાવવા માટે તમારે એ ચિત્ર મગજમાં સાચવવું પડશે અને પછી સતત એ માટે કાર્યરત રહો. જે કંઈ કરવું પડે તે કરવાની તૈયારી રાખો અને પછી તમે જોશો કે તમે જે પરિણામનું ચિત્ર તમારી કલ્પનામાં જોતા હતા તે તમે મેળવશો. જો એમ ન થાય તો ફરીવાર એ વિચારની પ્રક્રિયા તપાસો અને શોધો કે આપણી ત્રુટિ ક્યાં હતી. જો આપણી કલ્પનાના પરિણામ સુધી પહોંચવામાં ભૂલ હશે તો તે જુદું પરિણામ આપશે. પણ એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ છો.

[કુલ પાન : 50 કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : વિચારવલોણું પરિવાર. 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ-52. ફોન : +91 9426376659.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિસ્મયજનક શોધ અને શોધકો – શાંતિલાલ જાની
પત્રયાત્રા (ભાગ-2) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા Next »   

12 પ્રતિભાવો : વિચાર – અનુ. ડૉ. વિપુલ દેસાઈ

 1. hardik says:

  ડૉ વિપુલ દેસાઈ ને અનુવાદ કરવાં માટે અભિનંદન અને આભાર.
  “You will see it when you believe it” એક વસાવા જેવું પુસ્તક છે.
  આભાર મૃગેશભાઈ.

 2. ખુબ જ સુંદર વાત…..!

  આવી જ વાતો પ્રેરણાનૂં ઝરાણું – ડો જીતેન્દ્ર અઢિયાનું અને ‘જીવન – એક ખેલ’ – કુન્દનિકા કાપડિયાના પુસ્તકોમાં છે.

 3. Sonia says:

  બહુ પ્રેરણાદાયી લેખ…ફરી ને ફરી વાંચવાનું મન થાય તેવો લેખ છે. ખુબ આભાર! 🙂

 4. ખૂબ સુન્દર લેખ. અનુવાદ પણ સુન્દર. વિચાર ઉપર વિચારતા કરી મૂકે તેવી વાતો. વિદેશી લેખકની અંદર ભારતિય અધ્યાત્મની ઝલક દેખાય છે. લેખ વાચીને આનંદથયો. ડો. વિપુલ દેસાઈનો આભાર્.
  સુન્દર લેખ આપવા બદલ મ્રૂગેશભાઈનો આભાર
  કીર્તિદા

 5. અશોક જાની 'આનંદ' says:

  વિચારો વિષેના ખૂબ જ સુંદર વિચારો, પુસ્તક પણ વસાવવા જેવું…વિચારો આપણે મનથી કરીએ છીએ અને મનની તાકાતની જ આ વાત છે. મન અશક્ય લાગતી વાત શક્ય બનાવી શકે છે એ કદાચ દરેકે અનુભવ્યું હશે.

 6. જગત દવે says:

  ‘સુખ-સ્વીકાર’ કે ‘સકારાત્મક ચિંતન’ નાં વિદેશી પુસ્તકો અને લેખકો ને વિશાળ લોકપ્રિયતા મળી છે અને તેને ખરેખર પશ્ચિમી ચિંતન માનવામાં આવી રહ્યું છે.

  પરંતુ ખરેખર તો વેદો અને ઊપનિષદોનાં સંદેશ ભારતીય ભાષાઓ માં પ્રકાશિત કરાય તો તે ‘સુખ-સ્વીકાર’ કે ‘સકારાત્મક ચિંતન’ ને જ ઊજાગર કરે છે.

  ભારતની વિડંબના એ રહી કે વૈદિક-કાળની સમાપ્તિ થઈ ગઈ અને ત્યાર બાદ ‘દુઃખ-નિવૃતિ’ (દુઃખ-સ્વીકાર) નાં ચિંતન ને વેગ મળ્યો જેનાં દ્વારા સમાજમાં ત્યાગ, પલાયન, ધૃણા, વેદના, પ્રતાડના, અકર્મણ્યતા, નસીબ-વાદ, આશીર્વાદ ને શ્રાપ-વાદ, ચમત્કાર-વાદ ને એટલો વેગ મળ્યો કે તેની અસરથી આજે પણ આપણો સમાજ મુકત નથી થઈ શકતો. સમગ્ર સમાજની વિચાર-પ્રક્રિયા આ પ્રકારનાં ચિંતનથી એટલી પ્રભાવિત થયેલી છે કે તેનાંથી છુટવું લગભગ અશક્ય જેવુ થઈ ગયું છે.

  ખેર સકારાત્મક ચિંતન જે કોઈ દિશામાં થી આવે તે હંમેશા આવકાર્ય અને ઈચ્છવાયોગ્ય જ છે અને તે જેટલું વધારે ફેલાશે તે વ્યક્તિ અને સમાજનાં હિતમાં જ છે.

  ફક્ત આપણી વિડંબના એ છે કે આપણે જેને તરછોડીએ છીએ તે જ વિચારો વાયા વિદેશ થઈ Import થાય છે અને ભારતીય લેખકોનાં નામ ફક્ત અનુવાદકાર બની ને રહી જાય છે.

  • hiral shah says:

   તમારી વાત સાચી છે જગતભાઇ. હમાણાં અમે અહીં એક સત્સ્ંગમાં ભાગ લીધો હતો. એક પ્રોફેસર સ્પીચ આપવા આવેલાં અને એમની બુકનું ઇનોગ્રેસન પણ હતું. પ્રો. રેંકીને “અનેકાન્તવાદ” ઉપર પુસ્તક લખ્યું છે. જૈન ધર્મ, મહાવીર સ્વામી ભગવાનથી લઇને ગાંધીજી અને શ્રીમદ રાજચ્ંદ્ર, બધાનો ખુબ બારીકાઇથી એણે એમાં ઉલ્લેખ કરેલો અને સાથે સાથે આ અનેકાન્તવાદ વિશ્વને કેવ રીતે આજની વિષમ પરિસ્થિતિમાં ઉપયોગી નીવડી શકે એનું અમેરિકા અને ઉ.કે નાં વર્તમાન પોલિટિક્સનાં સંદર્ભમાં એણે વિસ્તારથી એની સ્પીચમાં કીધું. જે એની બુકમાં પણ છે અને આ બુકને અહીં ઘણો સારો આવકાર મળ્યો છે.

   જૈન ધર્મ, મહાવીર સ્વામી ભગવાનથી લઇને ગાંધીજી અને શ્રીમદ રાજચ્ંદ્ર,ની વાતો અને અનેકાન્તવાદનો પ્રિન્સીપલ જૈન હોવાના લીધે મેં પોતે પણ ઘણી વાર સાંભળેલો છે પણ મેં પોતે પણ ક્યારેય આટલું ઝીણવટથી “અનેકાન્તવાદ પર ક્યારેય વિચાર્યું નથી. ભારતમાં કોઇ પણ સમુદાયનાં યોગી દેશ કે દુનિયામાં આ મૂળભુત સિધ્ધાંતો વર્તમાન પરિસ્થિતિમાં કેવ રીતે ઉકેલ લાવવામાં ઉપયોગી થઇ શકે એ વિશે ભાગ્યે જ વિચારશે. એ લોકો કેટલાં શિષ્યો વધે, કેટલી જડતા (વ્રત-નિયમો) નો એમનાં ભક્તોમાં ફેલાવો થયો ત્યાં સુધી જ સિમિત છે.

   ખેર વાતનો દોર ખોટી દિશામાં દોરવવાનો મારો કોઇ ઇરાદો નથી. આ લેખ સરસ છે અને આવાં પોઝિટિવ વિચારોનો વધારે ફેલાવો થાય અને એનો અમલ થાય એ જરુરી છે જ.

 7. Every word and essense of this article is really motivation. Human mind has enormous power to turn the situation positively, I have felt this personally – in other words, situation will get changed based on the thoughts one might have. I would definitely love to get this book.

 8. ashish bhadiyadra says:

  yes i feel it. its true the waves comeout from your mind and its happen but no time limit .i already exprienced this things.

 9. Malay Bhatt says:

  See following for more information on Dr. Wayne Dyer
  http://www.drwaynedyer.com/

 10. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thank you Vipulbhai for such a beautiful translation. Please keep posting such articles. They are very helpful.

  Ashish Dave

 11. naresh (DXB) says:

  A very unique artical which i wish to read again and again……….thank you murgesh bahi speciall y for this wonderful site……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.